કોંગ્રેસમાં કોઇની બેઠક સલામત નથી
ગુજરાત કોંગ્રેસમાં હવે વિવિધતામાં એકતા જોવા મળતી નથી, કારણ કે હાલ જે ચીફ મિનિસ્ટરના કેન્ડિડેટ તરીકે તેમની જાતને પ્રોજેક્ટ કરી રહ્યાં છે તે સિહં નામધારી ત્રણ પ્રદેશ નેતાઓ છે. આશ્રર્ય એ બાબતનું છે કે શંકરસિંહ, શક્તિસિંહ અને ભરતસિંહ વચ્ચે ચીફ મિનિસ્ટરના કેન્ડિડેટ બાબતે એકમત નથી. તાજેતરમાં જ વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ તેમની જાતને ચીફ મિનિસ્ટરના કેન્ડિડેટ તરીકે જાહેર કરીને ફેસબુક પર- હું જ મુખ્યમંત્રીનો સાચો દાવેદાર છું તેવું પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. ‘બાપુ ફોર ગુજરાત સીએમ’ નામનું ફેસબુક પેઇજ બનાવવામાં આવ્યું છે. બીજી બાજુ શક્તિસિંહ ગોહિલ સર્વોચ્ચ પદ માટે હાઇમાન્ડ સમક્ષ લોબીંગ કરી રહ્યાં છે. તો હાલના પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી મેદાનમાં છે. જો કે આશ્ચર્યની બાબત એવી છે કે કોંગ્રેસમાં સીએમના કેન્ડિડેટ એવા આ ત્રણ સિહોંની વિધાનસભા બેઠક સલામત નથી અને ઉમેદવારોની રેસમાં એક બીજાથી આગળ નીકળી રહ્યાં છે.
વધુ ત્રણ આઇએએસ ઓફિસર દિલ્હીની વાટે...
રેવન્યુ ડિપાર્ટમેન્ટ-અપીલ ના પ્રિન્સિપલ સેક્રેટરી સંગીતા સિંઘને અધિક મુખ્ય સચિવ તરીકેનું પ્રમોશન આવી રહ્યું છે. તેઓ સિનિયર મોસ્ટ પ્રિન્સિપલ સેક્રેટરી છે અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્યસચિવ પદેથી નિવૃત્ત થયેલા પી.કે.તનેજાની જગ્યાએ તેમને આ રેન્ક મળે તેવું મનાય છે. બીજી તરફ વેટના ચીફ પી.ડી.વાઘેલાનું નવી દિલ્હીમાં એમ્પેલનમેન્ટ થયું છે તેથી તેમની દિલ્હી જવાની શક્યતા વધી જાય છે. એ ઉપરાંત હાલના રેવન્યુ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કે. શ્રીનિવાસ અને એડમિનિસ્ટ્રેટીવ રિફોર્મ્સના પ્રિન્સિપલ સેક્રેટરી અનિતા કરવલનું દિલ્હી ડેપ્યુટેશન મંજૂર થયું છે. એટલે કે વધુ ત્રણ અધિકારીઓ નવી દિલ્હી જવા આતુર છે એટલે ગુજરાતમાં સિનિયર ઓફિસરોની બહુ મોટી ખોટ પડી શકે છે.
2019માં વિજય માટે 2017 જીતવું જરૂરી છે...
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી એટલે નરેન્દ્ર મોદી ગુજરાતના નેતાઓ પાસેથી હિસાબ માગી રહ્યાં છે. રૂપાણી સરકાર હિસાબ આપવા તૈયાર છે પરંતુ આનંદીબહેન પટેલના શાસન દરમિયાન થયેલી પ્રવૃત્તિઓના રૂપાણી પાસે પોઝિટીવ હિસાબ નથી. પીએમ બન્યા પછી ગુજરાતની 10મી મુલાકાતમાં મોદીએ પ્રદેશના નેતાઓ પાસેથી ગુજરાતમાં થયેલી કાર્યવાહી માગી છે. એ સાથે સરકાર અને સંગઠન વચ્ચે સંકલન જળવાય છે કે કેમ તેની પૃછા કરી છે. છેલ્લી ત્રણ ચૂંટણીમાં ભાજપને બહુમત અપાવ્યા બાદ આ પહેલી એવી ચૂંટણી છે કે જેમાં નરેન્દ્ર મોદી ચીફ મિનિસ્ટરનું નેતૃત્વ કરી રહ્યાં નથી. બે દિવસની ગુજરાતની મુલાકાતનો મોદીનો હેતુ ચૂંટણીલક્ષી છે. નિષ્ક્રિય બનેલા ગુજરાત એકમને તેઓ ચાર્જ કરાવવા આવી ગયા છે. સૂત્રો કહે છે કે મોદીનું મિશન ગુજરાત છે. આ ચૂંટણી કોઇપણ પરિસ્થિતિમાં ભાજપે જીતવી જ રહી, કારણ કે એના આધાર પર દેશમાં 2019ની લોકસભા ચૂંટણીનો જુગાર રમવાનો છે. જો ભાજપ ગુજરાત ગુમાવે તો- 2019માં વિપક્ષોને ભાજપનો મોટો નેગેટીવ મુદ્દો મળી શકે તેમ છે.
104 કરોડની ખોટ છતાં વ્યાજમુક્ત લોન માગી...
ગુજરાત રાજ્ય નાણાંકીય નિગમ એક એવો દેવાળિયો વહીવટ છે કે જેમાં વર્ષોથી ખોટના આંકડા મોટા થતાં જાય છે છતાં સરકાર આ સફેદ હાથીને છાવરી રહી છે. માર્ચ 2016ના આંકડા પ્રમાણે આ નિગમે વર્ષાન્તે 104.99 કરોડ રૂપિયાની ખોટ કરી છે જે આગલા વર્ષના 94.80 કરોડ રૂપિયા કરતાં 10 કરોડ વધારે છે. છતાં નાણાંકીય નિગમને વ્યાજમુક્ત લોન આપવાની વિચારણા થઇ રહી છે. રાજ્યમાં સંખ્યાબંધ ઉદ્યોગો નાણાંકીય નિગમને ચૂનો લગાવીને શટર પાડી જતાં રહ્યાં છે. આ નિગમને વ્યાજમુક્ત લોન આપવા સરકારને રજૂઆત કરવામાં આવી છે. જો સરકાર ખરેખર નાણાંકીય નિગમને પુનજીવિત કરવા માગતું હોય તો એક નવા સેટઅપ તરીકે બજારમાં આવવું જોઇએ અને તેમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયાને પ્રોત્સાહિત કરવુ યોગ્ય લેખાશે.
14758 કરોડનો ચૂનો છતાં રાતી પાઇનો ગેસ નહીં...
ગુજરાત સરકારની દેવાદાર અને બેન્કોના રૂપિયા વાપરીને દેવાં વધાર્યા છે તે જીએસપીસીને હવે કેન્દ્રના જાહેર સાહસ ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન- ઓએનજીસીના હવાલે કરી દેવામાં આવી છે. 22000 કરોડના આંધણ પછી જીએસપીસી તેના ટારગેટ પ્રમાણે કંઇ ઉકાળી શકી નથી. સત્તાવાર આંકડા પ્રમાણે જીએસપીસી એટલે કે રાજ્યની ભાજપ સરકારે અત્યાર સુધીમાં જીએસપીસીના સાહસ કેજી બેસિનમાં ગેસના ઉત્પાદન માટે 14758.41 કરોડનો ખર્ચ કર્યો છે પરંતુ સરકારના જવાબ પ્રમાણે કેજી બેસિનમાંથી ગેસનું વ્યવસાયિક ધોરણે ઉત્પાદન શૂન્ય થયું છે.
માથાદીઠ વીજ વપરાશ વધીને 1910 યુનિટ...
બદલાતી જતી ટેકનોલોજીના સમયમાં ગુજરાતમાં માથાદીઠ વીજ વપરાશ વધ્યો છે. છેલ્લા ત્રણ વર્ષના આંકડાનો તફાવત બમણાંથી વધુ છે. સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે 2003-04માં માથાદીઠ વીજળીનો વપરાશ માત્ર 944 યુનિટ હતો તે 2015-16માં વધીને 1910 યુનિટ થયો છે. બીજી તરફ એક સમયે સૌથી વધુ વીજળી વાપરતા કૃષિ સેક્ટરની વીજળી ઘટીને અડધી થઇ ગઇ છે અને તેની સામે ઉદ્યોગોની વીજળી વધી છે. આ જ અરસામાં ઉદ્યોગો પ્રતિવર્ષ 11270 મિલિયન યુનિટ વીજળી વાપરતાં હતા તે વધીને 37626 મિલિયન યુનિટ થયા છે, જ્યારે કૃષિ વીજળી 11625 મિલિયન યુનિટ હતી તે વધીને 17531 મિલિયન યુનિટ થઇ છે. જો કે આ બંને સેક્ટરમાં વીજળીનો વપરાશ વધ્યો છે પરંતુ સરખામણી કરીએ તો ખેતી કરતાં ઉદ્યોગો બમણી વીજળી વાપરતા થયા છે.
વધારાના હવાલાના કારણે વહીવટમાં અસર...
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સરકારના મોટાભાગના વિભાગોમાં વધારાના હવાલા ઉપર ઉચ્ચ અધિકારીઓ કામ કરી રહ્યાં છે. એક ઓફિસર મહત્ત્વના બે કે ત્રણ વિભાગોના હવાલા સંભાળી રહ્યાં છે. ગુજરાત સરકાર બજેટ સત્ર પછી ઇલેક્શન મોડ પર આવી જશે ત્યારે આ વધારાના હવાલાની પ્રથા બંધ કરશે તેવું લાગે છે, કારણ કે મહત્ત્વના બે વિભાગોની જવાબદારી સંભાળતા અધિકારી કોઇપણ એક વિભાગને સરખો ન્યાય આપી શકતા નથી. ફેબ્રુઆરી ના અંતે વય નિવૃત્ત થયેલા પી.કે.તનેજા ઉદ્યોગ વિભાગના સુપ્રિમો હતા પરંતુ તેમની જગ્યાએ કોઇ કાબિલ અધિકારીને પોસ્ટીંગ આપવામાં આવ્યું નથી. સરકારે કામચલાઉ રીતે વાયબ્રન્ટ ગુજરાતના સૌથી વધુ અસરકર્તા ડિપાર્ટમેન્ટનો વધારાનો ચાર્જ ઉર્જા વિભાગના અધિક મુખ્ય સચિવ સુજીત ગુલાટીને આપ્યો છે. સરકારમાં એક ડઝન વિભાગો એવાં છે કે જેમાં આજેપણ વધારાના હવાલાથી વહીવટ ચલાવવામાં આવે છે. જો કે આ વ્યવસ્થા ટૂંકાગાળા માટે અમલી બનાવવામાં આવેલી છે. સૂત્રો કહે છે કે એપ્રિલ મહિનાના પહેલા સપ્તાહમાં સરકાર ઉદ્યોગ સહિતના મહત્ત્વના વિભાગોમાં ફુલચાર્જમાં કામ કરે તેવા અધિકારીની નિયુક્તિ કરી દેવામાં આવશે.
વિકાસ કાર્યનો એજન્ડા બનાવે તો કોંગ્રેસ ફાવે...
કોંગ્રસ જ્યાં સુધી વિકાસના કામોનો પ્લાન નહીં બનાવે ત્યાં સુધી ગજ વાગવાનો નથી. માત્ર નરેન્દ્ર મોદી અને પાંચ ઉદ્યોગપતિઓની સરકાર, ભાજપની સરકારના ઉત્સવોના તાયફા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, ખેડૂતોના પ્રશ્નો, દલિતો પરના અત્યાચાર, ભ્રષ્ટાચાર અને પાટીદાર અનામત આંદોલન જેવા ગતકડાં લઇને વિધાનસભાની ચૂંટણી જીતવા નિકળેલા પ્રદેશ કોંગ્રેસના નેતાઓને છેવટે ચૂંટણીમાં ભારે પછડાટ મળવાની છે. ગુજરાતમાં પાંચ વર્ષ માટે કોંગ્રેસ શું કરવા માગે છે. ગુજરાતમાં કોંગ્રેસની સત્તા આવશે તો અમે યુવાનો અને મહિલાઓ માટે નવી યોજનાઓ લાવીશું. ખેડૂતો અને વિવિધ સમાજ માટે અમારા આવા પ્લાન છે. આવી તમામ ઝીણી ઝીણી બાબતોને ધ્યાને લઇને કોંગ્રેસે ચૂંટણીના મેદાનમાં આવવું પડશે. બીજાને ગાળો આપીને કોંગ્રેસ તેનું ખુદનું અહિત કરી રહી છે. લોકો બહુ હોંશીયાર છે. એક કહેવત છે કે બીજાની લીટી નાની કરવા કરતાં પોતાની લીટી મોટી કરવામાં આવે તો ચોક્કસ સફળતા મળે છે.
છ લાખ બેકાર હોય તો 12 લાખ ઉમેદવાર કેમ...
ગુજરાતમાં આશ્ચર્ય સર્જાયું છે કારણ કે ચાર વર્ષ પહેલાં નવ લાખ બેકારોની ફોજ ધરાવતાં ગુજરાતમાં હવે બેકારી ઘટી રહી છે. સરકારના રોજગાર અને તાલીમ નિયામકના લેટેસ્ટ અહેવાલ પ્રમાણે ગુજરાતમાં 2016માં બેકારો ઘટીને 610656 રહ્યાં છે. મતલબ એ થયો કે આ કચેરીમાં નોંધાયેલા બેરોજગાર યુવાનોને નોકરીઓ મળી છે. 1990ના આંકડા પ્રમાણે ગુજરાતમાં 9.56 લાખ બેકારો હતા તે 2005માં ઘટીને 8.55 લાખ થયા હતા. 2015ના વર્ષમાં ગુજરાતમાં બેકારોની સંખ્યા 677448 નોંધવામાં આવી છે. છેલ્લા દસકામાં બેકારોની સંખ્યા ઘટી છે. જો કે આ ફિગર રોજગાર વિનિમય કચેરીમાં નોંધાયેલા યુવાનોના છે. હકીકતમાં ભણીને તૈયાર થતાં અને સરકારી નોકરીની પરીક્ષાઓમાં ઇન્ટરેસ્ટ નહીં બતાવનારા યુવાનોનું પ્રમાણ વધારે છે અને એટલે જ જ્યારે 2500 ખાલી જગ્યા માટે તલાટીની ભરતી પરીક્ષામાં ઉમેદવારી ફોર્મ ભરનારા યુવાનોની સંખ્યા બાર લાખ થઇ હતી. એક અચરજ પમાડે તેવી સ્થિતિ એ છે કે હાલના ડિજિટલ ગુજરાતમાં અશિક્ષિત બેકારોની સંખ્યા 31,476 નોંધવામાં આવેલી છે. ગુજરાતમાં 1.56 લાખ યુવાનો એસએસસી પાસ છે અને તે સંખ્યા સૌથી વધુ જોવામાં આવી છે. બીજી તરક ગ્રેજ્યુએટ બેકારોની સંખ્યા 1.55 લાખ થવા જાય છે.
બંને પાર્ટીઓ એજન્ડા સાથે રણમેદાનમાં ઉતરે...
ભાજપની જેમ કોંગ્રેસે પણ વિકાસના મુદ્દાને લઇને ચૂંટણી લડવી પડશે. અમારી સરકાર આવશે તો આવનારા પાંચ વર્ષમાં અમે રાજ્યના વિવિધ સમાજ માટે મહત્ત્વની યોજનાઓ બનાવીશું. યુવાનોને રોજગારી મળે, મજૂરોને લાભપ્રદ વેતન મળે, ખેડૂતોના પેન્ડીંગ પ્રશ્નો ઉકેલાય, સિનિયર સિટીઝન અને મહિલાઓને માટે અમારી પાસે પ્રજાલક્ષી આવી યોજનાઓ છે. કમિટમેન્ટ આપશો તો વોટ મળશે અન્યથા ભાજપના વોટ બીજી પાર્ટીમાં ખેંચાઇ શકે છે. 1995 પછી ગુજરાતમાં મોટાભાગે ભાજપની સરકાર રહી છે. બે વર્ષ બાદ કરતાં 20 વર્ષથી ભાજપ ગુજરાતમાં સત્તા પર છે. હવે ભાજપને પણ એવું કહેવાનો અધિકાર નથી કે કોંગ્રેસના શાસનમાં આવું બઘું થયું છે, કારણ કે કોઇપણ સરકારના પરિણામને માપવા માટે 20 વર્ષનો ગાળો બહુ મોટો છે. કોંગ્રેસના શાસનને ભાજપના નેતાઓએ ભૂલવું પડશે, એટલું જ નહીં ભાજપની સરકારે ક્યાં ખોટું કર્યું છે તેનો હિસાબ આપવો પડશે. 13 વર્ષના શાસનમાં મોદીએ જાહેર કરેલી અને અમલી નહીં બનેલી યોજનાઓમાં સરકારે કમિટમેન્ટ આપવું પડશે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર