નોટબંધી પછી ‘ખર્ચબંધી’ આવી રહી છે

15 Feb, 2017
11:51 AM

PC: hindustantimes.com

કેન્દ્રની મોદી સરકાર નોટબંધીના નિર્ણયથી ભી થયેલી આર્થિક પરિસ્થિતિને સાનુકૂળ બનાવવા માટે વહીવટમાં કરકસરના પગલાં ઉઠાવી રહી છે ત્યારે ગુજરાત સરકાર પણ તે દિશામાં સુધારા સૂચવવા તૈયાર થઇ છે. ગુજરાતમાં પણ કેન્દ્રના પગલે પ્રધાનો અને અધિકારીઓના વિદેશ તેમજ રાજ્યસ્તરના પ્રવાસમાં નિયંત્રણો આવી શકે છે. એટલું જ નહીં ફિઝિકલ હાજરીને સ્થાને વિડીયો કોન્ફરન્સને મહત્ત્વ આપવાનું આયોજન વિચારવામાં આવ્યું છે. નાણાં વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારનું 2017-18ના વર્ષનું અંદાજપત્ર સત્ર 20મી ફેબ્રુઆરીથી શરૂ થઇ રહ્યું છે ત્યારે બજેટમાં કરકસરના નિર્ણયો લેવાય તેવી સંભાવના છે. મહત્ત્વની બાબત એવી છે કે સરકાર બિન વિકાસલક્ષી ખર્ચ ઘડાડવા વિવિધ પ્રયાસો કરાશે જેમાં આઉટ સોર્સિંગ પર ભાર મૂકાશે. વિદેશ પ્રવાસ પર નિયંત્રણો આવશે અને વિભાગોમાં કર્મચારીઓની તંગી વર્તાય તો બીજા વિભાગમાંથી ડેપ્યુટેશન પર લેવામાં આવશે. વિવિધ યોજનાઓ કે જે બેવડાતી હોય તેને મર્જ કરવામાં આવશે.

જિલ્લા વહીવટી તંત્રમાં ફેરફારો તોળાય છે...

સચિવાલયમાં બદલીની મોસમ આવી રહી છે. એક તરફ વિધાનસભાનું બજેટ સત્ર છે ત્યારે બીજી તરફ વિધાનસભાની ચૂંટણી આવતી હોવાથી જિલ્લા વહીવટી તંત્રમાં મોટાપાયે ફેરબદલ સંભળાઇ રહ્યાં છે. જિલ્લા કલેક્ટરો તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓ સામૂહિકરીતે બદલાશે. સરકારને અનુરૂપ ઓફિસરોની ગોઠવણ કરવા સચિવાલયમાં મેરેથોન બેઠકો થઇ રહી છે. બજેટ સત્રમાં હાજરી જરૂરી હોવાથી વિભાગના સેક્રેટરીઓની બદલી હાલ તુરત થવા સંભવ નથી પરંતુ ફેબ્રુઆરીના અંતે ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ પી.કે.તનેજા નિવૃત્ત થતાં હોવાથી તેમના વિભાગનો હવાલો બીજા કોઇ ઓફિસરને આપવામાં આવી શકે છે. સિનિયર આઇએએસ અધિકારીઓની બદલી માર્ચના અંત સમય સુધીમાં થવા સંભવ છે. એ ઉપરાંત જિલ્લા પોલીસ વડા અને સિનિયર પોલીસ ઓફિસરોની બદલી પણ થવાની શક્યતા રહેલી છે.

ધીમે ધીમે મોદીનો ડર ગાયબ થયો છે...

એક સમય એવો હતો કે જ્યારે સચિવાલયમાં નરેન્દ્ર મોદીની એન્ટ્રી થતી ત્યારે વિભાગીય કચેરીઓમાં અધિકારીઓ અને કર્મચારીઓ સિન્સિયર બનીને કામ પર લાગી જતા હતા. ગુજરાતમાં 2002 થી 2013નો સમય એવો હતો કે સચિવાલયમાં મોદીની ગેરહાજરી હોય છતાં ઓફિસરોને ડર લાગતો હતો. મોદીની ધાક ગાંધીનગર પૂરતી મર્યાદિત ન હતી, છેવાડાના ડાંગ અને કચ્છ જિલ્લાના ઓફિસરો પણ પડ્યો બોલ ઝીલી લેતા હતા, આજે પરિસ્થિતિ જુદી છે. મોદીના નામનો ડર રહ્યો નથી. આનંદીબહેન પટેલની સરકારમાં જે રીતે વહીવટ થતો હતો તેવો વહીવટ અત્યારે દેખાય છે. વિજયભાઇ સારા વ્યક્તિ છે. કુશળ છે. મિલનસાર છે, મુલાકાતીઓને અવશ્ય મળે છે, પરંતુ તેમની ધાક જોવા મળતી નથી પરિણામે વહીવટમાં જેવી સ્થિતિ સચિવાલયની છે તેવી સ્થિતિ જિલ્લાની કચેરીઓની છે. હેડથી બોટમ સુધી એક જ સિરસ્તો ચાલે છે- ક્યારેક નીચે થી તો ક્યારેક ઉપરથી ફાઇલમાં નોટીંગ અવળું થાય છે.

ગુજરાતી ફિલ્મ બનાવો, જાતે જ જૂઓ...

ગુજરાતમાં ગુજરાતી ફિલ્મો બનાવીને ગૌરવ લઇ રહેલા નિર્માતાઓને ધીમે ધીમે એવા અનુભવ થવાં લાગ્યા છે કે તેઓની હિંમત ગુજરાતી નહીં પણ હિન્દી ફિલ્મ બનાવવા માટે ખુલી જશે. કારણ એવું છે કે ગુજરાતી ફિલ્મ જ્યારે સિનેમાગૃહ કે મલ્ટીપ્લેક્સમાં રજૂ થાય છે ત્યારે ગુજરાતી ફિલ્મ બનાવીને સંતોષ લઇ રહેલો નિર્માતા ક્યાં કેટલા રૂપિયા ચૂકવે છે તે સહન થાય તેવું નથી. ફિલ્મ શૂટીંગના લોકેશન થી લઇને ફિલ્મને ચાર પાંચ સપ્તાહ ચલાવવા માટે કેટલીય ધમકીઓને વશ થવું પડે છે. રાજ્ય સરકારના મનોરંજન કર કમિશનરેટ અને માહિતી ખાતામાં ગુજરાતી ફિલ્મ ટેક્સ ફ્રી કરાવવા શું કરવું પડે છે તે અહીં લખાય તેમ નથી. મલ્ટીપ્લેક્સમાં પોસ્ટર લગાવી રાખવાના લાખો રૂપિયા ચૂકવવા પડે છે. પ્રેક્ષકો ન મળે ત્યારે ટીકીટ ખરીદવા દબાણ થાય છે અન્યથા બીજા સપ્તાહમાં ફિલ્મ ઉતારી લેવાની ધમકી આપવામાં આવે છે. પ્રાઇમ શો ક્યારેય મળતો નથી, તે શો તો હિન્દી ફિલ્મો માટે અનામત રાખવામાં આવે છે. આ બધું છતાં ગુજરાત સરકાર કોઇ જ પગલાં ભરતી નથી. આને કહેવાય ખુશ્બુ ગુજરાત કી...

સાહેબજી, ગુજરાત વાઇ-ફાઇ ક્યારે થશે...

ગુજરાતમાં 2012મા વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે ભાજપની સરકારે વાયદો કર્યો હતો કે અમે પાંચ વર્ષમાં સંપૂર્ણ રાજ્યને વાઇ-ફાઇથી સજ્જ કરીશું, આજે ચાર વર્ષ કરતાં વધુનો સમય થયો છે પરંતુ ગુજરાત વાઇ-ફાઇ થઇ શક્યું નથી. ગાંધીનગર વાઇ-ફાઇ બનાવવાની જાહેરાત કરી હતી પરંતુ સ્પીડ અને લિમિટના કારણે નાગરિકો તેનો ઉપયોગ કરી શકતા નથી. પાસવર્ડ રાખીને સચિવાલયમાં સરકારે મુલાકાતીઓને વાઇ-ફાઇથી વંચિત રાખ્યા છે. ડિજિટલ ગુજરાત અને ડિજીટલ પેમેન્ટની વાતો કરતી સરકારમાં જો નાગરિકોને વાઇ-ફાઇનો ઉપયોગ કરવા નહીં મળે તો તે કેશ કરન્સી તરફ આકર્ષાશે અને મોદી સરકારનું સપનું ચકનાચૂર થશે. કેશલેસ કરન્સીની વાતો કરવી હોય તો હાઇસ્પીડ ઇન્ટરનેટ ફેસિલિટી આપવી જોઇએ તેવું નાગરિકો કહી રહ્યાં છે.

યુએસની કંપનીઓ -વેઇટ એન્ડ વોચ- છે...

ગુજરાતમાં મૂડીરોકાણ કરવા આતુર બનેલી અને વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટમાં સરકાર સાથે અમેરિકાની જે કંપનીઓએ એમઓયુ સાઇન કર્યા છે તે કંપનીઓ હાલ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ભય હેઠળ છે. આ કંપનીઓ મૂડીરોકાણનો નિર્ણય મુલતવી રાખી શકે છે અથવા તો પ્રોજેક્ટ રદબાતલ કરી શકે છે. જો આમ થશે તો મેઇક ઇન ઇન્ડિયા અને મેઇક ઇન ગુજરાતના સ્લોગન માત્ર રસ્તા પર લટકતાં પાટીયા જેવા થઇ જશે. કહેવાય છે કે અમેરિકાની 15થી વધુ કંપનીઓએ ગુજરાત સરકાર સાથે છેલ્લા પાંચ વર્ષમાં પ્રોજેક્ટ સ્થાપવાના એમઓયુ કર્યા છે. અમેરિકાની આ કંપનીઓ જો ગુજરાતમાં રોકાણ કરે તો અમેરિકામાં તેને હદ બહારના ટેક્સ ચૂકવવા પડે તેમ છે તેથી આ કંપનીઓ અમેરિકામાં જ રોકાણ કરવા મજબૂર બની છે. ગુજરાત માટે આ ભયસ્થાન છે.

પોલિસી બનાવાય છે અમલ થતો નથી...

સરકાર પોલિસીઓ તો બનાવે છે પરંતુ જો તેનું અસરકારક અમલીકરણ ન થાય તો તે પોલિસીનો કોઇ અર્થ રહેતો નથી. ગુજરાતમાં આનંદીબહેન પટેલની સરકારે બે વર્ષમાં બે ડઝન પોલિસી બનાવી છે અને વિજય રૂપાણીની સરકારે છ થી વધુ પોલિસી જાહેર કરી છે પરંતુ આ પોલિસી પ્રમાણે જો સરકાર ત્વરીત નિર્ણય લઇ શકે તો તે ઉદ્યોગોને કામ લાગી શકે તેમ છે. ઉદ્યોગોનો પ્રતિભાવ છે કે સરકારમાં અમે પોલિસી પ્રમાણે દરખાસ્ત કરીએ છીએ તો વિવિધ ક્વેરી ઉભી કરીને અમારા પ્રોજેક્ટને વિલંબમાં પાડવામાં આવે છે. ક્વેરી રહીત મંજૂરીઓ મળે તો અમે ઝડપથી પ્રોજેક્ટ સ્થાપી શકીએ. ગુજરાતમાં નાના અને મધ્યમકક્ષાના ઉદ્યોગોને વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક ઉદ્યોગજૂથના પ્રતિનિધિએ કહ્યું હતું કે હું અમારી કંપનીના પ્રોજેક્ટ માટે છેલ્લા બે વર્ષથી સચિવાલયના ધક્કા ખાઇ રહ્યો છું પરંતુ મારી ફાઇલ પેન્ડીંગ રાખવામાં આવેલી છે.

ઇન્સેન્ટીવ નહીં લેનારને પ્રથમ તક આપો...

સરકાર પાસેથી જમીન કે પ્રોજેક્ટના ઇન્સેન્ટીવ નહીં લેતા ઉદ્યોગજૂથોને સરકારે સામે ચાલીને બોલાવવા જોઇએ એવું એક તારણ નિકળે છે. ઉદ્યોગજૂથની જમીન, ઉદ્યોગજૂથનું મૂડીરોકાણ અને ઉદ્યોગજૂથનું એડમિનિસ્ટ્રેશન હોવા છતાં જો પ્રોજેક્ટને વિવિધ પ્રકારની મંજૂરીઓ ન મળે તો એ ઉદ્યોગજૂથ હારી-થાકીને બીજા રાજ્યમાં જવા પ્રેરાશે- એ વાત સરકાર સમજવા તૈયાર નથી. છત્તીસગઢની ભાજપની સરકાર ઉદ્યોગજૂથને જમીન સહિતની તમામ મંજૂરીઓ માત્ર 48 કલાકમાં જો આપી શકતી હોય તો ગુજરાત સરકાર કેમ નહીં તેવો પ્રશ્ન સચિવાલયમાં ઉદ્યોગજૂથોના પ્રતિનિધિઓમાં ચર્ચાઇ રહ્યો છે. ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનમાં ગુજરાત નંબરવન છે તેવું કહેવું ભૂલભરેલું છે, કારણ કે નાના રાજ્યો પણ સ્પર્ધાની દોડમાં ઘણાં આગળ નિકળી રહ્યાં છે.

 ગુજરાત પણ ઉડતા પંજાબ બની રહ્યું છે...

ગુજરાતમાં આજે ડ્રગ્સનું દૂષણ એટલું ઘર કરી ગયું છે કે જેની ઝાળમાં યુવાનો હોમાઇ રહ્યાં છે. પોલીસના રેકોર્ડમાં એવું છે કે પહેલાં ગુજરાતમાં મહારાષ્ટ્ર અને રાજસ્થાનનો બોર્ડર પરથી દારૂ આવતો હતો હવે આ દારૂ પંજાબ અને હરિયાણાથી આવે છે. નશાબંધીના નિયમોનું પાલન કરવામાં ગૃહ વિભાગના અધિકારીઓ પારવધા છે પરંતુ બહારથી આવતો વિદેશી શરાબ અટકાવી શકતા નથી. પંજાબમાં સત્તા પરિવર્તન થઇ રહ્યું છે તેથી નશાના કારોબારમાં રોકાયેલા તત્વોની નજર હવે ગુજરાત પર મંડરાઇ છે ત્યારે સરકારે બોર્ડર વિસ્તારમાં ચેકીંગ વધારીને નશીલા દ્રવ્યોની ઘૂસણખોરી સામે આક્રમક બનવું પડે તેવા સંજોગો છે. ગુજરાતના યુવા ધનને બચાવવા માટે સરકારે આ સળગતી સમસ્યા સામે જોવું પડશે, કારણ કે ગાંધીનગર જેવા રાજકીય નગરમાં પણ ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે જે પોલીસની રહેમનજર હેઠળ ચાલે છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.