પત્નીને ખુશ કરવાના એકેય ઉપાય મારી ઉપર નથી અજમાવ્યા- સોનલ દેવાંશુ પંડિત
આજના દિવસનું કંઈ કામ બાકી છે?
હા, મારે ઝાંસીની રાણી પાસેથી ચશ્મા લેવા છે.
હેં... આ તું શું સ્ટેટમેન્ટ આપે છે?
કારમાં બઠેલી પત્ની સોનલને જ્યારે દેવાંશુ પંડિતે પૂછ્યું એના જવાબમાં આ વાક્ય સાંભળવા મળ્યું અને કારમાં દીકરી પ્રતીતિ ખડખડાટ હસી પડી.
બસ, આ રોજબરોજની જિંદગીમાંથી જ અધીર અમદાવાદી હાસ્યની વાતને લઈ આવે છે. તમને થશે ઘડીક અધીર અમદાવાદી લખે છે ઘડીક દેવાંશુ પંડિત...
જી હા, આ બંને વ્યક્તિ એક જ છે. અધીર અમદાવાદી આજની પેઢીને ગમતા હાસ્ય લેખક છે. ટેકનોલોજી અને સોશિયલ મીડિયાને વળગીને આગળ આવેલા હાસ્ય લેખક છે. મૂળ તો એ સિવિલ એન્જિનિયર છે અને સેપ્ટ યુનિવર્સિટી- સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટીમાં પ્રોફેસર છે. પ્રોફેસર અને લેખક... આમ તો લેખક નહીં પણ હાસ્ય લેખક. થોડું રેર કોમ્બિનેશન છે. આજે આ લેખકના પત્ની સોનલબેન આપણી સાથે સર્જક પતિની વાતો લઈને આવ્યા છે.
સિવિલ એન્જિનિયરિંગ અને એ પછી એન્જિનિયરિંગમાં બે-બે માસ્ટર્સ ડીગ્રી, પીએચડી થયેલા આ હાસ્ય લેખકની સફર પણ નિરાળી છે. વાંચવાનો વારસો એમને પિતા કૃષ્ણકુમાર હીરાલાલ પંડિત તરફથી મળ્યો. પિતા જજ હતા આથી ઘરમાં એક ડિસિપ્લીન વાતાવરણ રહેતું. સંસ્કૃતના શ્લોકથી માંડીને વાચનમાં શું નવું છે, શું વાચવું જોઈએ એની ચર્ચા થતી રહેતી. ત્રણેય ભાઈઓમાંથી બે એન્જિનિયર બન્યા અને સૌથી મોટાભાઈ ભાર્ગવભાઈ ડૉક્ટર બન્યા. રક્ષિતભાઈ પંડિત બધીર અમદાવાદી તરીકે વધુ પ્રખ્યાત છે. દેવાંશુભાઈએ અધીર અમદાવાદી નામ અપનાવ્યું. પ્રોફાઈલ પિક્ચરમાં કાર્ટૂનિસ્ટ સતપાલસિંહ છાબડાનો દોરેલો ગધેડો છે. કેટલાય વર્ષો સુધી તો વાચકોને અધીર અમદાવાદી જ દેવાંશુ પંડિત છે એ હકીકતની ખબર ન હતી. આ સર્જકની સફર વિશેની વાત પણ રસપ્રદ છે.
મૂળ તો એ વિસનગર ગામના. 1973થી અમદાવાદ આવીને વસ્યા. વલ્લભ વિદ્યાનગર, અમદાવાદ, સુરત અને અમેરિકામાં તેમણે સિવિલ એન્જિયરિંગમાં અભ્યાસ કર્યો. 1996ની સાલથી સેપ્ટમાં વિદ્યાર્થીઓને સિવિલ એન્જિનિયરિંગ ભણાવે છે. કલાસમાં તેમની કડક પ્રોફેસરની છાપ છે. એ હાસ્ય લેખો લખીને લોકોને હસાવે છે. કૉલેજના અભ્યાસ દરમિયાન હોસ્ટેલનું મેગેઝિન તથા કૉલેજના મેગેઝિન માટે કો-ઓર્ડિનેશન કરવું અને કવિતાઓ લખવાનું કામ કરતા. એ જ દિવસોમાં બે-ત્રણ હાસ્યલેખો પણ છપાયા. દેવાંશુભાઈ નિખાલસતાપૂર્વક કહે છે કે પ્રાસ મેળવીને પંક્તિઓ બેસાડી હોય એવી એ કવિતાઓ હતી.
માસ્ટર્સના અભ્સાસ બાદ સુરત રહેવાનું થયું. ત્યાં કવિતા અને ગઝલ વિશે શીખવા મળ્યું. વાત એમ હતી કે, એ જે કોન્ટ્રાક્ટર માટે કામ કરતા હતા એ કોન્ટ્રાક્ટર પાસે એક બંગલાનું કામ હતું. સુરતની આદર્શ સોસાયટીનો એ બંગલો ગુજરાત મિત્રના માલિક ભરતભાઈ રેશમવાળાનો હતો. એની બાજુના બંગલામાં જ એક ભાઈ રહેતા. આખો દિવસ તડકામાં કામ કરતા નવયુવાનને જોઈને એ પડોશીએ કહ્યું કે, તને ક્યારેય તરસ લાગે કે હાથમોઢું ધોવા હોય તો તું તારે અહીં આવી જજે. અચકાતો નહીં. દેવાંશુ પંડિતે પણ હા કહી. એ પછી રોજબરોજની મુલાકાતમાં ખબર પડી કે જેમને ત્યાં પાણી પીવા જાય છે એ તો, અમર પાલનપુરી છે. પોતે લખેલી કવિતાઓ એમને બતાવી. અમરભાઈએ બહુ પ્રેમથી એમને કવિતા કેમ લખાય, છંદ કેવી રીતે હોય એ બધું શીખવવાનું શરૂ કર્યું. અમર પાલનપુરી સપ્તર્ષિ સંસ્થાના ફાઉન્ડર પ્રેસિડેન્ટ હતા અને આ સંસ્થા સાહિત્યિક પ્રવૃતિ માટે બહુ કામ કરતી. સપ્તર્ષિ કલબના કાર્યક્રમોમાં દેવાંશુ પંડિતને અમરભાઈ પ્રેમથી લઈ જતા. અમરભાઈએ ઉઝરડાં નામનું પોતાનું પુસ્તક હસ્તાક્ષર સાથે દેવાંશુભાઈને ભેટ આપ્યું છે. હાસ્ય કવિ સંમેલન હોય કે પછી કોઈનું પ્રવચન હોય કે સાહિત્યને લગતો કોઈ કાર્યક્રમ હોય અમરભાઈ બધાં દિગ્ગજો સાથે દેવાંશુ પંડિતનો પરિચય પણ કરાવતા. એમાં જ એમને મનહર ચોકસીનો પરિચય થયો. સુરતના જાણીતા સાયકિયાટ્રીસ્ટ અને કવિ મુકુલ ચોકસીના પિતા મનહરભાઈએ દેવાંશુભાઈને બહુ સહજતાથી કવિતા-ગઝલ વિશે શીખવ્યું.
આ દિવસોમાં હાસ્ય લેખો પણ લખાયા. જો કે, એ ક્યાંય પ્રકાશિત ન થયાં. સોનલબેન કહે છે, ‘1993 અમારી સગાઈ થઈ. હું ભરૂચ રહેતી અને દેવાંશુ સુરત. અમારું એરેન્જડ મેરેજ છે. સગાઈ અને લગ્નના ગાળા વચ્ચે દેવાંશુએ બહુ પ્રેમપત્રો લખ્યા. એમની ક્રિએટીવ ભાષા જોઈને હું તો પ્રભાવિત થઈ ગયેલી. અમે ફોન ઉપર પણ અડધો પોણો કલાક ચર્ચા કરતાં. ત્યારે ફોનની સુવિધા આટલી સહજ ન હતી. અમારી વાત શરૂ થાય એટલે દેવાંશુ તરત જ કહેતો કે વાતાવરણ બહુ સારુ છે. વાતાવરણ સિવાયની કોઈ વાત કર. કેમકે, મારી વાતની શરૂઆત વેધરની વાતથી જ થતી.’
આ વાત યાદ કરીને આજે પણ યુગલ એટલું જ ખડખડાટ હસી શકે છે.
લખવાની વાત નીકળી એટલે એક સરસ વાત જાણવા મળી. સુરત ‘ગુજરાત સમાચાર’ની પારિજાત પૂર્તિમાં પ્રેમપત્ર લખીને મોકલવાની સ્પર્ધા યોજાયેલી. વાચકોએ પ્રેમપત્રો લખવાના અને એમાંથી જે શ્રેષ્ઠ હોય એને 251 રૂપિયા ઈનામ મળે. આ પૂર્તિનું સંપાદન મુકુલભાઈ ચોકસીના હાથે હતું. હવે, વાત એમ બની કે, દેવાંશુભાઈએ પ્રેમપત્ર લખીને મોકલાવેલો, એ વાતની પત્નીને પણ ખબર. સ્પર્ધાનું પરિણામ હતું એ દિવસે પૂર્તિ જોઈ. પોતાનું નામ એમાં નથી એ જાણીને દેવાંશુભાઈને જરા ન ગમ્યું. પણ વિજેતા પત્રમાં પત્ની સોનલનું નામ અને ઘરનું સરનામું જોઈને એમની આંખો ચોંકી ઉઠી. પછી, સોનલબેને કહ્યું કે, હા મેં મોકલ્યું હતું પણ ઈનામ નહીં મળે તો! એ વિચારે મેં તને ન કહ્યું. બીજા જ અઠવાડિયે દેવાંશુભાઈને પહેલું ઈનામ લાગ્યું પણ દેવાંશુ પંડિત કહે છે, ’પત્નીના લેટરની ખબર ન હતી અને એને મારાથી પહેલાં ઈનામ મળી ગયું મારો તો ચાર્મ જ જતો રહ્યો...’ આ વાત ચાલતી હતી ત્યાં જ સોનલબેન એ લેમિનેટ કરાવેલા વિજેતા પત્રો લઈને આવ્યા. દેવાંશુભાઈએ જરા, કટાક્ષમાં કહ્યું, ‘જોઈ લો તમે પણ... કલમ હું ઘસતો અને ઈનામ એને મળી ગયું! મારા મિત્રો તો એની મજાક કરતાં હતાં કે, દેવાંશુએ લખીને ડસ્ટબીનમાં નાખ્યું હશે એ લખીને નહોતું મોકલ્યુંને....’ જો કે પછી તરત જ કહે છે કે, સોનલ સારું લખી જાણે છે. પણ એ લખતી નથી. થોડાં સમય પહેલાં કોલમનિસ્ટ અને ભાવનગરના એડવોકેટ પ્રતિભા ઠક્કરે સો શબ્દોની વાર્તાની સ્પર્ધા રાખી હતી એમાં સોનલને ઈનામ મળ્યું હતું.
હાસ્યની વાત આ રોજબરોજની જિંદગીમાંથી આવે છે એવું સોનલબેન કહે છે, ‘જુઓ, આ ઈનામની વાત કરતા પણ એ કેવી રીતે બોલવા લાગ્યો. આવું જ કંઈક છે અમારી નોર્મલ જિંદગીમાં. કંઈ ખાવાનું આપું તો મારે ધ્યાન રાખવું પડે. જેમ કે ખારી આપું તો ખાતા ખાતા એટલું બધું વેરાય કે મારે તરત જ બીજી ડીશ આપવી પડે. ખારી શીંગ આપું ત્યારે પણ સેમ પ્રોબ્લેમ. ફોતરાં ઉડીને આખા ઘરમાં વેરાઈ જાય. સંતરું આપું તો એના બી માટે અલગથી ડીશ આપવી પડે. આ તમામ વાત એણે એક લેખમાં વણી લીધી. જે લેખ આજે પણ મને સૌથી વધુ ગમે છે. પિયરગત પત્નીને પત્ર. એ લેખ વાંચીને હું એટલી હસી કે મેં એને કહ્યું ખરેખર તે જે ફીલિંગ લખી છે એવું જ મને થાય છે. એના છસોથી વધુ લેખ પ્રકાશિત થઈ ચૂક્યા હશે પણ આ લેખ સૌથી સરસ છે.’
લખવાની શરૂઆત વિશે દેવાંશુભાઈ કહે છે, ’2006ની સાલમાં હું અમેરિકા ભણવા માટે ગયો. સુરતમાં રહેતો હતો ત્યારે ક્રિએટિવ લોકોને મળવાનું થતું અને લખાતું ગયું. 1995માં માતા-પિતાની તબિયત નરમ રહેવા માંડી એટલે અમે અમદાવાદ સ્થાયી થઈ ગયાં.. એ પછી લગભગ નવ-દસ વર્ષ સુધી મેં કંઈ ખાસ લખ્યું જ નહીં. અમેરિકા ગયો ત્યાં તો મેં રહેવા માટે એપાર્ટમેન્ટ લઈ લીધું હતું. શુક્રવારે બપોરે કૉલેજ પૂરી થાય તો સોમવારની સવાર સુધી હું એકલો જ હોઉં. આ દિવસોમાં જ ત્યાં ઓરકુટ શરૂ થયું. એમાં મેં એકાઉન્ટ બનાવ્યું અને લખવાનું શરૂ કર્યું. સુરતમાં કવિતા અને ગઝલ લખતો ત્યારે મેં અધીર તખ્ખલુસ રાખેલું. મરીઝ અને અધીરની એકસરખી માત્રાને કારણે આ ઉપનામ ધારણ કરેલું. અધીરના નામે મારે વેબસાઈટ જોઈતી હતી પણ એ મને મળી નહીં. આથી સાથે લગાવી દીધું અમદાવાદી. અને મારું નામ થઈ ગયું અધીર અમદાવાદી. એકલો રહેતો હતો. બ્રોડબેન્ડ કનેકશન હતું અને ઓરકુટ જેવું માધ્યમ હતું. મેં બ્લોગ લખવાનું શરૂ કર્યું. એ બ્લોગ ઉપર મારા જ જૂના આર્ટિકલ ટાઇપ કરીને મૂક્યાં. જ્યારે કોઈ બ્લોગસ્પોટ પર ખાસ બ્લોગ ન લખતું ત્યારે મેં લખવાનું શરૂ કરી દીધું હતું. વળી નવું નવું યુનિકોડ ગુજરાતી પણ આવેલું તેનાથી મારું કામ બહુ સરળ બની ગયું.
સૌથી પહેલાં મેં મુકુલ ચોકસીની પ્રખ્યાત કૃતિ સજનવાની પેરોડી લખી હતી. એ પેરોડી 2003ની સાલમાં હું અમેરિકા ભણવા ગયો એ પહેલા ‘દિવ્ય ભાસ્કર’માં છપાઈ હતી. એ પછી મારા સિલેક્ટેડ હાસ્ય લેખોની ફાઇલ બનાવીને તમામ જાણીતા અખબારોમાં હું આપી આવ્યો. પણ કોઈએ એની સામું જોવાની પણ તસદી ન લીધી. અહીં ઓરકુટ ઉપર લખીને મૂકતો એના જબરદસ્ત રિસ્પોન્સ મળવા લાગ્યા. ગઝલમાંથી હઝલ પર હાથ અજમાવ્યો. વાચકોને એ ગમવા લાગ્યું. ઓરકુટ ઉપર અમે કચરા કવિ સંમેલન ચલાવતા એમાં બધાંને બહુ મજા આવવા લાગી.
ભારત આવીને પછી લેખન પાછું ભૂલાઈ ગયું. 2010ની સાલમાં અધીર અમદાવાદીના નામે પ્રોફાઇલ બનાવ્યો. એપ્રિલમાં પેજ બનાવ્યું અને જૂનમાં તો ફેસબુકે એ પેજ વેરીફાઇ કરી દીધું. હું પહેલો ગુજરાતી લેખક છું જેનું પેજ ફેસબુકે વેરીફાઇ કર્યું હોય. એ દિવસોમાં ઓક્ટોપસે ફૂટબોલ વર્લ્ડકપની આગાહીઓ કરવા માંડી હતી. મેં પ્રોફાઈલમાં ગધેડો રાખેલો. એ ગધેડો પણ આગાહીઓ કરતો.
એ પછી પત્નીને ખુશ રાખવાના 101 ઉપાયો શરૂ કર્યાં. આ વન લાઇનર બહુ હિટ ગયાં. આ જ દિવસોમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ એક વખત કહેલું કે, કૉમન વેલ્થ ગેમને હું અમદાવાદમાં લઈ આવીશ. એ પછી મેં કલ્પનાઓના ઘોડા દોડાવ્યાં અને જો કૉમન વેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાય તો કેવી કેવી રેસ હોય અને કેવા કેવા પરિણામો આવે એની વાતો લેખમાળા સ્વરૂપે ફેસબુક પેજ પર મૂકી. લોકોએ આ લેખોને વધાવ્યાં.’
પત્નીને ખુશ કરવાના ઉપાયો તમારી માથે કોઈવાર અજમાવે? સોનલબેન હસીને ના પાડે છે.
તમે મજામાં ન હો કે મૂડ ન હોય તો તમને હસાવે?
સોનલબેન કહે છે, ‘દેવાંશુનું લેખન અને વ્યક્તિત્વ તદન જુદી જુદી બાબતો છે. જેમ એ કૉલેજમાં કડક અને શિસ્તબદ્ધ પ્રોફેસરની છાપ ધરાવે છે એમ ઘરમાં પણ એ મનમાં આવતા વિચારો વ્યક્ત કરીને હસાવે એવું ભાગ્યે જ બને છે. હા, મારી અને પ્રતીતિની વાતમાં કોઈવાર એ પોતાને ગમતી લાઇન પકડી લે ખરો. એ પછી લેખ સ્વરૂપે આવે ત્યારે છેક અમને ખબર પડે. જનરલી એ સાંજના સમયે કૉલેજથી આવીને સોશિયલ મીડિયા પર અપડેટ્સ જાણવા બેસી જાય. એ પછી કંઈને કંઈ લખતો હોય. મને એટલી ખબર હોય કે એને ક્યારે શું જોશે એ હું આપી દઉં. વળી, કોઈ અવાજ થતો હોય, ટીવી ચાલુ હોય તો એને બહુ ખલેલ નથી પહોંચતી. લખતા લખતા એ બ્રેક લઈને ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ જોવા પણ બેસી જાય.
હા, એક વાતનું ધ્યાન રાખું કે રવિવારની સવારે અને સોમવારે હું કોઈ મહેમાનને ઘરે આવવા ન કહું. રવિવારે પરિવારમાં કોઈ સામાજિક પ્રસંગ હોય તો પણ હું જવાનું પ્રોમિસ ન આપું. શનિવારની સાંજ, રવિ અને સોમવારની સવાર એટલે દેવાંશુનો લખવાનો સમય. એ સમયમાં હું હંમેશાં ધ્યાન રાખું કે એનું લખવાનું કંઈ બગડે નહીં.
લખવાના કોઈ વિષયો અંગે અમારે ચર્ચા નથી થતી. એ માટે એ મોટાભાઈ રક્ષિતભાઈ સાથે વાતો કરે અને સોશિયલ મીડિયા દ્વારા પણ સંપર્કમાં રહે. છપાઈને આવે ત્યારે જ મોટાભાગે હું વાંચું છું. વાંચીને ઓપિનિયન આપું. કોઈવાર મજા આવે કે કોઈવાર લેખ ફ્લેટ જતો હોય તો હું નિખાલસાથી કહી દઉં કે આ જામ્યું નહીં. આટલા સમયમાં એ ભાગ્યે જ ડેડલાઇન ચૂક્યો હશે.
દીકરી પ્રતીતિ ઇન્ટીરિયર ડિઝાઇનિંગમાં ભણે છે. એ ક્લાસમાંથી કંઈ ઓબ્ઝર્વેશન લઈને આવે કે પછી અમે સાથે ક્યાંય જતાં હોઈએ તો કોઈ બોર્ડ ધ્યાનમાં આવે તો પ્રતીતિ તરત જ દેવાંશુનું ધ્યાન દોરશે કે પપ્પા આ જુઓ કંઈક જુદું છે. દેવાંશુના વન લાઇનર પ્રતીતિને બહુ ગમે છે. લેખ કોઈવાર ચૂકી જાય પણ અધીર ન્યૂઝ નેટવર્ક કે સંત અધીરેશ્વર તો પ્રતીતિ કોઈ દિવસ ન ચૂકે. અને અભિપ્રાય આપવાનું તો ક્યારેય નથી ભૂલતી.’
અત્યારે ‘નવગુજરાત સમય’ દૈનિકમાં કટિંગ વીથ અધીર-બધીર અમદાવાદી કૉલમ દર બુધવારે પ્રકાશિત થાય છે. બંને ભાઈઓ મળીને આ કૉલમ લખે છે. એ લેખનશૈલીની વાત પણ જરા નિરાળી છે. સબજેક્ટ સિલેક્શન અને બાંધણુ દેવાંશુભાઈ કહે અને પછી બીજા મુદ્દાઓ તથા લગભગ અડધો લેખ લખીને એ મોટાભાઈ રક્ષિત પંડિત- બધીર અમદાવાદીને મોકલે. રક્ષિતભાઈ એ લેખને પૂરો કરે. જરૂરી સુધારા વધારા કરીને ફરી દેવાંશુભાઈને મોકલે. દેવાંશુભાઈ ફરી એને ટચ આપે અને ફાઇનલ કરીને અખબારમાં મોકલે.
એક લેખ ઘણીવાર એક બેઠકે લખાય તો કોઈ વાર ફક્ત હેડિંગ આપીને પછી બીજે –ત્રીજે દિવસે લેખ લખાય. એક સાથે અખબારમાં બે-બે કૉલમ લખવાની આવતી ત્યારે વધુ મહેનત કરવી પડતી. દેવાંશુભાઈ કહે છે, ‘એ દિવસોમાં મારું પીએચ.ડીનું કામ પણ પૂર જોશમાં ચાલતું હતું. આથી મારા માટે બહુ અઘરું હતું. આખો દિવસ કૉલેજમાં જોબ પછી પીએચ.ડીનું લખવાનું અને બે લેખો પણ લખવાના. ત્યારે કોઈવાર હાસ્ય લેખ લખવાની જવાબદારી વધી જતી.
જો કે મેં કોઈ દિવસ લેખક બનવા માટે લખ્યું જ ન હતું. અધીર અમદાવાદીના પેજ પર મારું લખાણ જોઈને 2010ની સાલમાં ‘મુંબઈ સમાચાર’ના એડિટર પીંકી દલાલનો ફોન આવ્યો. એમણે મારી કૉલમ શરૂ કરી ‘લાતની લાત અને વાતની વાત’ પૂર્તિમાં બીજા લેખકોની લેખ સાથે તસવીર આવતી અને મારી તસવીરમાં ગધેડો આવતો. આ કૉલમ પાંચ વર્ષ ચાલી અને સારી પોપ્યુલર થઈ. એ પછી ‘અભિયાન’ સાપ્તાહિક અને ‘સંદેશ’ દૈનિકમાં લખ્યું. ‘સંદેશ’ની સંસ્કાર પૂર્તિમાં ‘લોલમLOL’ કૉલમ આવતી એમાં S-બકા મતલબ કે ડબકાં શાયરી લખતો. એ બકા શાયરી લોકોને બહુ ગમવા લાગી. સજનવા, બકા શાયરી, પત્નીને રાજી રાખવાના ઉપાયો અને જાણીતી કૃતિઓની પેરોડી લોકોને ગમવા માંડી. સોશિયલ મીડિયા પર જે ટ્રેન્ડ ચાલતો હોય એ ટ્રેન્ડને અનુરૂપ કંઈને કંઈ આપવાની કોશિશ કરતો રહું છું. કોર્પોરેશન પરનો કટાક્ષ મુનસીટાપલી શબ્દ વાપરીને લખે ત્યારે લોકો બહુ અપ્રિશિયેટ કરે છે. જમરુખ સાથે કંઈ શાહરુખની વાત વણી લઉં તો એના ફેન અને વિરોધીઓ વચ્ચે ટપાટપી થઈ જાય છે. એક સમયે સોશિયલ મીડિયા પર સુવાક્યોનો બહુ મારો ચાલતો એના પરથી સંત અધીરેશ્વર શરૂ કર્યું. એક વખત હું સુરત કે મુંબઈથી અમદાવાદ આવી રહ્યો હતો. મણીનગર અને કાલુપુર વચ્ચે અડધો કલાક ટ્રેન રોકાઈ ગઈ. એ અડધો કલાકના ત્રાસ દાયક સમયમાં મનમાંથી નીકળી ગયું કે, સાલું આટલું નજીક હોય અને ટ્રેનમાંથી ઉતરી ન શકાય ત્યારે લાગી આવે.... બસ, સાલું લાગી આવે સિરીઝ લોકોને ગમી અને ચાલુ થઈ ગઈ.’
આજે તો ડૉ.રઈશ મનીઆર સાથે સ્ટેજ ઉપર વાતચીતના ટોનમાં સંવાદો રજૂ કરે ત્યારે એ સૌથી વધુ હિટ જાય છે. સ્ટેજ આર્ટિસ્ટ કલ્પના મનોજ શાહ જ્યારે સ્ટેજ ઉપર કમરાભાભીનો બરાપો ભજવે ત્યારે લોકોની દાદ મેળવે છે. દેવાંશુ પંડિત પોતે શિક્ષણ સાથે સંકળાયેલાં છે એટલે ટાઇમિંગની બાબતમાં બહુ પરફેક્ટ છે.
સોનલબેન કહે છે, ‘સ્ટેજ ઉપર એને સમય આપ્યો હોય એ ગાળામાં શું વાતો કહેવી, કેવી રીતે કહેવી એનું અમે ત્રણેય ડિસ્કશન કરીએ. રિહર્સલ પણ થાય. પ્રતીતિ સમય કેટલો થયો અને કેટલી મિનિટ સાંભળવાની મજા આવી એનો ફીડબેક આપે. હું ધ્યાન દોરું કે, ક્યા કાર્યક્રમમાં ક્યારે શું બોલવાથી લોકોએ દાદ આપી હતી અને કઈ વાત ઉપરથી ગઈ હતી. જે છે એમાંથી બેસ્ટ લોકો સુધી પહોંચાડવાનું એ જ અમારું ટીમ વર્ક રહે છે. ‘’
આ પરિવારમાં બે સગાં ભાઈઓ એક જ કૉલમ લખે છે. બધાં સાથે મળે ત્યારે અનેક વાતો અને ચર્ચાઓ થાય છે. લેખન અને વાચનની વાતોમાં અને ઘરના સભ્યોના શાર્પ ઓબ્ઝર્વેશનને આ ત્રણેય ભાઈઓના પરિવારજનો એટલી સહજતાથી શેર કરે છે કે, અધીર-બધીર અમદાવાદી આ વાતને પોતાની લેખનશૈલીમાં આસાનીથી વણી લે છે.
જ્યોતિન્દ્ર દવે, તારક મહેતા, રમણભાઈ નીલકંઠ, અશોક દવે, બાબુભાઈ વ્યાસ, નિરંજન ત્રિવેદી, વિનોદ ભટ્ટ આ તમામ લેખકોને એમણે બહુ જ વાંચ્યા છે. મુલાકાતને અંતે દેવાંશુ પંડિત કહે છે, ‘જ્યારે પહેલી વખત વિનોદ ભટ્ટે કહ્યું હતું કે, હવે તમારે સંભાળવાનું છે... ત્યારે હાસ્ય લેખો પ્રત્યે મારી જવાબદારી બહુ વધી ગઈ હોય એવું લાગ્યું. અને હું વધુ એલર્ટ થઈને વાચકોને વાંચીને થોડુંકેય સ્ટ્રેસ બસ્ટર લાગે એનું ધ્યાન રાખું છું.’
સોનલબેન કહે છે,’દેવાંશુની જ લખેલી પંક્તિ એની ઉપર પરફેક્ટ ફીટ થાય છે.સળગતો શશી છું,
ને ઠરેલ કવિ છું
ઈંટ- પથ્થરોમાં જીવનાર
હું એક નાજુક કવિ છું...
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર