હાસ્યની સરવાણીનું મૂળ પરિવારમાં છે- દિપાલી પ્રશાંત દવે
દિપાલી પ્રશાંત દવે.
આ નામ જરાપણ જાણીતું નથી લાગતું ખરુંને?
પ્રશાંત દવે નામના કોઈ લેખક નથી, પ્રશાંત દવે નામના કોઈ કલાકાર નથી, પ્રશાંત દવે નામના કોઈ કવિ પણ નથી. તો પછી આજે સર્જકના સાથીદારમાં દિપાલીબેન શું કરે છે?
હવે, સસ્પેન્સ ખોલી જ દઉં…
આજે વાત છે, દિપાલી સાંઈરામ દવેની.
સાંઈરામ દવે. બસ આટલી જ ઓળખ આમ તો કાફી છે. આ લેખ વાંચનારા અનેક લોકોને તો આજે ખબર પડશે કે, સાંઈરામનું ખરું નામ તો પ્રશાંત છે.
રાજકોટના સૌરાષ્ટ્ર કલાકેન્દ્રમાં સાંઈરામનો માળો વસે છે. રાજકોટની નચિકેતા સ્કૂલ સિસ્ટમમાં જેનો પ્રાણ વસ્યો છે એ સાંઈરામ દવેના જીવનસંગીની દિપાલીની વાત લઈને આજે આવ્યાં છીએ. લોકોને ખડખડાટ હસાવતા, સરસ મજાના ભજનો ગાઈને લોકોને ડોલાવતા સાંઈરામ દવેનો હાસ્યનો ખજાનો એના ઘરમાં પડ્યો છે.
દિપાલી ત્રિવેદી મૂળ તો જેતપુર ગામના વતની. સાંઈરામની સાથે તબલાં પર સંગત કરતા જીતુભાઈ સોનીની નજરમાં સાંઈરામ હતા. એમણે દિપાલીના ઘરે વાત નાખી કે, અમારો પ્રશાંત દવે છે. સરકારી નોકરી કરે છે અને કાર્યક્રમો પણ કરે છે. તમારી દિપાલીનું સગપણ કરવું હોય તો પરિવાર સારો છે. એ જ દિવસે દિપાલીના ઘરે કેબલમાં સાંઈરામના કાર્યક્રમનો વીડિયો જોયો.
દિપાલી દવે કહે છે, ‘પ્રશાંતનો વીડિયો જોઈને મને પહેલી જ નજરે એવું થયું કે, આની સાથે જિંદગી વીતાવવા મળે તો મજા આવે.’
જેતપુરમાં એક કાર્યક્રમ હતો એ પૂરો કરીને સાંઈરામ દવે ભાવિ પત્નીના ઘરે જોવા માટે ગયાં. એ પહેલાં બંનેએ કેટલાંક પાત્રોને જોયા હતાં. પણ યોગ્ય વ્યક્તિની રાહમાં હતાં આ બંને. એકમેક માટે સર્જાયા હોય એમ આ પાત્રો મળ્યાં. બંને વચ્ચેનો સંવાદ કંઈક આવો હતો.
ઝંખના ત્રિવેદી અને પ્રશાંત દવે વચ્ચે મધરાતે મુલાકાત થઈ. બંનેએ પહેલી જ નજરમાં એકબીજાંને પસંદ કરી લીધાં હતાં.
વળી, તમને એમ થશે કે, દિપાલીમાંથી ઝંખના ક્યાંથી આવી ગઈ?
દિપાલીબેનનું પિયરના ઘરમાં નામ ઝંખના જ હતું. પણ પ્રશાંત મતલબ કે આપણા સાંઈરામના ઘરમાં આ નામ બોલવામાં વડીલોને અઘરું પડે એમ હતું એટલે એમનું લગ્ન પછી નામકરણ થયું દિપાલી. જો કે, ઘરના બધાં એમને દીપુ કહીને જ બોલાવે છે.
તો ઝંખનાને પ્રશાંતે કહ્યું કે, ‘હું તને બંગલો આપીશ, ગાડી આપીશ, બધું જ આપીશ. બસ, તું મને સાથ આપજે. સુખ-સગવડ આપવામાં હું ક્યાંય પાછીપાની નહીં કરું. અને હા, જિંદગીમાં હું કોઈ દિવસ મારી દાઢી નહીં કઢાવું. દાઢી સાથેનો મારો ચહેરો પસંદ હોય તો જ હા કહેજે. આ જ મારી પહેલી અને એકમાત્ર શરત છે.’
આ વાત કરતી વખતે સાંઈરામ એની સેન્સ ઓફ હ્યુમરને રોકી નથી શકતાં. એ કહે છે, ‘ દીપુને ભલે મેં એવું કહ્યું હોય કે, હું તને બધું જ આપીશ પણ ત્યારે મારી પાસે કંઈ ન હતું. આપણે તો કહી દીધું. આપણી માથે આપણને દુનિયા કરતાં વધુ ભરોહો હો બેન....’
સામીબાજુ ઝંખનાએ એક જ વાક્ય કહ્યું, ‘મારે તો લગ્ન કરીને ગૃહિણી બનવું છે.’
બસ આ એક વાતે પ્રશાંતનું દિલ એણે જીતી લીધું. બ્રાહ્મણ પરિવાર એટલે કૂંડળી જોવાનું તો પહેલા આવે. દવે પરિવારના એક જ્યોતિષ કહે કે, આ દીકરી જો તમારા પરિવારમાં વહુ બનીને આવશે તો દીકરાની પ્રગતિ જ પ્રગતિ છે.
જ્યારે બીજા એક જ્યોતિષ આ સગપણમાં પડવાની ના પાડતાં હતાં.
ફાઈનલી ઝંખનામાંથી દિપાલી બનેલી દીપુના પગલાં પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવેના ઘરમાં પડ્યાં. જ્યોતિષની વાત સાચી પડી કે નહીં એ વાત માટે તો સાંઈરામની પ્રગતિનો ગ્રાફ જ આપણે જોવો રહ્યો.
જાહેર કાર્યક્રમોમાં સાંઈરામના પિતા વિષ્ણુભાઈને લગભગ બધાં જ લોકો ઓળખે. પણ સાંઈરામના પત્ની કોણ છે, એમના પરિવારમાં કોણ કોણ છે એ ભાગ્યે જ કોઈને ખબર હશે.
દિપાલી સાથે લગ્ન થયા એ પછી સાંઈરામની જિંદગીમાં દિવાળી જ દિવાળી આવી એવું લખીએ તો વધુ પડતું નહીં લાગે. દિપાલી દવે કહે છે,’પ્રશાંત સાથે લગ્નની વાત ચાલતી હતી ત્યારે એ વિદ્યા સહાયક તરીકે નોકરી કરતા હતા. એમનો પગાર હતો 2500 રૂપિયા. હું સાયકોલોજીની ગ્રેજ્યુએટ થઈ હતી. મારું સપનું એક સફળ ગૃહિણી બનવાનું જ હતું એનાથી વિશેષ મારી કોઈ મહત્ત્વાકાંક્ષા હતી જ નહીં. પ્રશાંતની પ્રગતિ મારું ગૌરવ છે. મેં તો પ્રશાંતનો કેબલમાં જે કેસેટ મૂકેલી એ પ્રોગ્રામ જ જોયેલો. લગ્ન પછી પહેલી વખત લાઈવ સાંભળ્યા. અમારા બંને દીકરાઓ ધ્રુવ અને ધર્મરાજ બંને પપ્પાનો કાર્યક્રમ જુએ ત્યારે એમના કહેલાં જોક્સ ઉપર ખડખડાટ હસી પડે છે.
અમારા લગ્નજીવનમાં સૌથી વધુ ટફ પિરિયડ આવ્યો ત્યારે પ્રશાંતનો સપોર્ટ મને બહુ રહ્યો. 2011થી 2015ની સાલ દરમિયાન મને કમરનો દુખાવો થતો હતો. વાત એમ હતી કે, મારા સાસુ સરોજબેનને વાની તકલીફ છે. 2011ની સાલમાં એમને પગમાં તકલીફ થઈ અને એ પડી ગયાં. ઘરમાં બીજું કોઈ ન હતું એટલે હું તો દોડીને એમની પાસે ગઈ. જમીન પર પડેલાં જોઈને મારો તો જીવ કકળી ગયો. કોઈ જ વિચાર કર્યાં વગર બે હાથે એમને તેડી લીધાં અને ઉંચકીને પલંગ ઉપર સૂવડાવ્યાં. ત્યારે તો હિંમત બતાવીને મેં મમ્મીને સાચવી લીધાં. પણ એ પછી મને જે દર્દ ઉપડ્યું એ ચાર વર્ષ સુધી રહ્યું.
હું સાવ પથારીવશ થઈ ગઈ. પથારીમાં પડખું ન ફરી શકું. મારી જાતે ચાલીને બાથરૂમના દરવાજા સુધી પણ ન જઈ શકું. કેટકેટલીય દવાઓ કરાવી પણ મને કોઈ જ ફાયદો ન હતો થતો. અનેકવાર નેગિટિવ વિચારો મનને ઘેરી વળતાં. મને મારો જીવ કાઢી નાખવાનો વિચાર પણ આવી જતો. આત્મહત્યાના વિચાર આવે ત્યારે મારું ઓશીકું ભીનું થઈ જતું. પ્રશાંત કાર્યક્રમોમાં બિઝી હોય. એક રાત્રે એ થાકેલાં ઘરે આવેલાં. મેં કહ્યું કે, પ્રશાંત મને મરી જવાના વિચાર આવે છે. હું હિંમત હારી ગઈ છું.
પ્રશાંતના ચહેરા ઉપર રીતસર થાક દેખાતો હતો. મારું દર્દ જાણે એની આંખોમાં ડોકાતું હતું. એની આંખોના ખૂણા ભીના થયાં. મને એટલું જ કહ્યું કે, જો હવે તું આ વરસના (2015)અંત સુધીમાં બેઠી નથી થઈ જા તો હું જાહેર કાર્યક્રમો મૂકી દઈશ. બસ તું હિંમત ન હાર.મારી જિદંગીની જીવાદોરી દીપુ છે. હું દીપુને પૂછતો કે, તું આત્મહત્યાની વાત કરે છે, તને મારો કે છોકરાંવનો વિચાર નથી આવતો?’
આ વાત કરતા કરતા આ દંપતી મારી સામે રડી પડ્યું. થોડી ક્ષણોના મૌન બાદ એમણે વાત માંડી.
ગામ આખાને હસાવતા સાંઈરામ દવે કહે છે,’ એ દિવસોમાં હું મહિનાના વીસ-વીસ દિવસ બહાર રહેતો. બધાંને હસાવી હસાવીને લોટપોટ કરી દેતો ત્યારે મારી અંદરનો પ્રશાંત બહુ રડતો. વારંવાર મારી આંખો સામે દીપુનો ચહેરો તરવરી જતો. એને કંઈ તકલીફ તો નહીં પડતી હોયને. બધાંને હસાવીને આવું ત્યારે મને એમ થાય કે તમે બધાંય હસો છોને પણ મારી દીપુ બહુ રડે છે, કણસે છે... ઘરે આવું અને જો દીપુ મજામાં ન હોય તો એને જૂના ગીતો સંભળાવું. એને મેરે સપનોં કી રાની કબ આયેગી તુ... આ ગીત બહુ ગમે છે. થાકેલો આવ્યો હોઉં પણ દીપુને નેગેટિવ વિચારો ઘેરી ન વળે એટલે પહેલાં તો ઢગલાબંધ જોક્સ સંભળાવું અને પછી હારમોનિયમ લઈને ગીતો સંભળાવું. એનું મન દર્દમાંથી ડાયવર્ટ થાય એ જ મારો પ્રયાસ હોય.’
દિપાલીબેન કહે છે,’મેં એ ચાર વરસમાં કેટલીયવાર પ્રશાંતને કહ્યું હશે કે હું મારી તબિયતથી થાકી ગઈ છું. હું મારી જાતે હલી પણ નથી શકતી. ત્યારે પ્રશાંતે હંમેશાં એવું જ કહ્યું છે કે, તું આજે જ ઊભી થઈ જવાની છે. એ જ્યારે આવું કહેતો ત્યારે મને એમ થતું કે, આને કેટલી શ્રદ્ધા છે કે હું બેઠી થઈ જ જઈશ. અને જુઓ આજે હું લગભગ ભૂલી જ ગઈ છું કે, હું કોઈ વખત આટલી બીમાર હતી.
પ્રશાંતની પોઝિટીવ વાતો અને ઘરના લોકોનો સપોર્ટ મને બેઠી કરી શક્યો છે. મારી દેરાણી ભૂમિ મારી પડખે જ રહી હતી. પ્રશાંત કાર્યક્રમોમાં હોય ત્યારે ભૂમિ મારી પાસે જ હોય. મારી આંખ ફરકે એમાં એ સમજી જાય કે મને શું જોઈએ છે.’
આ વાત ચાલતી હતી ત્યાં જ ભૂમિ કેતનભાઈ દવે લીંબું પાણી લઈને આવ્યાં. મેં તરત જ કહ્યું કે, તમારાં તો બહુ વખાણ કરે છે તમારી જેઠાણી....
ભૂમિબેન કહે છે,’અમે બંને સાયકોલોજીમાં બીએ થયેલાં છીએ. બંનેને બહેનો નથી. બંનેને એકબીજામાં અને અમારા દિયર અમિતભાઈની પત્નીમાં બહેનોથી વિશેષ કંઈ નથી દેખાતું. અમે બધાં એક જ ઘરમાં રહેવા માગીએ છીએ આ ઘરની એકતા જ અમારી તાકાત છે. પોતાના લોકો એકબીજાંને નહીં સાચવીએ તો બીજું કોણ સાચવે?’
પોતે જે કંઈ કર્યું છે એનો કોઈ જ ભાર રાખ્યા વગર ભૂમિબેન સરકી ગયાં. દિપાલીબેન કહે છે, ‘અમદાવાદના ડૉક્ટર સપન પંડ્યાની દવાથી મને સારું થયું. પથારીમાંથી બેઠી થઈ. જે દિવસે મારા પગ કોઈની મદદ વગર ધરતી ઉપર પડ્યાં એ દિવસે મારા ઘરમાં ઉત્સવનો માહોલ હતો. પગ મારાં ચાલતાં હતાં પણ એ ડગલાંનો આનંદ ઘરના દરેક સભ્યની આંખમાં હું સ્પષ્ટપણે વાંચી શકતી હતી.’
આ વાત કરીને એ જરા બીજી વાત કહે છે કે, ‘એ કિસ્સો બન્યા પછી મારાં સાસુ સરોજબેન મને કોઈ દિવસ એકપણ ભારે વસ્તુ ઉંચકવા નથી દેતાં. એ કહે છે, જ્યારે પણ એમની સામે હોઉં અને કંઈક ઉંચકવાનું આવે તો એ તરત જ રોકી લેશે. એ... દીપુ... તું રહેવા દે. હમણાં એમણે ની રિપ્લેસ કરાવી. એમને પડખું ફેરવવાનું હોય કે હાથ ઝાલીને રૂમમાંથી હૉલમાં બેસવા માટે લઈ આવવાના હોય તો મને તો ના જ પાડી દે. તારે મારું વજન નથી લેવાનું. માંડ સાજી થઈ છો...’ જો કે, હવે ની રિપ્લેસમેન્ટ બાદ સર્જકના સાથીદાર માટે હું આ પરિવારને મળવા ગઈ ત્યારે સરોજબહેન પોતાની જાતે ચાલતાં આવ્યાં એમનાં ડગલાં જોઈને સાંઈરામ તરત બોલ્યાં, મારી માવડી હાલવાનું શીખી રહી છે....
સાંઈરામે તરત જ વાત માંડી કે, ‘મારી પ્રેરણાનો સ્ત્રોત એટલે મારી મા અને મારી પત્ની. મને સ્ટેજ ઉપર જેમણે જોયાં છે એમને એવું જ થયું હશે કે, વાહ સાંઈરામ પણ નવા નવા જોક્સ લઈ આવે છે. પણ એ સેન્સ ઓફ હ્યુમર મને મારી મા અને મારી પત્નીમાંથી મળી આવે છે.’
તરત જ એક દાખલો આપીને સાંઈરામ કહે છે કે, ‘માનો કે કોઈ મહેમાન આવે અને આવીને મારા માટે પૂછે અને પછી હું ન હોઉં એટલે એવું કહે કે, લે... સાંઈરામ નથી?
મારી મમ્મીનો પહેલો જ રિપ્લાય એવો હોય કે, પ્રશાંત નથી પણ ઈ કાંઈ ઘર ભેગો નથી લઈ ગ્યો. ઘરમાં તો આવો...’
દિપાલી કહે છે, 'પ્રશાંત બધાને હસાવે છે. એને ઘણાં લોકો જોક્સ ફોરવર્ડ કરે છે. હું પણ કરું. જ્યારે એ એવું કહેને કે આ નવું છે ત્યારે મને મજા આવી જાય.
પ્રશાંત બહારગામ હોય અને બહુ બિઝી હોય ત્યારે અને મારો મૂડ કોઈવાર સારો ન હોય તો પ્રશાંત મારી હાલત કહ્યા વગર સમજી જાય. એમાં પણ જો હું વીડિયો કૉલમાં ઓનલાઈન ન થાઉં તો તો એ અચૂક સમજી જાય. જેવો મારો ચહેરો જુએ કે પહેલો સવાલ એ હોય, શું થયું? બસ થોડીવાર વાતો કરું એટલે બધું જ ભૂલી જાઉં. પછી મનોમન વિચારું કે, શું આ માણસ જાદુગર છે....?’
સાંઈરામ કહે છે, ‘મારા પ્રેરણાનો સોર્સની સાથોસાથ મારું સેન્સર બોર્ડ પણ ઘરના લોકો જ છે. કોઈપણ કાર્યક્રમમાં હું નવો જોક કહેવાનો હોઉં તો ઘરના લોકોને પહેલાં સંભળાવું. એ લોકો ઓકે કરે પછી જ વાત આગળ વધે. કોઈવાર કાર્યક્રમમાં નબળો જોક કહેવાઈ ગયો હોય તો ઘરે આવીને બધાંની વઢ પણ ખાવી પડે.
મારી નવી કેસેટ, સીડી કે બુક આવે તો એનું સૌથી પહેલું એનાલિસિસ મારાં પરિવારજનો કરે. ઓડિયો કે વીડિયો ફોર્મેટ પહેલી વખત ઘરના લોકો સમક્ષ આવે એટલે બધાં લોકો રીતસર કાગળ અને બોલપેન લઈને બેસે અને પ્લસ-માઇનસ પોઈન્ટ મને જણાવે. એ લોકોના તમામ રિમાર્ક્સ હું ધ્યાને લઉં અને બીજી વખત આવી ભૂલ ન થાય એનું ધ્યાન રાખું.’
પરિવારજનોની વાત નીકળી એટલે તરત જ સાંઈરામે પિતાની સામે નજર માંડી. વાતચીતનો દોર હાથમાં લીધો વિષ્ણુભાઈએ. વિષ્ણુપ્રસાદજી કહે છે,’મૂળ તો મારા પિતા કેશવજી દાદા અમરનગરના રાજવીના વૈદ્ય હતાં. એ સરકારી દવાખાનામાં નોકરી કરતા હતા. નિવૃત્ત થયાં ત્યારે એ રાજવી અમરાવાળા સાહેબ પાસે ગયાં. જઈને એમને કહ્યું કે, મને એક ભાર ખટારો આપો તો હું મારો સામાન લઈને બીજે ગામ રહેવા જાઉં. મારી નોકરી પૂરી થઈ. અમરેશ બાપુએ તરત જ એમને રાજના વૈદ્ય તરીકે નીમી દીધાં. એમને જતાં રોકી લીધાં. મારા પિતાજીએ ટેક લીધી હતી કે, જ્યાં સુધી કોઈ સાધુ-સંત કે ભગવાધારી ન જમે ત્યાં સુધી ઘરના કોઈએ મોઢામાં અનાજનો એક દાણો નહીં મૂકવાનો. આ ટેકની વાત નીકળી એટલે સાંઈરામે તરત જ કહ્યું કે, મને યાદ છે હું ગામમાં સાધુ-સંતને શોધવા જતો. કોઈ ઘરે ન આવે તો એમને થાળી આપવા પણ હું જતો. આ ટેક અમરનગર રહ્યાં ત્યાં સુધી પરંપરાની જેમ જળવાઈ.’
શિક્ષક તરીકે સરોજબેન અને વિષ્ણુભાઈ બંને નોકરી કરતાં. નોકરીની વાત કરતાં સરોજબેન કહે છે, ‘1975ની સાલમાં અમારાં લગ્ન થયાં. લગ્નને બીજે જ દિવસે પ્રશાંતના પપ્પા ભજન ગાવા નીકળી ગયાં. એ આકાશવાણી રેડિયોના ભજનીક હતાં. એ દિવસોમાં તો ભજનીકોનું માન પણ બહુ રહેતું. મહિનાના કેટલાંય દિવસો કાં તો એ ભજનના કાર્યક્રમમાં હોય કાં તો રેડિયો ઉપર રેકોર્ડિંગ માટે ગયા હોય. એકવાર હું ગોંડલના ડીઈઓ ત્રિવેદી સાહેબ પાસે કોઈ કામથી ગઈ હતી. બહુ નાની ઉંમર દેખાતી હતી અને મેં માથામાં સેંથો પૂરેલો હતો. ત્રિવેદીસાહેબે પૂછ્યું, એ છોડી તારાં લગન થઈ ગ્યા? શું કરે છે તારો વર? મેં તરત જ કહ્યું, હા લગન થઈ ગ્યા છે અને મારો વર તો ભજન કરે છે. એમને થયું કે, દીકરી કમાશે તો ઘરમાં જ કામ લાગશે. એટલે એમણે મને શિક્ષક તરીકે નોકરી અપાવી. તેર વર્ષ સુધી હું ગામમાં શિક્ષક તરીકે નોકરી કરતી હતી અને આખા ગામમાં નીકળું ત્યારે લાજ કાઢીને નીકળતી. કેમકે ત્યારે ગામડાં ગામમાં મોઢું ખુલ્લું રાખીને શેરીમાં નીકળવાની પ્રથા જ ન હતી. પછી મારી ગોંડલ બદલી થઈ. બે વર્ષથી તો રાજકોટ રહેવા આવી ગયા છીએ.
દીકરા સાંઈરામ સામે જોઈને એમણે કહ્યું મારે દીકરાને ભજનીક નહોતો બનાવવો. મને ડર હતો કે, બાવા-સાધુના સંગમાં આવીને ક્યાંક મારો દીકરો ચરસ અને ગાંજાના રવાડે ન ચડી જાય.’
વિષ્ણુભાઈ કહે છે,’હું બહુ નાનો હતો ત્યારે મને ભજન શીખવાડી દીધાં હતાં. 1985ની સાલમાં હું સાતમા ધોરણમાં ભણતો હતો ત્યારે અમરનગરમાં મેં લોકોની સામે સાત ભજન ગાયા હતાં. એ ભજનો ગાતો ત્યારે પપ્પા મને કહેતા કે, છેલ્લે હેજી... કહીને સૂર મૂકવાનો. સ્ટેજ ઉપર બેઠો હોઉં અને ખભા ઉલાળીને ના કહી દેતો કે હું આમ નહીં કરું. વળી, સહેજ મોટો થયો તો હું જોક્સ કહેતો અને ડાયરામાં જે પ્રકારે વાતો થાય એ પ્રકારે વાતો રજૂ કરતો. ત્યાં પણ પપ્પા અંચઈ કરતાં. મને ગણીને વીસ જોક્સ આવડતાં. પપ્પા સિનિયર એટલે એમનો વારો પહેલા આવે. એ બધાં જ જોક્સ કહી દે. મારો વારો આવે એટલે મારી આંખોમાં તો બોર બોર જેવડાં આંસુડા હોય. મારે માટે પરફોમ કરવાનું કંઈ બચતું જ નહીં. પપ્પા ત્યારે મને એમ કહેતાં, કે દીકરા આમાંથી જ શીખ અને નવું નવું શોધ. નહીં તો ફેંકાઈ જઈશ.’
વિષ્ણુભાઈ કહે છે, ’પ્રશાંતના ગળામાં પાંચ કાળીનો સૂર છે. મતલબ કે પંચમનો સૂર છે. એ વાતની મને ખબર હતી. એ બહુ નાનો હતો ત્યારથી મને એમ થતું કે મારો વારસો જાળવશે તો આ જ દીકરો’
આ બાજુ પિતાએ દીકરાને ભજનીક જ બનાવવો હતો. જ્યારે માતા એ કરિયરમાં બહુ રાજી ન હતાં. જો કે, સાંઈરામે ડિપ્લોમા એન્જિનિયરિંગનો અભ્યાસ કરીને વાપીમાં કેપેસિટર બનાવતી એક કંપનીમાં નોકરી લઈ લીધી હતી. સાત દિવસની તાલીમ લઈને એ ત્યાં હાજર થવાના હતા.
એ દિવસોના ઘરના વાતાવરણને યાદ કરતાં એ કહે છે, ’પપ્પા એક દિવસ એવું બોલી ગયા કે, મને કંઈ થઈ જાયને તો આ પેટી, વાજું અને બીજો સંગીતનો સામાન છેને એને ચોકમાં બાળી મૂકજો. બસ, આ એક ઘટનાને કારણે હું સંગીત અને ડાયરાની દુનિયામાં આવ્યો. મેં પપ્પાને કહ્યું કે, મારે તો લોકવાર્તા અને લોકસાહિત્યમાં આગળ વધવું છે. મને પપ્પાએ કહ્યું કે, તું જોખમી લાઇન તરફ આગળ વધી રહ્યો છે. ત્યાં પહેલેથી કેટલાક લોકોનું વર્ચસ્વ અને મોનોપોલી છે. તને આગળ નહીં આવવા દે. સાથોસાથ એવું પણ કહ્યું કે, હું ભજનની દુનિયાનો માણસ છું. મારું ઓડિયન્સ તને સ્વીકારી લેશે પણ જો તારી તાલીમમાં ભૂલ રહી જશે તો એ સ્વીકારમાં ક્યાંક ભૂલાઈ જશે. એટલે તે જે રસ્તો નક્કી કર્યો છે એમાં જ આગળ વધીએ. તારી ઓળખ તું જ બનાવ.’
પછી સાંઈરામે મમ્મીને કહ્યું કે, તેં કહ્યું એ રીતે હું ભણ્યો. મેં તને 1991થી 94 એમ ચાર વરસ તને આપ્યાં હવે 1994થી 98 પપ્પાને આપવા દે....
સાંઈરામ કહે છે, મારા પિતા સફળ માળી છે. એ માળીને ખબર હતી કે, એ વટવૃક્ષને ઉછેરી રહ્યાં છે. એટલે જ એમણે મને કોઈ દિવસ રોક્યો નથી. જો કે, એ જ્યારે ઓડિયન્સમાં બેઠાં હોય ત્યારે મને ખબર જ હોય કે ઘરે આવીને મને કહેશે, પ્રશાંત કાર્યક્રમમાં ભલે તને વાહવાહી મળી હોય. સફળ થયો હોય પણ આટલી આટલી જગ્યાએ તારી ભૂલ હતી. એમ કહીને મને ભૂલો ગણાવવા બેસી જાય. આજે પણ એમની આ કેળવણી મને કામ લાગે છે.
કોલેજના દિવસોની વાત પર આવેલાં સાંઈરામ કહે છે,’એ દિવસોમાં પીટીસી કોલેજમાં કોલેજ લેવલના પ્રોગ્રામ આપવાનું શરૂ કર્યું. મારા ગુરુ ડો. નલિન પંડિત અને ડો.કનુ કરકરે મને પ્રોત્સાહિત કર્યો. મિત્રોને પણ મારામાં ટેલેન્ટ દેખાઈ. એ પછી તો કોઈ અવસાન પામ્યું હોય ત્યાં મિત્રો પહોંચી જતાં. સ્મશાને જઈને નક્કી કરી આવે કે, ભજન ગાવા માટે અમારો મિત્ર મફતમાં આવશે, સફેદ ઝભ્ભો પહેરીને આવશે. તમારે ખાલી ઠાકર થાળ કરી દેવાનો. અવસાન પામેલી વ્યક્તિ પાસે જે રૂપિયાની થાળી હોય એ અમને મળી જતી. એમાંથી શરૂઆતના દિવસોમાં અમે ગાંઠિયા- ચાનો વેંત કરતાં. મારા ભજનનો ઠાકર થાળ મિત્રો બુક કરી આવે પછી એમાંથી કોઈ દોસ્તારનો નાઇટ ડ્રેસ આવતો તો કોઈના પુસ્તકો આવે તો કોઈને વળી એમાંથી ફી પણ ભરી દેતાં.’
કોલેજના દિવસોની યાદમાં ખોવાયેલાં પ્રશાંત ઉર્ફે સાંઈરામ દવે કહે છે, ’એ દિવસોની મજા અને ગાંઠિયાની જે મીઠાશ હતી એ આજે પણ દાઢે વળગેલી છે. ગાંઠિયાની વાત નીકળી એટલે એમણે તરત જ કહ્યું કે, મને તો મારા મિત્ર રશ્મિન શાહે લખતો કર્યો. પહેલો લેખ લખ્યો કાઠિયાવાડ –ગાંઠિયાવાડ. આ લેખ આજે પણ સોશિયલ મીડિયામાં ફરતો ફરતો મારી પાસે આવે છે. ‘મિડ-ડે’ અને ‘સંદેશ’ દૈનિકમાં કૉલમો પણ લખી. જો કે, હવે દીપુ કહે ત્યારે જ ફરીથી કૉલમ લખવાનું શરૂ કરીશ.’
મેં તરત જ નજર માંડી દિપાલીબેન સામે. દિપાલીબેન કહે છે,’એક તો પ્રશાંત કાર્યક્રમોમાં બિઝી હોય. કાર્યક્રમો પહેલાં સ્ક્રિપ્ટ લખવામાં એ એની જાતને રૂમમાં પૂરી દે. એમાં પણ જો લેખ લખવાનો હોય તો એમને કોઈ બોલાવે જ નહીં એ એટલાં પરોવાયેલાં હોય. મારી સાથે અને બાળકો સાથે રહેવાનો સમય આ લેખન ખાઈ જતું હતું. એટલે મને નહોતું ગમતું....’
સાંઈરામની અત્યાર સુધી 51 કેસેટ આવી છે અને દસ બુક્સ આવી છે. એમણે ‘હું દુનિયાને હસાવું છું’ એ પુસ્તક પત્ની દિપાલીને અર્પણ કર્યું છે. પિતા નાની મોટી ભૂલ કે ચૂકને યાદ કરાવીને દીકરાને પરફેક્ટ બનાવવા સતત મથતાં રહે છે. જ્યારે નાનોભાઈ અમિત એમની અપોઈનમેન્ટ ડાયરી જાળવે છે જ્યારે વચલો ભાઈ કિશન એમનું ફિલોસોફીનું સર્ચ એન્જિન છે. વેદ- ઉપનિષદની વાતો કિશન પાસેથી જાણવા મળે છે. જાહેર દુનિયામાં વ્યસ્ત રહેતાં સાંઈરામને ઘણી વખત ઘરના લોકો કેટલીક વાતોથી ઈરાદાપૂર્વક દૂર રાખે છે.
થોડાં વર્ષો પહેલાંની વાતને યાદ કરીને સાંઈરામ કહે છે,’ દીકરા ધ્રુવને કૂતરુ કરડ્યું હતું. મારો ભાવનગરમાં ટિકિટ શૉ હતો. એ શો શરૂ થયો એ પહેલાં જ આ ઘટના બની. ઘરના લોકોએ મને કહ્યું નહીં. સ્ટેજ ઉપર બેઠો અને એક ફોન આવ્યો. ડિસ્પ્લેમાં ડોક્ટરનું નામ હતું. એ વાંચીને મેં ફોન લીધો, એમણે કહ્યું કે, ધ્રુવની ચિંતા ન કરતાં એને ઇન્જેક્શન મારી દીધું છે. કૂતરાએ બહુ મોટું બચકું નથી ભર્યું. આ વાત ચાલતી હતી અને પડદો ખૂલી ગયો. આટલી વાત થઈ એમાં એટલી ખબર પડી કે દીકરાને કૂતરું કરડ્યું છે. પડદો ખૂલી ગયો એટલે મારે ફોન મૂકી દેવો પડ્યો. હું એકલો જ સ્ટેજ ઉપર એટલે બ્રેક લઈને મેસેજ કરવાનો પણ સવાલ નહોતો આવતો. જેમતેમ કાર્યક્રમ પૂરો કર્યો અને રાતે છેક બાર વાગા પછી હું દીકરાની હાલત વિશે સાચું જાણી શક્યો.’
પ્રોગ્રામના કમિટમેન્ટ વિશે સાંઈરામ કહે છે, ‘એકવાર હા પાડી દીધાં પછી હું ગૂજરી જાઉંને તો જ ન જાઉં બાકી કાર્યક્રમમાં ગયા વગર ન રહું.’
સાંઈરામ નામ વિશે સવાલ આવ્યો ત્યારે વિષ્ણુભાઈએ કહ્યું કે,’એક વખત હું મુંબઈ એક કાર્યક્રમમાં ગયેલો. ત્યાં સાંઈરામ ઐયર નામના ગાયક બહુ જ સરસ પરફોમ કરતા હતા. અમને બધાંને સાંઈબાબા ઉપર શ્રદ્ધા પણ હતી. વળી, પ્રશાંત નામ લોકસાહિત્ય અને ડાયરાની દુનિયામાં જામતું ન હતું. આથી મેં પ્રશાંતને નામ આપ્યું સાંઈરામ....એ પછી તો સાંઈરામ ઐયર એકવાર રાજકોટ કાર્યક્રમ આપવા આવેલાં. એમણે ઓડિયન્સને પૂછ્યું તમે મારા નામેરી કોઈને ઓળખો છો. તો આખું ઓડિયન્સ બોલી ઉઠ્યું સાંઈરામ દવે. એટલે સાંઈરામ ઐયરે મને ઓડિયન્સમાંથી ઊભો કર્યો કે, એ સાંઈરામના પિતા આપણી સામે બેઠાં છે.’
સાંઈરામ કહે છે,’મારા પપ્પા બહુ મોટા ભજનીક ખરાં. પણ જ્યારે કોઈ એમ કહેને કે આ સાંઈરામના પપ્પા છે ત્યારે મને એમ થાય કે, મેં પણ નામ કમાયું છે. પપ્પાની મહેનત ફળી છે એવું લાગ્યા વિના નથી રહેતું.’
સાંઈરામ દવેના ઘરે અમે બેઠાં હતાં ત્યાં જ ઘરમાં એક દીકરીની એન્ટ્રી થઈ. એ દીકરીએ પૂરા અઘિકાર સાથે સાંઈરામને વંદન કર્યાં અને સંબોધન કર્યું પપ્પા. દીપાલીબેનને મળીને કહ્યું, કેમ છે મમ્મી. એટલે તરત જ મારી આંખોમાં સવાલ ઉઠ્યો. એ દીકરીની સામે એકપણ શબ્દનો ખુલાસો આ યુગલે ન કર્યો. અમે જ્યારે એકલા પડ્યાં ત્યારે દિપાલીબેને કહ્યું કે, ‘એ પ્રશાંતના મિત્ર ગિરીશ શર્માની દીકરી છે. ગિરીશ શર્માએ વાતવાતમાં એક વખત પ્રશાંતને કહ્યું હતું કે, હું નહીં હોઉં ત્યારે આ દીકરીનું શું થશે? પ્રશાંતે ત્યારે એમને વચન આપેલું કે, હું આ દીકરીને આજથી મારી દીકરી માનું છું. એ પછીના થોડાં જ દિવસોમાં ગિરીશભાઈ અવસાન પામ્યાં. એમની દીકરી બરખા મોટી થઈ. એના લગ્ન લેવાયાં ત્યારે કન્યાદાન પણ અમે કર્યું અને એ પછી દીકરીના તમામ હક અને વાર-તહેવારમાં એનો વહેવાર અમે કોઈ દિવસ ચૂકતાં નથી.’ એ દીકરીની વાત કરતાં કરતાં દિપાલીબેનની આંખોના ખૂણા ભીના થયાં વિના નથી રહેતાં.
સાંઈરામ ઘરે હોય તો દીકરા ધર્મરાજને ગુજરાતી, ગણિત અને પર્યાવરણ ભણાવે છે. એમના બંને દીકરા ગુજરાતી માધ્યમમાં ભણે છે. ધર્મરાજ કહે છે, ‘હું એમ કહુંને કે પપ્પા પરીક્ષાની બીક લાગે છે. એટલે પપ્પા તરત જ કહે. એવું બીવાનું નહીં. તને બધું જ આવડી જવાનું છે. પપ્પા એવું સરસ સમજાવે કે મારે પછી વાંચવાની જરૂર જ ન પડે. એમના ભરોસાના બે શબ્દો જ મારામાં હિંમત ભરી દે છે.’
સાંઈરામ પત્નીના સાથ, સહકાર અને સપોર્ટ વિશે કહે છે કે,’ મારી કલાને સમજે અને એ કલાને મારી સાથે જીવેને એવું પાત્ર મને જોઈતું હતું. દિપાલી એવી જ વ્યક્તિ છે. જો મારી કલાના ટાઈટેનિક સાથે કલાને ન ઓળખતી વ્યક્તિ હિમશીલાની જેમ ભટકાઈ જાય તો કલા મરી જાય. કલા ડૂબી જાય. દિપાલીએ મને અને મારી કલાને જીવાડ્યો છે. પપ્પાએ મારા માટે જે સપનું જોયું હતું એ મેં સાકાર કરી બતાવ્યું પણ મને જાળવવો અને સંભાળવો અઘરો છે. એ ડેડિકેશન દિપાલીનું છે. એનો તમામ શ્રેય દિપાલીને જાય છે.’
આટલું બોલી પ્રશાંતે દિપાલીની સામે જોયું. દિપાલીની નજર તો પહેલેથી જ એની સામે હતી, બંનેની આંખોએ નજરની અનોખી ભાષાથી એક ક્ષણમાં ન જાણે કેટકેટલી વાતો કરી લીધી...
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર