સ્મિતા પાટીલ... બહુત ખૂબસૂરત, મગર સાંવલી સી! (2)
(કિનારે કિનારે સિરીઝ)
‘આરોહણ’ના કલાકારો જ્યાં ઉતર્યા હતા, તે હોટલમાં સ્મિતા અને શબાનાને મૃણાલ સેનનો ‘ક્રૉસ કનેક્શન’ કરેલો અળવિતરો પત્ર મળ્યો હતો. ત્યાં બીજી સવારે ચા-નાસ્તાના ટેબલે શબાના આઝમી ઉતરેલા ચહેરે આવ્યાં અને પોતાના કવરમાંનો ‘ડિયર સ્મિતા’ સંબોધન લખેલો પત્ર, સ્મિતાને આપ્યો. એટલે સ્મિતાએ પણ પોતાના પર્સમાંથી કાઢીને શબાનાને તેના નામે લખાયેલો કાગળ આપ્યો અને પછી બેઉ જે ખડખડાટ હસ્યાં હતાં! પરિણામ એ કે મૃણાલ સેનની બંગાળી ફિલ્મ ‘અકાલેર સંધાને’માં સ્મિતા પાટીલની પસંદગી થઈ અને ‘ખંડહર’ માટે શબાનાની. મૃણાલદાએ કાસ્ટિંગની મજા એ કરી હતી કે ‘અકાલેર...’ માં ’ ચાળીસના દાયકામાં પડેલા બંગાળના દુષ્કાળની વાર્તા હતી અને તેમાં સ્મિતાનો રોલ એક ‘ફિલ્મ અભિનેત્રી’નો હતો.... બલ્કે તેમણે ‘સ્મિતા પાટીલ’ જ બનવાનું હતું! મૃણાલ દાના પત્રો એક-બીજા સાથે અદલા-બદલી કરતાં બંને જણ હસ્યાં હોવા છતાં એ ફિલ્મ માટે સ્મિતાની પસંદગી શબાનાને ગમે એવી નહતી. કારણ? કેમ કે તેનાથી સ્મિતાને મૃણાલ સેન તરફથી એક વિશિષ્ટ સ્ટેમ્પ લાગવાનો હતો.
બંગાળી સમાંતર ફિલ્મોના અભ્યાસીઓ જાણે છે એમ, ‘અકાલેર...’ની વાર્તા એક ફિલ્મના શૂટિંગની આસપાસ છે. ‘પિક્ચરમાં પિક્ચર’ એવી સ્ટોરીમાં આપણા પન્નાલાલ પટેલની નવલકથા ‘માનવીની ભવાઇ’ની માફક દુષ્કાળની પૃષ્ઠભૂમિ રખાઇ હતી અને વાસ્તવિકતાના આગ્રહી નિર્દેશક ’ ચાળીસના દાયકાના દુકાળિયા ગામનું જ લોકેશન પસંદ કરે છે. તેમાં સ્મિતાની ભૂમિકા સમાંતર સિનેમાની એક એવી અભિનેત્રી ‘સ્મિતા પાટીલ’ તરીકેની હતી જે પોતાના રોલ માટે સંશોધન કરે. એવા રિસર્ચ દરમિયાન તે ફિલ્મી હીરોઇનના કશા તામઝામ સિવાય સામાન્ય વ્યક્તિની માફક ગ્રામજનો સાથે સંપર્ક કરે છે અને તેને સમજાય છે કે ખેડૂતોની સ્થિતિ જેવી 1943માં હતી એવી જ ’80ના દાયકામાં હતી. કશો ફરક પડ્યો નહતો. આમ વાસ્તવિકતાની ધરતી પર રહી, સ્ટારગીરીનાં નખરાં કર્યા વગર, રિયલિસ્ટિક સિનેમામાં ટોચનું સ્થાન પ્રાપ્ત કરનાર એક્ટ્રેસ તરીકેની ભૂમિકામાં મૃણાલ સેને શબાનાને નહીં પણ સ્મિતાને પસંદ કરી એ વાતનો ખૂટકો કઇ હરીફ અભિનેત્રીને ના રહી જાય?
જો કે શબાના માટે આશ્વાસન લેવા જેવી હકીકત એ હતી કે મૃણાલ સેનની હિન્દી ફિલ્મ ‘ખંડહર’ માટે તેમને પોતાને 1984નો નેશનલ એવોર્ડ મળ્યો હતો. સામે પક્ષે સ્મિતા પાટીલ બંગાળી ‘અકાલેર સંધાને’ માટે એ પુરસ્કાર એટલા માટે ચૂકી ગયાં હતાં કે તેમના સંવાદો ડબ થયેલા હતા! પણ સ્મિતા માટે ‘અકાલેર...’માં વાસ્તવિકતાની ધરાતલ પર રહેતી પેરેલલ સિનેમાની એક્ટ્રેસ બનવું એ અભિનય નહતો... ખરેખર જ તેની લાઇફ સ્ટાઇલ હતી, તેના સંસ્કાર હતા, ઠેઠ શરૂઆતથી. કેમ કે માતાપિતા બંને સમાજવાદી વિચારસરણીને વરેલાં હતાં. એટલે આપવડાઇ નહીં પણ સાદગી કૌટુંબિક સ્વભાવ હતી.
એ બંનેનાં લગ્ન પણ સામાજિક રીત-રિવાજો સામે બગાવત જેવાં હતાં. સ્મિતાનાં મમ્મી વિદ્યાતાઇની સગાઇ માબાપે અન્ય વ્યક્તિ સાથે કરી હતી. પરંતુ, આઝાદીની લડતની સાથોસાથ દેશ આખામાં ચાલતી સામાજિક સુધારાની ચળવળમાં મહારાષ્ટ્રનો ‘ખાનદેશ’ તરીકે ઓળખાતા નંદુરબાર, જલગાંવ, ધુલિયા જેવા જિલ્લાઓનો વિસ્તાર પણ એવો જ અગ્રેસર હતો. ખાનદેશમાં યોજાયેલી એક સભામાં યુવાન વક્તા શિવાજીરાવનું જોરદાર ભાષણ સાંભળ્યા પછી યંગ વિદ્યાએ પત્ર લખીને એમની સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. તે દિવસોમાં એક કુંવારી છોકરી આ રીતે કોઇ યુવાનને કાગળ લખે એ જ કેવું ક્રાંતિકારી પગલું હતું! છેવટે પરિવારે નક્કી કરેલા મુરતિયા સાથેની સગાઇ તોડીને આ તરવરિયા જુવાન સાથે લગ્ન પણ કર્યાં અને તે નવપરણિત યુગલને સાને ગુરુજી સરખા સામાજિક સુધારકે આશીર્વાદ પણ આપ્યા. ગમ્મતની વાત એ છે કે ઇચ્છા ન હોય તો ય સ્મિતા અને શબાનાની સરખામણી માતા-પિતાના જીવન સંદર્ભે પણ થઈ જ જાય એવો વિધિનો ખેલ છે. શબાનાનાં મમ્મી શૌકતજીએ પણ હૈદરાબાદના એક મુશાયરામાં પોતાની કવિતા બુલંદ અવાજે પેશ કરતા શાયર કૈફી આઝમીને દિલ દઈ દીધું હતું! એ દંપતિ પણ સમાજને બદલવાના રાહ પર નીકળી પડેલા જુવાનિયાઓની બિરાદરીમાં શામેલ થયું હતું... ફરક માત્ર એટલો હતો કે એ આઝમી કમ્યુનિસ્ટ પાર્ટીના કોમરેડ હતા, જ્યારે શિવાજીરાવ અને વિદ્યાતાઇ પ્રજા સમાજવાદી પક્ષના કાર્યકરો હતા. જો કૈફી અને શૌકત સામ્યવાદી કોમ્યુનમાં રહીને સમૂહજીવન વિતાવતાં હતાં, તો સ્મિતાનાં મમ્મી-પપ્પા પણ અશોક મહેતાએ સોશ્યલિસ્ટો અને ટેક્સ્ટાઇલ વર્કર્સના યુનિયનના નેતાઓ માટે રાખેલા એક વિશાળ હોલમાં એક સમૂહ તરીકે રહેતાં હતાં, જ્યાં વિદ્યાજી એકમાત્ર મહિલા અંતેવાસી હતાં! સ્મિતાના શ્રદ્ધાંજલિના એક કાર્યક્રમમાં ખુદ શબાનાએ આ કહ્યું છે કે એ બંનેના બૅકગ્રાઉન્ડમાં જે સમાનતા હતી, તેને લીધે એ બંનેમાં ગાઢ દોસ્ત થવી જોઇતી હતી. (જાવેદ અખ્તર તો શબાનાને ત્યાં સુધી કહે છે કે તમે બંને બહેનો હોવી જોઇતી હતી!) સ્મિતાનાં મમ્મી-પપ્પાનાં લગ્ન થયા પછી આદેશ થયો કે દીકરાને પાર્ટીનું કામ કરવા મુંબઈ જવું હોય તો જાય. પણ ‘વહુજી’ (વિદ્યા) તો વતન ખાનદેશમાં જ રહેશે. પણ માને કોણ? બંને, શરૂઆતની જુદાઇ પછી, એક સાથે જ રહ્યાં અને તે પણ પાર્ટી તરફથી મળતા માસિક ત્રીસ રૂપિયાના પગારમાં. એ પેમેન્ટ પણ નિયમિત ના મળે. સ્મિતાનાં સૌથી મોટાં બહેન અનિતાજીના જન્મ પછી એ વધીને 75 રૂપિયા થયો હતો. મોટાભાગના એમ જાણે છે કે પાટીલ દંપતિનાં સ્મિતા, અનિતા અને સૌથી નાનીબેન માન્યા એમ ત્રણ જ સંતાનો હતાં. પરંતુ, અનિતા અગાઉ પ્રથમ ડિલિવરીમાં એક પુત્ર પણ થયો હતો, જે શિશુ અવસ્થામાં જ ગુજરી ગયો હતો.
આર્થિક તાણીતુસીના એ દિવસોમાં વિદ્યાતાઇએ કોર્પોરેશનના ક્લિનિકમાં છૂટી-છવાઇ રોજમદાર (ડેઇલી વેજ)ની નોકરી શરૂ કરી હતી. ત્યાંના એક ડૉક્ટરે સલાહ આપી કે વિદ્યાજી નર્સની તાલીમ લે, તો એ નોકરીની એક માફકસરની સ્થાયી આવક તો હોય. તે દિવસોમાં વિદ્યાતાઇ ગર્ભમાં સ્મિતા સાથે પ્રેગ્નન્ટ હતાં. (વિદ્યાજીએ 2008માં ‘ડીએનએ’ અખબારને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે એમણે સ્મિતાને કન્સિવ કરી ત્યારે પોતે ‘પ્રેગ્નન્ટ થવા નહતાં માગતાં.’
એ રીતે જોઇએ તો સ્મિતા પાટીલ એક ‘અનવોન્ટેડ બેબી’ કહી શકાય?) સગર્ભાવસ્થા છતાં વિદ્યાતાઇ ઘરકામ, કોર્પોરેશનની અસ્થાયી નોકરી, દીકરી અનિતાની સાર-સંભાળ એ બધું કરવામાં સમયની તંગી ના પડે એ માટે સાયકલ ચલાવીને ટ્રેઇનિંગ લેવા રોજ જાય. સાયકલિંગ એ ગર્ભવતી મહિલા માટે સારી કસરત કહેવાતી હોય તો પણ વિદ્યાતાઇ માટે તે એક્સરસાઇઝ સંજોગોની આવશ્યકતા વધારે હતી. એમ કરતાં કરતાં જ્યારે તેમને સાતમો મહિનો જતો હતો, ત્યારે સવારે ઘરમાં ઉતાવળે કામ કરતાં એ પડી ગયાં અને ગાયનેકોલોજિસ્ટની ભાષામાં જેને ‘વૉટર્સ બેગ’ કહે છે તે બાળકને સાચવતું કુદરતી જળાવરણ, તૂટી ગયું હતું. પણ નોકરી પર ના જાય તો રોજ પડે અને એ કોને પોસાય? વિદ્યાજી તો સાયકલ ચલાવી ઝટ ઝટ કોર્પોરેશન પહોંચ્યાં. ત્યાં 17મી ઓક્ટોબર 1955ના એ દિવસની હાજરી પુરાવી. પણ જ્યારે સાથી કર્મચારીઓએ જાણ્યું કે એ પડી ગયાં હતાં અને ગામડામાં જેને સગર્ભાની ‘પાણીની કોથળી’ કહે છે તે તૂટવાથી થયેલાં ભીનાં કપડાં જોયાં; એટલે ક્લિનિકના અનુભવીઓએ કહ્યું કે ‘આજની નોકરી ભૂલીને તાત્કાલિક પ્રસુતિગૃહે પહોંચી જા. હવે ડિલિવરી ગમે ત્યારે થઈ જશે.’
પણ મુશ્કેલી એક જ હતી, વિદ્યાતાઇએ સુવાવડ માટે પોતાનું નામ કોઇ હોસ્પિટલમાં લખાવ્યું નહતું. હવે શું? ક્યાં જવું? (વધુ આવતા અંકે) વર્તારો વિદ્યાજી તો નર્સ હતાં.નોકરીનો ટાઇમ એવો કે કાં તો આખા દિવસની કે પછી આખી રાતની ડ્યુટી આવે. તેને લીધે એ બાળકી (સ્મિતા) માત્ર બે મહિનાની થઈ અને માતાએ પોતાના દૂધથી વંચિત રાખવાની ફરજ પડી. પોતાના નવજાત શિશુનું ધાવણ એ જમાનામાં સમય કરતાં આટલું બધું વહેલું છોડાવવાથી વધારે પીડાકારક સ્થિતિ કોઇ માતા માટે (અને એ સંતાન માટે પણ) હશે ખરી?(વધુ આવતા અંકે)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર