સ્મિતા પાટીલ... બહુત ખૂબસૂરત, મગર સાંવલી સી! (10)

07 Oct, 2016
12:00 AM

સલિલ દલાલ

PC: marathionweb.com

સ્મિતા પાટીલે ‘સામી વ્યક્તિ પ્રેમ ન કરે તો પણ તમે એ વ્યક્તિને ચાહી શકો છો?’ એવા પૂછેલા સવાલના જવાબમાં મહેશ ભટ્ટે નિખાલસતાથી કહ્યું કે ‘કદી નહીં. હું એવો દેખાડો જરૂર કરું છું કે હું નિસ્વાર્થી છું. પણ હું નથી. મેં ધ્યાન કરવાથી માંડીને રજનીશજી સહિત તમામની અજમાયેશ કરી જોઇ છે. પણ સ્વાર્થીપણું નથી જ ગયું.’ રજનીશજી જે જમાનામાં હજી ‘ભગવાન રજનીશ’ કે ‘ઓશો’ નહતા કહેવાતા ત્યારે સિનેમાજગતના વિજય આનંદ અને મહેશ ભટ્ટ જેવા નિર્દેશકોની જેમ એક્ટર વિનોદ ખન્ના પણ સામેલ હતા, જેમનું નામ સ્મિતા પાટીલ સાથે જોડાયું હતું. (મહેશ ભટ્ટે તો પછી એક સનસનીખેજ ઇન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું હતું કે નિરાશ થઈને રજનીશજીની માળા પોતે ટોઇલેટમાં ફ્લશ કરી દીધી હતી!) વિનોદ ખન્નાએ એક તબક્કે ફિલ્મોમાંથી સન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી અને રિટાયર થઈને પાંચેક વરસ અમેરિકામાં સ્થપાયેલા રજનીશપુરમ કોમ્યુનમાં રહ્યા પણ હતા. તેમની સાથે શરૂઆતના દિવસોમાં રજનીશજીનાં પ્રવચન સાંભળવા સ્મિતા પાટીલ જતાં અને ત્યારે, આજના એક્ટર્સ પણ તે દિવસોમાં નાના બાળકો એવા, અક્ષય ખન્ના અને રાહુલ ખન્નાને સ્મિતા પાટીલ સાચવતાં એવું સિનિયર એડિટર ભારતી એસ. પ્રધાને નોંધ્યું છે.

ભારતીજી તે દિવસોમાં ‘સ્ટાર એન્ડ સ્ટાઇલ’ મેગેઝિનનાં પત્રકાર હતાં અને શત્રુઘ્ન સિન્હાની બાયોગ્રાફી ‘ખામોશ’ એમણે તૈયાર કરી છે. તેમની દલીલ એવી રહી છે કે ‘સ્મિતા પાટીલને પરિણિત પુરુષ સાથે હરવા-ફરવામાં પહેલેથી જ સંકોચ નહતો.’ એ નવા જમાનાની સ્વતંત્ર મિજાજ છોકરી છે એવું સૌ જાણતા હતા. એટલે રાજ બબ્બર જોડેના સંબંધો ચર્ચામાં આવ્યા ત્યારે શરૂઆતમાં પરિવાર સહિતના કોઇને એ પ્રેગ્નન્સી સુધી પહોંચશે એવા ગંભીર થશે એની કલ્પના નહીં હોય. બાળક પ્રતીકના પ્રશ્ને પાટીલ અને બબ્બર પરિવારના જે મતભેદ રહ્યા હોય તે અને પ્રતીક તથા આર્ય બબ્બર વચ્ચે 2011મા અખબારોના પાને જે બોલાચાલી થઈ હોય તે ખરી, પણ આજે 2016મા સ્થિતિ સાવ જુદી છે. આ અઠવાડિયે પહેલી ઓક્ટોબરે જ પ્રતીકે પત્રકાર સુભાષ કે. ઝા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આજે તે પોતાના પિતા રાજ બબ્બર સાથે ઘણી નિકટતા અનુભવે છે. એટલું જ નહીં એમ પણ કહ્યું કે હવે મને સમજાય છે કે મારા ડેડીનું ફેમિલી પણ મારાં મમ્મીના કુટુંબ જેટલું જ મારું કુટુંબ છે.

એટલે પ્રતીક હવે ‘બબ્બર’ અટક લગાડશે તો આશ્ચર્ય નહીં થાય. પણ જો એ ખરેખર એક્ટિંગમાં નામ કાઢવા માગતો હશે તો તેને માટે તેનાં મમ્મીએ પૈસાની પરવા કર્યા વગર ફિલ્મોની પસંદગીનો જે ઊચ્ચ માપદંડ રાખ્યો હતો તે કોઇપણ સાચા કલાકાર માટે માર્ગદર્શક થઈ શકે એવો છે. ખરેખર તો સ્મિતા પાટીલની માત્ર બાર જ વર્ષની કરિયરમાં આવેલી સંખ્યાબંધ અર્થપૂર્ણ ફિલ્મો જુઓ તો જે તે સમયકાળની વિવિધ શોષિત વર્ગોની મહિલાઓની સ્થિતિનો ગ્રાફ મળી શકે. તેમાં ગામડાની, આદિવાસી, હરિજન, તેમજ અન્ય દલિત કચડાયેલા વર્ગથી માંડીને શહેરી તથા દેહના વ્યાપારમાંની સ્ત્રીઓને કેન્દ્રમાં રાખીને લખાયેલી વાર્તાઓ હતી. તે ફિલ્મોમાં સામંતશાહી અને રાજાશાહીનો વારસો છેલ્લા તબક્કામાં હોય, પુરુષપ્રધાન કુટુંબ વ્યવસ્થા તેમજ જાતિ આધારિત સામાજિક માળખાની સાથે રીતરિવાજો જેવી વિવિધ સ્તરની જટીલતાઓથી ભરપૂર એવા ભારતીય સમાજમાં મહિલાઓના સ્થાનનો જે સંક્રાંતિકાળ હતો તેનાં કેટકેટલાં પાત્રોને સ્મિતાએ પડદા ઉપર જીવંત કર્યાં હતાં!

સ્મિતા પાટીલે એક પછી એક વાસ્તવિક ગ્રામ્ય મહિલાનાં પાત્રો કરીને કમર્શિયલ સિનેમાએ ઊભી કરેલી ‘ગાંવ કી ગોરી’ની ગ્લેમરસ ઇમેજને બેરહમીથી તોડી નાખી હતી. ગામડાની સ્ત્રીના ટિકિટબારીએ ઊભા કરેલા કન્સેપ્ટમાં એક સરખાં ડિઝાઇનર બેડાં લઈને એ સખીઓ સાથે ગીતો ગાતી હોય અને વિલન તેની ઇજ્જત લૂંટે તો હીરો બચાવે અને બધા સાથે મળીને ખાધું, પીધું અને રાજ કર્યું. જ્યારે સ્મિતાની સમાંતર ફિલ્મોની હીરોઇનની જાતિ કે વર્ગ નક્કી હોય, ‘ગરીબ કી બેટી’ એવું કશું મોંઘમ નહીં. એ ‘ભવની ભવાઇ’માં હરિજન બને  તો ‘આક્રોશ’માં આદિવાસી અને મુઝફર અલીની પ્રથમ ફિલ્મ ‘ગમન’માં મુંબઈમાં ટેક્સી ચલાવતા પતિ (ફારૂક શેખ)ની નવોઢા મુસ્લિમ મહિલા ‘ખૈરુન્નિસા’. (અહીં ‘સ્મિતાની ફિલ્મો’ એમ ઇરાદાપૂર્વક કહ્યું છે. એક અભિનેત્રીના નિષ્ઠાપૂર્વકના કમિટમેન્ટ વગર સતત આવી જ ફિલ્મોની પસંદગી શક્ય નથી.) કોઇ આશ્ચર્ય નહતું કે તેમની હયાતીમાં જ ભારત સરકારના ફેસ્ટિવલ ડિરેક્ટરેટ દ્વારા ન્યુયોર્કમાં આયોજિત ‘ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા’માં મોકલાયેલી ફિલ્મોમાં ‘પ્રવર્તમાન ફિલ્મો’ના વિભાગમાંની 19 પૈકીની 7 તો સ્મિતાજીની જ હતી. એ સેક્શનનું નામ ‘નવી પેઢી’ (ન્યૂ જનરેશન) રખાયું હતું અને તેમાં 1960થી ’80 સુધીના સમયકાળમાં આવેલી કૃતિઓનો સમાવેશ હતો. 

તે યાદીમાં ‘ભવની ભવાઇ’ (ગુજરાતી), ‘ચક્ર’, ‘મંથન’, ‘અકાલેર સંધાને’ (બંગાળી), ‘આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યું આતા હૈ?’, ‘આક્રોશ’ અને ‘ભૂમિકા’ જેવી ફિલ્મો હતી. એ ફેસ્ટિવલમાં જવા માટેની ફ્લાઇટ પકડવાની હતી અને છતાં લિક સે હટકર ફિલ્મો માટેનું કમિટમેન્ટ એવું કે આગલા દિવસ સુધી રાયપુરમાં શૂટિંગ કર્યું; તે પણ સત્યજીત રે જેવા સમાંતર સિનેમાના એવરેસ્ટ સમા દિગ્દર્શક સાથે, તેમની ટેલિફિલ્મ ‘સદગતિ’ માટે. શૂટિંગ પતાવીને સ્મિતાને નાગપુર જવાનું હતું, ત્યાંથી મુંબઈની ફ્લાઇટ પકડવાની અને ન્યુયોર્ક રવાના થવાનું હતું. ‘સદગતિ’ દૂરદર્શન પર પ્રસારિત થનારી લગભગ અડધા કલાકની કૃતિ હતી. તેમાં સ્મિતા પાટીલની ભૂમિકા પંડિત દ્વારા શોષિત ‘દુખીયા ચમાર’ની પત્ની ‘ઝુરિયા’ની હતી. બધી તૈયારીઓ થઈ ચૂકી હતી અને વરસાદ ઘેરાયો. સત્યજીત રેએ પ્લાન બદલી નાખ્યો અને ક્લોઝ અપ કે મીડ શોટ કશું લીધા વગર વરસતા વરસાદમાં (જાણે કે પ્રકૃતિ પણ રડતી હોય એવા સિમ્બોલિક હવામાનમાં) સ્મિતાનો એક સળંગ લાંબો શોટ લીધો. પતિના મૃત્યુ બદલ એ બ્રાહ્મણને કોસે છે, ‘મહારાજ ઉસને આપકા ક્યા બિગાડા થા, જો આપ ઇતને નિર્દયી હો ગયે?’ એમ બોલતી ‘ઝુરિયા’ ચોધાર આંસુએ રડતી રડતી છેલ્લે પંડિતના બારણે બેસી પડે છે. એક જ ટેકમાં શૉટ ઓકે અને ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા માટે રવાના.

‘ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા’ ભારતનો હતો માટે સ્મિતાની ફિલ્મોને મહત્ત્વ મળ્યું એવું નહતું. 1985મા ફ્રાન્સમાં સ્મિતા પાટીલની ફિલ્મોનો રેટ્રોસ્પેક્ટિવ (ફિલ્મોત્સવ) યોજાયો હતો. આ કેટલું મોટું બહુમાન હતું! સિનેમાના ક્ષેત્રમાં સત્યજીત રે, રાજ ક્પૂર, વી.શાંતારામ કે શ્યામ બેનેગલ જેવા સર્જકોના ફિલ્મોત્સવ ઉજવાતા હોય છે. પરંતુ, કોઇ એક ભારતીય અભિનેત્રીની હયાતીમાં, માત્ર 30 જ વર્ષની ઉંમરે, તેમની જ ફિલ્મોને દર્શાવતો રેટ્રોસ્પેક્ટિવ યોજાયો હોય અને તે પણ કળાના પાટનગર જેવા પેરિસમાં તે સ્મિતા પાટીલને એક અલગ જ કેટેગરીમાં મૂકે છે. તે અગાઉ ’82માં શિકાગોની આર્ટ એકેડેમીએ પણ એ જ પ્રકારે ‘સ્મિતા ફિલ્મોત્સવ’ કર્યો હતો. (જ્યારે સ્મિતાની વય ફક્ત 27 વરસ!) શું સાવ નાની ઉંમરે મૃત્યુ થવાના પોતાના અંદેશાને લીધે તેમણે ફીની ચિંતા કર્યા વગર સારા સારા નિર્દેશકો સાથે કામ કરવાની ઉતાવળ કરી હશે? પૈસા નહીં પણ એક ચોક્કસ પ્રકારની ફિલ્મો માટેની પ્રતિબદ્ધતા જ હતી ને? એવી ફિલ્મોમાં પબ્લિસિટી પણ ક્યાં મળવાની હતી? વિવેચકો અને ફિલ્મ ફેસ્ટિવલ્સમાં કે પછી મોટાં શહેરોમાં સ્થપાયેલી ‘ફિલ્મ સોસાયટી’ઓમાં ગણતરીના પ્રેક્ષકો દ્વારા જ જોવાતી હોવા છતાં એવી ફિલ્મો માટે આટલી બધી નિષ્ઠા! તે જમાનામાં આજની જેમ ફિલ્મો પ્રદર્શિત કરવાના ઇન્ટરનેટ અને યુ ટ્યુબ જેવા વિકલ્પો ક્યાં હતા કે સર્જકો અન્ય રીતે પણ કમાઇ શકે? પિક્ચર પ્રોડ્યુસ કરવાના પૈસા સરકારી સંસ્થા ‘નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન’ (‘એનએફડીસી’) આપે અને તે પણ પાંચ કે દસ હજાર રૂપિયા જેવી, ઇવન એ દિવસોની પણ, મામૂલી રકમ! એ તો ભલું થજો ઋષિકેશ મુકરજીનું કે ‘એનએફડીસી’ના ચેરમેન તરીકે હતા ત્યારે તેમણે પહેલીવાર ‘મિર્ચ મસાલા’ના બજેટમાં એ ફી પંચોતેર હજાર કરી આપી હતી. 

‘મિર્ચ મસાલા’ રજૂ થઈ સ્મિતાજીના અવસાન પછી અને એ રીતે જુઓ તો ભાવ વધ્યા ખરા પણ સમાંતર સિનેમાની એ તેમની અંતિમ કૃતિ સાબિત થઈ. તેથી તેનો લાભ સ્મિતાજીને ના મળ્યો. ‘મિર્ચ મસાલા’ આપણા કેતન મેહતાની ફિલ્મ, જેમાં સ્મિતા પાટીલ ફરી એકવાર, મરચાંના વ્યવસાયનાં, શ્રમજીવી ‘સોનબાઇ’ બને છે. એનો અર્થ એ કે ‘ચટપટી’, ‘ડાન્સ ડાન્સ’ અને ‘શપથ’ કે પછી ‘ગલિયોં કા બાદશાહ’ જેવી કમર્શિયલ પ્રપોઝલો સ્વીકારવાની સાથે તે જ દિવસોમાં એ ‘સૂત્રધાર’, ‘દેબશિશુ’ (બંગાળી), ‘ગીધ’ અને ‘ચિદમ્બરમ’ (મલયાલમ) જેવી ફિલ્મો પણ કરતાં જ હતાં. એટલે જ કદાચ ‘માધુરી’ જેવી શિષ્ટ ફિલ્મપત્રિકાના શ્રદ્ધાંજલિ અંકમાં તે મેગેઝિનના એ સમયના સંપાદક વિનોદ તિવારીએ તેમને માટે ‘કર્મઠ અભિનેત્રી’ એવો શબ્દપ્રયોગ પોતાના સંપાદકીયમાં કર્યો હતો. તેમણે સ્મિતા પાટીલના અવસાન પછીના એ વિશેષ અંકમાં છેલ્લા દિવસોની વિગતો આપી હતી અને અંકના ટાઇટલ કવર પર શિર્ષક કર્યું હતું, ‘એક તુમ હી નહીં દિખ રહીં....’  તેમાં ‘માધુરી’ના પત્રકાર મિથિલેશ સિન્હાએ બ્રીચ કેન્ડી હોસ્પિટલના મેટરનિટી હોમના રૂમ નંબર 104મા પ્રતીકનો જન્મ થયાના દિવસે જ અભિનંદન આપવા મુલાકાત કરી તેનો રિપોર્ટ પણ હતો. મિથિલેશે પૂછ્યું, ‘શું નામ રાખવાનું વિચાર્યું છે?’ સ્મિતાએ લાડુ આપતા રાજ બબ્બર તરફ ઇશારો કરી જવાબ આપ્યો, ‘આમને પૂછો... મને તો એમ હતું કે દીકરી આવશે અને મેં તો તેને માટે નામ પણ વિચારી રાખ્યું હતું....’ (વધુ આવતા અંકે)  

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.