હું તો સલિલ દલાલની ફેન છું! - હર્ષા હસમુખ ઠક્કર
www.khabarchhe.com ના વાચકો માટે હસમુખ ઠક્કર નવું નામ હશે. પણ જો એમ લખીએ કે, સલિલ દલાલ તો તરત જ યાદ આવશે સ્મિતા પાટીલ અને મીનાકુમારીની સિરીઝ લખે છે ને એ! હવે એમ લખું કે, સલિલ દલાલ અને હસમુખ ઠક્કર બંને એક જ વ્યક્તિ છે. તો કદાચ ફિલ્મી વાત લાગશે. પણ એ સાચી વાત છે કે, હસમુખ ઠક્કર જ કેનેડા બેસીને આપણાં સૌ માટે ‘સલિલ કી મહેફિલ’ લખે છે સલિલ દલાલ નામથી.
સોશિયલ મિડીયા ફેસબુકનો સૌથી શ્રેષ્ઠ ઉપયોગ લેખનની દુનિયામાં કર્યો હોય તો એના માટે આપણે સલિલ દલાલને ટોચ ઉપર મૂકવા પડે. વિદેશ બેઠાબેઠા કટઓફ થઈને ફરી વાચકો સાથે જોડાવાનું શક્ય બન્યું હોય તો એ ફેસબુકના ફળિયે જ શક્ય બન્યું છે. ક્રિએટીવ વ્યક્તિ ચાહે તો સોશિયલ મિડીયાનો કેટલો સહજ અને યોગ્ય ઉપયોગ કરી શકે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે સલિલ દલાલની ફેસબુક પર ચાલેલી સિરીઝ, ‘કુમારકથાઓ’.
‘હસમુખ ઠક્કર નામના અધિકારી સાથે લગ્ન થયાં એ પછીના દિવસોમાં ઘરમાં અસંખ્ય ફિલ્મના મેગેઝીન જોયાં. મને થયું કે, હશે એમને ફિલ્મોનું વાંચવાનો શોખ. બાદમાં એમના ટેબલ પર મેં થોડા કાગળો જોયા. જેમાં ટાઈટલ હતું ‘ફિલમની ચિલમ’ અને લેખકનું નામ હતું સલિલ દલાલ. જોઈને મારો પહેલો સવાલ એ હતો કે, તમે કેમ સલિલ દલાલના નામે લખો છો?
મારા પતિ હસમુખ ઠક્કરે એ દિવસે મારી સામે રાઝ ખોલ્યો કે, હું જ સલિલ દલાલ છું.’ લગ્નના 38 વર્ષે પણ આ વાત કરતાં હર્ષાબહેન રોમાંચિત થઈ ઉઠે છે.
‘હું તો આ સાંભળીને એકદમ સડક થઈ ગઈ. મને પહેલીવારમાં તો કંઈ સમજ જ ન પડી. પછી ધીમે ધીમે ગળે ઉતર્યું કે, મારા પતિ સલિલ દલાલના નામે લખે છે. મેં કહ્યું તમારી કૉલમ વાંચવા માટે તો હું વહેલી ઉઠીને ઘરની સાફસફાઈ કરવા માંડતી. ચાર વખત જોઈ આવું કે, છાપાવાળો આવ્યો છે કે નહીં? છાપું આવે એટલે હું અને મારી નાની બહેન પ્રીતિ રીતસર ઝઘડીએ કે કોણ પહેલાં ‘ફિલમની ચિલમ’ વાંચે? હું કૉલમ વાંચુ એ પહેલાં ટેલપીસ ‘તિખારો’ વાંચી લઉં. પછી આખી કૉલમ વાંચવા બેસું. એ સમયે ક્યાં ખબર હતી કે, જે કૉલમની હું ફેન છું એના લેખક સાથે જ મારા લગ્ન થવાના છે.’
પારિવારિક સંબંધોમાં એમનું હસમુખભાઈ ઠક્કર નામ સંબોધન તરીકે લોકો વાપરે છે. પણ સલિલભાઈને જાણતા લોકો કોઈ દિવસ એમને હસમુખભાઈ નામે સંબંધોન નથી કરતા. પારિવારિક મેળાવડામાં એ જાય ત્યારે હસમુખ ઠક્કર હોય છે પણ વાતોનો દોર શરુ થાય એટલે એ સલિલ દલાલ બની જાય છે. આપણે પણ સલિલભાઈથી વાતને આગળ વધારીએ. સલિલભાઈ કહે છે, ‘મારે હર્ષાના લગ્ન સલિલ દલાલ સાથે નહીં પણ હસમુખ ઠક્કર સાથે કરાવવા હતા એટલે જ મેં એને લગ્ન પહેલાં આ વાત નહોતી કહી. મને થયું કે, લગ્ન પછી કહી દઈશ. પણ લેખની ડેડલાઈન આવી એટલે એને જ સામેથી ખબર પડી ગઈ.’
હર્ષાબહેન કહે છે, ‘પછી તો સગા-સંબંધીઓમાં, બહેનપણીઓમાં બધે જ કોલર ઉંચો રાખીને કહેતી કે, સલિલ દલાલની ‘ફિલમની ચિલમ’ કૉલમ આવે છે ને એ મારા પતિ લખે છે. પણ કોઈ માનતું નહીં. છતાંય હું હાર ન માનતી. મારા જાણીતા લોકોને તો કહેવાનું ચૂકું જ નહીં!
તેઓ મોટાભાગે સવારે પાંચ વાગે ઉઠીને કૉલમ લખવાનું પસંદ કરે. સરકારી અધિકારી હતા એ દિવસોની આદત હજુ જળવાઈ રહી છે. એક જ બેઠકે લગભગ ત્રણેક કલાકના સમયમાં કૉલમ લખાઈ જાય. ઉઠીને સૌથી પહેલાં હું એમની કૉલમ વાંચું. વાંચીને સજેશન પણ કરું. વાંચતા વાંચતા કેટલીય વાર એવું પણ થઈ આવે કે, કેવી સરળ ભાષામાં લખે છે આ માણસ. જાણે આપણી સાથે વાત કરતાં હોય એ રીતે અને વાચકને જરા સરખો અંદાજ ન આવે કે, ક્યારે ટોપિક ચેન્જ થઈ ગયો અને ક્યારે બીજી વાત પર લેખક લઈ ગયા. એકદમ શીરાની જેમ ગળે ઉતરી જાય એવી ભાષા. એક જ લેખમાં કેટલી બધી અવનવી માહિતીઓ એ આપી દે છે. આજે પણ એવું લાગે કે, ફિલ્મોના લખાણે એમને ધબકતા રાખ્યા છે.’
હર્ષાબહેન પોતે લાયબ્રેરિયન તરીકે નોકરી કરતાં હતાં. 2008માં આ યુગલ કાયમ માટે કેનેડા સ્થાયી થઈ ગયું. સામાન પેક કરવાનું ટેન્શન ઓછું હતું પણ સલિલભાઈના સંગ્રહ કરેલાં ફિલ્મના કિંમતી મેગેઝીન કેવી રીતે સાચવવા એ સૌથી મોટો સવાલ હતો. એક-બે નહીં પૂરા 67 મોટા મોટા કોથળા ભરીને આ મેગેઝીન્સ છે. થોડા સમય પહેલાં આ યુગલે વિદેશથી આવીને પોતાનું વલ્લભ વિદ્યાનગરનું ઘર રિનોવેટ કરાવ્યું. સામાન બીજા ઘરે મૂકવાનો આવ્યો ત્યારે અંગત લોકોએ પૂછ્યું કે, ‘આમાંથી એક-બે કોથળા ઓછા થાય તેમ નથી?’ હર્ષાબહેને ઘસીને ના પાડી દીધી. આવી વાત તો એમની સામે ઉચ્ચારતા પણ નહીં.
સલિલભાઈના પિતા ભોગીલાલભાઈને કઠાણા ગામે દુકાન હતી. એ દુકાન માટે વડોદરા પસ્તી ખરીદવા જતા. એમના પિતા આરામ, ચાંદની, કુમાર વગેરે જેવા મેગેઝીન પસ્તીવાળા પાસેથી વધારે રુપિયા આપીને ખરીદતા. સલિલભાઈ પણ ત્યારે એમની સાથે જતા અને પોતાના માટે રમકડું અને બીજી વાચનસામગ્રી અલગથી બંધાવતા. વીજળી, પાણી પણ નહોતાં અને કાચી સડકોવાળા કઠાણા સ્ટેશનનું નામ હસમુખ ઠક્કરના નામની પાછળ ટાઈમ્સમાં છપાતાં ચર્ચાપત્રો સાથે છપાતું. સલિલભાઈ ચર્ચાપત્રો લખતાં અને એ અંગ્રેજી અખબારમાં છપાતાં. કૉલેજમાં સાથે ભણતા મિત્ર કિરીટ ઠક્કર સાથે મળીને પત્રો લખતા અને એમાં બંનેના નામ છપાતાં સંગીતકારોની બેલડી હોય એમ.
સલિલભાઈ કહે છે, ‘અમારું પોતાનું સાપ્તાહિક છાપું હતું ‘આનંદ એક્સપ્રેસ’, 97-98માં મેં બીજું છાપું શરુ કરેલું ‘નવજીવન એક્સપ્રેસ’. મારી પહેલી કૉલમ ‘આનંદ એક્સપ્રેસ’માં એચ.બી.ના નામે છપાતી. તમે કોઈપણ વિષય કહો મેં એ વિષય પર લખ્યું નથી એવું નથી બન્યું. જો કે, મને સૌથી વધુ મજા ફિલ્મો ઉપરના લેખોમાં જ આવે છે. હું ચોવીસ વર્ષનો હતો ત્યારે ‘આનંદ એક્સપ્રેસ’માં મારી ‘ફિલમની ચિલમ’ નામની કૉલમ આવતી. નેશનલ ન્યૂઝપેપરમાંથી ચૂંટીને એક કૉલમ લખતો ‘અખબારોમાંથી અવનવું’. આ ઉપરાંત ‘આણંદમાં હરતાં ફરતાં’ કૉલમ લખતો જેમાં આણંદના લોકલ પ્રશ્ર્નો વિશેની વાતો લખતો. હું કોઈ દાવો કરવા નથી માગતો પણ 1974ની સાલમાં કૉલમની નીચે ટેલપીસ લખવાનું મેં શરૂ કરેલું. ‘આણંદમાં હરતાં ફરતાં’ કૉલમનો ટેલપીસ એટલે ચલતે ચલતે. ‘ફિલમની ચિલમ’નો ટેલપીસ એટલે ‘તિખારો’. આજે લગભગ દરેક લેખક ટેલપીસ મૂકે છે. પણ એની શરુઆત મેં કરી છે એવું હું કહી શકું તેમ છું. ફિલ્મો તરફના પ્રેમના કારણે જ આ અખબારનું નામ આનંદ રાખેલું. મારું અખબાર હું ગુજરાત આખાના સાહિત્યકારો અને લેખકોને મોકલતો. આ જોઈને જ મને વિનોદ ભટ્ટ ‘સંદેશ’માં લઈ ગયા. 1978થી મારી કૉલમ ‘ફિલમની ચિલમ’ ‘સંદેશ’માં ચાલુ થઈ. એ સમય એવો હતો કે, સિનેમા વિશે લખનારા લોકોને અસ્પૃશ્યની જેમ જોવામાં આવતા. સિનેમા વિશે વાંચવું બધાંને ગમતું પણ એનો ખુલીને સ્વીકાર કોઈ ન કરતું. વળી હું સરકારી નોકરી કરતો હતો. મામલતદાર હતો અને ડેપ્યુટી કલેકટર તરીકે નિવૃત્ત થયો. સરકારી નોકરી કરતો હતો એટલે મનમાં એવું જ હતું કે, હું સાચા નામે ન લખી શકું. બાદમાં ખબર પડી કે, સરકારી નીતિઓની ટીકા ન કરી શકો બાકી તમે તમારા નામે લખી શકો. જો કે, ત્યાં સુધીમાં તો અંગત મિત્રના પરિવારજનમાંથી લીધેલું નામ સલિલ દલાલ મને સદી ગયું હતું. થોડા સમય પછી બીજી કૉલમ લખવાની ઓફર આવી. અઠવાડિયાના વચ્ચેના દિવસે એટલે કે ગુરુવારે આ કૉલમ શરુ કરી. પહેલાં મારે નામ રાખવું હતું, 'થૂપ્પીસ' કે 'ટેમ પ્લાસ' પણ ફાઈનલી નામ રાખ્યું ‘ટાઈમ પ્લીઝ’. આજે પણ એ કૉલમના ચાહકો મળી આવે છે. રમત રમતાં રમતાં થોડી મિનિટનો કોઈ બ્રેક માગે એ ટાઈમ પ્લીઝ અને સૌથી છેલ્લે રહેવા માગે એ લાસ્ટિક એટલે આ કૉલમના ટેલપીસને નામ આપ્યું લાસ્ટિક. ‘સંદેશ’ બાદ ‘ગુજરાત સમાચાર’માં આઠ વર્ષ કૉલમ લખી ‘ફિલ્લમ ફિલ્લમ’ અને ‘પ્રાઈમ ટાઈમ’. એ બાદ ‘દિવ્ય ભાસ્કર’માં ચારેક વર્ષ લખ્યું. ફરી પાછો ‘સંદેશ’માં ગયો. પણ ‘સંદેશ’માં 2008માં મારી કૉલમ બંધ થઈ. ‘મિડ ડે’, ‘મુંબઈ સમાચાર’ અને દોઢ વર્ષ સુધી ‘નવ ગુજરાત સમય’માં લખ્યું.
સલિલભાઈ કહે છે, ‘મેં આજીવન અપડાઉન કર્યું છે. ટ્રેનમાં જઈને ઉપરની બર્થ ઉપર લંબાવી દઉં. કેટલીક વાર લોકોની વાતો સાંભળું. ઘણીબધી વાર તો એવું બને કે મારી બાજુમાં બેઠેલો વ્યક્તિ મારી કૉલમ વાંચતો હોય અને એની ચર્ચાઓ કરતો હોય ને હું ચૂપચાપ સાંભળતો હોઉં!’
છેલ્લી ઘડીએ જ સંપાદકને લેખ મોકલવાની આદત ધરાવતા સલિલભાઈ કદીય ડેડલાઈન નથી ચૂક્યા. જો કે, નિકટના પરિવારજનોની તબિયત કે વિદાયના સમાચાર આવે ત્યારે એ લખી નથી શકતા. બહુ સહજતાથી એ એક-બે અઠવાડિયાનો બ્રેક લઈ લે છે.
સલિલભાઈએ વિદેશમાં બેસીને ફેસબુક પર કુમારકથાની સિરીઝ ચલાવી. અત્યારે ‘કિનારે કિનારે’ લખે છે. આ બધા રેફરન્સ કેવી રીતે એરેન્જ કરે છે? સલિલભાઈએ તરત જ પોતાનું લેપટોપ ખોલ્યું અને એમાં રહેલાં ફોલ્ડર્સ બતાવ્યાં. જેમાં આલ્ફાબેટ પ્રમાણે દરેક કલાકાર-ગાયક- દિગ્દર્શકથી માંડીને ફિલ્મી દુનિયાના લોકો વિશે સ્કેન કરેલાં લેખો હતા. જે બધું કોથળામાં છે એ કમ્પ્યુટરના ફોલ્ડરમાં છે.
હર્ષાબહેન કહે છે, ‘74ની સાલથી સતત એ લખે છે. બહુ મહેનત કરે છે. આજે પણ કેનેડાની કોર્ટમાં એ ઇન્ટરપ્રિટર તરીકે કામ કરે છે. લૉ નો અભ્યાસ કરીને એમણે પેરાલિગલ લાયસન્સ લીધું છે. લેખનની દુનિયામાં એમનું જે પ્રમાણે નામ છે એ પ્રમાણે એમને મળ્યું નથી. હજુ એ વધુ ડિઝર્વ કરે છે. એમની સાથેના લગ્ન બાદ મારી ફિલ્મો જોવા પ્રત્યેની સમજ કેળવાઈ. અગાઉ મારા માટે ફિલ્મ એટલે જે તે હીરોની ફિલ્મ હતી. હવે તો શોટ કેવી રીતે લેવાયો હશે, ક્યાં કટ થયો હશે, ક્યાં કેમેરા ઝૂમ થયો ક્યાં ઝૂમ આઉટ થયો એ તમામ પ્રકારની સમજ મને આવી ગઈ છે.’
સલિલ દલાલ નામ વિશે પૂછ્યું કે, આ નામ મુસ્લિમ જેવું લાગે છે. હર્ષાબહેન કહે છે, ‘એક યાદગાર કિસ્સો કહું તમને. એક વખત એમણે લખેલું કે મિથુનની ફિલ્મો જુમ્માની નમાઝની જેમ ફલોપ જાય છે. એમાં તો હોબાળો મચી ગયો. કેટલાક વાચકોની લાગણી દુભાઈ અને થોડા દિવસ ટેન્શન થઈ ગયેલું. એ દિવસોમાં જ્યાં કૉલમ છપાતી હતી એમણે બોલાવીને કહ્યું, આ જુઓ પત્રોનો ઢગલો અને ફોન પર અણછાજતી વાતો.’
સલિલભાઈ કહે છે, ‘લખતી વખતે કોઈની લાગણી દુભાય એવો કોઈ ઈરાદો ન હતો. પણ પછીના લેખમાં મેં વાળી લીધું એટલે વાંધો ન આવ્યો.’
હર્ષાબહેન ઉમેરે છે, ‘આ નામને કારણે હજુ પણ ઈદ મુબારકના ફોન અને ટપાલો આવે છે. ફિલ્મની દુનિયાને અલગ રીતે લખવાનો અને જોવાનો નજરિયો કેનેડા બેઠાબેઠા પણ એવોને એવો ફ્રેશ છે.’ ‘ફિલમની ચિલમ’નો ‘તિખારો’ હજુય હર્ષાબેનની આંખમાં લગ્નના થોડા દિવસો બાદ સલિલ દલાલ નામનું રહસ્ય ખુલ્યું એ રીતે એવોને એવો તાજો છે. હર્ષાબહેનને ગૌરવ છે કે એ એમના પતિનાં પહેલાં રીડર છે. લોકો સુધી પહોંચે એ પહેલા પોતે વાંચે છે એ લાગણી એમના ચહેરા ઉપર દેખાઈ આવે છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર