દેશમાં ભાજપ શાસિત રાજ્યોના CM વચ્ચે ઔદ્યોગિક મૂડીરોકાણ આકર્ષવાની સ્પર્ધા
આવો, ગુજરાતમાં મૂડીરોકાણ કરો... ગુજરાત તમારા માટે છે... વેલકમ ટુ ગુજરાત... આવી શાબ્દિક અલંકારોથી સજ્જ ગુજરાત સરકારની અપીલને મોળો પ્રતિસાદ કેમ મળે છે તેનું આત્મમંથન કરવું પડે તેમ છે, કારણ કે હવે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો વચ્ચે ઉદ્યોગો ખેંચવાની તીવ્ર સ્પર્ધા શરૂ થઇ ચૂકી છે. 14 રાજ્યોમાં ભાજપના મુખ્યપ્રધાનો છે જે પૈકી છત્તીસગઢ, રાજસ્થાન, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ઉદ્યોગો ખેંચાઇ રહ્યાં છે. ઇન્સેન્ટીવ ઉપરાંત આ રાજ્યો ઉદ્યોગો માટે ઝડપી મંજૂરીઓ આપવાનું પ્લેટફોર્મ બનાવી ચૂકી છે જ્યારે ગુજરાતમાં કહેવાય છે સિંગલ વિન્ડો પરંતુ અહીં ઘણી બધી વિન્ડો છે. છેવટે થાકીને ઉદ્યોગજૂથ બીજા રાજ્યમાં જવા માટે પ્રેરાય છે. ગુજરાત સરકાર તેની એક ટીમ અન્ય રાજ્યો કે જ્યાં ભાજપના મુખ્યપ્રધાન છે ત્યાં મિકેનિઝમ સમજવા માટે મોકલે તો ખબર પડશે કે ગુજરાત કેમ પાછળ છે.
મોદી આટલા સફળ કેમ બન્યા છે...
સચિવાલયમાં એક સિનિયર ધારાસભ્ય ચૂંટણી ચર્ચાના મૂડમાં હતા. તેમને જ્યારે પૂછ્યું કે 2002 અને ત્યારપછીની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી આટલા બધાં સફળ કેમ થયા છે ત્યારે તેમણે તેનું સચોટ કારણ આપતાં કહ્યું હતું કે મોદી સત્તા આવ્યા પછીના બીજા વર્ષે જ નવી ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત બની જાય છે. તેમની સફળતાનું આ સૌથી મોટું કારણ છે. 2019ની લોકસભાની ચૂંટણીને હજી બે વર્ષની વાર છે છતાં મોદીએ તેના પાયા અત્યારથી જ નાંખી દીધા છે. મોદી વેલ ઇન એડવાન્સ છે એટલે તેઓ સફળ થાય છે, જ્યારે કોંગ્રેસ મોદીના પ્લાનથી જોજનો દૂર છે. ચૂંટણીમાં નોમિનેશન કરવાના અંતિમ દિવસ સુધી તો ઉમેદવારો પસંદ કરી શકતી નથી તેથી દર વખતે ચૂંટણીમાં માર ખાય છે. ગુજરાતમાં પરિણામ એ આવ્યું છે કે કોંગ્રેસે આટલા વર્ષોમાં ધીમે ધીમે તેની અસલ વોટબેન્ક અને મજબૂત વિસ્તારો ગુમાવી દીધા છે.
નેશન ફર્સ્ટનો નારો ઇન્ડિયા માટે જોખમ...
નેશન ફર્સ્ટનો નારો ઇન્ડિયા અને તેના ટેલેન્ટ માટે જોખમી બન્યો છે. પહેલાં અમેરિકા, પછી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ અને હવે સાઉદી અરેબિયાએ સ્થાનિક નોકરી માટેની ચળવળ શરૂ કરી છે ત્યારે ભારતનું ટેલેન્ટ હજારોની સંખ્યામાં નોકરી ગુમાવે તેવી સંભાવના છે. જો ભારત સરકાર તેનો મજબૂત પક્ષ નહીં રાખે તો વિશ્વના આ દેશો ભારતના યુવાનોની નોકરીઓ છીનવી લેશે. માત્ર નોકરીઓ જ નહીં, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં ભારતને વધારે નુકશાન થાય તેમ છે. ભારતના મેઇક ઇન ઇન્ડિયાના નારાને સૌથી મોટો ફટકો પડવાની સંભાવના છે. આજે ભારતીય સમગ્ર વિશ્વમાં છવાયેલો છે. ભારતનું ટેલેન્ટ વિશ્વના મોટાભાગના દેશોમાં કી-રોલ અદા કરી રહ્યું છે. આપણે પણ આ દેશો પરથી બોધપાઠ લઇને નેશન ફર્સ્ટનો નારો આપવો પડે તેવી સ્થિતિ આવીને ઉભી રહી છે. હિન્દુસ્તાન એ વિશ્વનું સૌથી મોટું બજાર છે તે હકીકત વિશ્વના ફલક પર મૂકવા ઉપરાંત તેનો વધુને વધુ પ્રચાર કરવો જરૂરી બની ગયો છે. માત્ર વાતો કરવાથી કંઇ વળશે નહીં, આપણે પણ આપણો પાવર વિશ્વને બતાવવો પડશે.
‘ગુજરાત ફર્સ્ટ’નો નારો કેમ નહીં...
ગુજરાતમાં ગુજરાતી યુવાનોને જ નોકરી મળતી નથી તે મોટી સમસ્યા છે. ઔદ્યોગિકરણની સાથે સાથે ગુજરાત સરકારે 85 ટકા સ્થાનિક ભરતીને ફરજીયાત બનાવેલી છે પરંતુ ગુજરાતમાં સ્થપાઇ રહેલા મોટા પ્રોજેક્ટોમાં સર્વે કરીએ તો ગુજરાતીઓની સંખ્યા માંડ 25 ટકા જેટલી જોવા મળે છે. ટાટા મોટર્સને સાણંદમાં નેનો કારના પ્રોજેક્ટ માટે જ્યારે જમીન આપવામાં આવી ત્યારે ટાટા મોટર્સે 85 ટકા સ્થાનિક ભરતીનો સાફ શબ્દોમાં ઇન્કાર કરી દીધો હતો ત્યારે ગુજરાત સરકાર એક અક્ષર પણ બોલી શકી ન હતી. ગુજરાતમાં આવા કેટલાય પ્રોજેક્ટ્સ છે કે જ્યાં બિન ગુજરાતીઓનો દબદબો છે છતાં ગુજરાત સરકાર તેમનું કંઇ બગાડી શકતી નથી. ગુજરાતમાં કાયદો છે છતાં ‘ગુજરાત ફર્સ્ટ’નું સૂત્ર કેમ નથી તે યુવાનોને પણ સમજાતું નથી.
ગુજરાતી ભાષા વિસરાતી જાય છે...
