ગુજરાતની ચૂંટણીમાં ECI પ્રયોગ કરવા તૈયાર
વોટિંગ મશીનમાં ચેડાં થતાં હોવાની ફરિયાદને આગળ કરીને ભારત દેશની વિવિધ પાર્ટીઓના આગેવાનોએ કેન્દ્ર સરકાર અને ભારતના ચૂંટણી પંચને આડે હાથ લીધા છે. ઉત્તરપ્રદેશ, દિલ્હી અને અન્ય રાજ્યોમાં ભાજપને મતદારોએ બહુમતિ કે બહુમતિ કરતાં વધારે મતો આપ્યા હોવાથી કેટલીક પાર્ટીઓના નેતાઓએ એવો આક્ષેપ કર્યો છે કે આ મોદી મેજીક નહીં ઇવીએમ મેજીક છે. ઇવીએમના ઉપયોગ સામે વિવિધ પાર્ટીઓએ બાંયો ચઢાવી છે અને કહ્યું છે કે ભારતની તમામ ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરો. જો કે તેમ કરવું અશક્ય હોવાથી અદાલતના ચૂકાદા પ્રમાણે પંચે હવે વોટર વેરિફિકેશન પેપર ઓડિટ ટ્રેઇલ- વીવીપીએટી- યુનિટનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. આ યુનિટની મદદથી નક્કી કરી શકાશે કે તમે મત કોને આપ્યો છે. જો કે હાલ આ યુનિટની તંગી હોવાથી ગુજરાતના પસંદગીના બૂથ પર તેનો ઉપયોગ કરવાનું આયોજન ચાલી રહ્યું છે. રાજ્યમાં 49000 બુથ છે અને 60,000 યુનિટ્સની આવશ્યકતા છે પરંતુ પંચ પાસે એટલી મર્યાદામાં યુનિટ નથી તેથી પાયલોટ પ્રોજેક્ટનો ગુજરાતથી અમલ થશે તેમ લાગી રહ્યું છે.
સચિવાલયમાં બદલીની મોસમ ચાલે છે...
જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓની બદલી કર્યા પછી હવે પોલીસ ડિપાર્ટમેન્ટનો વારો છે. જિલ્લાના પોલીસ વડા અને અન્ય પોલીસ ઓફિસરોની બદલીની ફાઇલ તૈયાર છે જેની મંજૂરી મળતાં જ મોટાપાયે પોલીસ ઓફિસરોની બદલી કરવામાં આવનાર છે. સચિવાલયના સૂત્રો જણાવે છે કે સરકારના સિનિયર આઇએએસ અને સિનિયર આઇપીએસ અધિકારીઓની બદલીની તૈયારીઓ ચાલી રહી છે. એ સાથે ગુજરાતના કેટલાક સિનિયર ઓફિસરોને પણ પ્રાઇમ પોસ્ટીંગ મળી શકે તેમ છે. પોલીસમાં પીઆઇ અને પીએસઆઇની બદલીઓ માટે પસંદગીના ઓફિસરોને નવા પોસ્ટીંગ મળી શકે તેમ છે. તાજેતરમાં જ સરકારે ચાર ડઝન જેટલા ઓફિસરોની સામૂહિક બદલીઓ કરી છે જે પૈકી મોટાભાગની બદલીઓ વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને કરવામાં આવી છે.
રૂપાણીએ મોદી જેવું બનવાની જરૂર છે...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જો કેન્દ્ર સરકારમાં સિનિયર ઓફિસરોને ટ્વિટર અને ફેસબુકમાં અપડેટ રહેવાની સૂચના આપી શકતા હોય તો ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી કેમ આવા આદેશ કરતા નથી તે સોચનિય છે. તેમણે પણ મોદીના પગલે વિભાગોના અધિકારીઓ તેમજ બોર્ડ-કોર્પોરેશનના જવાબદાર ઓફિસરોને સોશ્યલ સાઇટ્સને અપડેટ કરવાના આદેશ આપવા જોઇએ. એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે સોશિયલ સાઇટ્સમાં અપડેટ્સ આપવાથી જનતાને સીધી ખબર પડી જાય છે. સરકારની પ્રજાકીય યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા માટે સોશિયલ માધ્યમ એક એવું પાવરફુલ છે કે જેનાથી લોકો સાથે સીધો સંવાદ પણ થઇ શકે છે.
દિલ્હીમાં ઉજાસ છે અને ગુજરાતમાં અંધારું...
ગુજરાત સરકારની વિવિધ વેબસાઇટ્સનો આંકડો 275ને પાર થઇ ગયો છે છતાં તે પૈકીની 75 ટકા વેબસાઇટ્સ અપડેટ થતી નથી. સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગને પૂછવામાં આવે છે તો તેઓ કહે છે કે વેબસાઇટની તારીખ જુઓ, અપડેટ છે. પરંતુ હકીકતમાં વેબસાઇટની જવાબદારી સંભાળે છે તે કર્મચારી માત્ર તારીખમાં જ અપડેટ કરે છે. નવી યોજનાઓ કે નવા રિપોર્ટ આ વેબસાઇટમાં મળતા નથી. સરકારના વિભાગોની મોટાભાગની વેબસાઇટમાં પાંચ વર્ષ જૂના ડેટા જોવા મળે છે. શિક્ષણ, આરોગ્ય, હોમ, સામાન્ય વહીવટ વિભાગ કે નાણાં વિભાગની વેબસાઇટ થોડીઘણી અપડેટ થાય છે પરંતુ ઉર્જા, માહિતી અને પ્રસારણ, નર્મદા, કલ્પસર, શ્રમ અને રોજગાર તેમજ ઉદ્યોગ વિભાગની વેબસાઇટમાં જૂના આંકડા વધુ પ્રમાણમાં જોવા મળે છે. મોદી દિલ્હી ગયા પછી દિલ્હીમાં ઉજાસ છે અને ગુજરાતમાં અંધકાર છે, કારણ કે દિલ્હીમાં વેબસાઇટ પળેપળે અપડેટ થાય છે, ગુજરાતમાં આપણને જૂનો પુરાણો ડેટા જોવા મળે છે.
કોંગ્રેસના નેતાઓને ઓફરો મળવા લાગી છે...
ગુજરાતમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મોટું રાજકીય ઓપરેશન કરવાની ફિરાકમાં છે. તેઓ કોંગ્રેસના મજબૂત અને લોકપ્રિય નેતાઓ, ધારાસભ્યો અને ભૂતપૂર્વ સંસદસભ્યોને વિધાનસભાની ચૂંટણી ભાજપની ટિકિટ પર લડાવવા માગે છે. ગુજરાત કોંગ્રેસની સ્થિતિ હાલ નાજુક છે. કોંગ્રેસનું હાઇકમાન્ડ શંકરસિંહ વાઘેલાને ચીફ મિનિસ્ટરના કેન્ડિડેટ બનાવી શકતું નથી ત્યારે પાર્ટીમાં આંતરિક અસંતોષ વધતો જાય છે. કોંગ્રેસના આવા અસંતુષ્ટ સભ્યો સાથે બેઠકો કરીને અમિત શાહ તેમને ટિકિટ અને પ્રધાનપદની ઓફર કરે તો નવાઇ પામવા જેવું નથી. 2012ની ચૂંટણીમાં અમિત શાહનું સૌથી મોટું ઓપરેશન નરહરિ અમીન અને વિઠ્ઠલ રાદડિયાનું હતું. હવે તેમનું મિશન કોંગ્રેસના પૂર્વ સંસદસભ્યો અને વર્તમાન ધારાસભ્યો છે. સચિવાલયમાં એક સૂત્ર ચાલી રહ્યું છે- અમિતભાઇ આવે છે- કોંગ્રેસ જાય છે...આ સાચું પડે તો શું થાય…!
ભાજપના નહીં કોંગ્રેસના દુશ્મનો વધારે છે...
મે મહિનામાં ભરઉનાળો હોય છે. કોંગ્રેસને પસીનો આવી જાય તેવી એક ઘટના બનવાની છે. ઠાકોર, ઓબીસી અને એસટી એકતા મંચના સુપ્રિમો અલ્પેશ ઠાકોર નવી પાર્ટી બનાવી રહ્યાં છે. જો તેઓ નવી પાર્ટીની જાહેરાત કરશે તો તેઓ 80 ઓબીસી બેઠકો પર ઝૂકાવશે, જે સરવાળે કોંગ્રેસને નુકશાન કરી શકે છે. અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાય તેવી શક્યતા નહીંવત છે. તેઓ કોંગ્રેસમાં પણ જોડાશે નહીં, નવી પાર્ટી બનાવીને તેઓ કોંગ્રેસની મજબૂત બેઠકો પર પકડ જમાવવાનો પ્રયાસ કરશે. બીજી તરફ એનસીપી પણ મેદાનમાં ઉતરેલી છે. કોંગ્રેસ સાથે તેનું જોડાણ ન થાય તો વધુ એક પાર્ટી કોંગ્રેસની વિરૂદ્ધમાં ઉતરી શકે છે. આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે 182 ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી હતી પરંતુ તેમની હારની હેટ્રિકને જોતાં તેઓ ગુજરાતમાં સફળ થઇ શકે તેમ નથી, કારણ કે હાલ તો તેમની દિલ્હીની સત્તા સામે સૌથી મોટો પડકાર છે. તેઓ તેમની સરકારને બચાવી શકે તેવી હાલતમાં નથી. વળી, ઉત્તરપ્રદેશના ધબકડા પછી કોંગ્રેસ સાથે જોડાણ કરવા કોઇ પાર્ટી તૈયાર થાય તેવી સંભાવના પણ નથી.
અમિતભાઇ મિશન 400 પ્લસ લઇને આવ્યા છે...
ગુજરાતમાં 150 પ્લસ પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે 2019મા આવતી લોકસભાની ચૂંટણી માટે 400 પ્લસનો ટારગેટ બનાવ્યો છે. મિશન-400 પ્લસ નામના સ્લોગન સોશિયલ મીડિયામાં અત્યારથી જ ફરી રહ્યાં છે. ભાજપની સોશિયલ સાઇટ્સની પકડ સામે કોંગ્રેસનું કોઇ ગજું નથી, કારણ કે ભાજપની કોઇ ચાલને કોંગ્રેસના નેતાઓ સમજી શકતા નથી. જ્યારે સમજણ આવે છે ત્યારે કોંગ્રેસ પાર્ટી માટે ખૂબ મોડું થઇ ગયું હોય છે. લોકસભાની કુલ 554 બેઠકો છે. ભાજપને 2014મા જે બેઠકો મળી છે તેનાથી આ ટારગેટમાં 120 બેઠકો વધારે છે. અમિત શાહનું માનવું છે કે ભાજપ માટે એવી 120 બેઠકો છે કે જ્યાં ગઇ લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો હાર્યા હતા. ભાજપે 2014માં 282 બેઠકો પર જીત મેળવી હતી. આ બેઠકો ઓડીસા, પશ્ચિમ બંગાળ, કેરલ અને તામિનાડુની છે કે જ્યાં ભાજપને મુશ્કેલી છે. ભાજપનું આવું માઇક્રોપ્લાનિંગ જ તેને વિજય અપાવે છે અને તે કોંગ્રેસની સમજ બહાર છે.
ભાજપનું તીક્ષ્ણ હથિયાર કોંગ્રેસને મ્હાત કરશે...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વેના આ દિવસોમાં ભાજપના નેતાઓ વોટ્સઅપ ગ્રુપ બનાવવા માગે છે. આ ગ્રુપમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓની માહિતી તેમજ સામાન્ય જનતાને ફાયદારૂપ સ્કીમોની પોસ્ટ કરવામાં આવશે. આ કામ માટે ભાજપને સોશ્યલ મિડીયાની એક ટીમ હાયર કરવાનું નક્કી કર્યું છે જે ટીમ લોકોને સમજાય તેવી રીતે સોશિયલ મિડીયામાં ભાજપની સરકારની યોજનાઓનું પ્રેઝન્ટેશન આપશે. સરકારે જિલ્લા અને તાલુકા કક્ષાએ કરેલા કામોની માહિતી પણ આ ગ્રુપમાં અપાશે. આ સાથે ટ્વિટર અને ફેસબુક જેવા માધ્યમોમાં સરકારની પ્રસિદ્ધિ થાય તેવી પોસ્ટ કરવાનું પ્લાનિંગ બનાવવામાં આવ્યું છે. ભાજપનું આઇટી સેલ હાલ આ બઘી કામગીરીમાં વ્યસ્ત છે. વિધાનસભાની ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાવાની છે ત્યારે પાર્ટી પાસે હજી છ મહિનાનો સમય છે. આ સમયમાં આઇટી સેલ લોકોનો વિશ્વાસ સંપાદન કરવા ઘણું બઘું કરી શકે છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર