મોદી સરકાર ગરીબો માટે સ્કીમ લાવી શકે છેઃ મહિને 1500 રૂપિયાની આર્થિક સહાય
નોટબંધીના અમલ બાદ કેન્દ્ર સરકાર દેશની જનતાને મોટો લાભ કરાવશે એવી અનેક વાતો શરૂ થઇ છે. આવી જ એક વાત અનુસાર કેન્દ્ર સરકાર ગરીબોને દર મહિને નાણાંકીય મદદ કરવા માટે ઇન્કમ ટ્રાન્સફર યોજના વિશે વિચારી રહી છે જેને નેશનલ સોશિયલ સિક્યોરિટી સ્કિમની જેમ તૈયાર કરવામાં આવશે. અગાઉ એવી વાત આવી હતી કે સરકાર દરેક જનધન ખાતામાં 15000 રૂપિયા ટ્રાન્સફર કરશે (આ યોજના પાછળ 57000 કરોડનો વાર્ષિક ખર્ચ થાય). આ પછી એવા અહેવાલો આવ્યા હતા કે સરકાર દરેક નાગરિકને માટે 1500નું માસિક પેન્શન શરૂ કરશે (આવી યોજના પાછળ વર્ષે 7.50 લાખ કરોડનો ખર્ચ થાય). પરંતુ જો કોઇ નિર્ણય લેવાશે તો પહેલી ફેબ્રુઆરીએ નાણામંત્રી અરુણ જેટલી બજેટમાં તેની જાહેરાત કરશે. લગભગ 20 કરોડ ગરીબોને દર મહિને 1500ની સહાય કરવામાં આવે તો સરકારને ત્રણ લાખ કરોડનો વધારાનો ખર્ચ આવી શકે છે.
ઇ-વોલેટ, ભાઇ હવે ચાર્જ લાગવાનો છે...
એટીએમમાંથી પૂરતા પ્રમાણમાં નાણાં ન ઉપાડી શકવાના કારણે તમને અફસોસ થતો હોય તો વધુ પરેશાની માટે તૈયાર રહો. એટીએમમાંથી ફ્રી નાણાં ઉપાડવાની મર્યાદા ઘટાડીને દર મહિને માત્ર ત્રણ કરવામાં આવે તેવી શક્યતા છે. હાલમાં દર મહિને પાંચ વખત કોઈ પણ જાતના ટેક્સ વિના નાણાં ઉપાડી શકાય છે. હવેથી જે બેન્કમાં ખાતું હોય તેના એટીએમમાંથી પણ નાણાં ઉપાડવાની મર્યાદા લાગુ થાય તેવી સંભાવના છે. બેન્કર્સ દ્વારા કરવામાં આવેલી દરખાસ્ત પર નાણાંમંત્રી સાથે બજેટની તૈયારી પૂર્વે થયેલી બેઠકમાં ચર્ચા થઈ હતી. અધિકારીઓ માને છે કે લોકોને ડિજિટલ ટ્રાન્ઝેક્શન તરફ વાળવાનો આ સારો રસ્તો છે. નામ જાહેર ન કરવાની શરતે એક બેન્કરે કહ્યું કે, એટીએમના ફ્રી ટ્રાન્ઝેક્શનની સંખ્યા ઘટાડવા ચર્ચા થઈ છે. રોકડનો ઉપયોગ ઘટાડવા માટે આ પગલું વિચારાય છે.
રાજનિતીમાં રોબોટનો જમાનો આવ્યો છે...
ભારતની લોકશાહીને વરેલી રાજનીતિમાં છેલ્લા દસકામાં અનેક પરિવર્તન આવ્યા છે. 2007 અને 2012ની ચૂંટણીમાં મોદી માસ પ્રચારકાર્યમાં લાગી ગયા હતા. એક જ જગ્યાએથી અનેક જગ્યાએ મોદી દેખાય તેવી થ્રી-ડી પ્રચાર ઝૂંબેશ જોવા મળી હતી. ગુગલ હેન્ગઆઉટથી પણ પ્રયાર થયેલો છે. 2014ની ચૂંટણીમાં મોદીએ નવો પ્રયોગ કર્યો હતો. ભારતના રાજકીય ઇતિહાસમાં પ્રથમવાર મોદીની ચૂંટણી સભામાં પાંચ રૂપિયા અને દસ રૂપિયાની ટીકીટ રાખવામાં આવી હતી. આવું તો સુપરપાવર નેતા ઇન્દિરા ગાંધી અને અટલ બિહારી વાજપેયીની સભાઓમાં પણ જોવામાં આવ્યું નથી. હવે પાંચ રાજ્યોની ચૂંટણી આવી રહી છે ત્યારે રોબોટ ઓટોમેટીક મોડથી કોઇપણ નેતાનો અવાજ કાઢી શકશે. હાથ અને ચહેરાના હાવભાવ પણ બદલી શકશે. આવા રોબોર્ટ ખરીદવા પાર્ટીઓએ ઓર્ડર પણ આપી દીધા છે. દુનની આઇએએઆર ઇન્સ્ટીટ્યુટ ઓફ રોબોટિક્સ દ્વારા રોબોટ તૈયાર કરાયા છે અને તેની કિંમત બે લાખ રૂપિયા છે. યુગ બદલ રહા હૈ...
રોકડા રૂપિયા લેશો તો ટેક્સ આવશે...
સરકાર રોકડની લેવડ દેવડ ઘટે એ માટે બેન્કિંગ વ્યવહારો ઉપર 'કેશ ટેક્સ'ની ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહી છે. પ્રસ્તાવને મંજૂરી મળશે તો પહેલી ફેબ્રુઆરીના બજેટમાં નાણાંપ્રધાન તેની જાહેરાત કરે તેવી શક્યતા છે. કોઈપણ પ્રકારના અધિકૃત અહેવાલ વગર બજેટની તૈયારી કરવામાં જોડાયેલા વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર નવો ટેક્સ નિશ્ચિત રકમ કરતાં વધુનાં કેશ ટ્રાન્ઝેક્શન કે રોકડ ઉપાડ પર લેવાશે. જોકે, આખરી નિર્ણય સર્વોચ્ચ રાજકીય સ્તરે લેવાય તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે નોટબંધીની જેમ પુણે સ્થિત સંસ્થા અર્થક્રાંતિ દ્વારા ભલામણ કરવામાં આવેલી, એમ રોકડ ઉપર ટેક્સની પણ તેમના દ્વારા ભલામણ થઇ છે. જોકે, કોંગ્રેસ સરકારના સમયમાં બેન્કિંગ વ્યવહારો ઉપરનો ટેક્સ બે વર્ષના અમલ પછી તરત પાછો પણ ખેચી લેવાયો હતો.
ભારતમાં સિક્કાનો પણ એક યુગ હતો...
પ્રાચિન સમયમાં સિક્કાનો ઉપયોગ કરનારા દેશોમાં ભારત દેશ પણ સામેલ હતો. ભારતમાં છઠ્ઠી સદીથી સિક્કાનો ઉપયોગ થાય છે. પુરાતત્વ સંશોધનમાં મળેલા સિક્કા પરથી જાણી શકાય છે કે હડપ્પીય સંસ્કૃતિમાં પણ સિક્કાનું ચલણ હતું. આ ચલણ 2500 થઈ 1750 દરમ્યાન પાંગર્યું હતું. પહેલો રૂપિયો બનાવનાર શેર શાહ સુરીરાજા હતા જેનું મૂલ્ય 40 તાંબાની પાઇ જેટલું હતું. એક રૂપિયાની પ્રથમ ચલણી નોટ બેન્ક ઓફ હિન્દુસ્તાન (1770-1832) દ્વારા બહાર પાડવામાં આવી હતી. સૌથી પહેલાં બેન્ક ઓફ બંગાળ, બેન્ક ઓફ બોમ્બે અને બેન્ક ઓફ મદ્રાસે ચલણ છાપ્યું હતું પરંતુ પેપર કરન્સી એક્ટ 1861 પછી કરન્સી છાપવાનો અધિકાર ભારત સરકારને આપી દીધો હતો. 1935માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના સ્થાપના સુધી ભારત સરકારે કરન્સી નોટ છાપી હતી પછી તે જવાબદારી રિઝર્વે બેન્કે ઉપાડી લીધી હતી.
કરન્સી લેસ જીંદગી માટે તૈયાર થાવ...
સાચા અર્થશાસ્ત્રી મહાઅમાત્ય ચાણક્ય હતા. તેમનું એક વાક્ય છે કે- ‘પ્રજા પાસેથી કરવેરા એવી રીતે વસૂલ કરો જેવી રીતે મધમાખી ફૂલમાંથી રસ ચૂસે છે. ફૂલને નુકશાન પણ ન થાય અને તેનું સૌંદર્ય જળવાઇ રહે અને તેને ખબર પણ ન પડે.’ આ વાક્ય મોદીને પણ ખૂબ ગમ્યું હોય તેવું લાગે છે, કારણ કે પહેલાં મોદી કેસલેસ ટ્રાન્ઝેક્શનની લોકોને આદત પાડી રહ્યાં છે અને પછી ધીમે ધીમે કેન્દ્ર સરકારના વેરાઓની નાબૂદ કરવાની દિશામાં આગળ વધી રહ્યાં છે. અર્થક્રાન્તિની આ સચોટ ફોર્મ્યુલા છે. પહેલાં લોકો વિરોધ કરશે પરંતુ ત્યારબાદ લોકો તેને સ્વીકારશે. આવું મોદીના કેસમાં પણ થયું છે. પહેલાં તેમનો વિરોધ થયો, પછી લોકોએ તેમને સ્વીકારવાનું શરૂ કર્યું. આપણી આર્થિક સ્થિતિમાં પણ મોદી આ પ્રયોગ કરવા માગે છે. વિશ્વના વિકાસશીલ દેશોની હરોળમાં ભારતને લઇ જવા માટે મોદીએ કરન્સી લેસ ટ્રાન્ઝેક્શનનો કિમીયો અપનાવ્યો છે. દેશ અને વિશ્વના આર્થિક નિષ્ણાતો કહી રહ્યાં છે કે મોદીનું આ ક્રાન્તિકારી પગલું લાંબા ગાળે ભારતની સવા સો કરોડની જનતાને રાહત આપનારું સાબિત થશે.
2017 માટે અમિત શાહનો ટારગેટ 141 કેમ...
નવી દિલ્હીમાં થોડાં સમય પહેલાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીની બેઠકમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને 2017ની ચૂંટણીમાં 141 બેઠકોમાં વિજયી બનવાનો ટાર્ગેટ આપી દીધો છે. મોદીના ગુજરાત વખતે પણ આટલી બેઠકો આવી શકી નથી તો નવા મુખ્યમંત્રીને 141 બેઠકો કેમ..? એવો પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. ચૂંટણી પ્રચારના તમામ દિવસો મોદી ગુજરાતમાં મુકામ રાખે તો પણ આટલી બેઠકો શક્ય નથી, કારણ કે મોદી કરિશ્મા સમયે 2002, 2007 અને 2012મા કોંગ્રેસને 55 થી 60 બેઠકો મળી છે. ભાજપ 110 થી 121ની વચ્ચે રહ્યું છે. ગુજરાતના 56 વર્ષના ઇતિહાસમાં કોંગ્રેસના એકમાત્ર માધવસિંહ સોલંકી 149 બેઠકો લઇ આવ્યા હતા અને એ પણ ઇન્દિરા ગાંધીની સહાનુભૂતિનું મોજું હતું. આ ટાર્ગેટ કાર્યકરોને ઉત્સાહમાં લાવવા માટેનો હોઇ શકે છે, બાકી દાવો તો કોંગ્રેસ પણ 100 બેઠકોનો કરી રહી છે...!
ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની દિશા...
મુસ્લિમ સહિત અનેક ધર્મ અને સંપ્રદાયના લોકો વસતા હોવા છતાં ભારતને હિન્દુરાષ્ટ્ર બનાવવાની દિશા તરફ વિવિધ સરકારો પ્રયાસ કરી રહી છે. ભાજપની મોદી સરકાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એજન્ડા પર કામ કરી રહી હોવાના આક્ષેપો કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવે છે ત્યારે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો હિન્દુત્વની ધરીને આગળ વધારી એજ્યુકેશન સિસ્ટમમાં ફેરફારો કરી રહ્યાં છે. ખાસ કરીને મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ અને રાજસ્થાનના મુખ્યપ્રધાન વસુંધરા રાજેનું નામ આગળ આવે છે. વસુંધરાએ તો બાબા રામદેવને ખોબલે ખોબલે જમીન આપી દીધી છે. હવે વસુંધરા તંત્ર-મંત્ર એકેડેમી શરૂ કરવાની યોજના બનાવી રહ્યાં છે. તેઓ કહે છે કે ભારતમાં પ્રાચીનકાળથી લોકો તંત્ર, મંત્ર અને કાળા જાદુને સરખું માને છે. આવી માન્યતા લોકો સ્પષ્ટ સમજી શકે તે માટે આવી એકેડેમી શરૂ કરાશે. ભાજપમાં હિન્દુત્વની હોડ જામતી જાય છે.
4G શરૂ થતાં સરકારની 5G ની વાતો...
રિલાયન્સ જિયોએ ફોર-જી નેટવર્ક શરૂ કરીને મોબાઇલ ક્રાન્તિ કરી છે. દુનિયા આખી દંગ રહી જાય તેવા સસ્તા પ્લાન રિલાયન્સે આપ્યા છે. દુનિયા કરલો મુઠ્ઠી મે.. ધીરૂભાઇ અંબાણીનું આ સૂત્ર હતું જેને મુકેશ અંબાણીએ સાકાર કહ્યું છે. કેન્દ્રના દૂરસંચાર સચિવ જે.એસ.દીપક કહે છે કે આપણે ઇન્ટરનેટ ઓફ થિંગ્સમાં પ્રવેશી ચૂક્યાં છીએ. હવે આશા રાખીએ કે આપણે બીજા દેશોની જેમ ફાઇવ-જીમાં સામેલ થઇએ. તેમણે કહ્યું કે ફાઇવ-જી ભારતમાં ઓછામાં ઓછા 15 અરબ ડોલરનો વેપાર કરશે. હકીકત એ છે કે- ભારતમાં ટુ-જી 25 વર્ષ પછી આવ્યું હતું અને ફોર-જી આવતાં પાંચ વર્ષ થયાં છે. ફાઇવ-જી ક્યારે આવશે તે નિશ્ચિત નથી. જો કે આ સેક્રેટરી માને છે કે ફાઇવ-જી આપણને દુનિયાની સાથે જ મળશે.
કરપ્શન ફ્રી સ્ટેટ માટે હજી ઘણું બાકી છે...
ગુજરાત સરકારના વહીવટમાં ઘુસી ગયેલા લાંચના દૂષણને દૂર કરવા મુખ્યપ્રધાન વિજય રૂપાણી પ્રયત્નશીલ છે. તેમની આ સાચી દિશા છે પરંતુ હજી તેમણે વિભાગો ઉપરાંત જિલ્લાની સરકારી કચેરીઓમાં ધ્યાન આપવાની જરૂર છે તેવું મંતવ્ય આપતાં સચિવાલયના એક સિનિયર પ્રામાણિક ઓફિસરે કહ્યું હતું કે સરપ્રાઇઝ ચેકિંગ માટે મુખ્યપ્રધાને તેમની મિનિસ્ટ્રીના પાંચ સભ્યોની ટીમ બનાવવી જોઇએ અને તેઓ ઓચિંતા દરોડા પાડવાનું શરૂ કરશે તો ભ્રષ્ટાચારને નિયંત્રણમાં રાખી શકાશે. ભાજપની 1995ની કેશુભાઇ પટેલની સરકારમાં સવજી કોરાટ, હરેન પંડ્યા, નલિન ભટ્ટ અને અશોક ભટ્ટ તેમના વિભાગોનું સરપ્રાઇઝ ચેકિંગ કરતા હતા ત્યારે ઓફિસરો અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાઇ ચૂક્યો હતો. એસીબી જે કામ કરે છે તે કામ મિનિસ્ટ્રીની ટીમ પણ કરી શકે છે. છૂપા વેશમાં બાતમીદારોને મોકલીને જે તે પ્રધાન આવા કરપ્ટ લોકોને રંગેહાથ પકડે તે જરૂરી છે. સચિવાલય અને જિલ્લાની ઓફિસોમાં ફરિયાદ પેટી કે વોટ્સઅપ મેસેજ સિસ્ટમ શરૂ કરવાની આવશ્યકતા છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર