કૅમેરાની ક્લિક અને શબ્દોનો સ્નેહ - વિવેક અને શિલ્પા દેસાઈ
જેમનું સહજીવન દોસ્તીમય હોય, જેમની સમજદારી શબ્દોની લાગણી અને કૅમેરાની આંખે જોવાઈ અને વંચાઈ જતી હોય એ યુગલની વાત આજે લઈને આવી છું. બહુ જ જાણીતા ફોટોગ્રાફર વિવેક દેસાઈ અને કટાર લેખક શિલ્પા દેસાઈની જુગલબંદી કેવી રીતે જીવાય છે એની વાત આજે કરવી છે. વિવેક દેસાઈની અજાણી વાતો આજે એમણે આપણી સાથે શેર કરી છે. એમને હજુ પણ બનારસ કેવું આકર્ષે છે એ વાત એમણે દિલ ખોલીને કહી છે. બનારસની વાત આવતાં જ શિલ્પા દેસાઈ કેવું અનુભવે છે એ પણ વાંચવાનું ગમશે.
સુરતના એ ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. લગ્નમાં હાજરી આપવી જ પડે એમ હોવાથી શિલ્પા દેસાઈ અમદાવાદથી લગ્નમાં આવ્યાં છે. સરસ મજાના તૈયાર થયા છે પણ ચહેરાનું નૂર ગાયબ છે. નિર્ધારિત સમયે તાપ્તિગંગા ટ્રેન સુરતના રેલવે સ્ટેશન પર આવી. એમાંથી એક વ્યક્તિ ઊતર્યો. નામ વિવેક દેસાઈ. જાણે શિલ્પાબેનના જીવમાં જીવ આવ્યો. રેલવે સ્ટેશને પતિને લેવા ગયેલાં પોતાના પિતરાઈ ભાઈને કહ્યું કે, તું મારી વાત કરાવ વિવેક સાથે. ભાઈએ બહેનની થોડી મજાક કરી પણ અહીં પળે પળે શિલ્પા દેસાઈનો જીવ તાળવે ચોંટી જતો હતો. વારંવાર ભાઈને એક જ સવાલ પૂછતાં હતાં કે, વિવેક આવી ગયો છેને? તેં એને જોયો? વિવેકભાઈએ ફોન હાથમાં લીધો અને શિલ્પા.... ઉદગાર નીકળ્યો કે, શિલ્પાબેને જાણે સાત ભવનું અંતર એક પળમાં કાપી નાખ્યું. ઓટો મોડમાં ચાલતા શરીરમાં જાણે જીવ આવ્યો હોય એવું એમને લાગ્યું. સગાં ફઈબાના દીકરાના લગ્નમાં હાજરી આપવા ગયેલાં શિલ્પા દેસાઈની હાલત કેમ આવી હતી તેની વાત પણ બહુ રસપ્રદ છે. જ્યારે વિવેકભાઈ ફઈજી સાસુના ઘરે પહોંચ્યાં ત્યારે એમને જોઈને શિલ્પા દેસાઈનો તાળવે પહોંચી ગયેલો જીવ નીચે બેઠો. જે વિવેક દેસાઈ એમને મૂકીને ગયેલો એ પતિની આંખોની ચમક આજે શિલ્પાબેનને કંઈક જુદી જ લાગતી હતી.
દસ વર્ષ પહેલાંની ઘટના જાણે આજે જ બની હોય એટલી તીવ્રતાથી શિલ્પાબેન અમદાવાદના કર્મ કાફેમાં બેસીને વાત માંડે છે. આ વાતને યાદ કરતી હું અમેરિકાના વિસ્કોસીનના મિલવોકી શહેરમાંથી હું સર્જકના સાથીદાર લખી રહી છું. અમેરિકાના શાંત વાતાવરણમાં શબ્દોનો સાથ ભારતની યાદ અપાવી દે છે. એમાં પણ આજે તો પંદરમી ઓગસ્ટ અને જન્માષ્ટમી બે-બે મોટાં તહેવારોનો દિવસ. વિદેશની ધરતી ઉપર પોતાની યાદો જાણે વંટોળ બનીને આવી જાય.
આ જ યાદો આજે સર્જકના સાથીદારમાં લઈને આવી છું. વિવેક દેસાઈને અચ્છા ફોટોગ્રાફર તરીકે ઓળખું. એમની અંદરની ક્રેઝીનેસને પણ સરસ રીતે વાંચી છે. એમનાં પત્ની શિલ્પા દેસાઈને જાણીતા પત્રકાર અને તંત્રી તુષાર ભટ્ટના દીકરી તરીકે વધારે ઓળખું. www.khabarchhe.com ના કૉલમિસ્ટ એવા શિલ્પા દેસાઈ અને એમના પતિ તથા ફોટોગ્રાફર વિવેક દેસાઈ આ બંનેની સર્જકતાની વાત આજે કરવી છે.
શિલ્પાબેનના પિતા તુષારભાઈ ભટ્ટ ઇકોનોમિક ટાઇમ્સ, ગુજરાતી ટાઇમ્સ અને ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એડિટર રહી ચૂક્યા છે. શિલ્પાબેને પિતાનો વારસો શબ્દોની દુનિયામાં જાળવી રાખ્યો છે. બી.કોમ, એમ.એ. બાદ તેમણે જર્નાલિઝમનો અભ્યાસ કર્યો અને લેખનની દુનિયામાં આવ્યાં. મમ્મી હંસાબેન ભટ્ટ જૉબ કરતાં હોવાથી તેમની પહેલી પસંદ એ રહી કે, એમણે ક્યાંય નોકરીથી બંધાવવાનું ન સ્વીકાર્યું. મુંબઈ સમાચારમાં મરક મરક સાપ્તાહિક કૉલમ લગભગ સવા વર્ષ સુધી લખી. હાલ તેઓ ખબર છે પર #જસ્ટ_ઐસે_હી કૉલમ લખે છે.
શિલ્પાબેન કહે છે, "લખવાનો વિચાર આવે ત્યારે મને કોઈ દિવસ ગંભીર લખવાનો વિચાર જ નથી આવતો. હું એક જ ગંભીર ભાવમાં વધુ સમય રહી શકું એવી વ્યક્તિ જ નથી. જો કે, વિવેક જ્યારે બનારસ ગયો ત્યારે દસ દિવસો મને દસ ભવ જેવા લાગ્યાં હતાં. નિકટના પરિવારજનના લગ્ન હતાં. બધાં એકદમ મજાના મૂડમાં હોય અને મને આ બાજુ વિવેકની ચિંતા થાય. વિવેક માટે બનારસ જવું સ્વપ્ન હતું એનું સપનું મારા માટે દુઃસ્વપ્ન હતું. પણ તમારી વ્યક્તિ જેવી છે એ એવી જ છે... એમ વિચારીને ચિંતામાં હું દિવસો કાઢતી હતી. એણે મને રિટર્ન ટિકિટ બતાવી હતી પણ જ્યાં સુધી એને મારી સામે નજરે ન જોયો ત્યાં સુધી મારા મનને મારે જ મનાવવું અને સમજાવવું બહુ અઘરું પડી ગયેલું. બનારસની વાત આવે ત્યારે આજે પણ મારું દિલ એક ધબકાર ચૂકી જતું હોય એવું લાગે છે. એના અનુભવો અને એની તસવીરો મને તરબતર કરી દે છે પણ સાધુ અને સંન્યાસીની વાત આવે ત્યારે મન વિચારે ચડી જાય છે."
કર્મ કાફેમાં અમારી મુલાકાત એમની દીકરી મનવીતાની સાથે ચાલી રહી હતી. લખવાની વાત આવી ત્યારે એમણે કહ્યું કે, "હું ડેડલાઇન આધારિત જ લખી શકું છું. હું મોટાભાગે ઘરે જ લખું છું. અવાજ ન થતો હોય તો સારું એવું થાય. પણ લખતી વખતે ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક વાગતું હોય તો મને લખવાની બહુ મજા પડે. મારી લખવાની વાત આવે ત્યારે ઘરમાં બધાં સમજી જાય કે, હવે આને કંઈ કહેવાનું નહીં. એ લખવાનું પૂરું કરશે પછી જ વાત કરવાની. લેખન અને વાચન તથા એક શિસ્તબદ્ધ કેળવણીને કારણે ઘરમાં એક માહોલ કાયમ જળવાયેલો જ રહે છે. "સાથે બેઠેલી મનવીતા મમ્મીના લેખો વાંચે છે અને વાંચતા વાંચતા હસી પણ પડે છે. વિવેકભાઈ પણ વાંચવાનું ચૂકતાં નથી. પતિના કૅમેરાપ્રેમને શિલ્પાબેને બખૂબી અપનાવી લીધો છે. તેઓ પણ તસવીરો પાડે છે. જો કે, તેઓ કબૂલ કરે છે કે, તસવીરોની ક્લિક જેટલી સહેલી છે એટલું સહેલું કોઈ જિંદગી કે સંવેદનાને એ એક ચોક્કસ પળે કૅમેરામાં કેદ કરવી એ અઘરું છે. એ વાત મને અનુભવે સમજાઈ છે. તસવીરો અને શબ્દોની દુનિયાના કેન્દ્ર એવા વિવેકભાઈ તો જાણે વાતોનો અને અનુભવનો ખજાનો છે. એમની સાથે એમની ફોટોગ્રાફી અને અનુભવોની વાતો જાણીએ એટલી ઓછી છે. પોતાની તસવીરની દુનિયાને જીવતાં આ અલગારી માણસની કેટલીક વાતો અને યાદો ચૂકવા જેવી નથી.
નવજીવન ટ્રસ્ટના મૅનેજિંગ ટ્રસ્ટી વિવેક દેસાઈની બીજી અનેક ઓળખ છે. વિવેક દેસાઈએ બનારસમાં 2007ની સાલમાં સાધુઓની ફોટોગ્રાફીની જે સાધના કરી છે એ દાખલારૂપ છે. પોતાના કામને ઝનૂનપૂર્વક વળગી રહેવું અને એમાં સફળ થવું એ કંઈ સાધનાથી કમ નથી. કચ્છનું રણ અને બનારસમાં વહેતી ગંગા મૈયા એમને આજે પણ આકર્ષે છે. આ બંને જગ્યાએ ફોટોગ્રાફી કરતી વખતે જાણે એમનો કૅમેરો પણ જીવંત થઈ ઊઠે છે. એમની તસવીરમાં પણ તમને એક ધબકાર ઝિલાતો હોય એવું લાગે છે. કેમકે લાઇફ એમની તસવીરોમાં ટોચ ઉપર છે. અનેક શબ્દોનો લેખ તમને જે વાત ન કહી શકે એ ઘણીવાર એક તસવીર કહી દે છે. આવી તસવીરો પાડનારા અને થોડું નોખું વ્યક્તિત્વ ધરાવનારા વિવેક દેસાઈની મુલાકાત પણ મજાની રહી. એમની ઑફિસમાં મસમોટાં ગાંધીજીના રેખાચિત્ર આગળ વરસાદી સાંજે એમની સાથે વાતો કરી. જાણે સમય ઓછો પડે એટલી બધી વાતોનો ખજાનો એમની પાસે છે. ગોળાકાર ફ્રેમના પારદર્શક કાચની પાછળ રહેલી એમની આંખોએ કૅમેરાની આંખને જાણે સમજીને પી લીધી હોય એવું લાગે. કેટલીક વાતો સાંભળતી વખતે મારાં તો રુવાડાં ઊભા થઈ ગયાં.
મૂળ ગડત ગામના અનાવિલ બ્રાહ્મણ જીતેન્દ્ર દેસાઈના દીકરા એટલે વિવેક દેસાઈ. તેમના પિતાની પ્રતિભા પણ બહુ ઊંચી રહી છે. કૉમર્સ ગ્રેજ્યુએશન પછી વકીલ બનવાનું વિચારેલું પણ પછી થયું કે વકીલાત તો નહીં ફાવે. વિવેક દેસાઈ કહે છે, "1993-94ની સાલમાં જર્નાલિઝમનો કોર્સ કર્યો. નાનો હતો ત્યારે સ્પોર્ટ્સના મેગેઝીનમાંથી ફોટા કાપીને મારા રૂમમાં લગાવતો. બધું ભેગું કરતો ત્યારે એમ થતું કે મને ક્રિકેટનો શોખ છે. પણ તસવીરો એકઠી કરવામાં ક્યાંક ફોટોગ્રાફી તરફ ઝુકાવ વધતો રહ્યો હશે. સમભાવ મીડિયામાં જોડાયો ત્યારે પહેલી વખત 1992ની સાલમાં રણોત્સવના કવરેજ માટે ગયો. બધાં લોકો ફોટોગ્રાફસ પાડતાં હતાં એ હું જોતો હતો. મને કુતૂહલ થતું. પણ એ ઉત્સુકતા મને તસવીરકાર બનવા તરફ ક્યારે ખેંચી લાવી એ મને જ ન સમજાયું. જો કે મને ત્યારે રિપોર્ટીંગ કરતાં ફોટોગ્રાફીમાં વધુ રસ પડ્યો હતો. એ પછી મને પપ્પાએ કેમેરો અપાવ્યો. એ કેમેરો લઈને હું કચ્છના રણમાં ફોટોગ્રાફી કરવા ગયો. ફોટોગ્રાફ્સ ડેવલપ કરાવીને અમદાવાદના એક સિનિયર તસવીરકારને બતાવ્યાં. તેમણે કહ્યું, ચાલુ રાખજે....
આજે પણ વરસમાં બે-ત્રણવાર કચ્છ જવાનું ચાલુ જ રાખ્યું છે. ફોટોગ્રાફીમાં આટલાં વર્ષ પછી મને એટલું સમજાયું છે કે, એક વાતને પકડીને આગળ વધ્યે રાખો તો એ ફોટોગ્રાફીમાં બહુ કામ લાગે. લોકોના ઇમોશન્સને જોઈને વાંચવાના પછી કૅમેરાની ક્લિક પર આંગળી જવી જોઈએ. એ પછી તો ફોટોગ્રાફીને લગતી કોઈપણ વાત હોય મારી આંખ નીચેથી પસાર થયા વિના ન રહે. ‘દિવ્ય ભાસ્કર’ દૈનિક ગુજરાતમાં આવ્યું ત્યારે તેમાં ફોટો એડિટર તરીકે જોડાયો. અખબારોમાં સમાચારોને લગતી તસવીરો સિવાય એ જ સબજેક્ટમાં બીજો એંગલ તમને ફોટોગ્રાફીની દૃષ્ટિએ મળી રહે. વર્લ્ડ લેવલે પણ આર્ટ, સ્પોર્ટ્સ અને નેચરની તસવીરો જ ટોપ ઉપર હોય છે. અમદાવાદમાં વરસાદને કારણે રસ્તાઓ ઉપર જે ખાડાઓ પડી ગયાં છે એની જ તસવીરો બધાંને ન્યૂઝ આઇટમ લાગે છે. એ સિવાયની પણ પોઝીટીવ તસવીરો હોય શકે એ તરફ લોકોની નજર જતી જ નથી.
દુનિયા આખીના ફોટોગ્રાફરની ફોટોગ્રાફીની ભારતમાં વાત કરવામાં આવે ત્યારે એક વાત ઊડીને આંખે વળગે તેવી છે કે, લગભગ તમામ ફોટોગ્રાફરોએ કલકત્તા અને બનારસની તસવીરો પાડી જ હશે. તાજ મહેલની તસવીર જોવી કોને ન ગમે. તાજ એક છે પણ એને કૅમેરાની નજરે જોનારાઓની આંખ જુદી જુદી છે. તાજની બ્યુટીને અલગ-અલગ સમયે કચકડે કંડારવાની મજા જ કંઈ ઓર છે. તાજની એ સફેદીમાં પણ અનેક શેડ્સ દેખાઈ આવે છે. વળી, ફોટોગ્રાફી એ બ્યુટી નથી અને જ્યાં બ્યુટી ન હોય ત્યાં ચેલેન્જીસ વધુ હોવાની. ફોટોગ્રાફી એ રિયાલિટી છે. ફોટોગ્રાફી સાથેનો તમારો અપ્રોચ કેવો છે એના ઉપર બહુ આધાર રહેલો છે. એટલે જ ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં ફોટો સાયકોલોજીનો અભ્યાસ શીખવવામાં આવે છે. મારા માટે બનારસ, સાધુ, સરકસ રસના વિષયો છે. અત્યારે હું ઇન્ડિયન સરકસ ઉપર પુસ્તક તૈયાર કરી રહ્યો છું. બનારસ તો મારા દિલ અને દિમાગમાં પહેલેથી વસી ગયું છે. 2001ની સાલના છેલ્લાં દિવસે હું બનારસ ફોટોગ્રાફી કરવા માટે ગયો હતો. સ્ટેશન પર ઊતર્યો ત્યારે બહાર દસ ફૂટ દૂર પણ માણસ ન દેખાય એટલો ફોગ હતો અને ઠંડી કહે મારું કામ. ચાલતો ચાલતો મણિકર્ણિકા ઘાટ ગયો. છાપું લીધું ત્યારે ખબર પડી કે, બનારસનો એ કોલ્ડેસ્ટ ડે હતો. ઘાટ ઉપર ચિતા સળગતી હતી. ઠંડીથી બચવા માટે એ ચિતા ઉપર હાથ શેકવા જ પડે તેમ હતાં. એ અગ્નિની જ્વાળા જોઈને મને થયું આ મૃત્યુ અને ચિતા એની ઉપર હાથને તાપવાનો સંજોગ કેવો છે? આ વિચાર પછી જ થયું કે, હું ફોટોગ્રાફી માટે ખોટી સિઝનમાં આવી ગયો છું. મનમાંથી કેમેય બનારસ અને સાધુ નીકળતાં ન હતાં. એ દિવસોમાં જ રઘુરાયે સાધુ અને બાવાઓની કરેલી ફોટોગ્રાફી ઉપર નેશનલ જ્યોગ્રાફીક ચેનલ પર એક કાર્યક્રમ આવી રહ્યો હતો. એ જોઈને મન પાછું બનારસ જવા બેતાબ બની ગયું. ‘’
હવે આપણે એક થ્રીલ્ડ વર્ડ ટૂર તરફ જઈ વિવેક દેસાઈની સાથે જઈ રહ્યાં છીએ.
બનારસ જવા માટે જે જીવને બેતાબી હતી એ વારો આવ્યો 2007ની સાલમાં. પત્ની શિલ્પાને બનારસની રિટર્ન ટિકિટ બતાવી અને કહ્યું આ નિર્ધારિત દિવસે હું પાછો આવી જઈશ. તું હા પાડે તો હું જાઉં. આ વાત જ્યારે વિવેકભાઈએ છેડી ત્યારે એમની પડખે બેઠેલાં શિલ્પાબેનના ખૂણા થોડા ભીનાં થયાં હોય એવું મને લાગ્યું. અમારી નજર મળી અને જાણે એમણે કહ્યું કે, હું નહોતી કહેતી કે, બનારસની વાત આવે એટલે તમને બીજો જ વિવેક દેખાશે.
વિવેકભાઈ અલાહાબાદ અર્ધ કુંભના મેળામાં પહોંચ્યાં. પણ ત્યાં ફોટોગ્રાફીનો ખાસ મેળ ન પડ્યો. એમને રસ હતો કે, બાવા-સાધુઓની દિનચર્યા કેવી હોય. એ કચકડે મઢવા મળેને તો મજા પડી જાય. આ મેળામાં એક સાધુએ એમને કહ્યું કે, આ તમામ પંથના સાધુઓ બનારસના કાશી વિશ્વનાથ મંદિરે શિવરાત્રિના દર્શન કરવા આવશે. ત્યારે તું ફોટોગ્રાફી કરી લેજે. શિવરાત્રિના શાહી સ્નાનની રાહ જોઈ. આ દિવસોમાં એક ઈઝરાયેલી યુવતી મળી યેલ. વિવેકભાઈ આજની તારીખે એવું માને છે કે, યેલ ગંગા મૈયાના સ્વરૂપે એમને મદદ કરવા માટે જ જાણે ભારત આવી હતી.
બહાર વરસાદ વરસી રહ્યો હતો અને અહીં વિવેક દેસાઈની આંખે જાણે એ સ્મરણો વરસી રહ્યાં હતાં. વિવેકભાઈ કહે છે, "સાધુઓની તસવીરો પાડતો હતો ત્યાં એક સાધુ ઘાટના પગથિયાં ઊતરી રહ્યાં હતાં. એમની તસવીરો લેવા માંડ્યો. એમને જેવી ખબર પડી કે, એ સાધુ ઉઘાડી તલવારે મારી પાછળ પડ્યાં. થોડે દૂર રહેલી યેલને કહ્યું ભાગ... એ પછી એક ગુજરાતી સાધુ મળ્યો. એણે કહ્યું કે, તમે જૂના અખાડાના પ્રાણગિરી સ્વામીને મળો. એમને મળ્યો. પહેલી નજરે એમણે દાદ ન આપી. હરિશ્ચંદ્ર ઘાટ પાસે એમણે મારી વાતને અવગણી નાખી. પછી મેં કહ્યું કે, તમે જેમ સાધના કરો છોને એમ મારા માટે મારો કૅમેરો અને મારી ફોટોગ્રાફી સાધના જ છે. આ વાત સાંભળીને એમણે મારી આંખોમાં જોયું. સહેજ વાર અટકીને કહ્યું, અમારી સાથે રહેવું હશે તો આ કપડાં કાઢી નાખવા પડશે. મેં કહ્યું કાઢી નાખીશ. પછી કહ્યું કે, ચરસ-ગાંજો પીવો પડશે. મેં કહ્યું કબૂલ. એમણે તરત કહ્યું, ચાલ બધાં કપડાં કાઢીને ગંગામાં સ્નાન કરીને આવ. દૂર બેઠેલી યેલ આ આખો સીન જોતી હતી. એણે મારી સામે ઇશારો કરીને કહ્યું, કીપ ઇટ અપ. હું કાંઠે કપડાં કાઢીને ગંગામાં નાહવા ગયો. ઠંડુંગાર ગંગાનું પાણી અને દિલમાં ઊછળતી હૂંફાળી ઊર્મિઓ ગજબનું કૉમ્બિનેશન હું ફીલ કરી રહ્યો હતો.
થોડીવાર પછી બધાં સાધુઓએ મળીને એક કુંડાળું કર્યું. એમાં બધાંની સાથે એ ગોળ કુંડાળામાં મને પણ બેસાડવામાં આવ્યો. ચલમ સળગાવી. જેની અંદર ગાંજો ભરેલો હતો. એક બાવાએ ચલમ સળગાવી અને એ ફરતી ફરતી મારી પાસે આવી. ચલમ કેમ પીવી એનું મને શિક્ષણ અપાયું અને પછી મારી આંખો સામે ચલમ ધરી દેવાઈ. મને થયું કે, આ ચલમ પીશ અને મને કંઈ થઈ જશે તો કૅમેરાનું અને મારી ફોટોગ્રાફીનું શું થશે? આંખો મીંચીને ચલમ પીધી. બે-ચાર ઉધરસ આવી પણ મેં ધાર્યું હતું એવું કંઈ મારી સાથે ન થયું. ફોટોગ્રાફી શરૂ કરી દીધી. હું બાવાઓ સાથે દિગંબર અવસ્થામાં ભળી ગયો એ વાતની યેલને ખબર હતી. જો કે, પહેલે દિવસે ફોટોગ્રાફી કરી એ પછી સમસ્યા એ થઈ કે, બેટરી પતી જશે અને કૅમેરાની અંદરનું કાર્ડ તસવીરોથી ફુલ થઈ જશે તો? અખાડાના મુખ્ય સાધુ એવા પ્રાણગિરી સાધુને વાત કરી એમણે કાર્ડની લેવડ દેવડ માટે કોઈને બોલાવવાની છૂટ આપી. મને તરત જ યેલ યાદ આવી. પણ આખા બનારસમાં યેલને શોધવી કેમ? મેં મારા એક મિત્રના ફૂડ જોઇન્ટ પર ફોન કર્યો. એને આ સમસ્યા કહી અને યેલને યાદ કરી. એ મિત્રએ કહ્યું આ રહી યેલ, મારી સામે જ તો બેઠી છે. ઈઝરાયેલમાં ડોલ્ફિનની ટ્રેનર એવી યેલ મારી જાણે તારણહાર બની રહી. હરિશ્ચંદ્ર ઘાટ પાસેના સ્મશાનની એક સાંકળી ગલીમાં યેલ આવતી અને કાર્ડ લઈ જતી. રોજ રાત્રે મને તસવીરો કેવી પાડી છે તેનો ફીડબેક આપતી. એ કાર્ડ લઈ જાય. બેટરી લઈ જાય અને કાર્ડ ખાલી કરી તેની સીડી બનાવે અને બેટરી તથા કાર્ડ પાછાં આપી જાય. પ્રાણગિરી સાધુની સૂચનાથી મને આઠેઆઠ દિવસ જરાપણ તકલીફ ન પડી."
હજુ બીજા અનુભવો કહોને....
વિવેકભાઈ કહે છે, "એટલી બધી વાતો છે કે, શું કહું અને શું ન કહું.. સાધુ-બાવાઓની મસ્તી. એમની એકબીજાંને પરેશાન કરવાની કેવી કેવી રીતો હોય એ તમામ વાતો મારી આંખોમાં જાણે ફિલ્મની પટ્ટીની માફક ફરી વળે છે. આખા શરીરે એક પણ કપડું ન હોય અને કડકડતી ઠંડીમાં તમને શરીરે ચોપડેલી અખાડાની ભભૂત રક્ષણ આપે એ વાત મેં અનુભવી છે. એ લોકો તાપમાં શેકેલાં બટેટાં ખાય તો એ ખાવાના, એ લોકો ફ્રૂટ ખાય તો એ ખાવાનું. એમની સાથે એમની જેમ જીવવાનું. એ લોકો એની સાધના કરતાં અને હું મારી સાધના કરતો. આઠ દિવસ થયાં. શિલ્પાને આપેલું વચન અને રિટર્ન ટિકિટ યાદ આવી અને એ અખાડાને તથા અઢળક યાદોને લઈને હું પાછો વળ્યો.
યેલ મારી એ દિવસોની સાથીદાર મને ગંગાધાટે મળી. અમે દોસ્તીનો- શ્રદ્ધાનો એક દીવો પ્રગટાવ્યો અને ગંગાની લહેરોમાં એ વહાવ્યો. ગૂંચળા ગૂંચળા જેવા સોનેરી વાળ સાથેની યેલનું પ્રતિબિંબ જ્યારે એ દીવાની જ્યોત સાથે ગંગા નદીમાં જોયું ત્યારે મને એ ગંગા મૈયાના સ્વરૂપથી કંઈ કમ નહોતી લાગી. યેલને જ્યારે મેં બાય કહ્યું ત્યારે એ રીતસર રડી પડી.
છેલ્લે દિવસે મેં જ્યારે અખાડામાં જવાની વાત કહી ત્યારે મને મારાં કપડાં પાછાં મળ્યાં. પાંચથી છ હજાર તસવીરો સાથે હું ઘર તરફ પાછો વળ્યો. હું ગયો ત્યારે મારી પાસે સાડા છ હજાર જેટલાં રૂપિયા હતાં. બધાં સાધુ બાવાની માફક હું પણ ત્રિપુંડ તાણીને બેસતો. શ્રદ્ધાળુઓ જે રૂપિયા આપતાં એ રૂપિયા સાડા છ હજારથી વધુ થયેલાં. પછી એ જો કે, દાનમાં આપી દીધાં. હું નીકળ્યો ત્યારે અખાડાના સત્તર સાધુઓ મને ઘાટ સુધી મૂકવા આવેલાં. નત મસ્તકે એમને વંદન કરીને હું નીકળી પડ્યો.
સ્ટેશન તરફ જઈ રહેલાં મારા એ કદમો અને મારા એ અસ્તિત્વને હું કંઈક જુદી જ રીતે અનુભવતો હતો. મને પોતાને જ એક જુદો જ વિવેક દેસાઈ મળ્યો હતો. હું શાંત થઈ ગયો હતો. મને જાણે જિંદગી જીવ્યાનો સંતોષ મળી ગયો હતો. મારી જિંદગીના માસ્ટર પીસ સમાન આ આખો અનુભવ રહ્યો હતો. નીચે ધરતી અને ઉપર આકાશ મારા જીવ સાથે શિવની જાણે સીધી કનેક્ટીવિટી થઈ હોય એવું મેં અનુભવ્યું. એવી કેટલીય વાતો છે જે વાતોમાં કે સંવાદમાં વ્યક્ત કરવી અઘરી છે. એવી કેટલીય સંવેદનાઓ અને સંસ્મરણો છે જે મારી અંદર જીવી રહ્યાં છે. એવું ઘણું બધું છે જે આજે પણ મારા રુવાડાં ખડાં કરી દે છે. યાદોનું ભાથું અને બનારસની એ ગંગા આજે પણ મને જાણે બોલાવતી હોય એવું લાગે છે...."
વિવેકભાઈ સાથેના આ મેરેથોન સિટીંગ બાદ શિલ્પાબેનને એક જ સવાલ કર્યો કે, તમને એવું લાગે કે આ માણસ સાધુ થઈ જશે તો?
શિલ્પાબેન કહે છે, "હા. આજે પણ એ બાવા-સાધુ અને અખાડાની વાતો કરે તો દિલના એક ખૂણામાં આ સવાલ સતત પજવતો રહે છે. જ્યારે એ અખાડામાં સાધુઓની વચ્ચે સાધુ બનીને રહેતો હતો ત્યારે પણ મારો જીવ પડીકે જ બંધાયેલો રહેતો. દિવસમાં એક વખત એકાદ મિનિટ માટે વાત થતી. ત્યારે મનમાં અનેક સવાલો ઊઠતાં પણ એ પૂછતાં મારી જીભ ન ઊપડતી. જ્યારે એ બનારસથી સુરત ઊતર્યો અને મને મળ્યો ત્યારે દૂરથી એને જોયો તો મને બહુ દૂબળો લાગ્યો. એ મારી નજીક આવ્યો એની આંખોમાં મેં જોયું તો એ વિવેકની આંખોની ચમક કંઈક જુદી જ હતી."
વિવેકભાઈને પૂછ્યું કે, તમને ક્યારેય ત્યાં હતાં ત્યારે સાધુ બની જવાનું મન થતું હતું?
વિવેકભાઈ કહે છે, "ના. કેમકે હું ફોટોગ્રાફર હતો. એમની સાથે એમની જેમ રહેતો હતો પણ મને મારું કર્મ ખબર હતું. તાંત્રિક અને અઘોરીઓ સાથે બેસતો ત્યારે ઘણું જાણવા મળતું. એક અઘોરીએ તો એક સાંજે નદીમાંથી મડદું એના પોતાના પગ પાસે બોલાવ્યું હતું. મારી સામે એની આંખો કાઢી નાખી. ધડથી માથું અલગ કર્યું અને માંસના લોચા કાઢીને એ ખોપડીને નદીના પાણીમાં ધોઈ. ધડને પાછું નદીમાં મોકલી દીધું. આ અને આવી અનેક ઘટનાઓ વખતે એમની પદ્ધતિ મને જોવા મળી. પણ મને ફોટોગ્રાફર તરીકેની મારી મર્યાદા અને એ પાતળી ભેદરેખાની ખબર હતી એટલે મેં મારી ફરજ નીભાવી."
પતિની પાડેલી તમામે તમામ તસવીરો શિલ્પાબેને બહુ ધ્યાનથી જોઈ અને જે જે તસવીર બહુ સરસ હતી તેના વખાણ પણ કર્યાં. આ અનુભવના થોડા દિવસો બાદ પસંદ કરેલી જૂજ તસવીરોનું એમણે પ્રદર્શન યોજેલું. એ આજે પણ અમદાવાદના લોકો યાદ કરે છે. એક થ્રિલીંગ એક્સપીરિયન્સની અનેક યાદો એ આઠ દિવસમાં વિવેકભાઈને મળી છે. શિલ્પાબેન પતિની વાતોમાં અને એમના અનુભવમાં દર વખતે એ જ તીવ્રતા અનુભવે છે. એકચિત્તે કોઈ ખલેલ વગર અમારી વાતોમાં કલાકો વીતી ગયાં.
વિવેક દેસાઈની સાધુ અને બનારસ નામની બુક આ વર્ષના અંતમાં આવી રહી છે. આ યુગલે અગાઉ 1960થી 2010 એમ સાઠ વર્ષની ગુજરાતની તસવીરની દુનિયાને ગોલ્ડન ગ્લિમ્પસીસ ઑફ ગુજરાત પુસ્તકમાં કંડારી છે. ક્રિએટીવ પર્સનને એની ક્રિએટીવીટી ખીલવા દેવા માટે પૂરતી મોકળાશ આપવી એનાથી ઉત્તમ સાથ તો શો હોય શકે? પતિના એ અલગારીપણાંને સ્વીકારીને એને જવા દેવા માટે પ્રેમથી હા પાડવી એ સૌથી મોટો સપોર્ટ છે. શબ્દો અને ક્લિક ક્લિકનો સાથ અને સફર રોમાંચક છે. જીવ, શિવ અને કર્મ જાણે સાથે જીવી રહ્યાં હોય એવું લાગ્યા વિના ન રહે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર