ઓફબીટ રીતે લખાતી જિંદગીના હકારની કવિતા
કોઈ પણ કૉલમ છપાતી હોય પણ એ કૉલમનું સર્જન કેવી રીતે થાય છે એ જાણવાની ઘણાને તાલાવેલી રહેલી હોય છે. લેખક ક્યારે લખતા હશે, કેવી રીતે લખતા હશે, એક જ બેઠકે લખાઈ જતું હશે આ અને આવાં કેટલાય સવાલો વાચકના મનને ઘેરી વળતા હશે. સાથોસાથ એના પરિવારજનોનો કેટલો અને કેવો રોલ હશે એ જાણવાની પણ બધાંને ઉત્કંઠા રહેલી હોય. આ વખતે કવિ, લેખક, સંચાલક, અવનવી થીમ ધરાવતા પુસ્તકોના સંપાદક, સરસ્વતીની કૃપા જેના ઉપર ખોબલે ખોબલે વરસી છે એવા અંકિત ત્રિવેદીની વાત છે. અઢળક જાહેર કાર્યક્રમોની વચ્ચે પણ એકેય ડેડલાઈન નથી ચૂક્યો આ લેખક. દાદીમા કાંતાબહેનની વિદાયનો દિવસ હતો એ સમયે પણ આ લેખક ડેડલાઈન નથી ચૂક્યા.
કેટકેટલીય કવિતાઓની પંક્તિઓ જેને મોઢે છે, સ્પષ્ટ ઉચ્ચારણો સાથેનું ગુજરાતી અને સાંભળવો ગમે એવા અવાજના માલિક અંકિત ત્રિવેદીની ક્રિએટીવીટી વિશે આજે વાત કરવી છે. ‘ગુજરાત સમાચાર’ની રવિપૂર્તિ અને શતદલ પૂર્તિમાં અનુક્રમે ‘જીવનના હકારની કવિતા’ અને ‘ઓફબીટ’ કૉલમનું સર્જન કેવી રીતે થાય છે એ વાંચવાની મજા પડે એવું છે.
આ કૉલમ છપાય ત્યાં સુધીની સફર રસપ્રદ છે. લેખક દીકરો આ કૉલમ બોલે અને મમ્મી જયશ્રીબહેન આ કૉલમ લખે છે. દીકરો બોલે અને મા ડિક્ટેક્ટ કરે આ દૃશ્ય જ કેટલું અનુપમ હોય. દીકરાના એકએક શબ્દ ઉપર જે માતાને ગૌરવ છે એવી માતા જયશ્રીબહેન કહે છે, ‘રીંકુ... ’ પછી તરત જ સુધારીને કહે છે, અંકિત.... આ સંબોધનમાં ખબર પડી કે, અંકિત ત્રિવેદીનું હુલામણું નામ રીંકુ છે. આજે પણ એ નામ મમ્મીના મોઢે સાંભળીને અંકિત ત્રિવેદીના ચહેરા ઉપર એક મમતાની કુમાશ દેખાઈ આવે છે. આસપાસમાં રમતી મિત્રા આવીને કહે છે, ‘પાપા, તમે મોટા રીંકુ અને હું નાની રીંકુ... બરોબર?’
જયશ્રીબહેન કહે છે, ‘કૉલમ લખવાની હોય ત્યારે અમારો સમય અને જગ્યા બંને ફિક્સ હોય. હું સોફા ઉપર બેસું અને અંકિત સામે હીંચકે બેસીને કૉલમ બોલતો જાય. એ એની સ્પીડમાં અને મસ્તીમાં લખાવતો હોય. એ એકેએક શબ્દ ઝીલીને હું કાગળ ઉપર ઉતારું. એકદમ સુઘડ કોપી લખું. દીકરો બોલતો હોય ત્યારે એના શબ્દોમાં ઓતપ્રોત થઈ જાઉં. કેટલીયવાર તો એવું બને કે એ લખાવતો હોય અને દિલને સ્પર્શી જાય એવી પળ આવી હોય તો મને રડવું આવી જાય. પણ હું રડી ન શકું. કૉલમના લેખનમાં ખલેલ પહોંચે એ અમને બંનેને ન ગમે. બ્રેક પડે તો અંકિતને ગમે પણ નહીં. આથી કોઈપણ ફીડબેક કૉલમ લખાઈ જાય પછી જ આપવાનું પસંદ કરું. દરેક કૉલમ એક જ બેઠકે લખાઈ જાય અને ફિક્સ દિવસે બાર વાગ્યા પહેલાં લેખ રેડી થઈ જાય. ’
અંકિત ત્રિવેદીની સૌ પ્રથમ કૉલમ અંતરના ઉંડાણમાં ટાઈટલ સાથે ‘સમભાવ’ દૈનિકની પૂર્તિમાં છપાતી હતી. એ કૉલમ છપાઈ જાય પછી એનાં જયશ્રીબહેન વાંચતા. જ્યારથી ‘ગુજરાત સમાચાર’માં કૉલમ શરુ થઈ ત્યારથી પહેલાં કૉલમ જયશ્રીબહેન લખે અને પછી કામ આગળ વધે.
પ્રવાસમાં હો અને ડેડલાઈન હોય તો?
કવિ કહે છે, ‘તો પછી ફરજિયાત લખવા બેસી જ જાઉં. ડેડલાઈન ન ચૂકાવી જોઈએ એ ગંભીરતા હંમેશાં શિરમોર રહી છે. હાથેથી લખું અને પછી પૂર્તિ સંપાદકને મોકલી આપું.’
કૉલમ મમ્મી લખે તો પછી સ્ક્રિપ્ટ? કાર્યક્રમોનું સંચાલન કરવાનું હોય એ કોણ લખે? અંકિતભાઈ કહે છે, ‘એ હું જાતે જ લખું. સંચાલન સમયે કેવું લાઈટીંગ હોય અને કેવો માહોલ હોય એ મને પણ ન ખબર હોય. મારા જ લખેલાં શબ્દો મને જલદી જડી આવે એટલે સંચાલનની સ્ક્રિપ્ટ તો જાતે જ લખવાનું પસંદ કરું છું.’
જો કે, આ સ્ક્રિપ્ટ, કૉલમના કટિંગ્સ, અખબારોમાં આવેલું કવરેજ, પુરસ્કારની રકમથી માંડીને ઝીણામાં ઝીણું કામ જયશ્રીબહેન બખૂબી કરી જાણે છે. જયશ્રીબહેન કહે છે, ‘સંચાલનની સ્ક્રિપ્ટ એ મોડે સુધી લખતો હોય. એ લખીને એનાં ડેસ્ક ઉપર રાખી દે. એને ખબર ન પડે એમ એ સ્ક્રિપ્ટ ઉપર નજર મારી લઉં. એનો એકપણ શબ્દ મારી નજર નીચેથી ન ગયો ન હોય એવું ભાગ્યે જ બને છે. એનું સંચાલન જોવા કોઈવાર જાઉં એના બોલાયેલાં શબ્દો ઉપર તાળીઓ પડે ત્યારે મારી છાતી ગજગજ ફૂલી જાય છે. કૉલમમાં વિષયો તો અંકિત જ પસંદ કરે અને વિચારે. પણ કોઈ ખાસ દિવસ આવતો હોય તો હું એને રિમાઈન્ડ કરાવું કે, આ દિવસ છે બે વીક પછી. વિષય સારો છે. વિચારી રાખજે...’
અંકિત ત્રિવેદીના પત્ની ભૂમિકા બહુ જાણીતા રેડિયો જોકી રહી ચૂક્યાં છે. થોડાં મહિનાઓ પહેલાં જ દીકરી મિત્રાને સમય આપવા માટે એમણે જોબ મૂકી છે. કાર્યક્રમોનું સંચાલન, સિરીયલની સ્ક્રિપ્ટ, ફિલ્મ લખવાનું આ તમામ કામોમાં એ સતત વ્યસ્ત રહે છે. આ યુગલે એના ઘરમાં જ ઓફિસ બનાવી દીધી છે. ઘરમાં જ્યાં ડિઝાઈનમાં ફિટ થાય ત્યાં પુસ્તકોની રેક તમને દેખાઈ આવે. વળી, આ યુગલ સ્ટોરી આઈડિયા ડિસ્કસ કરવા બેસે કે લખવા બેસે ત્યારે માહોલને પારખી જતી નાનકડી દીકરી મિત્રા પણ પોતાના કાગળો લઈને હોમવર્ક કરવા બેસી જાય છે. ઘરમાં લેખન અને શબ્દોનો માહોલ છે એ માહોલમાં કિંડર ગાર્ટનમાં જતી ફૂલ જેવી મિત્રાએ પોતાની જાતને બખૂબી ઢાળી દીધી છે. પુસ્તકો અને શબ્દોની કિંમત શું છે એ જાણે એને અત્યારથી સમજાઈ ગયું છે.
આ વાતચીતના દોરમાં એ એક-બે વાર દોડીને ચક્કર મારીને જતી રહી. જાણે એ સમજી ગઈ કે, ઈન્ટરવ્યુ ચાલે છે. એક બે વખત એને મમ્મીની મદદ વગર ચાલે એમ ન હતું ત્યારે જ એ ભૂમિકાને ડિસ્ટર્બ કરવા આવી. ચા-નાસ્તાની ગોઠવણની સાથોસાથ ભૂમિકાએ વાતચીત શરૂ કરી. એ કહે છે, લગ્ન પહેલાં હું ત્રિવેદી ભૂમિકા હતી હવે હું ત્રિવેદી ભૂમિકા ત્રિવેદી છું. આ સાથે એક હાસ્ય ઘરના માહોલમાં ખીલી ગયું અને એ વાતોએ વળગ્યાં.
ત્રિવેદી ભૂમિકા ત્રિવેદી થવાની સફર પણ રસપ્રદ છે. ભૂમિકા કહે છે, 2008ની સાલમાં વોટિંગ માટેની એક કેમ્પેઈનમાં અમદાવાદ શહેરના જાણીતા એવા સો લોકોની બાઈટ લેવાની હતી. નવ્વાણું લોકોના ક્વોટ્સ મળી ગયા હતાં. મતદારોને મતદાન માટે જાગૃત કરવાની અપીલ કરવાની હતી. એમાં આ કવિ મને સમય ન આપે. કેટલીયવાર ફોન ઉપર સમય નક્કી થાય પણ એમની પાસે સમય ન હોય. છેવટે હું કંટાળી ગઈ અને કચકચાવીને એસએમએસ કર્યો. પછી બાઈટ મળી ગઈ. વળી, મજાની વાત એ છે કે, હું એમના સંચાલનની અને અવાજની આજની તારીખે ફેન છું. કોમન ફ્રેન્ડ દ્વારા એમને ઓળખતી હતી. મેં એમને સંચાલન કરતાં અને જાહેર કાર્યક્રમોમાં જોયેલાં પણ એમણે મને જોઈ નહોતી. એ પછી વાતચીતનો દોર શરૂ થયો. એક રાત્રે એણે મને કહ્યું કે, મારે તારી સાથે લગ્ન કરવા છે. આ સાંભળીને પહેલીવાર તો મને મારાં કાન ઉપર વિશ્વાસ ન બેઠો. કેમકે એમણે મારો ચહરો કે ફોટો પણ નહોતો જોયો. તરત જ એમણે કહ્યું, હું તો અવાજનો માણસ છું અને તારા અવાજના પ્રેમમાં- તારા પ્રેમમાં પડી ગયો છું. બીજે દિવસે બાર વાગે મળવાનો સમય નક્કી કર્યો.
તૈયાર થતી હતી ત્યારે કેલેન્ડરમાં નજર ગઈ. તારીખ હતી 1લી એપ્રિલ. એમણે મને 31મી માર્ચની રાત્રે ફોન કરેલો. વાળમાં કાંસકો ફેરવતા ફેરવતા મને વિચાર આવ્યો કે, આ માણસ મને એપ્રિલ ફૂલ તો નહીં બનાવતો હોયને? આ વિચારને ખંખેરીને હું નીકળી ગઈ. કોઈ દિવસ નહીં અને મારી આ પહેલી ડેઈટના દિવસે મેં ઓફિસમાં રજા રાખી. એપ્રિલ મહિનાના તડકામાં બપોરે સાડા અગિયાર વાગ્યાની નક્કી કરેલી જગ્યાએ હું રાહ જોઈને ઊભી હતી. લગભગ દોઢેક કલાક રાહ જોવડાવી કવિએ. હું એટલી બધી અકળાઈ ગયેલી કે વાત જવા દો. એ આવ્યા એટલે કારમાં બેઠી અને એમણે મારી તરફ જોયું. અમે એકમેકની આંખો જોઈ અને વાંચી. પણ મારી આંખો તો ગુસ્સાવાળી હતી. બીજી બાજુ મને કકડીને ભૂખ લાગેલી. વળી, પેટમાં પંતગિયા ઉડે કે, સરસ મજાના અવાજના સ્વામી, હું જેમની ચાહક છું એવા અને કવિ સાથે મારી ડેઈટ છે. મસ્ત મજાની રોમેન્ટિક ડેઈટની મેં કલ્પના કરેલી. પણ મળી ત્યારે અમે બંને કેટલીયવાર સુધી મૂંગા જ રહ્યાં. કવિએ તો બસ લોંગ ડ્રાઈવ કરે રાખ્યું. પણ કંઈ બોલે નહીં. છેવટે મેં કહ્યું કે, મારાથી ભૂખ સહન નથી થતી. મારે કંઈક જમવું પડશે. એ પછી કલાકેક બાદ મને જમવાનું મળ્યું. જમ્યાં પછી થોડીઘણી વાતચીત થઈ અને ઘરે વાત કરવાનું નક્કી કર્યું. બંને એક જ જ્ઞાતિના હોવાથી પરિવારજનોને કોઈ વાંધો જ ન હતો. અમે જીવનસાથી બન્યાં.’
ભૂમિકા કહે છે, ‘કેરી ઓન કેસર’ અને ‘પપ્પા તમને નહીં સમજાય’ આ બંને ફિલ્મો અમે સાથે લખી છે. ‘સૂરી’ નામની સિરીયલ પણ સહિયારી છે. પ્રોડ્યુસર, ડિરેક્ટર સાથે મિટિંગ કરીને સ્ક્રિપ્ટની કેવી ડિમાન્ડ છે એ અમે સાંભળીએ. કાચું લખીએ. સાથે બેસીને ચર્ચા કરીએ. ક્રિએટીવ રાઈટીંગમાં કદીય ઝઘડાં નથી થયાં. એકમત હોય તો જ આગળ વધીએ. લખાઈ જાય પછી મમ્મીને વાંચવા અચૂક આપું. અમારા બંને કરતાં એમની જોડણી પરફેક્ટ છે. લેખનમાં થોડી સંવેદનશીલતા વિશે ભૂમિકા વાત શેર કરે છે કે, દીકરીના જન્મ પછી હું વધુ સંવેદનશીલ બની છું. જે હું મારા લખાણમાં અને સંચાલનમાં હંમેશાં અનુભવું છું.’
સાથે કામ કરવાની ગોઠવણ કેવી છે? અંકિતભાઈ કહે છે, ‘કાચું કામ બધું જ ભૂમિકાનું. હું ડાયલોગ્સ લખું. ટોપિક ડિસ્કસ કરીને આગળ વધીએ. ગુરુ વિશેની બુક બનાવી રહ્યો છું તો એમાં મોટાભાગનું કામ ભૂમિકાએ જ કર્યું છે. મારે કોઈ ફિલ્મનો કાર્યક્રમ આવ્યો હોય તો એનું તમામ રિસર્ચવર્ક ભૂમિકા જ કરે. કેમ કે એમાં તેની માસ્ટરી છે. ’
બેંક મેનેજર બનવાનું સપનું જે આંખોએ જોયું હતું એવા અંકિત ત્રિવેદી કહે છે, ‘કૉલજમાં હતો ત્યારે વાચન તરફ વળ્યો. બુક શેલ્ફમાં જતો અને બસ ત્યાં બેસીને વાંચ્યે જ રાખતો. શનિ સભામાં જતો થયો. ત્યાં ચીનુ મોદી, આદિલ મન્સૂરી, લા.ઠા., મનહર મોદી, ધૂની માંડલિયા વગેરે દિગ્ગજો સાથે મુલાકાતો થવા લાગી. કવિતાઓ કેવી રીતે લખવી જોઈએ, શબ્દોની રમત કેવી રીતે કરી શકાય, છંદ અને લખવાની ભાષા વિશે રીતસર શીખ્યો. અંતરમાં હતું એ ધીમે ધીમે ખીલ્યું. મારી કવિતાઓ ‘કવિતા’ મેગેઝિનમાં છપાવા લાગી. આથી સુરેશ દલાલ સુધી મારા શબ્દો પહોંચ્યા. પંદરેક વર્ષ પહેલાં શિક્ષણ બોર્ડના એક કાર્યક્રમનું સંચાલન કરેલું એ પછી પુરુષોત્તમ ઉપાધ્યાયે મને વિસનગર એક કાર્યક્રમનું સંચાલન કરવા બોલાવ્યો. ખૂશ્બુમાં ખીલેલાં ફૂલ... આ કાર્યક્રમમાં સુ.દ.એ મને સાંભળ્યો. એ પછી શબ્દોને સ્ટેજ મળતું ગયું અને સંચાલન કરતો રહ્યો છું.’
શબ્દ-સૂરના સંગાથીઓની આ સફર એકદમ ઓફબીટ છે. માના સ્નેહનો હકાર અને પોઝિટીવીટીની ભૂમિકા આ આંગણામાં સોળે કલાએ ખીલી છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર