આરતી અરવિંદ વેગડાએ સમર્પણ નહીં લોહી રેડ્યું છે....

07 Sep, 2017
12:01 AM

જ્યોતિ ઉનડકટ

PC: khabarchhe.com

કોઈપણ કલાકારની જિંદગીમાં એના પરિવારજનો સૌથી વધુ મહત્ત્વનો ભાગ ભજવે છે. ક્ષેત્ર ગમે તે હોય સર્જકના સાથીદાર હંમેશાં અગત્યની વ્યક્તિ હોય છે. ભલા મોરી રામા...ભાઈ ભાઈ આ શબ્દો લખું ત્યાં જ આપણી સામે એક વ્યક્તિનો ચહેરો ખડો થઈ જાય. અરવિંદ વેગડા. અરવિંદ વેગડાની જિંદગીમાં એના પત્ની આરતીનો બહુ જ મહત્ત્વનો રોલ રહ્યો છે.

 “30 એપ્રિલ, 2011ની એ રાત આજે પણ યાદ આવે છે ત્યારે હું થથરી જાઉં છું. અમને સૌએ ભગવાને નવો જન્મ આપ્યો છે એવું કહું તો વધુ પડતું નથી. રાત્રે અરવિંદના સોંગ ભાઈ... ભાઈનું શૂટિંગ હતું. એ આખી રાત ચાલ્યું. વહેલી સવારે અમે ઘરે આવવા નીકળ્યાં. રાણીપ મતલબ કે અમારું ઘર છે એ એરિયામાં ગાડી એન્ટર થઈ એટલે અરવિંદે કહ્યું કે, તું સૂતી નહીં ઘરે જઈને તારે મને ગરમાગરમ નાસ્તો બનાવી આપવાનો છે. મને થયું કે, ઘર આવે ત્યાં સુધીમાં હું એક ઝપકી લઈ લઉં. મારી આંખ બંધ થઈ એને થોડી જ સેકન્ડ્સ થઈ કે ઘડાકો થયો અને મારી આંખ ખુલી. મેં પૂછ્યું, શું થયુ? એટલું પૂછીને હું ધીમે ધીમે બેહોશ થઈ રહી હતી. ત્યાં લોકો દોડી આવ્યાં. મને ઘરનો ફોન નંબર પૂછ્યો. મેં કંઈક ગોટાળા સાથે વાત કરી અને નંબર આપ્યો. એ રોંગ નંબર હતો. બીજી બે-ચાર વાર મને કોઈએ હડબડાવી અને નંબર પૂછ્યો. ત્રણ વાર નંબરમાં ગોટાળા કર્યાં પછી સાચો નંબર આપી શકી. હું બેહોશ થઈ ગઈ. બાળકોની ચિંતામાં પાછળ જોઈ શકું એવી હાલત જ ન હતી. ગાડીનો તો જાણે કુચ્ચો થઈ ગયો હતો અને અણગમતાં વિચારો મન પર ધસી આવ્યા. આખો ખોલી તો હું હૉસ્પિટલના બિછાને હતી. અરવિંદની સફળતા માટે અરવિંદ પરસેવો રેડ્યો છે અને અમે ત્રણેયે લોહી રેડ્યું છે. આ આખો પ્રસંગ જાણે આંખ સામે તરવરી ઉઠ્યો હોય એમ આરતી અરવિંદ વેગડા આંખનો પલકારો માર્યા વગર વાત માંડે છે.....”

વાત છે અરવિંદ વેગડાની. ભવાઈ અને બીજા શબ્દોના કોમ્બિનેશન સાથે જેમની ગવાયેલી રચના એમની ઓળખ બની ગઈ છે. ભાત-ભાતનું ડ્રેસિંગ, અસંખ્ય વીંટી અને માળા તથા માથું સફાચટ અને આકર્ષિત કરે એવી દાઢી. વળી દાઢીમાં પણ રીંગ લગાવી હોય, ભાતીગળ અને અર્બન આ બંનેનું કોમ્બિનેશન એમના પહેરવેશમાં  જ નહીં પણ ગીતોમાં અને ગાયકીમાં પણ અનુભવી શકાય છે. આ સફર પણ એમ કંઈ સીધીને સટ્ટ નહોતી રહી. જે માણસ આજે ગાયકીની દુનિયામાં પોતાનું સ્થાન જમાવી શક્યો છે એ માણસે જિંદગીમાં કોઈ દિવસ એવું નહોતું વિચાર્યું કે, એ ગાયક બનશે. એને તો પોલીસમાં જવું હતું અથવા ક્રિકેટર બનવું હતું.

મૂળ લીંબડી નજીકના શિયાણી ગામના વતની એવા વિનોદભાઈ વેગડાના દીકરા અરવિંદભાઈનો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો. વિનોદભાઈ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી કરતા. આથી રિઝર્વ બેંકના સ્ટાફને અપાયેલાં ઘરોમાં અને કોલોનીમાં વિનોદભાઈ પરિવાર સાથે રહેતા. નવરાત્રિના દિવસોમાં પંદર-સોળ વર્ષના અરવિંદને બહુ મજા આવે. અરવિંદભાઈ એ વાત યાદ કરીને કહે છે કે, ‘’સોસાયટીમાં ગરબા થતાં ત્યારે હું સ્ટેજ ઉપર જે વાંજિત્રો પડ્યા હોય એને બહુ કુતૂહલથી જોયે રાખતો. એમાંય યેલો કલરનો કેશિયો મને સૌથી વધુ આકર્ષિત કરતો. સિન્થેસાઇઝર, ટ્રમ્પ બોર્ડ, ઢોલ વગેરે જોઈને મને એમ થતું કે આ વગાડવાની કેવી મજા આવતી હશે. એ દિવસોમાં જિંદગી જ કુતૂહલ અને સાહસોથી ભરેલી હતી. નદીએ નાહવા જવાનું, સતત રમ્યે રાખવાનું... 11મા સાયન્સમાં ભણતો હતો ત્યારે મને ફાલ્સીપેરમ થઈ ગયો. ત્રણ-ચાર દિવસ કોમામાં રહ્યો અને પછી ભણવામાં મારો સ્કોર લો થવા લાગ્યો. આથી સાયન્સ છોડીને મેં કોમર્સમાં અભ્યાસ કર્યો. નવગુજરાત કૉલેજમાં એડમિશન લીધું. અમારા પ્રિન્સીપાલ સૌરભભાઈ ચોકસી અમને એમ કહેતાં કે, મરો ત્યારે તમે એક અવસાન નોંધ નહીં પણ એક સમાચાર બનવા જોઈએ. આ વાત મને બરોબર યાદ રહી ગઈ. જે આજે પણ એટલી જ યાદ છે.

કૉલેજના દિવસોમાં હું યુથ ફેસ્ટીવલમાં, ડ્રામામાં તેમજ સંગીની એક્ટીવીટીમાં ભાગ લેવા માંડ્યો. અન્નુ કપૂર અંતાક્ષરીના ઓડિશનમાં આવેલા એમાં મારું સિલેક્શન થઈ ગયેલું. પણ એ કાર્યક્રમ કદી બન્યો જ નહીં. મારી નાની બહેન દક્ષા સિંગીગ કમ્પિટિશનમાં ભાગ લેતી. કૉલેજમાં એ હંમેશાં નંબર લઈ જતી. મારો કોઈ દિવસ ચાન્સ જ નહીં લાગે મને એવું જ થતું. કૉલેજના દિવસોમાં પ્રપંચ નામના એકાંકી માટે મને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળેલો. કૉલેજના દિવસોમાં સ્પોર્ટ્સ છૂટી ગયું પછી મને પોલીસ ખાતામાં નોકરી કરવાનો વિચાર આવ્યો. કૉલેજ પૂરી થઈ એટલે મ્યુઝિક અને યુથ એક્ટીવિટીઝ સાથે મારો નાતો તૂટી ગયો. પણ લગાવ ન છૂટ્યો. મન તો સંગીત તરફ જ વળી જતું હતું.

કૉલેજના દિવસોમાં અમારા પ્રિન્સીપાલ એવું કહેતા કે, માર્કેટીંગ એવું ફીલ્ડ છે જ્યાં તમે ધારો તે કરી શકો તેમ છો. તમારી અંદર રહેલા ઝનૂને તમે ધારો એટલા વેગથી અસરકારક રીતે કરિયયરને આગળ વધારી શકો.  આ વિચારે ગ્રેજ્યુએશન પછી એરકન્ડિશન વેંચવાનું માર્કેટીંગ શરુ કર્યું. 1995ની સાલમાં એસી લકઝરી હતી. એમટ્રેક્સ કંપનીના એસી વેંચવાનું શરુ કર્યું. આજે પણ હું એસીના વ્યવસાય સાથે જોડાયેલો છું. હું એસીના વેપારી એસોસિયેશનનો પ્રમુખ પણ બન્યો. માર્કેટીંગના વિદ્યાર્થીઓને ભણાવતો કે એસી કેવી રીતે વેંચાય. ઓન જોબ ટ્રેનિંગ પણ આપતો. આ કામ કરતો ત્યારે કોર્પોરેટ લાઇફ અને બ્રાન્ડનું માર્કેટીંગ કેવી રીતે કરવું એ શીખ્યો.

મિત્રના ગરબાવૃંદમાં ગાવા જતો. મન સંગીત અને ગરબા તરફ ખેંચાયેલું પણ રહેતું. 2005માં મારા નામ સાથે જ ગરબા ગ્રુપ શરુ કર્યું. આ ફિલ્ડમાં પણ સ્પર્ધા ઓછી ન હતી. આથી એવું વિચાર્યું કે, હું એવું શું આપું તો બીજાથી અલગ પડું. એમાં મેં વેસ્ટર્ન અને ઈન્ડિયન એમ બે સ્ટાઇલને મર્જ કરી. સ્ટેજ ઉપરથી પર્ફોમ કરવાને બદલે હેડઓન માઇક્રોફોન પહેરીને ગરબા ગાવાનું શરુ કર્યું. સ્ટેજ પર પણ સ્થિર ઉભા રહીને ગરબા જ ગાવાના એના બદલે એ પ્રેઝન્ટેશન પણ બદલ્યું.

2011ની સાલમાં હું ભાઈ ભાઈ ગીતની તૈયારી કરતો હતો. એમાં ભવાઈ અને શહેરી ટોન બંને રાખવાનું વિચાર્યું. મારા મિત્રો અને રાઇટર્સ એવા ચિરાગ ત્રિપાઠી, મનુ રબારીને કહ્યું કે, ભાઈ ભાઈ અને ભલા મોરી રામા આ શબ્દ રચના સાથે એક ગીત બનાવી આપો. બધાંની સહિયારી મહેનતના અંતે એક મજબૂત ગાયન બન્યું. જેની લેન્થ પાંત્રીસ મિનિટની હતી. વિડીયો આલબમે ધૂમ મચાવી દીધી. જો કે શૂટિંગ પત્યું એ જ સવારે અમારો ગંભીર અકસ્માત થયો.

“....મને બહુ વાગ્યું ન હતું. દીકરો દેવાર્ક થોડાં દિવસ કોમામાં રહ્યો. સાડા ચાર વર્ષે બોલતા શીખ્યો. આરતીની હાલત પણ ખરાબ હતી. દીકરી દિવ્યા પણ હૉસ્પિટલના બિછાને હતી. દીકરાની હાલત થોડી ગંભીર હતી એ પોણા બે વર્ષનો હતો પણ એની હાલત જાણે બે મહિનાનું બાળક હોય એવી થઈ ગઈ હતી. ભાદરવી પૂનમે અમે અંબાજી ગયાં. ત્યાં માતાજીને પ્રાર્થના કરી. અમને ચારેયને નવી જિંદગી આપી એ બદલ આભાર માન્યો અને ભાઈ...ભાઈ વિડીયો સીડી લોન્ચ કરી. ત્યાં જ અમારી દસ હજાર કેસેટ વેંચાઈ ગઈ. ભારતનું સૌથી લાંબુ વિડીયો સોંગ અને મોસ્ટ વ્યૂડની યાદીમાં એ આવી ગયું. આ આનંદ અને દીકરો ધીમે ધીમે રીકવર થઈ રહ્યો હોવાની ખુશી જિંદગીમાં આવી રહી હતી.’’ આરતીબેને વાતનો દોર મેળવતા કહ્યું.

આ દીકરો અમારી મુલાકાત દરમિયાન સતત લાઉડ અવાજ રાખીને વિડીયો ગેમ રમી રહ્યો હતો. એની સામે જોઈને આરતીબેન કહે છે, ‘’ મારા દીકરાની બીજી વર્ષ ગાંઠ ઉજવી ત્યારે એને કંઈ જ ખબર નહોતી પડતી. ધીમે ધીમે બધાંને ઓળખતો થયો. સૌથી પહેલું એના મોઢામાંથી મમ્મી સંબોધન નીકળ્યું હતું. અંબેમાના દર્શન કર્યાં ત્યારે માતાજીને કહ્યું તમે એક માની વેદના સમજી છે અને મને મારો દીકરો પાછો આપી દીધો છે. અમે મોતને હાથતાળી આપીને પાછા આવ્યા છીએ. ઘણીવાર એવું લાગે છે કે, માતાજીમાં અમારી શ્રદ્ધા બેવડાઈ ગઈ છે. આજે પણ અરવિંદ માતાજીની આરાધના કરે ત્યારે અમે બંને કોઈ જુદી જ દુનિયામાં ખોવાઈ જઈએ છીએ.’’

2012માં અરવિંદ વેગડાએ ભાજપ માટે ચૂંટણી પ્રચારનું કેમ્પેઇન કર્યું. ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડઝ- GIFA  શરુ કર્યું. 2015ની નવરાત્રિ પહેલાનો સમય હતો ત્યારે જ અરવિંદ વેગડાને બિગ બોસમાં ભાગ લેવાની ઓફર આવી. ગુજરાતમાંથી બિગબોસમાં ગયેલાં એ પહેલા ગુજરાતી પ્રતિસ્પર્ધી હતા. આ ઓફર આવી ત્યારે અનેક જગ્યાઓએ નવરાત્રિ માટે હા પાડી દીધી હતી. એ બધાં જ લોકોને પ્રેમથી રીકવેસ્ટ કરી કે, મેં તમને કમિટમેન્ટ આપી દીધું એ પછી મને આ ઓફર મળી છે. મને જવા દો... અરવિંદભાઈ કહે છે, મને જેટલાં લોકોનો સાથ મળ્યો એ તમામ લોકો બહુ ખરા દિલના હતાં. મને પ્રેમથી જવા દીધો. એમાં મારી ધમાકેદાર એન્ટ્રી આજે પણ મને યાદ છે. સલમાન ખાન સામે પર્ફોમ કરવાનું હતું ત્યારે જરા પરસેવો વળી ગયો હતો. પણ મારા માટે એ યાદગાર અનુભવ રહ્યો. મારી સાથે અંકિત ગેરા, પ્રિન્સ નેરુલા, કિશ્ર્વર મર્ચન્ટ, વિકાસ ભલ્લા, રીમી સેન જેવા લોકો હતાં. ત્યાં ગયો પછી મને થયું કે, આ તો બંધિયાર વાતાવરણ છે. અને હું બંધ વાતાવરણમાં રહેવા માટે સર્જાયો જ નથી. જો કે એ અનુભવનું ભાથું મને કામ લાગે છે. નેશનલ લેવલે એક ઓળખ મળી અને દરેક ભાષા બોલતા લોકો માટે મારું નામ અજાણ્યું નથી એ મને અનુભવે ખબર પડવા માંડી. આ એક્સપોઝર મળ્યું પણ સાથોસાથ મેં કમિટમેન્ટ કરેલાં કાર્યક્રમો હું ન કરી શક્યો એનાથી મારી છાપ ખરાબ ન પડે એ માટે પણ હું એટલો જ સચેત હતો.

2016ની સાલમાં શાહરુખ ખાનની ફેન મૂવી માટે ગુજરાતીમાં એક કડી ગાઈ. એ પછી શાહરુખ ખાનની રઈસ મૂવીનું ગીત ઉડી ઉડી જાય એ મારી રીતે ગાયું અને શાહરુખને ટ્વીટ કરીને મોકલ્યું. ત્યારે શાહરુખ ખાને મને મેસેજ મોકલાવ્યો કે, રઈસ ફિલ્મના પ્રમોશન માટે ગુજરાતમાં જો કોઈ વ્યક્તિ હોય તો એ છે અરવિંદ વેગડા. શાહરુખ ખાન માટે બે-ત્રણ વાર નજીકથી કામ કરવાનો મોકો મળ્યો છે. પણ તેઓ તેને મળી નથી શક્યા. એક વખત તો શાહરુખ ખાન ફેન કલબ એવોર્ડમાં અરવિંદ વેગડાને પર્ફોમ કરવાનું હતું ત્યારે પણ મુલાકાત શક્ય ન બની. આ વાતનો અફસોસ અરવિંદભાઈના ચહેરા પર ભારોભાર દેખાઈ આવે છે.

મ્યુઝીકની કોઈ વિધિવત્ તાલીમ નથી લીધી પણ સંગીતની દુનિયામાં આજે એમનું નામ છે. જો કે, એમની કૃતિને કોઈ ક્રેડિટ ન મળી એવો કિસ્સો પણ બન્યો છે. સંજય લીલા ભણસાલીએ રામલીલા ફિલ્મમાં ભાઈભાઈ ગીત લીધું પણ એને ક્રેડિટ ન આપી. આ લડાઈ બહુ ખર્ચાળ બની રહે એમ હતી એટલે અરવિંદભાઈએ સામે પડવાનું માંડી વાળ્યું. જો કે બિગબોસની સ્પર્ધામાં આ વાત કહેવાનું તેઓ ન ચૂક્યા. એક વખત રણવીર સિંહ સાથે મુલાકાત થઈ ત્યારે રણવીર સિંહે સામેથી કહ્યું હતું કે, અરવિંદભાઈ તમારું ભાઈ ભાઈ સોંગ મસ્ત છે. હું તો તમારો ફેન છું.

બિગ બોસની વાત નીકળી એટલે આરતીબેને કહ્યું કે, ‘’ત્યાં શોપીંગ માટેની કોઈ ડીલ હતી એ ડીલમાં એમણે મારા માટે સાડી ખરીદીને મોકલી હતી.’’

સંગીત અને ગીતની વાત નીકળી એટલે આરતીબેને કહ્યું કે,’’ અમારું એરેન્જડ મેરેજ છે. જ્યારે એ મને જોવા આવેલાં ત્યારે બંને પક્ષે આમ તો ડન થઈ ગયેલું. પણ એ લોકોનું ઘર જોવા ગયાં ત્યારે મેં મારી મમ્મી હીરાબેન રાઠોડને કહ્યું કે, મમ્મી જરા ઘરમાં નજર નાખીને ચેક કરજે ને કે એમના ઘરમાં ટેપ રેકોર્ડર કે સ્પીકર જેવું કંઈ છે કે નહીં. કેમકે મને મ્યુઝીકનો જબરો શોખ છે. રોજ ગાયનો સાંભળું તો જ મને ઊંઘ આવે. પછી તો ખબર પડી કે, આ માણસ માટે તો ગીત, સંગીત સૌથી ટોચ ઉપર છે. ‘’

સુપરસ્ટાર મૂવી, તંબુરો, લપેટ, આવું તો થયા કરે ચારથી માંડીને છએક ફિલ્મોના ટાઇટલ ટ્રેક એમણે ગાયા છે.  એમની પોતાની મૂવી તંબુરો હજુ થોડાં સમય પહેલાં રિલીઝ થઈ છે. આ ઉપરાંત વર્દીની લાજ નામની મૂવીમાં પોલીસને તથા એની કામગીરીને બિરદાવતું ગીત તેમણે ગાયું છે. ગુજરાત ટુરીઝમ માટે  સિનેમેટીક ટુરીઝમની એડ પણ અરવિંદભાઈએ ગાઈ છે.

ઘણી વખત એવું બન્યું છે કે, અરવિંદભાઈ સ્ટેજ ઉપર પર્ફોમ કરતાં કરતાં ઓડિયન્સ સાથે ગરબા રમવા જતા રહે. પતિ-પત્ની બંને સાથે ગરબે ઘૂમતા હોય અને અરવિંદભાઈ ગરબા ગાતા હોય એવું પણ બને. કોઈ નવી ધૂન મનમાં સવાર હોય તો એ પત્નીને બેસાડીને સંભળાવે નહીં પણ ઘરના તમામને ખબર પડી જાય કે અરવિંદભાઈના મનમાં કોઈ નવી ટ્યૂન છે. કેમ કે ઘરમાં ગીત-સંગીતનો જ માહોલ હોય એમાં અરવિંદભાઈના મોઢે એકની એક ટ્યૂન બધાં સાંભળે એટલે ઓટોમેટીક ખબર પડી જાય કે, હવેનું ગીત કે ગરબો આ ટ્યૂનનો હશે.

 

અરવિંદભાઈ કહે છે, ‘’અમારી સાથે જે એક્સિડન્ટ થયો એણે અમારી આંખો ઉઘાડી નાખી. પરિવાર ટોચની પ્રાયોરિટીમાં આવી ગયો. પરિવાર છે તો જિંદગી પ્રાઈસલેસ છે. હવે જે જિંદગી મળી છે એ ભગવાનની આપેલી છે. મેં માતાજીની આરાધના કરી છે, ગરબા ગાયા છે એ બધું અને લોકોના આશીર્વાદ અમને ફળ્યાં છે એવા કદાચ કોઈને નહીં ફળ્યાં હોય. ‘’

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.