એની સેન્સ ઓફ હ્યુમર મને હજુ પણ આકર્ષે છે- મીનળ શોભિત દેસાઈ

18 May, 2017
12:00 AM

જ્યોતિ ઉનડકટ

PC: khabarchhe.com

એય, તને આ પ્રશ્નનો જવાબ આવડે છે? આ ઇક્વેશન તને સોલ્વ કરતાં આવડે છે? 

અજાણ્યા યુવકે પોતાની આગળ બેઠેલી મીનળ દફતરી નામની યુવતીને પૂછ્યું. 

એ યુવતીએ પહેલાં એ યુવકને અવગણ્યો. થોડીવાર રહીને પેલા યુવકને કહ્યું. પહેલાં તેં જે લખ્યું છે એ બતાવ. પછી હું એ દાખલો બતાવું. 

શોભિત દેસાઈ અને મીનળ દફતરીની આ પહેલી મુલાકાત. બેંકની સ્પર્ધાત્મક પરીક્ષા આપતી વખતે અટક પ્રમાણે આ બંને આગળ પાછળ બેઠાં હતાં. 

ત્રણ મહિના પછી બીજી કોઈ એક્ઝામ હતી એમાં મીનળ દફતરી પરીક્ષા આપવા ગયાં. કલાસરૂમમાં નજર મારી કે કોઈ બહેનપણી તો નથીને?  ત્યાં તો સામે ફરી એ રૂપાળો યુવક દેખાયો. જેવી નજર મળી કે એણે તો હાથ ઉંચો કરીને મીનળ દફતરી ભણી દોટ માંડી. 

એ યુવકે પૂછ્યું કે, પેલી પરીક્ષાનું પરિણામ આવી ગયું?

એકદમ ગંભીર ચહેરે મીનળ દફતરીએ કહ્યું, તમને પરીક્ષા પાસ કર્યાંનો કોઈ લેટર આવ્યો? 

યુવકે માથું હલાવીને નામાં જવાબ આપ્યો. 

પછી એ યુવતીએ કહ્યું, તો તમે ફેલ થયાં છો. અને અમે તમારાંમાંથી કોપી કરેલું. અમે પણ ફેલ થયાં. એ યુવતીએ સહેજ મોટી આંખો કાઢીને વાત પૂરી કરી. 

આ આખો કિસ્સો જાણે ગઈકાલે જ બન્યો હોય એમ મીનળ શોભિત દેસાઈએ વાત માંડી. શોભિત દેસાઈ સાથેની પહેલી મુલાકાત અને પ્રણયના એ દિવસોને યાદ કરતી વખતે એક ગજબની તાજગી એમનાં ચહેરાં ઉપર દેખાતી હતી. 

મુંબઈના ખાર વિસ્તારમાં આવેલાં શોભિત અને મીનળ દેસાઈના વિશાળ ફ્લેટમાં કંઈકેટલીય પંક્તિઓ અને સર્જન થયાં હશે. એકદમ વ્યવસ્થિત ગોઠવેલાં ઘરમાં પ્રવેશ કર્યો એટલે એક લાઉડ અને લાગણીસભર અવાજ સાથે શોભિત દેસાઈએ આવકાર આપ્યો.

શોભિત દેસાઈ સાથેની આ મારી પહેલી મુલાકાત. અગાઉ એમને મુશાયરામાં સંચાલન કરતાં કે એમની કવિતાઓ-ગઝલનું પઠન કરતાં જોયેલાં. રૂબરૂ મળવાનું પહેલી વખત થયું. જેમ સ્ટેજ પર આ માણસ છવાઈ જાય છે એમ મુલાકાતમાં પણ શોભિત દેસાઈ છવાઈ ગયાં. 

એકદમ સોફ્ટ સ્પોકન એવાં મીનળબેને આવકાર આપ્યો. એ એટલું ધીમું બોલે કે, બે ફૂટ દૂર બેઠેલી વ્યક્તિએ તો કાન માંડવો પડે કે, મીનળબેન શું કહે છે? બમ્બૈયા ટચના ગુજરાતી અને સોફેસ્ટીકેટેડ ઈંગ્લીશ શબ્દો સાથે એમણે પોતાની વાત માંડી. ‘શોભિત સાથે બે વખત પરીક્ષાના કલાસરૂમમાં મુલાકાત થઈ. બીજી વખત મળ્યો ત્યારે તો મારી પાછળ બસસ્ટોપ સુધી આવી ગયો. બસમાં મારી બાજુમાં આવીને મને પૂછવા માંડ્યો. તારી બાજુમાં બેસું તો તને કોઈ વાંધો તો નથીને? મનમાં તો મને એમ થયું કે, આ તો બહુ ઓવર છે... એકદમ ગંભીર ચહેરે કહ્યું કે, બેસો. કંડક્ટર ટિકિટ લેવા માટે આવ્યો. તો કહે, ઇફ યુ ડોન્ટ માઇન્ડ, હું તારી ટિકિટ લઈ લઉં? આજે મારો જન્મદિવસ છે... હું તો આભી બનીને જોઈ જ રહી. પોતે કવિજીવ છે. ગુજરાતી અને કવિતાઓની વાત કરવા લાગ્યો. મેં સહેજવાર પછી કહ્યું, આઇ એમ સોરી. પણ મને ગુજરાતી વાંચતા-લખતાં જ આવડે છે. ઇન ડેપ્થ ગુજરાતી મને નથી સમજાતું. અઘરાં શબ્દો મને પલ્લે નથી પડતાં. 

એ પછી તો એ મને ગુજરાતી સમજાવવા માંડ્યો અને કવિતાઓની ગહેરાઈ કહેવા લાગ્યો. થોડો સમય ગેપ આવ્યો. એ યુનિયન બેંકમાં નોકરી કરતો અને હું આઈડીબીઆઈ બેંકમાં. બંનેની મુલાકાતો થતી. એ યુનિયન બેંકની મેઇન ઓફિસે આવે ત્યારે મને મળવા માટે અચૂક આવતો. એ આવે એટલે મારી સાથે કામ કરતી બહેનપણીઓ મને ચીડવવા માંડતી. શોભિતને સમજાય નહીં એ રીતે અમે અમારી ડેવલપ કરેલી ખાસ એવી પી લેંગ્વેજમાં વાતો કરવા માંડતાં. 

શોભિત આવેને એટલે ઓફિસમાં છવાઈ જતો. તમારું પેટ દુઃખવા લાગે એટલું એ હસાવે. એની સેન્સ ઓફ હ્યુમર ત્યારે પણ મને ગમતી હતી અને આજે પણ આકર્ષે છે.

એણે એક વખત એનાં કાર્યક્રમમાં આવવા માટે પાસ આપ્યાં. મેં તો મોઢા પર જ કહી દીધું કે, રાત્રે બહુ મોડું થાય એટલે અમારાં ઘરમાં પરમિશન નહીં મળે. એણે કહ્યું કે, ટ્રાય કરજે.

થોડાં દિવસ પછી મળ્યો તો એની આંખોમાં ધોખો હતો. મને કહ્યું, હું ઓડિયન્સમાં તને શોધતો હતો. મેં કહ્યું કે, ઘરેથી હા ન પાડે તો હું ન આવી શકું. 

બસ એના થોડાં જ દિવસોમાં એણે મને પ્રપોઝ કર્યું અને અમે પરણી ગયાં. પરણી ગયાં પછી હું પહેલી વખત એના કાર્યક્રમમાં ગઈ. દીકરા ચરિતનો જન્મ થયો પછી પણ હું કાર્યક્રમોમાં જતી. અમે સંયુક્ત પરિવારમાં રહેતાં એટલે દીકરાને સાચવવાની કોઈ તકલીફ ન હતી. 

એ સ્ટેજ ઉપર હોય ત્યારે તો જાણે કોઈ બીજો શોભિત હોય એવું જ લાગે. કેટલું બધું મોઢે બોલતો હોય! મને તો હંમેશાં એવો સવાલ થાય કે, આને આટલું બધું યાદ કેવી રીતે રહે છે?’

સૌથી વધુ શું મજા આવે ખબર છે?

આવું પૂછીને મીનળ દેસાઈ કહે છે, ‘શોભિત એવું બોલેને તાળીઓ પાડો, દાદ આપો દાદ. દાદ આપવા ઉપર ટેક્સ નથી. જ્યારે ઓડિયન્સ એકદમ રિસ્પોન્સીવ હોયને ત્યારે તો એ જે ખીલે... એના શરીરનું લોહી જાણે એના ચહેરા ઉપર આવી ગયું હોય એવું લાગે. એકદમ ગુલાબી ગુલાબી થઈ જાય એનો ચહેરો. એનો ચહેરો જોઈને ખબર પડી જાય કે, આને આજે કાર્યક્રમના સંચાલનમાં મજા આવે છે. 

તમામ કાર્યક્રમોમાં તો હું નથી જતી. પણ મહત્ત્વના કાર્યક્રમો હોય તો શોભિત જ કહી દે કે તું આવજે તને મજા આવશે. વળી, મારાં કઝિન્સ અને ફ્રેન્ડ્સ શોભિતના ફેન છે. અગાઉથી ખબર હોય તો એ બધાં મને પાસ માટે પૂછપૂછ કરે રાખે.

છેલ્લે જ્યારે એનાં બંને પુસ્તકોનું વિમોચન હતું ત્યારે તો મને સૌથી વધુ મજા આવી હતી. મોરારિબાપુ, પ્રકાશ કોઠારી, મુકુલ ચોકસીથી માંડીને તમામ લોકો શોભિત વિશે જે બોલ્યાં એ મને બહુ ટચ કરી ગયું.

શરૂઆતના સમયમાં અને હજુ પણ ક્યારેક કેટલાંક શબ્દો મને સમજાય નહીં તો હું ઘરે આવીને શોભિતને પૂછું કે, આ શબ્દનો શું મતલબ થાય?  

શોભિત એની તમામ ગઝલો કે કવિતાઓ મને વંચાવતો નથી. કોઈ વખત ઘરમાં અમે બંને હાજર હોઈએ અને એને કંઈ સૂઝ્યું હોય તો સંભળાવી દે.’ 

એમની વાત સાંભળીને શોભિતભાઈ કહે છે,  ‘કોઈવાર બહુ દાદુ સૂઝી ગયું હોય અને મારે કોઈને સંભળાવવું જ હોય. મીનળ ઘરમાં હોય એટલે એને સંભળાવું. એ સંભળાવતી વખતે મને ખબર હોય કે, આને માથાં પરથી જાય છે. છેલ્લે એવું કહે, હમ્મમ, નાઇસ...’

મીનળબેન કબૂલે છે કે, ‘મને ગુજરાતી લખતાં-વાંચતાં આવડે છે. મુંબઈમાં જ જન્મેલાં અને ઉછરેલાં અને મરાઠી ભાષા ભણવામાં આવતી. ઘરે પપ્પા અમને ગુજરાતી વાંચવા માટે બહુ કહેતાં. બાળપણમાં રમકડું વાંચતાં અને પછી મોટાં થઈને કામ પૂરતું ગુજરાતી વાંચી-લખી શકતાં થયાં.’

જો કે, એમને ત્યારે ક્યાં ખબર હતી કે, કવિ અને ગુજરાતી શબ્દોની રમતમાં જાન પૂરી દેનાર વ્યક્તિ એમનો જીવનસાથી બનવાનો છે. 

શોભિત દેસાઈ મૂળ તો વડોદરા નજીકના સંખેડા ગામનાં. 1963ની સાલમાં મુંબઈ રહેવા આવી ગયેલાં. ઇન્ટર કોમર્સ સુધી ગુજરાતી ભાષા ભણવામાં આવતી. એ પછી ભણતરમાં ગુજરાતી ભાષા સાથેનો નાતો તૂટી ગયો. 

શોભિત દેસાઈ કહે છે, ‘મારે બીજું કંઈ પણ બનવું હતું પણ કવિ તો નહોતું જ બનવું. જે કવિતાઓ મને વાંચવામાં આવતી હતી એ કવિતાઓની ભાષા બહુ અઘરી હતી. હું તો રૂટિન લેંગ્વેજનો માણસ. હા, હું ખૂબ જ સારો ગાયક અને સ્કૂલ તથા કોલેજની સ્પર્ધાઓમાં મારી બોલવાની સ્ટાઇલના કારણે અનેક ઈનામો જીતી લાવતો. મને પહેલાં તો રાજકારણી થવું હતું. એકદમ બેફિકર લાઈફ જીવતો હતો હું. રાજકારણ બહુ ગંદું છે. ત્યાં ખોટું પણ કરવું પડે. હું તો ખરું કે ખોટું કંઈ યાદ જ ન રાખું. તડને ફડ કહી દેવાવાળો માણસ. એટલે સમજાઈ ગયું કે, રાજકારણમાં આપણું કામ નથી એટલે તરત જ હું ત્યાંથી પરત ફર્યો. 

આ સમયગાળામાં મેં બરકત વિરાણીની ગઝલો વાંચી. બસ એ પછી હું કવિતાની દુનિયામાં આવ્યો. મેં જ્યારે કવિતાની દુનિયામાં પગ મૂક્યો ત્યારે મતલબ કે, 1974ની સાલમાં સોસાયટીમાં આ ફિલ્ડ બહુ નિગ્લેક્ટેડ એક્ટીવિટીની છાપ ધરાવતું હતું. બાય ચોઈસ હું આ દુનિયામાં આવ્યો. શરૂઆતના ગાળામાં હું સરસ નહોતો લખી શકતો. પાંચ શેર લખું તો એમાંથી માંડ બે સારા હોય. ફ્યુચર શું હશે એની ચિંતા કર્યા વગર એક ઝનૂન સાથે હું આ ફિલ્ડમાં આવી ગયો. બરકત વિરાણીને વાંચ્યા પછી હું બહુ વાંચવા લાગ્યો. ભણવામાં સારો હતો અને યાદશક્તિ પણ સરસ. બે વખત કંઈ વાંચું તો એ મોઢે રહી જાય. એ પછી તો બીજું જોઈએ જ શું. પેશન અને મેમરી બંનેએ મારી કરિયરમાં બહુ મહત્ત્તવનો ભાગ ભજવ્યો. આજે હું જે કંઈ છું એ ગઝલ અને કવિતાઓને કારણે છે. ગઝલને લીધે મને કોન્ટેક્સ મળ્યાં, ગઝલને લીધે મને પાંખો મળી. આપણે બધાં ચાલીએ છીએને? પણ હું એવું કહીશ કે, ગઝલને કારણે હું ઉડું છું. 

જો કે, શરૂઆતની મારી ક્રિએટીવીટી અને અત્યારની ક્રિએટિવિટીમાં બહુ ફરક છે. ચાલીસ વર્ષ પછી હું સર્વની વાતો કરતાં શીખ્યો છું. પહેલાં હું સ્વની જ વાતો કરતો હતો. પહેલાં હું મારી વેદનાની વાતો કરતો હતો. પછી મને સમજાયું કે, મારી એકલાની વેદના કોઈને સ્પર્શવાની નથી. આથી બધાંને સમજાય એવું લખાવું જોઈએ.’

તમારા ઉચ્ચારણો પહેલેથી જ આટલાં સ્પષ્ટ છે? 

એકદમ ખડખડાટ હસીને કહે છે, અમે તો નાગર. નાગરો તો એમના યુનિક નામો અને ઉચ્ચારણો માટે ઓળખાય. સ્પષ્ટ શબ્દો બોલીએ તો એ ષ્ટ માંથી સિસોટી વાગવી જોઈએ. એ પછી ત્રણેક વખત એમણે સિસોટી વાગતી હોય એ રીતે સ્પષ્ટ શબ્દનું ઉચ્ચારણ કર્યું. મીનળબેન અને હું ખૂબ જ હસી પડ્યાં. 

પછી તરત જ નરસિંહ મહેતા માટે એમણે લખેલી પંક્તિ તેઓ બોલી ઉઠ્યાં, 

ચુંબકીયા સૌ વળગણ છોડી

ફક્ત લખી છે ગઝલ મેં,

શોભિત નરસૈંયાનો વંશજ

પીડ પરાઈ જાણે છે...

શોભિતભાઈ કહે છે, ‘જો કે, પહેલી વખત 12મી ફેબ્રુઆરી, 1976ના દિવસે  જાહેરમાં બોલવાનું હતું ત્યારે મારા ટાંટિયા ધ્રૂજતા હતાં. મારા મિત્ર કૈલાસ પંડિતે મને ચાન્સ આપ્યો. એ દિવસે મેં એકદમ કૃત્રિમ અવાજ અને હાવભાવ સાથે મારી કૃતિ રજૂ કરી હતી. 

એ પછીના દિવસોમાં મેં બહુ મહેનત કરી. મારા સમકાલીન સંચાલકોને સાંભળ્યા. જોયાં. એમની ક્યાં ક્યાં ભૂલ થાય છે અથવા તો એ લોકો શું બોલે છે અને કેવી રીતે બોલે છે ત્યારે કેટલી અને કેવી દાદ મળે છે તેનો અભ્યાસ કર્યો. મારે જે-જે નથી કરવાનું એનું લિસ્ટ મારા મનમાં મેં ઘડી નાખ્યું. બસ એ પછી, બાવીસ વર્ષની ઉંમરે 30 નવેમ્બર, 1979માં જ્યારે પહેલી વખત મેં કાર્યક્રમનું સંચાલન કર્યું ત્યારે હું બધાંનો બાપ બની ગયો.  હું છવાઈ ગયો હતો. પુરુષોત્તમ ઉપાધ્યાયે મને પહેલો બ્રેક આપ્યો હતો. સુરેશ જોષીની જનાન્તિકે અને રમેશ પારેખના ઓફબીટ નિબંધોમાંથી કેટલીક વાતો મેં આ કાર્યક્રમમાં મારા એન્કરીંગ દરમિયાન કહી. પ્રેક્ષકોને બહુ ગમી. બધાં જ દિગ્ગજો હતાં પણ વાત મારા સંચાલનની થતી હતી. બસ એ પછી પાછા વળીને નથી જોયું.’

કાર્યક્રમના સંચાલન માટે સ્ક્રિપ્ટ લખીને જાવ, તૈયારી કેવીક કરો?

‘સૌથી પહેલો જે કાર્યક્રમ કર્યો એમાં લખેલું લઈને ગયેલો. એ પછી કોઈ દિવસ મને કાગળની જરૂર નથી પડી. સ્ટેજ ઉપર ગયા પછી માહોલને અનુભવું અને જે દિલમાંથી નીકળે એ વાતો કરું. મોટાભાગે પ્રોમ્પટ કોમ્પિયરીંગ જ હોય. જો કે, જેવાં-તેવાં જોક્સ કે ફોરવર્ડઝ કહીને છીછરી હ્યુમર હું કોઈ દિવસ નથી કરતો. આપણાં કેટલાંય લેખકો અને કવિઓની કૃતિ એવી છે જેમાંથી તમને બ્લેક હ્યુમર મળી જાય. ઘણું ખરું ટીપ ઓફ ધ ટંગ હોય એટલે વાંધો જ નથી આવતો. જો કે, આજકાલ શોભિતછાપ કોમ્પિયરીંગ થવા માંડ્યું છે.’

લખવાના માહોલ વિશે અને ગઝલ લખવા વિશે જરા વાત માંડતા શોભિત દેસાઈ કહે છે, ‘માહોલ ખાસ અસર નથી કરતો. પણ મને ઓશો અને મોરારિબાપુમાંથી બહુ પ્રેરણા મળે છે. ઓશોની કોઈ વાત સાંભળતો હોઉં તો એમાંથી કોઈ કૃતિ સર્જાઈ જાય છે. મોરારિબાપુને લાઈવ સાંભળતો હોંવ તો એ વિચારોમાં હું એવો ખોવાઈ જાઉં કે, કંઈક નવું જ નીકળી આવે અને ગઝલ રચાઈ જાય. સમાજની હિપોક્રસી, સમાજની તિકડમબાજી અને દંભી દુનિયા વિશે મારાથી સૌથી વધુ લખાઈ જાય છે. 

ઘણી વખત એવું બને કે, ગઝલ લખવામાં કે કવિતા લખવામાં બે વરસનો ગેપ પડી જાય તો કોઈ વખત વીસ દિવસમાં ચાલીસ ગઝલ લખાઈ જાય. 

મારું જ લખેલું સાચવવાની બાબતે આમ તો હું સાવ લાસરિયો છું. પણ 2002 થી 2016 સુધીમાં મેં જે કંઈ લખ્યું હતું એ સચવાયેલું હતું. એક એક કરીને બધી કવિતાઓ એકઠી કરી. એ ક્યાંય છાપવા માટે આપી ન હતી. કેમકે, મારી કવિતાઓને મારે ટોળાનો ભાગ નહોતી બનાવવી. આ બધી કવિતાઓ એકઠી કરી તો 270 કવિતાઓ થઈ. તેમાંથી 225 પસંદ કરી. એંસી જેટલી કવિતાઓ રિરાઈટ કરી. આ કવિતાઓ ઉપર કામ કરવા માટે હું ગોવા અને વડોદરા ગયેલો. ગોવામાં દરિયા કાંઠે મારું કોટેજ હતું. પાંચ દિવસ સુધી હું બહાર ન નીકળ્યો. બસ મારું કામ કરતો રહ્યો. જો કે, એ દિવસોમાં હું એકલો ગયેલો. મીનળને જરાય નહોતું ગમ્યું. પણ મેં એને કહ્યું કે, તારે જવું હોય ત્યારે તું પણ એકલી જજે. અત્યારે મારે મારી કવિતાઓને સમય આપવો છે. 

સો-સો કવિતાના બે સંગ્રહો ‘હવા પર લખી શકાય’ અને ‘અંધારની બારાખડી’ તૈયાર થયાં. મારા મતે ગુજરાતી કવિતાઓ પરનું બેસ્ટ કામ મારા પુસ્તકોમાં થયું છે એવું મને લાગે છે. મારી જ વાત શ્રેષ્ઠ છે એવું કહીને હું એમ પણ ઉમેરીશ કે હું ક્રિટિસિઝમ માટે પણ તૈયાર છું. મને મારા આ બંને કાવ્યસંગ્રહથી સંતોષ છે. એ ઉપરાંત ‘અરે!’ નામનો ગઝલ સંગ્રહ આવેલો, ‘અહમ્ ઓગાળવા આવ્યાં’ અને  ‘108 બેફામ’, ‘108 ર.પા.’, ‘બાઅદબ બામુલાહિજા ઘાયલ’, ‘મરીઝ’ પર સંપાદનો પણ તૈયાર કર્યાં.’

કવિતાઓ, ગઝલો અને મુશાયરામાં ઘરના લોકો કોઈ વખત ટીકા ન કરતાં? કે કંઈક કમાવવા માટે કરવું જોઈએ. 

હકીકતે, શોભિત દેસાઈ સાડા અઢાર વર્ષના હતાં ત્યારે જ તેમને નોકરી મળી ગઈ હતી. શોભિતભાઈ કહે છે,  ‘યુનિયન બેંકમાં 1980 સુધી નોકરી કરીને મૂકી દીધી. એ દિવસોમાં આ વ્હાઇટ કોલર જોબ છોડવી એ મૂર્ખામીભર્યું પગલું છે એમ લોકોએ કહેલું. પણ એ પછી મેં એક પ્રાઈવેટ કંપનીમાં કામ કર્યું. જે બહુ ખરાબ અનુભવ રહ્યો. રિલાયન્સમાં પણ બે વરસ નોકરી કરી. પછી 1990ની સાલ સુધી ડાયરી, કેલેન્ડર વગેરે બનાવતો અને વેંચતો. આ દિવસોમાં મેં કાર્યક્રમો પણ ચિક્કાર કર્યાં. 

1990ની સાલમાં હું રિયલ એસ્ટેટની દુનિયામાં આવ્યો. હું તો એમ કહીશ કે, કવિતા અને મિત્રોએ જ મારું ભલું કર્યું છે. કવિતાઓ ન હોત તો હું કંઈ જ ન કરી શકત. જો કે, એક વાત કહીશ કે મેં જે કંઈ ગુમાવ્યું છે એ મારી મૂર્ખામીમાં જ ગુમાવ્યું છે. વળી, હું દૂરબીનની ઉંધી બાજુથી સીધું જોવાની ટેવવાળો માણસ છું. જો હું આ કવિતાની દુનિયામાં ન આવ્યો હોત તો સાંઠ વર્ષે રિટાયર્ડ થઈ ગયો હોત, મારો બોરિવલીમાં એક બેડરૂમનો ફલેટ હોત જેની લોન મેં મારા રિટાયર્ડમેન્ટ પહેલાં ચૂકવી હોત અને રિટાયરમેન્ટના દિવસે મારા અંગત મિત્રોને અડધો ગ્લાસ બિયર પીવડાવી હોત. કવિતાઓ અને મુશાયરાઓ આ ક્રિએટીવ દુનિયાએ બહુ આપ્યું છે. લાઇફને મેં સિરિયસલી ન લીધી તો લાઇફે મને સિરિયસલી લેવા માંડ્યો.

કૈલાસ પંડિત મારો અંગત મિત્ર હતો. હું કંઈ લખતો તો હંમેશાં એને પહેલાં બતાવતો. એને મજા ન આવે તો એ ચોખ્ખું કહી દે કે, દેસાઈ આમાં મજા નથી આવતી. હવે એવું કહેવાવાળું કોઈ નથી. આજે હું કંઈ લખું તો ચાર-પાંચ મિત્રોને સંભળાવું છું. એ લોકો વાહ વાહ કરે છે. પણ ભાગ્યે જ કોઈ સાચું કહે છે. આજે એવું થાય છે કે, ઘણાં બધાંની ક્રિએટિવિટી માટે હું કૈલાસ બની ગયો છું. હું મારો મત કહું છું મજા આવે તો અને ન ગમે તો પણ. જો કે, હવે મને કોઈ કૈલાસની જેમ કહેનારું નથી. મારી કૃતિ મિત્રોને સંભળવાતી વખતે હું ઘણી વખત કહું છું કે, તમે મને સાચું કહો પણ કોણ જાણે કેમ એ રણકો મિસ થાય છે કે, દેસાઈ આમાં મજા નથી આવતી. એ પછી એક વસ્તુ હું માર્ક કરવા માંડ્યો છું કે, મારી કઈ પંક્તિ પર વધુ દાદ મળી તેને વધુ મઠારીને લખું છું.’

જિંદગી વિશે શોભિત દેસાઈ કહે છે, ‘એક સમયે હું પણ લોકોને સારું લગાડતો હતો. હવે મેં બીજાંને સારું લગાડવાનું કપડું મારી ઉપર હતું એ ફેંકી દીધું છે. એને સળગાવી દીધું છે. બહારના લોકોની વાત જવા દો હું તો ઘરમાં પણ કોઈને સારું નથી લગાડતો.’

મીનળબહેન સામે જ બેઠાં હતાં અને શોભિતભાઈએ પોતાની આદતની વાત કહી. લગ્નનાં બત્રીસ વર્ષે પણ યંગ એઈજના કપલ જેવી દલીલો આ યુગલ વચ્ચે થાય છે. શોભિતભાઈ કહે છે, મને ફક્ત દૂધવાળી ચા જ ભાવે. મારી સવારની ચા હું પોતે જ બનાવું.’

મીનળબેન કહે છે, ‘એકદમ બાસુંદી જેવી ચા... હું સવારે ઓફિસ પહોંચવાની ધમાલમાં હોઉં. કીચન ક્લિન કરીને દોડતી હોઉં અને શોભિત એની ચા માટે ખાંડણીમાં ટક ટક કરીને એલચી ખાંડતો હોય.’ 

મીનળબેનની સામે જોઈને શોભિતભાઈ કહે છે, ‘મીનળને નાસ્તાનો ડબ્બો કબાટમાં નીચે જ રાખવા જોઈએ. મને વાંકા વળવું નથી ગમતું. હું જિદંગીમાં કોઈ દિવસ કોઈને વાંકો નથી વળ્યો.... આજે નાસ્તો કર્યો છે. તું મારા ઘરે આવી છે. બહુ બહુ તો તને શું થશે, આવા સરસ ફલેટમાં નાસ્તાનો ડબ્બો ડાઈનિંગ ટેબલ પર પડ્યો છે... પડ્યો છે તો પડ્યો છે.... બસ આવી નોંકઝોંક થાય. આમ પણ હું હઠાગ્રહી છું. કંઈપણ થાય જીતું તો હું જ...’ એક હળવાશભરી વાતને આ યુગલ એટલી સહજતાથી શેર કરી શકે છે એ વાત અવલોકનમાંથી દૂર ન રહી શકી. 

દીકરા ચરિત વિશે મીનળબેન કહે છે, ‘એક વખત બહુ ફની કિસ્સો થયેલો. આસિત દેસાઈ અને હેમા દેસાઈની કેસેટનું લોન્ચ હતું. ચરિત બે વર્ષનો હતો. હિન્દી અને ઉર્દૂની કેસેટ પુરુષોત્તમ ઉપાધ્યાય અને જગજિતસિંહના હસ્તે આ વિમોચન થયું. શોભિત એમાં એન્કરીંગ કરતો હતો. હું અને ચરિત બીજી લાઈનમાં જ બેઠા હતાં. મને અંદાજ ન રહ્યો એમ ચરિત મારા હાથમાંથી રમતો રમતો સ્ટેજ નજીક જતો રહ્યો. પપ્પા... પપ્પા એમ કરવા લાગ્યો....’

શોભિતભાઈ કહે છે, ’આખો હોલ ચિક્કાર ભરેલો. ખૂબ જ પ્રેસ્ટિજિયસસ કાર્યક્રમ હતો. હું હિન્દી અને ઉર્દૂની ગઝલો વિશે એકદમ ગંભીરતાથી વાત કરતો હતો અને નાનકડો ચરિત તો મને જોઈને પપ્પા પપ્પા બોલવા માંડ્યો. એવી કોમિક સિચ્યુએશન હતી. મારું ધ્યાન એનામાં ગયું અને મને નર્વસ ફીલ થવા લાગ્યું. મેં સ્ટેજ પરથી મીનળને ઈશારો કર્યો. ભાઈસાબ આને લઈ જા બહાર. જો કે, પુરુષોત્તમ ઉપાધ્યાયે કહ્યું કે, આજનું બેસ્ટ પરર્ફોમન્સ તો તારા છોકરાએ આપ્યું છે.’

દીકરાની વાત આવી એટલે આ યુગલ જાણે એ દીકરાના બાળપણાં ખોવાઈ ગયું. ચરિતને એમણે ઉદયન ઠક્કરની કવિતા,

મુંબઈ કેરા રાણીબાગમાં ભમભમ હિપો વસતોજી,

મળવા આવે એની સામે ધીમું ધીમું હસતોજી,

કુલ્ફીવાળા કરીમચાચા હિપો જોઈ હરખાયા,

ડબલામાંથી કેસર કુલ્ફી દેવા લલચાયા,

એક આપી, બીજી આપી, પણ હિપો કહે હજી હજી,

એક ડઝન ગુલ્ફી ખાઈને હિપો બોલ્યો હજી હજી....

મોઢે કરાવી હતી. મજાની વાત એ છે કે, આ યુગલને આજે પણ આ કવિતા મોઢે છે. શોભિતભાઈ કહે છે, અનેક ઘરોમાં જન્મેલાં બાળકોમાં આ કવિતા મેં વાવી છે. ચરિત એ કવિતા બહુ જ સરસ બોલતો. નવ વર્ષનો હતો ત્યારે એ મમ્મી-પપ્પા સાથે અમેરિકા ગયો હતો. આ કવિતા બોલે એના બદલે કોઈ એને ડોલર આપે તો પ્રેમથી લઈ લેતો અને કવિતા બોલવા માંડતો. અત્યારે ચરિત માસ મીડિયાનો અભ્યાસ કરીને ધર્મા પ્રોડક્શન સાથે જોડાયેલો છે. ફિલ્મો વિશે ઘણીવાર એ પપ્પા સાથે વાત કરે છે. એને ફિલ્મોનું દિગ્દર્શન કરવું છે.

શોભિત દેસાઈએ ‘સમકાલીન’ દૈનિકમાં બે વર્ષ સુધી ‘એક ખોબો ઝાકળ’ કૉલમ લખી છે. હવે લખવાનું મન થાય છે? શોભિત દેસાઈ કહે છે, ‘મારે હવે લખવું છે માણસના મેલ્ટીંગ ઇગો ઉપર. આખી દુનિયામાં જે પાણી છે એને જો પૃથ્વી પર ફેલાવી દેવામાં આવે તો સોયની એક ટીપ ઉપર આવેને એટલું પાણી પણ આપણાં ભાગમાં ન આવે. આવડી મોટી દુનિયામાં આપણે ઇગો લઈને બેઠાં છીએ. એ ઇગો ઓગળવાની પ્રક્રિયા વિશે કંઈક લખવું છે. માઇકલ એન્જેલોએ એક કલાસિક મૂર્તિ બનાવી છે. જેની ગણના વિશ્વની શ્રેષ્ઠ મૂર્તિમાં થાય છે. વધ સ્તંભ પર ઈશુને ચડાવી દેવાયાં એ પછીની ક્ષણે ભગવાનનું માથું મધર મેરીના ખોળામાં છે અને એ ભગવાનના હાવભાવ તથા મધર મેરીના ચહેરા પર જે કરુણાના હાવભાવ છે એને માઇકલ અન્જેલોએ બખૂબી કંડાર્યા છે. એમને આ કૃતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એમણે એટલું જ કહેલું કે, મેં કંઈ કર્યું જ નથી. મારી સામે એક મોટો પથ્થર હતો બસ  એમાંથી નકામા ટુકડાંને મેં હટાવી દીધાં છે. આ સ્તર ઉપર પહોંચીને મારે મેલ્ટીંગ ઇગો ઉપર લખવું છે.’

મીનળ શોભિત દેસાઈ કહે છે, ’હું હજુ ગયા વર્ષે જ રિટાયર થઈ. મારી ફેરવેલમાં શોભિત આવેલો. એને મારા વિશે થોડી વાતો કરવાની હતી. વક્તવ્યની કળા તો એને હસ્તગત છે. એણે તો બોલવાનું શરૂ કર્યું અને તાળીઓનો ગડગડાટ એને મળ્યો. આઈ લાઈક હિમ ફોર હિઝ હ્યુમર.’ 

છેલ્લે મીનળબેન કહે છે, ‘શોભિત એવા કવિઓને ચાન્સ આપે છે, પ્રોત્સાહિત કરે છે જેમનામાં આવડત છે પણ એમને મોકાની રાહ છે. યંગ પોએટને એ આગળ વધારે છે. એ લોકોને અબ્રોડ પણ કોઈ શૉ મળે તો એને એન્કરેજ કરે છે. એની આ વાત, વિશાળતા અને વર્તન મને બહુ ગમે છે.’ 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.