વિવિધાની હોરાઇઝન સુધી અલ્પા ભવેન કચ્છી સાથે

27 Jul, 2017
12:01 AM

જ્યોતિ ઉનડકટ

PC: khabarchhe.com

લેખન અને વાચનની દુનિયામાં પોતે કંઈક કરીને બતાવી દેવા ઇચ્છતા ભવેન કચ્છીએ એકએક શબ્દ સીંચીને પોતાનું સ્થાન બનાવ્યું છે. પત્રકારત્વ અને લેખન માટે ખૂબ મહેનત કરીને આ લેખક પોતાનો એક રસ્તો બનાવી શક્યા છે. સતત અને સખત સંઘર્ષની તેમની કહાણીમાં તેમના જીવનસાથી અલ્પાનો સાથ એક મજબૂત અને અડીખમ સપોર્ટ બનીને રહ્યો છે.

દર અઠવાડિયે બે નવા-નક્કોર વિષય સાથે સતત એકધારું, એક જ બૅનર નીચે લખવું, દરેક ઉંમરના વાચકને સ્પર્શે એવું લખવું અને એમને ગમે એવું લખવાનું હોય ત્યારે તમારા શીરે બહુ મોટી જવાબદારી હોવાની. આ જવાબદારી સાથે સહજતા ભળી જાય એટલે શબ્દોને શ્રેષ્ઠ આકાર મળવાનો છે. જી હા, ગુજરાત સમાચારની શતદલ પૂર્તિ અને રવિવારની રવિ પૂર્તિમાં વિવિધા અને હોરાઇઝન નામની બે કૉલમના લેખક ભવેન કચ્છીની વાત કરી રહી છું. ભવેન કચ્છીની ખુદની આ મજલ બહુ જ રસપ્રદ છે. એમની સાથે એમના પત્ની અલ્પાનો સાથ અને સહકાર એક મજબૂત પીલર બનીને રહ્યો છે. 

ભવેન કચ્છી મૂળ તો જૂનાગઢના વડનગરા નાગર. ઉષાબેન અને સનતભાઈ એમના માતા-પિતાનું નામ. માતા સાથેની ભવેનભાઈની પ્રેમની સગાઈ એક જુદી જ ઉંચાઈએ પહોંચી છે. મોટોભાઈ અને એક બહેન એમ ત્રણ ભાંડરડાં જૂનાગઢ, બાદમાં ભાવનગર અને 1975થી અમદાવાદ આવીને વસ્યા. પિતા સનતભાઈને અલ્સર થયું અને અચાનક જ તેમણે વિદાય લીધી. એ વિદાય સમયનો પણ એક કરુણ પ્રસંગ ભવેનભાઈ સાથે જોડાયેલો છે. 

કો-ઓપરેટીવ બેંકમાં ઑડિટર તરીકે કામ કરતા પિતા સનતભાઈને તબિયત બતાવવા માટે ભાવનગર નજીકના બોટાદ સ્ટેશનથી અમદાવાદ જવાનું હતું. હૉસ્પિટલમાં કદાચ લાંબો સમય રહેવું પડે એ વિચારે એમણે ચૌદ વર્ષના દીકરા ભવેનને કહ્યું કે, બે-ત્રણ ભાગમાં જે નવલકથા હોય એ લઈને આવજે. મારો સમય પસાર થઈ જશે. ટ્રેનના છૂટવાનો સમય સમજવામાં કંઈ ગરબડ થઈ ગઈ. ચૌદ વર્ષનો દીકરો ભવેન હાથમાં હરકિસન મહેતાની જગ્ગા ડાકુના વેરના વળામણમાં નવલકથાના ત્રણ ભાગ હાથમાં લઈને ઊભો હતો અને પિતાએ દુનિયામાંથી વિદાય લઈ લીધી. એ પુસ્તકો હાથમાં ભીંસાતા રહી ગયા. આ પળ આજે પણ યાદ આવે છે ત્યારે ભવેનભાઈ થોડા ડિસ્ટર્બ થઈ જાય છે. 

ચૌદ વર્ષના ભવેન કચ્છી, સત્તર વર્ષનો મોટો દીકરો નોમિત અને નાની દીકરી જલ્પા એમ ત્રણેય સંતાનોની જવાબદારી એસએસસી પણ જેમણે પાસ નહોતું કર્યું એવા ઉષાબેન ઉપર આવી પડી. 39 વર્ષની ઉંમર અને સંતાનોનો ઉછેર આ બધું કેવી રીતે શક્ય બનશે? બાળકોને જો કંઈક બનાવવા હશે તો અમદાવાદ જવું જ પડશે એ વાતની ઉષાબેને ખબર પડી ગઈ હતી. પતિના ત્રણ ભાઈઓનો સાથ અને સહકાર એ દિવસોમાં બહુ જ મહત્ત્વનું પાસું બની રહ્યાં. અઢીસો રૂપિયાની બચત લઈને આ પરિવાર અમદાવાદ આવી ગયો. 

આવીને રહેવું ક્યાં? એ સમસ્યાનો હલ પહેલેથી જ નીકળી ચૂક્યો હતો. પાઈ પાઈ એકઠી કરીને ઉષાબેને પાંચેક હજાર બચાવ્યાં હતા. એ બચતમાંથી એમને સોનાનો દોરો લેવો હતો. પણ જેઠે કહ્યું સોનું નહીં તમે અહીં ઘર લઈ લો. ક્યારેક કામ લાગશે. એ ઘર એ દિવસોમાં આ પરિવાર માટે મોટી શાંતિ લઈને આવ્યું હતું. હવે વાત આવી ઘર ચલાવવાની. પતિના સ્થાને રહેમરાહે નોકરી મળે એ ભલામણ તો થઈ ચૂકી. પણ જો દસમું ધોરણ પાસ ન હોય તો એને ચોથા વર્ગના કર્મચારીનું કામ કરવું પડે. ચૌદ વર્ષના ભવેન સાથે માતા એસએસસીની પરીક્ષામાં બેઠાં. મા-દીકરો સાથે મળીને એક જ ધોરણની પરીક્ષા આપે એ વાત અને માતાનો સંઘર્ષ ભવેન ભાઈએ લવ યુ મમ્મી નામના પુસ્તકમાં બહુ અસરકારક રીતે લખ્યો છે. 

દસમું ધોરણ પાસ થયું એટલે ગાંધીનગરના સચિવાલયમાં જુનિયર ક્લાર્કની નોકરી ઉષાબેનને મળી ગઈ. બંને દીકરા ઘરે રહીને ટ્યૂશન કરીને થોડુંઘણું કમાઈ લેતાં. આ કમાણીમાંથી રૂપિયા બચાવીને ભવેનભાઈએ સાઇકલ લીધી. આ સાઇકલ હજુ ચલાવે એ પહેલાં તો ચોરાઈ ગઈ. આજે ભવેનભાઈ પાસે સરસ મજાની કાર છે છતાં એ સાઇકલ ચોરાઈ ગયાની વેદના એમના ચહેરા પર ધસી આવે છે. 

પોતાના બાળપણ અને સંઘર્ષની વાતો કરતી વખતે એમની નજર એમના જીવનસાથી-મિત્ર અને પત્ની અલ્પા સામે વારંવાર પહોંચી જતી હતી. બાળપણની દોસ્તીનો સાથ એ નજરમાં દેખાઈ આવતો હતો. બહાર વરસાદ ધોધમાર વરસતો હતો અને ભવેનભાઈ પત્ની તથા પુત્રવધૂ મૌના નિકેત ક્ચ્છીની હાજરીમાં લાગણીઓનો વરસાદ વરસાવી રહ્યા હતાં. પોતાના સંઘર્ષની સાથોસાથ લેખન અને વાચનની વાત કરતા ભવેનભાઈ કહે છે, "મારા પિતાએ મને વાચન તરફ ઢાળ્યો. એ પિતા કરતા એક દોસ્તની જેમ અમારી સાથે રહેતા હતાં. ફિલ્મ જોવા જવાની હોય તો અમે સાથે જ જતાં. ફિલ્મ જોઈને પણ અમે એ ફિલ્મની સ્ટોરી, કલાઇમેક્સથી માંડીને મેકિંગ વિશે વાતો કરતાં. ચંદ્રયાનની વાતો પણ પપ્પા કહેતાં અને ઓખાહરણની વાર્તા પણ પપ્પા કહેતાં. વાચન અને જિજ્ઞાસા આ બંને ભૂખ બાળપણથી દિલોદિમાગમાં રોપાઈ ચૂકી હતી જે હજુ સુધી એવીને એવી જ છે. જૂનાગઢની ડીસ્ટ્રીક્ટ લાઇબ્રેરી હોય કે પછી ભાવનગરની બાર્ટન લાઇબ્રેરી એના સભ્ય બનીને લાઇબ્રેરીના તમામ પુસ્તકો વાંચવાનો એમનો આગ્રહ રહેતો. ર. વ. દેસાઈ, ગુણવંતરાય આચાર્ય, ક. મા. મુનશી, હરકિસન મહેતાથી માંડીને તમામ લેખકોની નવલકથા મેં બહુ નાની ઉંમરે વાંચી લીધી હતી. અમારા ઘરે ઝગમગ, ચંપક, બાલસંદેશ, અખંડ આનંદ, જનકલ્યાણ જેવા મેગેઝીન્સ અમે વાંચતા. ઝગમગ વાંચતો ત્યારે એમાં બીજાં બાળકોના નામ જોઉં તો મને સતત એવું થયે રાખતું કે, આ ઝગમગમાં મારું નામ આવે તો કેટલું સારું. ચંપકમાં હું લગભગ દસથી બાર જનરલ નોલેજના સવાલો લખીને મોકલતો ત્યારે માંડ એકબે વાર નામ આવતું."

આજની પેઢીના પત્રકારની ધીરજ અંગે ઘણીવાર સવાલો થઈ આવે છે. ધીરજ કેવી અને કેટલી રાખવી એ જો શીખવું હોય તો ભવેન કચ્છીની મુલાકાત લેવી પડે. લેખ માટે કે રિપોર્ટીંગ કરીને એટલી મહેનત કરે કે એ લેખ વાંચીને આપણને એમ જ થઈ આવે કે, આદર્શ લેખની ફ્રેમમાં આ જ લેખ બેસે છે. અખબારોની ઓફિસે જઈ જઈને રીતસર તેમણે ચંપલના તળિયા ઘસી નાખ્યા હતાં એવું લખું તો વધુ પડતું નહીં લાગે. 

કૉલેજનો અભ્યાસ કરીને માર્કેટિંગની નોકરીએ લાગી ગયાં. પણ અંદર બેઠેલાં શબ્દો અને વાચન સતત અખબારોની ઓફિસ તરફ ખેંચતા રહ્યાં. કૉલેજથી નિયમિત રીતે અને એ પછી નોકરી પૂરી થાય કે અખબારોની ઓફિસોમાં ભવેન કચ્છી પહોંચી જાય. નવરંગપુરાના ક્રેસન્ટ ઇલેક્ટ્રોનીક્સમાં કામ કરતાં. એ સમયે મેમરી ફોન, ઇલેકટ્રોનીક ટાઈપરાઇટર, એસટીડીલોક, પ્રિન્ટર કમ કેલક્યુલેટર વગેરે વેચવાનું માર્કેટિંગ કરતાં. ગાંધીનગર-અમદાવાદ વચ્ચે બચતમાંથી લીધેલાં સ્કૂટર ઉપર દિવસના દસ-દસ કૉલ મારતા. નોકરીમાંથી બે કલાકનો સમય કાઢીને ગુજરાત સમાચાર અને સંદેશ દૈનિકની ઓફિસમાં લેખકો અને કૉલમિસ્ટોને મળતાં રહ્યાં. કુમારપાળ દેસાઈ, શશીકાંત નાણાવટી, હરીશ નાયક, મહેશ મસ્તફકીર, ગુ. છો. શાહ, મહેશ ઠાકર, મોહમ્મદ માંકડ, અમૃત કનાડા જેવા લેખકો સાથે નિયમિત મુલાકાત થતી. ગુજરાત સમાચારમાં તો એક-બે નહીં પણ પૂરા સાડત્રીસ લેખો એમણે આપ્યાં હતાં. પણ એકેય છપાતો નહીં. છેવટે એમણે એકવાર પૂછ્યું કે મારો લેખ કેવો છે એવું કહો અથવા તો કંઈ સુધારા-વધારા કરવાના હોય તો કહો કંઈક કહેશો તો હું એક નહીં એકસોને સાડત્રીસ લેખ આપીશ. પછી પણ એમની ધીરજ જળવાઈ રહી. એક વખત તો આખી રવિ પૂર્તિની છપાતી હતી એ તમામ કૉલમ દરેકે દરેક કેટેગરીમાં નવા અને તરોતાજા પીસ જાતે લખીને એમણે શ્રેયાંસભાઈ શાહને આપ્યાં. એ કામને બિરદાવાયું પણ એનાથી લેખનની દુનિયામાં પા-પા પગલી પણ ન થઈ શકી. એ દિવસોમાં જ ગુજરાત સમાચારનું આસપાસ મેગેઝીન નીકળતું હતું. 

ગુ. છો. શાહે ભવેન કચ્છીને કહ્યું, એક રિપોર્ટીંગ કરવાનું છે તમને ફાવશે? આ વખતના અંકમાં જ લેવાનું છે. વાત એમ હતી કે, જહાંગીર કામા પરિવાર કોન્ટેસા કાર લઈને માર્કેટમાં આવવાનું હતું. આખી સ્ટોરી લાઈન સમજીને ભવેન કચ્છી તો ઉપડી ગયા ફિલ્ડમાં. કામા શેઠને મળીને ઝીણામાં ઝીણી વિગતો લીધી અને ડેડલાઇન પહેલાં લેખ લખીને આપી દીધો. એ પછી અમદાવાદની બંધ પડેલી મીલો ઉપર લેખ લખ્યો એ પણ આસપાસમાં છપાયો. જો કે નિયમિત રીતે કંઈ ચાલુ ન થયું. સંદેશના ચકચાર મેગેઝીનમાં અને ગુજરાત સમાચારના આસપાસ મેગેઝીનમાં ખૂબ મહેનત કરીને મૌલિક વિચારો સાથે લેખ આપતાં પણ એ કામને જલદીથી કોઈ હાથ ન અડાડતું. 

આ દિવસોમાં જ ભવેન કચ્છીએ સ્પોર્ટ્સની રુચિ તરફ વધુ ધ્યાન આપ્યું. સ્પોર્ટ્સના લેખો લખવા માંડ્યા. એ દિવસોમાં જ રિલાયન્સ કપ(1987) રમાવાનો હતો. સંદેશમાં રિલાયન્સ વર્લ્ડકપનું બહુ જ સરસ કવરેજ તેમણે કર્યું. પગાર કરતાં અનેકગણો પુરસ્કાર એ દિવસોમાં એમને મળ્યો હતો. ઘરમાંથી ક્લાસ વન ઓફિસરની પરીક્ષા આપવા માટે દબાણ થતું હતું. પણ હવે તો નામ સાથે છપાતી કૉલમ અને લેખોનો ચસકો ભવેન કચ્છીને લાગી ચૂક્યો હતો. 

કરિયર ધીમેધીમે આગળ વધી રહી હતી. જિંદગીમાં પણ સેટલ થવાનું પરિવારમાંથી વારંવાર કહેવામાં આવતું. નાગર જ્ઞાતિમાંથી માગા આવવા માંડ્યા. એક યુવતી સાથે તો અલમોસ્ટ નક્કી થઈ ગયું. પણ પોતાની જીવનસાથી અંગેની માન્યતા અને વિચારો ટિપીકલ વાઈફ સાથે મેચ નહોતા થતાં. વિચારો અને વિચારસરણી જેની સાથે મેચ થતી હતી એ યુવતી તો ઘરની સામેના બારસાખમાં જ રહેતી હતી. એનું નામ અલ્પા. સાવ નજીક નજીક ઘર હોવાને કારણે અને ભવેનભાઈના મમ્મી નોકરી કરતાં આથી નાની ઉંમરથી જ અલ્પાબેનના મમ્મી શાંતાબેન તથા બીજાં પાડોશીઓ ભવેનભાઈ અને એમના ભાઈબહેનનું ધ્યાન રાખતાં. વેકેશનના દિવસોમાં મોડે સુધી ગપ્પાં મારવા, એકબીજાંના સગા-સંબંધીઓ આવ્યાં હોય તો પણ પડોશી એટલે વિશેષ પરિવારજન જેવો વહેવાર ભવેનભાઈ અને અલ્પાબેનના પરિવાર વચ્ચે રહેતો. બંનેનાં તમામ સગાં-વહાલાંઓ અલ્પાબેનથી પરિચિત. 

આ બાજુ એક જગ્યાએ વાત નક્કી જ થઈ ગયેલી પણ ભવેનભાઈના મનમાં અલ્પાબેન વસી ગયેલાં. કેવી જીવનસાથી ગમે? એ વિચારની ફ્રેમમાં આવ્યું કે, અલ્પા જેવી. પછી એમ થયું કે, અલ્પા જેવી શું કામ? અલ્પા જ કેમ નહીં?

ભવેનભાઈએ જેવી કરિયરની વાત ઢીલી મૂકી કે અલ્પાબેને વાતોનો દોર હાથમાં લઈ લીધો. એ કહે છે, મારો તો ક્રશ એટલે ભવેન. હું કવિતાઓ લખીને એમને વંચાવતી. એ કવિતામાં ઇશારો એમની તરફના પ્રેમનો જ હતો. પણ ખુલ્લમખુલ્લા એકરાર નહોતી કરી શકી. એકાદવાર કહેલું પણ ખરું કે, આમાં હું અને તું એટલે મનમાં તમારા જેવા પોતીકાની જ વાત છે. 

જો હવે વ્યક્ત નહીં થવાય તો પરિવારજનોએ પસંદ કરેલી યુવતી સાથે લગ્ન કરવું પડશે. આથી ભવેનભાઈએ હિંમત કરીને એક દિવસ મમ્મીને કહી જ દીધું કે, ઉષા... હા, ભવેનભાઈ એમના મમ્મીને નામથી બોલાવતાં. કહ્યું કે, ઉષા મને અલ્પા ગમે છે. તને કેવી લાગે છે? 

એમના મમ્મીએ કીચનમાં રસોઈ કરતાં કરતાં બારીમાંથી બહાર નજર નાખી. સહેજ શ્વાસ ભર્યો અને કહ્યું, અલ્પા સારી છે. પણ તારા કરતાં બહુ નાની છે. ભવેનભાઈને ત્યારે તો અંદાજ આવ્યો કે, અલ્પાબેન એમના કરતાં નવ વર્ષ નાના છે. છતાં તેમણે મમ્મીને કહ્યું કે, તું વાત આગળ વધારને. સામીબાજુ અલ્પાબેનના પરિવારમાં આ આંતરજ્ઞાતિય લગ્ન માટે કોઈ અવરોધ ન હતો. અઢાર વર્ષની અલ્પાના લગ્ન એના જ ક્રશ અને પ્રેમ એવા ભવેન સાથે ગોઠવાઈ ગયાં. 

લગ્ન કરીને હનીમૂન કરવા જવાનું નક્કી નહોતું કર્યું પણ લગ્ન થયાં તેની ખુશીમાં પત્રકારત્વમાં કેટલાંક વડીલોને અને સ્નેહીઓને એ મીઠાઈ આપવા નીકળ્યાં. ટાઇમ્સ ઑફ ઈન્ડિયાની ઓફિસમાં અરવિંદ ગોસ્વામીને મીઠાઈ આપવા ગયાં. એમણે ગુજરાતી ટાઇમ્સમાં નોકરી માટે પૂછ્યું અને નવા સવા પરણેલાં આ યુગલે મુંબઈ ઇન્ટરવ્યૂ આપવાની વાટ પકડી. બે-બે નોકરીમાંથી છુટકારો મેળવીને ભવેન કચ્છી ગુજરાતી ટાઇમ્સમાં જોડાયા. આ સમય સુધીમાં તો એમની સ્પોર્ટ્સ વર્લ્ડ કૉલમને ખાસી એવી ઉંચાઈઓ પ્રાપ્ત થઈ ચૂકી હતી.

પત્નીના પગલે સફળતા શિખરો સર થતાં ગયાં. 1992થી ગુજરાત સમાચારમાં જોડાયા. ત્યારથી માંડીને આજદિન સુધી બુધવારની શતદલ પૂર્તિ અને રવિવારની રવિ પૂર્તિના પહેલાં પાને ભવેન કચ્છી સતત પચીસ વર્ષથી અવનવા વિષયો સાથે વાચકોની નજીક રહ્યાં છે. વર્ષો પસાર થતા ગયાં તેમતેમ બુધવારના લેખો મોટાભાગે માહિતીપ્રદ રહે એવા લખાય છે તો રવિવારના લેખોમાં તેઓ થિંકીગ, ફિલોસોફીને લગતી વાતો આવરી લે છે. આ લેખો અને વિષયોની પસંદગીમાં યંગસ્ટર્સ તથા કમિટેડ રીડર હંમેશાં એમની સાથે રહ્યો છે. આ ઉપરાંત સ્પોર્ટ્સનું પાનું તેમજ બીજી જવાબદારીઓ પણ તેઓ નીભાવી જાણે છે. આટલાં વર્ષોમાં કોઈપણ સંજોગો હોય ભવેન કચ્છી કોઈ દિવસ ડેડલાઇન નથી ચૂક્યા. અમારી મુલાકાત થઈ એ દિવસે તેમને રવિવારનો લેખ લખવાની ડેડલાઇન હતી. પણ વિષય હજુ નક્કી ન હતો. 

ભવેનભાઈ કહે છે, "રોજબરોજની જિંદગી સાથે અનેક વાતો જોડાયેલી હોય, કંઈ બન્યું હોય તો અલ્પા પણ ચર્ચા કરે, ઇન્ટરનેટની દુનિયા, ટીવી, ફિલ્મો, સતત સમાચારની વચ્ચે રહેવાનું બને એટલે વિષયોની કોઈ દિવસ કમી નથી લાગી. સબ કોન્શિયસ માઇન્ડમાં સતત કંઈને કંઈ ચાલતું જ રહે છે. કંઈક એવું ઇનબિલ્ટ છે જેના કારણે લખાતું જાય છે. મને તો ઘણીવાર એવું લાગે છે કે, લેખનની વાત જિંદગી સાથે બાયો-કલોકની જેમ વણાઈ ગઈ છે. હું હંમેશાં હાથેથી જ લખું છું. હાથમાં પેન પકડું તો જ વિચાર આવે એવું મને લાગે છે. લખવા માટે કોઈ માહોલની જરૂરત કોઈ દિવસ નથી પડતી. જોઈન્ટ ફૅમિલીમાં રહેતો હતો ત્યારે પણ ગમે ત્યારે ગમે તેટલાં અવાજ વચ્ચે હું લખી શકું. લેખનની ક્વૉલિટીમાં કોઈ દિવસ કંઈ ચલાવી નથી લીધું. સરળતા અને સહજતા જળવાઈ રહે એવા પ્રયત્ન સતત કરતો રહું છું."

અલ્પાબેન કહે છે, "લખવાનું હોય તો પણ કોઈ દિવસ ભવેનના ચહેરા પર કે વર્તનમાં ટેન્શન ન જણાય. એ હાથેથી લખે છે એટલે એમના અક્ષરો ઉકેલવા અઘરા છે. જો કે હું છપાઈ જાય પછી વાંચું છું. મોટાભાગે બંને દીકરા નિકેત અને મેઘન સાંભળે એ રીતે લેખો વાંચતી. હવે મેઘન અમેરિકા ગયો એટલે અમારો આ ક્રમ થોડો તૂટ્યો છે. લેખો વાંચીને હું તો તરત જ અભિપ્રાય આપી દઉં. જો મજા ન આવે તો એવું પણ કહું કે, આ જામ્યું નહીં. કોઈ વખત જૂના ધારદાર લેખનો રેફરન્સ આપીને કહું કે, ફલાણો લેખ લખેલોને એ બહુ મજાનો હતો. હમણાં એવું કંઈક લખોને...."

અલ્પાબેન કહે છે, "અમારા લગ્ન થયાં નહોતાં એ પહેલાં મારી મમ્મીએ મારા સાસુને કહેલું કે, તમારી નાગરની નાતમાં કોઈ સારો છોકરો હોય તો બતાવજો અમારી અલ્પા માટે. મને ભવેન માટે પહેલેથી જ સોફ્ટ કોર્નર. મારી ગમતી વ્યક્તિનું મને બધું જ ગમતું હતું અને આજે પણ ગમે છે. મને કોઈ એમ પૂછે કે, ભવેન વિશે કંઈ બોલો. તો હું મારી જાતને સ્પીચલેસ અનુભવું. એ મારા પતિ પછી છે એ પહેલાં એ મારા બેસ્ટ ફ્રેન્ડ છે. અમારી જિંદગીમાં ઝઘડા, અબોલાં, તું-તું મેં-મેં લગભગ કોઈ દિવસ નથી થયું. મતમતાંતર પણ એવી સહજતાથી સૂલઝી જાય કે કંઈ ખબર જ ન પડે કે, કોઈ વિચારભેદ હતો. મોટાભાગે તો વિચારભેદ પણ નથી થતો. 

સ્વભાવે બહુ કુલ એવા ભવેનની એક વાત કહું. અમે નવી-નવી કાર લીધી હતી. પાર્કિંગમાં રિવર્સ લેતી વખતે મારાથી ગાડી ઠોકાઈ. બૉનેટ અને ડીકી બંનેને ખાસ્સું એવું નુકસાન થયું. પણ જાણે કંઈ જ બન્યું નથી એમ ભવેન મારી સાથે ઘરમાં આવ્યાં અને રુટીન હોય એ રીતે રહેવા લાગ્યા. મને બહુ જીવ બળતો હતો. ગાડીને થયેલાં નુકસાનની વાત માંડુ તો મને બહુ પ્રેમથી કહે, જવા દેને એ વાત. તું કંઈ ચિંતા ન કર."

ભવેનભાઈ જીવનસાથી-પત્ની અલ્પા વિશે વાત કરતા કહે છે, "અલ્પા અને ઉષાની રીલેશનશીપ એકદમ અલૌકિક હતી. ઉષાને કરોડરજ્જુના મણકાનું કેન્સર થયેલું. એની તબિયતનું નાનામાં નાનું ધ્યાન, ડ્રેસિંગથી માંડીને તમામ જવાબદારીઓ અલ્પાના શીરે હતી. ઉષાને એટલો ઉંડો ખાડો થઈ ગયો હતો કરોડરજ્જુમાં કે એમાં થતી રસી સાફ કરીને ડ્રેસિંગ કરવું એ જ સૌથી મોટી ચેલેન્જ હતી. પણ કોઈ સૂગ વગર, કોઈ ભાર વગર અલ્પાએ ઉષાનું ધ્યાન રાખ્યું." ખુલ્લા દિલે પતિને વખાણ કરતા જોઈને અલ્પાબેનની આંખો ભીની થઈ ગઈ. 

ભવેન કચ્છીની પરમ તેજે તું લઈ જા, તેજ લિસોટા, યુવા મનોતરંગ, મેટ્રો મિરર, દુનિયા ઝૂકતી હૈ, રાજરંગ ટાઇટલ સાથે નવ બુક્સ પ્રકાશિત થઈ ચૂકી છે. પરિવાર અને સંતાનોને સૌથી વધુ મહત્ત્વનો હિસ્સો ગણતા ભવેનભાઈ કહે છે, "મને પ્રસિદ્ધિ કે એવોર્ડ્ઝની ભૂખ પહેલેથી જ નથી રહી. પાંચ કાર્યક્રમોના નિમંત્રણ હોય તો એમાંથી હું એક જતું કરીને અલ્પા સાથે બહાર કોફી પીવાનું વધુ પસંદ કરું એવા વિચારો સાથે જ જિંદગી જીવી રહ્યો છું. સતત ભાગતાં રહેવાથી કંઈ મળવાનું નથી. પોતાના પરિવારજનોની સાથેની પળ સૌથી અમૂલ્ય છે એવું મને લાગે છે. "

ફ્રાન્સ, સ્વીટ્ઝરલેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ કોરિયા, આર્યલેન્ડ, ઑસ્ટ્રેલિયા, હોલૅન્ડ, યુએસએ સહિત અગિયાર દેશો સુધી વિવિધામાં ભવેન કચ્છીની હોરાઇઝન્સ ખીલી છે. અમૃતા પ્રીતમ, અમિતાભ બચ્ચન, નરેન્દ્ર મોદી, સચિન તેંડુલકરથી માંડીને દેશ-વિદેશની સ્પોર્ટ્સ તથા અલગ-અલગ ક્ષેત્રની અનેક સેલિબ્રિટીઝ સાથેની તેમની મુલાકાત વાચકોએ વખાણી છે. પારિવારિક સંબંધોની વચ્ચે શબ્દોની ક્ષિતિજ વિવિધ રીતે ખીલતી જ રહે છે. આ યુગલ પતિ-પત્ની કરતાં મિત્રો હોવાનું વધુ લાગે છે. તેમની મિત્રતા ઊડીને આંખે વળગે તેવી છે. એક ફ્રેમમાં તેમની તસવીર એકબીજાંને વધુ ગ્રેસ બક્ષતી હોય એવું લાગ્યા વિના નથી રહેતું. વાચકોને સર્વોપરી માનતા આ લેખકની તાકાત અને ઉર્જા તો એમના ઘરમાં જ પડેલી છે. અલ્પા નામની ઉર્જા એમના શબ્દોને ધબકતી રાખે છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.