એક ડૂબકી પ્રિયજન પુષ્પા વીનેશ અંતાણી સાથે

20 Jul, 2017
12:00 AM

જ્યોતિ ઉનડકટ

PC: khabarchhe.com

આડત્રીસ વર્ષ અને સત્તર આવૃત્તિ, ગુજરાતી વિષય ભણાવતી લગભગ તમામ યુનિવર્સિટીના ગુજરાતી ભવનમાં કે કૉલેજમાં આ નવલકથા પાઠ્યપુસ્તક સ્વરુપે ભણાવવામાં આવે છે. બત્રીસ વર્ષની ઉંમરે લખાયેલી આ નવલકથાના લેખકને આજે પણ કૉલેજનો નવયુવાન કે યુવતી એ જ તરવરાટ અને ઉત્સાહ સાથે મળે છે. મળતી વખતે આ નવલકથા અંગેની વાતો કરીને લેખકને લાગણીથી ભીંજવી દે છે.

આ લેખક એટલે વીનેશ અંતાણી. એમની કૃતિ એટલે પ્રિયજન.

આ કૃતિથી તો કોણ અજાણ હોય? પ્રિયજનના સર્જન પાછળની પણ એક કથા છે અને આ સર્જકના સાથીદાર પણ અનેક અવનવી વાતોનો ખજાનો આપણી સામે ખોલે છે. બંનેને દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી અલગ-અલગ કેટેગરીમાં પુરસ્કાર મળી ચૂક્યા છે. એકની એક્સપર્ટાઇઝ બાળવાર્તામાં છે તો બીજી વ્યક્તિ માનવીય સંવેદનાઓને બખૂબી શબ્દોમાં ઢાળે છે. જે વાચકોને બહુ જ પસંદ પણ આવે છે.

થોડાં દિવસો પહેલાં હૈદરાબાદ જવાનું થયું. એ દિવસોમાં જ વીનેશભાઈ અંતાણી સાથે ફોન પર વાત થઈ. પ્રિયજન દિલમાં વસેલી એટલે મનમાં એટલો રોમાંચ હતો કે, હું વીનેશ અંતાણી સાથે વાત કરી રહી છું. તેમની નવલકથામાં જે સૌમ્યતા અને સંવેદના છલકે છે એટલા જ મૃદુ અવાજ સાથે એમણે કહ્યું કે, અમે જુલાઈ મહિનામાં અમદાવાદ છીએ આપણે અમદાવાદ જ મળીએ?

 

આમ અમારી અમદાવાદમાં મુલાકાત ગોઠવાઈ. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં એમનો ફલેટ છે. નેમપ્લેટ પર પુષ્પા વીનેશ અંતાણી લખેલું છે. એ જોઈને એમના ઘરે ગઈ ત્યારે પૂછ્યું કે, નીચે નેમપ્લેટમાં પુષ્પાબેનનું નામ છે.... એટલે વીનેશભાઈએ તરત જ મજાકના સૂરે કહ્યું કે, હા એના નામનું છે અને મને રહેવા દે છે....આવી હળવાશ સાથે શરુ થયેલી મુલાકાત બહાર વરસતા ધોધમાર વરસાદ જેવી જ રહી.

પુષ્પાબેનનો જન્મ મદ્રાસમાં થયો છે. બાર વર્ષની ઉંમર સુધી તેઓ હાલના ચેન્નાઈ મતલબ કે મદ્રાસમાં જ રહ્યાં. એ પછી પિતા માણેકલાલ મહેતા અને માતા મણીબેન સાથે ભુજ સ્થાયી થયાં. પુષ્પાબેનને ચાર બહેનો અને એક ભાઈ છે. ચુસ્ત જૈન પરિવારના દીકરી એવાં પુષ્પાબેનનો અભ્યાસ પૂરો થયો એ પછી આગળ ભણવા માટે એમને પરિવારની મંજૂરી ન હતી. એમણે ઘરમાં દલીલો અને ચર્ચા કરી પછી માંડ માંડ એમને કૉલેજે જવાની મંજૂરી મળી. હા, પણ સાડી પહેરીને જ કૉલેજે ભણવા જવાનું એવો નિયમ એમને કહી દેવાયો હતો.

પુષ્પાબેન કહે છે, ’’કૉલેજના દિવસોમાં મારા વિષયો તો મેથ્સ અને સાયન્સ હતાં. પણ મને દરેક પ્રકારની ઈત્તર પ્રવૃત્તિઓ બહુ જ ગમતી. વકતૃત્વ સ્પર્ધા હોય કે નાટકની ભજવણી હોય, કૉલેજના મુખપત્રમાં કોઈ ક્રિએટીવ લખવાનું હોય, કોઈ સ્પર્ધા હોય કે પછી કંઈ પર્ફોમ કરવાનું હોય હું એમાં સૌથી આગળ જ હોઉં. સાંઠના દશકમાં હું કૉલેજની લીડર હતી. એ અભ્યાસમાં મારા કરતાં એક વર્ષ પાછળ. ઉંમરમાં પણ એક વર્ષ નાના છે.’’

વીનેશભાઈએ તરત જ એક મજાક કરી અને કહ્યું, ‘’પતિ નાનો હોય તો એનાથી ઉંમરમાં મોટી એવી પત્ની પતિને સ્નેહથી સાચવેને....’’

હવે, વાત આવે છે યુગલના પ્રણયની....

પુષ્પાબેન કહે છે, ’’કૉલેજના દિવસોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો થતાં જ રહે એટલે મારે આગેવાની લેવાની આવે. એમાં મ્યુઝિકની વાત હોય ત્યારે બોંગો નામનું વાજિંત્ર એ વગાડતાં. કુદરતી રીતે જ અમે એકબીજાંની નજીક આવવા લાગ્યા. સંવાદોની કે વાચતીચની એવી કોઈ આપલે ન થતી પણ બંનેને એકબીજાં પ્રત્યે આકર્ષણ છે એ વાતની ખબર પડી ગઈ હતી. પાંસઠની સાલમાં મારી છાપ બોલ્ડ અને હિંમતવાળી છોકરીની હતી. આથી મારી નજીક કોઈ એમ ફરકી ન શકે. પણ હું ક્યારે એમના તરફ સરકવા માંડી એ મને જ અણસાર ન આવ્યો. પરીક્ષા નજીક આવવા માંડી એટલે અમે નક્કી કર્યું કે હવે અંતર રાખવું જરુરી છે. નહીં તો બંને ભણવામાં નબળો દેખાવ કરીશું. વળી, મને મારા ઘરના વાતાવરણની ખબર હતી કે, મારો પ્રેમ કે પ્રેમલગ્ન કોઈ સ્વીકારી નહીં શકે આથી અમે દૂર રહેવાનું નક્કી કર્યું. એ માટે અમે મળ્યાં પણ ખરાં. જો કે, આ સંકલ્પનો ફિયાસ્કો થઈ ગયો. મારું મન એમના વિચારોમાં ખોવાયેલું હતું. એ યુવાનીમાં બહુ જ હેન્ડસમ અને એકદમ રુપાળાં હતાં. હું સાવ એકવડીયો બાંધો. સાડી પહેરીને સાયકલ પર કૉલેજે જતી.‘’

પુષ્પાબેનની હેરસ્ટાઇલ શોર્ટ હેર છે. મેં પૂછ્યું તમારી હેરસ્ટાઇલ પહેલેથી આવી જ છે?

વીનેશભાઈ કહે છે, ‘’ના એ તો લાંબા વાળનો ચોટલો ગૂંથતી.’’

આટલું કહીને વીનેશભાઈ અંદરની રુમમાં ચાલ્યા ગયા. પુષ્પાબેન એમની તથા વીનેશભાઈના પ્રણયની વાત કરતાં હતાં ત્યાં જ વીનેશભાઈએ એક સુંદર મજાની મોટી બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર મારી સામે મૂકી દીધી. એ તસવીર પુષ્પાબેનની હતી. યુવાનવયે લાંબા ચોટલામાં કેવા લાગે છે એ વિશે એમણે થોડી વાત કરી....પછી કહ્યું, જુઓ મેં કેવી જતનથી આ તસવીર સાચવી રાખી છે.

પુષ્પાબેન કહે છે,’’ કૉલેજના દિવસોથી એ ભીરુ અને અંર્તમુખી છે.’’

વીનેશભાઈ કહે છે, ‘’ એવું કહેને કે કોમળ હ્રદયના છે...’’

પુષ્પાબેન કહે છે, ’’ના ના ભીરુ જ કહી શકાય તમારા સ્વભાવને. કોલેજના દિવસોમાં ફીશ પોન્ડની ગેમ રમાઈ. એમાં કૉલેજની પાંચ એવી છોકરીઓ જે છોકરા જેવી હોય અને પાંચ એવા છોકરા જે છોકરી જેવા હોય એમાં મારું અને એમનું નામ હતું. મારી પાસે સાયકલ હતી, એમાં કેટલીયવાર એમને મેં પાછળની સીટ પર બેસાડ્યાં છે. જો કે, એ પછી અમે નક્કી કર્યું કે, હવે આપણે નહીં મળીએ. પણ એ નિયમ અમે પાળી ન શક્યા. વળી, અમને ખબર હતી કે એમના મમ્મી પણ થોડાં કડક સ્વભાવના છે. સંબંધ અંગે અનિશ્ર્ચિતતા હતી અને અમારું મિલન શક્ય નથી એ ગંભીરતા હતી છતાંય સમયાંતરે મળતાં રહ્યાં. પ્રેમનો એકરાર કર્યો હતો એમ ન કહી શકાય પણ કહ્યા વગર ઘણું બધું સમજાઈ જતું હતું.’’

સાયકલની પાછળની સીટ પર બેસાડ્યાની વાત નીકળી એટલે વીનેશભાઈએ તરત જ કહ્યું, હજુ પણ મારી જિંદગીની ડ્રાઈવીંગ સીટ પર એ જ છે.

વીનેશભાઈ કહે છે, ’’એ સમયમાં આંતરજ્ઞાતીય લગ્ન એટલાં સ્વીકાર્ય પણ ન હતાં. મારી છેલ્લી નવલકથા મારી સુલભામાં ફેક્ટસ અને ફિક્શન બંનેને ભેગાં કરીને આ પ્રકારની વાત જ લખી છે.’’

વીનેશભાઈ અને પુષ્પાબેન બંને એકમેકને નામથી નથી બોલાવતાં. મજાની વાત એ છે કે, વીનેશભાઈ કહે છે કે, ‘’કુદરતી રીતે મને કે એને કામ હોય ત્યારે કે જરુર હોય ત્યારે એકબીજાં હાજર જ હોઈએ. કોઈ દિવસ સાદ પાડીને બોલાવવા પડે એવું નથી થયું.’’

તમે ઉંમરમાં મોટાં છો પણ સંબોધન તમે જ કરો છો?

પુષ્પાબેન કહે છે, ’’હા, એ મેં પહેલેથી જાળવી રાખ્યું છે. કેમકે, બે વ્યક્તિઓ પ્રેમથી ભેગી રહે એમાં ક્યારેકને ક્યારેક તો મતમતાંતર થવાના જ છે. એ મતમતાંતરમાં કોઈવાર બોલાચાલી થાય તો એ મારા મોઢેથી નીકળેલો તુંકારો મને ન ગમે.’’

1965માં ભુજમાં આકાશવાણીનું કેન્દ્ર શરુ થયું. એમાં એનાઉન્સર અને ડ્યુટી ઓફિસર એન્જિનીયરની ભરતી કરવાના હતાં. પુષ્પાબેનને અભ્યાસમાં વિષયો પસંદ કરવાના હતાં ત્યારે વીનેશભાઈ એ આગ્રહ કર્યો કે સાહિત્યના વિષયોમાં ભણ. એ પછી આકાશવાણીની ભરતી થવાની હતી એની પસંદગીમાં પણ થોડી છૂટછાટો સાથે યુવાવયના લોકોની ભરતી કરવાની હતી. એમાં પુષ્પાબેનને અરજી કરવા માટે વીનેશભાઈએ કહ્યું. પુષ્પાબહેને પહેલે જ ધડાકે ના પાડી કે, મને ઘરમાંથી કૉલેજે આવવા માંડમાંડ છૂટ મળી છે. નોકરી તો બહુ દૂરની વાત છે. પણ એમાં એનાઉન્સર તરીકેની પરીક્ષામાં પુષ્પાબેનની પસંદગી થઈ. એમના ઘરે પત્ર આવ્યો કે, તમારી દીકરી અન્ડરએજ છે પણ તમે આ પત્રનો અઠવાડિયામાં જો હામાં જવાબ આપો તો એને નોકરી મળી શકે એમ છે. આ નોકરી માટે પુષ્પાબેનને ઘરમાં બહુ સ્ટ્રગલ કરવો પડ્યો. આમ રોજના પાંચ રુપિયા લેખે એમને એનાઉન્સર તરીકે કામ મળ્યું. પછી 135 રુપિયાના બેઝીક સાથે એ ગ્રેડના આર્ટિસ્ટ તરીકેનો કોન્ટ્રાક્ટ થયો. લગભગ તેંત્રીસ વર્ષ સુધી એમણે બાળકોને લગતાં કાર્યક્રમો આકાશવાણી પર કર્યાં. શિફ્ટમાં કામ રહેતું એ દિવસોમાં વીનેશભાઈ સાથેની મુલાકાતો વધતી રહી. નાનકડાં ગામમાં વાતો ફેલાવા લાગી. ઘરમાંથી એમને બહુ પ્રેશર થયું એ પછી પુષ્પાબેને થોડો સમય વહેવા દીધો. જો કે એ પછી પુષ્પાબેનના ઘરના લોકો મહામહેનતે માન્યા. જ્યારે વીનેશભાઈના માતા પહેલી જ મુલાકાતમાં માની ગયા હતા.

વીનેશભાઈ અભ્યાસ પૂરો કરીને એસટીમાં કર્લક તરીકે નોકરીએ લાગ્યા. એ બાદ થોડો સમય કોમર્સ કૉલેજમાં લેક્ચરર તરીકે પમ ફરજ બજાવી.  UPSC પાસ કરીને ઓલ ઈન્ડિયા રેડિયોમાં પ્રોગ્રામ એક્ઝીક્યુટીવ તરીકે જોડાયા અને વીસ વર્ષ બાદ ચંડીગઢના સ્ટેશન ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતાં ત્યાં જ વોલેન્ટરી રીટાયરમેન્ટ લઈ લીધું.

આ યુગલે સાથે મળીને અનેક નાટકો ભજવ્યાં છે. પ્રિયજનનું મૂળ એવું માલીપા નામનું નાટક હતું તેમાં દિવાકરની પત્ની ચારુનો રોલ પુષ્પાબેને ભજવેલો છે. વીનેશભાઈ કહે છે, ’’પત્ની ઉપર એક લેખ લખવાનો હતો ત્યારે મેં એવું લખ્યું હતું કે, પ્રિયજનમાં બે પાત્રો છે, ઉમા અને ચારુ. મારા માટે મારી ઉમા પણ એ જ છે અને ચારુ પણ એ જ છે. હું એક વાતમાં માનું છું કે, પ્રેમ હોવો પૂરતું નથી. સમજણભર્યો પ્રેમ હોવો જરુરી છે. એકબીજાંના પૂરક બનીને રહેવું અને એકબીજાંની તાકાત બનીને જીવવાની લાગણી બહુ જ મહત્ત્તવની છે. એણે મને ઘણી વખત કહેતી કે, આપણા સંબંધમાં જો કોઈ અડચણ આવશે અને ફેમિલી તૂટવા પર વાત આવશે તો હું તમને તમારા પરિવારથી જુદાં નહીં થવા દઉં. પરિવાર એક રહેવો જોઈએ એ એની પહેલી પ્રાથમિકતા હતી. સંબંધોની આ સમજ ક્યાંક મારી કૃતિમાં નીખરી આવે છે. એ સંબંધની સંવેદનાનો અન્ડર કરન્ટ ક્યાંક જીવાતો હોય છે એવું મને લાગે છે. સંબંધ માટે સમજ બહુ જ જરુરી છે. ‘’

વીનેશભાઈ એ પછી પત્નીની વાત કરતા કહે છે, ’’એને 2016નો દિલ્હી સાહિત્ય અકાદમીનો બાળ સાહિત્યનો પુરસ્કાર એને મળ્યો છે. બંટીના સૂરજદાદા એ કૃતિને એવોર્ડ મળ્યો છે. મારી ઓલ ઈન્ડિયા રેડિયોની વીસ વર્ષની કરિયરમાં અમે દસ વર્ષ સાથે રહ્યાં. દસ વર્ષ સાથે રહ્યાં અને કામ કર્યું છે.’’

ભુજ, મુંબઈ, સુરત અને ચંદીગઢ એમ અલગ-અલગ જગ્યાઓએ વીનેશભાઈએ ઓલ ઈન્ડિયા રેડિયોમાં ફરજ બજાવી. ચંદીગઢના સમયની વાત કરતાં તેઓ કહે છે , ’’મારી પહેલા જે સ્ટેશન ડાયરેક્ટર ફરજ બજાવતાં હતાં એ રજા પર હતાં અને એમને આતંકવાદીઓએ ગોળીઓ વરસાવીને મારી નાખ્યાં. મારે તત્કાલીક ત્યાં ફરજ પર હાજર થવાનું હતું. સવા બે વર્ષ સુધી હું ત્યાં રહ્યો. એ દિવસોમાં મેં ધૂંધભરી ખીણનવલકથા લખી. જેને 2000ની સાલમાં દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો. એ વાતાવરણમાં લેખન અને વાચને જ મને ટકાવી રાખ્યો છે. સંવેદનશીલ વાતાવરણ હતું એટલે મારે હંમેશાં ટાઇટ સિક્યોરીટી વચ્ચે જ રહેવાનું આવતું. એ દિવસોમાં પણ ક્રિએટીવીટી જળવાઈ રહી. પુષ્કળ સમય રહેતો અને પરિવારથી દૂર હતો. ત્યારે જ ધૂંધભરી ખીણલખાઈ. જેને વાચકોએ બહુ વખાણી. એ સમકાલીનમાં સિરીયલાઇઝ્ડ નોવેલ તરીકે પ્રકાશિત થઈ હતી. એ પછી પંજાબના મુખ્યમંત્રી બિયંતસિંહની હત્યા થઈ. વાતાવરણ વધુ ડહોળાય એ પહેલાં મને એણે કહ્યું કે, આપણે થોડી ઓછી સવલતોમાં ચલાવી લઈશું પણ તમે પાછા આવી જાવ. આમ જુદાં-જુદાં રહેવું અઘરું પડે છે. મેં વોલેન્ટરી રીટાયરમેન્ટ લઈ લીધું. એ જ અરસામાં મને ઈન્ડિયા ટુડેગુજરાતીના તંત્રીપદની ઓફર મળી. ત્રણેક વર્ષ કામ કરીને એ પણ છોડી દીધું. દિવ્ય ભાસ્કરશરુ થવાનું હતું ત્યારે થોડો સમય એમાં સલાહકાર તરીકે કામ કર્યું. અત્યારે દિવ્ય ભાસ્કરની રવિવારની કળશ પૂર્તિમાં ડૂબકીનામની કૉલમ લખું છું. ડૂબકી નામ પણ સમકાલીનના તંત્રી હસમુખ ગાંધીએ આપ્યું છે.

લેખન અને સાહિત્ય નાનપણથી જ સંસ્કારમાં મારા બા બચુબેન તરફથી મળ્યું. ભુજ નજીકના નખત્રાણા ગામમાં અમે રહેતા. મારા બા ગામડાંમાં રહેતાં હોવા છતાં પુષ્કળ વાંચતા. મુંબઈના જનશક્તિઅખબારમાં પહેલી વખત મારી કવિતા છપાઈ હતી. બાળ કાવ્યની સ્પર્ધા હતી એમાં મને ઈનામ ન મળ્યું પણ મારી કવિતા છપાઈ. સોળ વર્ષનો હતો ત્યારે મહેંદીમેગેઝીનમાં ખારો સાગર ખારા આંસુનામની મારી વાર્તા છપાઈ. આરામવાર્તા માસિક, ‘નવનીત સમર્પણએ સમયે સમર્પણતરીકે આવતું એમાં વાર્તાઓ છપાતી ગઈ.

મુંબઈમાં નોકરી કરતો ત્યારે હરીન્દ્ર દવે સાથે પરિચય થયો. એમણે કહ્યું દરેક સર્જક માટે મુંબઈનો અનુભવ હોવો જરુરી છે. તમે લખો. એમણે મને વીકલી કૉલમ લખવા કહ્યું. જો કે, હું નિયમિત મોકલી ન શકતો. હું જ્યારે મોકલતો ત્યારે એ છાપતાં. એ પછી સમકાલીનમાં નિયમિત કૉલમ શરુ થઈ ડૂબકીજે ઓગણત્રીસ વર્ષથી લખાઈ રહી છે.

જો કે મને વાર્તા અને નવલકથા બંને લખવા ગમે છે. જ્યારે નોકરી કરતો ત્યારે રાત્રે જાગીને લખતો. હવે મારી જાતને એક પ્રોમિસમાં બાંધી લઉં પછી નવલકથા લખવાનું શરુ કરું છું. 1970માં પહેલી નવલકથા લખી નગરવાસી’. એ નવલકથા માટે મને પ્રકાશક નહોતા મળતા. લખાઈ પછી ચાર વર્ષે એ છપાઈ. પહેલી પાંચેય નવલકથા એકાંતે દ્વીપ, પલાશવન, પ્રિયજન, આસોપાલવ અને નગરવાસીને ગુજરાત સાહિત્ય અકાદમીના એવોર્ડ મળ્યા છે. 79 પલાશવન, 80માં પ્રિયજન અને આસોપાલવને સાહિત્ય અકાદમીના પુરસ્કાર મળ્યાં. લોકોની નજરમાં મારી કૃતિઓ આવવા લાગી અને એ પછી આર.આર.શેઠ મારા પુસ્તકોના પ્રકાશક છે. ‘’

લેખન પ્રક્રિયા વિશે વીનેશભાઈ કહે છે, ’’કૃતિનો રફ સ્કેચ મનમાં ચાલતો રહે. સાદો વિષય હોય એને પછી હું કોમ્પ્લીકેટ કરું. પછી એમાં શરતો આવે અને સંવાદો આવે. એ પાત્રો કેવી રીતે વર્તશે એ પહેલેથી નક્કી નથી હોતું. એ પછી કલમ લઈ જાય એ રીતે આકાર આવતો જાય છે. પરિસ્થિતિ થોડી અઘરી બને એટલે ત્યાં ચીલાચાલુ સંવાદો આવવાના જ નથી.

એક જ બેઠકે નવલકથા લખી લઉં છું. કોઈ કારણોથી લિંક તૂટે તો એ જેટલું લખાયું હોય એ ફરીથી લખવા બેસું. એક નવલકથાના 160 પાનાં મેં લખી નાખ્યા હતા. પણ એમાં કોઈ કારણોથી લિંક તૂટી તો એ 160 પાનાં મેં ફરીથી લખ્યાં ત્યારે જ મને સંતોષ થયો.

પ્રિયજનનવલકથા સાડા પાંચ દિવસમાં પૂરી કરી છે. લખવા માટે હું રજાઓ લઉં અને ઓફિશીયલી કારણમાં પણ એ જ લખું કે, નવલકથા લખવા માટે રજાઓ લીધી છે. પ્રિયજન લખવા માટે મેં રજા લીધી હતી. દોઢ દિવસ પસાર થઈ ગયો અને પહેલી લાઇન કેમેય આવે જ નહીં. પછી થયું કે, હવે તો રજાઓ આમને આમ પૂરી થઈ જશે. પછી નવલકથા મનમાં આવી અને આસોપાલવલખાઈ. એ પછી પ્રિયજનલખાઈ. આમ સાડા પાંચ દિવસની રજામાં બે નવલકથા લખી.

મારી કુલ ચોવીસ નવલકથા આવી છે. પાંચ વાર્તા સંગ્રહો થયાં. પણ મારી દરેક કૃતિને હવે વાચકો પ્રિયજનસાથે સરખાવે છે. પ્રિયજનકરતાં સારી કે વધુ સારી એવું જ લોકો વિચારે છે.  જો કે મને મારી કૃતિ કાફલોવધુ ગમે છે. જો મારી ગમતી કૃતિમાં હું જ પ્રિયજનને ન મૂકું તો વાચકો નારાજ થઈ જાય. મને એવું લાગે છે કે, ‘પ્રિયજનમારી દુશ્મન નવલકથા છે. કેમકે મારું દરેક સર્જન એની સાથે જ સરખાવાય છે.

જો કે, મને આજે પણ નવી પેઢીના વાચકો મળે ત્યારે એવું લાગે છે કે, વાચકની આંખ તો એ જ છે એને એક જ છે. પ્રિયજનની વાત કરે ત્યારે વાચકની આંખોની ચમક મને સ્પર્શ્યા વગર નથી રહેતી. ‘’

અગાઉના દિવસોમાં વીનેશભાઈ હાથેથી લખતાં. હવે કમ્પ્યુટર પર જ લખે છે. વીનેશભાઈ કહે છે,’’બહુ જ સંવેદનશીલ વાત હોય  તો આજે પણ હું એ મુદ્દાઓ હાથેથી લખીને પછી કમ્પ્યુટરમાં લખું છું. માનવીય સંવેદના અને માનવયી સંબંધો ક્યાંક મારી અંદર પડેલું છે એ સંબંધોને ઉકેલવાની સંવેદનાને વાંચવાની કોશિશ કરતો રહું છું. અને લખાતું જાય છે. દરેક કૃતિની એક અલગ ભાત અને અલગ શરત તથા પડકાર હોવાના. એ પડકાર ઝીલવો ગમે છે. ‘’

આ વાત કહીને તેમણે થોડો સમય બ્રેક લીધો ત્યાં પુષ્પાબહેન આવ્યાં. પુષ્પાબહેન કહે છે, ’’આ માણસ દુનિયાદારીનો માણસ નથી. એ સર્જક છે એને એની સર્જકતાની આડે કંઈ જ ન આવે એનું મેં ધ્યાન રાખ્યું છે. વળી, મને અમુક કામો અને જવાબદારીઓ બહુ જ સહજ લાગે છે એટલે એમને હું બધી જ વાતમાં ઇન્વોલ્વ નથી કરતી. એમના આંગળાઓની મુવમેન્ટ જોઈને મને ખબર પડી જાય કે એ અહીં હાજર છે પણ એમનું મન એમના લેખનમાં અને પાત્રોમાં છે. આથી વધુ પૂછવાનું કે કહેવાનું ટાળું જ. એ કમાઈને લાવે કે એમનો પગાર આવતો ત્યારે એમને એ પણ ખબર ન હોય કે, એમનો પોતાનો પગાર કેટલો છે?

બહુ જ સંવેદનશીલ વ્યક્તિ છે એ. એમની સંવેદનાઓ ખીલવા દેવી મને ગમે છે. એમના લેખનની ડીસીપ્લીનમાં હું કોઈ દિવસ આડે નથી આવી. જેટલું લખે એ બધું જ હું વાંચુ. એટલું જ નહીં અમે અમારા દીકરા મીત અને સેતુની સાથે એ વાંચીએ. નવલકથાનું દરેક ચેપ્ટર હું મોટા અવાજે વાંચુ અને જો કોઈ સંવાદ કે શબ્દો ન મજા આવે તો કહું પણ ખરા. દીકરાઓ પણ પોતાનો અભિપ્રાય આપે. નવી પેઢીની વાતો જાણીને એ પોતાની કૃતિમાં ઘણીવાર બદલાવ પણ કરે. મારા સાસુ અમારી સાથે રહેતાં ત્યારે એ પણ મારા વાચનમાં સામેલ થતાં.

હું પોતે બાળવાર્તાકાર અને એનાઉન્સર એટલે સંવાદ અને આરોહ અવરોહ સાથે એ કૃતિ વાંચુ ત્યારે વાચકને કેવી અને કેટલી મજા આવશે એનો અંદાજ પણ આવી જાય. લેખન એમને મળેલી ગોડ ગિફ્ટ છે એવું કહીશ તો વધુ પડતું નથી. એમની કોઈ કૃતિમાં ખલનાયક નથી એ એમની ખૂબી છે. માનવતા અને માનવીય સંબંધો સૌથી ટોચ પર રહ્યાં છે. એ એના દરેક કામમાં બહુ જ સિન્સીયર છે. બહુ જ સરસ વિવેચન કરી જાણે છે. જોડણીમાં પણ એ પરફેક્ટ છે. એમની પરફેક્ટનેસના કારણે મારી જોડણી કદી સુધરી જ નહીં. હું આજે પણ હાથેથી જ લખું છું. હાથેથી લખેલી મારી કોપી એ કમ્પ્યુટરમાં કી ઇન કરી દે છે. ત્યારે મારી જોડણી આપોઆપ એ જ સુધારી દે છે. એટલે મારા લખાણના પહેલાં વાચક એ બને અને સુધારે પણ એ જ. મારી કૃતિ વાર્તાના શોખીન જુઈબેનને 1995માં ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળેલો છે. દેડકીનું બચ્ચું અને વિમાન કૃતિને સાહિત્ય પરિષદે પોંખી છે. કુલ આઠેક બુક્સ છે મારી. વાર્તાકથન અને ઇન્સ્ટન્ટ વાર્તાઓ બનાવવી મને બહુ જ ગમે. મારા બંને દીકરાઓ નાના હતાં ત્યારે રોજ એમને પૂછું કે આજે કોની વાર્તા સાંભળવી છે? એ લોકો જે પાત્ર કહે એની વાર્તા હું તરત જ ઘડી કાઢું અને કહેવા માંડતી.’’

 

બંને સર્જકો એકમેકની કૃતિ અને સર્જનને બખૂબી સરાહે છે. વીનેશભાઈની લેટેસ્ટ બુક મારી સ્મૃતિકથા અત્યારે પ્રિન્ટીંગમાં છે. વીનેશભાઈએ એમની નવલકથા પલાશવન પત્નીને અર્પણ કરી છે તો પ્રિયજન બંને દીકરાઓને અર્પણ કરી છે. એકબીજાંની ઝીણાંઝીણી વાતો, ટેવ અને સર્જન વિશે આ યુગલ દિલથી વાતો કરે છે. કોણ કોને વધુ પ્રેમ કરે છે, કોણ કોની સંવેદનાઓ વધુ જાણે છે કે જીવે છે એ નક્કી કરવું અઘરું છે. પલાશવન, આસોપાલવ, પ્રિયજન, બીજું કોઈ નથી, સર્પદંશ, ફાંસ, કાફલો, પાતાળગઢ, લુપ્તનદી, અહીં સુધીનું આકાશ, બીજે ક્યાંક જેવી કૃતિઓના શબ્દો અને પાત્રો આ યુગલના ઘરે ધબકે છે અને જીવે છે એવું લખું તો વધુ પડતું નથી. 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.