મોદીને યંગ ઇન્ડિયા અને રૂપાણીને ‘યંગ ગુજરાત’ જોઇએ છે

10 May, 2017
12:00 AM

PC: dnaindia.com

ભારત, ઇન્ડિયા અને હિન્દુસ્તાન- આ ત્રણ નામ આપણા દેશની ઓળખ છે. હવે ન્યૂ ઇન્ડિયાના સપનાને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાકાર બનાવશે. તેમના ન્યૂ ઇન્ડિયાના મિશન માટે તેઓ યંગ ઇન્ડિયા માગે છે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી યંગ ગુજરાત માગે છે. ન્યૂ ઇન્ડિયા માટે પ્રથમ તો આપણે યંગ  બિઝનેસમેનની યાદી બનાવવાની રહે છે, કે જેઓ મેઇક ઇન ઇન્ડિયા કેમ્પેઇન સાથે જોડાયેલા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક સરસ પ્રયોગ કર્યો છે. તેમણે ગુજરાતના યુવા બિઝનેસમેનને ભેગા કરીને યંગ ગુજરાતની ટીમ ઉભી કરી છે. ઇનોવેશન, પેશન અને ડેડીકેશન સાથે સજ્જ એવા પાક્કા બિઝનેસમેનને એકત્ર કરીને તેમને સરકારમાં પડતી મુશ્કેલીઓ અને સરકારને શું જોઇએ છે તેની તંદુરસ્ત ચર્ચા થઇ હતી. આ પ્રયોગ સારો છે પરંતુ સીએમ જે ઇનિશિયેટીવ લેતા હોય છે તેમાં હાઇકમાન્ડ વિક્ષેપ ઉભો ન કરે તો રૂપાણીનું રૂપાળું વિઝન પાર પડી શકે છે.

ચાલો ગુજરાતે પણ જીએસટી પાર કર્યું છે...

1લી જુલાઇથી સમગ્ર દેશમાં જીએસટીનો અમલ શરૂ કરવા માટે હવે ગુજરાતે પણ જીએસટીના ચાર બિલોને મંજૂરી આપી દીધી છે. ગુજરાત વિધાનસભાના મળેલા ખાસ સત્રમાં આ બિલોને પસાર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય નાણામંત્રી અરૂણ જેટલીની આ ખ્વાઇશને પણ ગુજરાતે પૂર્ણ કરી બતાવી છે. હવે કેન્દ્રને જોવાનું રહે છે કે જીએસટીનો અમલ થાય ત્યારે ગુજરાત સરકારને થતું નુકશાન ભરપાઇ કરી આપવું. આ નુકશાન ભરપાઇ કરી આપવા માટેનું કોમ્પનસેશન બિલ પણ ગુજરાતે મંજૂર કર્યું છે. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સના ચાર મહત્વના બીલ પાર્લામેન્ટે 29મી માર્ચે પસાર કર્યા છે અને દેશના 28 રાજ્યોમાં તેને પસાર કરવાનું કહ્યું છે. આ બીલોમાં ઇન્ટીગ્રેટેડ જીએસટી, સેન્ટ્રલ જીએસટી, યુનિયન ટેરીટરી જીએસટી અને કોમ્પનસેસન બીલનો સમાવેશ થાય છે.

બેન્ક ટ્રાન્ઝેકશન ટેક્સનું શું થયું, કોઇ તો બોલો...

ભારતમાં લોકસભાની ચૂંટણીના પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યાં હતા. કેન્દ્રમાં યુપીએ સરકાર હતી ત્યારે પૂર્વ નાણામંત્રી યશવંતસિંહાએ એક પ્રપોઝલ કરી હતી કે ઇન્કમટેક્સ અને સર્વિસ ટેક્સ સહિતના તમામ ટેક્સ નાબૂદ કરીને બેન્ક ટ્રાન્ઝેક્શન ટેક્સ લાવવો જોઇએ. આ વિધાન સાથે બાબા રામદેવે પણ સૂર પુરાવ્યો હતો અને તેઓ એવું બોલી ગયા હતા કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી આવશે ત્યારે આ બઘાં ટેક્સ નાબૂદ કરી દેશે. તેમણે બેન્ક ટ્રાન્ઝેક્શન ટેક્સની હિમાયત કરી હતી ત્યારે જ નરેન્દ્ર મોદીએ તેમના ચૂંટણી ભાષણમાં કહ્યું હતું કે અમારી સરકાર આવશે તો ચોક્કસ આ દિશામાં વિચાર કરશે. હવે આ ભલામણ કરનારા લોકો ક્યાં ગયા છે તેને ભારતની પ્રજા શોધે છે, કારણ કે ભારતની જનતા વિવિધ પ્રકારના ટેક્સ અને સેસના ભારણમાં દબાતી જાય છે. હવે કોઇ તો બોલો- બેન્ક ટ્રાન્ઝેક્શન ટેક્સનું શું થયું?!!...

ઉનાળામાં ગરમી વધી, સચિવાલયમાં દેખાઇ...

ગરમીની મોસમ છે. સૂર્યનારાયણના તપતાં કિરણો ઘરતી પર પડતાંની સાથે જ લોકોના દિમાગમાં ગરમી ચઢી જાય છે. સચિવાલયમાં મુખ્ય પ્રવેશદ્વાર પાસે જ તપેલાં લોકો સલામતી રક્ષકોને ગમે તેમ બોલી જાય છે. એ બિચારો ડ્યુટી કરતાં કરતાં ચૂપ એટલા માટે રહે છે કે તેની એક જવાબદારી છે. આ તપેલાં મગજના લોકો આપણાં સંસદસભ્યો, ધારાસભ્યો અને ભાજપના કાર્યકરો છે. ટોલબુથ પર ટેક્સ નહીં ભરવો તે તેમને આવડે છે. સચિવાલયમાં બેરોકટોક પ્રવેશ કેમ મેળવવો તે પણ તેમને આવડે છે, પણ બિચારા નાના સલામતી રક્ષકો પર રોફ જમાવીને આ લોકો શું મેળવી રહ્યાં છે તે સમજાતું નથી. ગરમીના દિવસોમાં આ લોકોની ગરમીનો પારો પણ વધુ તેજ બન્યો છે, એ રક્ષક માથા પર બરફ રાખીને બેઠો છે...

યુવા કેન્ડિડેટની શોધ બન્ને પાર્ટીઓ કરે છે...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે યુવા અને મહિલા મતદારોની સંખ્યા વધુ જોવા મળે તો નવાઇ પામવા જેવું નથી, કારણ કે બન્ને પાર્ટીના લિડરોએ વિધાનસભાની બેઠકના ઉમેદવાર તરીકે યુવા નેતાઓની શોધ શરૂ કરી છે. ગુજરાતની બ્યુરોક્રેસી જવાન બની છે, ગુજરાતનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ જવાન છે. પ્રાઇવેટ નોકરીઓમાં આપણને યુવાન અને યુવતિઓ નજરે પડે છે. બેન્કિંગ સહિતની સર્વિસમાં પણ યુવાનોની માત્રા વધી ગઇ છે ત્યારે યુવાન નેતાઓની પણ ગુજરાતને જરૂર છે. એવું માનવામાં આવે છે કે 182 ઉમેદવારો પૈકી 90 એટલે કે 50 ટકા ઉમેદવારોની વયમર્યાદા 45 વર્ષ સુધીની હોઇ શકે છે. ભાજપે તો પ્રયાસ શરૂ કરી દીધા છે અને હવે કોંગ્રેસ પણ એ દિશામાં વિચારી શકે છે.

ગુજરાતનો વહીવટી ક્યારે ગાંધીનગરથી થશે?

ગુજરાત સરકારમાં ફરજ બજાવતા ત્રણ ડઝનથી વધારે સિનિયર આઇએએસ ઓફિસરો દિલ્હીમાં સેટ થયા છે. આ ઓફિસરો મોદી સરકારમાં ફરજ બજાવી રહ્યાં છે. હાલ એવું કહી શકાય છે કે નવી દિલ્હીમાં અને ખાસ કરીને પીએમઓમાં ગુજરાતી ઓફિસરોનો દબદબો છે. હમણાં જ અનિતા કરવલ દિલ્હી ગયા છે. હવે કે.શ્રીનિવાસ દિલ્હી જવાના છે. બીજા ત્રણ ઓફિસરોનું એમ્પેલલમેન્ટ થયું છે. હજી ગુજરાતના 6 ઓફિસરો એવાં છે કે જેઓ દિલ્હી ડેપ્યુટેશનની રાહ જોઇ બેઠાં છે. સિનિયર ઓફિસરોમાં ગુજરાત ખાલી થઇ રહ્યું છે. એક સિનિયર ઓફિસરે કહ્યું હતું કે ગુજરાત સરકારને પ્રત્યેક બાબતે દિલ્હીનો અભિપ્રાય લેવો પડતો હોય છે તેથી અમને એવું લાગે છે કે ગુજરાત સરકારનો વહીવટ હવે ગાંધીનગરથી નહીં પણ નવી દિલ્હીથી થાય છે.

સચિવાલય જયનારાયણ વ્યાસને યાદ કરે છે...

ચૂંટણી નજીક આવતી જાય છે ત્યારે અરજદારો માટે સચિવાલયમાં પ્રવેશ આસાન બન્યો છે. આમ પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી એવું સમજે છે કે કોઇ મુલાકાતી ગાંધીનગરની મુલાકાત કામ હોય ત્યારે જ લેતો હોય છે ત્યારે તેનું કામ થાય કે નહીં તે નહીં પણ તેની મુલાકાત થાય તે મહત્વનું છે. રૂપાણી તમામને મળે છે અને શાંતિથી સાંભળે છે. જો કે સરકારમાં ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમનો અભાવ છે. બીજા રાજ્યોમાં મુખ્યમંત્રીએ ફાઇલ ટ્રેકિંગ સિસ્ટમ ઓનલાઇન બનાવી છે તેવી સિસ્ટમની ગુજરાતને ખાસ જરૂર છે. આરોગ્યમંત્રી તરીકે જયનારાયણ વ્યાસ હતા ત્યારે તેમણે તેમના રોજબરોજના મુલાકાતી માટે ઓપીડી જેવી સિસ્ટમ કાર્યરક કરી હતી અને મુલાકાતીઓના પ્રશ્નો કે તેમની રજૂઆતો કોમ્પ્યુટરમાં નોંધાતી હતી. મુલાકાતીને તેમની ફાઇલની મુવમેન્ટ પળવારમાં મળી જતી હતી. સચિવાલયમાં કેબિનેટના મંત્રીઓએ આવી સિસ્ટમ અમલમાં મૂકવી જોઇએ કે જેથી મુલાકાતીને વિભાગોના ચક્કર કાપવા પડે નહીં.

ઉપરના આદેશો નીચે લાગુ કરાતા નથી...

સચિવાલયથી છૂટેલા આદેશનું જિલ્લામાં પાલન થતું નહીં હોવાની ફરિયાદો સરકારને મળી છે. ઉપરથી લેવાયેલા નિર્ણયોનો અમલ કરવામાં જિલ્લાની વહીવટી કચેરીઓ ઉણી ઉતરે છે. સરકારનો આદેશ કોઇને કોઇ બહાને રિજેક્ટ કરતા હોય છે. મુખ્યમંત્રીના ધ્યાન પર આવી વિગતો આવી છે તેથી તેમણે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓને જણાવી દીધું છે કે ગાંધીનગરથી લેવાયેલા કોઇ નિર્ણયનું પાલન સમયસર કરવાનું રહેશે. આ કામગીરીમાં કોઇ કર્મચારી કે અધિકારી વિલંબ કરશે તો તેને ખુલાસો પૂછવામાં આવી શકે છે. ઉદ્યોગ વિભાગની એક ફાઇલમાં ઉપલા લેવલે એક નિર્ણય લેવાયો હતો જેને જિલ્લા કચેરીમાં ત્રણ મહિના સુધી મૂકી રાખવામાં આવ્યો હતો. સરકારે આ નિર્ણયની પૃછા કરતાં અનેક કારણો બતાવી દેવામાં આવ્યા હતા. અહીં તાલુકા સરકારનો કન્સેપ્ટ ફેઇલ ગયો હોય તેમ લાગે છે.

અમિત શાહ આવે ત્યારે કોંગ્રેસ ગભરાય છે...

ગુજરાતમાં જ્યારે જ્યારે અમિત શાહ આવ્યા છે ત્યારે ત્યારે કોંગ્રેસ સતત ટેન્શનમાં હોય છે, કારણ કે કોંગ્રેસના નેતાઓ સાથે તેઓ હવે ડાયરેક્ટ વાતો કરે છે અને ઓફરો પણ કરતા હોય છે. 2012 અને 2014માં બનેલી ઘટનાઓ નજર સામે છે. 2017માં કોંગ્રેસના ક્યા ક્યા નેતાઓને અમિત શાહે ઇજન આપ્યું છે તેનું એક લિસ્ટ કોંગ્રેસના હાઇકમાન્ડે તૈયાર કર્યું છે. આ લિસ્ટ પ્રમાણે કોંગ્રેસના સિનિયર નેતાઓ તેમના સાથીદારોને મનાવવાના કામમાં લાગી ગયા છે. હજી તો સાત મહિના ભારે છે. કોંગ્રેસના નેતાઓ દર મહિને ટેન્શન કરે તેવો પ્લાન ઘડાયો છે. આ મહિનામાં અમિત શાહની સવારી આવી રહી છે ત્યારે કોંગ્રેસને ફાળ પડી છે અને એવો પ્રશ્ન પૂછાય છે કે અમારામાંથી કોણ ભાજપનો ખેસ પહેરશે?.. ગુજરાતમાં આવો છે અમિતભાઇનો ડર... ગુજરાત કોંગ્રેસ પહેલાં એકલા નરેન્દ્ર મોદીથી ડરતી હતી પણ હવે અમિત શાહનો પણ ડર લાગે છે.

ઓફિસરોની ચેમ્બરો ઠંડી રાખવા આદેશ...

અરે ભાઇ, જરા વહેલાં આવજો અને મારી ચેમ્બરનું એરકન્ડિશન ચાલુ કરી દેજો.. આવો આદેશ સચિવાલય અને ઉદ્યોગ ભવન જેવી કચેરીઓમાં આપવામાં આવ્યો છે. જે તે કચેરીના વડા કે જેમને ચેમ્બર ફાળવવામાં આવી છે તેઓ તેમના પટાવાળાને કહે છે કે હું આવું ત્યારે રૂમ ઠંડો હોવો જોઇએ. મોટાભાગની સરકારી કચેરીઓમાં સેન્ટ્રલી એરકન્ડીશન્ડ છે પરંતુ જ્યાં નથી અને મેન્યુઅલ છે ત્યાં આવા આદેશ આપવામાં આવ્યા છે. ગાંધીનગરની ગરમી વધી છે. અમદાવાદ કરતાં પણ ગાંધીનગર હોટ બન્યું છે. 44 ડીગ્રી તાપમાનને પણ આ શહેર ક્રોસ કરી ગયું છે. આટલી બઘી ગરમી પહેલાં ક્યારેય અનુભવી નથી. ગ્રીનસિટી ગાંધીનગરમાં જો આવી હાલત હોય તો રાજ્યના બીજા વિસ્તારની હાલત કેટલી ગરમ હશે તે કલ્પી શકાય છે. હવે તો ઓફિસરોની ગાડીઓના એરકન્ડીશન્ડ પણ ચાલી રહેતા જોવા મળે છે પછી ભલે ઓફિસર તેમાં બિરાજમાન ન હોય, જ્યારે આવે ત્યારે ગાડી ચિલ્ડ મળે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.