આ વર્ષે અખિલેશ યાદવ ગુજરાતમાં મહત્ત્વની ભૂમિકામાં હશે

08 Feb, 2017
12:00 AM

PC: ndtv.com

ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવ મુખ્યમંત્રી બને તો આગામી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે તેમને ગુજરાત બોલાવવાનો પ્લાન કોંગ્રેસે વિચાર્યો છે. સમાજવાદી પાર્ટીના યુવા નેતા અખિલેશ ઉત્તરપ્રદેશમાં તો લોકપ્રિય છે પરંતુ તેઓ અન્ય રાજ્યોમાં પણ પોપ્યુલર બની રહ્યાં છે. અખિલેશના મુખ્યમંત્રી બન્યા પછી ઉત્તરપ્રદેશમાં વિકાસ થયો છે તેવું સરવે કહે છે. કોંગ્રેસ આ ચહેરાને ગુજરાતમાં લાવી શકે છે. ઉત્તરપ્રદેશમાં હાલ અખિલેશ અને રાહુલ ગાંધીની જોડી જામી છે અને પ્રિયંકા ગાંધી ચૂંટણી પ્રચાર અને સ્ટેટ્રેજીમાં આ બંનેને મદદ કરે છે. હવે આ જોડી ગુજરાતમાં દેખાય તો નવાઇ પામવા જેવું નથી. ટોચના સૂત્રો કહે છે કે કોંગ્રેસ 2017મા ગુજરાતમાં સારો દેખાવ કરી શકે તે માટે પ્રિયંકાની મદદ લેવામાં આવનાર છે. પાંચ રાજ્યોની ચૂંટણી પછી ગુજરાત રાજકીય ગતિવિધીનું એપિસેન્ટર બની રહે તેવું દેખાઇ રહ્યું છે.

 

ખાદી ફોર ટીચર- સપ્તાહમાં એક દિવસ પહેરો...

ગુજરાત સરકારે ટીચર્સને સ્કૂલમાં સપ્તાહમાં એક દિવસ ફરજિયાત ખાદીના વસ્ત્રો પહેરવાનો આદેશ કર્યો છે. ગાંધી નિર્વાણ દિને લેવાયેલા નિર્ણયનો અમલ શરૂ થઇ ચૂક્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા કહે છે કે સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં ખાદીના વસ્ત્રો પહેરવાનો આદેશ કરવામાં આવ્યો છે પરંતુ અમે સરકારી કોલેજોમાં પ્રોફેસરો માટે પણ વિચારી રહ્યાં છીએ. ખાદીના વસ્ત્રો પહેરવાથી હજારો વણાટકામ કરતા શ્રમિકોને રોજગારી મળે છે. ગાંધીના ગુજરાતમાં આટલું કરીએ તો પણ ઘણું છે. સરકાર પ્રાઇવેટ સ્કૂલોમાં સપ્તાહમાં એક દિવસ ખાદીના વસ્ત્રો પહેરવાના આદેશનું પાલન કરાવી શકતી નથી, પરંતુ વિનંતી કરી શકે છે. અમે તમામ શૈક્ષણિક સંસ્થાઓને લખ્યું છે કે કમ સે કમ સપ્તાહનો એક દિવસ ખાદી પહેરવાનો આગ્રહ રાખો... મંત્રીએ કહ્યું હતું કે આ પ્રકારના આદેશનું પાલન કેબિનેટના સભ્યોને પણ કરવાનું રહે છે. 

 

ચિઠ્ઠી આઇ હૈ, દિલ્હી સે ચિઠ્ઠી આઇ હૈ...

સચિવાલયમાં એક આદેશ આવ્યો છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે બઘાંના કામો કરો અને લોકપ્રિયતા મેળવો. આ આદેશ દિલ્હીના કહેવાથી આવ્યો હોય તેવું લાગે છે, કારણ કે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેથી સચિવાલયમાં મુલાકાતીઓની અવરજવર વધી છે. સરકારી કામ માટે ધક્કા ખાતા મુલાકાતીઓ સાથે મંત્રીઓ અને તેમના સ્ટાફનું વર્તન બદલાયેલું જણાય છે. ચૂંટાઇને મંત્રી બનેલા ધારાસભ્યનો રોફ આસમાને હોય છે તેવું સાડા ચાર વર્ષ સુધી લાગે છે પરંતુ શાસનના અડધા વર્ષમાં આ જ મંત્રી કેટલા પોલાઇટ બને છે તે ચૂંટણીના ભણકારામાં દેખાય છે. મતદારો યાદ આવે, પેન્ડીંગ કામ સામેથી યાદ કરીને પૂરા કરી આપવાનું વચન અપાય છે. સચિવાલયના રંગ બદલાઇ રહ્યાં છે. વિભાગોના ઓફિસરોને પણ આદેશ આપવામાં આવ્યા છે કે મુલાકાતીને નારાજ કરશો નહીં...

 

સચિવાલય હવે વોટ્સઅપ વિના નહીં ચાલે...

ગાંધીનગરના સચિવાલય અને જિલ્લાની વહીવટી કચેરીઓમાં વોટ્સ અપ એપ્લિકેશનનો ઉપયોગ વધ્યો છે અને તે સરકારી કામગીરીમાં ફળદાયી સાબિત થયો છે. વિડીયો કોન્ફરન્સ, ડોક્યુમેન્ટેશન, ફાઇલોની આપ-લે, મિટીંગના મેસેજીસ, ફોટોગ્રાફ અને વિડીયો સહિતના ડોક્યુમેન્ટ્સ ત્વરીત મળી જાય છે. આજે મેઇલ કરતાં વોટ્સ અપના મેસેજીસ વધારે ઉપયોગી બને છે. જિલ્લાની નાની કચેરીઓમાં કર્મચારીઓના ગ્રુપ બનાવીને માહિતીની આપ-લે કરવામાં આવતી હોવાનું જોવા મળે છે. સોશિયલ માધ્યમની આ એક નવી દિશાનો પ્રયોગ વહીવટી તંત્રને ઝડપી બનાવે છે. સૌથી અગત્યની બાબત એવી છે કે ફરિયાદની અરજી અને તેને ત્વરીત રિપ્લાય વોટ્સઅપમાં મળી જતાં અરજદારોના ધક્કા અટક્યા છે.

 

સૌરભના ગયા પછી સોલાર પોલસી બદલાય છે...

ગુજરાત સોલાર હબ છે તેવું મોદી વારંવાર કહેતા હતા પરંતુ આજે પાડોશી રાજસ્થાન સોલાર પ્રોજેક્ટમાં નંબર વન બની ગયું છે. આમ થવાનું કારણ સૌરભ પટેલની નિતી હતી. સોલાર પોલિસીમાં ખાનગી વીજ કંપનીઓને ફાયદો કરી આપવા માટેની શરતો મૂકીને સૌરભ પટેલે ગુજરાતને પાછળ ધકેલી દીધું છે. આજે પાર્ટીએ તેમને પાછળ ધકેલી દીધા છે. સોલારને ફરીથી નંબર વન બનાવવા માટે ગુજરાત સરકાર પોલિસીમાં સુધારા કરી રહી છે અને સોલારના ઉત્પાદકોને આકર્ષક ઓફરો આપવા માગે છે. નવી સોલાર અને વિન્ડ પોલિસીમાં આશ્ચર્યજનક ફેરફારો હોય તો નવાઇ પામવા જેવું નથી. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નક્કી કર્યું છે કે ગુજરાતને ફરી પાછું સોલાર હબ બનાવવું છે અને તેના માટે તેમણે સૂચનો એકત્ર કરીને નવી કોમ્પ્રિહેન્સિવ પોલિસી બનાવવાનું નક્કી કર્યું છે.

 

હારી જાય તેવા ધારાસભ્યોને ફરી ટીકીટ નહીં

ગુજરાત ભાજપમાં હાલ એક સર્વેક્ષણ ચાલી રહ્યો છે જેમાં હારી જાય તેવા ધારાસભ્યોને ફરીથી ટીકીટ આપવામાં નહીં આવે તે નક્કી છે. આ સર્વે પ્રમાણે યાદી બનાવીને નબળા ધારાસભ્યની જગ્યાએ કોને ટીકીટ આપવી તે નક્કી કરાશે. પાર્ટીના સૂત્રો કહે છે કે ભાજપના હાલના ધારાસભ્યો પૈકી 35 ટકાથી વધારે ઉમેદવારો બદલાશે. એન્ટી અન્કમબન્સી ફેક્ટરને ખાળવા માટે ભાજપે નવા ચહેરાને મેદાનમાં ઉતારવાનું નક્કી કર્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે બે મોટા માથા કહી શકાય તેવા આનંદીબહેન પટેલ અને સૌરભ પટેલ ચિત્રમાં ક્યાંય નહીં હોય. આ વખતે જયનારાયણ વ્યાસને ટીકીટ મળી શકે છે. ભાજપમાંથી ગયેલા બિમલ શાહ પાછા ફરતાં તેમને ટિકીટ આપવાનું નક્કી થયું છે. 20થી વધુ ચહેરા કોંગ્રેસમાંથી લેવામાં આવે તેવી શક્યતા છે.

 

બોલો મંત્રીજી- એસટી ક્યાંથી નફો કરે?

સરકારી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની ખામીભરી વ્યવસ્થાના કારણે ગુજરાતમાં પ્રાઇવેટ વાહનોમાં મોતની સફર થાય છે. સૌરાષ્ટ્ર હોય કે અમદાવાદ જેવું મેટ્રો શહેર- બધે પ્રાઇવેટ વાહનોમાં મુસાફરી એક ફરજ બની છે. સરકારના એસટી નિગમ પાસે હજારો બસો હોવા છતાં સરકારી વહીવટની અણઆવડતના કારણે મુસાફર ખાનગી વાહનમાં બેઠા પછી એસટીની બસ આવે છે અને તે ખાલી ખાલી દોડે છે, પછી એસટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ખોટના બહાને રૂટ કેન્સલ કરે છે જેથી તે પ્રાઇવેટ વાહનોને તગડો ફાયદો થાય છે. સરકાર જરા તપાસ તો કરે- આ ખાનગી વાહનો કોના છે... કોની ભાગીદારીમાં સડકો પર દોડે છે... કોના કહેવાથી એસટીના રૂટ રદ થાય છે... આ એક સંશોધનનો વિષય છે. વર્ષોથી આ પરંપરા ચાલુ છે અને તેને ભાજપની સરકાર પણ બંધ કરાવી શકી નથી.

 

સાયકલ એ જીવનનું અંગ બની શકે છે...

અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાના ભારેખમ ટ્રાફિકને હળવો બનાવવા માટે સરકારે આ મોટા શહેરોમાં ખૂબ જ ઝડપથી સાયકલ ટ્રેકનું નિર્માણ કરવું જોઇએ અને આ ટ્રેક એટલો નાના હોવો જોઇએ કે તેમાં બીજા વાહનો પ્રવેશી શકે નહીં, નહીં તો કહેવાશે સાયકલ ટ્રેક પરંતુ તેમાં સ્કૂટર અને બાઇક પણ દોડશે... રેલવે ટ્રેક પર માત્ર રેલવે દોડી શકે છે તેવી જ રીતે સાયકલ ટ્રેક પર માત્ર સાયકલને પ્રવેશ મળવો જોઇએ. ગાંધીનગરમાં સાયકલ ટ્રેક બનાવેલો છે, સરસ મજાની ફૂટપાથ પણ છે પરંતુ તેમાં સાયકલ ફરતી નથી, નાગરિક ચાલતો નથી, માત્ર બાઇક પુરપાટ ચાલે છે. ફૂટપાથ પર ચાલતા નાગરિક સાથે બાઇક અથડાય છે. સરકાર જ્યાં રૂપિયા ખર્ચે છે ત્યાં તકેદારી પણ રાખે તે જરૂરી છે...

 

ટ્વિન સિટી જેવું હકીકતમાં કંઈ છે જ નહીં...

 

અમદાવાદ અને ગાંધીનગર માત્ર કહેવાતા ટ્વિન સિટી છે, કારણ કે ટ્વિન સિટીમાં જોવા મળતી ફેસેલિટી અહીં નથી. બંને શહેરો વચ્ચેના અડધા હાઇવે પર લાઇટના અભાવે અંધારું છે. બંને શહેરો વચ્ચે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સુવિધા નથી. બંને દેશો વચ્ચે ઇન્ટરનેટ કે વાઇફાઇ ફેસેલિટી નથી. એક શહેર નર્મદાનું પાણી પીવે છે બીજું બોરનું પાણી પીવે છે. વિશ્વમાં સર્જાયેલા ટ્વિનસિટીની સુવિધા અંગે અભ્યાસ કરવામાં આવ્યો છે પરંતુ આપણે ત્યાં તેનું 20 ટકા પણ અમલીકરણ થતું નથી. ટ્વિન સિટીની વ્યાખ્યા શું છે તે સમજીને તેનો અમલ કરવામાં આવે તો ગુજરાતના 16 એવાં શહેરો છે કે જ્યાં ટ્વિનસિટી શક્ય છે. આ શહેરોને ટ્વિન સિટી બનાવવાની ફાઇલ કે જેને તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવી હતી તે હાલ સચિવાલયમાં દબાયેલી પડી છે. 

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.