સ્મિતા પાટીલ..... બહુત ખૂબસૂરત, મગર સાંવલી સી! (12)

21 Oct, 2016
12:00 AM

સલિલ દલાલ

PC: firstpost.in

સ્મિતા પાટીલ માટે પણ 13નો આંકડો કમનસીબી લઈને જ આવ્યો. 13 ડિસેમ્બરની રાત્રે ઇંગ્લિશ ડૉક્ટર બેટ્સનું એર ઇન્ડિયાનું વિમાન દિલ્હીથી ધાર્યા કરતાં મોડું ઉપડ્યું અને જેમના ઉપર ડૉક્ટરો સહિતના સૌ આશા રાખીને બેઠા હતા, તે જ્યારે મુંબઈ પહોંચ્યા ત્યારે સ્મિતા પાટીલે દેહ છોડી દીધો હતો! રાતના બાર અને ચાળીસ મિનિટે જ્યારે સિમ્પલ કાપડિયા જસલોક હોસ્પિટલના 19મા મજલે આવેલા ઇન્ટેન્સિવ કેર યુનિટમાંથી નીચે ઉતર્યાં ત્યારે તેમની રડતી આંખોએ તે વખતે હાજર શબાના આઝમી, જાવેદ અખ્તર, પ્રાણ, નસીરુદીન શાહ, દીપ્તિ નવલ, એ.કે. હંગલ, રામેશ્વરી, રોહિણી હટંગડી જેવા સૌને એ મનહૂસ સમાચારની પુષ્ટિ મળી ગઈ કે તેમની જોડીદાર એવી અભિનેત્રી સ્મિતાનું દેહાવસાન થયું હતું! આખી ઇન્ડસ્ટ્રી માટે એ ધરતીકંપ સરખો હચમચાવી દેનારો આઘાત હતો. બીજો દિવસ એટલે કે 14મી ડિસેમ્બર ફિલ્મ ઉદ્યોગ જેમને ‘પાપાજી’ના લાડકા નામથી ઓળખતો હતો એવા રાજ કપૂરનો જન્મદિન હતો અને આર.કે સ્ટુડિયોમાં મોટો જલસો થવાનો હતો. સ્વાભાવિક રીતે જ એ રદ કરી દેવાયો. તેને બદલે સૌ કાર્ટર રોડ પર આવેલા ‘વસંત’ ફલેટ પર પહોંચી રહ્યા હતા.

‘વસંત’ આમ તો સ્મિતાજીના પિતાનો ફ્લેટ હતો. પરંતુ, સ્મિતા અને રાજ બબ્બર છેલ્લે ત્યાં રહેતાં હતાં. ‘વસંત’માં રહેવા જવા અંગે રાજ બબ્બરે સ્મિતા પાટીલના અવસાન પછીના કોઇ સમયમાં ‘સ્ટારડસ્ટ’નાં પ્રોચી બાદશાહને આપેલી એક મુલાકાતમાં જે કહ્યું હતું તે સાંભળવા જેવું છે. (આ એ સમય હતો, જ્યારે ‘સ્ટારડસ્ટ’ની ગુજરાતી નકલ પણ આવતી હતી અને આ લિમિટેડ ક્વોટ્સ તેમાંથી છે.) રાજે ત્યારે કહ્યું હતું કે '1985ના માર્ચમાં મેં મારો જુહૂનો ફ્લેટ છોડીને સ્મિતા સાથે રહેવાનું શરૂ કર્યું, તે વખતે મારી પાસે જે કાંઇ હતું તે મેં નાદીરા અને બાળકોના નામે કરી દીધું હતું અને સ્મિતા સાથે નવેસરથી જિંદગી શરૂ કરી હતી. અમે બંનેએ બાન્દ્રાના ‘રોક ક્લિફ’માં ફ્લેટ બુક કરાવ્યો હતો અને જ્યાં સુધી તે તૈયાર ન થાય ત્યાં સુધી ‘વસંત’માં રહેવાનાં હતાં....' એ જ મુલાકાતમાં એક તબક્કે રાજ એવી વાત કરે છે, જેનાથી બંને પરિવારો વચ્ચેના સંબંધોની કડવાશ સ્પષ્ટ સંભળાય છે.

