સ્મિતા પાટીલ... બહુત ખૂબસૂરત, મગર સાંવલી સી! (6)
(કિનારે કિનારે સિરીઝ)ફ્રિલ્મ ‘ચક્ર’નાં પોસ્ટર ઠેર ઠેર લાગ્યાં અને સ્મિતાજીના ગુસ્સાનો પાર ન હતો. તેમને દિગ્દર્શક રવીન્દ્ર ધર્મરાજે સ્ક્રિપ્ટ સંભળાવતા સમજાવ્યું હતું કે ઝૂંપડપટ્ટીમાં સ્ત્રીઓ ખૂલ્લામાં નહાય છે અને લોકો તેમના શરીરને ભૂખાળવી નજરે તાકી રહેતા હોય છે, એ વાસ્તવિકતા હતી. ત્યાંની મહિલાઓની એ મજબૂરી હોય છે અને તેને પરિણામે કશા સ્પર્શ વિનાનો પણ એ એક જાતનો માનસિક અત્યાચાર તેમણે સહન કરવો પડતો હોય છે. તે સ્ક્રિપ્ટની ડિમાન્ડ હતી. તેથી સ્મિતા સીન કરવા સંમત થયાં, પણ એક સમજૂતી સાથે કે એ સીનનો પબ્લિસિટીમાં ઉપયોગ નહીં કરાય. કમનસીબે ફિલ્મ પૂરી થતાં સુધીમાં ડાયરેક્ટર રવીન્દ્ર ધર્મરાજ અવસાન પામ્યા. રવીન્દ્ર ત્યાં સુધી એડ ફિલ્મો જ બનાવતા હતા. તેમને માટે ફુલલેન્થ ફિલ્મ બનાવવાનો એ પ્રથમ અનુભવ હતો. સ્મિતાએ અગાઉ શ્યામ બેનેગલ સાથે કામ કર્યું હતું, જે પણ એડફિલ્મોની દુનિયામાંથી આવ્યા હતા અને અર્થપૂર્ણ કૃતિઓ આપી ચૂક્યા હતા.
પરંતુ, સ્મિતાજીને વચન આપનાર રવીન્દ્ર ધર્મરાજ જ દુનિયામાં ના રહ્યા પછી તો આખો મામલો ડિસ્ટ્રીબ્યુટરને હસ્તક પહોંચી ગયો. ત્યાં તો આવો સીન હાથ પર હોય તો એને પોસ્ટરમાં મૂક્યા વિના કોઇ છોડે કે? સિનેમાના ધંધામાં બે આંખની શરમ ભાગ્યે જ નડે. એ સાવ નાનકડું દ્દશ્ય પિક્ચરમાં ઇન્ટરવલ પૂરો થતાં તરત આવે છે અને તેથી તેની અસર લાંબો સમય નહતી રહેવાની. એટલું જ નહીં, સ્મિતાએ એ અગાઉ પણ ઇન્ટિમેટ કહેવાય એવાં દ્દશ્યો કર્યાં જ હતાં. પણ તેની મોટાપાયે પબ્લિસિટી કદાચ પહેલી જ વાર થતી હતી. મુંબઈમાં મોટાં મોટાં હોર્ડિંગ્સ અને પોસ્ટર લાગ્યાં અને દેશભરનાં મેગેઝિનોમાં ‘આર્ટ ફિલ્મોના નામે નગ્નતાને પ્રોત્સાહન અપાય છે?’ જેવા વિષયો અંગે પેલો સ્નાન-ફોટો કવર પર મૂકીને ચર્ચાઓ ચાલી. તે અગાઉ રાજકપૂરની ‘સત્યમ શિવમ સુંદરમ’માં ઝિન્નત અમાનના દેહનું પ્રદર્શન કરવા બદલ ચાર વર્ષ પહેલાં ટીકાઓ સહન કરનારા કમર્શિયલ સિનેમાને જાણે કે તક મળી ગઈ. ‘સ્મિતા પાટીલ સમાંતર સિનેમાને ફોર્મ્યુલા ફિલ્મોના રસ્તે લઈ જાય છે?’ એવા સવાલો થવા માંડ્યા.
એ વાતાવરણમાં ફરિયાદ કરવી તો કોને કરવી? કશું લેખિતમાં હતું નહીં. તે અગાઉની ‘આક્રોશ’ કે ‘ભવની ભવાઇ’ અથવા ‘ગમન’ જેવી ફિલ્મોનું કામ જાણે કે નહાવાના એ સીનમાં વહી જતું હતું. કેટલાક અપવાદને બાદ કરતાં કોઇ ‘ચક્ર’ને તેના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં જોવા ન માગતું હોય એવો માહોલ હતો. ‘ચક્ર’માં સ્મિતાએ ભજવેલી ‘અમ્મા’ની ભૂમિકાને ઘણાએ ઝૂંપડપટ્ટીની મધર ઇન્ડિયા કહી હતી. ‘મધર ઇન્ડિયા’માં માતા ‘રાધા’ બનતાં નરગીસની એન્ટિથિસીસ જેવી હતી. પોતાના સંતાન ‘બેન્વા’ માટે તમામ બલિદાન આપવા તૈયાર વિધવા ‘અમ્મા’ દીકરાને કામધંધે લગાડવા કામ લાગતા ‘લુકા’ (નસીર) અને પોતાની માલિકીનું ઝૂંપડું કરી આપવા તૈયાર ટ્રક ડ્રાઇવર ‘અન્ના’ (કુલભુષણ ખરબંદા) એમ બબ્બે પુરુષો સાથે નિયમિત શરીર સંબંધ બાંધતાં ખચકાતી નથી. ‘ચક્ર’ના મરાઠી લેખક જયવંત દળવીનું એ ચિત્રણ ’80ના દાયકા માટે જ નહીં, આજે પણ સ્ત્રીની પવિત્રતાને તેના શારીરિક સંબંધોથી માપતા સમાજને હચમચાવી નાખી શકે એવું હતું. કોઇએ તે ના જોયું કે ના એ વાતની નોંધ લીધી કે તે જ વર્ષે સ્મિતાએ સત્યજીત રેની ટેલી ફિલ્મ ‘સદગતિ’માં પણ કામ કર્યું હતું. છતાં એ વિવાદોને લીધે બોક્સ ઓફિસ છલકાઇ ઊઠી એ ચમત્કાર જરૂર થયો.
‘ચક્ર’ની ટિકિટબારીએ સ્મિતાજી માટે કમર્શિયલ સિનેમાનો દરવાજો ખોલી આપ્યો! તે વરસ 1981મા સર્જકોને કમાણી કરાવનારી ફિલ્મોમાં ‘ચક્ર’નો સમાવેશ થયો. એ ચમત્કાર સુપર હીટ ફિલ્મોની કેવી ભીડમાં થયો હતો? તે સાલ બોક્સ ઓફિસ ઉપર ધૂમ મચાવનારી ફિલ્મોમાં મનોજ કુમારની ‘ક્રાંતિ’, અમિતાભ બચ્ચનની ‘લાવારીસ’, ‘નસીબ’, ‘યારાના’, ‘કાલીયા’, રાજેશ ખન્નાની ‘કુદરત’, ‘ધનવાન’, ‘દર્દ’, ‘ફિફ્ટી ફિફટી’, કમલ હાસન અને રતિ અગ્નિહોત્રીની ‘એક દૂજે કે લિયે’, કુમાર ગૌરવની પહેલી ફિલ્મ ‘લવ સ્ટોરી’, સંજય દત્તની પ્રથમ ‘રોકી’, જીતેન્દ્રની ‘એક હી ભૂલ’, ‘મેરી આવાઝ સુનો’, ‘પ્યાસા સાવન’ સહિત ઘણી હતી. તે બધાં ચિત્રોમાં રેખાની ‘ઉમરાવ જાન’ અને સ્મિતા પાટીલની ‘ચક્ર’ એ બે કૃતિઓ એવી હતી જેમાં મહિલા પાત્ર કેન્દ્રમાં હતાં અને બંનેના કૅશફ્લો માટે તે હીરોઇનોને ક્રેડિટ પણ મળી. ‘ચક્ર’ માટે સ્મિતાજીને ફિલ્મફેર એવોર્ડ પણ રેખાજીને હસ્તે અપાયો હતો, જે પણ ‘ઉમરાવજાન’ માટે નોમિનેટ થયાં હતાં. એટલું જ નહીં, સ્મિતા પાટીલના અવસાન પછી ‘વારિસ’ ફિલ્મમાં તેમનું ડબીંગ પણ રેખાએ કરી આપ્યું હતું. ‘ચક્ર’થી સાચા અર્થમાં અભિનેત્રી સ્મિતા પાટીલનો ‘સ્ટાર’ તરીકે જન્મ થયો એમ કહેવામાં અતિશયોક્તિ નહીં હોય.
‘સ્ટાર’ બનવામાં સ્મિતાજી પોતે કેટલાં રાજી કે નારાજ હશે એ જુદી ચર્ચાનો વિષય થઈ શકે. પરંતુ, ‘સ્પર્શ’ સરખી ફિલ્મ ગુમાવવા જેવો અનુભવ હવે નહીં થાય એ સધિયારો ‘ચક્ર’ની આર્થિક સફળતા પછી જરૂર થયો હશે. તેને પગલે સ્મિતાજીએ કમર્શિયલ ફિલ્મો માટેનો પોતાનો છોછ ઓછો કરી નાખ્યો અને તેનો ખુલાસો તે દિવસોમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં સ્પષ્ટ સંભળાય છે. તેમણે પત્રકાર મનોજીત લહિરી સાથેની મુલાકાતમાં આવું કહ્યાનું રેકોર્ડ પર છે, 'મને કેટલાક પ્રોજેક્ટ્સમાંથી પડતી મૂકાઇ હતી. એ બહુ નાની બાબત હોવા છતાં મને તે ભારે અસર કરી ગઈ. મેં મારી જાતને કહ્યું તેં પૈસા કમાવાની ક્યારેય ચિંતા કરી નહીં. નાના સિનેમા પ્રત્યેના તારા કમિટમેન્ટને લીધે તેં મોટી મોટી કમર્શિયલ ઓફરો ઠુકરાવી. બદલામાં શું મળ્યું? જો તેમને નામ જ જોઇતું હોય તો હવે તું નામ ‘કમાઇ’ને બતાવ....' આ અકળામણ માત્ર સ્મિતાજીની નહીં પણ નસીરુદ્દીન શાહ અને ઓમ પુરીથી માંડીને સમાંતર સિનેમામાં એ દિવસોમાં કામ કરનારા સૌની હતી. બીજી રીતે જોઇએ તો કોઇપણ સિસ્ટમ સામે ઊભા થનારાઓને અંતે મોટેભાગે એ જ વ્યવસ્થાના ભાગ બન્યા વિના છૂટકો નથી હોતો એ વણલખ્યા નિયમનું સ્મિતાજી તાજું ઉદાહરણ માત્ર હતાં. (આર્ટ ફિલ્મોના કલાકારોને દંભી કહેનારા આઇ.એસ. જોહર જેવાઓ એમ સુદ્ધાં કહી ચૂક્યા છે કે એ સૌને પહેલી ફિલ્મમાં ગ્લેમરસ રોલ કરવા મળે તો કોઇ ગરીબની ભૂમિકા ના કરે!)
ગમે તેમ પણ ‘ચક્ર’થી સ્મિતાજીની કરિયરનું ચક્કર એવું ચાલ્યું કે સાગર સરહદીની ઓફબીટ ફિલ્મ ‘બાઝાર’ અને સુનિલ દત્તની ‘દર્દ કા રિશ્તા’ તો મળી જ; સાથે સાથે રાજકુમાર કોહલીની મલ્ટિસ્ટારર ‘બદલે કી આગ’માં પણ એ આવ્યાં. એ પ્રયોગ બૉક્સ ઓફિસની રીતે જોકે દઝાડનારો હતો. (કેટલાકે એ ફ્લોપ ફિલ્મનું નામ ‘ડબલે કી આગ’ પાડ્યું હતું!) સ્મિતા પાટીલને મોટાભાગની કમર્શિયલ ફિલ્મોમાં શોભામાં અભિવૃદ્ધિ કરવા સિવાય અન્ય કશું કરવાનું નહતું. એ એક જ વરસ 1982મા ‘અર્થ’ સહિતનાં દસ ચિત્રો આવ્યાં! જોકે સ્મિતા પાટીલની એન્ટ્રી સ્ટાર સિસ્ટમમાં થવા છતાં એ ત્યાં કમ્ફર્ટેબલ મહેસૂસ નહતાં કરતાં એ વાતની પુષ્ટિ તેમના ‘નમક હલાલ’ અને ‘શક્તિ’ના હીરો ખુદ અમિતાભ બચ્ચને કરેલી છે. અમિતજીએ કહ્યું છે તે જ સ્મિતા પાટીલનાં મમ્મીએ પણ કહ્યું હતું. વિદ્યાતાઇના જણાવ્યા મુજબ ‘નમક હલાલ’નું ગાયન 'આજ રપટ જાયેં તો હમેં ના ઉઠૈયો...' નું શૂટિંગ કર્યા પછી તેમની દીકરી ખુબ રડી હતી. એ ગાયનના ફોટોગ્રાફ્સ પ્રોડ્યુસરે બજારમાં એટલે કે થિયેટરોમાં ‘આગામી આકર્ષણ’ તરીકે રિલીઝ કર્યા, ત્યારે પણ ‘અસલી સ્મિતા ક્યાં છે?’ એવા શિર્ષક સાથેના લેખો ફિલ્મી સામયિકોમાં આવવા માંડ્યા હતા. પરંતુ, કમર્શિયલ સિનેમાના નિર્માતાઓ જો સ્ટાર્સ માટે પોતાની તિજોરીઓ ખૂલ્લી મૂકે, તો તેના બદલામાં ડિમાન્ડ પણ એવી જ ખૂલ્લી મૂકતા હોય છે. જેમ કે ‘શક્તિ’ના એક ગાયનમાં અમિતાભ બચ્ચન સાથે ખૂલ્લી પીઠે ગરમ ધાબળામાં લપેટાઇને તાપણાને સહારે ગરમાટો લેવાનો હૉટ સીન પણ કરવાનો આવ્યો. એ ગીતના આનંદ બક્ષીએ લખેલા શબ્દો પણ સ્મિતા પાટીલની કરિયરના એ વળાંકે કેવા સૂચક લાગે છે? 'જાને કૈસે કબ કહાં ઇકરાર હો ગયા, હમ સોચતે હી રહ ગયે ઔર પ્યાર હો ગયા...'
‘શક્તિ’ અને ‘નમક હલાલ’ને સફળતા મળવા છતાં એ અમિતાભ બચ્ચન કે રમેશ સિપ્પીની અથવા તો પ્રકાશ મેહરાની મલ્ટિસ્ટાર ફિલ્મો હતી. પણ પોતે એક હીરોઇન તરીકે હોય અને કોઇ એક જાણીતા સ્ટાર સાથે પોતાની જોડી જામી હોય એવું હજી થતું નહતું. એવામાં ફિલ્મ મળી ‘ભીગી પલકેં’, જેના હીરો હતા રાજ બબ્બર! જોકે રાજ-સ્મિતાની પ્રથમ રિલીઝ ફિલ્મ હતી, ‘તજુર્બા’. પરંતુ, બેઉ એકબીજા સાથે પહેલી વાર આમને-સામને થયાં હતાં ‘ભીગી પલકેં’ના નિર્માણ દરમિયાન. સ્મિતા પાટીલે અંતતઃ રાજ બબ્બરના સંતાનને જન્મ આપ્યો અને એ ડિલીવરી પછીનાં તબીબી કોમ્પ્લિકેશન્સમાં અવસાન પામ્યાં એ ખૂબ મોટી ઘટના હતી. એ બંનેના સંબંધો તથા સ્મિતાની સગર્ભાવસ્થા ફિલ્મી મેગેઝિનોની હેડલાઇન બન્યા હતા. તેમ છતાં બંનેના સંવનનકાળની બહુ ઓછી વિગતો હવે ઉપલબ્ધ છે. ઇવન સ્મિતા પાટીલની જીવનકથા આલેખનારાઓએ પણ એ ચેપ્ટરની ખાસ વિગતો આપી નથી. ત્યારે એ બેઉ પ્રથમ વખત કેવી રીતે મળ્યાં હતાં અને તેમના સંબંધોની શરૂઆત કેવી થઈ હતી, તે વિશેના એક દુર્લભ ઇન્ટરવ્યૂમાં રાજ બબ્બરે કહ્યું હતું કે, 'અમારી પહેલી મુલાકાત મુંબઈમાં નહતી થઈ...'
(વધુ આવતા અંકે)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર