પતિના પત્રકારત્વ અને લેખન માટે અનેક રજાઓ કુરબાન કરી છે- સીમા કૌશિક મહેતા

04 May, 2017
12:00 AM

જ્યોતિ ઉનડકટ

PC: khabarchhe.com

‘ખબરની ખબર’, ‘આજનો ઇ મેઇલ’, ‘ભેજા ફ્રાય’, ‘લેટર ટુ ડૉટર’, ‘ટાઢા પો’રે’ અઠવાડિયાની પાંચ કૉલમ અને એ જ દૈનિક ‘ફૂલછાબ’નું તંત્રીપદ, વર્ષો સુધી ‘ચિત્રલેખા’ સાથેની સુદીર્ઘ કારકિર્દી ખેડનાર અને જેમની કલમ એક અનોખા પોતીકાપણાંની ભાત પાડે છે એવા કૌશિક મહેતાની શબ્દ સર્જન પ્રક્રિયાની વાત કરવી છે. ક્રિએટીવ રાઈટીંગ અને રિપોર્ટીંગ બંનેમાં જેમની હથોટી છે, ઈન્ટરવ્યૂ લેતી વખતે સામેવાળાની આંખમાં કંઈક અનોખું વાંચીને તેને શબ્દસ્થ કરે છે એવા કૌશિક મહેતાના કામ અને કરિયર તથા લેખન વિશે એમના પત્ની સીમા અને દીકરી કોમલ વાત માંડે છે. 

કૌશિકભાઈ સાથે મારો પરિચય લગભગ એકવીસ વર્ષથી છે. એમની સાથે મેં રિપોર્ટીંગ કર્યું છે, શરુઆતના દિવસોની મારી કોપી એમણે એડિટ કરી છે. કંઈક સારું લખ્યું હોય ત્યારે દિલથી મને એમણે અભિનંદન આપ્યા છે. ક્યાંય કંઈ જ લખતી ન હોઉં કે કામ ન કરતી હોઉં તો એમનો જીવ બળે એવા આ મિત્રની મુલાકાત પણ મજાની રહી. 

‘સર્જકના સાથીદાર’ કૉલમ માટે એક વખત અલપ-ઝલપ વાત થયેલી. સીમાભાભીએ એમના સ્વભાવ પ્રમાણે વાતને સરસ રીતે ટાળી દીધી અને કૌશિકભાઈને સંબોધીને કહ્યું, ‘એને એના લખવા-વાંચવા સિવાય કંઈ બીજું સૂઝતું જ નથી.’ એમની આ ટકોર સાંભળીને કૌશિકભાઈએ કહ્યું, ‘એ… તું સીમાનો ઇન્ટરવ્યૂ ન કરતી. મારી ચકલીનો કરજે. મારી દીકરી સાચું કહેશે.’  આ ચકલી એટલે ચકુ અને કૌશિકભાઈની લાડકી દીકરી કોમલ. 

મારી સફળતા પાછળ આ લોકોએ ઘણું સફર કર્યું છે. આવું વાક્ય કૌશિકભાઈ એક વખત જાહેરમાં બોલ્યા હતા. દરેક સર્જકની પાછળ એના પરિવારજનોનો ભાગ અને ભોગ હોય જ છે. સીમા મહેતા પતિની સફળતા કે સંઘર્ષ વિશે બહુ વ્યક્ત નથી થતાં. પણ એમની આંખોમાં અને એમના વર્તનમાં પતિની હારોહાર ઊભા રહ્યાંનું ગૌરવ દેખાઈ આવે છે. સારું લખ્યું હોય તો સામે વખાણ ન કરે પણ સગાં-વહાલાં, બહેનપણીઓ અને મિત્રોમાં ફોન કરી કરીને કહે કે, ‘કૌશિકનો આ લેખ વાંચ્યો કે નહીં?’ અવ્યક્ત રહીને પણ સાથ નીભાવી જાણવો એનું સીધું ઉદાહરણ એટલે સીમા કૌશિક મહેતા. આ એટલે લખી શકું છું કેમકે, મેં એમને બહુ નજીકથી જોયાં છે. 

સીમા મહેતા કહે છે, ‘લગ્ન થયાં ત્યારે એટલી ખબર હતી કે, પત્રકાર છે. પણ પત્રકારની જિંદગી આટલી હાર્ડ હોય એ વિશે જરા પણ આઈડિયા ન હતો. કેટલાં રવિવાર, કેટલી રજાઓ અને કેટલાં વેકેશન જતાં કર્યાં હશે એનો કોઈ હિસાબ નથી મારી પાસે. વળી, એવું ગણીને મારે કંઈ બતાવવું પણ નથી. જો કે, વારંવાર રજાના દિવસે કે દર રવિવારે રિપોર્ટીંગમાં જવાનું થતું તો પછી મારે જિદ્દ કરવી પડતી. મોટાભાગે એ જિદ્દ સંતોષાઈ પણ જતી. જે જતું કર્યું છે એનો કોઈ અફસોસ નથી પણ નવીસવી પરણેલી આવેલી સ્ત્રીને રજાઓમાં ફરવાના અરમાન તો હોય જ ને! ‘ચિત્રલેખા’નું રિપોર્ટીગ હંમેશાં રવિવારે જ કરતાં. આજે પણ મહિનાના કેટલાંક રવિવાર એ એક મહાન વ્યક્તિની બાયોગ્રાફી લખે છે તેમની સાથે વીતાવે છે. 

જ્યારે એ ‘ત્રિકાલ’ વીકલી મેગેઝિન બહાર પાડતાં ત્યારે હું એમની સાથે સૌથી વધુ ઝઘડી હોઈશ. 1993ની સાલમાં આ મેગેઝિનના ચાર અંક બહાર પડ્યાં. દર બુધ-ગુરુવારે એ રાત્રે અઢી-ત્રણ વાગે ઘરે આવે. આ સમય મારા માટે બહુ અઘરો હતો. મને દર વખતે એમ થતું કે, આખરે આટલી હૈયાહોળી શાને માટે?’

આ વખતના સર્જક મતલબ કે કૌશિક મહેતા પોતાની વાત માંડે છે. એ બહુમુખી પ્રતિભાના ધણી છે એવું લખું તો વધુ પડતું નથી. કવિતાઓ લખી જાણે, સ્કેચ પણ બનાવતાં હતાં, સરસ મજાના ઇન્ટરવ્યૂ લઈ જાણે વળી એ મુલાકાતમાં સામેવાળી વ્યક્તિને ઉઘડવા માટે પૂરતું આકાશ આપે, તંત્રી લેખ લખે, અઠવાડિયાની પાંચ કૉલમ લખે, થેપલાં સરસ બનાવી જાણે, ભજીયાં અફલાતૂન સ્વાદિષ્ટ બનાવે છે... ’ચિત્રલેખા’ના તંત્રી ભરત ઘેલાણીએ કૌશિક મહેતાની એક બુકની પ્રસ્તાવનામાં લખ્યું છે કે, કૌશિક મહેતા કોથળામાં પાંચ શેરી ભરીને લખે છે. 

મૂળ એડનમાં જન્મેલાં કૌશિક મહેતા આમ તો સાયન્સના વિદ્યાર્થી હતા. બી.એસ.સીના પહેલા વર્ષમાં ફેઈલ થયા પછી રાજકોટની જસાણી કૉલેજમાં ઈકોનોમિક્સ વિષય સાથે ગ્રેજ્યુએશન કર્યું. આજે પણ પ્રોફેસર પી.સી.બારોટ અને એચ.એલ.દવેની ભણાવવાની શૈલીને તેઓ યાદ કરવાનું નથી ચૂકતાં. લખવા-વાંચવાનો વારસો આમ તો પિતા વૃજલાલ મહેતા તરફથી મળ્યો. પિતાની ભાષા અલંકૃત અને ઉચ્ચ કક્ષાના ગુજરાતી સાથેની રહી. વાંચવાનો શોખ કેમ પૂરો કરવો? એ સવાલના જવાબરૂપે એમણે એક નહીં પણ ચાર ચાર લાયબ્રેરીમાં ખાતા ખોલાવ્યાં હતાં. કેમકે, લાયબ્રેરીમાં નિયમ હતો કે, પંદર દિવસે જ પુસ્તક બદલાવી શકો. રાજકોટની લેંગ લાયબ્રેરી, જિલ્લા લાયબ્રેરી, રામકૃષ્ણ લાયબ્રેરી અને સર લાખાજીરાજ લાયબ્રેરી આમ ચાર લાયબ્રેરીમાં જઈને પુસ્તકો લઈને વાંચતાં. વિઠ્ઠલ પંડ્યા, સારંગ બારોટ, મેકલી, પન્નાલાલ પટેલ, વાડીલાલ ડગલી, વજુ કોટક, હરકિસન મહેતાના લગભગ તમામ પુસ્તકો સ્કૂલ અને કૉલેજના દિવસોમાં જ વાંચી નાખ્યાં હતાં.

પુસ્તકો પ્રત્યેનો પ્રેમ કદાચ એમને લાયબ્રેરી સાયન્સના અભ્યાસ તરફ ખેંચતો હતો. પણ એમની નિયતિ પત્રકારત્વમાં લખાઈ હતી. લાયબ્રેરી સાયન્સનું એડમિશન ફોર્મ ભર્યું, પ્રવેશ મળી ગયો. સાથોસાથ પત્રકારત્વનું ફોર્મ પણ ભર્યું. લેખિત પરીક્ષા પાસ કરી દીધાં પછી મૌખિક પરીક્ષા આપવાની ભૂલાઈ ગઈ. ફરી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શ્રી એ.ડી. શેઠ પત્રકારત્વ ભવન ગયા. હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડૉ. યાસીન દલાલને મળ્યાં. એમણે થોડાં સવાલો પૂછ્યાં અને જર્નાલિઝમમાં એડમિશન મળી ગયું. એ જ એ.ડી.શેઠ નામનું પત્રકારત્વ ભવન છે જેમણે ‘ફૂલછાબ’નું તંત્રીપદ શોભાવ્યું હતું અને આજે કૌશિક મહેતા એ જ ખુરશી પર બેસે છે.

કલમ હાથમાં લીધી એ પહેલાં લેખક-પત્રકાર અને તંત્રીએ રેડિયો રિપેરીંગનો કોર્સ કર્યો. ઘરમાં એક ફિલિપ્સનો વાલ્વવાળો રેડિયો હતો એ રેડિયો ચાલતો હતો અને ઉત્સુકતા માટે ખોલ્યો બસ એ પછી એ રેડિયો ચાલુ જ ન થયો! 

દોઢસો રૂપિયાના પગારે મશીન ટુલ્સની કંપનીમાં કામ કર્યું. ટાઈપ કલાસમાં ઈન્સ્ટ્રક્ટર તરીકે કામ કર્યું. જર્નાલિઝમના ભાગરુપે ‘નૂતન સૌરાષ્ટ્ર’માં ઈન્ટર્નશીપ કરી. પછી ત્યાં જ નોકરી કરી. માસ્ટર્સ ઓફ જર્નલિઝમ કરતાં કરતાં ‘નૂતન સૌરાષ્ટ્ર’માં ચારસો રૂપિયાના પગારે નોકરી શરૂ થઈ. બીજી નોકરી ‘અકિલા’ સાંધ્ય દૈનિકમાં કરી. બંને જગ્યાએ પગાર ચારસો- ચારસો રૂપિયા. સવાર અને સાંજ બે નોકરી અને બપોરે ભણવા જવાનું. સાયકલ ઉપર સફર કરીને બધે જ પહોંચી વળતાં.  

પત્રકારત્વનો અભ્યાસ કરતાં એ દિવસોમાં કાવ્યો લખતાં જે ‘ફૂલછાબ’માં છપાયા છે. ‘ફૂલછાબ’ને એક પત્ર લખ્યો હતો જે છપાયો પણ હતો. જેનું શીર્ષક હતું, રાજકારણીઓને રાજકીય પ્રશ્ન તમારી ચામડી આટલી જાડી કેમ?

કૌશિકભાઈ કહે છે, ‘નૂતન સૌરાષ્ટ્ર’માં કામ કરતો એ દરમિયાન ગુજરાતીની જોડણી અને પ્રૂફ રિડિંગ સૌથી વધુ મજબૂત થયું. જે હજુ પણ કામ લાગે છે. બે-બે નોકરી કરતો એ પછી ‘સંદેશ’ દૈનિકમાં નોકરી કરી. રાજકોટ ઓફિસમાં કામ કરતો. એક વખત ‘સમકાલીન’ દૈનિકની ‘સાજ-અસબાબ’ નામની પૂર્તિમાં જનરેશન ગેપ ઉપર લખવાનું હતું. સંજય વોરા એ પૂર્તિના સંપાદક હતા. એમણે મને ‘ફૂલછાબ’ના તંત્રી હરસુખ સંઘાણીનો ઇન્ટરવ્યૂ કરવા કહ્યું. ‘સમકાલીન’ની એ પૂર્તિમાં ‘ચિત્રલેખા’ના તંત્રી હરકિસન મહેતા અને ‘ફૂલછાબ’ના તંત્રી હરસુખ સંઘાણી બંનેનો ઈન્ટરવ્યૂ બાજુબાજુમાં છપાયો. 

‘સંદેશ’માં હતો ત્યારે જ હરસુખ સંઘાણીએ ‘ફૂલછાબ’માં જોડાવાની ઓફર કરી. ‘સંદેશ’ના માલિક ચીમનભાઈ પટેલને ખબર પડી ત્યારે એમણે મને પાકો ઓર્ડર આપવાની ખાતરી આપી. પણ મેં સંઘાણી સાહેબને હા કહી દીધી હતી એટલે હું ‘ફૂલછાબ’માં સબ એડિટરની નોકરી માટે જોડાયો. અઢી હજાર રૂપિયા પગારથી. હરસુખ સંઘાણી અને હરકિસન મહેતા પરમ મિત્રો એટલે હરકિસનભાઈ રાજકોટ કોઈ લગ્નમાં આવેલાં ત્યારે એમણે મારી પાસે ‘ચિત્રલેખા’ માટે કમુરતાં ઉપર સ્ટોરી કરાવી. એ સ્ટોરી કરી, રિપોર્ટીંગ કર્યું, સાવ સાદાં છાપાંના કાગળ ઉપર લખીને એ સ્ટોરી હરકિસનભાઈ રાજકોટ આવેલાં હતા ત્યારે જ એમને હાથોહાથ આપી. એમણે એમની સ્ટાઈલ પ્રમાણે પહેલા બે-ત્રણ કાગળો પર નજર મારી. પછી મારી સામે જોઈને કહ્યું, છપાયને ત્યારે જો જે. જો કે એ સ્ટોરી મારા નામ વગર આવી હતી. પણ ત્યારે મને થયું કે, મેં કેવી કોપી લખી હતી અને હરકિસનભાઈએ કેવી સરસ મઠારી સ્ટોરીને. બસ આમ ધીમે ધીમે સ્ટોરી કેવી રીતે લખવી એ શીખતો ગયો. ‘ચિત્રલેખા’ સાથે લાંબો સમય સુધી નાતો રહ્યો.’

રાજકોટમાં અને કચ્છના ભૂકંપ વખતે મેં કૌશિકભાઈ સાથે રિપોર્ટીંગ કર્યું છે. એમની કરિયરના યાદગાર અનુભવો પણ માણવા જેવા છે. કૌશિકભાઈ કહે છે, ‘લો કૉલેજની પરીક્ષામાં બેફામ ચોરીઓ થતી એ વિશે સ્ટોરી કરી. પરીક્ષાથી પરિણામ સુધી ગોલમાલ આ હેડિંગ સાથે ‘ફૂલછાબ’માં સ્ટોરી છપાઈ. એ દિવસે સંઘાણીસાહેબે મારી પીઠ થપથપાવી હતી. એ જાણે મારા માટે એવોર્ડ મળ્યા સમાન ક્ષણ હતી. એક સ્ટોરી કરી હતી કે,  ગોંડલમાં ગુંડાગીરી બહુ વધી ગઈ છે. એ રિપોર્ટ એટલો કડક બનાવ્યો. દાખલા-દલીલ અને આંકડા સાથે એ સ્ટોરી લખી. બે દિવસ ત્યાં રોકાયો અને પછી સ્ટોરી લખી. સંઘાણીસાહેબ મૂળ ગોંડલના. એમણે એ મારી સ્ટોરીને અનુસંધાને જ એડિટ લખ્યો. આ લેખના આધારે ગોંડલના ડીએસપી ઉદય જોશીની તત્કાળ બદલી થઈ હતી. એક સ્ટોરી લખી હતી જેના આધારે વિખૂટાં પડેલાં બાપ-દીકરાના મિલનમાં ‘ફૂલછાબ’ નિમિત્ત બન્યું હતું. ‘

લખવા માટે કોઈ ખાસ સમય કે ખાસ માહોલ જોઈએ?

સીમા મહેતા કહે છે, ‘એ ગમે ત્યારે ગમે ત્યાં લખી શકે. એક વખત અમે ફરવા ગયેલાં તો હોટેલના રિસેપ્શન કાઉન્ટરની બાજુમાં બેસીને લખ્યું હતું. મેચ જોતાં જોતાં પણ એની કલમ એના વિષય સાથે ચાલતી હોય. આસપાસના માહોલથી પર થઈને એ લખી શકે છે. કદીય એમનું લખવા માટે ધ્યાનભંગ નથી થયું. પહેલાં જે ઘરમાં રહેતાં હતાં ત્યાં તો ઉપર-નીચે એમ બે માળવાળું ઘર હતું. હવે ફલેટમાં રહેવા આવ્યાં. અહીં તો હૉલમાં બેસીને જ લખે છે. એ લખતાં હોય ત્યારે એમણે અમારા માટે કોઈ દિવસ કોઈ બંધનો કે નિયમો નથી કહ્યાં. રોજની ઘટમાળમાં એમનું લેખન પણ એટલું જ વણાઈ ગયું છે. જેટલું એમના માટે સહજ છે એટલું જ અમારા બધાં માટે સહજ છે.’

કૌશિકભાઈ કહે છે,’મોરારિબાપુની કથામાં નાઈરોબી ગયો હતો. ત્યાંથી રામ સફારી લખતો. એમાં એક વખત તો હેડિંગ માર્યું હતું કે, ચારણ કેન્યા એ હેડિંગ પર બાપુ ઓવારી ગયાં હતાં. ‘ચિત્રલેખા’ માટે એક રિપોર્ટ લખ્યો હતો, ભાજપમાં ગુંડાગીરી એ રિપોર્ટે ખાસ્સી ચર્ચા જગાવી હતી.’  આ રિપોર્ટ વખતે હું રાજકોટ ‘ચિત્રલેખા’માં પત્રકાર હતી. કૌશિકભાઈ ઉપર અને ‘ચિત્રલેખા’ ઉપર એ સમયે કેસ પણ કરવામાં આવેલો. એ કેસની તારીખોની હું સાક્ષી રહી છું. 

અસ્મિતા પર્વ સમયે મહુવાથી રાજકોટ આવતાં ઓન ધ વે લખ્યું હતું. સૌરાષ્ટ્રમાં શિક્ષણ જગતમાં મુઠ્ઠી ઉંચેરું નામ ધરાવતાં વાલજીભાઈ પટેલ ગૂજરી ગયાં ત્યારે ચાલુ કારે એડિટોરિયલ લખ્યો હતો. 

કૌશિક મહેતા કહે છે, ‘ઘણી વખત રિપોર્ટીંગ દિલને હલાવી પણ જાય. 2000ની સાલના ભૂંકપ સમયે માળિયા ગયેલો. ગામમાં ઊભેઊભા સોંસરવા નીકળી શકાય એવી હાલત હતી. એકપણ મકાન બચ્યું ન હતું. એ ખુવારી જોઈને મારું દિલ દ્રવી ઉઠ્યું હતું. એ દિવસે એમ લાગ્યું હતું કે, આજે તો નહીં જ લખી શકું. પણ મન મક્કમ કરીને રિપોર્ટ લખવા બેસી ગયો.

કવિ રમેશ પારેખ રાજકોટ શિફ્ટ થઈ ગયા પછી એમની સાથે દોસ્તી બહુ ગાઢ થઈ. ર.પા.એ જે દિવસે વિદાય લીધી એ દિવસે ‘ફૂલછાબ’નો મેઈન રિપોર્ટ મેં લખ્યો હતો. એ દિવસ પણ બહુ અઘરો હતો.’

કૌશિક મહેતાનું એક રિપોર્ટીંગ તો એમને જ નહીં એમની સાથે દિલથી જોડાયેલાં તમામ લોકોને યાદ છે. વાત એમ હતી કે, અફઘાનિસ્તાનની તોરા-બોરાની ગુફામાં લાદેનના હોવાના સમાચાર મળ્યાં. એ સમયે એવી એક્સક્લુઝિવ (એક આડ વાત હું અને કૌશિકભાઈ હંમેશાં એક્સક્લુઝિવના બદલે એકલુઝિવ જ બોલીએ છીએ !) માહિતી મળેલી. તેનો રિપોર્ટ લખવા બેઠાં. બપોરના સમયે ‘ચિત્રલેખા’ની સ્ટોરી લખી. એ સમયે જ ભયંકર એસિડીટી અને ગેસ થયો હોય એવું લાગ્યું. સોડા મંગાવીને પીધી તો પણ ચેન ન પડે. સ્ટોરી લખીને ઘરે ગયો. એક વખત વિચાર પસાર થઈ ગયો કે, હાર્ટ એટેક તો નહીં હોયને! પછી તરત જ એવું પણ થઈ આવ્યું કે, એમ કંઈ થોડો એટેક આવશે? સાંજે ‘ફૂલછાબ’ ઓફિસે જતાં જતાં ડૉક્ટર પાસે ગયો. એ તો મારી ઉપર ઉકળી ઉઠયાં. હાર્ટને ડેમજ થવાનું હતું એ થઈ ગયું. પછી એન્જિયોગ્રાફી અને સારવાર કરાવી.’

ફેબ્રુઆરી, 2004ની સાલની વાત છે. કૌશિક મહેતાને હાર્ટ એટેક આવ્યો એ વાત પત્રકારજગતના તમામ મિત્રો માટે બહુ આઘાતજનક વાત હતી. એ સમયે કૌશિકભાઈની ઉંમર 39 વર્ષની હતી. આ ઉંમરે હાર્ટ એટેક આવ્યો એ વાત જલદીથી મારા સહિત કોઈને ગળે ઉતરે એમ ન હતી. 

હેલ્થ ઈન્શ્યોરન્સ હોવા છતાં ખર્ચ સારો એવો થયો. સીમા મહેતા સાથે વાતવાતમાં એવું પણ બોલી ગયાં કે, એમ માન્યું કે, એક વર્ષ નહોતા કમાયા...  કૌશિકભાઈને હાર્ટ એટેક આવ્યો એ પછી મળવા ગયેલી ત્યારે એમણે હળવા ટોનમાં કહ્યું કે, એક વાત સાબિત થઈ ગઈ કે, મારે દિલ છે...

દિલની વાત નીકળી એટલે સીમા મહેતા તરત જ બોલી ઉઠ્યાં કે, ‘એમની હાર્ટમેઈલ કોલમની હું ફેન છું. એ મને બહુ ગમે છે.’ જો કે, કૌશિકભાઈના દિલની નજીક એમની કોલમ ‘લેટર ટુ ડોટર’ છે. 

આ કૉલમની શરૂઆત બહુ રસપ્રદ રીતે થઈ હતી. વાત એમ હતી કે, કૌશિક મહેતાની દીકરી ચકુ મતલબ કે કોમલ બારમા ધોરણ બાદ ઈન્ટીરિયર ડિઝાઇનિંગના અભ્યાસ માટે વિદ્યાનગર ગઈ. દીકરીને શિખામણ તો શું આપવી? એ આપવાની જરૂર ન હતી. આથી એમણે દીકરીની યાદ આવી ત્યારે ચારેક પત્રો લખ્યાં. 

કોમલ કહે છે, ‘હું તો વિદ્યાનગરમાં નવા માહોલથી પરિચિત થતી હતી. ઘર અને મમ્મી-પપ્પાની યાદ આવતી પણ ભણવા આવી છું એટલે અહીં રહેવું જ પડશે એમ થતું એટલે એ વિચારને ખંખેરી નાખતી. એક દિવસ હોસ્ટેલમાં હતી ત્યારે મારા નામે પત્ર આવ્યો. પપ્પાના અક્ષરો તો પહેલી નજરમાં જ ઓળખી જાઉં. મને એમ કે એડમિશનની કોઈ ફોર્માલિટીઝ પૂરી કરવાની હશે એનું કંઈક હશે. કવર ખોલીને જોયું તો એમાં મને એકદમ લાગણીસભર શબ્દો સાથે પત્ર લખ્યો હતો. શું લખ્યું અને કેવા શબ્દો હતાં એ તો પછીની વાત છે પપ્પાનો પત્ર જોઈને જ હું તો રડવા માંડી. આંખોમાં આંસુ સાથે ઝાંખા પડી ગયેલાં અક્ષરો સીધાં દિલને સોંસરવા ઉતરી ગયાં. થોડી સ્વસ્થ થઈ અને પછી ફરીથી કાગળ વાંચ્યો. મારી જિંદગીની સૌથી બેસ્ટ ગિફ્ટ કહો કે સૌથી યાદગાર અને દિલની નજીકનું સંભારણું કહો... પપ્પાના એ પત્રો એમાં આજીવન ટોચ ઉપર રહેશે.’ અત્યારે કોમલથી નાનો દીકરો પલ્લવ વિદ્યાનગર અભ્યાસ માટે ગયો છે. પણ કૌશિક મહેતાએ દીકરાને પત્રો નથી લખ્યાં... આ વાત છેડી ત્યારે એમણે કહ્યું, દીકરીની વાત દિલથી નજીક છે. દીકરીની લાગણી જ જુદી છે...

આ પત્રો લખ્યાં એ પછી ‘લેટર ટુ ડોટર’ નામની કૉલમ શરુ થઈ. આ કૉલમના પ્રતિસાદરૂપે એક વખત એક પિતાનો પત્ર આવ્યો કે, તમે એવો કાગળ લખો કે, દીકરી પરણવાની ઉંમર થાય ત્યારે પરણી જવું જોઈએ. કેમકે એ પિતાની દીકરી પરણવા માટે આનાકાની કરતી હતી. 

રિપોર્ટીંગના અનેક અનુભવોનું ભાથું કૌશિકભાઈ પાસે પડ્યું છે. લગભગ ચારેક કલાકની મુલાકાત બાદ રાત્રે અઢી વાગ્યે અમે છૂટાં પડ્યાં. છેલ્લે કૌશિક મહેતા એક ટીપ કહે છે, આજની પેઢીના પત્રકારોએ ખૂબ વાંચવું જોઈએ. સોશિયલ મીડિયાના ફોરવર્ડેડ મેસેજીસની માયાજાળથી બચીને તમે જ્યારે કોઈ બાબતે શ્યોર હોય ત્યારે જ એ વાત લખવી જોઈએ. લખાણમાં જેટલી સરળતા હશે એટલું લોકોને વધુ ગમવાનું છે એ વાતમાં બે મત નથી. 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.