મોદી માટે મહત્ત્વના ત્રણ વર્ષ: 16 રાજ્યો, લોકસભા અને પ્રેસિડેન્ટનું ઇલેક્શન

25 Jan, 2017
12:00 AM

PC: narendramodi.in

દિલ્હી, બિહાર પછી પાંચ રાજયોની ચૂંટણી પૂર્ણ થઇ છે પરંતુ નેતાઓને ચેન નથી. આવનારા ત્રણ વર્ષ ફરી પાછા ખાદીધારી વસ્ત્રો પહેરીને લોકોની વચ્ચે જવાનો સમય છે. ખાસ કરીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આવનારા ત્રણ વર્ષ મહત્ત્વના છે, કારણ કે તેમાં 16 રાજ્યો, લોકસભા અને પ્રેસિડેન્ટનું ઇલેક્શન આવે છે. 2017મા ગુજરાત, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણીપુરમાં ચૂંટણી છે જ્યારે 2018મા નાગાલેન્ડ, કર્ણાટક, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, રાજસ્થાન, છતીસગઢ અને મધ્યપ્રદેશમાં ચૂંટણી આવે છે. આ બધી ચૂંટણીઓ પૂરી થશે ત્યારે લોકસભા 2019ની ચૂંટણી આવશે અને તેની સાથે સાથે મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણી પણ આવી રહી છે.

ગુજરાતમાં મોદીનું મિશન 150

આ વખતે લોકસભાની ચૂંટણી અતિ મહત્ત્વની બની રહેવા સંભવ છે, કારણ કે મેદાનમાં નરેન્દ્ર મોદી વિરૂદ્ધ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી હશે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ દાખલ થયા પછી આ તમામ ચૂંટણીમાં ભાજપને કેટલો ફટકો પડે છે અને કેટલો ફાયદો થાય છે તે મોંઘવારીમાં પિસાઇ રહેલી જનતા નક્કી કરશે. બીજી તરફ ગુજરાતમાં મોદીની હાજરી વિનાની પહેલી વિધાનસભા ચૂંટણી લગભગ 16 વર્ષ પછી આવી રહી છે. આ 16 વર્ષોમાં મોદીએ કોંગ્રેસને નામશેષ કરી દીધી છે. મોદીનો ટારગેટ 150 થી વધુ બેઠકો અને કોંગ્રેસના મહારથીઓને હરાવવાનો રહ્યો છે, કારણ કે માધવસિંહ સોલંકીના સમયમાં કોંગ્રેસે ઇન્દિરા ગાંધીની સહાનુભૂતિના કારણે 149 બેઠકો મેળવી હતી, આમ છતાં છેલ્લી ત્રણ વિધાનસભા 2002, 2007 અને 2012માં કોંગ્રેસને 50થી વધુ બેઠકો તો મળી છે. મોદીનો જાદુ હોવા છતાં આટલી સફળતા એ કોંગ્રેસનો પ્લસપોઇન્ટ રહ્યો છે.

ભાજપ સમજે, લોકસભા નથી વિધાનસભા છે...

ભાજપે એન્ટી ઇન્કમબન્સી ફેકટર અને મોદીની હાજરી વિનાની ચૂંટણી એ બન્ને મહત્ત્વની બાબતો સામે રાખવાની જરૂર છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની પ્રજાએ 26 માંથી 26 બેઠકો આપીને જે રેકોર્ડ કર્યો છે તેનાથી ભાજપે ફુલાઇ જવાની જરૂર નથી, કારણ કે મોદી એ પ્રાઇમ મિનિસ્ટરના કેન્ડિડેટ હતા. એ મોદીની લડાઇ હતી અને મોદીની જીત હતી. એવું કહેવાય કે 2017માં મોદી મેજીક નથી તેથી ભાજપ સમજે તો સારું અને કોંગ્રેસ માને તો સારું, કારણ કે આ વખતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પંજાબ, ગોવા અને ગુજરાતમાં મેદાનમાં ઉતરેલી છે. બિન ભાજપી પાર્ટીઓને આ પાર્ટી સપોર્ટ કરીને ભાજપના શહેરી મતદારો બગાડવાની વેતરણમાં છે.

મોદી માટે આવનારા ત્રણ વર્ષ મહત્ત્વના છે...

ભારતના રાજકારણમાં 2017, 2018 અને 2019એ ત્રણેય મહત્વના વર્ષો છે, કારણ કે આ વર્ષોમાં ચૂંટણીની ભરમાર છે. દેશના 16 રાજયો અને લોકસભાની ચૂંટણી નક્કી થયેલી છે. ભારતના રાષ્ટ્રપતિની પણ ચૂંટણી થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2019ની લોકસભાની વૈચરણી પાર કરવી હોય તો તેમણે 2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવવો જરૂરી છે. આ હેતુ માટે મોદી ગુજરાતની ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવશે તેવું દેખાઇ રહ્યું છે. મોદીની ગુજરાત મુલાકાત સમયે તેમણે એના સંકેત પણ આપી દીધા છે. મોદીએ કહ્યું હતું કે હું ગુજરાતી છું. ગુજરાતે મને ઘણું આપ્યું છે. ગુજરાતના અનુભવ પરથી હું દિલ્હીની કેન્દ્ર સરકારનું શાસન કરતાં શીખ્યો છું. આપણો નાતો અતૂટ છે. હવે હું વારંવાર ગુજરાત આવવાનો છું.’ મોદીના આ શબ્દો જ બતાવી આપે છે કે ગુજરાતને કેટલી હદ સુધી નુકશાન થયું છે

મજબૂત કોંગ્રેસની ભાજપને જરૂર છે...

મોદી સરકારે નોટબંધી કર્યા પછી ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ભાજપ અને સરકાર માટે કેવી હાલત છે તેવો પ્રશ્ન લોકોને પૂછવા માટે રાજ્યના મિનિસ્ટરો, ધારાસભ્યો તેમજ સંસદસભ્યોને તાકીદ કરવામાં આવી છે. અમદાવાદ, સુરત અને વડોદરા એ ત્રણ શહેરો ભાજપ માટે પડકારજનક નથી પરંતુ નાના શહેરો અને ખાસ કરીને ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભાજપની હાલત કફોડી છે તેવા રિસર્ચ અહેવાલના પગલે પાર્ટી હાઇકમાન્ડે સર્વેક્ષણ કરવાનું નક્કી કર્યું છે. આ કામગીરી માટે સોશ્યલ મિડીયાનો પણ સહારો લેવામાં આવનાર છે. પાર્ટીના પ્રદેશ સૂત્રો કહે છે કે ગુજરાતમાં કોંગ્રેસ ક્યા વિસ્તારમાં મજબૂત છે અને ત્યાં કોને ટિકિટ આપીએ તો જીતી શકાય તેમ છે તેવા મેસેજ સાથે જિલ્લા પ્રભારીઓને યાદી બનાવવાનું કામ આપવામાં આવ્યું છે. ભાજપે કોંગ્રેસના 60 એવા મત વિસ્તારો આઇડેન્ટીફાય કર્યા છે કે જ્યાં કોંગ્રેસની સીટ શ્યોર માનવામાં આવે છે. કોંગ્રેસ માટે આ સૌથી મોટો ખતરો છે.

આપણે નહીં લોકોને નજર સમક્ષ રાખો...

ગુજરાતની જાહેર જનતાને શું કરીશું તો ગમશે, ક્યા પ્રોજેક્ટથી લોકોને ફાયદો થશે.. ક્યા કાયદામાં પરિવર્તન લોકો ઇચ્છી રહ્યાં છે... ભાજપ સરકારની કઇ બાબતો લોકોને નડે છે... વિવિધ સમૂદાય અને સમાજ માટે કઇ નવી યોજના શરૂ કરી શકાય તેમ છે... આવા પ્રશ્નોની યાદી સરકારના વહીવટી તંત્રને આપવામાં આવી છે. સરકાર બજેટ પૂર્વે આ અભિપ્રાયો પ્રમાણે કામ કરવા માગે છે. વિવિધ વિભાગોના સેક્રેટરીઓના માથે આ જવાબદારી આવી છે અને તેમને જિલ્લા આગેવાનો તેમજ ધારાસભ્યોના સીધા સંપર્કમાં રહેવાનું કહેવામાં આવ્યું છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી બજેટની તૈયારી પૂર્વે જે કરવા માગે છે તે પ્લાન બહુ ઉંચા છે પરંતુ જો તેમને હાઇકમાન્ડ સાથ આપે તો તેમનું આ સ્વપ્ન પૂર્ણ થઇ શકે તેમ છે, અન્યથા જો હાઇકમાન્ડનું ચાલશે તો તેમના પ્લાન તેમણે પડતા મૂકવા પડશે. તેઓ માને છે કે સરકારે લોકોને નડવાનું બંધ કરવું જોઇએ.

ઇન્ડિયા નહીં, હિન્દુસ્તાનનું બજેટ આપો...

કેન્દ્ર સરકારના નાણાપ્રધાન અરૂણ જેટલી મોદી સરકારનું સામાન્ય અંદાજપત્ર રજૂ કરવા જઇ રહ્યાં છે ત્યારે તેમને કહેવાનું મન થાય છે કે તેઓ ઇન્ડિયાનું નહીં હિન્દુસ્તાનનું બજેટ બનાવે તો ભારતની પ્રજાની સેવા કહેવાશે. અત્યાર સુધીમાં આવેલા બજેટ ઇન્ડિયાના બન્યા છે, મતલબ એ છે કે ભારતનું બજેટ વૈશ્વિક પરિબળોને આધારે બનાવવામાં આવે છે. બજેટમાં માલેતુજારોના ફાયદા સાથે ગરીબ અને મધ્યમવર્ગની સ્થિતિ કફોડી બનતી હોય છે. નાણાપ્રધાને કોમન મેનને લક્ષ્યમાં લઇને બજેટ બનાવવા જોઇએ, હકીકતમાં સરકારનું કામ લોકોને સસ્તી અને ઝડપી સેવાઓ આપવાનું હોય છે પરંતુ બજેટમાં સૌથી વધુ પરેશાન આમ આદમીને જ કરવામાં આવે છે. હિન્દુસ્તાનનું બજેટ રજૂ થાય તો કમસે કમ મધ્યમવર્ગનું જીવન ધોરણ ખુશહાલીથી પસાર થઇ શકે તેમ છે.

ગુજરાત સરકાર બેકારી ભથ્થું આપી શકે છે...

ગુજરાત સરકાર સિનિયર સિટીઝન માટેની યોજનાઓ શરૂ કરવા માગે છે. સિનિયર સિટીઝન માટે હરવા ફરવાના સ્થળો, જાહેર સ્થળો અને ફાયનાન્સિયલ ઇન્સ્ટીટ્યુશનમાં પ્રાધાન્ય અપાશે. ભાજપની સરકારના આગામી બજેટમાં આ સ્કીમને મહત્વ મળી શકે છે. એ ઉપરાંત નોકરી ન મળી હોય તેવા નોકરી ઇચ્છુક બેરોજગાર યુવાનોને બેકારી ભથ્થું પણ મળી શકે છે. જ્યાં સુધી નોકરી ન મળે ત્યાં સુધી બેકારોને સરકાર પ્રતિ માસ ફિક્સ રકમ આપનાર છે. વિધાનસભાના બજેટ સત્રમાં નવી યોજના તરીકે બેકારી ભથ્થુંને સ્થાન મળે તે સંભવ છે. મોદીની જાહેરાતના પગલે ગુજરાત સરકાર હોમ લોનની રાજ્યપુરતી અલાયદી સ્કીમ રજૂ કરે તેમ માનવામાં આવે છે કે જેમાં ઘરવિહોણાને ઘર બનાવવા માટે સસ્તી લોન પ્રોવાઇડ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં ઘર બનાવનારને વધારે ઇન્સેન્ટીવ આપવાનું પણ આયોજન છે.

ભાજપની નજરમાં હવે સોશ્યલ મિડીયા...

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ સોશ્યલ મિડીયા પર ભાજપની પક્કડ તેજ બનતી જાય છે. ફેસબુક અને ટ્વિટર પર જાત જાતના એકાઉન્ટ ખોલીને ભાજપ સામેની નકારાત્મક સ્થિતિને સુધારવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. ગુજરાત ભાજપના નેતાઓ કે જેઓ સોશ્યલ મિડીયા પર નબળો દેખાવ કરતા હતા તેમને સૂચના આપી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિકાસ કાર્યોને સોશ્યલ મિડીયા પર પ્રસિદ્ધિ આપવા તાકીદ કરવામાં આવી છે. સરકારે ધારાસભ્યોને અને પાર્ટીએ પ્રદેશના નેતાઓ તેમજ પ્રમુખ કાર્યકરોને સોશ્યલ મિડીયાના રણમેદાનમાં ઉતરી જવાનો આદેશ કર્યો છે. સોશ્યલ મિડીયા માટે ભાજપ વોરરૂમ ઉભો કરી રહ્યું છે જેમાં ચુનંદા આઇટી નિષ્ણાંતો તેમજ સોશ્યલ મિડીયામાં એક્ટિવ એવા કાર્યકરોને આમંત્રિત કરવાનો પાર્ટીના યુવા પ્રમુખ જીતુ વાઘાણીએ પ્રયાસ શરૂ કર્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તો તેમની મોબાઇલ એપ્લિકેશન શરૂ કરી દીધી છે અને લોકો તેમજ કાર્યકરોને તેઓ જોડતા જાય છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.