ઈલેક્શન કમિશનને ગુજરાતની ચૂંટણી 240 કરોડ રૂપિયામાં પડશે

15 Mar, 2017
12:00 AM

PC: ntvtelugu.com

પાંચ રાજ્યોની ચૂંટણી પૂર્ણ થયા પછી ભારતના ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશની સાથે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની તૈયારી શરૂ કરી દીધી છે, જેના ભાગરૂપે એપ્રિલ મહિનામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ થઇ રહ્યો છે. આ વખતના ચૂંટણીના આયોજન માટે પંચે 240 કરોડ રૂપિયા માગ્યા છે. આશ્ચર્ય એ બાબતનું છે કે વધતી જતી મોંઘવારીના કારણે આ ખર્ચમાં પાંચ વર્ષમાં 30 ટકાનો વિક્રમી વધારો થવાની સંભાવના છે. જાન્યુઆરી 2017ના આંકડા પ્રમાણે ગુજરાતમાં સવા છ કરોડની વસતીમાં 4.25 કરોડ મતદારો છે. ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની સુધારણાનો કાર્યક્રમ આવી રહ્યો છે ત્યારે તેમાં બીજા નવા મતદારો ઉમેરાશે. એ ઉપરાંત નામ ઉમેરવા, સરનામું બદલવું કે નામ કમી કરવાની પ્રક્રિયા કરવામાં આવનાર છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીમાં પંચને 185 કરોડ અને 2014ની લોકસભાની ચૂંટણીનો ખર્ચ 212 કરોડ થયો હતો. પંચને સૌથી વધુ ખર્ચ પગાર, ટ્રાન્સપોર્ટ, લોજીસ્ટીક, સિક્યોરિટી અને ફુડ માટે થાય છે.

ત્રણ સિંહ ત્યારે પણ હતા અને આજે પણ છે...

ગુજરાત કોંગ્રેસમાં કરિશ્માયુક્ત માસ લિડરનો અભાવ છેલ્લી ત્રણ ચૂંટણીમાં ભાજપને વિજય તરફ દોરી જાય છે. કોંગ્રેસમાં એક સમય હતો કે તેની પાસે ત્રણ સિંહ નામધારી- માધવસિંહ, અમરસિંહ અને મનોહરસિંહ જેવા કરિશ્માયુક્ત લિડર હતા. તે સમયે તેઓ ભાજપ પર ભારે હતા. આજે પણ ત્રણ સિંહ નામધારી- શંકરસિંહ, ભરતસિંહ અને શક્તિસિંહ છે પરંતુ તેમની પર નરેન્દ્ર મોદી -નમો- ભારે છે. 1995 પછી કોંગ્રેસ પાસે એવો કોઇ માસ લિડર રહ્યો નથી કે જે કોઇ જિલ્લો કે પ્રદેશ નહીં સમગ્ર ગુજરાતની ધરતી પર લોકપ્રિય હોય... હાલના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા માસ લિડર છે પરંતુ કોંગ્રેસની સંપૂર્ણ ધૂરા તેમને સોંપવામાં રાષ્ટ્રીય નેતાઓ સંકોચ અનુભવે છે. પ્રદેશ કોંગ્રેસ પાસે શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, તુષાર ચૌધરી, સિદ્ધાર્થ પટેલ અને ભરતસિંહ સોલંકી જેવા નેતાઓ છે પરંતુ તેઓ સમગ્ર ગુજરાતનું સંચાલન કરી શકે તેટલી હાઇટ ધરાવતા નથી. મોદીની આભા સામે તેઓ વામણા સાબિત થાય છે. કોંગ્રેસમાં કરિશ્માયુક્ત નેતાનો શૂન્યાવકાશ સર્જાયેલો છે.

ભલે સત્તા ન મળે, મજબૂત વિપક્ષ તો બનજો...

ઉત્તરપ્રદેશની ચૂંટણીના અણધાર્યા પરિણામ પછી નરેન્દ્ર મોદીએ ગુજરાત મિશન-150 માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. મોદીના વેવ છતાં પંજાબ, ગોવા અને મણીપુરમાં કોંગ્રેસનો દેખાવ સાબિત કરે છે કે પાર્ટી પાસે સુપર-ડુપર લિડર હોવો જોઇએ. ભાજપમાં 1 થી 100માં મોદી છે પરંતુ કોંગ્રેસમાં આખા દેશને લોકપ્રિય એવો કોઇ રાષ્ટ્રીય નેતા નજરમાં આવતો નથી. ગુજરાતમાં મોદી અને ભાજપે વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ છ મહિના અગાઉ શરૂ કરી દીધી છે જ્યારે કોંગ્રેસ હજી તેના પ્રદેશ નેતાઓના ઝઘડા વચ્ચે અટવાયેલી છે. મોદીએ એ સાબિત કર્યું છે કે કાર્યકરોના ટોળાં સાથે રાખીને ચૂંટણીમાં વિજય મેળવાતો નથી પરંતુ સ્ટેટ્રેજી અને આક્રમકતાથી વિજય હાંસલ થાય છે. હજી મોડું થયું નથી, કોંગ્રેસે નવા યુવાનોની સંખ્યાબંધ ભરતી કરીને પાર્ટીને એક નવો મોડ આપવાનો સમય આવી ગયો છે. મજબૂત શાસક પક્ષની સાથે મજબૂત વિરોધપક્ષ હોવો જરૂરી છે. સત્તા માટે નહીં તો મજબૂત વિરોધપક્ષ માટે કોંગ્રેસે પ્રયાસ કરવા જોઇએ.

મોદી અને અમિત શાહનું મિશન 150 પ્લસ...

કોંગ્રેસ મુક્ત ગુજરાતનો નારો કોંગ્રેસ મુક્ત ઇન્ડિયામાં પરિવર્તિત થઇ રહ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતાઓ માટે એલાર્મિંગ સિચ્યુએશન આવીને ઉભી છે. પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશ ઉપર પક્કડ જમાવી દીધી છે અને હવે વારો ગુજરાતનો આવ્યો છે. રાજ્યમાં ડિસેમ્બર 2017માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ઉત્તરપ્રદેશની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના હોમટાઉન ગુજરાતની ગલીઓમાં ચૂંટણી પ્રચાર માટે ફરી વળશે તેવું લાગી રહ્યું છે. મોદી માટે ગુજરાત નસીબદાર છે. 13 વર્ષના શાસન પછી મોદી જ્યારે પ્રાઇમ મિનિસ્ટરના કેન્ડિડેટ બન્યા ત્યારે આ જ ગુજરાતે તેમને દેશમાં સૌથી મોટી સફળતા આપી છે. મોદીને આશા છે કે ગુજરાતની જનતા ફરીથી 2017માં તેમને સાથ આપીને 2019ની વૈતરણી પાર ઉતારશે. ગુજરાતમાં મોદીનો નારો 150 પ્લસનો નિયત થયો છે અને એ દિશામાં અત્યારથી જ માઇક્રો પ્લાનિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

એનડીએની સત્તા હોય તેવા રાજ્યો 18 થયા છે...

ભારતમાં કેસરિયો લહેરાતો જાય છે. દેશમાં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, ઝારખંડ, આસામ, છત્તીસગઢ, હરિયાણા, ઉત્તરાખંડ અને ગોવા, મણીપુરમાં ભાજપની સરકાર છે. ભાજપ શાસિત એનડીએની સરકારમાં આંધ્રપ્રદેશ, જમ્મુ એન્ડ કશ્મિર તેમજ અરૂણાચલ પ્રદેશનો સમાવેશ થાય છે. એવું લાગી રહ્યું છે કે જે દિવસો કોંગ્રેસના હતા તે દિવસો ભાજપ માટે આવ્યા છે. હાલની સ્થિતિએ 18 રાજ્યોમાં ભાજપ અને એનડીએ પ્રેરિત શાસન છે. ભાજપમાં એકમાત્ર નરેન્દ્ર મોદી એવા શક્તિશાળી નેતા તરીકે ઉપસી રહ્યાં છે કે તેમની આગળ પાર્ટીના બીજા નેતાઓ વામણા સાબિત થયા છે. હાલ નવી દિલ્હીની ધરતી પર નરેન્દ્ર મોદી, અમિત શાહ અને અરૂણ જેટલીનો દબદબો છે, આવો દબદબો પાર્ટીમાં પહેલાં અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોષીનો હતો. પેઢી બદલાઇ છે અને કલ્ચર પણ બદલાયું છે...

મહાગઠબંધન એકમાત્ર વિકલ્પ બચ્યો છે...

નરેન્દ્ર મોદીના હોમટાઉન ગુજરાતમાં છવાઇ જવા તેઓ સંખ્યાબંધ જાહેરસભાઓ કરવા તૈયાર થયા છે, કારણ કે એકમાત્ર ગુજરાત જ એવું રાજ્ય છે કે મોદીને 2019માં દિલ્હીની ગાદી પર પુનરાવર્તન કરાવી શકે છે. દિલ્હીના એક રાજકીય વિશ્લેષક કહે છે કે- દેશની ભાજપ સિવાયની તમામ પાર્ટીઓ એક થઇને ચૂંટણી લડે તો આ મોરચો –મહાગઠબંધન- ભાજપ અને મોદીને મહાત આપી શકે છે. જો કે પાર્ટી પાર્ટીએ તેમના નેતાઓના મતમતાંતરો છે. આ સંઘમાં જોડાયેલા તમામ વિપક્ષો એકજૂથ થઇ શકે તેવી તેમની વિચારધારા નથી. ભૂતકાળમાં ઇન્દિરા ગાંધીની સામે જનતા મોરચો ખુલ્યો હતો પરંતુ એ મોરચામાં જે વિચારધારા ધરાવતા નેતાઓ હતા તેવા નેતાઓ આજે શોધ્યા મળતા નથી.

ચૂંટણીમાં ચપળતા નહીં હોય તો પરાજ્ય નક્કી....

ગુજરાતની રાજકીય સ્થિતિ ભાજપ માટે અત્યારે સાનુકૂળ છે. ધસાયેલી કોંગ્રેસ ઉપર ઉઠવાની જગ્યાએ ધરતીમાં સમાઇ રહી છે. પ્રદેશના નેતાઓ વચ્ચેના ખટરાગના કારણે કોંગ્રેસને છેલ્લા બે દસકામાં સૌથી મોટું નુકશાન થયું છે છતાં પ્રદેશના નેતાઓ ભાજપને ફાયદો થાય તેવા રાજકીય સ્ટેપ ભરી રહ્યાં છે. હાઇકમાન્ડની વારંવારની સૂચનાઓ છતાં ગુજરાતમાં કોંગ્રેસના નેતાઓ એક હરોળમાં બેસી શકતા નથી. ગુજરાતમાં માધવસિંહ સોલંકી અને અમરસિંહ ચૌધરીનો યુગ પૂર્ણ થયો છે. નવા યુગમાં કોંગ્રેસના હાલના નેતાઓ અત્યંત વામણા સાબિત થઇ રહ્યાં છે. બીજાની લિટી નાની કરવામાં લાગેલા આ નેતાઓ ગુજરાતની જનતાના કલ્યાણ માટેની કોઇ યોજના બનાવી શકતા નથી. કોંગ્રેસ અને ભાજપમાં એક જ ફરક છે- ભાજપ માઇક્રો પ્લાનિંગ સાથે એક વર્ષ અગાઉ ચૂંટણીની તૈયારી કરે છે જ્યારે કોંગ્રેસ ચૂંટણીના આગળના બે મહિનામાં જ સક્રિય બની શકે છે પરિણામે કોંગ્રેસને પ્રચારનો સમય મળતો નથી અને ભાજપને છેલ્લા દિવસોમાં મોદી હોવાથી કોઇ ચિંતા સતાવતી નથી.

ગુજરાતમાં કેજરીવાલ આવતા વિચાર કરશે...

ગુજરાતમાં 182 ઉમેદવારો ઊભા રાખીને ચૂંટણીના મેદાનમાં ઝૂકાવવા માટે તૈયાર થયેલા દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ માટે પંજાબ અને ગોવા પછી ગુજરાત મુસીબત બની છે. આમ આદમી પાર્ટીનું ગ્રાઉન્ડ વર્ક જ નથી ત્યાં તેના ઉમેદવારો ક્યાંથી જીતી શકે તે સવાલ છે. ઉત્તરપ્રદેશમાં હાર પછી ચૂંટણી પ્રચારમાં અખિલેશની ગુજરાતમાં એન્ટ્રી પર પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે પરંતુ કોંગ્રેસ પાસે દમદાર નેતા પંજાબમાં છે. કેપ્ટન અમરિંદરસિંહ અને નવજોત સિદ્ધુ સ્ટાર કેમ્પેઇનર બની શકે છે. બીજી તરફ મોદી પાસે આખું બોલિવુડ છે પણ તેમને તેની જરૂર નથી, કારણ કે ભાજપના સૌથી મોટા સ્ટાર કેમ્પેઇનર એકમાત્ર મોદી જ છે. મોદી ધારે તેને જીતાડી શકે છે અને ધારે તેને હરાવી શકે છે જે 2012ની ચૂંટણીએ સાબિત કરી આપ્યું છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.