નવવધૂ બાજુમાં હતી અને વરરાજા પરીક્ષાનું વાંચતા રહ્યા! -પ્રીતિ નીલેશ રૂપાપરા
'લગ્નની વિધિ થઈ ગઈ પછી વિદાયનો પ્રસંગ આવ્યો. કેટલો ઈમોશનલ માહોલ હોય અને નીલેશ બધાને કહે, જલદી કરો જલદી કરો... અમારે નીકળવું છે. વિદાય થઈ ગઈ અમે બધાં બસમાં બેઠાં. વરરાજો મારી સામે જોવાને બદલે કે મારી સાથે વાતો કરવાને બદલે ચોપડીમાં મોઢું ઘાલીને બેઠો હતો. આખા રસ્તે ખપ પૂરતી વાતો માંડ કરી. બસ મોડી પડશે તો પરીક્ષામાં બેસી નહીં શકાય. એટલે જાનની બસમાંથી ઉતરીને સુરત રેલવે સ્ટેશનથી ટ્રેન પકડીને મુંબઈ પહોંચ્યા. પોંખવાની વિધિ સાઈડ પર રહી અને વરરાજા કપડાં બદલીને ચાલ્યા પરીક્ષા આપવા...’ 1લી જૂન, 1989ના દિવસનો આ સીન યાદ કરીને પ્રીતિ નીલેશ રૂપાપરા હસી પડે છે. 1989મા વાંકાનેર છોડીને મુંબઈવાસી થયેલાં પ્રીતિબેનનો લહેકો હજુ પણ એવોને એવો કાઠિયાવાડી રહ્યો છે.
આજે વાત કરવી છે મુંબઈના એક અલગારી જીવ નીલેશ રૂપાપરાની. જેમની હું જુનિયર રહી ચૂકી છું. જેમણે મને ભૂતકાળમાં બહુ સ્નેહથી લેખનની શૈલી અને કૉલમ વિશે માર્ગદર્શન આપ્યું છે. તેઓ ‘ચિત્રલેખા’ સાપ્તાહિક સાથે સંકળાયેલા છે. નીલેશ રૂપાપરાની કોઈ વાત સ્પર્શી જાય તો એ છે કે, એ હંમેશાં શાંતિથી વાત કરે. મુંબઈની ધમાલભરી જિંદગી જાણે એમને બહુ અસર ન કરતી હોય એ રીતે આરામથી વાતો કરે અને ચર્ચા કરી શકે. અનેક નાટકો, સિરીયલો અને લેખો, નવલકથા તેમણે લખી છે. મુંબઈ નગરીમાં એમનું પોતાનું ટેનામેન્ટ છે. લેખન માટે એમની ખાસ નાનકડી રૂમ છે. જ્યાં એમની નવલકથાના પાત્રો ધબકે છે. જ્યાં અનેક ટેલિવિઝન સિરિયલોના પ્લોટ રચાઈ ચૂક્યા છે. જ્યાં તમને ખડખડાટ હસાવતાં અને રડાવતાં નાટકના પાત્રો જીવતા રહ્યાં છે. એક લેખકને જોઈએ એ તમામ વસ્તુઓ આ રૂમમાં મોજૂદ છે. નાનકડું ફ્રિઝ, કમ્પ્યુટર અને નાનકડી લાયબ્રેરી. વળી, તેની સાથે જોડાયેલી અગાસી પણ ખરી. અને એ પણ મુંબઈમાં…! લેખકને મન થાય ત્યારે ખુલ્લી હવામાં ચક્કર પણ મારી આવે.
અનેક પાત્રો જેના દિમાગમાં રોજ સળવળતાં રહેતાં હશે એ લેખકની પત્ની બનવું કંઈ સરળ તો નહીં જ હોય. પાત્રાલેખનમાં ખોવાયેલા લેખકના મૂડને સાચવવો અને સમજવો પણ નાનુંસૂનું કામ નથી.
લેખકની સફરની જરા વાત માંડીએ. મૂળ રાજકોટના પણ મુંબઈમાં જ જન્મીને મોટાં થયેલાં નીલેશ રૂપાપરા કોમર્સ ગ્રેજ્યુએટ થઈને એકાઉન્ટન્ટની નોકરી કરતા હતા. કાયદાશાસ્ત્રનો અભ્યાસ કરવા માટે સાંજે લો કૉલેજમાં જાય અને સવારે નરીમાન પોઈન્ટની ઓફિસમાં એકાઉન્ટન્ટની નોકરી કરે. કૉલેજમાં એમના સહાધ્યાયીઓ એટલે સંજય છેલ અને રાજુ પટેલ. એક્ટિંગ, લેખન અને ડિરેક્શનનું ભૂત તો ત્યારથી જ સવાર હતું. પપ્પા રતિલાલ ભાવસારને લોન્ડ્રીની દુકાન. કોઈક વાર ત્યાં બેસવાનું થાય તો પણ જીવ વાંચવામાં જ હોય. વાંચવાનો શોખ એમને વારસામાં મળ્યો છે. લેખન તરફનું આકર્ષણ પત્રકારત્વમાં લઈ આવ્યું. ‘સમકાલીન’ દૈનિકમાં પરીક્ષા પાસ કરીને ડેસ્ક વર્ક સ્વીકાર્યું. સમકાલીનમાં પરીક્ષા આપી એમ જ કહેવાય કેમ કે, ત્યાં કોઈ પણ નવયુવાન જાય એટલે સમકાલીનના તંત્રી હસમુખ ગાંધી એની પાસે અનુવાદ કરાવે. નીલેશ રૂપાપરાને પણ એક તાર આપેલો હતો અનુવાદ કરવા માટે. વળી, બીજી વખત પણ ટેસ્ટ આપવા બોલાવ્યા. ચાર વર્ષ સમકાલીન ત્યારબાદ ‘ઈન્ડિયા ટુડે’ મેગેઝિન, એ પછી ‘અભિયાન’ મેગેઝિનમાં તેમણે કામ કર્યું. ચિત્રલેખા ગ્રૂપના સિને મેગેઝિન ‘જી’ માં કામ કર્યું. ત્રણ ભાષાઓમાં નીકળતા જી મેગેઝિનના તેઓ એડિટર હતા. ‘જલસા કરો જયંતીલાલ’, ‘કારણકે હું પ્રેમ કરું છું’, ‘તું છે લાજવાબ’, ‘મંજુલા મારફતિયા વીથ બીએ ગુજરાતી’, ‘છાનું રે છપનું કંઈ થાય નહીં’ મળીને કુલ 14 નાટકો લખ્યાં. ઘણાંખરા નાટકોમાં અસલમ પરવેઝ એમના જોડીદાર રહ્યા છે. નાટકની દુનિયાના મિત્રો નીલેશ રૂપાપરા અને અસલમ પરવેઝની જોડીને સલીમ-જાવેદની જોડી કહીને ચીડવતાં. ‘મહેકનામા’ નવલકથા ‘દિવ્ય ભાસ્કર’ના જ સાંધ્ય દૈનિક ડીબી ગોલ્ડમાં બાર હપતે છપાઈ હતી. જેને મહારાષ્ટ્ર-ગુજરાત સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો છે. ‘બાલવીર’, ‘ખીડકી’, ‘સજન રે જૂઠ મત બોલો’, ‘પાપડ પોલ’ના થોડાં એપિસોડ્સ, ‘આર.કે. લક્ષ્મણ કી દુનિયા’, ‘અલવિદા ડાર્લિંગ’, ‘હમ સબ હૈ અનાડી’, ‘ડોન્ટ વરી હો જાયેગા’, ‘કમલ’, ‘કહીં તો મિલેંગે’ જેવી સિરીયલો તેમણે લખી છે. ‘છલનાયક’ નામની તેમની નવલકથા હજુ થોડાં સમય પહેલાં જ ‘દિવ્ય ભાસ્કર’ની રસરંગ પૂર્તિમાં છપાઈ અને પૂરી થઈ.
તંત્રી, ડેસ્ક વર્ક, રિ-રાઈટીંગ, નાટક, સિરીયલથી માંડીને અનેક ક્ષેત્રોમાં પોતાની કલમ અજમાવનાર નીલેશ રૂપાપરાના પત્ની પ્રીતિબહેન મૂળ વાંકાનેરના છે. પતિના લેખનનો એમને ભારોભાર ગર્વ અને આદર છે. ગમે તે થાય પતિની લેખનક્રિયામાં કોઈ અડચણ ન આવવી જોઈએ એ એમનો પહેલો નિયમ છે.
એકદમ વાચાળ આંખોવાળા પ્રીતિ રૂપાપરા કહે છે, ‘લગ્ન થયાં ત્યારે તો એટલી જ ખબર હતી કે, નીલેશ પત્રકાર છે અને પિયરમાં તો બધાં એવું જ સમજતાં કે એ છાપાવાળાં છે! લગ્નની શરૂઆતના ગાળામાં લેખનની દુનિયા કેવી હોય એ વિશે તો બહુ ખબર ન હતી. વળી, નીલેશનું કંઈ વાંચુ અને ન સમજાય તો મારી તો પૂછવાની હિંમત પણ ન થતી. વાંકાનેર જેવા નાનકડાં ગામડાંમાથી સીધી મુંબઈ! નવું અને મોટું શહેર અને બીજા બધાં પ્રોફેશન કરતાં અલગ લાઈનમાં નોકરી કરતો પતિ. ધીમેધીમે ગોઠવાતું ગયું. આજના સમયની વાત કરું તો નીલેશનું લગભગ તમામ સર્જન હું વાંચુ છું.’
નીલેશભાઈ કહે છે, લેખન પણ ધીમેધીમે કેળવાતું રહે છે. સગાઈ અને લગ્ન વચ્ચેના બે વર્ષના ગાળામાં પ્રીતિને લેટર્સ લખેલાં. એમાં ફિલ્મી ગીતો જેવી કવિતાઓ લખી હતી.
અગાઉ હું રાતના સમયે મોડે સુધી લખતો. પણ છેલ્લાં ત્રણેક વર્ષથી દિવસના ભાગે ફીક્સ સમય 11થી 6 વચ્ચે લખું છું. સિરીયલ લખવા માટે કે નવલકથાનો એક એપિસોડ લખવા માટે ખાસી એવી મહેનત કરું. એક એપિસોડ લખવા પાછળ ઘણી વખત બહુ સમય પણ જાય. સિરીયલનું લેખન અંગ્રેજીમાં હોય જ્યારે નવલકથા અને બીજું લેખન ગુજરાતીમાં લખું. દરેક લાઈન અને દરેક શબ્દ એક નહીં અનેક વખત વાંચુ અને સૌથી બેસ્ટ શબ્દો ક્યા હોય શકે એ વિશે વિચારું, સતત વિચારું અને મારુંને મારું લેખન રિ-રાઈટ કરું.’
પ્રીતિબહેન કહે છે, ‘અમારા ઘરમાં, પરિવારમાં અને ફ્રેન્ડ સર્કલમાં નીલેશની લખેલી તમામ સિરીયલો વિશે હું બહુ વાતો કરું. સિરીયલમાં કે નવલકથામાં ક્યારેક મારી જરૂર પણ પડે એમને!’ નીલેશભાઈ સામે હસીને એ કહે છે, ‘મને પાત્રો અને સિચ્યુએશન સમજાવી દે પછી મને પૂછે કે, હવે બોલ આ પાત્રને ખીચડી કે ઢોકળાં બનાવવા છે તો કેવી રીતે બનાવી શકાય? આ ઉપરાંત ઘરને લગતી કોઈ વાતનું આલેખન કરવાનું હોય ત્યારે નીલેશનો પહેલો સોર્સ ઓફ ઈન્ફર્મેશન એટલે હું. નીલેશને લખવાનું હોય ત્યારે એના ચા-પાણી, નાસ્તાના કે આરામ કરવાના સમયને સાચવવાનું કામ મારું. હું એના લેખનમાં જરા અમથી પણ અડચણ ન આવે એનું ધ્યાન રાખું. દીકરા પલાશ કે દીકરી કથાને પણ કહી રાખું કે, પપ્પા લખવા બેઠાં છે એટલે અવાજ નહીં કરવાનો.’
નાટકો અને સિરીયલોના લેખનમાં શું ફરક છે અને શું ધ્યાન રાખવું જોઈએ? નીલેશ રૂપાપરા કહે છે, ‘નાટક જિંદગીને નરી આંખે જોવાનો અને અનુભવવાનો વિષય છે. શબ્દ મર્યાદા ખૂબ જ રહેલી છે. તમે તમામ ચીજો સ્ટેજ ઉપર ન બતાવી શકો. તમારા શબ્દોની તાકાત તેમાં રિફ્લેક્ટ થવી જોઈએ. મારામારીનું દૃશ્ય હોય, પર્વત હોય કે એલિયન હોય તમે એને સ્ટેજ ઉપર શબ્દોથી જ તાકાતવાન અને કન્વીન્સીંગ રીતે બતાવી શકો. તમામ વસ્તુઓને અને દુનિયાને સંવેદના અને શબ્દો વચ્ચે ઊભી કરવી પડે. સિરીયલ લખવી એ દૂરબીનને આંખે લગાવીને જિંદગીને જોવા જેવું કામ છે. શબ્દોની તાકાત તેમાં ચોટડૂક રહેવી જોઈએ. બીજું સિરીયલમાં તમારી પાસે ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમની તાકાત રહેલી છે. સિરીયલનો એકએક એપિસોડ અનેક ડ્રાફટ લખાય પછી બનતો હોય છે. સિરીયલમાં ઈકોનોમી ઓફ વર્ડ ચાલે. જેને હાવભાવ અને અભિનયનો સપોર્ટ મળે છે. અલબત્ત નાટક અને સિરીયલ બંનેમાં ટીમ વર્ક રહેલું છે. શબ્દોની તાકાતની વાત કરું તો નાટકમાં લેખક પણ સૌથી વધુ મહત્ત્વનું પાત્ર રહે છે.
મેં સૌથી પહેલી સિરીયલ લખી અને થોડાં સમય પહેલાં સિરીયલ લખી એ દરમિયાનમાં હું પોતે પણ ઘણું બધું શીખ્યો છું. વિઝ્યુલ મીડિયામાં શબ્દો દ્વારા ક્રાફટને રજૂ કરવાનું શીખ્યો છું. હિંદી અને અંગ્રેજીમાં લખવું સરળ છે પણ ગુજરાતીમાં લખવું અઘરું છે.’
આ વાત સાંભળીને હું જરા ચોંકી ઊઠી. મારી આંખોમાં સવાલ પામીને નીલેશભાઈએ કહ્યું કે, ‘ગુજરાતી ભાષામાં મારી પાસે એક જ વાતને રજૂ કરવા માટે દસ-પંદર શબ્દોનો વૈભવ છે. ક્યો શબ્દ વાપરું તો બેસ્ટ રહેશે એ વિચારો મનમાં હાવી થયેલાં રહે. શબ્દો માટે જદોજહદ રહે. આપણાં ઘરેથી કોઈ વખત બહાર જમવાનું નક્કી કરીએ અને પંદર વીસ ઓપ્શન હોય અને પપ્પા એવું કહી દે કે, ફલાણી હોટેલમાં જ જમવાનું છે આ એના જેવું છે. સિરીયલ લખતી વખતે શું કરવું જોઈએ એના કરતાં શું ન કરવું જોઈએ એનો અનુભવ વધુ મળ્યો છે.’
આજની નવી પેઢીના રાઈટર્સ માટે નીલેશભાઈ કહે છે, ‘નવી પેઢીનું વાચન બહુ ઓછું છે. ખૂબ ખૂબ વાચન કરવું જરુરી છે. આ ફેમ અને ગ્લેમર વર્લ્ડ જોઈને અહીં આવી તો જવાય છે. પણ એ પહેલાં જરૂરી છે કે, તમે તમારી કરિયર માટે અંદરથી અને અંતરથી કેટલાં સ્પષ્ટ છો. શું કામ લખવું છે અને શા માટે લખવું છે એ ક્લિયારિટી બહુ જ જરૂરી છે.’
નીલેશભાઈ કહે છે,’સિરીયલ હોય કે નાટક હોય, સર્જન ભલે મારા નામે ચડતું હોય પણ પરિવારજનોનો સાથ અને સહકાર ન હોય તો કંઈ જ શક્ય ન બને. ઘણી વાર આપણે આપણી સાથે જોડાયેલાં લોકોના સાથને જ નજર અંદાઝ કરતાં હોઈએ છીએ. પણ હું મારા કિસ્સામાં એટલું કહીશ કે પ્રીતિનો સાથ અને સહકાર મારું ઘણું બધું કામ અને જવાબદારીઓ આસાન કરી નાખે છે. જિંદગીના દરેકેદરેક તબક્કે એ મારી સાથે ઊભી રહી છે. મારા બાપુજીએ ઘરમાં એવું કહેલું કે, નીલેશ લખતો હોયને ત્યારે એને હેરાન નહીં કરવાનો. આ વાત પ્રીતિએ આત્મસાત કરી લીધી છે.’
અત્યારે નીલેશભાઈ હિસ્ટ્રી વાંચવામાં ગળાડૂબ છે. સિરીયલ અને નવલકથા લખવામાં એમની સારી હથોટી છે પણ એમને ગમે છે વાર્તાઓ લખવી અને કવિતાઓ લખવી. જો કે, નાટકોના પ્રીમિયર વખતે કે આખો પરિવાર સાથે જ જાય. પ્રીતિબહેન કહે છે, ‘નાટક જોઈને જે સાચું લાગે એ બેધડક કહી દઉં છું. ન મજા આવી હોય તો પણ કહી દઉં. ખોટાં વખાણ નથી કરતી.’
પ્રીતિબહેન બહુ સહજતાથી છેલ્લે ઉમેરે છે કે, ક્રિએટીવ વ્યક્તિને સાચવવું થોડું અઘરું કામ છે, એમનો મૂડ સાચવી લેવો પડે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર