સ્મિતા પાટીલ..... બહુત ખૂબસૂરત, મગર સાંવલી સી! (7)
(કિનારે કિનારે સિરીઝ)'હું સ્મિતા પાટીલને પ્રથમ વખત ઓરિસ્સાના રાઉરકેલામાં મળ્યો હતો, જ્યાં અમે ‘ભીગી પલકેં’ના શૂટિંગ માટે ગયા હતા...' રાજબબ્બરે એમ કહીને પ્રથમ પરિચયની વાત પત્રકાર ઓમકાર સિંગને કરેલી હાલ રેકોર્ડમાં ઉપલબ્ધ છે. બાકી સ્મિતા પાટીલના રાજ બબ્બર સાથેના રિલેશન અને ખાસ તો લગ્નની વિગતો રહસ્યમય રીતે ઓનલાઇન ઉપલબ્ધ રહી નથી. કોઇનો એ સંબંધેનો ઇન્ટરવ્યૂ કે અહેવાલ અથવા એ માહિતી કે એ બંને કઈ તારીખે, ક્યાં અને કોની હાજરીમાં પરણ્યાં હતાં? એ કશું જ અત્યારે દેખાતું નથી. ઇવન વિકિપિડિયામાં કે સ્મિતાજીની બાયોગ્રાફીમાં પણ તે ઉપલબ્ધ નથી. બલકે જીવનકથામાં સ્મિતાજી સાથે સંકળાયેલી ઘણી સેલિબ્રિટીઝની મુલાકાતો છે. પરંતુ, રાજ બબ્બરનો કોઇ ઇન્ટરવ્યૂ નથી. ‘ભીગી પલકેં’ 1982મા રિલીઝ થઈ અને સ્મિતા પાટીલની પ્રેગ્નન્સી 1986મા બહાર પડી. એટલે ચાર વર્ષના સંવનનકાળમાં ગોસીપ કૉલમોમાં કશું ન આવ્યું હોય એ શક્ય નથી. રાજ બબ્બરનાં પત્ની નાદિરાજીનો ઇન્ટરવ્યૂ આવ્યો હોવાનું તો બરાબર યાદ છે. (અત્રે કેનેડામાં હાલ બધાં સામયિકો હાથ પર નથી. પરંતુ, જે તે સમયનાં જૂનાં ફિલ્મી સામયિકોમાં ચોક્કસ મળી શકે અને હાલ પૂરતા એવા કોઇ સંદર્ભ જો કોઇ વાચકમિત્ર પૂરા પાડી શકશે તો રેકોર્ડ વ્યવસ્થિત થઈ શકશે. નહીં તો 2017ની ભારત મુલાકાત વખતે ફિલ્મી સામયિકોની મારી ફાઇલોમાંથી તે મેળવવાનો પ્રયાસ કરાશે. પ્રોમીસ!)
રાજ બબ્બરે 2006મા સ્મિતાજીની 20મી પૂણ્યતિથિ નિમિત્તે આપેલા એ ઇન્ટરવ્યૂમાં કહ્યા પ્રમાણે, એ બેઉની મુલાકાત શરૂઆતમાં થોડીક નોંકઝોંક સાથે થઈ હતી. સૌ જાણે છે એમ, કમર્શિયલ ફિલ્મોના સર્જન દરમિયાન પ્રણયગીતો ગાવાનાં હોઇ તથા રોમેન્ટિક સીન્સ કરવાના હોવાથી હીરો-હીરોઇનનો વ્યક્તિગત મન-મેળાપ એ મૂળભૂત આવશ્યકતા હોય છે. તે સમયની પુરુષપ્રધાન ઇન્ડસ્ટ્રીમાં સ્વાભાવિક રીતે જ વધારે મહત્ત્વ અભિનેતાને મળે. પણ અહીં તો ઉંધું થતું લાગ્યું. ‘સ્મિતાએ સેટ પર ઉપસ્થિત ઘણાની હાજરીની નોંધ જ ના લીધી...’ એમ રાજ બબ્બર કહે છે તે ‘ઘણા’માં ‘હીરો’નો પોતાનો પણ સમાવેશ થયો હોવાના ચાન્સ વધારે છે. કેમ કે પ્રથમ દિવસના અંતે રાજ બબ્બરને છાપ એવી પડી કે પોતાની નાયિકા ‘મિજાજવાલી’ છે. તે દિવસે શૂટિંગ પત્યા પછી સ્મિતા આખા યુનિટને રહેવાની વ્યવસ્થા જ્યાં કરવામાં આવી હતી તે ડાકબંગલામાં પોતાની રૂમમાં જતાં રહ્યાં. તે સાંજે સૌ સાથે ડિનર લેવા આવ્યાં, ત્યારે એ પોતાનું વાંચવાનું પુસ્તક સાથે લઈને આવ્યાં અને જમતે જમતે વાંચન ચાલું રાખ્યું. જમવાની બાબતમાં કશાં નખરાં નહીં. બાફેલા ભીંડા હોય અને બાફેલો ભાત હોય તો પણ એ કશા વાંધા વગર ખાઇ લેતાં હતાં, જે ઇવન યુનિટના વર્કર્સ પણ ખાવા તૈયાર નહતા.
રાજ બબ્બર કહે છે કે, 'અમે લોકોએ વિવેકપૂર્વક પૂછ્યું કે અમારી હાજરી તેમને નડતી હોય તો અમે બધા પાછા જતા રહીએ જેથી એ શાંતિથી જમી શકે. સ્મિતાએ ચોપડી બંધ કરી, જમી લીધું અને પાછાં પોતાની રૂમમાં જતાં રહ્યાં. જ્યારે આખા યુનિટે તો મધરાત સુધી મોજ મસ્તી કરી. બીજે દિવસે સવારે યુનિટના કેટલાકે ‘ગુડ મોર્નિંગ’ કહ્યું, ત્યારે તેમણે કહ્યું, ‘અચ્છા, તો તમને બધાને એ પણ ખબર છે કે અન્ય લોકોને કેવી રીતે ટ્રીટ કરાય!’ મેં પૂછ્યું કે રાત્રે બરાબર ઊંઘ આવી હતી? તો મારી એ કમેન્ટનો કશો જવાબ ન આપ્યો.' ત્રીજા દિવસે એક કસબામાં શૂટિંગ હતું. સ્મિતાજીનો અભિનય જોરદાર હતો. રાજ બબ્બરના કહેવા પ્રમાણે તેમણે દિગ્દર્શક સતીશ મિશ્રાને કહ્યું, 'યાર, યે કૈસી હીરોઇન હૈ, હર સમય બિલ્લી કી તરહ પંજા મારને કો બૈઠી રહતી હૈ.' આમ કહેતી વખતે એક્શન પણ કરી અને સ્મિતા પાટીલને સંભળાય એ રીતે મોટેથી કહ્યું. પણ કોઇ પ્રત્યાઘાત ના મળ્યો. એ ઉનાળાના દિવસો હતા અને રાજ બબ્બર એક ઝાડ નીચે આરામ કરતા હતા.
પણ પવનને કારણે વાળ ચહેરા પર આવી જતા હતા અને તે હટાવ્યા કરતા હતા. થોડીવારે સ્મિતા પાટીલ ત્યાં આવ્યાં અને રાજના ખભે હાથ મૂકીને એમને ઉઠાડ્યા. તેમને પોતાની હૅરપીન આપીને કહ્યું ‘આ બૉબ-પીન વાળમાં ભરાવી દો.’ તે પછી જ્યારે શૂટિંગનો સમય થયો અને શૉટ તૈયાર હતો, ત્યારે યુનિટનો એક કામદાર રાજ બબ્બર પાસે આવ્યો અને કહ્યું, ‘મેડમ તેમની હૅરપીન પાછી મંગાવે છે’. રાજ બબ્બર કહે છે, ‘મેં વાળમાંથી પીન કાઢી અને જોયું તો સ્મિતા સ્માઇલ કરતાં હતાં.’ જમવાના મામલે પાંચમા દિવસે યુનિટમાં બળવો થઈ ગયો. લાલ ચોખાના ભાત ખાવાની સૌ ના પાડતા હતા. પરંતુ, સ્મિતાજીએ કહ્યું પોતે એ ભાત જમશે અને હીરોઇનને વાંધો ન હોય તો બીજા પણ જમી જ લે ને? વાત ઠંડી પડી ગઈ. રાજ બબ્બરે કહેલા એ પ્રસંગમાં નિર્માતાઓ પ્રત્યેના સ્મિતા પાટીલના સહાનુભૂતિવાળા સ્વભાવનાં દર્શન થતાં હતાં, જે તેમણે સમાંતર સિનેમાના સર્જકો સાથે એક કરતાં વધુ વખત કરાવ્યાના દાખલા હતા.
જેમ કે ‘ભવની ભવાઇ’ માટે સ્મિતાજીએ કોઇ ફી નહતી લીધી. (એક અહેવાલ મુજબ તો તે ગુજરાતી ફિલ્મ માટે કોઇપણ આર્ટિસ્ટે પૈસા નહતા લીધા.) ‘ભવની ભવાઇ’નું ઘણું શૂટિંગ આપણા ગુજરાતી સર્જક કેતન મેહતાએ અડાલજની વાવ ઉપરાંત નડિયાદ પાસેના વસો ગામમાં પણ કર્યું હતું. ગામની એક હવેલીમાં શૂટિંગ કરવા ઉપરાંત સૌ કલાકારો અને યુનિટના સભ્યો રહેતા પણ એ જ હવેલીમાં. (ચોકસાઈ બાકી... પણ એ કદાચ દરબાર ગોપાળદાસની હવેલી હતી) કેતનભાઇ સાથે સ્મિતાનો પરિચય પુના ઇન્સ્ટિટ્યૂટના સમયનો. કેતન ત્યાં ડાયરેક્શનનો કોર્સ કરતા અને સ્મિતાજી ખોપકરની પેલી ડિપ્લોમા ફિલ્મ ‘તીવ્ર મધ્યમ’ના સર્જન દરમિયાન ત્યાં આવ્યાં ત્યારની જ ઓળખાણ હતી. છતાં એક કમિટેડ દિગ્દર્શક જે અસ્પૃશ્યતા ઉપર કૃતિ સર્જી રહ્યા હતા, તેમની ગુજરાતી ફિલ્મમાં કામ કરવા ખુશી ખુશી સંમત થયાં. સ્મિતા પાટીલ જન્મે મરાઠી ભાષી. એટલે કલાકારોમાં સિનિયર એવાં અભિનેત્રી દીના પાઠક વસોની એ હવેલીમાં સ્મિતાજીને ગુજરાતી ભાષા શીખવનારાં શિક્ષક!
‘ભવની ભવાઇ’માં પણ સ્મિતાનો આખી પીઠ દર્શાવીને ખુલ્લામાં નહાવાનો એક સીન હતો. (તેથી ‘ચક્ર’માં કરાવાયેલું જાહેર સ્નાન પ્રથમ વખતનું નહતું.) તેમને છુપાઇને ભૂખી નજરે જોઇ રહેલા એક ભૂદેવને છુટ્ટો પથ્થર મારતાં એ કહે છે, 'મારા રોયા... બૈરાં નથી જોયાં કે અટાણના પહોરમાં અહીં ગુડાણો સે...?' એ તળપદો સંવાદ સાંભળો અને હીરોઇને સરસ ગુજરાતી શીખ્યાની ખાત્રી થાય. એવો જ આનંદ વસોની એ હવેલીમાં ભવાઇ જેવી ગુજરાતી લોકકલાને ભજવતાં સ્મિતાજીને જોતાં થાય. શું દિવસો હતા એ 1980ના વરસના જ્યારે ‘ભવની ભવાઇ’ રજૂ થયું હતું! ગુજરાતી ફિલ્મોના ઇતિહાસમાં પ્રથમ વખત, પડદા પર વિશ્વના આગવી શૈલીના નાટ્યકાર જર્મનીના બર્તોલ્ત બ્રેખ્તનું નામ વાંચવા મળ્યું અને તે પણ ભવાઇના આદ્યગુરૂ એવા અસિત ઠક્કરની સાથે. એ કેતનભાઇની સજ્જતા અને વધારે તો સજ્જનતા કહેવાય કે પોતાની પ્રથમ સિનેકૃતિના સર્જનમાં તેમણે જે બે ફોર્મેટનો સહારો લીધો હતો, તે બંનેના કુળગુરૂઓને ટાઇટલના પ્રારંભે ફિલ્મ ‘અર્પણ’ કરીને સર્વોપરી ક્રેડિટ આપી હતી.
એટલું જ નહીં અસિતભાઇનું નામ બ્રેખ્ત કરતાં પણ પહેલું મૂકીને ગુજરાતની કળાનું અપ્રતિમ બહુમાન કર્યું હતું. ભવાઇના એ ‘વેશ’માં ગૌરાંગ વ્યાસના નિર્દેશનમાં ભૂંગળોના નાદે અને તબલાં, નરઘાં, મંજીરા અને પખાવજના તાલે ‘રંગલી’ ઉપરાંત અન્ય પાત્રોમાં નાચતાં-ગાતાં સ્મિતા પાટીલને ‘ભાઇ... ભલા’ના હોંકારે ‘તા થૈયા થૈયા’ કરતાં વિવિધ સ્વાંગમાં જોવા જેવાં હતાં. તેમાં પ્રાણસુખ નાયક દાદા, પી. ખરસાણી દાદા અને નિમેશભાઇ તથા ગોપી દેસાઇ તેમજ કૈલાસ પંડ્યા સહિતના ઘણા સ્થાનિક રંગકર્મીઓ કેતન મેહતાના આ પ્રોજેક્ટમાં સક્રિય હતા. સ્વાભાવિક રીતે જ, 1980ના એ વરસમાં રિલીઝ થયેલી ફિલ્મોના નેશનલ એવોર્ડ્સમાં રાષ્ટ્રીય એકતા પર બનેલી શ્રેષ્ઠ ફિચર ફિલ્મનો નરગીસ દત્ત એવોર્ડ ‘ભવની ભવાઇ’ને મળ્યો હતો. (એ પુરસ્કારની સ્થાપના 1965થી થઈ છે અને 2015 સુધીના પચાસ વર્ષોના લાંબા ઇતિહાસમાં એ એવોર્ડ મેળવનારી એ એક માત્ર ગુજરાતી ફિલ્મ છે.)
1980મા સ્મિતા પાટીલ સમાંતર સિનેમાની એક બીજી મહત્ત્વની ફિલ્મ ‘આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યું આતા હૈ’માં પણ હતાં અને તે પણ શબાના આઝમી સાથે! તે સાલ સ્મિતાજીની એકાદ બે નહીં પણ પાંચ ફિલ્મો રિલીઝ થઈ હતી! ‘આલ્બર્ટ પિન્ટો’ને સઈદ મિરઝાએ અમિતાભ બચ્ચનના આગમન સાથે વિશેષ પ્રકાશમાં આવેલા કમર્શિયલ સિનેમાના લોકપ્રિય થયેલા ‘એંગ્રી યંગમેન’ સામે નસીરુદ્દીન શાહને મુખ્ય ભૂમિકામાં લઈને મધ્યમ વર્ગીય ગુસ્સૈલ ક્રિશ્ચિયન હીરોનું સર્જન કર્યું હતું. તેની પ્રેમિકા (હીરોઇન) ‘સ્ટેલા’ બન્યાં શબાના આઝમી, જ્યારે સ્મિતાજી ‘આલ્બર્ટ’ની બહેન ‘જોઆન’ બન્યાં હતાં. ‘જોઆન’ એક પગે લંઘાતી યુવતિ છે અને સાડીના મોટા સ્ટોરમાં સેલ્સ ગર્લ તરીકે કામ કરે છે. તે ફિલ્મમાં સ્મિતા પાટીલનો કોઇ વ્યક્તિને શારીરિક રીતે સ્પર્શ કર્યા વિના ઠંડકથી ફટકારવાનો અમારો ગમતો એક સીન છે.
એ સિક્વન્સ, જ્યાં પણ જરીક દેખાવડી છોકરી જુએ ત્યાં, કોઇપણ બહાને લાળ લબડાવવા આતૂર પુરૂષોને, તમાચા સમાન હતો. યાદ છે ને? સ્લીવલેસ બ્લાઉઝ સાથે હેન્ડલૂમની સાડીમાં સાદગીથી પોતાની ફરજ બજાવતી ‘જોઆન’ના સ્ટોરમાં એક છેલબટાઉ જવાનિયો આવીને કહે છે કે મારી બહેન માટે સાડી જોઇએ છે. એ તમારા જેવી સુંદર છે. એટલે સાડી તમારા ઉપર કેવી લાગે છે તે જોવી છે. ઘરાકની આંખોમાં રમતાં સાપોલિયાં લગભગ દરેક સેલ્સગર્લ જોઇ જ શકતી હોય છે. છતાંય હસીને અપાતા જવાબ પાછળ નોકરીની કેવી મજબૂરીઓ હોય છે તેનો અંદાજ કેટલાને હોય છે? અહીં ‘જોઆન’ પોતાના કાઉન્ટર પરથી બહાર નીકળે છે અને લંઘાતા પગે ચાલીને પેલા કસ્ટમરને પૂછે છે, 'તમારી બહેન પણ આવી જ ખુબસૂરત છે ને? લંગડી?' એ ફિલ્મ મિલ કામદારોના હક અને હડતાલ જેવા મુદ્દાઓ પરની ડાબેરી ઝોકવાળી હતી. ફિલ્મનું શૂટિંગ પૂરું થયા પછી સ્મિતા પાટીલે દિગ્દર્શક સઈદ મિરઝાને એક અંગત પત્ર લખ્યો. (વધુ આવતા અંકે)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર