ભાજપમાં જૂના જોગીઓને વિધાનસભાની ફરી ટિકિટ મળવાના ચાન્સ
ભાજપમાં નવું લોહી આવ્યું છે અને જૂનું લોહી કોર્નર કરીને બેઠું છે. 2017માં એવા લોહી માટે ફરી આશા જાગી છે. પાર્ટીમાં જેઓ ફેકાઇ ગયેલા છે તેમને અમિત શાહ ફરીથી ટિકિટ આપે છે કે કેમ તે મોટો પ્રશ્ન છે. આ ચહેરાઓ કે જેઓ લાઇમ લાઇટમાં નથી. મોટા ચહેરાઓ જોઇએ તો જયનારાયણ વ્યાસ, જસુબેન કોરાટ, ભરત બારોટ, બિમલ શાહ, ગોરધન ઝડફિયા, કૌશિક પટેલ, આઇ.કે. જાડેજા, સૌરભ પટેલ, જયસિંહ ચૌહાણ, મહેન્દ્ર ત્રિવેદી અને વલ્લભ કથિરીયા. આ તમામ કેબિનેટમાં રહી ચૂકેલા ચહેરા છે. 2017માં જો ભાજપની સરકાર બનાવવી હોય તો નવી યંગ ટીમની સાથે સાથે કેટલાક સિનિયર સાથીદારોની પણ પાર્ટીને જરૂર પડવાની છે તેથી પાર્ટી સૂત્રોના મતે આ ચહેરાઓને 2017માં વિધાનસભાની ચૂંટણી માટેની ટિકિટ મળે તેવી પ્રબળ શક્યતા જોવામાં આવી રહી છે. સાચું જ કહ્યું છે કે- રાજકારણ કદી ઘરડું થતું નથી અને નેતા કદી રિટાયર્ડ થતો નથી.
ત્રણ સિનિયર આઇએએસ વયનિવૃત્ત થશે...
ગુજરાત કેડરના સિનિયર કહી શકાય તેવા ત્રણ આઇએએસ ઓફિસરો વય નિવૃત્ત થઇ રહ્યાં છે. આ ઓફસરોમાં પાવર સેક્રેટરી પી.કે.પુજારી જૂનમાં, કોર્પોરેટ અફેર્સ સેક્રેટરી તપન રે સપ્ટેમ્બરમાં અને વોટર રિસોર્સિગ સેક્રેટરી અમરજીત સિંઘ નવેમ્બરમાં નિવૃત્ત થાય છે. આ ત્રણેય અધિકારીઓનું પોસ્ટીંગ હાલ નવી દિલ્હીમાં છે. દિલ્હીમાં ફરજ બજાવતા રેવન્યુ સેક્રેટરી હસમુખ અઢિયા નવેમ્બર 2018માં અને કોમર્સ સેક્રેટરી રિટા તેવટીયા જુલાઇ 2018માં વય નિવૃત્ત થઇ રહ્યાં છે. ગુજરાતના ચીફ સેક્રેટરી કોણ થશે તે પ્રશ્ન અત્યારે અસ્થાને છે કારણ કે હાલના ચીફ સેક્રેટરી ડો. જગદીપ નારાયણ સિંઘનો ટેન્યોર લાંબો છે. તેઓ મે 2019માં વય નિવૃત્ત થાય છે. આ સાથે ગુજરાતની પ્રથમ હરોળની કેડર સરકારમાં સત્તાવાર ફરજમુક્ત થઇ રહી છે. છેલ્લા છ વર્ષમાં 50 આઇએએસ ઓફિસરો વય નિવૃત્ત થઇ ચૂક્યાં છે.
પાટીદારનો પ્રયોગ, અન્ય સમાજ માટે પ્રેરણાસ્ત્રોત...
ગુજરાત વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ પછી હવે પાટીદારોએ તેમની બિઝનેસ સમિટનું આયોજન કર્યું છે ત્યારે વિવિધ સમાજના આગેવાનોએ આગળ આવીને તેમના સમાજ માટેની બિઝનેસ સમિટનું પ્લાનિંગ કરવું જોઇએ. પાટીદારોની બિઝનેસ સમિટ જાન્યુઆરી 2017માં મહાત્મા મંદિરમાં યોજવામાં આવી રહી છે. આ સમિટનું આયોજન લવજી બાદશાહે કર્યું છે. આવી સમિટ જૈન અને બ્રાહ્મણ સમાજમાં પણ કરવી જોઇએ, કેમ કે વિશ્વના દેશોમાં જેમ પાટીદારો પથરાયેલા છે તેમ જૈન અને બ્રાહ્મણ પણ ફેલાયેલા છે. આ સમાજ ઉપરાંત એસસી, એસટી, ઓબીસી, ક્ષત્રિય સમાજના આગેવાનો છે કે જેઓ વિશ્વના કોઇને કોઇ ખૂણે બિઝનેસ કરે છે. આમ કરવાથી વિવિધ સમાજના ઉદ્યોગકારો ભેગા થશે અને એક બીજાનો પરિચય કેળવાશે. પાટીદાર સમાજનો સમૂહ લગ્નોત્સવ પછી આ એક વધુ અનુકરણીય પ્રયાસ છે.
આપણી સરકાર હોવી જોઇએ, ખાનગી નહીં...
સચિવાલય અને મંત્રીમંડળના નિવાસસ્થાનમાં મુલાકાતીઓને સરળતાથી પ્રવેશ મળે તેની વ્યવસ્થા કરવી જોઇએ, કેમ કે સરકાર હંમેશાં જનતાની હોય છે. સલામતીની આડમાં આ પબ્લિક પ્લેસને જેલ બનાવી દેવા એ શોભાસ્પદ નથી. આતંકવાદીઓનો ડર હોય તો ચેકિંગ કરીને પણ પ્રત્યેક મુલાકાતીને સરળતાથી પ્રવેશ તો મળવો જ જોઇએ. -માનિતાને પ્રવેશ અને અણમાનિતાને મુલાકાતનો ટાઇમ નહીં- એવી નીતિ આપણા શાસકોએ ભૂલવી પડશે. ભૂતકાળમાં ડોકીયું કરો તો ખબર પડશે કે ક્યા ચીફ મિનિસ્ટરના સમયમાં કેટલું રિલેક્સેશન હતું. સામાન્ય જનતા કોઇને પણ સરળતાથી મળી શકતી હતી. માધવસિંહ સોલંકી સીએમ હાઉસની વિશાળ લોનમાં લોકદરબાર ભરતા હતા. કેશુભાઇ પટેલ પણ ઓફિસ અને બંગલે મળતા હતા. જો કે વિજય રૂપાણી પ્રત્યેક વ્યક્તિને સરળતાથી મળે છે પરંતુ તેમની કેબિનેટના કેટલાક ઘમંડી સભ્યોએ તેમની ઓફિસને જેલ બનાવી દીધી છે. માનિતા સિવાય કોઇ વ્યક્તિ પ્રવેશ કરી શકતો નથી, આને રોંગ પ્રેક્ટિસ કહેવાય...
સરકારી સંસ્થાને પાવરટુલ્સ બનાવતાં શીખો...
વર્ષો સુધી સત્તામાં રહ્યાં છતાં કોંગ્રેસને એ ખબર ન પડી કે સરકારી સાધનો અને સંસ્થાઓનો આટલો બઘો પાવરફુલ ઉપયોગ થતો હોય છે. આજે સૌથી વધુ જો ચર્ચામાં હોય તો તે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ, ઇન્કમટેક્સ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન જેવી સંસ્થાઓ છે. વિરોધીઓને સાફ કરવામાં વપરાતી આ સત્તાનો ઉપયોગ ભાજપ હરપળે કરી રહ્યું છે. જો વિપક્ષ મજબૂત હોય તેને કોઇને કોઇ કાંડમાં સપડાવી દેવાનું કોઇ ભાજપના નેતાઓ પાસે શીખે... કોંગ્રેસના શાસનમાં ઉપયોગ થતો ન હતો તેવું નથી પરંતુ તે મર્યાદિત હતો. ઘણાં નેતાઓને કાયદાનું ભાન ન હતું. આજે કાયદો આગળ કરીને ભલભલા ચમરબંધીને પણ મહાત કરી શકવાની શક્તિ ભાજપે કેળવી લીધી છે. ભૂતકાળમાં કોઇ નેતાએ ભૂલ કરી હોય તો તે ભૂલને આજે ઓપન કરવામાં આવે છે અને આ સંસ્થાઓને પાછળ દોડાવવામાં આવે છે. છેલ્લા પાંચ વર્ષમાં કોંગ્રેસે જે કામો કર્યા તે અધુરાં જ કર્યા છે તેથી તેનું પરિણામ આપણી સામે છે, કોંગ્રેસ જઇ રહી છે...
સરકાર પ્રજાને દ્વાર, હવે હકીકત બનશે
મારી સરકાર મારે દ્વાર આવી છે તેવી લોકોને હવે અનુભૂતિ થશે. ચૂંટણી આવી છે ત્યારે સરકારે કેબિનેટના મંત્રીઓ, સંસદસભ્યો તેમજ ધારાસભ્યોને મતવિસ્તારમાં સમય ગાળવા માટે કહ્યું છે. પાર્ટીની બેઠકમાં નક્કી થયા પ્રમાણે જે તે નેતાએ લોકસંપર્ક વધારે મજબૂત બનાવવા પડશે. ચૂંટાયેલા ધારાસભ્યોની હવે કસોટી છે. સરકારે એક ખાનગી સર્વે પણ કરાવવાનું નક્કી કર્યું છે કે ભાજપના ધારાસભ્યના વિસ્તારમાં તેનું કેટલું વર્ચસ્વ છે. લોકો તેમને કઇ નજરે જુએ છે. આ સર્વેમાં મતદારોને સીધો પ્રશ્ન પૂછવામાં આવશે કે તમારા ધારાસભ્યથી તમે કેટલા સંતુષ્ટ છો. જો તેમનો બહુમત અભિપ્રાય નેગેટીવ આવશે તો આવનારી ચૂંટણીમાં જે તે ધારાસભ્યનું પત્તું કટ થશે તે નિશ્ચિત છે. ભાજપનું આ માઇક્રોપ્લાનિંગ છે.
CS પદ માટે અનિલ મુકીમ માટે ચાન્સ....
દેશમાં જ્યારે લોકસભાની ચૂંટણી યોજાશે ત્યારે ગુજરાતમાં નવા ચીફ સેક્રેટરીની નિયુક્તિ કરવાની ઘડી આવી હશે, કારણ કે હાલના ચીફ સેક્રેટરી ડો. જે.એન.સિંઘ મે 2019માં વય નિવૃત્ત થઇ રહ્યાં છે. તેમના સક્સેસર તરીકે ગુજરાત સરકાર હાઇમાન્ડના અભિપ્રાય બાદ 1985 બેચના અધિકારી અનિલ મુકીમનો વારો આવે છે. અનિલ મુકીમ ઓગષ્ટ 2020માં વયનિવૃત્ત થાય છે.
2000ની નોટનો ક્યારેય સંગ્રહ નહીં કરો....
હવે તમે ચલણી નોટો જમા કરી રાખી કે તેનો સંગ્રહ કર્યો તો તમારું આવી બન્યું છે, કારણ કે સરકાર ચલણી નોટોનો સતત રિવ્યુ કરી રહી છે. ભાજપના જ કેટલાક નેતાઓએ એવો નિર્દેશ આપેલો છે કે સરકાર ગમે ત્યારે 2000ની નવી નોટ બંધ કરી દેશે. 500 અને 1000ની નોટો ગયા નવેમ્બરમાં બંધ થયા પછી આજેપણ તે બજારમાં દેખા દેતી હોય છે પરંતુ હવે તે રદ્દી કાગળથી વિશેષ કંઇ નથી. સરકાર 100ની નોટ પણ બદલી રહી છે તેથી આ નોટનો સંગ્રહ કરવો પણ ઉચિત નથી. નવી 500ની નોટ હજી થોડો સમય ચાલશે પરંતુ સરકારને એમ લાગશે કે આ નોટથી બ્લેકમની ભેગા થાય છે ત્યારે તે બંધ કરવામાં પળવારનો ય વિલંબ નહીં કરે. આપણું ચલણ હવે આપણું રહ્યું નથી, તે માત્ર સરકારનું થઇ ગયું છે.
બેન્કોનો ગ્રાહકો પ્રત્યેનો સ્વભાવ બદલાયો છે...
નોટબંધીની એક નહીં અનેક સાઇડ ઇફેક્ટ્સ છે. તમે જ્યારે બેન્કમાં રૂપિયા ઉપાડવા કે જમા કરાવવા જાવ છો ત્યારે તમને એવી અનુભૂતિ થાય છે કે આપણે બેન્ક પાસે ઉધાર માગીએ છીએ. આપણા જ રૂપિયા ઉપાડવામાં આપણને જ અનેક યાતના ભોગવવી પડે છે. એટીએમથી ઉપાડો તો ટ્રાન્ઝેક્શન ચાર્જ લાગે, ચેકથી ઉપાડો તો પણ મર્યાદા નાંખી દેવામાં આવી છે. સરકાર જેમ માલેતુજારોની બની છે તેમ બેન્કો પણ હવે માલેતુજારોની બનતી જાય છે. નોટબંધી બાદ જૂની નોટના બદલામાં નવી નોટો બેન્કના ઓફિસરો એવા લોકોને જાતે ઘરે જઇને રૂપિયા બદલી આવ્યા છે. કોમન મેનની સ્થિતિ બહુ કફોડી છે. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ગયેલા અરજદારને જેવો અનુભવ થાય છે તેવો અનુભવ હવે બેન્કમાં ટ્રાન્ઝેક્શન કરાવવા જતાં થાય છે.
પહેલાં જ્યુબિલી, હવે કરોડની ક્લબ થઇ...
ફિલ્મોના પાસા પણ પલટાઇ ગયાં છે. પહેલાં ફિલ્મો સિલ્વર જે ગોલ્ડન જ્યુબિલી મનાવતી હતી અને હવે કરોડની ક્લબમાં આળોટે છે. શોલે ફિલ્મ એ ડાયમન્ડ જ્યુબિલી મનાવી હતી. ફિલ્મસ્ટાર રાજેન્દ્ર કુમારને જ્યુબિલી સ્ટાર કહેવાતા હતા. આજે ક્લબ સ્ટાર કહેવાય છે. બાહુબલી-2 એ બઘાં વિક્રમ તોડ્યાં છે. ભલે ફિલ્મ માત્ર ત્રણ સપ્તાહ સુધી ચાલે પણ કરોડો રૂપિયા ભેગા કરી લેતી હોય છે. આ ફિલ્મની સિલ્વર જ્યુબિલી થઇ એવું જાણતાં તેનો ઉત્સવ મનાવાતો હતો. આજે 200 કરોડની ક્લબમાં સામેલ થાય તો પાર્ટી મનાવવામાં આવે છે. ફિલ્મી જમાનો ખરેખર બદલાઇ ચૂક્યો છે. 25 સપ્તાહ, 50 સપ્તાહ, 75 સપ્તાહ કે 100 સપ્તાહ સુધી કોઇ ફિલ્મ ચાલતી નથી પણ ફિલ્મએ 100 કરોડનો વકરો કર્યો. 200 કરોડનો વકરો કર્યો. 500 કરોડ રિકવર કર્યા એવું કહેવાય છે. આપણાં સ્ટાર પણ મોંઘા થઇ ગયા છે. ફિલ્મો ઉપરાંત પ્રોડક્ટ્સનું પ્રમોશન કરી કમાણી કરતા થયા છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર