સ્મિતા પાટીલ... બહુત ખૂબસૂરત, મગર સાંવલી સી! (૩)
(કિનારે કિનારે સિરીઝ)વિદ્યાજીએ તત્કાળ રીક્ષા પકડી અને ‘સરસ્વતિ લક્ષ્મી મેટર્નિટી હોમ’ પર પહોંચી ગયાં, નસીબજોગે ત્યાં એ જ ડોક્ટર હાજર હતા, જેમના હાથ નીચે પણ તેમણે નર્સની તાલીમ લેવાની થઈ હતી. ત્યાં સાંજના પાંચ વાગે બાળકીનો જન્મ થયો. સ્મિતાજીની જીવનકથા આલેખકે લખ્યા મુજબ તો, અધૂરા માસે જન્મેલી હોવા છતાં બાળકીનો ચહેરો હસમુખ હતો અને તે જોઇને નામ પડાયું ‘સ્મિતા’! જો કે રડવાનું શરૂઆતમાં નહતું એ ખરું; પરંતુ, કાયમ એવું ક્યાં રહેવાનું હતું? વિદ્યાતાઇ હવે તો નર્સ હતાં. તેમને હોસ્પિટલના કેમ્પસમાં જ ક્વાર્ટર મળતાં માથે છાપરાની ચિંતા તો જાણે ટળી ગઈ. પરંતુ, ફરજ એવી કે આખો દિવસ કે આખી રાતની ડ્યુટી આવે. તેને લીધે એ બાળકી માત્ર બે મહિનાની થઈ અને માતાએ પોતાના દૂધથી વંચિત રાખવાની ફરજ પડી. પોતાના નવજાત શિશુનું ધાવણ સમય કરતાં આટલું બધું વહેલું છોડાવવાથી વધારે પીડાકારક સ્થિતિ કોઇ માતા માટે (અને એ સંતાન માટે પણ) હશે ખરી?
એટલે સાવ નાની વયે પણ બાળકી સ્મિતાને સમજ પડતી હતી કે મમ્મી નર્સનો સફેદ યુનિફોર્મ પહેરશે એટલે પોતાનાથી કલાકો માટે દૂર થઈ જવાની. માનો પાલવ પકડીને ચોધાર આંસુએ રડતી બાળ સ્મિતાને સતત રડતી મૂકીને જતાં માતાનું હૈયું ચીરાઇ જતું. પરંતુ કોઇપણ વસાહતી ક્વાર્ટરમાં બનતું એમ, આડોશીઓ-પાડોશીઓ અને મોટી બેન અનિતાની દેખરેખ હેઠળ સ્મિતાનું બાળપણ દવાખાનાના એ કમ્પાઉન્ડમાં વીત્યું. બાળકી સમજણી થઈ અને સ્કૂલે જતી થઈ ત્યારે તો શ્રાપ પણ આપતી હતી! કેમ કે સ્મિતા પાટીલના અવસાનનાં વર્ષો પછીના એક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ વખતે વિદ્યાતાઇએ કહ્યું હતું કે “રાત્રે આઠ વાગ્યાની પાળીમાં હોસ્પિટલ જવા હું તૈયાર થાઉં અને એ (સ્મિતા) મારા પગ પકડી લે અને કહેશે, ‘મા ના જઈશને રાતે કામ પર?’ અને એક વાર તો અકળાઇને બોલી ઉઠી, ‘તારું દવાખાનું જમીનદોસ્ત થઈ જાય અને મારી સ્કૂલ પણ પડી જાય!’ પણ સંજોગોની એ કેવી વિચિત્રતા કે બચપણમાં જે માતાનો કદી પાલવ નહતો છોડવો, એ જ ‘આઇ’ સાથે જિંદગીના સૌથી મોટા મતભેદ થયા; જ્યારે ’80ના દાયકામાં રાજ બબ્બર સરખા પરિણિત અને બચરવાળ પુરુષ સાથેના સંબંધોને લીધે તેમના અંગતજીવનમાં એક આંધી આવી હતી. પરિણામે પોતાની જિંદગીનો એ મહત્ત્વનો ફેંસલો પોતાની રીતે કરવા જતાં તેમને માતાના અબોલાનું જોખમ પણ લેવું પડ્યું હતું. પાટીલ પરિવારમાં ઇતિહાસ જાણે પુનરાવર્તન પામી રહ્યો હતો. વિદ્યાતાઇ અને શિવાજીરાવે પણ માતા-પિતાનું ક્યાં માન્યું હતું? વળી, સામાજિક રીતે ’ 80નો એ દાયકો પુરુષ-સ્ત્રીના સંબંધોમાં બદલાવની એવી આગ લઈને આવ્યો હતો કે તેની ઝાળ ભલભલાને લાગી હતી અને લગ્નસંસ્થાનું અસ્તિત્વ નામશેષ થઈ જશે એવી ભીતિ સમાજશાસ્ત્રીઓ દર્શાવતા હતા. સિનેમા જેવા ગ્લેમરના માધ્યમમાં સ્ટાર્સના લગ્નેતર સંબંધો મેગેઝિનોને મસાલો તો પૂરો પાડતા જ, સાથે સાથે ‘અધર વુમન’ને યોગ્ય ઠરાવવાની દલીલો પણ! જેમ કે પરિણિત ધર્મેન્દ્ર સાથે હેમા માલિનીનાં લગ્નની સ્કૂપ સ્ટોરી એક સામયિકે 1979મા ફોડી તે દિવસોમાં અન્ય એક મેગેઝિનમાં આવા વિષય પર વિવિધ સ્ટાર્સનો અભિપ્રાય પૂછાયો હતો, ‘જ્યારે કોઇની સાથે પ્રેમ થાય, ત્યારે શું એ જોવું જોઇએ કે સામી વ્યક્તિ પરણેલી છે કે કુંવારી?’ ધરમ-હેમાનાં લગ્નની એ ચિનગારીએ પછી તો ફિલ્મ ઉદ્યોગમાં દાવાનળ ફેલાવ્યો અને કેટલા બધા સ્ટાર્સનાં દાંપત્યજીવન લગ્નેતર સંબંધોની ઝપટમાં આવ્યાં એ જાણીતો ઇતિહાસ છે. લગ્નોને છેદનારા એવા અણીદાર ત્રિકોણોમાં કેવાં કેવાં લોકપ્રિય નામો હતાં.... સારિકા- કમલાસન-વાણી-, શબાના-જાવેદ-હની, શ્રીદેવી-બોની કપૂર- મોના, સોની રાઝદાન-મહેશ ભટ્ટ-કિરણ, ઝિન્નત-મઝહરખાન-રૂબૈના. તેમાં પણ પરિણિત મહેશ ભટ્ટે તો પરવીન બાબી જેવી આઝાદ ખયાલ છોકરી સાથેના પોતાના સંબંધોમાંથી વાર્તાતત્ત્વ લઈને ‘અર્થ’ જેવી ફિલ્મ પણ બનાવી હતી.
‘અર્થ’ની ગમ્મત તો એવી હતી કે તેની બેઉ મુખ્ય અભિનેત્રીઓ શબાના અને સ્મિતા પરિણિત પુરુષ સાથે સંકળાયેલી (કે સંડોવાયેલી - ઇન્વોલ્વ્ડ) હતી અને વાર્તાનો વિષય હતો લગ્નેતર સંબંધ! તે દિવસોમાં મેગેઝિનોમાં એક હળવી કોમેન્ટ એવી થઈ હતી કે તેમાં પત્ની તરીકે શબાનાનો અભિનય વધારે મહેનત માગી લેનારો હતો. કારણ કે એ પોતે કોઇના (એટલે કે જાવેદ અખ્તર અને હની ઇરાનીના) લગ્નજીવનમાં પ્રવેશેલાં મહિલા હતાં અને અભિનય કરવાનો હતો લગ્નજીવન બચાવવા માગતી પત્નીનો! જ્યારે સ્મિતા પાટીલને તો પડદા ઉપર પણ એ જ સ્થિતિમાંથી ગુજરવાનું હતું, જે તણાવ એ અસલ જિંદગીમાં અનુભવતાં હતાં. એક અસુરક્ષિત સ્ત્રી, જેને સતત એ ભય સતાવ્યા કરતો રહેતો હોય કે કોણ જાણે ક્યારે પોતાને સપનાં દેખાડનારો પરિણિત પુરુષ તેની મૂળ પત્ની પાસે જતો રહેશે. સ્મિતાએ ‘કવિતા સન્યાલ’ની એ ભૂમિકા પ્રેક્ષકોમાં પોતાની નેગેટિવ ઇમેજ ઊભી થવાની શક્યતા છતાં એક ચેલેન્જ તરીકે સ્વીકારી હતી. બાકી મહેશ ભટ્ટે ‘અર્થ’ની દરખાસ્ત કરી ત્યારે ક્યાં એ રોલ ઓફર જ કર્યો હતો?
મહેશ ભટ્ટે તો ‘અર્થ’માં સ્મિતાને શબાનાની ‘કામવાલી બાઇ’ની ભૂમિકા કરવાની ઓફર કરી હતી, જે પછીથી રોહિણી હટંગડીએ કરી. પરંતુ, સ્મિતાએ ગ્લેમર ગર્લ ‘કવિતા સન્યાલ’ બનવાનો આગ્રહ રાખ્યો. શું સ્મિતાને પોતાની એક લેબરર (‘મજૂરીયણ’)ની ઇમેજમાંથી બહાર આવવાની ઇચ્છા હશે? કે પછી શબાનાને પેરેલલ રોલ લેવાની સ્પર્ધાત્મક માનસિકતા હશે? એક અંદાજ એવો પણ મૂકી શકાય કે તે જ દિવસોમાં શ્યામ બેનેગલની ‘મંડી’ ફિલ્મમાં બંને સાથે કામ કરતાં હતાં અને તેમાં પણ શબાનાની છત્રછાયામાં રહેવાનો સેકન્ડરી રોલ હતો. તેથી વધુ એક પિક્ચરમાં શબાનાની જ ઘરકામ કરનારી નોકરાણી બનવા કરતાં સામસામી પટ્ટાબાજી કરવા મળે એવી તંદુરસ્ત હરીફાઈ કરવાની ગણતરી પણ હોઇ શકે. મઝા એ થઈ કે તે વર્ષે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીના ફિલ્મફેર એવોર્ડમાં એક જ ફિલ્મ ‘અર્થ’ની બબ્બે અભિનેત્રીઓ (સ્મિતા પાટીલ અને રોહિણી હટંગડી) નોમિનેટ થઈ. રિઝલ્ટ ચોંકાવનારું અને એક રીતે જોઇએ તો સ્મિતાને અફસોસ કરાવે એવું આવ્યું. પરિણામ આવ્યું ત્યારે સ્મિતા પાટીલ અંતિમ પાંચ સુધી જ પહોંચી શક્યાં હતાં; જ્યારે પુરસ્કાર ‘કામવાલી બાઇ’ રોહિણીને મળ્યો હતો! રોહિણીની ભૂમિકા ઓડિયન્સને અને એવોર્ડની જ્યુરીને સંવેદનામાં ઝબોળે એવી હતી અને વધારામાં તેમનો પણ પાવરફુલ અભિનય. જ્યારે સ્મિતાના રોલમાં, તે સમયના સામાજિક માળખાની રીતે કહીએ તો, નકારાત્મક પાસાં હાવી હતાં. એટલે શબાનાને ‘પૂજા’ના (‘ઓથર બૅક્ડ’) સોલ્લીડ રોલ માટે જ્યારે ‘ફિલ્મફેર’ ઉપરાંત નેશનલ એવોર્ડમાં પણ ‘બેસ્ટ એક્ટ્રેસ’નો પુરસ્કાર મળ્યો, ત્યારે સૌ કોઇના મનમાં ‘અર્થ’માં શબાનાએ કરેલો પેલો હાઇલાઇટ પાર્ટી સીન હશે. એ દ્દશ્યમાં, યાદ હોય તો, પાર્ટીમાં બધાની વચ્ચે પત્ની ‘પૂજા’ અધર વુમન ‘કવિતા’ બનેલ સ્મિતાને ‘કાર્યેષુ મંત્રી, કરણેષુ દાસી, ભોજ્યેષુ માતા...’ એ શ્લોકના હિન્દી અનુવાદ જેવા સંવાદમાં છેલ્લે ‘શયનેષુ રમ્ભા…’ નું ભાષાંતર ‘...ઔર બિસ્તરમેં રંડી’ એમ કહીને ખખડાવી નાખે છે. એ સીનમાં પોતે કશોક જવાબ આપે એવી દલીલ સ્મિતાએ શૂટિંગ વખતે કરી. પણ દિગ્દર્શકે સમજાવટથી કામ લીધું. તેમણે કબૂલ્યું કે સ્મિતાના પાત્ર માટે એ ભારે અપમાનભરી સ્થિતિ હતી. સાથે સાથે એક સર્જકના દ્દષ્ટિકોણથી જોવા પણ આગ્રહ કર્યો. ફિલ્મ માટે આવશ્યક એવું તે એક અત્યંત નાટ્યાત્મક દ્દશ્ય હતું. સ્મિતાએ એ રોલ પોતે જ માગીને લીધો હોઇ આગ્રહ રાખવાનો અર્થ નહતો. મહેશ ભટ્ટે યાદ કરાવ્યું કે સ્ક્રિપ્ટમાં સ્મિતાને પણ એક દ્દશ્ય મળે છે, જેમાં ‘કવિતા’એ ‘પૂજા’ને ખખડાવવાની છે અને શબાનાએ મૂક રહેવાનું છે. પણ તફાવત એ હતો કે સ્મિતાને મળેલો એ સીન તેની કથળતી જતી માનસિક સ્થિતિને દર્શાવવા માટેનો હતો. બહુ જ સરસ રીતે ભજવાયેલા એ દૃશ્યમાં સ્મિતા શબાનાને કહે છે કે ‘રોજ રાતે કોઇના બિસ્તરમાં આવીને બે જણની વચ્ચે સૂઇ જતાં તને શરમ નથી આવતી? તારા મંગલસૂત્રના ઝીણા ઝીણા દાણા આખા ઘરમાં વેરાયેલા હોય છે, મને એ રોજ પગમાં વાગે છે...’ વગેરે વગેરે... એ સીનમાં શબાનાને બોલવાનું નહતું. પણ અગેઇન તેણે એ બિચ્ચારી ‘કવિતા’ની દયા જ ખાવાની હતી. છતાં બંને હરીફોના સીન બેલેન્સ થશે એ સધિયારાના ભરોસે આખું શૂટિંગ પત્યું. પણ ફિલ્મ રિલીઝ થયા પછી સ્મિતાને આંચકો લાગ્યો. કેમ કે પોતાના પાત્ર ‘કવિતા’ની ઇમેજ કઠોર સ્ત્રીની અને ‘પૂજા’ની (એટલે કે શબાનાની) છબી નમ્ર મહિલાની ઉપસે એવો શબાનાનો એક સીન તેમની (સ્મિતાની) જાણ બહાર છેલ્લી ઘડીએ શૂટ કરીને ફિલ્મમાં મૂકાયો હતો. જો મહેશ ભટ્ટ સાથે પોતાની રીતે ભડાસ કાઢે તો કાયમ માટે એક સરસ ડાયરેક્ટર જોડે મન ઊંચાં થવાનું જોખમ હતું. પણ સ્મિતાએ તે રિસ્ક ઉઠાવ્યું.
(વધુ આવતા અંકે)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર