ગુજરાતમાં બે કરોડ વાહનોથી સડકો ભરચક બની

22 Feb, 2017
04:38 PM

PC: natiwa.ru

ગુજરાતની સડકો પર બે કરોડથી વધારે વાહનો દોડી રહ્યાં છે. વાહન વ્યવહાર વિભાગના આંકડા પ્રમાણે ગુજરાતમાં 20361296 વાહનો નોંધાયેલા છે, જે પૈકી દ્વિચક્રી વાહનોની સંખ્યા 1.49 કરોડ થવા જાય છે. સૌને પરવડે અને સૌને સરળ પડે તે દ્વિચક્રી વાહન છે. જાણીને નવાઇ લાગશે કે ગુજરાતની સ્થાપના થઇ ત્યારે 1960માં સમગ્ર ગુજરાતમાં વાહનોની સંખ્યા માત્ર 8132 હતી જે હાલ વધીને દોઢ કરોડ જેટલી થવા જાય છે. બીજી તરફ લકઝરી લાઇફ વધતી જાય છે તેથી ફોર વ્હિલરની સંખ્યા પણ વિક્રમગતિએ વધી છે. ગુજરાતમાં 1990મા મોટરકાર માત્ર 1.41 લાખ હતી જે આજે વધીને 22.60 લાખ થવા જાય છે. સમૃદ્ધ ગુજરાતની આ નિશાની છે. ગુજરાતની વસતી 6.50 કરોડ છે ત્યારે પ્રતિ એક લાખ વ્યક્તિએ દ્વિચક્રી વાહનોની સંખ્યા 22953 થવા જાય છે જે 1960માં માત્ર 39 હતી. વાહનોની રફતારે હાઇવે અને માર્ગોને ભરચક બનાવી દીધા છે. જેટલા માર્ગો ખુલ્લા કરવામાં આવે છે તેટલા વાહનો વધતા જાય છે તેથી હવે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સિવાય કોઇ વિકલ્પ રહ્યો નથી. જો પબ્લિક ટ્રાન્સપોર્ટેશન વધારવામાં આવે તો માર્ગો પર પ્રાઇવેટ વાહનોની સંખ્યા ઓછી થઇ શકે છે.

બદલીઓની મોસમ શરૂ થઇ રહી છે...

ગુજરાત સરકારમાં બદલીઓની મોસમ શરૂ થઇ રહી છે. પહેલાં જિલ્લા કલેક્ટરો તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓની સામૂહિક બદલીઓ થવાની છે અને તે બજેટ સત્ર દરમ્યાન થાય તેવું લાગે છે. એ પછી વિભાગોમાં કામ કરતા સેક્રેટરીઓની બદલીઓ થશે એ સાથે જ બોર્ડ-કોર્પોરેશનમાં પણ બદલી માટેની યાદી તેયાર કરી દેવામાં આવી છે. ગુજરાતનું બજેટ સત્ર 31મી માર્ચના રોજ પૂર્ણ થશે ત્યારબાદ ભાજપની સરકાર ઇલેક્શન મોડ પર આવશે એટલે એ પહેલાં જિલ્લા અને રાજ્યના વહીવટી તંત્રમાં અનુરૂપ ફેરફારો કરશે. જો કે આ તમામ ફેરબદલની મંજૂરી માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાઇકમાન્ડની સલાહ અને સૂચનોને અનુસરે તેમ મનાય છે. ગુજરાતમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવની જગ્યા ખાલી પડે છે, કારણ કે પી.કે.તનેજા આ મહિનાના અંતમાં નિવૃત્ત થઇ રહ્યાં છે સરકાર આ વિભાગનો વધારાનો હવાલો આપે છે કે નવી કોઇ નિયુક્તિ કરે છે તેની રાહ જોવાઇ રહી છે. સરકાર મહત્ત્વના બોર્ડ-કોર્પોરેશનમાં પણ ફેરફાર કરવા ઇચ્છે છે પરંતુ તેમાં રાજકીય વ્યક્તિઓની નિયુક્તિ માટે મૌન છે.

સચિવાલયમાં ફિટનેસ સેન્ટરની જરૂર છે..

સચિવાલય કોર્પોરેટ લૂક ધરાવે છે પરંતુ કોર્પોરેટ ઓફિસોની જેમ ફિટનેસ સેન્ટર નથી. સચિવાલયમાં હાલ આવા ફિટનેસ સેન્ટરની આવશ્યકતા છે. કોર્પોરેટ ઓફિસમાં કર્મચારીઓ માટે સવારે અને સાંજે ફિટનેસ માટેના સાધનો મોજૂદ હોય છે. ફીટ રહીને કામ કરો તો કામ કરવાનો ઉત્સાહ જળવાઇ રહેશે તેવો કોર્પોરેટ મંત્ર છે. સચિવાલયમાં મોદી હતા ત્યારે કર્મયોગીની તાલીમ આપવામાં આવતી હતી પરંતુ આજે કર્મયોગી પાછા કર્મચારી બની ગયા છે. રાજ્યના ચીફ સેક્રેટરી જે.એન.સિંઘને કાર્ડિયાક પ્રોબ્લેમ થયો હતો. રેવન્યુ વિભાગના વડા કે.શ્રીનિવાસને પગની તકલીફ સર્જાઇ હતી. હવે ઉદ્યોગ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી અને આ મહિનામાં નિવૃત્ત થઇ રહેલા પી.કે.તનેજાને ચેસ્ટ પેઇન થતાં હોસ્પિટલાઈસ્ડ કરવામાં આવ્યા છે. સરકારે ઓફિસરો તેમજ કર્મચારીઓ માટે પ્રત્યેક બ્લોકના ભોંયતળીયે અથવા તો અગાસી પર ફિટનેસ સેન્ટર શરૂ કરાવવા જોઇએ કે જેથી બ્યુરોક્રેસી અને કર્મચારીઓની તંદુરસ્તી જળવાઇ રહે...

બે નાયબ મુખ્યપ્રધાનની ફોર્મ્યુલા...

ગુજરાતમાં મુખ્યપ્રધાન ઉપરાંત બે નાયબ મુખ્યપ્રધાનની ફોર્મ્યુલા તત્કાલિન મુખ્યપ્રધાન ચીમનભાઇ પટેલ લાવ્યા હતા. 1990-1995ની સરકારમાં એક તબક્કો એવો આવ્યો હતો કે કોંગ્રેસ સાથેના ગઠબંધનના કારણે ચીમનભાઇને બે નાયબ મુખ્યપ્રધાન બનાવવાની ફરજ પડી હતી. તેમની જનતાદળ- ગુજરાત પાર્ટીના નરહરિ અમીનને નાયબ મુખ્યપ્રધાનનું પદ આપ્યું હતું અને બીજું પદ કોંગ્રેસના સિનિયર નેતા સી.ડી.પટેલને મળ્યું હતું, પરંતુ સી.ડી.પટેલને મુખ્યપ્રધાન ચીમનભાઇ પટેલ સાથે ટકરાવ થતાં તેમણે રાજીનામું આપી દીધું હતું. હાલ ભાજપમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી છે પરંતુ પાર્ટીના ખટરાગને દૂર કરવા નિતીન પટેલને નાયબ મુખ્યપ્રધાન બનાવવાની હાઇકમાન્ડને ફરજ પડી હતી. સચિવાલયમાં છેલ્લા કેટલાક મહિનાઓથી એવું ચર્ચાય છે કે 2017માં જો ભાજપની સરકાર બનશે તો નાયબ મુખ્યપ્રધાન તરીકે પ્રદિપસિંહ જાડેજા અને જીતુ વાઘાણીને પસંદ કરાશે. સૌથી મોટું આશ્ચર્ય શંકર ચૌધરીનું છે કારણ કે સચિવાલયની ચર્ચાઓ તેમને મુખ્યપ્રધાન તરીકેના દાવેદારમાં મૂકે છે. લોજીક પણ એવું છે કે ભાજપ પાટીદાર, ક્ષત્રિય અને બક્ષીપંચની જ્ઞાતિઓને મહત્ત્વ આપી રહ્યું છે...

2017ના સિતારા: પ્રિયંકા અખિલેશ અને ડિમ્પલ...

સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન જો સફળ રહ્યું અને ઉત્તરપ્રદેશમાં સત્તા આવશે તો 2017માં રાજકીય ફલક પર ઉભરતા ચહેરામાં ઉત્તરપ્રદેશના હાલના મુખ્યપ્રધાન અખિલેશ યાદવ અને તેમના પત્ની ડિમ્પલ યાદવ તેમજ કોંગ્રેસના સ્ટાર કેમ્પેઇનર પ્રિયંકા ગાંધીનો સમાવેશ થઇ જશે. એ ઉપરાંત ઉભરતી પાર્ટીમાં દિલ્હીના ચીફ મિનિસ્ટર અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીનું સ્થાન નેશલન લેવલે આવી શકે છે, કારણ કે પંજાબ અને ગોવા વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઉત્તમ દેખાવ કરશે તેવું સર્વેક્ષણનું તારણ છે. ગુજરાતમાં હાલ બે મુખ્ય સિતારા કહી શકાય તેવા ચીફ મિનિસ્ટર વિજય રૂપાણી અને પાર્ટીના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી છે. આ બંનેના માથે વિધાનસભાની 2017ની ચૂંટણીનો મદાર છે. પોત પોતાના ક્ષેત્રમાં બંને પહેલીવાર ટોચક્રમે આવેલા છે. નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં ભાજપની આ ચોથી ચૂંટણી છે. ઉત્તરપ્રદેશમાં જો પ્રિયંકા, અખિલેશ, રાહુલ અને ડિમ્પલ યાદવ- સક્સેસ થયા તો ગુજરાતની ચૂંટણીમાં તેઓ કોંગ્રેસના સ્ટાર કેમ્પેઇનર બને તો નવાઇ પામવા જેવું નથી.

મોસાળમાં જનેતા પિરસનાર હોય તો શું જોઇએ...

મોસાળમાં જનેતા પિરસનાર હોય તો કોઇ ભૂખ્યો ન રહે... મોદીની દૂરંદેશી જોઇએ તો હાલના મુખ્ય ચૂંટણી કમિશનર નસીમ ઝૈદીનો કાર્યકાળ જુલાઇ 2017માં પૂર્ણ થાય છે. તેમની જગ્યાએ ગુજરાત કેડરના ઓફિસર કે જેઓ હાલ ચૂંટણી કમિશનર તરીકે ફરજ બજાવે છે તે અચલકુમાર જોતિની શક્યતાઓ વધતી જાય છે. 1975ની બેચના જોતિ ગુજરાતના ચીફ સેક્રેટરી પર પરથી નિવૃત્ત થયા પછી તેમને ગુજરાતમાં વિઝિલન્સ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં મોદી સરકારે તેમને મે 2015માં ભારતના ચૂંટણી કમિશનર તરીકે નિયુક્તિ આપી દીધી હતી. ચૂંટણી પંચમાં તેઓ હાલ સિનિયર સ્થાન પર છે. જો તેમને ઓગષ્ટ 2017માં મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવે તો તેમનો સમયગાળો જાન્યુઆરી 2018 સુધી રહેશે એટલે કે ડિસેમ્બર 2017માં આવતી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં તેઓ ગુજરાતને યોગદાન આપી શકે તેમ છે.

કોંગ્રેસે CM નહીં મજબૂત ઉમેદવાર નક્કી કરે...

સત્તા હજી આવી નથી ત્યારે કોંગ્રેસમાં ચીફ મિનિસ્ટરના પદ માટે ધમાસાણ ચાલી રહ્યું છે. બે ડઝન વર્ષથી સત્તા વિમુખ રહેલી કોંગ્રેસના નેતાઓને આ વખતે અમે સત્તામાં આવીશું તેવા સ્વપ્ન આવે છે. સ્વપ્ન ખોટાં નથી પણ આ સ્વપ્ન સાચા ઠરે તે માટે કોંગ્રેસે તનતોડ મહેનત કરવી પડશે. કોંગ્રેસના સિનિયર રાષ્ટ્રીય નેતા અહમદ પટેલના શબ્દોમાં કહીએ તો 2017માં કોંગ્રેસ નહીં જીતે તો ફરી ક્યારેય સત્તા પર આવશે નહીં.. જો આ વાક્યને શિલાલેખ માનીને કોંગ્રેસના નેતાઓ ચાલે તો ચીફ મિનિસ્ટર કોઇપણ બને, પહેલાં સત્તા આવવી જરૂરી છે તેવું જો પ્રત્યેક કોંગ્રેસમેન માને તો સત્તા મેળવવાનું સપનું સાકાર થઇ શકે છે. એના માટે દિન-રાત જોયા વિના મહેનત કરવી પડે. મોદીના નામની જગ્યાએ કોંગ્રેસ શું કરવાની છે તે જાહેર કરવું જોઇએ. મનભેદ અને મતભેદો દુર કરવા જોઇએ. ઉત્તમ ઉમેદવારોને ટીકીટ વેચવી નહીં પણ વિતરણ કરવી પડે. એકવાર 92નો મેજીક ફિકર ક્રોસ કેવી રીતે થાય તેની સ્ટેટેજી બનાવવી પડે, ત્યારબાદ ચીફ મિનિસ્ટરની ખુરશીના દાવેદારો આવે છે. અલબત્ત, કોંગ્રેસમાં સીએમના દાવેદારોમાં શક્તિસિંહ ગોહિલ, શંકરસિંહ વાઘેલા, ભરતસિંહ સોલંકી, તુષાર ચૌધરી અને અર્જુન મોઢવાડિયાના નામ ગણતરીમાં લઇ શકાય તેવા છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.