રાજે કહ્યું હતું કે '.... હવે લોકો એમ બોલશે કે આ ફ્લેટ તો સ્મિતાના પૈસે ખરીદાયો હતો અને સજાવાયો હતો. રાજે તો જે કંઇ હતું તે નાદીરાને આપી દીધું હતું અને મને એમ લાગે છે કે કોણ જાણે સ્મિતાનાં પેરન્ટ્સ પણ એમ માને છે..... મારી પાસે કામ હતું. મેં સાઇન કરેલી ફિલ્મો હતી જેને માટે મને પૈસા મળ્યા હતા...... મારા તરફ ચીંધાતી આંગળીઓ સહન કરી શકીશ નહીં. તેથી જ મેં એ ફ્લેટ પ્રતીકને નામે કરી દીધો છે અને તેને બંધ રાખ્યો છે.' રાજે ‘વસંત’ છોડીને પોતાની ઓફિસમાં રહેવાનું શરૂ કર્યું હતું એ કહ્યા પછી રાજ તેનાં કારણો કહે છે એ પણ બે પરિવારો વચ્ચેની તે સમયની તિરાડ બતાવે છે. 'હું હવે ‘વસંત’માં રહેતો નથી કારણ કે મારાથી ટેન્શન સહન થતું નથી. મને લાગતું નથી કે સ્મિતાનાં પેરેન્ટ્સે મને ક્યારેય જમાઇ તરીકે સ્વીકાર્યો હોય!' પ્રોચીએ પૂછ્યું કે ‘તેઓએ તમારાં મેરેજ એટેન્ડ કર્યાં હતાં?’ જવાબમાં રાજે કહ્યું, 'નો. અમે તેમને બોલાવ્યાં હતાં. સ્મિતા રિયલી ઇચ્છતી હતી કે તેઓ હાજરી આપે. પણ તેઓ આવ્યા નહોતા. અમારા બે વર્ષના સહવસવાટ દરમિયાન એક પણ ખુશીના મોકા પર કે પ્રસંગે સ્મિતાના મા-બાપે હાજરી નહોતી આપી...' એ ઇન્ટરવ્યૂમાં આવી ઘણી અંતરંગ વાતો કહેવાઈ છે. પરંતુ, આજના સંદર્ભે તે વાતચીતનો છેલ્લો ભાગ ઉલ્લેખવો યોગ્ય લાગે છે.       

છેલ્લે પ્રોચી લખે છે, ‘મેં અત્યંત સાવધ રહીને પૂછ્યું કે તારી પ્રથમ પત્ની સાથે ફરી એકત્ર થવાના કોઇ ચાન્સ છે કે કેમ?’ સંતાપથી અકળાયેલા રાજે પૂછ્યું, 'તું મને કેવા પ્રકારનો પુરુષ માને છે? સ્મિતા મૃત્યુ પામી એનો અર્થ એ નથી થતો કે હું નાદીરા પાસે દોડી જાઉં અને એના ખોળામાં માથું મૂકીને મોટેથી રડું. ઓહ ભગવાન હું આમ ન જ કરી શકું.' એ ઇન્ટરવ્યૂ પછી સમયનાં વહેણ કેટલાં અને કેવાં વહી ચૂક્યાં છે એ આપણે જાણીએ જ છીએ. આજે રાજ પોતાની મૂળ પત્ની નાદીરા સાથે છે. નાદીરાજી વિશે સ્મિતા પાટીલના દેહાંત પછીના 15 જાન્યુઆરી 1987ના ‘માધુરી’ના પેલા અહેવાલમાં આમ લખાયું છે, 'નાદીરા બબ્બર કા રોતે રોતે બુરા હાલ થા. ઉનકો સાંત્વના દે રહે થે રાજ કે પિતા કુશલ બબ્બર જો સ્મિતા કે નવજાત પુત્ર કો દેખને હાલ હી મેં આગ્રા સે બંબઈ આયે થે....' સ્મિતાના મૃતદેહને નાયર હોસ્પિટલના કોલ્ડરૂમમાં ખસેડવામાં આવ્યો, કેમ કે તેમની બંને બહેનો ગીતા અને અનિતા અમેરિકાથી આવવાની હતી. સ્મિતાજીની બહેન ગીતાનાં લગ્ન રામ જેઠમલાનીના દીકરા જનક સાથે થયાં હતાં અને પ્રતીકના નામે સ્થપાયેલા ટ્રસ્ટના તે સમયે જે ત્રણ ટ્રસ્ટી નક્કી થયા હતા, તેમાં રામ જેઠમલાણી પણ હતા. (ગીતા અને જનક પછીનાં વર્ષોમાં અલગ થઈ ગયાં હતાં, એટલું રેકોર્ડ પૂરતું.) 

સ્મિતા પાટીલની સ્મશાનયાત્રા 15મી ડિસેમ્બરે નીકળે તે અગાઉ તેમના કાયમના મેકઅપ આર્ટિસ્ટ દીપક સાવંત દ્વારા તેમને દૂલ્હનની જેમ શણગારવામાં આવ્યાં. સ્મિતાજીએ પોતાની પૂર્વાશંકા દીપક સાથે પણ શૅર કરી હતી અને વારંવાર એ સૂચના આપી હતી કે જો તેમને કશું અમંગળ થઈ જાય તો તેમને સેંથીમાં સિંદૂર સહિત એક નવોઢાની માફક સજાવવાં. દીપક ઠેઠ ‘ભીગી પલકેં’ના સમયથી સ્મિતા સાથે જોડાયેલ કલાકાર હતા. (તે વખતે તેમને અમિતાભ બચ્ચન સાથે થયેલી ગેરસમજને કારણે ‘બીગ બી’ જોડેથી છૂટા થવું પડ્યું હતું. પછી તો સાવંત પાછા બચ્ચન સાહેબ સાથે  આવી ગયા હતા અને તેમની બનાવેલી ભોજપુરી ફિલ્મોમાં અમિતાભ અને જયા બચ્ચને ફ્રીમાં કામ કર્યું છે!) દીપકને જ નહીં સ્મિતાજીએ આ દૂલ્હનના શણગારની સૂચના દીપકનાં મમ્મીને પણ વધુ વખત આપી હતી. 15મીની સવારે નાયર હોસ્પિટલના કોલ્ડ રૂમમાંથી ઘેર લવાયા પછી નિષ્પ્રાણ સ્મિતાજીને સેંથીમાં સિંદૂર અને સોનાનો ટીકો, કપાળે સુહાગનનો ચાંદલો, અને લાલ રંગના પાનેતર સાથે સજાવાયાં. ફૂલોથી સજાવેલા વાહન પર તેમના પાર્થિવ દેહને લઈને સેંકડો ગાડીઓનો કાફલો શિવાજી પાર્ક તરફ રવાના થયો અને ‘સ્મિતા પાટીલ અમર રહો’ના નારા ગૂંજી ઉઠ્યા.

શિવાજી પાર્ક ખાતે અગ્નિ સંસ્કાર કરવાનો નિર્ણય મહારાષ્ટ્રના કદાવર નેતા શરદ પવાર અને મુંબઈના તે સમયના મેયર દત્તા નલાવડેના સૂચન પછી લેવાયો હતો. અગાઉ પરિવારે સાંતાક્રુઝ સ્મશાન લઈ જવાનું વિચાર્યું હતું. પરંતુ, મહારાષ્ટ્રની આટલી ખમતીધર પ્રતિભા અને પદ્મશ્રીથી વિભૂષિત અભિનેત્રીને સંપૂર્ણ સન્માન સાથે અંતિમ વિદાય આપવા શિવાજી પાર્કની પસંદગી કરાઇ હતી. ત્યાં તેમના પ્રશંસકો યોગ્ય રીતે અંતિમ દર્શન કરી શકે તે માટે તેમના પાર્થિવ દેહને શિવાજી મહારાજના પૂતળા નીચે મૂકવામાં આવ્યો હતો. આ એ જ સ્થળ હતું જ્યાંથી હજી બે મહિના પહેલાં 21મી ઓક્ટોબરે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ સરકાર સામે મોરચો કાઢ્યો હતો. તેમાં સગર્ભાવસ્થામાં પણ સ્મિતાજીએ ભાગ લીધો હતો અને હેમા માલિનીએ ટકોર્યાં પણ હતાં કે પ્રેગ્નન્સીના આ સ્ટેજે સાચવવાની જરૂર હોય છે. એ જ સ્થળે આખો ફિલ્મ ઉદ્યોગ તેમની એ બહાદુર સાથીને કાયમી વિદાય આપવા એકત્ર થયો હતો.

સ્મિતા પાટીલના પાર્થિવ દેહને જ્યારે અગન જ્વાળાઓએ લપેટમાં લીધો ત્યારે એક એવી પ્રતિભા પંચમહાભૂતમાં ભળી ગઈ જેણે એકત્રીસ વરસની નાની જિંદગીમાં એ હાંસલ કરી બતાવ્યું હતું જે કેટલાય સીત્તેર-એંસી વરસની ઉંમરમાં પણ પ્રાપ્ત કરી શકતા નથી. સ્મિતાજી જાણે કે ‘આનંદ’ના રાજેશ ખન્નાના સંવાદનું મૂર્તિમંત સ્વરૂપ થયાં હતાં.... ‘જિંદગી બડી હોની ચાહિએ, લંબી નહીં.... બાબુ મોશાય!’ સ્મિતાજી માટે અથવા તો સિનેમામાં અભિનય કરી ગયેલા કોઇને પણ માટે અમે વર્ષોથી કહીએ છીએ કે ‘સ્વર્ગસ્થ’ લખવાનું ના હોય. જ્યારથી ફિલ્મની પટ્ટી શોધાઇ અને હાલતી ચાલતી તસવીરો ઉપલબ્ધ થઈ ત્યારથી મનુષ્યે જાણે કે મૃત્યુ પર વિજય મેળવી લીધો છે. સિનેમાના કલાકારો પડદા ઉપર કાયમ માટે અમર થઈ જાય છે. હવે વીડિયોની શોધ અને સવલત ઉપલબ્ધ થયા પછી તો દરેક સામાન્ય વ્યક્તિને પણ તેનો લાભ મળી શકે છે. એટલે અમે તો કદી સ્મિતા પાટીલ (કે ફોર ધેટ મેટર, કોઇ પણ અદાકાર)ને મૃત્યુ પામેલા ગણતા જ નથી.

સ્મિતા પાટીલ આજે પણ ‘હમને સનમ કો ખત લિખા...’ (શક્તિ) કે ‘જનમ જનમ કા સાથ હૈ હમારા તુમ્હારા...’ (ભીગી પલકેં) કે પછી ‘આજ રપટ જાયેં...’ (નમક હલાલ) આનંદથી ગાતાં રહેવાનાં જ છે. એ પ્રૌઢાવસ્થામાં કેવાં લાગત એ કલ્પના કરવાની જરૂર નથી. તેમને ‘અમ્રિત’માં જોઇ જ શકાય છે ને? તેમનો પ્રેમ, તેમનાં નૃત્યો, તેમનો ગુસ્સો, તેમનાં આંસુ, તેમનો એકાધિકાર, તેમની કરુણા, તેમનું માતૃત્વ બધું જ તો સિનેમાના પડદે આપણી પાસે અકબંધ છે. હવે તો એ સઘળું જ્યારે ઇચ્છા થાય ત્યારે જોવાની-માણવાની સગવડ પણ છે જ. તેમ છતાંય દિલમાં એક ટીસ જરૂર રહી જાય છે.  તેમની માફક સમાજના દબાયેલા, કચડાયેલા, ગ્રામીણ અને મધ્યમ વર્ગની મહિલાઓને પ્રસ્તુત કરવાની કટિબદ્ધતા સાથે કામ કરતા કલાકારોનો આજકાલ લગભગ લોપ થયેલો અનુભવાય, ત્યારે કોઇ મોડી રાત્રે, સજળ નયને, તેમની ‘ગમન’ ફિલ્મની પંક્તિઓ ગણગણવાનું મન જરૂર થાય છે..... ‘આપકી યાદ આતી રહી, રાત ભર... આપકી યાદ આતી રહી...'    

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.