રાહતોની ભરમાર વચ્ચે રાજ્યનું સામાન્ય ‘વાયબ્રન્ટ બજેટ’

04 Jan, 2017
12:00 AM

PC: khabarchhe.com

ગુજરાત સરકારનું વર્ષ 2017-18નુ સામાન્ય અંદાજપત્ર 1,75,000 કરોડ રૂપિયાનું હોઇ શકે છે. આ વખતે નવી યોજનાઓ તેમજ રાહતોની ભરમાર વચ્ચે વાયબ્રન્ટ બજેટ લોકોની અપેક્ષા પ્રમાણેનું હોઇ શકે છે, કારણ કે 2017નુ વર્ષ એ ચૂંટણીનું વર્ષ છે. રાજ્ય સરકારે 2016-17ના બજેટનું કદ 151800 કરોડ રૂપિયા રાખ્યું હતું જેમાં વધારો થઇ રહ્યો છે. ચૂંટણી હોવાથી નવા વર્ષના બજેટમાં કરવેરાનું ભારણ નહીંવત્ હોવા સાથે પ્રજાલક્ષી રાહતો વધારે હોવાની સંભાવના છે. બજેટમાં તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અધુરાં પ્રોજેક્ટને વધુ ફાળવણી આપવામાં આવે તેમ મનાય છે, કારણ કે તેના માટે સીધી સૂચના આપવામાં આવી છે. સરકારમાં પ્રજાલક્ષી નવી યોજનાઓને સ્થાન આપવામાં આવી રહ્યું છે. ખાસ કરીને નવા બનાવેલા જિલ્લા અને તાલુકાઓના ડેવલપમેન્ટને પ્રાધાન્ય અપાશે. એ સાથે ગ્રામ્ય વિસ્તારમાં રહેણાંકના મકાનો બનાવતા પરિવારો માટે અલગથી રાહતોની જાહેરાતો શકે છે.

બજેટ પછી ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત...

વાયબ્રન્ટ સમિટ પછી ફેબ્રુઆરી મહિનામાં બજેટની રજૂઆત હોવાથી સરકાર પાસે એપ્રિલ પહેલાં બીજું કોઇ કામ નથી. બજેટ પૂર્ણ થયા પછી આખી સરકાર ચૂંટણીની તૈયારીમાં લાગી જશે. માનીતાને નવા પોસ્ટીંગ અને અણમાનીતાને સાઇડ ટ્રેક કરી મોટાપાયે બદલીઓની મોસમ પણ એપ્રિલ મહિનામાં ખુલશે તેવું લાગે છે. ચૂંટણીની તારીખો જાહેર થાય તે પૂર્વે ભાજપ સરકાર પાસે વિકાસ  માટેનો રિયલ સમય છ મહિનાનો છે. આ સમયમાં જેટલા પ્રજાલક્ષી કામો કરવા હોય તે કરી લેવા તેવું હાઇકમાન્ડનું ફરમાન છે. અલબત્ત, બજેટમાં લોભામણાં વચનો અને કેટલીક પ્રજાલક્ષી રાહતો આવી શકે છે. ગુજરાતની જનતા ઇચ્છે છે કે પેટ્રોલ અને ડિઝલ પરના વેટમાં ઘટાડો થાય તો મોંઘવારી ઓછી થઇ શકે છે. સામાન્ય સંજોગોમાં ચૂંટણી હોય ત્યારે સરકાર પેટ્રોલ અને ડિઝલના ભાવવધારાથી અળગી રહી છે પરંતુ વૈશ્વિક ક્રુડ ઓઇલના ભાવ વધતાં કેન્દ્ર સરકારને ભાવ વધારવાની ફરજ પડે છે. જોકે ગોવા સરકારની જેમ ગુજરાત સરકાર પણ 60 રૂપિયે પેટ્રોલ આપી શકે છે...!!

એમઓયુ કરો પણ ફોલોઅપ પણ રાખો...

અત્યાર સુધીમાં ગુજરાતની સાત વાયબ્રન્ટ સમિટમાં કુલ 51434 એમઓયુમાં કુલ 104.55 લાખ કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવાના વાયદા થયા હતા અને આ કંપનીઓ રાજ્યમાં કુલ 107.70 લાખ લોકોને રોજગારી આપવાની હતી, પરંતુ સરકારી દસ્તાવેજ પ્રમાણે 2003 થી 2016 દરમ્યાન 24312 પ્રોજેક્ટ પૂર્ણ થયા છે અને 7365 અંડર પ્રોસેસમાં છે. સરકારનો દાવો છે કે આટલા વર્ષોમાં 13.30 લાખ રોજગારીનું સર્જન કરવામાં આવ્યું છે. સચિવાલયના ગેસ કેડરના એક અધિકારીએ આ આંકડાની પુષ્ટી કરતાં કહ્યું હતું કે ચલો, જે થયું તે સારું છે, પરંતુ ઉદ્યોગ વિભાગના સંલગ્ન ઓફિસરો એમઓયુ કરનારી કંપનીઓનું નિયમિત અપડેટ રાખે તો ગુજરાતમાં કોઇ યુવાન બેકાર રહે નહીં. કોઇ સેલ્સમેન તેની પ્રોડક્ટ્સ વેચવા માટે જે લાલચ આપે છે તે રીતે ઉદ્યોગના અધિકારીઓને તાલીમ આપવી જોઇએ, કે જેથી એમઓયુ કરનારી કંપની ગુજરાતમાંથી ખસી ન શકે, બાકી તો આવા કાગળ અને આવું કાગળ પરનું મૂડીરોકાણ સમય અને સંપત્તિનો બગાડ છે. ઉદ્યોગજૂથોની વેદનાને સમજીને ઓફિસરોએ તેમને કો-ઓપરેટ કરવા જોઇએ.

દેશમાં હવે વારસાઇ ટેક્સ આવી શકે છે

નોટબંધી બાદ બેનામી સંપત્તિ સામે બુલડોઝર ફરી શકે છે અને ઇનહેરીટેન્સ ટેક્સ એટલે કે વારસાઇ વેરો આવી રહ્યો છે. મોદી સરકારના એક પછી એક પગલાં લોકોને બેચેન બનાવી શકે છે. ભારતમાં કોઈપણ વ્યક્તિ દ્વારા વરસમાં મળેલી જંગમ કે અન્ય મિલકતો ઉપર 1953 થી 1985 સુધી વારસાઇ વેરો લેવામાં આવતો હતો, પરંતુ રાજીવ ગાંધીના શાસનમાં આ વેરો નાબૂદ કરવામાં આવ્યો હતો. પણ કહેવાઈ રહ્યું છે કે, કેન્દ્ર સરકાર ફેબ્રુઆરી 2017મા બજેટ રજૂ કરવા માટે તૈયારી કરી રહી છે ત્યારે આ પ્રકારના ટેક્સ અંગે વિચારણા ચાલી રહી છે. કેન્દ્ર સરકાર 20 ટકા એસ્ટેટ ટેક્સ લાદવાનું પણ વિચારી રહી છે. આ મુજબ કોઈ વ્યક્તિને એક કરોડની મિલકત વરસામાં મળે તો સરકારને 20 લાખ રૂપિયા કર તરીકે આપવાના રહેશે.

બજેટમાં પેટ્રોલ-ડિઝલ સસ્તુ થઇ શકે છે...

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવતી હોવાથી પેટ્રોલ અને ડિઝલમાં સરકારે લાદેલા વેટના ભારણને ઓછું કરવાનો નિર્ણય લેવાય તેવી સંભાવના છે, કારણ કે ગોવાની ભાજપ સરકારે તાજેતરમાં જ વેટના દરમાં 6 ટકાનો ઘટાડો કર્યો છે. ગોવામાં હવે પેટ્રોલ પર માત્ર 9 ટકા વેટ છે. ગોવાના ચીફ મિનિસ્ટર લક્ષ્મીકાંતે 2012મા પ્રજાને વચન આપ્યું હતું કે ગોવામાં લોકોને 60 રૂપિયામાં પેટ્રોલ મળશે, જો ભાવ વધશે તો અમે ટેક્સ ઘટાડીને નિયંત્રિત કરીશું. તેમણે તો તેમનું વચન પાળ્યું છે પરંતુ ગુજરાત સરકાર પાળી શકી નથી. જોકે નાણાં વિભાગના એક અધિકારીએ કહ્યું હતું કે, બજેટ સત્ર દરમિયાન કે તે પૂર્વે અમે ફ્યુઅલ પરનો વેટ ઘડાડવા માગીએ છીએ. જો તેમ થાય તો ગુજરાતની સવા છ કરોડની જનતા માટે શોર્ટટર્મ રાહત મળી શકે છે, કારણ કે ચૂંટણી જીત્યા પછી સરકાર જનતાની સાથે હોતી નથી.

મહેમાન મોદી આપણા માટે ગિફ્ટ લાવશે

ગુજરાત હાલ વાયબ્રન્સીના મોડમાં છે. ગુજરાત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા વર્ષની કેટલીક ગિફ્ટ લાવવાના છે. આ ગિફ્ટનો વિજય રૂપાણીને ઈન્તેજાર છે, કારણ કે તેમના નેતૃત્વમાં જ વિધાનસભાની ચૂંટણી લડવાની છે. ગુજરાતનું ચૂંટણી પહેલાનું છેલ્લું બજેટ કેવું હશે તેનું માર્ગદર્શન મોદી આપશે. પ્રજાને ક્યા નિર્ણયોથી પોતાની કરી શકાય તેનો રાઝ મોદી બતાવશે. વાયબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ મિટ એ મોદીની માનીતી સમિટ છે. મોદીએ વર્ષ 2003થી શરૂ કરેલી આ સમિટ હવે 2017મા વિજય રૂપાણીના યજમાનપદે યોજાઇ રહી છે. આઠમી સમિટમાં મોદી ગુજરાતના ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ માટે કેટલીક જાહેરાતો કરે તે સંભવ છે. જો કે ગુજરાત સરકારે પણ ઉદ્યોગોને આકર્ષવા માટે અનેક પોલિસી બદલવાનું નક્કી કર્યું છે. ઉદ્યોગોને વધારેમાં વધારે ઇન્સેન્ટીવ સરકાર આપે તેવું લાગે છે.

25 લાખ કરોડના એમઓયુ સાઇન કરવાના છે

ગુજરાત સરકારની બ્યુરોક્રેસી હાલ એમઓયુના લિસ્ટમાં મગ્ન બની ચૂકી છે, કારણ કે વાયબ્રન્ટ સમિટમાં વિજય રૂપાણી ઉત્તમ દેખાવ કરવાનો છે. 2015ની વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટનું યજનામપદ આનંદીબહેન પટેલ પાસે હતું અને તેમણે સૌથી વધુ 22 લાખ કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ કમિટમેન્ટ મેળવ્યા હતા. ઉદ્યોગ વિભાગ કહે છે કે આ વખતે ઇન્વેસ્ટમેન્ટ કમિટમેન્ટનો આંકડો 25 લાખને ક્રોસ કરી શકે તેમ છે. સરકારના વિભાગોને એમઓયુના ટારગેટ આપી દેવામાં આવ્યા છે. રાજ્યના 25 જેટલા વિવિધ ક્ષેત્રોમાં મૂડીરોકાણ માટેના પ્લાન બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો તેમજ સ્ટાર્ટઅપ માટે ઉદ્યોગ વિભાગને સૌથી વધુ એમઓયુ સાઇન કરવાના ટારગેટ આપી દેવામાં આવ્યા છે. આ વખતે પણ ભાજપના ઉદ્યોગો સાથે સંકળાયેલા આગેવાનો એમઓયુ સાઇન કરવાના  છે.

ઓફિસર નહીં, પ્રધાન ફાઇલ મૂકી રાખે તો

સચિવાલયમાં કોઇ કર્મચારી ફાઇલ મૂકી રાખે તો જે તે વિભાગના અધિકારી તેને ધમકાવી નાંખે છે, તેમ અધિકારી ફાઇલ મૂકી રાખે તો પ્રધાન ફોન ઉપર ફોન કરે છે, પરંતુ જો પ્રધાન ફાઇલ મૂકી રાખે તો તેનો કોઇ ઉપાય ખરો... ના, એ શક્ય નથી... સચિવાલયના એક સિનિયર અધિકારી કહે છે કે પ્રધાનને ઘમકાવી નાંખવાનું કામ માત્ર બે જ ચીફ મિનિસ્ટર કરી શક્યા છે. એક હતા ચીમનભાઇ પટેલ અને બીજા નરેન્દ્ર મોદી. ગુજરાતમાં આવેલા 15 મુખ્યપ્રધાનોમાં આ બંને નેતાઓ શક્તિશાળી ચીફ મિનિસ્ટર હતા કે જેમનાથી સચિવાલય તો શું કેબિનેટ કાંપતી હતી. આવા શક્તિશાળી ચીફ મિનિસ્ટર હોય તો લોકોના કામ અટકે નહીં, ફાઇલ એ જ દિવસે સહી થઈને પાછી આવી જાય!

ભારતમાં બિઝનેસ કરવો છે? આ રહ્યા રાજ્યો…

ભારતમાં બિઝનેસ કરવો હોય અને ઝડપથી પ્રોજેક્ટ પાસ કરવો હોય તો ટોપ ટેન રાજ્યોમાં ભાજપ શાસિત રાજ્યોની સંખ્યા 8 થવા જાય છે. ભારતમાં બિઝનેસમેન માટે યોગ્ય રાજ્યની પસંદગી કરવી હોય તો સૌથી ટોચ પર આંધ્રપ્રદેશ આવે છે. બીજા ક્રમે નોન ભાજપ શાસિત રાજ્યમાં તેલંગાણા આવે છે. સાત સાત વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ કર્યા પછી પણ આ યાદીમાં ગુજરાતનો ક્રમ ત્રીજો છે. ભારતના અન્ય રાજ્યોમાં છત્તીસગઢ, મધ્યપ્રદેશ, હરિયાણા, ઝારખંડ, રાજસ્થાન, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્ર બિઝનેસ કરવા યોગ્ય રાજ્યો છે. ગુજરાતની આ સ્થિતિ માટે એક સિનિયર અધિકારીએ એવો આરોપ મૂક્યો હતો કે ગુજરાતમાં સિંગલ વિન્ડો સિસ્ટમ અને પ્રોજેક્ટને ઝડપથી મંજૂરી આપવામાં થતો વિલંબ એ મુખ્ય કારણ છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.