કોંગ્રેસમાં લિડરો કાર્યકર નહીં બને ત્યાં સુધી ‘ગુજરાતની ગાદી’ દૂર છે

01 Mar, 2017
12:00 AM

PC: dailymail.co.uk

કહેવાય છે કે લિડર જો મજૂર બનીને કામ ન કરે તો તે બીજા મજદૂરોને પ્રેરણા નહીં આપી શકે. કોંગ્રેસમાં આજે તમામ સિનિયર લોકો લિડર છે. પોતાની જાતને નેતા સમજે છે પરંતુ જો આ નેતા કાર્યકર બનીને લોકોની વેદના સમજે તો કોંગ્રેસને વિજય મળી શકે તેમ છે. કોંગ્રેસના સિનિયર નેતા અહમદ પટેલે કહ્યું છે કે આ વખતે નહીં તો ક્યારેય નહીં... પ્રદેશ કોંગ્રેસના નેતાઓ આ વાક્યને યાદ કરીને જો મહેનત નહીં કરે તો તેઓ ગુજરાતમાં ક્યારેય પાવરમાં આવી શકવાના નથી. છેલ્લી ત્રણ વિધાનસભા ચૂંટણીમાં જોયું છે કે કોંગ્રેસની ફાઇટ ભાજપ સાથે રહી જ નથી, કોંગ્રેસના ઉમેદવારોને ખુદ કોંગ્રેસના નેતાઓ જ હરાવે છે. કોંગ્રેસના એક સિનિયર કાર્યકરે કહ્યું હતું કે જો અમારા નેતાઓ 2017 દરમ્યાન કાર્યકર નહીં બને તો અમને ગુજરાતમાં ક્યારેય સત્તા મળવાની નથી.

વિકાસ ગતિ 15 વર્ષમાં 10 ગણી થઇ છે...

ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે રસ્તાના ઠેકાંણાં ન હતા. ગામડાઓમાં વીજળી પહોંચતી ન હતી. સચિવાલયમાં સત્તાના દલાલોનું શાસન હતું. મજબૂર કોંગ્રેસ ક્યારેય વિકાસના કામો કરી શકી નથી પરંતુ 1995 પછી ભાજપની પ્રથમ સરકારે વિકાસના કામો શરૂ કર્યા અને 2001 પછી નરેન્દ્ર મોદીના 13 વર્ષના શાસનમાં 5000 જેટલી મહત્ત્વની યોજનાઓ શરૂ થઇ ચૂકી છે. મોદી કહેતા હતા કે નવી શરૂઆતનો પહેલાં વિરોધ થાય છે પછી ટીકાઓ થાય છે અને ત્યાર પછી લોકો તેને અપનાવી લેતા હોય છે. ભાજપના શાસનમાં પણ એવું જ થયું છે. મોદી શાસનની મોટી મોટી યોજનાઓની પહેલાં વિપક્ષ કોંગ્રેસ હાંસી ઉડાવતું હતું. ગિફ્ટ સિટીની જાહેરાત કરી ત્યારે કોંગ્રેસના નેતાઓ કહેતા હતા કે નદીની કોતરોમાં ઇમારતો ટકવાની નથી. આ મોદીના હવાઇ તુક્કા છે. આજે નદીની કોતરોમાં 30 માળની બે ઇમારતો ઉભી થઇ છે અને ફાયનાન્સિયલ ટ્રાન્ઝેક્શન શરૂ થયું છે. મહાત્મા મંદિર માટે પણ ભારે ટીકાઓ થઇ હતી અને આજે મહાત્મા મંદિરનો આવિષ્કાર થયો છે. કહે છે કે ગુજરાતની વિકાસ ગતિ છેલ્લા 15 વર્ષમાં 10 ગણી થઇ છે.

મંદિર પરિસરમાં પ્લાસ્ટીક પર પ્રતિબંધ મૂકો ને...

ગુજરાતના મહત્ત્વના મંદિરોમાં સોલાર પેનલ નાંખીને વીજળી પેદા કરવાનું સરકારે નક્કી કર્યું છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ મંદિરો માટે સોલાર વીજળી પેદા કરવાની સિસ્ટમ નાંખી આપવામાં આવશે જેથી આ મંદિરોના પ્રકાશ માટે લાઇટ બીલ નહીં ભરવું પડે, મંદિરો સીધી તેમની ઉત્પાદિત વીજળી વાપરી શકશે. એટલું જ નહીં મંદિરોમાં દર્શન કરવા જતા સિનિયર સિટીઝન માટે આ બોર્ડે ઇલેક્ટ્રીક કાર મૂકવાનો પણ વિચાર કર્યો છે ખાસ કરીને આ કાર અંબાજી, ડાકોર, દ્વારકા, સોમનાથ, પાલીતાણા, બેચરાજી, પાવાગઢ અને તેના જેવા મોટા મંદિરોમાં મૂકાશે જે દર્શનાર્થીઓને પાર્કિંગથી મંદિર અને મંદિરથી પાર્કિંગ સુધી લઇ જશે. સરકારના આ બંને નિર્ણય સરાહનિય છે. એક તો મંદિરનું ઇલેક્ટ્રિક બીલ ઓછું થશે અને વાહન વ્યવસ્થાથી યાત્રાળુઓને રાહત થશે. સરકારે એક કામ કરવું જોઇએ કે જેથી પોલ્યુશન પણ ઘટી શકે. મંદિરોમાં મળતા પ્રસાદ અને અન્ય પૂજા સામગ્રીમાં વપરાતા પ્લાસ્ટીક પર પ્રતિબંધ મૂકી દેવાની જરૂરિયાત છે. જો આમ થશે તો નાગરિકો અને પ્રાણીઓની સૌથી મોટી સેવા કરી ગણાશે.

એક સિટી એવું બનાવો કે જેમાં ઇનોવેશન હોય...

ગુજરાતમાં સરકાર પાસે નવું શહેર બનાવવાની જ્યાં પણ જગ્યા હોય ત્યાં સરકારે એક નવા સિટીનું નિર્માણ કરવું જોઇએ અને તેમાં આપણા ટેકનોક્રેટ યુવાનોને મનફાવે તેમ કરવાની છૂટ આપવી જોઇએ. આપણું બુદ્ધિધન વિદેશમાં જઇને વસ્યું છે ત્યારે હજી વધુ બુદ્ધિધન વિદેશમાં જાય તે પહેલાં સ્ટડી કરીને તૈયાર થયેલા યુવાનોને આ સિટીના નિર્માણનું કામ સોંપી દેવું જોઇએ. સિવિલ એન્જિનિયર સ્ટુડન્ટ્સ ઇમારતોનું નિર્માણ કરે, મેડિકલ સ્ટુડન્ટ્સ હેલ્થ સેન્ટર બનાવે. એમએડ કે બીએડ સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ ઇન્સ્ટીસ્ટુટનું નિર્માણ કરી શકે છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયર વીજળી, કોમર્સ ગ્રેજ્યુએટ ફાયનાન્સિયલ ઇન્સ્ટીટ્યુટ તેમજ આર્કિટેક્ટ ડિઝાઇનનું કામ કરે. ઓટોમોબાઇલ એન્જિનિયર ઇંઘણ રહિત ગાડીઓ બનાવે. એનઆઇડી કે સેપ્ટના સ્ટુડન્ટ્સ તેમના કેમ્પસમાં જે ઇનોવેશન કરતા હોય છે તેવા ઇનોવેશન આ સિટીમાં કરવાની છૂટ આપવી જોઇએ. આ સિટી યુવાનોએ બનાવેલું હશે અને તે યુવાનો માટે હશે. આ પ્રયોગ દેશમાં જ નહીં, વિશ્વમાં પ્રથમ હશે, ચીફ મિનિસ્ટર વિજય રૂપાણી માટે આ એક ઉત્તમ તક છે.

વીજળી સસ્તી કેમ થતી નથી, આ રહ્યું કારણ...

વીજળીમાં સરપ્લસ હોવાનું ગૌરવ કરતી ગુજરાત સરકારમાં વીજળી સસ્તી કેમ થતી નથી તેનું મુખ્ય કારણ ઇલેક્ટ્રિસિટી ડ્યુટી છે. જાણીને નવાઇ લાગશે કે સરકારનો ઉર્જા વિભાગ ઘર વપરાશની વીજળીમાંથી 1000 કરોડ વીજ શુલ્ક લઇ જાય છે, જ્યારે ઉદ્યોગ પાસેથી 3800 કરોડ રૂપિયા પડાવે છે. સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે ગયા વર્ષે સરકારે વીજ શુલ્ક પેટે ઘર વપરાશકારો પાસેથી 986.05 કરોડ અને ઉદ્યોગો પાસેથી 3818.08 કરોડ રૂપિયા વસૂલ કર્યા છે. જો ગુજરાતમાં સૌથી વધુ વીજળી પેદા થતી હોય તો વીજ શુલ્કની રકમ કેમ ઘટતી નથી તે વિચાર કરવો પડે તેવો વિષય છે. સરકાર તેની પોલિસી એવી બનાવે છે કે જેનાથી ખાનગી વીજ ઉત્પાદકોને જ ફાયદો થાય છે. આપણી રૂફટોપ પોલિસી પણ એવી છે કે જેમાં અગાસી પર વીજળી પેદા કરવા વ્યક્તિને ફરજીયાત 50 ટકા વીજળી ખાનગી સર્વિસ પ્રોવાઇડ પાસેથી ખરીદવાની હોય છે. આવી શરત કે જોગવાઇ દેશના અન્ય કોઇ રાજ્યમાં નથી એકમાત્ર ગુજરાતમાં જ છે.

પઠાણી ઉઘરાણી કરો તો રૂપિયા મળશે...

ગુજરાતની નર્મદા યોજના પેટે આપણે પાડોશી રાજ્યો પાસેથી 5637.56 કરોડ રૂપિયા લેવાના નીકળે છે. કેન્દ્રમાં જ્યારે યુપીએની સરકાર હતી ત્યારે ભાજપના નેતાઓ કોંગ્રેસને આ રૂપિયા વસૂલ કરવા ઢગલાબંધ પત્રો લખતા હતા પરંતુ આજે પાડોશી રાજ્યો કે જેમની પાસેથી આટલી મોટી રકમ લેવાની છે તે રાજ્યો પૈકી મધ્યપ્રદેશ 3798.17 કરોડ રૂપિયા આપતું નથી. મહારાષ્ટ્ર 1281.02 કરોડ આપતું નથી જ્યારે રાજસ્થાન પાસેથી 558.37 કરોડ રૂપિયા લેવાના થાય છે. આ ત્રણેય રાજ્યોમાં ભાજપની સરકાર છે છતાં આપણે આ રૂપિયા વસૂલ કરી શકતા નથી.

સચિવાલયમાં સેલ્ફીનો ક્રેઝ જોખમ નોંતરશે...

સચિવાલયમાં સેલ્ફીનો ક્રેઝ શરૂ થયો છે. કર્મચારીઓ અને ખાસ કરીને ચોથા વર્ગના કર્મચારીઓ રોજ વિવિધ એંગલથી સેલ્ફી લેતા જોવા મળે છે. ઘણીવખત એવી જોખમી જગ્યાએથી સેલ્ફી લેતા હોય છે કે જો પગ લપસે તો સીધા નીચે આવી જાય અને તેની જાત માટે જોખમ ઉભું કરતા હોય છે. સચિવાલયના બ્લોકમાં તો ઠીક, ચીફ મિનિસ્ટર અને કેબિનેટ મંત્રીઓની ચેમ્બર આવેલી છે તે સ્વર્ણિમ સંકુલમાં બીજા, ત્રીજા અને ચોથા માળે સેલ્ફી લેવામાં આવે છે. આ તબક્કે નાજૂક એવી ગ્રીલ જો તૂટી તો સેલ્ફી લેનારો સીધો નીચે જમીન પર પટકાઇ શકે છે. હાલ આ સ્થિતિનો સરકારને કે સેલ્ફી લેનારને અંદાજ નથી પરંતુ ભગવાન ન કરે- ને એક એવી ઘટના બને કે સરકાર ખુદ સેલ્ફી લેવા પર પ્રતિબંધ ફરમાવશે. આવું થાય તે પહેલાં સરકારે નો સેલ્ફી ઝોનના બોર્ડ લગાવી અગમચેતીના પગલાં ભરવા જોઇએ.

કેજરીવાલ કોંગ્રેસને કનડશે એ નક્કી છે...

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અને ભાજપના અન્ય રાષ્ટ્રીય નેતાઓ ઉત્તરપ્રદેશની ચૂંટણી પછી ગુજરાતમાં ધામા નાંખશે, કારણ કે આ સમયમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ભાજપ જ નહીં, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓની નજર પણ ગુજરાત પર મંડાશે. ગુજરાતમાં આ વખતે દેશની મોટી મોટી પાર્ટીઓના સિનિયર નેતાઓ ચૂંટણી પ્રચારમાં આવે તેવું લાગે છે. આમ આદમી પાર્ટી જો પંજાબ અને ગોવામાં સારો દેખાવ કરશે તો અરવિંદ કેજરીવાલના એજન્ડામાં ગુજરાત છે. જો કે કોંગ્રેસના પ્રદેશ નેતાઓ કહે છે કે કેજરીવાલની પાર્ટી જો ગુજરાતમાં ચૂંટણી લડશે તો તેના ઉમેદવારો ભાજપને નહીં, કોંગ્રેસને મોટું નુકશાન કરાવશે. કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોને મળવાના થતાં મતો આમ આદમી પાર્ટીના ઉમેદવાર લઇ જશે. એટલે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર ચૂંટણી લડે તો ભાજપને ખુશી છે.

માર્ચ એન્ડીંગ છે, બાકી કામો પૂરાં કરો...

સચિવાલયમાંથી એક આદેશ થયો છે કે બજેટના નહીં કરેલા કામો માર્ચ એન્ડ પહેલાં પૂર્ણ કરો અને ગ્રાન્ટ લેપ્સ જતી અટકાવો. હાલ આપણને નવાઇ લાગે છે કે રોડના પેવર કામો કેમ ઝડપથી પૂર્ણ થઇ રહ્યાં છે. ગાંધીનગર સહિતના શહેરોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં કોન્ટ્રાક્ટ્રરો તૂટેલા ફુટેલા માર્ગો પર પેવર કામ કરી રહ્યાં છે. એક ગામડામાં રોડનું પેવર કામ જોઇને એક ખેડૂત બોલ્યા- આપણાં ગામમાં નરેન્દ્રભાઇ આવવાના છે કે કેમ?.. માર્ગ બનાવતાં એક મજૂરે કહ્યું હતું કે જી નહીં, સરકારે આદેશ આપ્યો છે કે માર્ચ એન્ડીંગ હોવાથી પેન્ડીંગ કામો પૂર્ણ કરો... ખેડૂત મલકાયો અને કહ્યું- હા ભાઇ રસ્તો બનાવો, અમારે તો કામ લાગશે...!!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.