ડિજીટલ ઇન્ડિયામાં ગુજરાતી ભાષા વિસરાતી જાય છે. પાર્ટીના પોસ્ટર્સ જોઇએ તો તેમાં પણ સ્પેલિંગની ભૂલો હોય છે. માર્ગો પરના સાઇન બોર્ડમાં ભૂલો જોવા મળે છે. ટીવીની સ્ક્રોલ ન્યૂઝમાં જોઇએ તો ભૂલોની પરંપરા સર્જાય છે. અખબારોમાં ભૂલોથી ભરેલા સમાચારો આવે છે. બોલવામાં ઉચ્ચારો બદલાઇ જાય છે. લખવામાં એટલી બઘી ક્ષતિઓ હોય છે કે ઘણીવાર સમજણ પણ પડતી નથી. ફેસબુક પર મૂકવામાં આવેલી પોસ્ટમાં ઘણીવાર સાહિત્ય રસિકો પણ ભૂલો સર્જતા હોય છે. આપણે આપણી ગુજરાતી ભાષાને બરાબર બોલી શકતા નથી, બરાબર લખી શકતા નથી પછી આપણને ગુજરાતી હોવાનું ગૌરવ કેવી રીતે આપી શકાય... આ એક સમજવા જેવી વાત છે. ભાષાના ઉચ્ચારો અને સ્પેલિંગ ભૂલોથી ગુજરાતી ઘવાઇ છે. આપણે ગુજરાતમાં છીએ પણ ગુજરાતી હોવાનું ગૌરવ લઇ શકીએ તેમ નથી. ગુજરાતી ભાષાને બચાવવા માટે આપણા હાલના શિક્ષકો અને પ્રોફેસરોએ આત્મખોજ કરવી પડશે.
બીજું ભૂલો, ટ્રાફિક સમસ્યાનો ઉકેલ શોધો...
ગુજરાતના શહેરોમાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ શોધવામાં નહીં આવે તો એક દિવસ એવો આવશે કે આપણે વાહનની સ્પીડ કરતાં ચાલતા વહેલા પહોંચી શકીશું. ખાસ કરીને અમદાવાદનો ટ્રાફિક વધુ સંવેદન બન્યો છે. ઓફિસ અવર્સ અને સાંજના શરૂ થતો ટ્રાફિક મોડી રાત સુધી અટકતો નથી. માર્ગો એટલા ભરાઇ ગયા હોય છે કે શહેરોમાં વાહનોના અકસ્માતો વધી ગયા છે. લોકોની ટ્રાફિક સેન્સ કેળવાઇ નથી. કાયદા છે પણ તેનું પાલન થતું નથી. નાના વાહનચાલકનો વાંક હોય છતાં મોટા વાહનચાલકો દંડાય છે. સરકારે ઝડપથી પબ્લિક ટ્રાન્સપોર્ટેશન અંગે વિચારવું પડશે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેનો ટ્રાફિક એટલો બઘો વધી ગયો છે કે મેટ્રોરેલ સિવાય બીજો કોઇ વિકલ્પ નથી. ઘર થી ઓફિસ જવા સમયસર પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સુવિધા મળે તો કોઇ પોતાનું વાહન ચલાવે નહીં. મુંબઇ અને દિલ્હીમાં નોકરીયાતો પાસે એકમાત્ર રેલ્વેનો ઉપાય છે પરંતુ અમદાવાદ-ગાંધીનગર બાકાત છે.
કેનાલ ટ્રાન્સપોર્ટેશન શરૂ કરો, રાહ ન જુઓ...
ગુજરાતમાં કેનાલ ટ્રાન્સપોર્ટેશન શક્ય છે. લાંબા અંતરની સફર કરવી હોય તો નર્મદાની કેનાલમાં પાણીમાં ચાલતા વાહનો ચલાવી શકાય છે પરંતુ તે ઝીરો પોલ્યુટેડ હોવા જરૂરી છે. હવે તો સોલાર સિસ્ટમથી ચાલતા કે બેટરી ઓપરેટેડ વાહનો મળે છે તેનો ગુજરાત સરકારે ઉપયોગ કરવો જોઇએ. હાઇવેનો ટ્રાફિક ઘટાડવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે. આપણે રિવરફ્રન્ટ બનાવ્યું પણ ત્યાં પાણીમાં ટ્રાન્સપોર્ટેશન પણ બનાવવું જોઇએ. સરકારે સરાહનીય કામગીરી રિવરફ્રન્ટમાં કરી છે અને તે વાડજ થી પાલડી સુધીના માર્ગની છે. રિવરફ્રન્ટની પેરેલલ જે માર્ગ બનાવ્યો છે તે સર્વોત્તમ છે જેના કારણે આશ્રમરોડનો ટ્રાફિક થોડો હળવો બન્યો છે. એવી જ રીતે એસજી હાઇવે પર બનાવેલા સર્વિસ રોડ પણ ઉત્તમ છે પરંતુ ગાંધીનગર થી સરખેજ સુધીનો સંપૂર્ણ સર્વિસ રોડ નથી. વૈશ્વોદેવી મંદિર થી સાયન્સ સિટી તરફ જતા માર્ગમાં આવતું ટોલબુથ કાઢી નાંખવું જરૂરી છે.
સ્વચ્છતા અભિયાન સચિવાલયથી શરૂ કરો...
સ્વચ્છ ભારતની દુહાઇ દેવામાં આવે છે પરંતુ આપણા સચિવાલય જોઇએ તો તે ગંદકીમાં ખદબદતા છે. પાન-મસાલાની પિચકારીથી ભરાયેલી દિવાલો અને ખૂણા અસ્વચ્છ છે. સચિવાલયમાં નકામું પડી રહેલું ફર્નિચર અને પાર્કિંગમાં પડી રહેલી જૂની પુરાણી સરકારી ગાડીઓ એ પણ એક ગંદકી છે. સરકારે તેના કર્મચારીઓને સપ્તાહમાં એક દિવસ સફાઇના કામમાં રોકવા જોઇએ. વિભાગોની સફાઇનું કામ વિભાગના વડાને અને જે તે પ્રધાનને સોંપી દેવું જોઇએ. મુખ્યપ્રધાન ઉદ્યોગ ભવન કે કૃષિ ભવનની મુલાકાત લેશે તો ખબર પડશે કે આ બન્ને કોમ્પલેક્સમાં કેટલી ગંદકી છે. બઘી ઓફિસો જીએસપીસી ભવન જેવી નથી, કે જ્યાં તમને કચરો જોવા મળે નહીં. આ કોર્પોરેટ ઓફિસ છે. ઉદ્યોગ ભવનને પણ કોર્પોરેટ બનાવી શકાય છે પરંતુ સરકારનું ધ્યાન હજી ત્યાં ગયું નથી.
કોંગ્રેસ પહેલાં મજબૂત ઉમેદવારો શોધે...
ગુજરાત કોંગ્રેસમાં ચીફ મિનિસ્ટરના કેન્ડિડેટ બાબતે બબાલ શરૂ થઇ છે પરંતુ કોંગ્રેસને આ પદ માટે હાલ ચિંતા કરવાની જરૂર નથી, કોંગ્રેસને મજબૂત ઉમેદવારો શોધવાની પહેલ કરવી પડશે, કારણ કે ભાજપના ટારગેટ- 150 પ્લસને પછાડવા માટે કોંગ્રેસ પાસે જીતી શકે તેવા સ્વચ્છ ઉમેદવારો હોવા જોઇએ. ચીફ મિનિસ્ટર તો કોઇને પણ બનાવી શકાય છે, પહેલા સત્તા આવવી જરૂરી છે. 1990 પછી કોંગ્રેસે કોઇ આત્મમંથન કર્યું નથી પરિણામે ગુજરાતમાં કોગ્રેસ સત્તાથી દૂર છે. એન્ટી ઇન્ટમબન્સી તો 2007 અને 2012માં પણ હતી પરંતુ તેનો કોંગ્રેસ ફાયદો લઇ શકી નથી. મહિલા અને યુવા ઉમેદવારો જ કોંગ્રેસને બચાવી શકે તેમ છે. હજી પણ ઉમેદવાર પસંદ કરવામાં કોંગ્રેસ પાસે સમય છે. જૂન મહિના સુધીમાં કોંગ્રેસે ઉમેદવારો પસંદ કરીને 182 બેઠકોના નામો જાહેર કરી દેવા જોઇએ કે જેથી ઉમેદવારને પ્રચાર અને સ્ટેટેજી ગોઠવવાનો જરૂરી સમય મળી રહે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર