ગદ્ય અને પદ્યનો મનમોહક સંગમ - હર્ષદ ત્રિવેદી અને બિંદુ ભટ્ટ
બંને વ્યક્તિઓ શબ્દોની દુનિયામાં જીવતાં હોય એ ઘરનો ધબકાર કેવો હશે? બંનેની ક્રિએટિવિટી એની જગ્યાએ ટોચ ઉપર હોય ત્યારે એ ઘરમાં કેવી વાતો થતી હશે? કદંબના ઝાડ પર પહેલીવાર ફૂલ આવે ત્યારે એ ઘરમાં ખીર બને અને એ ઝાડના ફૂલનો આનંદ એ દંપતીના ચહેરા પર દેખાતો હોય એ જ કેટલી અદ્ભુત કલ્પના છે... આવા જ યુગલની આજે મુલાકાત લઈને આવી છું.
ધોધમાર વરસતા વરસાદની સાંજે ગાંધીનગર નજીકના અમીયાપુર ગામે હું સુરતા બંગલાની બહાર ગાડી પાર્ક કરીને હજુ એ આંગણામાં પ્રવેશી રહી હતી કે, હર્ષદભાઈ ત્રિવેદીએ તાળીઓથી વધાવીને મારું સ્વાગત કર્યું. પચીસમી જુલાઈ આસપાસ આખા ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી હતી. પણ મુલાકાત ઠેલાતી ઠેલાતી નક્કી થયેલી એટલે મળવાનો મોકો જતો કરવો પાલવે એમ ન હતો.
આ મુલાકાતને યાદ કરતી એ મુદ્દાઓ ઉપર હું નજર મારી રહી છું. અત્યારે અમેરિકાના વોશિંગ્ટન ડીસીમાં બેઠાં બેઠાં આ લેખ લખી રહી છું. પોતાની ભાષા અને પોતાના શબ્દોની નજીક રહેવાનો આ મોકો રોમેરોમમાં આનંદ ભરી દે તેવો છે એવું લખું તો વધુ પડતું નથી.
બિંદુબેન ભટ્ટ અને હર્ષદભાઈ ત્રિવેદી આ યુગલ સાથે નામ અને લેખનની ઓળખાણ તો શબ્દોથી હતી જ. બંનેને જાહેર કાર્યક્રમોમાં પણ સાંભળ્યા છે. પણ નજીકની મુલાકાત કોઈ દિવસ બની ન શકી. સર્જકના સાથીદાર માટેની મુલાકાત લેવાની જ હતી. એ મુલાકાત નક્કી થાય એ પહેલાં અમે એરપોર્ટ પર મળી ગયાં. ચહેરાથી બંનેને ઓળખતી હોવા છતાં, બહુ શ્યોર ન હતી આથી સામેથી મળવા ન ગઈ. પણ ફલાઇટમાં બેસવાની લાઇનમાં વાર્તાકાર કિરીટ દૂધાત અને હર્ષદભાઈને વાત કરતાં સાંભળી ગઈ પછી તો જાણે વાતોનો ખજાનો ખૂલી ગયો. આ પહેલી મુલાકાત બાદ પચીસમી જુલાઈની સાંજે અમે મળ્યાં. સુદીર્ઘ મુલાકાત એકદમ શબ્દમય રહી. જો કે, આ યુગલ એ દિવસે દીકરા જયજિતની ચિંતા કરતા હતા. દીકરો અને વહુ ઝલક માઉન્ટ આબુના ભારે વરસાદમાં ફસાઈ ગયેલાં. મુલાકાત દરમિયાન અનેકવાર બિંદુબેન અને હર્ષદભાઈ દરવાજા ઉપર નજર જતી રહેતી હતી.
સંવેદનશીલ વ્યક્તિત્વ અને શબ્દોનો સંગમ થાય ત્યાં કંઈક આવું જ સર્જાતું હશે એવું લાગે. એકની પદ્યમાં હથોટી તો બીજાની ગદ્યમાં માસ્ટરી. એક વાત, વસ્તુ, વિચાર, વેદના, સંવેદનાને અલગ-અલગ રીતે જોવાની અનુભૂતિ પણ કેટલી જુદી હશે? એક કવિતાઓની પંક્તિમાં વ્યક્ત થાય તો બીજું નવલિકા કે વાર્તા સ્વરૂપે એ વાતને વર્ણવે. આ શબ્દોના સંગમની સફર માણવા જેવી છે.
બિંદુબેનને આપણે સૌ મીરાં યાજ્ઞિકની ડાયરી અને અખેપાતર પુસ્તકને કારણે ઓળખીએ છીએ. 'અખેપાતર'ને 2003ની સાલમાં દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. 'બાંધણી' નામનો વાર્તા સંગ્રહ પણ લોકોએ બહુ પસંદ કર્યો છે. હર્ષદભાઈનો પ્રોફાઇલ તો અનેક આયામો સાથેનો છે. હર્ષદભાઈએ બી.એ. અને એમ.એ. હિન્દી તથા ગુજરાતી બંને વિષયો સાથે કર્યું છે. ખાસ તો તેમણે ગુજરાત સાહિત્ય અકાદમીના 'શબ્દસૃષ્ટિ' માસિકનું તંત્રી પદ એમણે લાંબો સમય સુધી સંભાળ્યું, ગુજરાત સાહિત્ય અકાદમીમાં પ્રૂફ રીડર તરીકે તેમણે ફરજ બજાવી છે. કવિ, વાર્તા લેખક, ક્રિટિક એવા હર્ષદભાઈને કવિતામાં વ્યક્ત થવું વધુ ગમે છે. જો કે આજકાલ તેમનો ઝુકાવ વાર્તાઓ અને નવલિકા તરફ વધ્યો છે. તેમના એક ખાલી નાવ, રહી છે વાત અધૂરી, તારો અવાજ, ત્રિવેણી કાવ્ય સંગ્રહો અને જાળિયું નામનો વાર્તા સંગ્રહ પ્રકાશિત થયાં છે. ગુજરાતી કવિતાયન, સ્મરણલેખ, ગઝલશતક, 1998ની શ્રેષ્ઠ વાર્તાઓ, લાલિત્ય, વેદના એ તો વેદ, કાવ્યાસ્વાદ, રાજેન્દ્ર શાહના સોનેટ, અલંકૃતા, નવલકથા અને હું, ટૂંકીવાર્તા અને હું જેવા સંપાદનો તેમણે કર્યાં છે. તેમના અનેક પુસ્તકોના હિન્દીમાં પણ અનુવાદ થયા છે. તેમને જયંત પાઠક કવિતા પુરસ્કાર મળ્યો છે તેમજ કવિશ્વર દલપતરામ ઍવોર્ડથી તેમનું સન્માન થયું છે.
આ યુગલના મૂળિયા સુરેન્દ્રનગર જિલ્લા સાથે છે. હર્ષદભાઈ ખેરાલી ગામના છે અને બિંદુબેન કંથારીયા ગામના છે. બિંદુબેને અભ્યાસ લીંબડીથી કર્યો છે. એ પછી અમદાવાદમાં એચ. કે. આર્ટ્સ કૉલેજમાં તેઓ ભણ્યાં. ભાષા ભવનમાં એમ.એ. કર્યું. તેઓ ભણ્યાં હિન્દી, હિન્દી વિષય જ ભણાવ્યો પણ તેમનું લખાણ ગુજરાતીમાં પ્રકાશિત થયું. તેઓ પીએચ.ડી થયા છે. બિંદુબહેનના માર્ગદર્શન હેઠળ આઠ વિદ્યાર્થીઓએ પીએચ.ડી કર્યું છે. ઓક્ટોબર 2016માં તેઓ રિટાયર થયાં. એ સમયે એમની કરિયર અને સંસ્મરણો વિશેનું દળદાર પુસ્તકનું સંપાદન ડૉ. નિયાઝ પઠાણ, ડૉ. સુધા સિંહ અને ડૉ. જ્યોત્સના ગોસ્વામીએ બિન્દુ સે સિન્ધુ કી ઓર- ડૉ. બિન્દુ ભટ્ટ: વ્યક્તિત્વ એવં કૃતિત્વ ટાઇટલ સાથે કર્યું છે.
શબ્દોના સાથીઓની લવસ્ટોરી પણ મજા પડે તેવી છે. વાત એમ હતી કે, બિંદુબેન સુરેન્દ્રનગર નોકરી કરતા હતા. હર્ષદભાઈનો એક કોર્ટ કેસ સુરેન્દ્રનગરની કોર્ટમાં ચાલતો હતો. દીકરો જયજિત પણ પપ્પા સાથે કોઈવાર હોય. બિંદુબેન એ દિવસોને યાદ કરતાં કહે છે, "જયજિત શેરીમાં રમતો હોય પછી દોડતો મારા ઘરમાં ઘૂસી આવે. મને કહે, જે હોય તે જલદી ખાવા માટે આપી દો.... ફટાફટ ખાઈને પાછો રમવા જતો રહે." આ દિવસોમાં સાહિત્યની કોઈ બેઠક હોય કે ચર્ચા હોય તો બિંદુબેન અને હર્ષદભાઈ અનાયાસે મળી જતાં. આ બાજુ હર્ષદભાઈ પત્નીથી જુદાં પડ્યાં અને એમના સ્નેહીમિત્રોએ હર્ષદભાઈ અને બિંદુબેનને એકમેકનાં જીવનસાથી બનાવવા માટે કાને વાત નાખી. એ વાત હજુ ચાલતી જ હતી ત્યાં અચાનક એક દિવસ જયજિતે પિતા હર્ષદભાઈને કહ્યું, "પપ્પા, તમે બિંદુ આન્ટી સાથે લગ્ન કરી લોને...." બંને હૈયાની વાત એ માસૂમે પણ ઉકેલી નાખી.
આ બાજુ, બિંદુબેન અને હર્ષદભાઈએ એકબીજાંને સમય આપવાનું વિચાર્યું. જિંદગી પ્રત્યે કોનો કેવો અભિગમ છે, જિંદગી વિશેના વિચારો કેવા છે એ વિશે બંને કલાકો સુધી વાતો કરતાં રહેતાં. આ યુગલ ડેટિંગ માટે અમદાવાદના કાંકરિયા ઝૂમાં જતું હતું એવું એમણે મને કહ્યું. આ બહુ જ થોડા દિવસોમાં બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. સ્પર્શી જાય એવી વાત એ છે કે, બિંદુબેને જયજિતની જ માતા બનવાનું પસંદ કર્યું. એ કહે છે, મને રેડીમેડ દીકરો મળી ગયો છે.... આ વાતો કરતાં કરતાં આ યુગલ પોતાની યાદોમાં ખોવાઈ ગયું. એટલી નિખાલસતા અને પારદર્શિતા આ યુગલની વાતો અને આંખોમાં દેખાઈ આવી. વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા અને ક્રિએટિવિટીને ખૂલવા માટે મોકળું આકાશ અહીં જ વસે છે એવું લાગે.
બિંદુબેનની ક્રિએટિવિટીની વાતો કરીએ. બિંદુબહેને અભ્યાસ પૂરો કરીને સૌથી પહેલી નોકરી કેશોદ ગામમાં સ્વીકારી. સાવ છેવાડાના ગામમાં એકલાં રહેતાં. બિંદુબેન કહે છે, "1983ની સાલની વાત છે આ. હું એ દિવસોમાં ટિફિન મંગાવતી તો પણ લોકો વાતો કરતાં. વાચન-લેખન અને સાહિત્ય જ મારી દુનિયા હતી અને છે. આ સાહિત્યનો વારસો તો મને મારી બા કમળાબેનમાંથી મળ્યો છે. એ કરાચીમાં જન્મેલાં. કરાચીની લાઇબ્રેરીના કોઈ પાના પર જો હળદરનો ડાઘો મળી આવે તો અચૂક એ મારી બાના હાથમાં આવેલું અને વંચાયેલું પુસ્તક જ હશે. બા તો જાણે સાહિત્યનો શ્વાસ જ જીવતાં હતાં. મારી બીજી નવલકથા 'અખેપાતર'માં જે વાતો છે એના મૂળિયાં બાનાં સંસ્મરમણો સાથે જોડાયેલા છે. બાનાં હમઉમ્ર સગાં-વહાલાંઓ કે મિત્રો આવે ત્યારે વાતે વાતે કરાચી આવી જાય. નાનપણમાં ઘણી વખત એવું થઈ આવતું કે, આ લોકો શું બધાં ભેગાં મળે છે ત્યારે કરાચી કરાચી જ કરતાં હોય છે? પણ જ્યારે 'અખેપાતર' લખતી હતી ત્યારે મને સમજ પડી અને અનુભવાયું કે મારી અંદર કેટલું કરાચી જીવતું હતું.
એક વાચક પ્રજ્ઞાબેન અંતાણીએ તો એક દિવસ મને ફોન કર્યો કે, તમે જે વર્ણન કર્યું છે કરાચી એવું જ હતું. તમે કઈ સાલમાં કરાચી હતાં? જ્યારે મેં એમને કહ્યું કે, હું તો કોઈ દિવસ કરાચી નથી ગઈ ત્યારે એમને બહુ આશ્ચર્ય થયું હતું.
આ તો મારી બીજી નવલકથાની વાત થઈ. પહેલી નવલકથા પણ કંઈક જુદી રીતે જ લખાઈ હતી.
હું કેશોદ રહેતી ત્યારે ભોળાભાઈ પટેલ સાથે વાત કરતી. કોઈ વખત શું કરવું એ વિશે વાતો થતી ત્યારે ભોળાભાઈ મને કહેતા, બિંદુ બારીની બહાર જો, જે જુવે અને અનુભવે એ લખ." પછી તરત જ બહાર ધોધમાર વરસાદને કારણે જે ટીપાંનો અવાજ આવતો હતો એનું ઉદાહરણ આપીને બિંદુબેને કહ્યું કે, "આ ટીપાંને તમે કેવી રીતે લખી શકો. એવું કેવી રીતે લખો કે વાચકને પણ આ ટીપાંના અવાજની અનુભૂતિ થાય. પાંદડું વળેલું હોય તો એને કેવી રીતે શબ્દોમાં આલેખી શકાય? આ અને આવા કેટલાંય વિચારો અને ત્રણ-ચાર વર્ષનો વલોપાત 'મીરાં યાજ્ઞિકની ડાયરીમાં' ઊતર્યો છે. 1992માં એ પ્રકાશિત થઈ."
લખવા માટે શું જોઈએ? આ વિશે પૂછ્યું ત્યારે બિંદુબેન હસીને કહે છે, "મને સરસ્વતી રીઝતાં થોડીવાર લાગે છે. બાંધેલાં લોટમાંથી એક વખત રોટલી વણું, તોડું, ફરી ગોયણું બનાવું અને ફરી રોટલી બનાવું. મારી કૃતિનું સર્જન પણ આવી જ રીતે થાય. એક જ વાતના, પ્રકરણના બે કે ત્રણ ડ્રાફ્ટ બનાવું. કેશોદ નોકરી કરતી હતી એ પછી હું સુરેન્દ્રનગર જૉબ કરવા આવી. એ દિવસોમાં તો હું લખવા બેસતી ત્યારે બહારથી તાળું મારી દઉં અને અંદર મારી જાતને પૂરીને લખવા બેસું. મારી મોટીબેનને ખબર હોય કે, હું લખવા બેઠી છું. મને શાંતિ જોઈએ. રાતના ગાળામાં જ હું લખું. એવા મારા નિયમો હતાં. પણ 'અખેપાતર' જન્મભૂમિમાં છપાવવાની શરૂ થઈ તેમતેમ બિંદુબેનના બધાં નખરાં બંધ થઈ ગયાં. ડેડલાઇનને પહોંચી વળવા માટે આ નખરાં પોસાય તેમ ન હતાં....." આવી વાત કરીને તેઓ હસી પડ્યાં. ત્યારે હીંચકા પર બેઠેલા હર્ષદભાઈના ચહેરા પર મંદમંદ સ્મિત હતું.
'મીરાં યાજ્ઞિકની ડાયરી'ના સર્જન વિશે બિંદુબેન કહે છે,"ડાયરીના ફોર્મમાં નવલકથા લખાઈ હોય એવો આ પહેલો બનાવ હતો. ગુજરાતી સાહિત્યમાં મોસ્ટ રિવ્યુડ નૉવેલ રહી હોય તો મીરાં યાજ્ઞિકની ડાયરી છે. ગુજરાતી વિવેચકોમાં ભાગ્યે જ કોઈ એવું હશે જેમણે મીરાં યાજ્ઞિકની ડાયરીનું વિવેચન ન કર્યું હોય. ચંદ્રકાંત બક્ષી, બકુલ ટેલરથી માંડીને રઘુવીર ચૌધરીએ પણ લખ્યું છે. રઘુવીરભાઈને જ્યારે મેં પહેલો ડ્રાફ્ટ વાંચવા આપેલો ત્યારે એમણે કહેલું કે, સરસ લખાઈ છે બસ આમાં નાયિકાને થયેલાં લ્યુકોડર્મા વિશે લોકો તારી સરખામણી કરશે....જો કે મેં બધું જેમનું તેમ જ રહેવા દીધું."
બિંદુબેન કહે છે, "મીરાં યાજ્ઞિકની ડાયરી બહુ વખણાઈ. એ પછી અખેપાતર અને બાંધણી નામનો નવલિકા સંગ્રહ આવ્યો. પણ લોકો મારાં લખાણની સરખામણી કરીને કહે છે, ડાયરી જેવી મજા નથી. સાચી વાત એ છે કે, કોઈ સર્જકની કૃતિ કયા સમયે લોકો સુધી કે વાચકો સુધી પહોંચી એ બહુ જ મહત્ત્વનું છે. મેં બહુ જ સભાનતાપૂર્વક ડાયરીમાં પહેલાં પુરુષ એકવચનમાં લખ્યું છે. ગુજરાતી ભાષામાં આટલું પારદર્શી સાહિત્ય અગાઉ લખાયું નથી. વળી, આ લખ્યું એ પહેલાં હું વિવેચક રહી ચૂકી છું, અનુવાદક પણ રહી ચૂકી છું."
તમે ડાયરી લખો છો?
બિંદુબેન કહે છે, "અગાઉ લખતી હતી. હવે લખું ક્યારેક ન લખું."
'અખેપાતર'ની વાત આપણે અગાઉ કરી પણ એ વિશે બીજી અજાણી વાતો બિંદુબેને આપણી સાથે શેર કરી છે." મીરાં યાજ્ઞિકની ડાયરી પછી બીજું લખવાનું ઘણાં સમયે થયું. વળી, ડાયરી ફોર્મેટ લખ્યું પછી કંઈક જુદું લખવું જરૂરી હતું. એવું જ ફોર્મેટ લખું તો એવું લાગે કે, હું મારા જ ચાળા પાડું છું. બાની સાંભળેલી વાતો પરથી ભારત-પાકિસ્તાનના વિભાજનની ભૂમિ પર પાંગરતી ક્રિએટિવિટીનું સર્જન થયું.
વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં સાહિત્ય પરિષદની બેઠકમાં હું, દિલીપ રાણપુરા અને વીનેશ અંતાણી નવલકથાના સ્વરૂપ વિશે વક્તવ્ય આપવા ગયેલાં. એ વકત્વવ્યમાં હું અખેપાતર વિશે વાત કરતી હતી. આવો કોઈ વિચાર મનમાં રમી રહ્યો છે એવી વાત કહી. જેવું મેં મારું પ્રવચન પૂરું કર્યું કે, ઓડિયન્સમાં બેઠેલાં જન્મભૂમિ ગ્રૂપના તરુબેન કજારિયા મારી પાસે આવ્યાં. એમણે કહ્યું કે, આ નવલકથા હવે મારી.... તમે મને લખીને આપો. મેં કહ્યું કે, હજુ એક કાચો આઇડિયા મનમાં છે. જેના ફક્ત પાંચપાના લખ્યાં છે. તરુબેને કહ્યું કે, હું જાહેરાત છાપી દઈશ પછી તો તમારે લખવું જ પડશે. આ વાતને પણ ઘણો સમય થઈ ગયો. એ પછી મેં લખવાનું શરૂ કર્યું.
જેમજેમ લખતી ગઈ તેમતેમ એમાં ઊંડી ઊતરતી ગઈ. મને રાતના સમયે, એકાંતમાં લખવા જોઈતું. લખતી વખત કોઈ ડિસ્ટર્બન્સ ન ચાલે. પણ અખબારમાં ડેડલાઇન સાચવવાની હોય ત્યારે બિંદુબેનના આ બધાં જ લાડકોડ હવામાં ઊડી ગયાં. 1999ની સાલમાં છત્રીસ હપતામાં આ નવલકથા લખાઈ અને છપાઈ.
આ નવલકથાનું એકએક પાનું લખાતું જાય. હું હર્ષદને આપું. હર્ષદની જોડણી બહુ જ સરસ એટલે એ પાનાં પર જોડણીઓ સુધારે. કેટલીકવાર તો એવું બનતું કે હું લખું અને એ કોપી સુધારે પછી ઉતાવળે ઝેરોક્સ કરાવીને કુરિયર કરવા દોડતાં."
બિંદુબેનની આ કૃતિને 24 ડિસેમ્બર, 2003ના રોજ દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર ઘોષિત થયો એ દિવસની વાત પણ મજાની છે. એ દિવસે આ યુગલ મહુવામાં સાહિત્ય પરિષદના અધિવેશનમાં ગયેલું. ઘરેથી દીકરા જયજિતનો ફોન આવ્યો કે, પપ્પા, મમ્મીની બુકને ઍવોર્ડ મળ્યો છે. હર્ષદભાઈએ કહ્યું કે, પહેલાં પાકું કર. પછી ફરી ફોન કર. જયજિતે સમાચાર કન્ફર્મ કર્યાં અને પપ્પાને કહ્યાં. બિંદુબેનનો ફોનથી સંપર્ક થાય તેમ ન હતો. ભોજન સમારંભ ચાલતો હતો ત્યાં દૂરથી બિંદુબેન ચાલીને આવતાં હતાં ત્યારે મોટા અવાજે હર્ષદભાઈએ પત્નીને આ ખુશીના સમાચાર આખો હોલ સાંભળે એ રીતે આપ્યાં અને એકદમ ગળે વળગાડીને અભિનંદન આપ્યાં.
અખેપાતરની વાત નીકળી એટલે મેં એમને પૂછ્યું કે, બહુ જ સીલી ક્વેશ્ચન પૂછું છું પણ પૂછ્યા વગર રહી નથી શકતી કે, તમે 'અખેપાતર' લખતા હતા ત્યારે તમને એવું હતું કે, આ કૃતિને આટલું મોટું ઈનામ મળશે?
બિંદુબેન કહે છે, "લખતી હતી ત્યારે એકાદ હપતો વાંચીને મને હર્ષદે કહેલું કે, બિંદુ આ તને આ નામના અપાવશે." હર્ષદભાઈએ તરત જ કહ્યું, "બિંદુ મેં તને એમ કહેલું કે, આ નવલકથા તને બહુ યશ અપાવશે."
બિંદુબેન કહે છે,"અખેપાતરમાં કંચનબાનું પાત્ર જે રીતે ઘડાતું આવ્યું એ બહુ જ યાદગાર રહ્યું. સોશિયલ ફ્રેમને તોડ્યાં વિના બદલાવ લાવે છે એ રીતે વાતને વણી લેવાઈ છે. વળી, લેખન સમયે વાતને સેવવાનો મારો સ્વભાવ છે. કાચું-પાકું પીરસવું મને ગમતું નથી. એક-એક હપતો ચાર-ચાર વાર લખું પછી મને સંતોષ થાય તો જ આગળ વધુ.
અખેપાતર આવી પછી ઘણાં લોકોએ કહેલું કે, ડાયરી જેવી મજા નથી. પણ અગાઉ કહ્યું તેમ હું મારાં જ ચાળા ન પાડી શકું....
અમારી વાતો ચાલતી હતી, ત્યાં હર્ષદભાઈ ચા બનાવીને લાવ્યાં. સરસ મજાના કપની સાથે રકાબી ન હતી. એ કપને ઢાંકણ હતું. ચાનો કપ મોઢે માંડીને બિંદુબેને કહ્યું, "મને હર્ષદના હાથની જ ચા ભાવે છે. હું એના હાથની બનેલી ચાની રાહ જોતી હોઉં છું."
લેખનની વાતો કરતાં હર્ષદભાઈ કહે છે, "કોઈ પણ સર્જક, કર્તા કે લેખક સમાજ અને સૃષ્ટિને જુદી રીતે જુએ છે. ભૂત, ભવિષ્ય અને સાથે જોડાયેલા વર્તમાનની સાથોસાથ એની કૃતિઓ આકાર પામતી હોય છે."
બિંદુબેન જે લખે તેના પહેલા વાચક એટલે હર્ષદભાઈ. પછી તેઓ ઉમેરે છે કે, "અમે બંને એકબીજાંના પરીક્ષક પણ ખરાં. સાહિત્યમાં એકબીજાંના ગુરુ પણ કહી શકો. સંસારમાં દુશ્મન..." આ મજાક ઉપર બંને ખડખડાટ હસી પડે છે.
બિંદુબેન કહે છે,"સાહિત્યના અનેક કાર્યક્રમોમાં અમે સાથે જઈએ છીએ. ઘણીવખત ચર્ચાઓ થતી હોય ત્યારે જાહેરમાં હું જો હર્ષદના વિચાર સાથે કે હર્ષદ મારા વિચાર સાથે સહમત ન હોય તો અમે નિખાલસતાથી પોતાનો મત અને વિચાર રજૂ કરીએ છીએ. એમાં પતિ-પત્ની હોવું વચ્ચે નથી આવતું. અમે બંને એકબીજાંના ઉત્તમ મિત્રો છીએ."
બિંદુબેનના ત્રણેય પુસ્તકોના ટાઇટલ હર્ષદભાઈએ આપ્યાં છે. બિંદુબેનની સફર વિશે વાત કરી હવે હર્ષદભાઈની સફર વિશે વાત કરીએ. હર્ષદભાઈ કહે છે, "અમદાવાદ ભણવા આવ્યો ત્યારે એવું નક્કી કરેલું કે ઘરેથી રૂપિયા નહીં લઉં. રઘુવીર ચૌધરીને વાત કરી. તેમણે કહ્યું કે, સાહિત્ય પરિષદ દ્વારા સાહિત્ય કોશમાં સંદર્ભ સહાયકની જરૂર છે. પરીક્ષા પાસ કરો અને લાગી જાવ. ચાર વર્ષ કામ કર્યું અને એમ.એ.નું પણ ભણ્યો. એ પછી 1983માં ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રકાશન વિભાગમાં લાગ્યો. 18 વર્ષ સુધી શબ્દ સૃષ્ટિનું સંપાદન કર્યું. જેમાં 23 વસાવવા જેવા અને વાંચવા જેવા વિશેષાંકો કર્યાં. આ નોકરી દરમિયાન પરિવારજનોની કોઈ કૃતિ નહીં છાપવાની એ નિયમ નોકરી કરી ત્યાં સુધી જાળવી રાખ્યો. તેંત્રીસ વર્ષ નોકરી કરીને વોલેન્ટરી રિટાયરમેન્ટ લીધું."
ક્રિએટિવિટીની વાત કરતા તેઓ કહે છે, "મારા પિતા અમૃતલાલ ત્રિવેદી કવિ અને વાર્તાકાર હતાં. રફીકના નામે તેઓ લખતાં. પપ્પાના સંબંધોના કારણે મીનપિયાસી, ઘાયલથી માંડીને ઊંચા ગજાના કવિઓ, ગઝલકારોના સાન્નિધ્યમાં રહેવાનું મળ્યું. પપ્પાની કવિતાઓનું એમની ગેરહાજરીમાં હું પઠન કરતો. એ સ્કૂલે જાય પછી એમની ખુરશી પર બેસીને કવિતાઓ વાંચતો. કૉલેજના બીજા વર્ષમાં ભણતો હતો ત્યારે કવિતાઓ લખતો હતો. લઘુ સામયિકમાં મારી કવિતાઓ છપાઈ પણ હતી. પપ્પાને ખબર પડી કે હું કવિતાઓ લખું છું એટલે એમણે મારી લખેલી કવિતાઓની ડાયરી બાળી નાખી."
ડાયરી બાળી નાખી પણ હર્ષદભાઈની અંદર સળગતી સંવેદનાને તેઓ ન ઠારી શક્યાં. આજે પણ તેઓ સંવેદનાથી ભરપૂર કવિતાઓ લખે છે. 1984માં તેમનો પહેલો કાવ્ય સંગ્રહ એક ખાલી નાવ આવ્યો. ગીતો, ગઝલો, અછાંદસ લખવામાં તેમની ભાષા નોખી તરી આવે છે. સૌરાષ્ટ્રની ભાષા અને બીજી ભાષાઓ તેમની કૃતિઓમાં નજરે પડે છે. મિત્રોના બાળકોને રોજ નવી વાર્તા સાંભળવા જોઇતી. એટલે બાળ વાર્તાઓ પણ સારી એવી એમણે લખી જેનો સંગ્રહ પાણી કલર નામે પ્રકાશિત થયો છે. અસ્મિતા પર્વના પંદર વોલ્યુમનું સંપાદન તેમણે કર્યું છે. અત્યારે કુમાર સામયિકમાં કંકુ ચોખા નામની તેમની કૉલમ આવે છે. જેમાં લોક ગીતો પર તેઓ લખે. હર્ષદભાઈ કહે છે, "લોક ગીતોમાં કંઈક છે, તેમાં કોઈ ગુણવત્તા છે કે જેથી એ ટકી ગયા છે. એ વાત અને લોક ગીતોનો આસ્વાદ કરાવું છું. આજકાલ 'સોનાની દ્વારિકા' નામની નવલકથા લખું છું. દરેક માણસનું પોતાનું એક વિશ્વ હોય છે એ વિશે લખું છું. દરેક માણસની પોતાની એક સોનાની દ્વારિકા છે એ એક વખત ડૂબવાની જ છે એવી વાત તેમાં લખી રહ્યો છું."
બિંદુબેન કહે છે, "હું હર્ષદ કરતાં ચાર વર્ષે મોટી છું. હર્ષદે વહેલી નિવૃત્તિ લીધી ત્યારે મેં એક શરત કરી હતી કે, રોજ કંઈક લખવાનું. જે દિવસે તમે નહીં લખો એ દિવસે હું નહીં જમું. ઓફિસેથી હું ઘરે આવું અને દરવાજામાંથી દાખલ થાઉં એટલે હું પૂછું કે, આજે મારે જમવાનું છે? જો કે મારે એકેય વખત ભૂખ્યું નથી રહેવું પડ્યું. હર્ષદ ગમે ત્યારે ગમે ત્યાં લખી શકે. પહેલાં એ કાગળમાં લખતો ત્યારે એની દરેક લાઇન એકદમ સીધી હોય. જરાપણ આડી ન જાય. એક શબ્દ લખે એ બીજીવાર એ જ કૃતિમાં ન વાપરે. ત્રણેક વર્ષથી કમ્પ્યુટરમાં લખે છે. જો કે, વિચારો આવે તો એ હવે મોબાઇલ ફોનમાં પણ લખી નાખે છે. ઘણી વખત મને એની સાહિત્યિક ઈર્ષા આવે છે કે, બ્રેક લાગે તો પણ એના વિચારોને બ્રેક નથી લાગતી. એનું ઑબ્ઝર્વેશન ખતરનાક છે."
આ વાતો ચાલતી હતી ત્યાં જ એમનો દીકરો જયજિત માઉન્ટ આબુથી આવી ગયો. પાણિયારે દીવો કરીને બિંદુબેને દીકરા-વહુને દર્શન કરવા કહ્યું. પછી મને ખીર આપી. કદંબના ઝાડ પર પહેલી વખત ફૂલની કળી આવી એ ખુશીમાં તેમણે એ દિવસે ખીર બનાવેલી હતી. બંનેની સર્જનાત્મકતા વિશે થોડી મજેદાર વાતો પણ જાણવા મળી.
વાત એમ બની કે, એક વખત આ યુગલ ગાંધીનગરથી પરત ફરી રહ્યું હતું. ડબલ ડેકર બસમાં બેઠેલાં હતાં બંને. એક વળાંક આગળ એક સૂકું ઝાડ દેખાયું. બિંદુબેનને થયું કે, આ ઝાડ કેવું સૂકું છે. કોની રાહ જોતું હશે? ત્યાં તરત જ એમને એ સૂકા ઝાડ ઉપર માળો દેખાયો. એ કાગડાનો માળો હતો. આ વાત એમણે હર્ષદભાઈ સાથે શેર કરી. બંનેએ પોતપોતાની અભિવ્યક્તિ લખી. બાંધણી વાર્તા સંગ્રહમાં બિંદુબેને તાવણી નામની વાર્તા લખી જેમાં એક વૃદ્ધ દરબાર અને એના પૌત્રની વાત છે. પુત્ર મરી ગયો છે, તેની પાછળ ગરુડપુરાણ બેસાડેલું છે. ઘરની દિવાલમાં ઊગેલા લીમડાના ઝાડને એ જોઈને મોતિયો આવ્યો છે એવા ગામના ગોર અને એક છોકરી વચ્ચેનો સંવાદ છે. દરબાર વૃદ્ધ સૂકા ઝાડ સમાન છે અને પૌત્ર એનો વંશ એને હાથ પકડીને એ ચાલે છે... આ વાર્તા બિંદુબેનને પેલાં કાગડાના માળાને જોઈને સૂઝી આવી અને હર્ષદભાઈએ વૃક્ષ નામની આ કવિતા લખી.
એક ઠૂંઠું વૃક્ષ
જે પલળી રહ્યું છે ક્યારનું
છેક ટગલી ડાળથી તે મૂળ લગ
કકળી રહ્યું છે ક્યારનું.
પાંદડા ફૂટ્યાં હતાં તે તો બધાં
ખર...ખર.. પવનગાડી કરી ચાલ્યાં ગયાં!
નામ-માત્રથી વૃક્ષ છે એને હવે શું?
જાય ને આવે બધી ઋતુઓ
છતાં યે-
એ નથી પ્લાવિત થવાનું
કે નથી મ્હોરી જવાનું
ક્યારનું જોયા કરે છે રાહ કે ક્યારે જવાનું?
કોઈ કઠિયારો કદી આવી ચડે!
એક ઠૂંઠું વૃક્ષ-
જે પલળી રહ્યું છે
છેક ટગલી ડાળથી તે મૂળ લગ કકળી રહ્યું છે.
લખવા વિશેની વાતો કરતા કરતા હર્ષદભાઈ એક મજેદાર કિસ્સો કહે છે કે, અમે બંને મિત્રો સાથે કોડાઈકેનાલ ફરવા ગયેલું. ત્યાં એક સરસ મજાનું દૃશ્ય હતું. તળાવની કિનારીએ ઝાડ ઉગેલાં હતાં અને તેનો પડછાયો પાણીમાં પડતો હતો. બિંદુ ત્યાં મને કહે તમે આના પર કવિતા લખો. મેં એને કહ્યું કે, એમ તું કહેને કેમ તરત જ કવિતા સૂઝે? તો પણ મને કહે લખોને લખો.... પછી મેં લખી. મને એમ થયું કે નથી સારી લખાઈ. પણ બધાંએ વખાણી હતી."
બિંદુબેન કહે છે, "હું લખવા બેસું એટલે મારા માટે હર્ષદ સૌથી વધુ અગત્યની વ્યક્તિ રહે. લખતાં લખતાં કોઈ રેફરન્સ જોઈએ તો હર્ષદ મને જોઈએ એ રેફરન્સની બુક અમારા ઘરની લાઇબ્રેરીમાં દાદરા ચડીને લઈ આવે અને મને જોવા માટે આપે. મેં લાંબો સમય ઉમા આર્ટ્સ કૉલેજમાં જૉબ કરી. ઘણી વખત ચાલુ ક્લાસે પણ મને કંઈ રેફરન્સની જરૂર પડે તો મારો રેફરન્સ હર્ષદ મારાથી એક ફોન કોલ જેટલો જ દૂર હોય. કોઈ વખત હું બહાર ગઈ હોઉં. કોઈ પંખી જોઉં પણ મને એનું નામ ન ખબર હોય તો હું હર્ષદને ફોન કરું કે, મારી સામે આ એક પંખી છે એ આવું-આવું છે હવે મને બુકમાંથી શોધીને કહો કે, એ કયું પંખી છે."
આ યુગલની વાતો સાંભળીને એવું લાગે કે, તેમની સર્જકતા પણ એકબીજાંની પૂરક છે. છેલ્લે પૂછ્યું કે, તમને હર્ષદભાઈની કઈ કવિતા સૌથી વધુ ગમે? તો બિંદુબેન એ પંક્તિઓ યાદ કરીને કહેવા લાગ્યાં. હર્ષદભાઈએ એ આખી કવિતા (જે લેખના અંતે લખી છે.) બિંદુબેનને અને મને સંભળાવી.
તું પણ કમાલ કર હવે તારા અવાજની,
હું સાંભળું છું તર્જ કો' અણદીઠ સાજની.
હું ક્યારનો સૂંઘુ છું હવામાં વધામણી,
રળિયામણી ઘડી મને લાગે છે આજની!
તું હોય પણ નહીં ને તો ય વાજતી રહે,
પળ પળ રહી છે કામના એવી પખાજની.
મારો સ્વભાવ છે કે મને કૈં અડે નહીં,
તને ય પણ પડી નથી રસ્મો-રિવાજની.
ત્યાં દૂર કોઈ પૂરવી છેડે છે ક્યારનું,
અહીંયા ગઝલ રચાય છે તારા મિજાજની.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર