મિશન-151 માટે રૂપાણી ફાસ્ટટ્રેક મોડ પર...
વિધાનસભાના સત્ર સમાપ્તિ પછી સરકાર ચૂંટણીની તૈયારીમાં લાગી જવાની છે, કારણ કે વહેલી ચૂંટણીના અણસાર આવી રહ્યાં છે. જો વહેલી ચૂંટણી ન હોય તો પણ સરકાર પાસે ચૂંટણીને અનુલક્ષીને મહત્ત્વની જાહેરાતો કરવા માટેનો સમય ઓછો રહ્યો છે. સરકારના વહીવટી તંત્રમાં જે ફેરબદલ કરવાના થાય છે તે એપ્રિલ મહિનામાં થાય તેવા સંજોગો છે. વિજય રૂપાણી ટોપ ટુ બોટમ ફેરફારો કરવા માગે છે જેમાં જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ, પંચાયતના અધિકારીઓ, જિલ્લા પોલીસ વડા, વિભાગના વડા, જાહેર સાહસોના ઉચ્ચ અધિકારીઓ તેમજ પોલીસ ભવનના અધિકારીઓની સામૂહિક બદલીઓ થવાના ચાન્સ વધી રહ્યાં છે. રાષ્ટ્રીય ભાજપે મિશન-151 રાખ્યું છે ત્યારે ભાજપે તેના માટે મત વિસ્તારોમાં બહુ મોટી મહેનત કરવી પડે તેમ છે કારણ કે છેલ્લી ત્રણ ચૂંટણીમા મોદીનો કરિશ્મા છતાં કોંગ્રેસની બેઠકો 55 થી 60 રહી છે. આ વખતે મોદી મુખ્યમંત્રી થવાના નથી તેથી ભાજપ માટે ટારગેટ પૂર્ણ કરવો અઘરો છે.
ભાજપ UP પેટર્ન અપનાવે તો કોંગ્રેસે પણ પંજાબ પેટર્ન અપનાવવી જોઇએ
કોંગ્રેસના સિનિયર નેતા શંકરસિંહ વાઘેલાએ સ્વેચ્છાએ જાહેર કર્યું છે કે હું સીએમ પદ માટેનો ઉમેદવાર નથી. બાપુ એ જ થોડાં સમય પહેલાં સ્વેચ્છાએ જાહેર કર્યું હતું કે બાપુ ફોર ગુજરાત સીએમ... પણ હવે બાપુ ફરી ગયા છે. શંકરસિંહ નહીં તો કોણ મુખ્યમંત્રીના ઉમેદવાર છે તેવો પ્રશ્ન કોંગ્રેસમાં પૂછાઇ રહ્યો છે. શું ભરતસિંહ સોલંકીને પ્રોજેક્ટ કરાશે... શું શક્તિસિંહ ગોહિલ આ પદ માટેના પ્રબળ દાવેદાર છે કે તુષાર ચૌધરીને આ પદ માટે પ્રમોટ કરી શકાય તેમ છે...? પંજાબની ચૂંટણી સામે છે. અમરિંદરસિંહને ચીફ મિનિસ્ટરના કેન્ડીડેટ જાહેર કરવામાં આવ્યા અને કોંગ્રેસે પાંચ રાજ્યો પૈકી એકમાત્ર પંજાબમાં બહુમત મેળવીને સરકાર બનાવી છે. કોંગ્રેસ તેનો આ પ્રયોગ કરી શકે તો ગુજરાતમાં ચાન્સ વધી જાય છે. ભાજપ જો ઉત્તરપ્રદેશ પેટર્નથી ચૂંટણી લડવાની તૈયારી કરી શકતું હોય તો કોંગ્રેસ પંજાબ પેટર્નથી કેમ તૈયારી ન કરે તેવો પ્રશ્ન કોંગ્રેસના કાર્યકરોમાં ચર્ચાઇ રહ્યો છે.
ભેળસેળમાં જેલ થવી જોઈએ અને લાયસન્સ જપ્ત થવા જોઇએ...
ફુડના કાયદામાં બદલાવ કરી આજીવન કેદની સજા સાથે કાયમી ધોરણે લાયસન્સ જપ્ત કરવાનો કાયદો બનાવવાનો અને તેનો સખ્તાઇથી અમલ કરવાનો સમય પાકી ગયો છે. સરકારમાંથી નિવૃત્ત થયેલા એક સિનિયર અધિકારીનું આ બયાન છે. તેમણે કહ્યું છે કે બિન આરોગ્યપ્રદ ચીજવસ્તુઓના કારણે લોકોના આરોગ્ય પર સીધી અસર થાય તેવી ખાદ્ય ચીજો બજારમાંથી જપ્ત કરી લોકોની સુખાકારીના પગલાં સરકારે લેવા જોઇએ. સરકારમાં બીજા વિભાગોમાં ઓછા કર્મચારીઓ હશે તો ચાલશે પરંતુ ફુડ વિભાગ પાસે પુરતા કર્મચારીઓ હોવા જરૂરી છે કે જેથી તેઓ નિયમિત ચેકીંગ કરી શકે. આ સાથે સરકારે ફુડના સેમ્પલોમાં થતાં ભ્રષ્ટાચારને અટકાવવાના પ્રયાસો પણ કરવા જોઇએ, કેમ કે ભેળસેળ કરનારા તત્ત્વો રૂપિયા ખવડાવીને સેમ્પલ બદલાવી નાંખતા હોય છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જો લોકોનો વિશ્વાસ સંપાદન કરવો હોય તો તેમણે આ પ્રમાણેના સખ્તાઇના પગલાં લેવા જોઇએ.
ઉત્તરપ્રદેશનો ઉન્માદ ઓસરવો ન જોઇએ...
ગુજરાત સરકાર અને ભાજપના સંગઠનને હાઇમાન્ડનો આદેશ છે કે ગુજરાતમાં ઉત્તરપ્રદેશમાં મેળવેલી જીતનો ઉન્માદ ઓસરવો ન જોઇએ અને એટલે જ 23મીએ શહિદ દિન નિમિત્તે યુવા ભાજપે વિજય કૂચ મનાવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતમાં હવે યાત્રાઓ, રેલીઓ અને કૂચ જેવા કાર્યક્રમો જોવા મળી શકે છે. ગુજરાતમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની મુલાકાતો વધી શકે છે અને તેઓ કાર્યકરો તેમજ પ્રદેશના આગેવાનોને ચૂંટણીની કામગીરીમાં દોડતા કરવા માગે છે. ચૂંટણી પ્રચારમાં ભાજપ કોઇ જોખમ ઉઠાવવા માગતું નથી, કારણ કે એન્ટી ઇન્કમબન્સી ફેક્ટર આ વખતે રંગ લાવશે, એટલે જ ભાજપે તેના વર્તમાન ધારાસભ્યો પૈકી 35 થી 40 ટકા સભ્યોની ટિકિટ કાપવાનું નક્કી કર્યું છે. મોદી ગુજરાતમાં નવા યુવા અને મહિલા ઉમેદવારો આપવા માગે છે, કે જેથી મતદારોને જૂના ઉમેદવારોની સૂગ રહે નહીં.
ઓમપ્રકાશ માથુર ફરી ગુજરાતમાં આવશે...
ગુજરાત ભાજપના પ્રભારી દિનેશ શર્માની ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યપ્રધાન તરીકે વરણી થતાં તેમના સ્થાને હવે તેમના સ્થાને ફરી ઓમ માથુરની પસંદગી કરાય તેવી શકયતા છે. ઓમ માથુર રાજસ્થાનના ટોચના નેતા છે. ગુજરાતના પ્રભારી તરીકેનો તેમનો બહોળો અનુભવ છે. વડા પ્રધાન મોદી રાજયના મુખ્યપ્રધાન હતા ત્યારે વર્ષ 2007 અને 2012ની ચૂંટણી વખતે પણ પક્ષના પ્રભારી તરીકે ફરજ બનાવી ચૂકયા છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપને જીત અપાવ્યા બાદ ઉત્તરપ્રદેશના પ્રભારી અમિત શાહ રાષ્ટ્રીય પ્રમુખ બન્યા હતા તેના પગલે ઓમ માથુરને ઉત્તરપ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યા હતા.
સૂત્રો કહે છે કે વડાપ્રધાન મોદીની સંમતિ મળ્યા બાદ તરત જ ઓમ માથુરની ગુજરાતના પ્રભારી તરીકેની નિમણૂકની જાહેરાત કરાશે.
સાવધાન-નાણાંકીય વર્ષ બદલાઇ રહ્યું છે...
ભારતમાં ફાયનાન્સિયલ યર માર્ચ-એપ્રિલની જગ્યાએ જાન્યુઆરી-ડિસેમ્બર થઇ શકે છે. પાર્લામેન્ટની એક કમિટિએ દેશના ફાયનાન્સિયલ યરને બદલવાની સલાહ આપી છે. કમિટીનું માનવું છે કે એપ્રિલ થી માર્ચનું ફાયનાન્સિયલ યર અંગ્રેજોએ શરૂ કર્યું હતું અને આ વર્ષો જૂની પરંપરાને સમાપ્ત કરવી જોઇએ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કમિટી એ સૂઝાવ આપશે કે ફાયનાન્સિયલ યરને પણ બદલીને કેલેન્ડર વર્ષ કરવું જોઇએ. કમિટી આશા રાખે છે કે સરકાર આવતા વર્ષે આ દિશામાં તૈચારી કરશે. ફાયનાન્સિયલ યરની હાલની વ્યવસ્થા ભારત સરકારે 1967માં અપનાવી હતી. એનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે ભારતના ફાયનાન્સિયલ યરને બ્રિટન સરકારના ફાયનાન્સિયલ યર સાથે મિલાવવો હતો. 1967 પહેલાં ભારતમાં ફાયનાન્સિયલ યર 1લી મે થી શરૂ થતું હતું અને આગામી વર્ષે 30મી એપ્રિલે ખતમ થતું હતું. હાલની કમિટી જાન્યુઆરીથી ડિસેમ્બરનું વર્ષ બનાવવા માગે છે.
સરકારમાં RTI હવે બુઠ્ઠું હથિયાર બની રહ્યું છે...
રાઇટ ટુ ઇન્ફર્મેશન એક્ટની ધાર ધીમે ધીમે બુઠ્ઠી થતી જાય છે કારણ કે કમિશનને જે અરજીઓ મળે છે તેની સામે રિજેક્ટ થવાની સંખ્યા મોટી થતી જાય છે. આરટીઆઇ હેઠળ અરજીઓ કરવાની સંખ્યામાં એક વર્ષમાં 22 ટકાનો વધારો થયો છે. 2015-16ના આંકડા પ્રમાણે કુલ અરજીઓની સંખ્યા 9.76 લાખ થવા જાય છે પરંતુ પ્રત્યેક 10 અરજી પૈકી ચાર અરજીઓ રિજેક્ટ થાય છે. સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશન- સીઆઇસી- ના અહેવાલ પ્રમાણે 2014-15માં આરટીઆઇ અરજીઓની સંખ્યા 7.55 લાખ હતી તેમાં 22.67 એટલે કે 2.21 લાખ અરજીઓનો વધારો થયો છે. અરજીઓની સંખ્યા જેટલી ગતિએ વધે છે તેટલી ગતિએ અરજીઓ રદ થવાનો આંકડો પણ મોટો થતો જાય છે. અરજીઓ કરવાની કેટેગરીમાં જોવા મળ્યું છે કે 43 ટકા અરજીઓ રિજેક્ટ કરવામાં આવે છે. એટલે કે પ્રત્યેક 10 અરજી પૈકી ચાર અરજી વિવિધ કારણોસર રિજેક્ટ થાય છે.
રોકાણ મેળવવામાં ગુજરાત નંબર વન સ્થાને...
ભારતમાં ઔદ્યોગિક મૂડીરોકાણમાં વિવિધ રાજ્યો વચ્ચે સ્પર્ધા થઇ છે ત્યારે ગુજરાતે આ દિશામાં નંબર વન રહેલા મહારાષ્ટ્રને પછાડ્યું છે. ઇન્ડસ્ટ્રીયલ પ્રપોઝલ મેળવવામાં મહારાષ્ટ્ર ભલે ગુજરાત કરતાં આગળ હોય પરંતુ મૂડીરોકાણની રકમમાં ગુજરાતે મહારાષ્ટ્રને બીટ કર્યું છે. ઓગષ્ટ 1991 થી નવેમ્બર 2016ના આંકડા પ્રમાણે જોઇએ તો મહારાષ્ટ્રે 19437 ઇન્ડસ્ટ્રીયલ પ્રપોઝલ મેળવી છે જ્યારે ગુજરાતે 13308 પ્રપોઝલ મંજૂર કરી છે. જો કે કુલ મૂડીરોકાણના આંકડા જોઇએ તો આ સમયગાળામાં ગુજરાતમાં 1436962 કરોડ રૂપિયાનું મૂડીરોકાણ આવ્યું છે જ્યારે મહારાષ્ટ્રમાં 1137783 કરોડનું મૂડીરોકાણ થયું છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર