શું યાર બદલીઓ ક્યારે છે? સચિવાલયમાં ચર્ચાતો એક સવાલ, બાજી CMના હાથમાં
ગુજરાત સરકારમાં અધિકારીઓની બદલી ક્યારે છે તેવો એક સવાલ ટોક ઓફ ધ સચિવાલય બન્યો છે. ફાઇલો તૈયાર છે પરંતુ સહી થઇ નથી તેવા જવાબ જાણવા મળે છે. જો કે મુખ્યમંત્રી ફાઇલન કરે ત્યારે જ બદલીઓના ઓર્ડર શક્ય બની શકે છે. પહેલાં જિલ્લા કલેક્ટર અને ડીડીઓ, ત્યારબાદ પોલીસ ઓફિસરોની બદલીઓ અને છેલ્લે સચિવાલયના વિભાગોમાં સિનિયર ઓફિસરોની બદલીઓ થવાની છે. બદલીઓની સાથે પ્રમોશનની ફાઇલ પણ ચાલી રહી છે. ચૂંટણી આવી છે ત્યારે માનિતા અધિકારીઓને મહત્ત્વના પોસ્ટીંગ મળી શકે છે અને અણમાનિતાને સજાના ભાગરૂપે સાઇડ પોસ્ટીંગ પણ મળશે. વફાદારીની કદર એ આનું નામ...
જેટલા કાર્યકરો એટલા નેતા એટલે કોંગ્રેસ...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપની સાથે કોંગ્રેસ પણ તેની રણનીતિ તૈયાર કરી રહી છે. કોંગ્રેસમાં હાલ તો ચીફ મિનિસ્ટરના કેન્ડિડેટ તરીકે શંકરસિંહ વાઘેલાએ તેમની જાતને પ્રોજેક્ટ કર્યા છે પરંતુ પાછલા બારણે પાર્ટી પ્રેસિડેન્ટ ભરતસિંહ સોલંકી પણ દાવેદાર છે. કોંગ્રેસની કઠણાઇ એ છે કે તેમની પાસે જેટલા કાર્યકરો છે તેટલા નેતાઓ છે. કોઇને ઝંડો પકડવો નથી. ગામડાં ખૂંદવા નથી. માત્ર મોદીના નામનો સહારો લઇને નેગેટીવ ટીકાઓ કરી આ નેતાઓ મતો ઓછા કરવામાં પડ્યા છે. મોદીનું નામ લેવાનું ભૂલીને કોંગ્રેસ મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરશે તો આ વખતે કોંગ્રેસની બેઠકોમાં વધારો થશે, પરંતુ જો મોદીની નેગેટીવ છબી લોકો સમક્ષ રાખશે તો કોંગ્રેસની હાલ જેટલી બેઠકો છે તેનાથી અડધી થઇ જતાં વાર નહીં લાગે...
સચિવાલયમાં ફાઇલોની ગતિ તેજ બની છે...
સચિવાલયમાં ફાઇલોની ગતિ તેજ બની છે તેથી મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે. લોકોના કામ થાય છે તે જાણીને વધુને વધુ મુલાકાતીઓ તેમજ અરજદારો સચિવાલય આવી રહ્યાં છે. સચિવાલયમાં પાર્કિગની જગ્યા નથી. સ્વર્ણિમ સંકુલમાં એટલી ભીડ છે કે મુલાકાતીને બેસવા માટે ખુરશી નથી. ખાસ કરીને ગુજરાતની બિલ્ડર લોબી સચિવાલયના શરણે આવીને ઊભી છે. એ ઉપરાંત વિવિધ સમાજ અને વિવિધ સંગઠનો તેમના પ્રશ્નોને લઇને સચિવાલય આવી રહ્યાં છે. આજકાલ સચિવાલય ભરચક છે. મંત્રીઓની ચેમ્બર તો ઠીક અધિકારીઓની ચેમ્બર પણ ભરચક જોવા મળી રહી છે. ધારાસભ્યો અને સંસદસભ્યોના પણ આંટાફેરા વધી રહ્યાં છે.
સસ્તું ભોજન ખવડાવો અને મત મેળવો...
સસ્તું ભોજન ખવડાવવાનો ક્રેઝ શરૂ થયો છે. ભારતના રાજ્યોમાં ખાસ કરીને ભાજપ શાસિત રાજ્યોએ સસ્તાં ભોજનની વિવિધ યોજનાઓ શરૂ કરી છે. રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે એ 8 રૂપિયામાં ભોજપ આપવાની જાહેરાત કરી છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 5 રૂપિયામાં અન્નપૂર્ણા યોજના જાહેર કરી છે. હવે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 10 રૂપિયામાં ભોજનની યોજના શરૂ કરી છે. તામિલનાડુના તત્કાલિન મુખ્યમંત્રી જયલલિથાએ સૌ પ્રથમ સસ્તાં ભોજનની યોજના શરૂ કરી હતી. જો કે આ ભોજન વિવિધ રાજ્યોમાં ગરીબ અને મજૂર વર્ગ ખાઇ શકશે. આ રાજ્યો પૈકી ગુજરાતની થાળી સૌથી મોંઘી છે. 30 રૂપિયાની થાળીમાં 20 રૂપિયા ગુજરાત સરકાર ચૂકવશે અને મજૂરને માત્ર 10 રૂપિયા ચૂકવવાના રહેશે.
પાર્ટીઓમાં પોપ્યુલર સ્લોગનની બોલબાલા...
ગુજરાતમાં આઇટી પ્રોફેશનલ્સ બુક કરવાના દિવસો આવ્યા છે. ચૂંટણીમાં કોણ કેવું માર્કેટીંગ કરે છે તેની હોડ શરૂ થઇ છે. પહેલાં ફિલ્મસ્ટારોએ માર્કેટીંગ અને પ્રમોશન શરૂ કર્યા હતા અને હવે રાજકીય નેતાઓને પણ તેનો ચસકો લાગી ચૂક્યો છે. પાંચ વર્ષમાં કરેલી કામગીરી લોકો વચ્ચે લઇ જવી હોય તો આજે સોશ્યલ માધ્મય એક એવું પાવરફુલ શસ્ત્ર છે કે જેનાથી ધારાસભ્યને બુસ્ટ મળે છે. આકર્ષક સ્લોગન કોનું છે કઇ પાર્ટીનું ક્યું સ્લોગન છે તેને પોપ્યુલર કરવાના આ દિવસો છે. ભાજપે ચૂંટણીમાં 150 પ્લસ એવું સ્લોગન આપ્યું છે, તો કોંગ્રેસે- કોંગ્રેસ આવે છે... તેવું સ્લોગન આપ્યું છે. કોંગ્રેસે નવસર્જન ગુજરાતનું પણ સ્લોગન આપ્યું છે ભાજપે છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસ મુક્તનો નારો પ્રબળ બનાવ્યો હતો. 2017 માટે એવું કહી શકાય કે- આ દેખેં જરા કિસ મે કિતના હૈ દમ...
કામ ન કરો પણ મુલાકાતીને પ્રેમ તો આપો...
ગુજરાતમાં એવા અધિકારીઓ આવીને ગયા કે જેઓને કામ કરવું ન હોય તો પણ વાત કરવાની સ્ટાઇલથી સામેવાળો એટલો ખુશ થઇને જાય કે એને મનોમન થાય, કેટલા સારા ઓફિસર છે... કેટલી મૃદુતાથી વાત કરે છે. સચિવાલયમાં એક સિનિયર ઓફિસર નિવૃત્ત થઇ ગયા પરંતુ તેમની સ્ટાઇલ એવી હતી કે મુલાકાતી ટેન્શનમાં તેમની ચેમ્બરમાં એન્ટર થાય અને જ્યારે બહાર નિકળે ત્યારે ખુશમિજાજમાં હોય... એને એમ કે તેનું કામ થઇ ગયું છે. સ્વભાવમાં નરમાશ હોય તો દુશ્મન પણ મિત્ર બની શકે છે, તે આ ઓફિસર સારી રીતે જાણતા હતા, અને એટલે જ તેઓ મુલાકાતીઓમાં લોકપ્રિય બની શક્યા હતા. બીજા એક ઓફિસર એચ.કે.એલ.કપૂર એવા ઓફિસર હતા તે તેમની ચેમ્બરમાં એન્ટર થયેલો કોઇપણ મુલાકાતી નિરાશ થઇને બહાર નિકળતો ન હતો. કાયદેસરનું કામ સરકારી નીતિ-નિયમ પ્રમાણેનું હોય તો તેઓ અંગત રસ લઇને અવશ્ય કરી દેતા હતા. તેઓ પણ સચિવાલયમાં ખૂબ લોકપ્રિય બન્યા હતા. કપૂર સાહેબના હુલામણા નામથી તેઓ જાણીતા હતા.
નર્મદાના કિનારા સોલ્ટપામ બની રહ્યાં છે...
ભરૂચ જિલ્લાના નર્મદા ડેમના ગ્રામ્ય વિસ્તારમાં દરિયાના ખારા પાણી ઘુસી જતાં નર્મદાનો કિનારો સોલ્ટપામમાં ફેરવાઇ જવાની દહેશત ઊભી થઇ છે. ખંભાતના અખાતથી 40 કિલોમીટરના નર્મદાકાંઠાના વિસ્તારમાં ખારા પાણીએ કેર વર્તાવ્યો છે. ઓછામાં ઓછી 10,000 હેક્ટર જમીન ધોઇ નાંખી છે. ખારા પાણીથી પ્રભાવિત નર્મદાકાંઠાના 18 ગામોની ગ્રામસભામાં આ ઇસ્યુ રેઇઝ કરવામાં આવ્યો હતો. આ ગામના સરપંચોએ મળીને જિલ્લા કલેક્ટરને રજૂઆત પણ કરી છે. આ ગ્રામજનોની માગણી છે કે નર્મદા ડેમમાંથી પાણી નદીમાં વહાવવામાં આવે તો સોલ્ટપામ બનેલા વિસ્તારોની જમીન સુધરી શકે તેમ છે. 2013માં નિરીએ નર્મદા નદીમાં ખારાશનું પ્રમાણ વધી રહ્યું હોવાનો સ્ટડી કર્યો હતો. આ સંસ્થાએ તેના રિપોર્ટમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે નર્મદાના કિનારામાં ખારાશનું પ્રમાણ 2000ની સાલમાં 43 ટકા હતું તે વધીને 87 ટકા નોંધવામાં આવ્યું છે. એટલું જ નહીં નર્મદા કન્ટ્રોલ ઓથોરિટીએ ખારા પાણી નર્મદામાં ઘુસી રહ્યાં હોવા અંગે ગુજરાત સરકારને ચેતવણી પણ આપી હતી પરંતુ રાજ્ય સરકારે આ દિશામાં કોઇ પગલાં ભર્યા નથી.
મહિલા અને યુવાનો માટે ઓફલાઇન ન રહો…
ગુજરાત સરકારને કેગ- તરફથી કહેવામાં આવ્યું છે કે યુવાનોની રોજગારલક્ષી માહિતી અને તાલીમબદ્ધ કાર્યક્રમ માટે સરકારે સતત ઓનલાઇન રહેવું જોઇએ, કારણ કે માહિતીના અભાવે સંખ્યાબંધ યુવાનો જોબલેસ બનીને રહી જાય છે, ગુજરાતના સ્કીલ ડેવલપમેન્ટ મિશનમાં પણ કેટલીક ક્ષતિઓ બહાર આવી છે જેને રાજ્ય સરકારે નજર અંદાજ કરી છે પરિણામે હાલની સરકારમાં યુવાનો- નવી પેઢી સરકારથી દૂર થતી જતી જોવા મળે છે. પાટીદાર આંદોલન એ તેનો સૌથી મોટો પડઘો છે. ડિજીટલ ઇન્ડિયાની વાતો આપણે કરીએ છીએ પરંતુ જ્યાં ઓનલાઇન રહેવાનું હોય છે ત્યાં સરકારના વિભાગો ઓફલાઇન રહે છે. યુવાનો અને મહિલાઓના લાભ માટેની જે કોઇ સરકારી સ્કીમ હોય તેમાં સરકારે સતત નિરગાની રાખવી જોઇએ...
મહારાષ્ટ્ર એ ગુજરાત કરતાં અલગ છે...
ઔદ્યોગિક મૂડીરોકાણમાં મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાત કરતાં આગળ કેમ છે..?!! તેવા પ્રશ્નનો જવાબ જો ગુજરાતના શાસકો અને ઓફિસરો શોધી કાઢે તો ગુજરાત દેશમાં નંબરવન રહે...ગુજરાતના ઉદ્યોગ વિભાગમાં ચક્કર લગાવતા એક બિઝનેસ પ્રતિનિધિ કહે છે કે મહારાષ્ટ્રમાં તમે કોઇપણ પ્રોજેક્ટ માટે પ્રપોઝલ રજૂ કરો ત્યાર થી જ્યાં સુધી તમારી પ્રપોઝલનો નિકાલ ન થાય ત્યાં સુધી એક નહીં અનેક વિભાગોના ઓફિસરો તમારી પાછળ પડી જાય છે. પ્રોજેક્ટનું અમલીકરણ જ્યારે ફાઇલન સ્ટેજમાં આવે છે ત્યારે સંલગ્ન વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉદ્યોગજૂથને એક પછી એક મંજૂરીઓના કાગળ આપતા જાય છે, બીજી તરફ ઉદ્યોગજૂથ તરફથી નિયત સમયમાં પ્રોજેક્ટ શરૂ કરવાનું લેખિતમાં કમિટમેન્ટ મળે છે... કોર્પોરેટ હાઉસને શરમાવે તેવું કામ મહારાષ્ટ્રની સરકાર કરે છે, ગતિશીલતાની વાતો કરતા ગુજરાતે આ શિખવા જેવું છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર