બજેટ સત્ર પછી સચિવાલયના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારોની શક્યતા
ગુજરાતનું બજેટ સત્ર 20મી ફેબ્રુઆરીથી શરૂ થઇ રહ્યું છે ત્યારે હાલ કોઇ ઓફિસરોની બદલી થઇ શકે તેમ નથી, પરંતુ બજેટ સત્ર પછી રાજ્યના વહીવટી તંત્રમાં મોટાપાયે બદલીઓ તોળાઇ રહી છે. ચૂંટણી પૂર્વેની આ બદલીઓમાં વિભાગોના વડા, બોર્ડ-કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ, જિલ્લાના વહીવટી વડાઓ તેમજ પોલીસમાં ઉચ્ચ અધિકારીઓ નિશાના પર છે. જો કે બદલીના આ દોરમાં હાઇકમાન્ડની મંજૂરી લેવામાં આવે તેવી પુરેપુરી સંભાવના છે. આ બદલીઓ સંપૂર્ણપણે ચૂંટણીલક્ષી હોવાનું માનવામાં આવે છે. હાલ તો ક્યા ઓફિસરને ક્યા પોસ્ટીંગ આપવું અને ક્યા ઓફિસરને ક્યાંથી ખસેડવા એ અંગેની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. માનવામાં આવે છે કે સચિવાલયના પ્રાઇમ પોસ્ટીંગની તેમજ જિલ્લાના વડાઓની મહત્ત્વની જગ્યાઓ માટે યાદી બનાવી દેવામાં આવી છે. પોલીસ વિભાગમાં પણ યાદી તૈયાર કરવાની સૂચના આપી દેવાઇ છે.
ચાર સિનિયર આઇએએસ નિવૃત્ત થશે...
ગુજરાત સરકારના ચાર સિનિયર આઇએએસ ઓફિસરો 2017ના ચૂંટણી વર્ષમાં વય નિવૃત્ત થઇ રહ્યાં છે. આ ઓફિસરો પૈકી હાલ ત્રણ ઓફિસરો કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોમાં ફરજ બજાવી રહ્યાં છે. કેન્દ્ર સરકારના પાવર મિનિસ્ટ્રીમાં ફરજ બજાવતા સેક્રેટરી પ્રદીપ કુમાર પુજારી જૂન મહિનામાં વય નિવૃત્ત થઇ રહ્યાં છે. એવી જ રીતે ગુજરાતમાંથી ડેપ્યુટેશન પર નવી દિલ્હી ગયેલા અને કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રીમાં ફરજ બજાવતા આઇએએસ ઓફિસર તપન રે સપ્ટેમ્બરમાં નિવૃત્ત થાય છે. જ્યારે ગુજરાતમાંથી દિલ્હી લઇ જવાયેલા ડો. અમરજીત સિંધ કે જેઓ વોટર સપ્લાય મિનિસ્ટ્રીમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવે છે તેઓ નવેમ્બરમાં નિવૃત્ત થઇ રહ્યાં છે. હાલ ગુજરાતમાં જેમના નેજા હેઠળ વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ 2017 પૂર્ણ થઇ છે તેવા આઇએએસ ઓફિસર પ્રેમ કુમાર તનેજા ફેબ્રુઆરી મહિનામાં વય નિવૃત્ત થાય છે તેથી ગુજરાતના મુખ્યપ્રધાનને આવતા મહિનાના અંતે નવા ઉદ્યોગ સેક્રેટરીની નિયુક્તિ કરવી પડશે.
વાયબ્રન્ટ કમિટમેન્ટ પૂર્ણ કરવા આદેશ અપાયા...
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આઠમી વાયબ્રન્ટ સમિટમાં થયેલા એમઓયુની સમીક્ષા કરવાનો આદેશ કરતાં ઓફિસરો હરકતમાં આવી ગયા છે. નાના કે મોટા તમામ ઉદ્યોગો કે જેમની સાથે કરાર થયા છે તેમને બોલાવવાની અને પ્રોજેક્ટ કેટલા સમયમાં સ્થાપી શકશે તેનું કમિટમેન્ટ લેવાનું કહી દેવામાં આવ્યું છે. ખાસ કરીને જે ઉદ્યોગજૂથ સરકાર પાસે જમીન માગતું નથી તેને વધારે ઇન્સેન્ટીવ આપીને તરત ઉદ્યોગ શરૂ કરવાનું કહી દેવામાં આવનાર છે. સરકારના ઉદ્યોગ વિભાગમાં પ્રોજેક્ટ અમલીકરણ માટે બનાવેલી સિંગલ વિન્ડો સિસ્ટમને કાર્યરત કરવાનું કહેવામાં આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્રને પણ ઉદ્યોગ જૂથને લગતી તમામ મંજૂરીઓ ઝડપથી આપવાના આદેશ આપી દેવાયા હોવાનું જણાય છે. સચિવાલયના સૂત્રો કહે છે કે આ ઝડપ ન કરવામાં આવે તો ઉદ્યોગો રાજ્ય બહાર જતા રહેવાની ભીતિ છે કારણ કે દેશના બીજા રાજ્યો પણ ઔદ્યોગિક સમિટ કરીને ઉદ્યોગોને આવકારી રહ્યાં છે.
ગુજરાતના બજેટમાં નોકરીને સ્થાન મળશે...
ગુજરાતના બજેટમાં નોકરીઓને સ્થાન મળે તેવી સંભાવના છે. અમેરિકામાં થયેલા સત્તા પરિવર્તન પછી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સ્થાનિક નોકરીના સર્જનમાં પહેલું પગલું ભર્યું છે ત્યારે દેશના રાજ્યોના મુખ્યપ્રધાનો પણ એ દિશામાં આગળ વધી રહ્યાં છે. પાંચ રાજ્યોની ચૂંટણીમાં મુખ્ય પાર્ટીઓનો ઇલેક્શન મેનિફેસ્ટો જોબ આધારિત બનાવવામાં આવ્યો છે. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહે પણ ઉત્તરપ્રદેશના મેનિફેસ્ટોમાં જાહેર કર્યું છે કે આ રાજ્યમાં અમારી સરકાર આવશે તો 90 ટકા સ્થાનિક નોકરીને પ્રાધાન્ય આપશે. બીજી તરફ કોંગ્રેસે પંજાબમાં નોકરીઓનું સર્જન કરવા કહ્યું છે. ભારત સરકારના રજૂ થનારા બજેટમાં પણ રોજગારીને ટોચ અગ્રતા આપવામાં આવી છે. ગુજરાત સરકાર પણ આ વખતે રોજગાર પર વધારે ધ્યાન કેન્દ્રીત કરે તેમ માનવામાં આવે છે.
કોઇના કામો રોકાતા નથી, આવો, કામ કરાવો...
સચિવાલયના વિભાગોમાં હજી કોંગ્રેસ જીવે છે તેવું કહી શકાય તેમ છે, કારણ કે કોંગ્રેસના કેટલાક નેતાઓ પ્રજાકીય ઓછાં પરંતુ પર્સનલ કામો વધુ લઇને આવી રહ્યાં છે. ચૂંટણીની મોસમ આવી રહી છે ત્યારે નોટબંધીમાંથી મુક્ત થવાનો આ બેસ્ટ ઇલાજ કોંગ્રેસના નેતાઓને લાગી રહ્યો છે. સત્તામાં નથી પણ વિપક્ષમાં છીએ એટલે સચિવાલયના આંટાફેરા કરીએ છીએ- તેઓ જવાબ એક ધારાસભ્યએ આપ્યો હતો. અમારા પણ દિવસો હતા કે જ્યારે અધિકારીઓ અમને પૂછીને પાણી પીતા હતા, હવે ભાજપનો વારો છે. તેમને પૂછીને નિર્ણય કરે છે પરંતુ હાલ અમિત શાહની નજર કોંગ્રેસના વિજયી થયેલા ધારાસભ્યો પર છે તેથી સચિવાલયમાં તેમના કોઇ કામ રોકવા નહીં તેવી સૂચના આપી દેવામાં આવી હોવાથી કોંગ્રેસ સચિવાલયમાં હજી જીવે છે...
ઉદ્યોગજૂથોની આપવિતી, અમારા કામ થતાં નથી...
ઉદ્યોગજૂથો અને સામાન્ય મુલાકાતીઓની એવી ફરિયાદ હોય છે કે સચિવાલયમાં અમારા કામ થતાં નથી. અમારે દર સપ્તાહે ધક્કા ખાવા પડે છે. આવું કેમ થાય છે? તેવો એક સવાલ સિનિયર ઓફિસરને કર્યો તો જવાબ મળ્યો કે- મિનિસ્ટર લેવલથી ફાઇલ આવે છે જે નીચલા સ્તરે જાય છે ત્યારે વિભાગમાં ફરજ પર રહેલા અધિકારીની ઓફિસમાં તે જીવંત થાય છે અને નોટીંગ એવું લખાય છે કે જેમાં વિભાગના વડા અને વિભાગના મિનિસ્ટરની પેન પણ સહી કરતાં ખચકાય છે. કર્મયોગી એવા વિભાગના કાબેલ ઓફિસરોને જ્ઞાન આપનારા સુપ્રિમો હાલ દિલ્હીમાં જઇને બેઠાં છે પછી ફાઇલનો નિકાલ ક્યાંથી આવે... ઉપરની સૂચનાનું પાલન નીચે સુધી થવું જોઇએ પરંતુ વચ્ચે અવરોધ આવી જતા હોય છે અને ફાઇલ ટલ્લે ચઢી જતાં ધક્કા ખાવાની આદત રાખવી પડશે.
સચિવાલયમાં પણ બોલિવુડ મુવી જેવું છે...
સચિવાલયમાં પણ બોલિવુડ ધૂમ મચાવે છે. વિભાગોમાં કેટલાક ઓફિસરો કાબિલ પણ છે અને રઇસ પણ છે. કોણ શું છે તે ગોપનિય છે પરંતુ એવા પણ કેટલાક ચહેરા છે કે જેમની હાલત દંગલ જેવી થાય છે. દિકરીઓને સ્પોર્ટ્સમાં ગોલ્ડ મેડલ મળે તે માટે આમિર ખાન મહેનત કરે છે એવી જ મહેનત સચિવાલયના કેટલાક કર્મચારીઓ તેમના સંતાનો માટે કરી રહ્યાં છે. ગુજરાત સરકાર ખેલ મહાકુંભ યોજે છે પરંતુ જે કર્મચારીઓના સંતાનો પરસેવો પાડીને તેમની સ્પોર્ટ્સ એક્ટિવિટીમાં અગ્રતાક્રમ ધરાવે છે તેમને સ્પોર્ટ્સ વિભાગમાંથી જાકારો મળે છે. સ્ટેટલેવલ કે રાષ્ટ્રીય લેવલે પહોંચવાની ક્ષમતા ધરાવતા કેટલાય સંતાનોના સપનાં ચૂર થતાં સચિવાલયે જોયાં છે અને તેમના પિતા- દંગલના આમિરખાનની માફક સંધર્ષ કરતા રહે છે...
મોદીની યોજનાઓને બજેટમાં સ્થાન મળશે...
ગુજરાત સરકારની હાલત અત્યારે એવી છે કે તે નવી યોજના લાગુ કરી શકતી નથી અને જૂની પૂરી કરી શકતી નથી. મોદીએ એટલી બઘી જાહેરાતો કરી દીધી છે કે નવી સરકાર માટે નવી યોજનાઓનું સંકટ સર્જાયું છે. લોકોપયોગી યોજનાઓ હવે કઇ કઇ આવી શકે તેમ છે તેની યાદી માગવામાં આવી હતી પરંતુ તેના પ્રત્યુત્તરમાં જૂની યોજનાઓ નવા નામે રજૂ કરવી પડે તેવી હાલત છે. મોદીએ છેલ્લે 2012ની ચૂંટણીમાં દિવ્ય અને ભવ્ય ગુજરાતની કલ્પનામાં જે સૂત્રો મૂક્યા છે અને જે યોજનાઓ વહેતી મૂકી છે તેને હાલની સરકાર પૂરી કરવા જાય તો તેના માટે એક નહીં ત્રણ ત્રણ વિધાનસભાની ચૂંટણી જીતવી પડે તેમ છે. કેટલીક યોજનાઓ તો આનંદીબહેન પટેલની સરકાર ભૂલી ગઇ હતી જેને હાલ તાજી કરવામાં આવી રહી છે. વિજય રૂપાણીની સરકારમાં હાલ ભાજપના પ્રદેશ નેતાઓ મોદીએ તેમના શાસનના 12 વર્ષમમાં રજૂ કરેલી યોજનાઓનું લિસ્ટ લઇને બેઠાં છે અને હિસાબ કિતાબ કરી રહ્યાં છે.
અખિલેશની લોકપ્રિયતાની કસોટી થશે...
દેશમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી છે પરંતુ કેન્દ્રસ્થાને ઉત્તરપ્રદેશની ચૂંટણી છે, કારણ કે આ એક જ રાજ્ય એવું છે કે નરેન્દ્ર મોદીને રાજ્યસભામાં અગ્રીમ હરોળનું સ્થાન અપાવી શકે છે. હાલ મોદી પાસે લોકસભામાં બહુમતિ છે પરંતુ રાજ્યસભામાં નથી, પરિણામે સરકારના બીલો સરળતાથી મંજૂર થઇ શકતા નથી. ઉત્તરપ્રદેશ ભાજપ માટે જેટલું મહત્ત્વનું છે તેટલું જ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ માટે જીતવું જરૂરી છે. ઉત્તરપ્રદેશમાં અખિલેશ યાદવ લોકપ્રિય નેતા છે. કહેવાય છે કે તેમની પાર્ટીને સૌથી વધુ મતો મળશે અને તેઓ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી તરીકે બહાર આવશે, અખિલેશની લોકપ્રિયતાની આ વખતે કસોટી છે. જો તેઓ સફળ રહ્યાં તો દિલ્હીમાં તેમનું વજન વધી શકે છે. પરંતુ ભાજપને મોદીના કરિશ્માનો ઇન્તજાર છે. ગુજરાતમાં જેવો કરિશ્મા થાય છે તેવો કરિશ્મા ઉત્તરપ્રદેશમાં થાય તેવું ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ઇચ્છી રહ્યાં છે.
સરકારના બજેટમાં આમઆદમી હશે ખરો...
ગુજરાત સરકાર બજેટ મોડ પર આવી ગઇ છે. આ વખતના બજેટમાં સાડા છ કરોડની જનતા માટે કરબોજ નહીં હોય પરંતુ આવકના નવા સાધન ઉભા કરવા કેટલાક ટેક્સ નાંખવાની સરકારને ફરજ પડે તેવું માનવામાં આવે છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ- જીએસટી- ને હજી વાર છે ત્યારે વેલ્યુ એડેડ ટેક્સથી ચલાવવું પડે તેમ છે, જો કે બજેટમાં જીએસટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોટબંધી પછી રજૂ થનારા પહેલા બજેટમાં વચનો અને રાહતોની ભરમાર હોવાનું પણ દેખાઇ રહ્યું છે. હાલ સચિવાલયના વિભાગોમાં બજેટની જોગવાઇઓ અને નવી યોજનાઓ અંગેની ચર્ચા ચાલી રહી છે. કેન્દ્રિય બજેટ પછી ગુજરાતનું બજેટ રજૂ થવાનું હોવાથી કેન્દ્રની કેટલીક નવી સ્કીમોને ગુજરાતમાં સમાવવામાં આવી શકે છે. અલબત્ત, નાણાં વિભાગના એક અધિકારી કહે છે કે ગુજરાતની જનતા માટે ફુલગુલાબી બજેટ રજૂ થશે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર