અડધી રોટલી અને અડધી પંક્તિની જુગલબંદી

29 Jun, 2017
12:00 AM

જ્યોતિ ઉનડકટ

PC: khabarchhe.com

બે અલગ-અલગ સ્વભાવના વ્યક્તિની જુગલબંદી કેવી હોવાની?

અનેક સવાલો ઉપજાવે તેવી.

છતાંય બેમાંથી એકેય પાત્રને કોઈ ફરિયાદ કે કંઈ ખૂટતું ન હોય એવું લાગે અને ક્રિએટિવિટી એની ચરમસીમાએ હોય તો કંઈક જુદી જ દુનિયા વસતી હશે એવું આપણને લાગે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં એકદમ સિમ્પલ ઘર છે આ કવિનું. જેમાં વસ્તુઓની સંખ્યા કરતા પુસ્તકોની સંખ્યા સૌથી વધુ છે. એક એક પુસ્કત આ કવિએ બહુ મહેનત કરીને રૂપિયા કમાઈને વસાવ્યું છે. પાંચ હજાર પગાર હતો ત્યારે વરસે આઠ હજારના પુસ્તકો ખરીદવામાં આ કવિનો જીવ જરાપણ કોચવાતો ન હતો. મહેનત… શ્રમ... મજૂરીમાં બાળપણ વીત્યું. એ માટીનો માણસ શબ્દોને એવા મહેકાવે છે કે એની રચનાઓ ઉપર આફરીન પોકારી જવાય. 

એકદમ સૌમ્ય અવાજ સાથે આ કવિએ મને આવકારી. નક્કી કરેલાં સમય કરતાં પાંચેક મિનિટ મોડું થયું તો તરત જ ચીવટ સાથે એમણે ફોન કર્યો. તમે ક્યાંય અટવાયાં તો નથીને? પલંગ ઉપર સૂતેલો સાડા ત્રણ વર્ષનો દીકરો પપ્પાના મોબાઈલ પર ગેમ રમવામાં વ્યસ્ત હતો. એને પૂછયું તારું નામ શું છે? એકદમ ઉંચા સૂરમાં એણે કહ્યું, અર્થ અનિલ ચાવડા. 

અચ્છા, તું સ્કૂલે જાય છે? 

હા.

કક્કો આવડ્યો? 

થોડો ઘણો...

તું કવિતા લખે છે? 

ખડખડાટ હસીને કહે છે, એ તો પપ્પા લખે છે.

મજાની વાત એ લાગી કે, સાડા ત્રણ વર્ષના એ ટેણિયાને પણ પપ્પા કવિ છે એ વાતની ખબર છે. 

નાનપણથી જ લખવાનું શરૂ થઈ ગયેલું આ કવિનું. કોલેજ સુધીમાં તો પાંચસો-છસો કવિતાઓ લખી નાખી હતી. પછી છંદ અને કવિતા લખવાની સ્ટાઇલ તેમણે શીખી. દસમા ધોરણમાં સાથે ભણતા ગણપત નામના મિત્રની પત્નીને ગણપતના નામે અનિલભાઈ પત્રો લખી દેતા. જેમાં કવિતા અને પ્રેમપત્ર ટાઇપનું વર્ણન તેઓ બહુ દિલથી કરતા. એ ગણપતભાઈના પત્નીને હજુ બે વર્ષ પહેલાં ખબર પડી કે, એમને જે પત્રો આવતા એ તો અનિલ ચાવડા પતિ ગણપતના નામે લખતા હતા. એ પછી આ મિત્રપત્નીએ અનિલભાઈ સાથે મીઠો ઝઘડો કર્યો. 

કવિની અંદર શબ્દો તો જીવતાં જ હતાં. સમય આવ્યે એને આકાર મળ્યો. જો કે, આજે પણ એમના પત્ની પતિને પૂછી નથી શકતા કે, તમે હોઠ ફફડાવો છો તો કઈ કવિતા મનમાં રમે છે? કવિ એવું માને છે કે, કાચાં માટલામાં પાણી ભરોને તો એ માટલું ઓગળી જાય. મારો વિચાર કાચાં માટલાં જેવો છે. એને મારા મૌનમાં હું તપાવું છું. પછી શબ્દો નીકળે છે.

આનંદ, સુખ, લાગણી વગેરે વિશે વિચારું પણ હું વાસ્તવવાદી કવિ છું. પ્લાસ્ટિકની થેલી અને ગેસની બોટલ જોઈને પણ કોઈ વાર કવિતા સૂઝી જાય. આવું કહેતાં આ કવિને એક ચાહક –મિત્ર નામે ડોક્ટર અમિત ડામોરે વેબસાઈટ બનાવીને ગિફ્ટ કરી છે. એ વેબસાઇટનું નામ છે www.anilchavda.com  ગુજરાત સરકાર અને ગુજરાતી સાહિત્ય અદાકમી દ્વારા 2010માં યુવા ગૌરવ  પુરસ્કાર એનાયત થયો ત્યારે આ ચાહક અનિલભાઈના હાથમાં એક ચબરખી આપી ગયો. એમાં આ વેબસાઈટની વિગતો હતી. જેમાં સૂચના હતી કે, કમ્પ્યુટર પર આ સ્ટેપ્સ ફોલો કરશો એટલે તમે તમારી વેબસાઇટ જોઈ શકશો. 

ઈન્ડિયન નેશનલ થિયેટર(INT) દ્વારા અનિલ ચાવડાને શયદા એવોર્ડ મળેલો છે. 2014માં દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા ‘સવાર લઈને’ ગઝલ સંગ્રહ માટે યુવા ગૌરવ પુરસ્કાર એનાયત થયો છે. ‘ગુજરાત સમાચાર’ અને ‘સમન્વય’ દ્વારા રાવજી પટેલ એવોર્ડ અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા તખ્તસિંહ પરમાર પારિતોષિક તેમને મળ્યું છે. ચાહકો અને વાચકો માટે તેમણે અમેરિકામાં ચાલો ગુજરાતમાં ભાગ લીધો છે. એ પછી પણ વાચકોએ તેમને અમેરિકાપ્રવાસે તેડાવ્યા હતા. 

દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા આયોજિત સેમિનારમાં ભારતની કુલ એકવીસ ભાષાઓમાંથી ગુજરાતી ભાષાનું પ્રતિનિધિત્વ કરી તેમણે why do write, how do write? વિષય પર વક્તવ્ય આપ્યું હતું.  Institute Menezes Braganza, Goa  દ્વારા આયોજિત ભારતીય ભાષાના બાર ભાષાના કવિઓમાં ગુજરાતી કવિ અનિલ ચાવડાએ કાવ્યપઠન  કરેલું. 2014ની સાલમાં ગુજરાતી કવિઓના પ્રતિનિધિ તરીકે દિલ્હી સાહિત્ય અકાદમી આયોજિત યંગ રાઇટર્સ ફેસ્ટિવલમાં ભાગ લીધો હતો. બેંગલુરુમાં All  India Linguistic Geniality Day માં 17 ભારતીય ભાષાના સર્જકોમાં કવિ તરીકે હાજર રહેલાં. ઓડિશાના કટક ઓલ ઈન્ડિયા રેડિયો દ્વારા આયોજિત ભારતની 22 ભાષાના સર્વભાષા કવિ સંમેલનમાં ગુજરાતી ભાષાનું પ્રતિનિધિત્વ કરેલું. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નવમા ધોરણના અભ્યાસક્રમમાં તેમની કવિતાનો સમાવેશ કરવામાં આવ્યો છે.  આમ દેશ વિદેશમાં પોતાની કૃતિઓ દ્વારા આ કવિ  પહોંચી શક્યા છે. 

મોરારિબાપુ તેમના વિશે કહે છે કે, હું આ કવિને અવાર-નવાર સાંભળતો રહ્યો, માણતો રહ્યો, કાયા-કદ નાનું, પરંતુ કાવ્યકદ ઘણું જ ઊંચું અનુભવાય છે. જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા આદરણીય રઘુવીર ચૌધરી કહે છે, મનોજ ખંડેરિયા અને શ્યામ સાધુની બોલચાલની સહજતા અનિલની પ્રથમ ઓળખ છે. ચીનુ મોદી એ કહેલું કે, અનિલનો બયાનનો અંદાજ ગાલિબે સૂચવ્યા મુજબ ‘ઓર‘ જ છે. જ્યારે સૌમ્ય જોશી કહે છે, અનુભૂતિની ધાર વગરના ફીક્કાં, જુઠ્ઠાં, બુઠ્ઠાં, વાતમાં માલ વગરના સર્જનો વચ્ચે કહેવા જેવી વાત લઈને આવતા અનિલની કવિતા બે હાથે વધાવવા જેવી છે.

તો અનિલ પ્રેમજીભાઈ ચાવડાની સર્જન પ્રક્રિયા વિશે આજે વાત કરવી છે એમના જીવનસંગિની રંજનબેન સાથે. બહુ જ સાદું વ્યક્તિત્વ એવાં રંજનબેન શબ્દો સાથે રમત નથી કરી શકતાં. પણ એ જેટલું બોલે છે એટલું એ દિલથી કહે છે. 

અનિલ ચાવડાના પત્ની રંજનબેન ઘરના કામ પતાવવામાં અટવાયેલાં છે. એ એટલાં સરળ છે કે, એમને મેં ચાર-પાંચ વાર કહ્યું ત્યારે એ મારી સાથે વાત કરવા માટે આવ્યાં. 

વાત છે એકદમ ગામડાં ગામમાંથી અનેક અડચણો પસાર કરીને પોતાની ઓળખ બનાવનારા કવિ અનિલ ચાવડાની. કવિના એરેન્જડ મેરેજ છે. મૂળ અમદાવાદના જ રંજન ચાવડા સાથે 2011ની સાલમાં લગ્ન થયા. જો કે, કવિને આજની તારીખે પોતાની લગ્નતિથિ કે પત્નીની વર્ષગાંઠ યાદ નથી રહેતી. રંજનબેન કહે છે, ‘મિત્રો એને બે-ત્રણ દિવસ પહેલાં યાદ અપાવી દે કે, ભાભીનો જન્મદિન આવે છે. ભૂલતો નહીં. પણ કવિ જન્મદિને જ એ વાત ભૂલી જાય. જો કે, કોઈ વખત મેં ધોખો નથી કર્યો. એમના મગજમાં એકસાથે ઘણુંબધું ચાલતું હોય એટલે એ વાતને જવા દઉં છું.’

કોઈ કવિતા તમને સંભળાવે ખરાં?

એકદમ હસીને કહે છે, ‘અરે, એમને  એવી ટેવ છે કે, મનમાં કંઈ ચાલતું હોય તો એ હોઠ ફફડાવે રાખશે. એકદમ મૂગાં થઈ જાય. એમના હાવભાવ જ એવા હોય કે મને ખબર પડી જાય તે હવે એમણે લખવું જ પડશે. એટલે હું એમને બહુ પરેશાન ન કરું. કોઈવાર કામ હોય અને બોલી દઉં તો...

અનિલભાઈ વચ્ચે ઝૂકાવે છે કે, ‘મારા મનમાં અડધી પંક્તિ ઘૂમતી હોય એને શબ્દોનો આકાર આપવાનો હોય અને એને એની અડધી રોટલી મને ખવડાવવી હોય...’

રંજનબેન કહે છે, ‘એ લખવા બેસે ત્યારે જો હું આજુબાજુમાં આટાં મારતી હોઉં કે ભૂલેચૂકેય કમ્પ્યુટરમાં જોવા માંડુ તો એ પોતાની કવિતા સંતાડી દે. એ મને કોઈ દિવસ કવિતા રચીને સંભળાવે એવું નથી બન્યું. હા, લગ્નના શરૂઆતના દિવસોમાં અને દીકરો નહોતો આવ્યો એ પહેલાં હું લગભગ દરેક કવિ સંમેલનમાં એમની સાથે જતી. સ્ટેજ ઉપર એમની છટા અને કવિતા બોલવાની સ્ટાઇલ જોઈને એકદમ રોમાંચિત થઈ ઉઠતી. કેટલીયવાર એવું લાગે કે, આ એ જ માણસ છેને? કવિતા એને કેટલી જુદી રીતે મારી સામે મૂકે છે! 

નાટકમાં કોઈ પાત્રનો અભિનય કરે ત્યારે મને એમને જોવાની મજા આવે. ખાસ તો સૌમ્ય જોશીના નાટકોમાં એમનું કોઈપણ પ્રકારે પ્રદાન હોય તો મને બહુ જ ગમે. ઘરમાં એમના પુસ્તકો છે પણ મને વાચનનો બહુ શોખ નથી એટલે હાથમાં લઈને ભાગ્યે જ વાંચું. હા, એમની કૉલમ છપાઈ હોય એ ભૂલ્યા વગર વાંચી લેતી. ‘સંદેશ’ દૈનિકની રવિવારની પૂર્તિમાં ‘મનની મોસમ’ નામની કૉલમ વાચકોમાં સારી એવી વંચાતી એ મને પણ વાંચવી બહુ ગમતી. હા, કોઈ દિવસ મારો અભિપ્રાય નથી આપ્યો કે, મને વાંચવાની મજા આવી. વાચનમાં તો મેં સૌથી વધુ અર્થની પ્રેગનેન્સીમાં વાંચ્યું છે. બાકી કવિતા સાંભળું, પણ વાંચતી નથી.’

રંજનબેન કહે છે, ‘હા, એ ધૂની છે. તમે એમ કહોને કે, ઘરું બધું જ કામ મારા માથે છે. ઘણીવાર ઘર માટે કંઈ લઈ આવવાનું હોય તો અનેકવાર યાદી આપું. પછી મારી રીતે કામ ગોઠવી લઉં. કેમકે મને ખબર છે કે, એ એની કવિતાની પંક્તિઓમાં ખોવાયેલા હશે. હોઠ ફફડતા હોય તો હું પૂછું કે, શું ચાલે છે મનમાં? એ કંઈ જવાબ જ ન આપે. અરે મને તો લગ્ન પછી ખબર પડી કે એમને બબડવાની ટેવ છે. બબડવાનું પણ કવિતાઓ... મારા માટે તો આ એકદમ જુદો જ અનુભવ હતો.’

કોઈ યાદગાર વાત ખરી?

તરત જ રંજનબેન કહે છે, ‘અમારી હજુ સગાઈ જ થઈ હતી. મારું પિયર ઈસનપુરમાં. અમારી સામે રહેતાં પડોશીએ એક દિવસ ટીવી ચાલુ કર્યું. તરત જ કહ્યું કે, લે રંજન તારો વર આવે છે ટીવીમાં. હજુ હું ટીવી ચાલુ કરીને એ ચેનલ સુધી પહોંચું ત્યાં તો એ ટીવીમાં દેખાતા જ બંધ થઈ ગયા. કોઈવાર ટીવી પર ચર્ચા કરવા માટે કે કવિતા સંભળાવે ત્યારે આજે પણ મને એ દિવસ યાદ આવી જાય છે. ટીવી પર પોતાનો પતિ ચર્ચા કરવા આવે એ કોને ન ગમે?’

બહુ જ ઓછાં શબ્દમાં વ્યક્ત થઈ રહેલી પત્નીને ધ્યાનથી સાંભળતા કવિ અનિલ ચાવડા કહે છે, 

‘મારા બબડવા વિશે તો કોઈ અજાણ્યું જો ઘરમાં આવે તો એને એમ જ લાગે કે આનું છટકી ગયું છે. હું મારી પંક્તિઓમાં પડ્યો હોઉં અને એ કંઈ પૂછે તો કદાચ જવાબ ન મળે. મારી કવિતા હું મુવમેન્ટ સાથે મનમાં વિચારતો હોઉં અને આને ઘરની કોઈ વાત કરવી હોય એમાં મારી કવિતાની પંક્તિ કોઈવાર ખોવાઈ પણ જાય. વળી, આ વિચારનું તો સાપોલિયાં જેવું છે. એને પકડી રાખો તો એ ડંખે અને જો છૂટો મૂકી દો તો એ હાથમાં ન આવે, ઢીલ મૂકો તો એ છટકી જાય. એ વિચારને ત્યારેને ત્યારે જ કવિતાનો આકાર મળવો જોઈએ. એ ન મળે ત્યાં સુધી મને ચેન ન પડે. એમાં જો એ વિચાર છટકી ગયો તો મને બહુ દુઃખ થાય. કોઈવાર મુસાફરીમાં કે ઓફિસેથી ઘરે આવતો હોઉં ત્યારે વિચાર મનમાં રમતો હોય. એવું પણ લાગે કે આ વિચાર એમ કંઈ થોડો નહીં યાદ આવે. અને ઘરે આવીને લખવા બેસું તો એ વિચાર ગાયબ થઈ ગયો હોય. વળી, કોઈપણ કૃતિ એક જ પ્રેરણા કે વિચારને લીધે નથી આવતી હોતી. એક કૃતિ માટે અનેક વિચારો, વાતો, ચીજો, કંઈ સાંભળ્યું હોય એ, ક્યાંક કંઈક બોલ્યો હોઉં, ક્યાંક કંઈક વાંચ્યું હોય એ બધું જ મળે ત્યારે એક કૃતિ સર્જાતી હોય છે. એક કૃતિ માટે અનેક પ્યાદાંઓ લડતાં હોય, આખું લશ્કર મહેનત કરતું હોય પણ ક્રેડિટ તો રાજાને જ મળે છે એવું કોઈવાર લાગે છે.’

કવિ અને એમના પત્નીની વાત તો બહુ સહજતાથી આપણે કરી અને વાંચી. પણ આમાં સૌથી વધુ મહત્ત્વનો છે આ કવિનો સંઘર્ષ. એટલાં કપરાં દિવસો એમણે પસાર કર્યાં છે કે, એમની વાતો સાંભળીને આપણું કાળજું કકળી ઊઠે. બીજી જ સેકન્ડે મન એવું વિચારે કે, આટઆટલી પીડામાં પસાર થયાં પછી પણ આ કવિ આટલી ઉત્તમ રચનાઓ કેવી રીતે રચી શકતા હશે? વળી એ,એમની કૃતિમાં પ્રકૃતિ અને પ્રેમની વાતો હોય છે, આમ આદમીને સમજાય જાય એવી પંક્તિઓ એ લખે છે. મહેનત અને મજૂરી કરીને રોજે જે રૂપિયા મળે એ રૂપિયામાંથી ગુજરાન ચલાવીને આ કવિ મોટા થયા છે. સાચી વાત એ છે કે, પરિશ્રમનો પરસેવો માટીમાં મળ્યો અને એ જ માટીના બનેલા આ કવિએ પંક્તિઓ સર્જી છે. કઈ પંક્તિના કે કઈ રચનાના વખાણ કરવા અને કઈ કૃતિની વાત કરવી એ જરા અટપટું છે. 

મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કારેલા ગામના વતની છે એ. મમ્મી મણિબહેન આજે ગામડે જ રહે છે. ખેતી કરે છે. આંગણવાડીમાં તેડાગર બહેન તરીકે કામ કરે છે. જો કે આ માએ અને દીકરાએ બહુ મજૂરી કરી છે. રાજકોટ નજીકના અનેક ગામડાંઓમાં ખેતરમાં કામ કરવાનું હોય તો અનિલભાઈ માની સાથે જતા. અમદાવાદમાં ભણતાં પણ વેકેશન પડે એટલે માને ફોન કરે. મા કહે કે, તે ક્યા ગામે મજૂરી કરી રહ્યાં છે. એટલે દીકરો વેકેશનમાં માની સાથે મજૂરીએ લાગી જાય. સાથે કામ કરતા મજૂરો કેટલીય વખત આશ્ચર્યમાં મૂકાઈ જતાં કે, કૉલેજમાં ભણતો દીકરો મજૂરી કરે છે. અનિલભાઈ કહે છે, ‘રોજે ત્રીસ-ચાલીસ રૂપિયામાં કપાસ વીણવા, બાજરી વાઢવા, નીંદવા, છાણ ભરવા, રસ્તા સાફ કરવાની મજૂરી હું મારી મા સાથે કરતો. સુરેન્દ્રનગર, વઢવાણ, રાજકોટ જિલ્લાના સાંગણવા, મેંગણી જેવા ગામોમાં મેં મજૂરી કરી છે. નર્મદાની કેનાલ પાસેથી કોઈવાર પસાર થાઉં તો યાદ આવી જાય છે કે, આ કેનાલની ઈંટો અને સિમેન્ટના તગારાં મેં ઉપાડ્યા છે. અમદાવાદનું એકેય એવું બસસ્ટોપ નહીં હોય જ્યાં મેં રાતવાસો નહીં કર્યો હોય. એવી કેટલીય રાતો મેં શિયાળો, ઉનાળો અને ચોમાસામાં બસસ્ટોપ ઉપર વીતાવી હશે. આ વાત કરતી વખતે પણ મારા રૂવાડાં ઉભા થઈ જાય છે... ’

સહેજ બે સેકન્ડના સન્નાટા બાદ અનિલભાઈ કહે છે, ‘વેકેશનમાં મા સાથે મજૂરીએ જતો ત્યારે ઘણીવાર તો ગાયની ગમાણમાં રાતવાસો કરવો પડે. સવારે ઊઠીએ ત્યારે દાતણ કરતા પહેલાં શરીર ઉપર અને કપડાં ઉપર ચોંટેલી ઈતરડીઓ કાઢવી પડે.’

આ પ્રસંગની વાત મારે દિલ્હી સાહિત્ય અકાદમીએ જેમને યુવા ગૌરવ પુરસ્કારથી નવાજ્યાં છે એવા રામ મોરી સાથે થઈ. રામ સાથે એક સમયે અનિલ ચાવડાએ શેર કરેલાં બે કિસ્સા અહીં જો ન ટાંકુ તો યોગ્ય નહીં લાગે. રામ એ કિસ્સાને યાદ કરીને કહે છે કે, ‘આ માણસની પીડામાંથી ઉત્કૃષ્ટ સર્જન થયું છે. કેટકેટલુંય સહન કર્યાં પછી એ માણસને કોઈ ફરિયાદ નથી. એક વેકેશનમાં અનિલભાઈ કોઈ ગામડે મા પાસે ગયેલાં. ત્યાં એકાદ ટંક વીત્યો એટલે શેઠે એમની માતાને કહ્યું કે, તમારા દીકરાના રોટલાં નહીં પોસાય. એને કહો જતો રહે. એ દિવસોમાં અનિલભાઈએ વેકેશનના પંદરેક દિવસ બસ સ્ટોપ પર દિવસ-રાત રહીને વીતાવ્યાં. કેમકે વેકેશનમાં હોસ્ટેલ બંધ હોય. મા ગામડે ન હોય તો દીકરો રહે ક્યાં? કમસે કમ એક ગામમાં રહે તો માનું મોઢું તો જોઈ શકાય. 

વાત એમ હતી કે, અનિલભાઈના માતા મણીબહેન જૂનાગઢ નજીકના સાંકળી ગામે મજૂરી કરતા હતા. અનિલભાઈ વેકેશન હોવાથી ત્યાં માની મદદ કરવા ગયા. મોટાભાગે મજૂરીએ જાય એ ખેતરમાલિક મજૂરો માટે રોટલા લઈને આવે. એ ખેતરમાલિકનો દીકરો એક દિવસ ભાત લઈને આવ્યો. એ યુવક જેવો આવ્યો એવી અનિલભાઈની અને એની નજર મળી. બંને સાથે ભણતા હતાં. અનિલભાઈ કૉલેજ સમયમાં બહુ જ સરસ દેખાતાં. વળી, હોસ્ટેલમાંથી મિત્રોના સરસ કપડાં પણ પહેરવા મળતાં. એટલે એ શેઠના યુવકને તો ખબર જ નહીં કે, મારી સાથે ભણતો આ રુપાળો છોકરો મજૂરી કરતો હશે. અને એ પણ મારા જ ખેતરમાં! સહેજ આશ્ચર્ય અને આંખોમાં સવાલ સાથે એણે અનિલભાઈ સામે જોયું. બંનેની નજર મળી..... આ કિસ્સો સાંભળીને અનિલભાઈ કહે છે, એ દિવસે મારી હાલત તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગઈ હતી. આંસું આવી ગયેલાં આંખોમાં પણ હું એ પી ગયો. શેઠના છોકરા પાસેથી રોટલો લઈને ચૂપચાપ ખાવા માંડ્યો.

રામ કહે છે, ‘આ પીડાને અનિલભાઈ પચાવી ગયા છે. એ પછી જ આવી કૃતિઓ સર્જાતી હશે.’

અનિલભાઈ ચાવડા કહે છે, ’મારી સિત્તેર પેઢીમાં કોઈ ગ્રેજ્યુએટ નથી થયું. હું એમ.એ., બી. એડ. થયો. જર્નલિઝમનો કોર્સ કર્યો. એ પછી નોકરીએ લાગી ગયો. નવભારત પ્રકાશનમાં નવ વર્ષ સુધી એડિટર તરીકે કામ કર્યું.  હવે રેડ જેડ પબ્લિકેશન સાથે પુસ્તકો પ્રકાશનમાં જોડાયેલો છું. પુસ્તકો સાથેનો નાતો નાનપણથી રહ્યો છે. સૌથી પહેલું પુસ્તક અન્ય ચાર કવિ મિત્રો ભાવેશ ભટ્ટ, હરદ્વાર ગોસ્વામી, ચંદ્રેશ મકવાણા, અશોક ચાવડા સાથે ‘વીસ પંચા’ આવ્યું. એ પછી કાવ્યસંગ્રહ સવાર લઈને, લઘુકથા સંગ્રહ એક હતી વાર્તા, નિબંધ સંગ્રહ મિનિંગફુલ જર્ની, આંબેડકર જીવન અને ચિંતન એમ પાંચ પુસ્તકો આવ્યા. જાણીતા સર્જકોના જીવનના સુખ-દુઃખ વિશેનું સંપાદન સુખ-દુઃખ મારી દૃષ્ટિએ, જાણીતા કવિ હર્ષ બ્રહ્મભટ્ટ સાથેના બે સંપાદન શબ્દ સાથે મારો સંબંધ અને પ્રેમ વિશે..., એવોર્ડ વિનર પ્રાથમિક શિક્ષકોના સ્વાનુભવોની સુગંધ એટલે આકાશ વાવનારા અને એવોર્ડ વિનર આચાર્યોના અનુભવોનું સંપાદન આચરે તે આચાર્ય એમ સાતેક સંપાદનો પણ કર્યાં છે. બાવીસ જેટેલાં પુસ્તકોના ગુજરાતીમાં અનુવાદ પણ કર્યાં.’

તમને શું લખવું ગમે? ગદ્ય કે પદ્ય? 

આ સવાલ સાંભળીને કવિ હસી પડ્યા. એ કહે છે, ’અભણ મા અને ત્રણ ચોપડી પાસ પિતાનું હું સંતાન થોડી લાગણીઓ વ્યક્ત કરી શકું છું એનો આનંદ છે. શું લખવું ગમે એ તો બહુ અઘરો સવાલ છે. આ તો એવું થયું કે તમને તમારા પાંચ સંતાનોમાંથી ક્યુ સૌથી વધુ વહાલું? જો કે મને નિબંધ અને લલિત નિબંધ લખવા વધુ ગમે છે.’

‘તમે પિક્ચરમાં ગીત લખ્યા છે એ કહોને?’ રંજનબેને પતિને કહ્યું. જો કે અનિલભાઈએ એવું કહીને વાત ટાળી દીધી કે, ‘ફિલ્મના ગીતો અને ફિલ્મ લખી છે એ બંને કામ મારા લેવલના હું નથી આપી શક્યો. એટલે તમે ન લખશો કે મેં કઈ મૂવીમાં ગીતો લખ્યા છે અને કઈ મૂવી લખી છે.’’

જો કે, એ પિક્ચરના નામો રંજનબેનને મોઢે હતાં. એમણે તો એવું કહ્યું કે, ‘એ તો એક્ટિંગ પણ કરી જાણે છે.’ એક પછી એક નાટકોના નામ બોલીને રંજનબેને પતિના અભિનયના પણ વખાણ કરી લીધાં.

તમને અનિલભાઈની લખેલી કઈ પંક્તિ વધારે ગમે છે?

ફટ દઈને રંજનબેને કહ્યું, ‘પેલી, દરિયાવાળી.’

લેખનો અંત આ પંક્તિ સાથે જ કરીએ....

અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે

તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે?

અનિલભાઈ ઉમેરે છે કે, આ પંક્તિ દર વરસે ગાંધી જયંતીના દિવસે અને સ્વામી વિવેકાનંદના જન્મ દિને મને વોટ્સ એપમાં આવે અને એમાં નીચે મારું નામ કાઢીને આ મહાનુભાવોના નામ લખી દેવાય છે. પછી હું સામે કહું કે, આ મેં લખ્યું છે....

અનેક અડચણો પછી પણ આ વ્યક્તિત્વ અડીખમ રહ્યું છે. મુશાયરામાં એમની એક આગવી છટા છે. કદ નાનું છે પણ એમની કૃતિઓ અને સર્જન એમની ઓરા વધારી દે છે. ખરેખર માટીમાં જ મોટા થયેલાં આ માણસની સાદગી દિલને સ્પર્શી જાય એવી છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.