મન-દુરસ્તી અને માઇન્ડ મૅટરની મજેદાર વાતો સોનલ પ્રશાંત ભીમાણી સંગ

31 Aug, 2017
12:05 AM

જ્યોતિ ઉનડકટ

PC: khabarchhe.com

પિતા મનોચિકિત્સક હોય અને દીકરી પણ સાઇકોલૉજીનો અભ્યાસ કરતી હોય, પિતા-પુત્રી બંને માનવીય સંવેદના અને વેદના ઉપર સાઇકોલૉજીના વિષય પર લખતાં હોય એ ઘરમાં આ બંને સાથે જોડાયેલો એક કૉમન સંબંધ એટલે એ દીકરીની માતા અને માનસ ચિકિત્સકની પત્ની. આજે એમની સોનલ પ્રશાંત ભીમાણીની મુલાકાત લઈને આવ્યા છીએ.

બાપ-દીકરી બંનેની અલમોસ્ટ સરખાં વિષયમાં વ્યક્ત થવાની આવડત હોય ત્યારે ઘરમાં કેવો માહોલ સર્જાતો હશે? શું આ બાપ-દીકરી વિષયોની ચર્ચા કરતાં હશે કે દલીલ? કોઈ વાતે ઓપિનિયન અલગ-અલગ પડે કોનું ચાલતું હશે? શું આ બાપ-દીકરી એકબીજાંના લેખો વાંચીને એકબીજાંના મત સ્વીકારી શકતા હશે? આ અને આવા અનેક સવાલોનો જવાબ આજે શોધવાની કોશિશ કરી છે. 

'સર્જકના સાથીદાર'ની સિરીઝમાં બાપ-દીકરી બંને કૉલમિસ્ટ હોય એવો આ પહેલો બનાવ છે. દીકરીના સર્જનના સાથીદાર પિતા અને માતા બંને ખરાં. આ પિતા-પુત્રીની જોડી છે ડૉક્ટર પ્રશાંત ભીમાણી અને એમની દીકરી ઉત્સવીની. પ્રશાંતભાઈના પત્ની સોનલબેન બહુ નિખાલસાપૂર્વક કહે છે કે, ''એ બંને પોતપોતાના લેખોની ચર્ચા કરતાં હોય ત્યારે હું થોડીવાર એમની સાથે બેસું પછી એ ચર્ચા જો દલીલોમાં પલટાઈ જાય એટલે હું રૂમની બહાર નીકળી જાઉં.'' દીકરી અને પતિ બંનેના લેખો વાંચે અને બેધડક ઓપિનિયન આપવાનું સોનલબેન કોઈ દિવસ નથી ચૂકતા. 

ડૉક્ટર પ્રશાંત ભીમાણી મન દુરસ્તી નામની કૉલમ બારેક વર્ષથી 'દિવ્ય ભાસ્કર'ની કળશ પૂર્તિમાં લખે છે જ્યારે તેમની દીકરી ઉત્સવી ભીમાણી માઇન્ડ મેટર્સ નામની કૉલમ 'નવ ગુજરાત સમય'ની શનિવારની ફેમિના પૂર્તિમાં બે વર્ષથી લખે છે. 

પ્રશાંત ભીમાણી જ્યારે ભણતા હતા ત્યારે તો તેમને આર્કિટેક્ટ કે ન્યૂરો સર્જન થવું હતું પણ તેઓ ભણ્યાં બીએએમએસ. એ પછી તેમના રસના વિષય સાઇકોલૉજીમાં તેઓ બહુ ઊંડા ઊતર્યા. સાઇકોલૉજીમાં પોસ્ટ ગ્રેજ્યુએટનું ભણ્યા. ક્લિનિકલ સાઇકોલૉજીમાં આખી ગુજરાત યુનિવર્સિટીમાં ગોલ્ડ મેડલ જીત્યા અને ફર્સ્ટ આવ્યા. ડિપ્લોમા ઇન કૉમ્યુનિટી સાઇકોલૉજીમાં પણ પહેલા નંબરે પાસ થયા. ઇફેક્ટ ઑફ આર્યુવેદિક મેડિસીન બ્રાહ્મી એન્ડ હિપ્નોસીસ ઓન એન્કઝાઇટી પર તેમણે પી.એચ.ડી કર્યું. પોતે મેડિકલી માનવીના શરીરને સમજી લીધું છે હવે માનવીના મનને સમજવું છે એમ વિચારીને તેમણે સાઇકોલૉજીની લાઈન પસંદ કરી. એમના પિતા અને સાઇકોલૉજીના પ્રોફેસર પી. ટી. ભીમાણી ભારતમાં હિપ્નોસીસના પાયોનિયર છે. લગભગ ઓગણીસ વર્ષની ઉંમરથી મતલબ કે બહુ નાની ઉંમરથી પ્રશાંતભાઈ પિતા સાથે હિપ્નોટિઝમના સેમિનારમાં અને કાર્યક્રમોમાં જતાં. આજે તેઓ પોતે એકલાં હિપ્નોટિઝમ પર પ્રયોગાત્મક શોઝ કરે છે. પ્રશાંતભાઈ જે પ્રકારે કાર્યક્રમો કરે છે એ રીતે ભાગ્યે જ કોઈ હિપ્નોટિઝમ જેવા નાજુક વિષય પર કાર્યક્રમો કરતું હશે. 

અમદાવાદની જીએલએસ કૉલેજ, એલ.જે. કૉલેજ, એલ.ડી.આર્ટ્સ કૉલજમાં સ્નાતકો અને અનુસ્નાતકોને ક્લિનિકલ સાઇકોલૉજી ભણાવવા જાય છે. સૌથી અઘરું છે એબ્નોર્મલ સાઇકોલૉજી ભણાવવું, એ ભણાવવાનું બીડું પણ પ્રશાંત ભીમાણીએ ઝડપ્યું છે. તેમના ક્લિનિક હેલ્ધી માઇન્ડઝને બેસ્ટ ક્લિનિકનો એવૉર્ડ પણ મળી ચૂક્યો છે. આ ક્લિનિક તમને એકેય એંગલથી ક્લિનિક નથી લાગે તેવું. ત્યાં પુસ્તકો અને વાચન સામગ્રી પડી હોય અને બેસવાની ખુરશી પણ જાણે તમે કોઈના ઘરે આવ્યાં હોય એ પ્રકારે ડિઝાઇન કરેલી છે. ક્લિનિકની દિવાલોના કુલ કલર્સ તમને આકર્ષે તેવા છે. શિરોધરા ટ્રીટમેન્ટ, કાઉન્સેલિંગ અને પેશન્ટ્સ સાથે વાતો કરવા માટે અહીં ડૉક્ટર અને પેશન્ટ વચ્ચે ટેબલ-ખુરશી નહીં પણ સોફ્ટ અને કમ્ફર્ટેબલ સોફા છે. તેમનું હેલ્ધી માઇન્ડ્સ અમદાવાદથી આગળ હવે છેલ્લાં બે મહિનાથી મુંબઈમાં પણ શરૂ થયું છે.

માણસની સાઇકીને બખૂબી સમજતા આ ડૉક્ટર લેખન તરફ કેવી રીતે વળ્યા? 

પ્રશાંતભાઈ કહે છે, ''સાઇકોલૉજીના વિષયને લગતી વાત હોય કે લોકોની સાઇકીની વાત હોય ત્યારે 'દિવ્ય ભાસ્કર' દૈનિકના વૃંદા મનજીત મારો ક્વોટ લેતાં. ક્લિનિકલી આખી વાત કહીને હું મારી વાતને રજૂ કરતો. એક વખત બોલિવૂડની કોઈ સેલિબ્રિટીના મૅરેજ હતા. એ યુગલની બોડી લેંગ્વેજ વાંચીને એનાલિસિસ કરીને મેં મારી વાત કહેલી. આ જોઈને તેર વર્ષ પહેલા 'દિવ્ય ભાસ્કર'ના મેગેઝીનના સંપાદક અને હાલ દિવ્ય ભાસ્કર ડિજિટલના એડિટર, મનીષ મહેતાએ મારો કર્યો. મને લખવા માટે કહ્યું. મેં ચાર-પાંચ આર્ટિકલ ટ્રાયલ માટે લખીને મોકલ્યા. મન-દુરસ્તી નામની કૉલમ શરૂ થઈ. 

નાનો હતો ત્યારે મેં સુશાંત નામના પાત્ર સાથે વાર્તા લખી હતી. કવિતાઓ પણ લખી હતી. જો કે પ્રેમ ઉપર બહુ ઓછી કવિતાઓ લખી છે મેં. અરવિંદ અડીગાની લખેલી અને બુકર પ્રાઇઝ વિનર એવી બુક 'ધ વ્હાઇટ ટાઇગર'નો અનુવાદ મેં કર્યો છે. જેમાં ભારત અને ઇન્ડિયા વચ્ચેના ભેદની વાતને બહુ સહજ રીતે વણી લેવાઈ છે. આ બુકનું વિમોચન વિખ્યાત નાટ્ય કલાકાર સિદ્ધાર્થ રાંદેરિયા અને બહુ જ જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈદ્યે કર્યું હતું. 

નેચર, ફિલોસોફી અને સ્પિરિચ્યુઆલિટી મુખ્ય પસંદગીની વાતો રહી છે. માનવીય સંબંધો અને એમાં થતાં સવાલો વિશે લખું છું. લોકોના મનમાંથી માનસિક વિકૃતિ અને સામાજિક સંકોચ દૂર થાય એની સાદી ભાષામાં સમજ આપવાની કોશિશ કરું છું. દરેક વાત અને સવાલ સાથે સાયન્ટિફિક બૅકગ્રાઉન્ડ, દાખલા, દલીલો આપીને હું મારી વાત સમજાવું છું. 

લેખ લખતાં પહેલાના દિવસોમાં મનમાં એક વિચાર તો ઘૂમતો જ રહે છે. હંમેશાં ડેડલાઇન પહેલાં મારો લેખ સંપાદક પાસે પહોંચી જ જાય. મોટાભાગે ક્લિનિક પર જ લખું. એક જ બેઠકે લખું. મારો લેખ સૌથી પહેલાં મારો કમ્પોઝીટર વાંચે છે. લેખ વાંચીને એ ઘણી વખત અભિપ્રાય આપે. એનો ઓપિનિયન પણ મારા માટે મહત્ત્વનો છે. એને કંઈ ન ગમે તો પણ એ વાત એ મારી સાથે શેર કરે. લખવાની મજા ન આવે ત્યારે હું વિષય બહારનું નથી લખતો. વિષય અને મારી કૉલમના ફોર્મેટને વળગી રહું છું. રસ્વ, દીર્ઘની ભૂલો કે જોડણીની ભૂલો સાથેની મારી કોપી હોય જ નહીં. 

એકાદ વખત મારો ઇ મેલ પૂર્તિ સંભાળતી વ્યક્તિનો નહોતો મળ્યો કે કોઈ ગરબડ થયેલી ત્યારે મને ફોન આવ્યો કે, તમારો લેખ ક્યાં? ત્યારે હું જિમ કોરબેટ નેશનલ પાર્ક ફરવા ગયેલો. ત્યારે ફરવાનું પડતું મૂકીને ક્યાંકથી કાગળનો વેંત કર્યો અને નદી કિનારે બેસીને લેખ લખ્યો. એક વખત અમેરિકાના મિનિસોટા સ્ટેટના મિનિયાપોલીસથી લેખ ફોન ઉપર મારા કમ્પોઝીટરને લખાવ્યો હતો.''

પોતાના ફિલ્ડમાં આવેલી ક્રાંતિ અને જાગૃત્તિ વિશે ડૉ. પ્રશાંત ભીમાણી કહે છે,''અગાઉના સમયમાં માનસિક રોગ એટલે ફક્ત સ્કીઝોફનિયા જ ગણાતો. માનસ ચિકિત્સક પાસે ગાંડા લોકો જ જાય એવી છાપ હતી. જે હવે ધીરે-ધીરે ભૂંસાઈ રહી છે. લોકો એવું સમજે છે કે, ગાંડપણ હોય એ જ સાઇકોલૉજિસ્ટ પાસે જાય આ માન્યતા દૂર કરવા માટે હું તમામ પ્રકારના પ્રયત્નો કરતો રહું છું.''

પ્રશાંત ભીમાણીના હેલ્ધી માઇન્ડસ ક્લિનિક પર એમના પત્ની સોનલબેન ઍડ્મિનિસ્ટ્રેશન સંભાળે છે. દીકરી ઉત્સવી પણ ક્લિનિકલ સાઇકોલૉજીનો અભ્યાસ કરીને કાઉન્સેલીંગના સેશન લે છે. જો કે એ હવે અમેરિકા અભ્યાસ કરવા માટે આવી ગઈ છે. જ્યારે તે પિતાના ક્લિનિકમાં કામ કરતી હતી ત્યારે તે, મુખ્યત્વે યંગસ્ટર્સને થતાં પ્રોબ્લેમ્સ વિશે ઉત્સવી વધુ કાર્યરત રહેતી. સોનલબેન કહે છે, ''પ્રશાંતને ઘણી વખત એના પેશન્ટ્સની સાઇકી અને કેસ પરથી લખવાનો વિષય મળી રહે છે. કોઈ સ્ત્રીના કેસની વાત હોય તો એ લેખ લખે એ પહેલાં અમારે અચૂક ચર્ચા થાય. હું એને કહું પણ ખરા કે, સ્ત્રીની ફીલિંગ આ પ્રકારે અમુક રીતની હોય જે એને લખાણમાં બહુ મદદરૂપ બને છે. પ્રશાંતનો લેખ છપાઈ જાય પછી હું વાંચું છું. ઉત્સવીનો લેખ પણ છપાઈ ગયા પછી મારા હાથમાં આવે. અમારા ડ્રોઇંગ રૂમના ટેબલના ડ્રોઅરમાં બંને બાપ-દીકરી પોતાનો છપાયેલો લેખ મારા વાંચવા માટે યાદ કરીને રાખી દે છે. આટલાં વરસથી પ્રશાંત લખે છે એટલે એની ડેડલાઇનની મને ખબર હોય જ. એને લખવાનું હોય એ દિવસે ચિંતા થાય એવી વાતો કરવાનું ટાળું. પ્રશાંત પોતે એક બહુ સરસ કાઉન્સેલર છે એટલે હું કોઈ વખત ડિસ્ટર્બ હોઉં તો પણ એની સાથે ચર્ચા કરું. એનાથી પણ કોઈ વાતે મતભેદ થયા હોય તો પણ મને પ્રશાંત જ જોઈએ. ખુશ હોઉં તો પણ પ્રશાંત સાથે જ વાત શેર કરી શકું અને દુઃખી હોઉં તો પણ એની સાથે જ વાતો કરવા જોઈએ. પછી એ એની કોઈ વાતથી દુઃખી હોઉં તો પણ મારા માટે મારો બેસ્ટ કાઉન્સેલર એટલે પ્રશાંત.''

ક્લિનિકલ સાઇકોલૉજી ભણીને ઉત્સવી વધુ અભ્યાસ માટે અમેરિકા ગઈ છે. હવે તે અમેરિકાથી તેની કૉલમ લખીને મોકલવાની છે. નવ ગુજરાત સમયના એડિટર અજય ઉમટ સાથે ઉત્સવીને ચર્ચા થઈ અને લેખો લખવાની વાત આવી. ઉત્સવી કહે છે, ''મને લખવાનો જરા પણ અનુભવ ન હતો. પણ અજય અંકલે મારી ઉપર ભરોસો મૂક્યો અને લખવાનો ચાન્સ આપ્યો. શરૂઆતના ગાળામાં તો લેખના શબ્દો પણ પૂરા ન થતાં. લેખ લખું તો મને પોતાને જ વાંચીને મજા ન આવે એવું બને. મારો લેખ પણ યંગસ્ટર્સની સાઇકોલૉજીના અવલોકનો અને સમસ્યાઓ પરનો વધુ રહે છે. યંગ જનરેશન મતલબ કે મારી પેઢીના યુવક-યુવતીઓનું થિંકીંગ કેવું છે એ વિષયો પર મારો વધારે ઝુકાવ રહે છે. 

નાનપણથી મને અનેક સવાલો મનમાં થયે જ રાખતાં. જેમકે નવરાત્રિ આવે તો મને એમ થાય કે, આ સર્કલમાં જ કેમ ગરબા રમાય? આનો આકાર ત્રિકોણ કેમ ન હોય શકે? નવમા ધોરણમાં ભણતી હતી ત્યારે નેશનલ બુક ટ્રસ્ટે નેહા માય સિસ્ટર બુકનો ગુજરાતી અનુવાદ બુક સ્વરૂપે છાપ્યો હતો. સતતને સતત ઉટપટાંગ વિચારો અને સવાલોને કારણે મારી ક્યુરિયોસિટી અનેકગણી વધી ગઈ. અમારી જનરેશનનું ઑબ્ઝર્વેશન અને સોશિયલ મીડિયાને કારણે પડતી તકલીફો વગેરે મારી સામે જ થાય છે. એમાંથી કેટલુંક તો મારી સાથે પણ બનતું રહે છે. આથી આ પ્રકારના વિષયો અને એના ઉપર ક્લિનિકલ સાઇકોલૉજીસ્ટ તરીકેના મારા વિચારો લખું છું. એમાં મેડીકલી કંઈ સવાલો હોય તો ડેડી મારો એનસાઇકલોપિડીયા છે. મારો લેખ લખી લઉં પછી પહેલા વાચક મારા ડેડી. મારી વાત અને વિચારો સાથે સહમત ન હોય ત્યારે અમારે બહુ જ દલીલો થાય. બહુ જ હોટ ડિસ્કશન થાય. મેડીકલી કંઈ ખોટું જતું હોય તો ડેડીનું માનું પણ જો મારા વિચારોમાં કે મારી વાતમાં કે કહેવાની સ્ટાઇલમાં જો કંઈ ફેરફાર કરવાનું કહે તો હું એમાં એક શબ્દનો પણ ફેરફાર ન કરું. અમારા વિચારો તદ્દન અલગ-અલગ છે. ઇવોલ્યુશનરી સાઇકોલૉજી, રિલેશનશીપ પર લખવું મારો સૌથી વધુ ગમતો વિષય છે. હું ગમે ત્યાં લખી શકું. પણ મારો લેખ એક બેઠકે ન પૂરો થાય. બાર-તેર બેઠકે પૂરો થાય. મને સમય પણ વધુ જોઈએ છે. ''

મન-દુરસ્તી, હું અને તું, પોઝિટિવ પેરેન્ટીંગ જેવી ત્રણ બુક્સ ડૉક્ટર ભીમાણીએ લખી છે. તેઓ કહે છે, ''માણસની પોતાની સાઇકી બદલી રહી છે. સોસાયટીમાં બદલાવ પણ આવી રહ્યો છે. લેખને મને બહુ ઘડ્યો છે. પેશન્ટ્સમાંથી દર વખતે મને કંઈને કંઈ મળતું રહે છે. ઘરે આવીને કેટલાંક કેસીસ હું ડિસ્કસ કરું. નામો ન કહું. પણ અત્યારે સમાજમાં કેવાં પ્રકારના પ્રોબ્લેમ્સ થઈ રહ્યાં છે અને લોકોની જિંદગી ક્યાંથી ક્યાં જઈ રહી છે એની અમે સૌ ચર્ચા કરીએ. વાતો કરીએ. વિચારોની આપલે કરીએ. એમાં મારી નાની દીકરી વૈષ્ણવી પણ જોડાય. મુક્ત મનની ચર્ચા ઘણીવખત એક નવો જ દરવાજો ખોલી દે છે.''

પપ્પાની વાતો ધ્યાનથી સાંભળતી ઉત્સવી કહે છે, ''મમ્મીએ નવી નવી વાર્તાઓ નાનપણમાં સંભળાવી એનાથી ક્રિએટીવીટી ખીલી છે. અમે ભજન સાંભળીને મોટાં થયાં છીએ. પ્રૅક્ટિકલ સિંચન ડેડીએ કર્યું છે. આજે પણ કોઈ વખત મારો લેખ નબળો હોય તો એ છપાવા જાય એ પહેલાં મારા પહેલા રીડર એટલે કે મારા ડેડી મને સાચું કહે, બહુ સારો લેખ ન હોય તો બેધડક કહી દે રબિશ લખ્યું છે. સારું હોય તે બહુ વખાણ ન કરે પણ ખરાબ હોય તો બહુ જ ખીજાઈને મને તોડી પાડે.'' ઉત્સવી એની મિત્ર ધર્મજા પટેલને ખાસ યાદ કરીને કહે છે કે, ''દોસ્તી મારી તાકાત છે. ગુજરાતી નહીં વાંચી શકતા મારા મિત્રો માટે ઘણીવાર હું મારી કૉલમનું ઇન્ટ્રોડક્શન અંગ્રેજીમાં આપું છું. સાઇકોલૉજીને લગતી સાચી વાત લોકો સુધી પહોંચવી જ જોઈએ એવું હું માનું છું.''

ડો.ભીમાણી કહે છે, ''જો હું એનું નબળું ચલાવી લઉં તો તો હું એનો સારો શિક્ષક કે સારો રીડર ન કહેવાવ. જ્યારે પર્ફોમન્સની વાત આવે ત્યારે ગુરુ કડક જ હોવો જોઈએ. એમાં લાગણીવેડામાં નબળી વાત વાચકો સુધી ન પહોંચવી જોઈએ એ તકેદારી રાખવી જ પડે.'' 

ક્લિનિકલ સાઇકોલૉજિસ્ટ દીકરી અને મનોચિકિત્સક પિતાની આ જોડી પોતાના પેશન્ટ્સ અને લેખનને સૌથી વધુ મહત્ત્વના ગણે છે. લેખન અને કાઉન્સેલિંગ દ્વારા મન-દુરસ્તી અને માઇન્ડ મૅટર વધુ બેટર બને એની કોશિશ કરતા રહે છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.