ઉત્તમ સર્જન પાછળ ઘણો ભોગ આપ્યો છે કલ્પના મનોજ શાહે

30 Mar, 2017
12:00 AM

જ્યોતિ ઉનડકટ

PC: khabarchhe.com

બોલો, વાલા.....

તમે ફોન કરો અને ફોન ઉપાડનાર વ્યક્તિ જો ઉપરના આ બે શબ્દો બોલેને તો સામેની વ્યક્તિ મનોજ શાહ જ હોય એવું સમજી લેવાનું. એકદમ સૌમ્ય સ્માઈલ સાથેનો ચહેરો. મુંબઈની દોડધામભરી જિંદગીમાં શાંતિથી વાત કરે એવું વ્યક્તિત્વ એટલે મનોજ શાહ. ક્રિએટિવિટીનો ભંડાર અને અલગ-અલગ ફલકના વિષયો ઉપરની અભિવ્યક્તિની એમની પકડ કોઈપણને આભામાં નાખી દે એવી છે. સફળતા સુધીની એમની આ સફરમાં સાથ છે કલ્પનાબહેનનો. તું ઘરની કંઈ ચિંતા ન કરતો એવું જ્યારે પત્નીના મોઢેથી નીકળતું હશે ત્યારે પતિની ક્રિએટિવિટી સોળે કળાએ ખીલતી હશે એવું લાગે.  

‘સર્જકના સાથીદાર’માં કલ્પના મનોજ શાહનું આગમન એક સરપ્રાઈઝ જ છે. આ યુગલ બહુ જ બિઝી હશે એવું માનીને મુંબઈ ટૂરમાં એમને મળવા માટે અગાઉથી અપોઈન્ટમેન્ટ નહોતી લીધી. પણ ફક્ત ફોન ઉપર વાત થઈ અને એમણે બોલો વાલા... કહીને વાત સાંભળી અને તરત આવી જવા કહ્યું. હજુ હું ટેક્સી કરીને એમના ઘરે પહોંચું એ પહેલાં તો એમની ઓફિસમાંથી મનોજભાઈના કામ વિશેનો ડિટેઈલ્ડ ઇ-મેઇલ મારા ઇનબોક્સમાં બ્લિંક થયો! મજાની વાત એ છે કે, મેં તો એમને મારું ઇ-મેઇલ એડ્રેસ આપ્યું પણ નહોતું અને આધુનિક ટેકનોલોજી ટ્રુ કૉલરમાં જોઈને તેમણે પોતાની વિગતો મોકલી આપી. પહોંચી એ પહેલાં જ મનમાં બોલી ઊઠી, હાઉ ઈમ્પ્રેસીવ! 

રોડ સાઈડના એપાર્ટમેન્ટની ખુલ્લી બારી નજીક આવેલાં ફ્લેટમાં બેલની સ્વીચ દબાવી. જાણે લાંબા સમયથી ઓળખતાં હોય એમ કલ્પનાબહેને સ્મિત સાથે વેલકમ કરી. સિલેક્ટેડ પુસ્તકો ઉપર નંબરની ચીટ દેખાતી હતી એ કબાટની આગળ જ કાળી આરામ ખુરશીમાં બેઠેલાં મનોજભાઈએ આવકાર આપ્યો. ગોળાકાર ચશ્મા અને ચશ્મા પાછળ એકદમ વાચાળ આંખો... લાંબી ફરકતી કાળી સફેદ દાઢી ઉપર એમણે હાથ ફેરવ્યો અને વાતોની શરુઆત થઈ. 

કલ્પનાબહેનને તો અગાઉ સ્ટેજ ઉપર પરર્ફોમ કરતાં જોયાં છે. અમદાવાદમાં અધીર અમદાવાદીના પુસ્તક ‘ચીઝ ઢેબરાં’નું વિમોચન હતું. જેમાં કલ્પનાબહેને એકપાત્રીય અભિનય દ્વારા ‘કમરાભાભીનો બરાપો’ કાઢ્યો હતો. અધીર અમદાવાદી ઉર્ફે દેવાંશું પંડિતના લેખને એડપ્ટ કરીને કલ્પનાબહેને  કમરાભાભીને સ્ટેજ ઉપર બરોબરના જમાવ્યા હતાં. એમનો અભિનય બહુ તાળીઓની દાદ મેળવી ગયો. એમની પ્રતિભા સાથેનો મારો એ પહેલો પરિચય હતો. અધીર અમદાવાદીએ જે કમરાભાભીનું આલેખન કર્યું છે, એ કમરાભાભી ખરેખર જો કોઈ હોય તો એ કલ્પનામાં કલ્પના મનોજ શાહ જ ફીટ થાય એવું લાગ્યા વિના નથી રહેતું. કલ્પનાબહેન અને મનોજભાઈને અલગ-અલગ મળીએ કે સાથે મળીએ બંને એકબીજાથી ભિન્ન પર્સનાલિટી લાગે. પણ બંનેને તમે Separate Soul  ન ગણી શકો. એકમેકનો સાથ-સપોર્ટ કેવો અને કેટલો રહ્યો તેની વાતો સાંભળીને કલ્પનાબહેનની હિંમત અને પતિ પરના ભરોસાને દાદ દેવી પડે.  લગ્નના ત્રણ દાયકા બાદ પણ આ યુગલની આંખોમાં સહજતા અને સ્નેહ દેખાઈ આવે છે. 

મહાન શાયર મરીઝની જન્મશતાબ્દીનું વર્ષ ઉજવાઈ રહ્યું છે એમના પરના નાટક મરીઝે મનોજભાઈનું નામ ગૂંજતુ કર્યું છે. આ સિવાય ‘કાર્લ માર્કસ ઈન કાલબાદેવી’, રાજા ભતૃહરિનું ‘આમ્રફળ’, ‘ઉપમતિ ભાવ પ્રપંચ’, ‘મિરાંદે’, ‘સોક્રેટિસ’, ‘અખો આખાબોલો’, રવિન્દ્રનાથ ટાગોરનું ‘અચલાયતન’, ‘ગુજરાતની અસ્મિતા’, મોહનનો મસાલો, ચં.ચી. મહેતા પર ‘ગઠરિયાં’ જેવા નાટકો અને એની સફળતા મનોજ શાહના ભાથામાં છે. ‘મમ્મી તું આવી કેવી’, ‘ભામાશાહ’- હિન્દીમાં, ‘માસ્ટર ફૂલમણિ’- મ્યૂઝિકલ કોમેડી જેવી કૃતિઓ પણ લોકોને સ્પર્શી છે. 1998ની સાલથી તેમની સંસ્થા ‘આઈડિયાઝ અનલિમિટેડ’ પૃથ્વી ફેસ્ટિવલ, સમર ટાઈમ એટ પૃથ્વી, નહેરુ નેશનલ ફેસ્ટિવલ, કાલાઘોડા ફેસ્ટિવલ, સાહિત્ય સંઘ મહોત્સવ, પૂનાના સુદર્શન ફેસ્ટિવલમાં, એસએનડીટીના નાટ્ય મહોત્સવમાં પોતાની કૃતિઓ ભજવે છે અને લોકો તેમને પસંદ કરે છે. 165થી વધુ યુવક-યુવતીઓ આઈડિયાઝ અનલિમિટેડ સાથે દિલથી જોડાયેલાં છે.  અલગ અલગ વિષયો પર કામ કરવાનું હોય ત્યારે જુદીજુદી આવડતવાળી પ્રતિભાઓ મનોજભાઈ શોધી લાવે છે. નાટકના ક્ષેત્રે કામ કરવા ઈચ્છતાં યુવક-યુવતીઓ આજે મનોજ શાહ સાથે કામ કરવાનું સપનું જુએ છે એવું લખવું વધુ યોગ્ય રહેશે. સંઘર્ષની સફર સફળતા સુધી સાથીદારના સથવારે કેવી રીતે સાર્થક થઈ તેની વાતો આજે આ યુગલ માંડે છે. 

દરેક યુગલને પૂછું છું એમ જ પૂછ્યું કે, તમારું લવ મેરેજ છે?

કલ્પનાબહેન તો યાદોમાં ખોવાઈ ગયા. આજે પણ લગ્નની વાતો કરતાં કરતાં કલ્પના શાહ બે હાથોની વચ્ચે પોતાનો ચહેરો સંતાડીને શરમાઈ જાય છે. મનોજભાઈ મૂળ નાંદોલ નજીકના દહેગામના છે. 28 વર્ષથી મુંબઈ આવીને વસ્યા છે. કલ્પનાબહેન અમદાવાદ નજીકના દેગામના છે.  

કલ્પનાબહેન કહે છે, ‘લવ કમ એરેન્જ એવું કહોને. એમના બહેન અને હવે મારા નણંદ ઉષાબહેન દ્વારા મોકલાવાયેલાં એમના ફોટોગ્રાફસ મેં જોયા. પહેલી નજરમાં એ મારા દિલમાં વસી ગયાં. વાત આગળ વધી. નાટક સાથે સંકળાયેલાં છે એવું જાણીને સૌથી પહેલો વિરોધ થયો. નાટકવાળા સાથે પરણ નહીં, દુઃખી થઈશ. આ સ્પષ્ટ મત ઘરની મોટાભાગની વ્યક્તિઓનો હતો. પણ, અંદરોઅંદર વાતો થઈ અને એ ઘરે જોવા માટે આવ્યા. ઘરના વડીલો બેઠાં હતાં અને એમણે તો ખીસામાંથી સિગારેટ કાઢીને સળગાવી. અમારા ઘરના તો તમામ લોકો સડક થઈ ગયાં.’

મનોજભાઈ કહે છે, ‘આવું મેં એટલે કર્યું કે મારે કંઈ છૂપાવવું નહોતું. હું જેવો છું એ આવો જ છું. સિગારેટ તો મેં સળગાવી લીધી હતી. પછી મને દારૂ અને છોકરીઓ વિશે પૂછવામાં આવ્યું. મેં કહ્યું કે, હા મારું આ કાર્યક્ષેત્ર છે અને એમાં આવા પ્રલોભનો હોય જ....’

છતાં પણ તમે ડગ્યાં નહીં કલ્પનાબહેન?

કલ્પનાબહેન કહે છે, ‘હા, જરા પણ વિચલીત ન થઈ. મને નાટકોમાં બહુ રસ હતો અને છે. કૉલેજકાળમાં થોડીઘણી એક્ટિંગ કરી હતી પણ મને કંઈક આગળ વધુ કરવું હતું. એમની નાટક પ્રત્યેની લગની મને ખબર હતી. ત્યારે જ મને થયું કે, મારા માટે આ વ્યક્તિ જ યોગ્ય છે.  અરે, મારા ઘરના વડીલો તો મુંબઈ આવીને તપાસ કરી આવ્યાં. એ ત્યારે લોઅર પરેલની ચાલીમાં રહેતાં હતાં. ઘરે આવીને મને કહ્યું, આ લગ્ન કરવા યોગ્ય નથી. એની પાસે તો મુંબઈમાં ઘર પણ નથી. એક નાનકડી ઓરડી છે. એમાં તું શું તારો સંસાર વસાવીશ... વગેરે વાતો કરી. પણ હું ટસની મસ ન થઈ. કૉલેજમાં ભણતી હતી ત્યારથી મારા મનમાં નાટકનો કીડો હતો. એમની નાટક સાથેની પ્રવૃત્તિઓને કારણે જ મને એમ થતું કે આમની સાથે લગ્ન થાય તો જિંદગી જીવવા જેવી લાગે. અંતે એ દિવસ આવી ગયો. અમારા લગ્ન લેવાયા. હું તો સરસ મજાની તૈયાર થઈ હતી. મને એમ કે, મારી સામું જોઈને એ કંઈ કોમ્પલિમેન્ટ્સ આપશે. પણ સાવ ઉલટું થયું. હું માંડવામાં શરમાતી શરમાતી આવી. એમની સામે જોયું તો એમને મારો મેકઅપ જરાપણ ન ગમ્યો હોય એવું લાગ્યું. જેવી નજીક ગઈ અને વાત કરવાનો મોકો મળ્યો કે, તરત જ કહ્યું કે, આ શું લપેડાં-થથેડાં કર્યાં છે? મંડપમાં જ મને કહેવા લાગ્યા કે, અંદર જઈને મેકઅપ ઉતારી આવ. મારી હાલત તો કાપો તો લોહી ન નીકળે એવી થઈ ગયેલી. વળી, જાનમાં આવેલાં લોકોને જોઈને ગામ આખું વાતો કરવા માંડ્યું. કેમકે જાનમાં સિનેમા અને નાટકની દુનિયાના ભારતીય અને વિદેશી મિત્રો આવેલાં. એ મિત્રો ગામની વચ્ચે જાનમાં બેઠાં-બેઠાં આરામથી સિગારેટના કશ ઉપર કશ માર્યે જાય. આ યાદગાર લગ્ન પૂરા કરીને અમે મુંબઈ આવ્યાં.

લોઅર પરેલની ચાલમાં રહેવાનું શરુ કર્યું. મુંબઈની ચાલી સિસ્ટમથી ટેવાવાની કોશિશ કરી રહી હતી.  છ મહિનામાં તો અમે બોરિવલી રહેવા આવી ગયેલાં. બે અઢી વર્ષ સુધી મેં કોરુગેટેડ બોક્સની કંપનીમાં કામ કર્યું. બીજું નાનું-મોટું કામ કરતી. પણ ઘરનું પૂરું ન થતું. એમાં વળી કોઈકને મેં પાપડ અને નાસ્તા બનાવીને આપ્યાં. એના મને રૂપિયા મળ્યાં. એમાંથી એક વિચાર આવ્યો કે, નાસ્તા, પાપડ, ઢોકળાં વગેરે વેંચવાનું શરૂ કરું તો કમાણી પણ થાય અને ઘરે બેસીને સમયનો ઉપયોગ પણ થાય. એ પછી તો ટિફિન સર્વિસ શરૂ કરી. 1989થી માંડીને 2000ની સાલ સુધી મેં ટિફિન સર્વિસ અને બીજી ખાવાની ચીજો વેચી. એમાં મને સારી કમાણી થઈ.’ 

મનોજભાઈ બહુ નિખાલસતાથી કહે છે કે, ‘કોઈપણ વ્યક્તિને એની કરિયરમાં પોતાનું સપનું જીવવું હોય તો એને એનાં મા-બાપ કે લાઈફ પાર્ટનર સપોર્ટ કરે. મારે જે કરવું હતું એ હું કરી શક્યો એનો તમામ શ્રેય કલ્પનાને જાય છે. I could survive  તેની તમામ ક્રેડિટ કલ્પનાને આપું છું.’

કલ્પનાબહેન કહે છે, ‘એની આંખોમાં જે સપનાં હતાં એ મારાથી ક્યાં જુદાં હતાં. મેં એને કહ્યું કે, તારે જે કરવું હોય તે કર. તને ગમે છે એ કર. ઘરની ચિંતા છોડી દે. ઘર કેમ ચાલે છે અથવા કેમ ચાલશે એ સવાલ તારા સુધી કોઈ દિવસ નહીં પહોંચે.’ કલ્પનાબહેને જે કહ્યું તે પાળી બતાવ્યું અને કરી બતાવ્યું. પોતાની કમાણીમાંથી બચત કરીને પોતાનું ઘર લીધું. જતી ઉંમરે આર્થિક તકલીફ ન પડે એ માટે પણ ઈન્વેસ્ટમેન્ટ અત્યારથી કરી રહ્યા છે. પેઈંગ ગેસ્ટ તરીકે એક ફલેટમાં યંગસ્ટર્સને રાખે છે. ત્યાં પેઈંગ ગેસ્ટની પસંદગી પણ બહુ ધ્યાન રાખીને તેઓ કરે છે. 

એક બાજુ કલ્પનાબહેન ઘરને ચલાવતાં અને મનોજભાઈ નાટકોની દુનિયામાં બહુ મહેનત કરતાં. મનોજભાઈના એક મિત્રની ફેકટરી છે. એમાં કંઈકને કંઈક ક્રિએટિવ આઈડિયાઝ આપવાનું કામ મનોજભાઈ કરતાં અને હજુ પણ જોડાયેલાં છે. મનોજભાઈ કહે છે, એક સમયે આઈડિયાઝ ફ્લોપ પણ જતાં. કોઈ વખત એક આઈડિયા કમાણી પણ કરાવી આપતાં. સવારના ભાગે પાંચ-છ કલાક એ મિત્રને ત્યાં જાય છે. છેલ્લાં કેટલાંક સમયથી એ મિત્રનો બિઝનેસ પણ સરસ રીતે ચાલે છે. આ બાજુ મનોજભાઈની મહેનત રંગ લાવી. એમના નાટક અને રંગભૂમિ પ્રત્યેના સમર્પણને લોકો વખાણવા લાગ્યા. એમના કામને સ્પોન્સર્સ મળવા લાગ્યા. જો કે, મનોજભાઈના મતે હજુ આમાં નફો નથી થતો. 

મનોજભાઈ કહે છે, ‘કામ કરતી વખતે હું સેલ્ફીશ થઈ જાઉં છું. એક એક વિષય પસંદ કરવાથી માંડીને એ વ્યક્તિની નાનામાં નાની મહત્ત્વની વાતના છેડા સુધી જવાનું હું પસંદ કરું છું. સમયના ઠેકાણાં ન હોય એ રીતે સતત પ્રવાસ કરું. મોટાભાગે એકલો જ પ્રવાસ કરું. કોઈ એક વિષય પર કામ કરવાનું હોય તો ઘણું અગાઉથી તેનું હોમવર્ક શરૂ કરી દઉં. બહારનો અવાજ ખલેલ ન પહોંચાડે એ રીતે સવારે પાંચ વાગ્યામાં ઉઠીને વાંચવા બેસી જાઉં. મારા મનમાં વર્ષોથી એક વાત એવી ફીટ થઈ ગઈ છે કે, પરોઢના સમયે વાંચવા બેસીએ તો જ એ વાત મારા મગજમાં ઉતરે. 

કોઈપણ વિષય ઉપર કામ કરું ત્યારે જે તે વિષયના નિષ્ણાતો સાથે ચર્ચાઓ કરું. જુઓને મરીઝ પરનું નાટક હતું તેમાં સ્ક્રિપ્ટ અને લગભગ સઘળું ફાયનલ થઈ ગયું હતું. રિહર્સલ ચાલી રહ્યાં હતાં. વડોદરાના જાણીતા ચિત્રકાર ગુલામ મહોમ્મદ શેખને બેકડ્રોપ ડિઝાઈન કરવા કહ્યું. એમણે સ્ક્રિપ્ટ વાંચીને પહેલાં તો સ્ક્રિપ્ટમાં જરૂરી ફેરફારના સૂચનો કર્યાં. પછી સુરતની ગલીઓ અને મુસ્લિમ વિસ્તાર કેવો હોય એનું એમણે ડિટેઈલિંગ આપ્યું. એમના તમામ સૂચનો અમે સ્વીકાર્યાં અને ફેરફારો સાથે નાટક પેશ કર્યું.

કોઈ પણ નાટકની સ્ક્રિપ્ટ તૈયાર થાય અથવા તો કાચો મુસદ્દો તૈયાર થાય એટલે મારી નજીકના કેટલાંક લોકોને બોલાવું. મેં જે વિચાર્યું હોય તે એ લોકોની સામે પેશ કરું. પછી એ લોકોના અભિપ્રાય માગું. નજીકના લોકો સામે પઠન કરું અને પછી એને અનુભવું કે, આ નાટક કેવું સાઉન્ડ કરે છે. બહુ ઓછાં લોકો સ્પષ્ટ અભિપ્રાય આપે. મોટાભાગે કલ્પના પણ સાથે જ હોય. જો એ ન હોય તો એને મિસ કરું. બધાં આવ્યાં હોય તો એમને ચા-નાસ્તો એ બધું કલ્પના સંભાળે.’

આ વાત ચાલતી હતી અને કલ્પનાબહેન હસવા માંડ્યાં. એ કહે છે, ‘અમારે બંનેને આ નાસ્તા બાબતે બહુ દલીલો થાય. રિહર્સલ ચાલતા હોય ત્યારે એમને એવું કે ટીમના યુવક-યુવતીઓને પ્રોટીનથી ભરપૂર નાસ્તો મારે આપવો જોઈએ. હું બનાવીને ગઈ હોઉં બટેટાં પૌંઆ કે ભેળ કે બીજું કંઈક ચટપટું. પણ આ વાત એમને જરાપણ પસંદ ન પડે. આ બાબતે ટીમના યુવાનો એવું કહે કે, અમને તો ચટપટું જ ખાવું છે અને એમને એવું કે મારે હેલ્ધી નાસ્તો જ આપવો જોઈએ. મારી બરોબરની સેન્ડવીચ થઈ જાય. છેવટે હું તો બધાંને ભાવે એવું જ બનાવીને લઈ જાઉં.’ સહેજ ત્રાંસી નજર કરીને, બત્રીસી વચ્ચે જીભ દબાવીને કલ્પનાબહેને થોડી ક્ષણો માટે પોતાની વાત પર પૂર્ણવિરામ મૂક્યું. 

પરિવારજનો વિશે વાત કરતા મનોજભાઈ કહે છે,’ મારા પિતાનું નામ સાકરચંદ. પિતાનો શિપિંગનો બિઝનેસ હતો. મને હંમેશાં એવું કહેતાં કે, આપણે વાણિયા છીએ. આપણે  તો ગાદી પર બેસવાનું હોય. પણ એ વાત મેં કોઈ દિવસ માની નહીં અને ગળે પણ ન ઉતરી....

મારા બા, સવિતાબહેન એ મારા નાટકોને જબરું ક્રિટિસાઈઝ કરતાં. મરીઝ પરનું નાટક જોવા લઈ ગયો તો કહે, આ શું દારુડિયાનું નાટક બનાવ્યું છે? માસ્ટર ફૂલમણિ નાટક બનાવ્યું તો કહે, આ ધોતિયા ઉપર સાડી પહેરાવે છે એમાં લોકોને રસ નહીં પડે... 

કલ્પનાબહેન એક મજેદાર કિસ્સો કહે છે, ’માસ્ટર ફૂલમણિ વખતે એક રોલ માટે જરૂરી હતું એટલે એમણે મુંડન કરાવ્યું હતું. રાત્રે ઘરે આવ્યાં. બાએ એની સામું જોઈને મને સંબોધીને મજાક કરતાં કહ્યું, આ ટકલો ઘરમાં પૈસા નથી આપતો. રાજુ આ શું કરાવીને આવ્યો છે?‘ રાજુ... (મનોજભાઈનું ઘરનું નામ રાજુ છે. એમના બા જ રાજુ કહીને સંબોધન કરતાં... મનોજભાઈ સહેજ હળવે સાદ બોલી ઊઠે છે, હવે રાજુ કહેવાવાળું કોઈ ન રહ્યું....)

મનોજભાઈ કુલ ચૌદ સ્કૂલોમાં ફરીને નવ ચોપડી ભણ્યાં છે. બહુ જ લાઈટર ટોનમાં આ વાત એમણે કહી. પોતાના પ્રોજેક્ટ્સ વિશે એ કહે છે, ‘દરેક કામ કરુંને ત્યારે એમ જ લાગે કે આ મારો ડ્રીમ પ્રોજેક્ટ છે. દરેક નવા પ્રોજેક્ટ વિશે મને અસંખ્ય સવાલો થાય. અનેક ડાઉટ્સ જાય. જો કે, દર વખતે વધુને વધુ મહેનત તથા કામ કરવા માટે હું તત્પર હોઉં. જે દિવસે મને એવું લાગશે કે, મને મારા કામથી સંતોષ મળી ગયો એ દિવસે હું મારો જીવ નીકળી જશે... સહેજ માર્મિક સ્માઈલ આપીને એ ચા પીવા માંડે છે. 

કલ્પનાબહેન કહે છે, ‘આવડા મોટાં નાટકના જાણકાર અને દિગ્દર્શક સામે મારા કામને ધ્યાને લાવતાં મને વર્ષો વીતી ગયાં. ટિફિન સર્વિસ બંધ થઈ એ પછી હું એમની સાથે કામ કરવા લાગી. બેક ડ્રોપમાં તમામ પ્રકારનું તમામ લેવલનું કામ એમણે કરાવ્યું અને મેં કર્યું. મને કહ્યું પહેલાં તો તું નાટકને સમજ અને આ વિષયને લગતું વાંચ, બહુ વાંચ પછી આગળ વાત. બીજાં બેનરમાં મને કામ મળે અને કામ કરું તો એ બહુ રાજી ન થાય. પણ મને ગમે છે. મારું કામ લોકો વખાણે છે. અગાઉ એક નાટકમાં એમની હીરોઈન જે રોલ કરતી હતી એ રોલ વિશે મેં કહ્યું હું આના કરતાં વધુ સારી એક્ટિંગ કરી શકું એમ છું. પણ એમણે મને એ રોલ ન આપ્યો તો ન જ આપ્યો. (વળી પાછી સહેજ ત્રાંસી નજર કરીને) જો કે, ક્યાંક ક્યાંક મારી આવડત અને એક્ટિંગની એ નોંધ લે છે ખરાં, અખા પરના નાટકમાં મને અખાની બહેનનો રોલ આપ્યો છે. હવે, તો એમનો જે પ્રોજેક્ટ હોય એમાં મને જે રોલ કહેવામાં આવે એ પ્રમાણે હું કામ કરું છું.’ સહેજ આડવાત લખું, મુંબઈમાં પંદરથી વધુ પાત્રોની એકોક્તિ અત્યારે બહુ ચાલી રહી છે. જેમાં કમરાભાભીનો બરાપો આ એકોક્તિ ભજવવાની ડિમાન્ડ વધુ રહે છે.

મુલાકાત પતી એટલે તરત જ મનોજભાઈએ પૂછ્યું કે, તમને તમારી કૉલમ માટે મસાલો મળી ગયો? પ્રોટીનયુક્ત આહારની હિમાયત કરતાં મનોજભાઈએ મને સેવપુરી ખવડાવી. એમણે ભેળ ખાધી. અમે તસવીર પડાવવા માટે રેડી થઈ ગયાં. મેં કહ્યું, મનોજભાઈ તમારી દાઢીમાં ઘણીબધી સેવ ચોંટેલી છે. એમનો દીકરો જનમ તસવીરો પાડતો હતો. અમે સૌ ખડખડાટ હસી પડ્યાં અને મનોજભાઈએ એકદમ નિર્દોષતાથી પોતાની દાઢી પરની સેવ ખંખેરી નાખી અને ફોટો પડાવવા રેડી થઈ ગયાં. મારી પર કમેન્ટ પણ કરી કે, આ કાઠિયાવાડી અમારી મુલાકાત લઈ ગઈ છે.... 

કલ્પના- મનોજ શાહ એવું યુગલ છે બેમાંથી એકને જ્યારે પણ જરૂર પડે ત્યારે બીજું જણ તાકાત બનીને, ઢાલ બનીને ઊભું રહે છે. પરસ્પરની સમજણ અને એકમેકની પ્રગતિથી દિલથી રાજી થાય એવા આ જીવનસાથીઓ છે. એમનો એક દીકરો પણ છે, જનમ. મુંબઈની સ્પર્ધાભરી દુનિયામાં પોતાના કામની અને નામની નોંધ લેવાય એ માટે મનોજ શાહે તનતોડ મહેનત કરી છે એ વાતમાં બે મત નથી પણ એ મહેનતમાં કલ્પનાબહેનનો અકલ્પનીય સહયોગ છે જે આઈડિયાઝ અનલિમિટેડનો  પાયાનો પથ્થર છે એ લખવું વધુ યોગ્ય રહેશે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.