બુધવારની બપોરે પ્રમિલા દવે સાથે
તોફાન પત્રિકા,
મિત્રો આમ તો હું નાનપણથી સ્વભાવે તોફાની છું. પણ હજુ એક તોફાન કરવું બાકી છે.
એ કરી લેવું છે.
હું હકી સાથે એક તોફાન મચાવવા માગું છું.
આ મારા તોફાનને બિરદાવવા આપ આપના શાંત બાળક સાથે પધારજો.
સમય- છ પહેલાં આવવું નહીં અને આઠ પછી રોકાવવું નહીં.
* * * * *
47 વર્ષ પહેલાં આ કંકોતરીએ સેંકડો લોકોને અચંબામાં મૂકી દીધા હતા. આ તે વળી કેવું નિમંત્રણ છે ! આ અનોખી કંકોતરી જોઈને અખબારો તેની ન્યૂઝ આઈટમ બનાવી હતી.
આવું તોફાન તો બીજું કોણ કરી શકે?
ગઝલ સમ્રાટ અશોક દવે
અથવા
અભિયન સમ્રાટ અશોક દવે.
આ બંને લાંબા નામોમાં ત્રણ પેઢી છે. ગઝલ અને અભિનય એ બંને જાણીતા હાસ્ય લેખક અશોક દવેના દીકરા સમ્રાટના સંતાનો છે.
અશોક દવેનું નામ કોઈપણ વાચક માટે નવું નથી. પણ પ્રમિલા દવે નામ ઘણાં બધાંને નવું લાગશે. જો એવું લખું કે, હકીભાભી. તો કોઈને આ નામની નવાઈ નહીં લાગે. કેમકે, ‘બુધવારની બપોરે’, ‘એન્કાઉન્ટર’ વાંચતો માણસ હકીભાભીના નામથી જરા પણ અજાણ્યો કે અપરિચિત નથી. જી હા, આજે આપણે મળવાના છીએ ધ ગ્રેટ અશોક દવેના પત્ની પ્રમિલા અશોક દવેને.
ઘણી વખત હસતાં હસતાં, હકીભાભી બોલી ઉઠે છે કે, મારું નામ પ્રમિલા છે એ હું જ ભૂલી જાઉં છું. મારું નામ હકી છે. હું પહેલી વખત હકીભાભીને મળી ત્યારે સહેજ અચકાઈને મેં પૂછ્યું હતું કે, તમને હકીભાભી કહેવાનું કે, પ્રમિલા ભાભી? એમણે એમના સૌમ્ય અવાજ અને સ્વીટ સ્માઈલ સાથે ભાર દઈને કહ્યું કે, મને હકીભાભી જ કહેવાનું. તો, હકીભાભી સર્જક અશોક દવેની લેખન પ્રક્રિયામાં કેવાક ભાગીદાર છે એની વાત માંડીએ.
બે વર્ષ પછી બુધવારની બપોરે કૉલમ વર્લ્ડ રેકોર્ડ સર્જવાની છે. એક જ દૈનિકના બેનર સાથે લગલગાટ એકપણ ખાડો પડ્યા વિના કૉલમ 1976ની સાલથી આવે છે તેનો રેકોર્ડ સર્જાશે. વાચકોને એકધારું હાસ્ય પીરસવું, એ પણ લેખનનું ઉચ્ચ સ્તર હંમેશાં જાળવીને એ કોઈ નાનીસૂની વાત નથી. ‘ગુજરાત સમાચાર’માં અશોક દવેની સાપ્તાહિક ત્રણ કૉલમ આવે છે. બુધવારની શતદલ પૂર્તિમાં ‘બુધવારની બપોરે’, શુક્રવારે ચિત્રલોક પૂર્તિમાં ‘ફિલ્મી દુનિયા’ અને રવિવારની રવિ પૂર્તિમાં વાચકોના સવાલોમાં જવાબોની તડાફડી એટલે ‘એન્કાઉન્ટર’. આ ત્રણેય કૉલમ પાછળ અથાગ મહેનત અને પરિવારજનોનો પણ એટલો જ મહત્ત્વનો રોલ રહેલો છે. એક જ ઘરમાં ચાર પેઢી જીવે છે અને એ ઘરમાંથી જ આ ત્રણેય કૉલમનું સર્જન થાય છે.
અશોકભાઈના પૌત્ર-પૌત્રી ગઝલ અને અભિનય સૌથી નાની પેઢી. અશોકભાઈનો દીકરો સમ્રાટ તથા પુત્રવધૂ શીતલ અને અશોકભાઈ તથા હકીભાભી અને અશોકભાઈના બા જશુમતીબહેન એમ ચાર પેઢી એક ઘરમાં રહે છે. નાનકડો અભિનય અને ગઝલ પણ દાદાને લેક્ચર હોય એ દિવસે ઘરનો માહોલ સમજીને દાદા સુધી કોઈ વાત પહોંચવા ન દે. ઘરના તમામ લોકો અશોક દવેનું લેક્ચર હોય કે જાહેર કાર્યક્રમ હોય ત્યારે એમના સુધી નકામા ફોન કે ઘરની એમને જરુરી ન હોય એવી વાતોથી દૂર રાખે છે.
હકીભાભી કહે છે, ‘અશોક હકીકતે તો અવલોકનના માણસ છે. નાનીનાની વાતોને એ અવલોકે અને પછી એનો પડઘો તમને એના લેખમાં દેખાય. એમને સેલ્ફમેઈડ કહી શકાય. કોઈ લેખકની અસર એમની ઉપર નથી. ‘બુધવારની બપોરે’ હોય કે ‘એન્કાઉન્ટર’ હોય કે પછી ‘ફિલ્મી દુનિયા’ હોય. અશોકનું લેખનકાર્ય રાત્રે જ ચાલે. એમનો દિવસ રાત્રે ઉગે છે એવું કહું તો વધુ પડતું નથી. એકપણ લેખ કોઈ દિવસ ચૂક્યા નથી. થોડાં સમય પહેલાં બાયપાસ સર્જરી થઈ ત્યારે પણ એડવાન્સ લખી નાખ્યું હતું અને પંદર દિવસ આરામ કરીને...‘
આ વાત પૂરી થઈ એ પહેલાં તો જશુમતીબહેન એટલે કે અશોકભાઈના બાએ એ વાત ઉપાડી લીધી. બા કહે છે, ‘અશોક એનું લખવાનું કોઈ દિવસ ન ચૂકે. ઓપરેશન કરાવ્યું ત્યારે પણ બહુ થોડાં દિવસ આરામ કર્યો. પછી લખવાનું શરું.’
એવામાં જ અશોકભાઈના પુત્રવધૂ શીતલબહેન પસાર થયાં અને વાતચીતમાં એમણે ઉમેર્યું કે, ‘બાયપાસ સર્જરી વખતે જે લેખો લખાયા એ પપ્પાના સૌથી બેસ્ટ લેખો છે.’
તમે શું વિચારેલું ? તમારો દીકરો શું બનશે?
એંસી વર્ષના જશુમતીબહેન દવે કહે છે, ‘અશોક મને લગ્ન પછી બાર વર્ષે આવેલો છે. મારો એકનો એક દીકરો આવડો મોટો લેખક હોય તો એ મને ગમે એ બહુ સ્વભાવિક વાત છે. જો કે અશોક નાનો હતો ને ત્યારે હું છાપાં વાંચતી હોઉં તો એ મારા હાથમાંથી છાપાં લઈ લેતો. મારો ભાઈ નવીનચંદ્ર પાઠક એના તોફાન જોઈને હંમેશાં એમ કહેતો કે આ અશોક મોટો થઈને લેખક બનવાનો છે. આ જો, અત્યારથી છાપાં સાથે એને લગાવ છે.’
‘એન્કાન્ટર’ના જવાબોમાં તોફાની તરખાટ મચાવતાં અશોક દવે બાળપણમાં તોફાની હતાં?
બા કહે છે, ‘અરે બહુ જ તોફાની હતો અશોક.’
તરત જ બીજો સવાલ પૂછ્યો, ‘બા તમે અશોકભાઈને ખીજાતાં? હજુ પણ ખીજાવ છો?’
બા એકદમ હસીને કહે છે, ‘હું તો કોઈ દિવસ નથી ખિજાણી....’ અશોકભાઈના બાને ‘બુધવારની બપોરે’ સૌથી વધુ વાંચવું ગમે છે.
હકીભાભીને પૂછ્યું, ‘ભાભી, તમને અશોકભાઈ ઉપર ગુસ્સો નથી આવતો? એ તમારા વિશે મજાકમાં કેવું લખે છે?’
હકીભાભી કહે છે, ‘ના. કોઈ દિવસ મને ગુસ્સો નથી આવ્યો કે મને ખરાબ નથી લાગ્યું. ઉલટું હું અશોકની એકની એક જોક ઉપર પચાસ વખત ખડખડાટ હસી શકું છું. અશોક જે હકીનું શબ્દ ચિત્ર લોકો સામે મૂકે છે એ તો હકી પ્રતીકાત્મક હકી છે. દુનિયા આખી માટે એ જનરલ વાત છે.’
હકીભાભી પણ જ્યોતિષના લેખો લખતાં. તેઓ ‘જ્યોતિ’ નામના મેગેઝીનમાં ફિલોસોફી ઉપર લેખો લખતાં જ્યારે ‘વંદેમાતરમ્’ નામના મેગેઝીનમાં લગ્નજીવન અંગેના માર્ગદર્શક લેખો લખતાં. હકીભાભી કહે છે, ‘હું મૂળ નાઈરોબીની છું. જામનગર થોડો સમય રહીને અમદાવાદ ભણવા આવી. જે સમયે કોઈ ફિલોસોફી વિષય અંગે વિચારતું પણ નહીં ત્યારે મેં સાયકોલોજી અને ફિલોસોફી બંને વિષય સાથે અભ્યાસ કર્યો હતો.’
અશોકભાઈની લેખન પ્રક્રિયા વિશે હકી ભાભી આગળ વાત માંડે છે. એ કહે છે, ‘છેલ્લા વીસેક વર્ષથી અશોક સીધું કમ્પ્યુટર ઉપર જ લખે છે. રાત્રે જ લખે એટલે એમને અગવડ ન પડે એ માટે ટેબલ લેમ્પ રાખે છે. આખી દુનિયાને હસાવતાં અશોક મને જોક કહીને કોઈ દિવસ નથી હસાવતાં. એમનો કોઈ વખત મૂડ ન હોય તો હું હસાવું. ઘરમાં આમ પણ એ એકદમ ગંભીર જ હોય છે. જો કે, લેખ માટે મેં એમને ક્યારેય ટેન્શનમાં નથી જોયાં. એમનો ગુસ્સો બહુ આકરો. પણ થોડીક સેકન્ડ્સ માટે હોય.’
અશોકભાઈ એમાં પોતાની વાત કહે છે, ‘હું બહુ જ ગુસ્સે થઈ જાઉં અને એ થોડી જ મિનિટો હકી બખૂબી સંભાળી લે છે. થોડી મિનિટો પછી મારા મનમાં કંઈ ન હોય અને હકી મનમાં કંઈ સંઘરી પણ નથી રાખતી. હું જે કંઈ છું હકીના કારણે છું. હું હાસ્યલેખક ખરો પણ ખરા હસાવનારા મારા પિતાજી હતા. ચંદુભાઈ દવે. અશોક દવે તો ચંદુભાઈ દવે સામે કંઈ જ નથી. મારા પિતાજી એસટીમાં નોકરી કરતાં હતાં. એમણે હકીને જ્યોતિષ અને કૂંડળી જોતાં શીખવ્યું.’
હકીભાભી કહે છે, ‘દાદા મતલબ કે મારા સસરા મને બહુ લાડકી રાખતાં. બહુ સચોટ જોશ ભાખતાં એ. એક વખત એ બીમાર હતા અને કોઈ કૂંડળી બતાવવા આવ્યું. એ પહેલાં એમણે મને થોડુંથોડું શીખવેલું. મને કહ્યું કે, હકી, આ તું જોઈ આપ. મારા સસરા મારા ગુરુ. પહેલીવખત સ્વતંત્ર રીતે કૂંડળી જોતી હતી એટલે એમના ચરણ સ્પર્શ કરીને મેં કૂંડળી જોઈ. બસ એ પછી મને કોઈ દિવસ વાંધો નથી આવ્યો.’
હકીભાભી આજે પણ પ્રોફેશનલી કૂંડળીઓ જુએ છે. પોઝિટીવ થીંકિગ માટે કેટલીય સ્ત્રીઓને કાઉન્સેલીંગ કરે છે. અશોકભાઈ કહે છે, ‘ઘર આખાને પોઝિટીવ રાખવાવાળી મારી હકી છે.’ તો સાસુ જશુમતીબહેન કહે છે, ‘એને કોઈ વાતે કંઈ ખરાબ જ નથી લાગતું. ખોટું જ નથી લાગતું. ઘરમાં હળવાશ રહેતી હોય તો મારી આ વહુને આભારી છે. આ સાંભળીને હકીભાભીની આંખો સહેજ ભીની થઈ.
તરત જ હસીને બોલ્યાં, મને ઉદાસી કે નારાજગી ગમતી જ નથી. ઘરમાં કોઈને નાની અમથી બોલચાલ પણ થઈ હોય તો હું વચ્ચે કૂદી જ પડું. વાતાવરણ તરત જ હળવું કરવા કોશિશ કરું અને એમાં સફળ પણ થઈ જાઉં. જે મારો સ્વભાવ છે એ રીતે જ હું રહું છું, જીવું છું.’
અશોકભાઈ કહે છે, ‘1972ની સાલમાં ‘સંદેશ’ દૈનિકમાં મારી ‘કાજી દુબલે ક્યોં’ કૉલમ આવતી. એ પછી થોડાં સમયમાં જ હું ‘ગુજરાત સમાચાર’ સાથે જોડાયો. ‘બુધવારની બપોરે’ 1976થી ‘ગુજરાત સમાચાર’માં સતત લખું છું. આજે જે સિક્સર લોકોને બહુ ગમે છે એ 1977થી શરુ થઈ. રિલાયન્સ કંપનીમાં 1985થી પંદર વર્ષ સુધી સિનિયર ટ્રેનિંગ ઓફિસર તરીકે નોકરી કરી છે. ‘ગુજરાત સમાચાર’ માટે મેં રિપોર્ટીંગ પણ કર્યું છે. પહેલા પાને પણ કામ કર્યું છે. સુનિલ ગાવસ્કરની કલમે એ કૉલમ સુનિલ મને અંગ્રેજીમાં લખાવે અને હું અનુવાદ કરીને લખતો. છેલ્લાં બાર વર્ષથી ‘એન્કાઉન્ટર’ અને 11 વર્ષથી ‘ફિલ્મી દુનિયા’ કૉલમ ચાલે છે. છેલ્લા કેટલાંક સમયથી ગોરધન નામનું પાત્ર, શું કિયો છો, પંખો ચાલુ કરો, તારી ભલી થાય એવા વાક્યો તકિયા કલામ જેવા થઈ ગયાં છે. અગાઉ હું કુંવરજી નામનો શબ્દ વાપરતો.’
આ વાતચીત સમયે જ અશોકભાઈના પુત્રવધૂ શીતલે કહ્યું, ‘પપ્પા, અભિનય આમાંના કેટલાંક તકિયા કલામ એની બોલચાલની ભાષામાં વાપરતો થઈ ગયો છે.’
અશોકભાઈ ‘ફિલ્મી દુનિયા’ માટે ખાસ્સું હોમવર્ક કરે છે. બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મો હોય કદાચ બે-અઢી કલાકની પણ અશોકભાઈ એ પિક્ચર લગભગ ચૌદ-પંદર કલાક સુધી જુએ. એમાંથી ઝીણામાં ઝીણી વાતોનું અવલોકન કરે અને પછી એનો અર્ક લોકોને શબ્દસ્વરૂપે આપે છે.
તેઓ કહે છે, ‘બુધવારની બપોરે’ આઠ-દસ ટુકડે લખાય. બે-ત્રણવાર હું જ વાંચુ, ચાર-પાંચ વાર રીરાઈટ કરું. જો મને મારું જ લખાણ વાંચીને હસવું આવે તો જ વાચકને હસવું આવશે એવું હું ચોક્કસપણે માનું છું. એન્કાઉન્ટર માટે પણ પચીસ સવાલો હોય તો એમાંથી લગભગ પહેલે ધડાકે જે જવાબ મગજમાંથી પસાર થઈ જાય એ જ લખી નાખું. બાકીના પાંચેક સવાલોના જવાબના એકથી વધુ ઓપ્શન લખું. એમાંથી મને જે બેસ્ટ લાગે એ જવાબ જ લખું.’
અશોક દવેના અત્યાર સુધીમાં 31 પુસ્તકો પ્રકાશિત થયાં છે. ‘ફરમાઈશ કલબ’ અને ‘ગ્રામોફોન કલબ’ એમ બે કલબ તેઓ ચલાવે છે. જેમાં જૂના ફિલ્મી ગીતો વિશે બહુ જ અભ્યાસ કરીને રસપ્રદ વાતો લોકો સુધી પહોંચાડે છે.
લખવા માટે ખાસ કોઈ માહોલ જોઈએ?
હકીભાભી કહે છે, ‘ના એવી કોઈ ખાસ વાત નથી. એ લખી લે અને લેખ મોકલી આપે. હું તો છપાય એ પછી વાંચુ છું. ‘ફિલ્મી દુનિયા’ બહુ નથી વાંચતી. પણ ‘બુધવારની બપોરે’ અને ‘એન્કાઉન્ટર’ વાંચી લઉં. વાંચીને ફીડબેક પણ આપું કે, વાંચવાની મજા આવી કે ન આવી. જો કે, સમ્રાટ એના પપ્પાને સૌથી વધુ સાચાં ફીડબેક આપે. લેખની શરુઆતથી માંડીને એકએક લાઈનમાં ક્યાંક કંઈક એનું અવલોકન હોય તો મુદ્દાસર બેસીને એ અશોક સાથે ચર્ચા કરે.’
અશોકભાઈ કહે છે, ‘હું કોઈ દિવસ ડેડલાઈન નથી ચૂક્યો. હંમેશાં એડવાન્સ જ લેખો લખી લઉં. કોઈ દિવસ મારા લેખની ઉઘરાણી ન કરવી પડે. કોઈ વાતે દુઃખી કે ડિસ્ટર્બ હોઉં તો પણ લખવા બેસું એટલે વિચારો સ્ફૂરી જાય છે અને લખી શકું છું. કોઈપણ સમયે, ક્યારેય પણ લખી શકું છું. આ સરસ્વતી માતાની કૃપાથી વધુ કંઈ જ નથી એવું મારું માનવું છે.’
બહુ જ રસપ્રદ બે બનાવો આ દંપતી આપણને સૌને કહેવા માગે છે. હકીભાભી કહે છે, ‘અમે અખબાર નગરમાં રહેતાં હતાં. એક દિવસ દરવાજો જોશ જોશથી કોઈક ખટખટાવવા માંડયું. કાન માંડ્યો તો બહાર તાબોટાના અવાજ સંભળાય. મેં હળવેથી દરવાજો ખોલ્યો. હું પહેલાં તો એકદમ ડરી જ ગયેલી. કિન્નરો ઘરે આવેલાં. મને કહ્યું, અશોક દવેને બોલાવ. અશોક અવાજ સાંભળીને તરત જ આવ્યાં. એ મૌસીઓએ અશોકના માથે હાથ ફેરવ્યો. એકદમ ગળગળાં સાદે કહ્યું કે, આખી દુનિયા અમારી ઉપર હસે છે. એક તું જ છે જે અમને હસાવે છે. અમે તો તને આશીર્વાદ આપવા આવ્યા છીએ.’
અશોકભાઈ કહે છે, ‘એ આશીર્વાદ મારા માટે બહુ મહત્ત્વના છે. મને જ્યોતીન્દ્ર દવે પુરસ્કાર અને ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કાર મળ્યા છે. પણ અમુક અનુભવો જિંદગી આખી પુરસ્કાર જેવા બની રહે છે. એકવાર અમે પોરબંદરમાં મારું લેક્ચર પતાવીને અમદાવાદ આવતાં હતાં. મને લાગી હતી સિગારેટની તલબ. વરસાદ કહે મારું કામ. રસ્તામાં એક માણસ કડિયાળી ડાંગ લઈને એની મસ્તીમાં ડાંગને ટેકે ઊભો હતો. મેં એને જોયો. એણે પણ મારી સામે જોયું. ત્યાં નજીકમાં જ વરસતાં વરસાદમાં ડ્રાઈવરે એક નાનકડી કેબિન પાસે ગાડી ઉભી રાખી. હું સિગારેટ લેવા ઉતર્યો. એ કેબિનવાળાએ કોઈ કમેન્ટ પાસ કરી. મેં સામી કમેન્ટ કરી અને અમે બહુ હસ્યા. એ પછી ડ્રાઈવરે પેલા દુકાનવાળાને કહ્યું, તને ખબર છે આ કોણ છે? પેલો દુકાનવાળો કહે, મને ક્યાંથી ખબર હોય કે આ કોણ છે? ડ્રાઈવરે કહ્યું, આ હાસ્ય લેખક અશોક દવે છે. પેલા માણસે કંઈ જ રિસ્પોન્સ ન આપ્યો. મોટા અવાજે પેલાં કડિયાળી ડાંગ લઈને ઊભા હતા એ ભાઈને બૂમ પાડી અને કહ્યું, એ આતા આ અશોક દવે છે. પેલો માણસ જે કડપ સાથે ઊભો હતો એ ધોધમાર પૂરની જેમ આવ્યો અને મને વળગી ગયો. એની એ હૂંફાળી બાથ મને હજુય યાદ આવે ત્યારે દિલ આવા વાચકોને સલામ કરી ઊઠે છે.’
લગ્ન જીવનના 47 વર્ષ પસાર કરી ચૂકેલાં આ દંપતીની જિંદગી કંઈક જુદી રીતે જ જીવાઈ રહી છે. અશોકભાઈ કદીય ક્યાંય કોઈ કાર્યક્રમમાં એકલા જવાનું નથી પસંદ કરતા. એમને ઓડિયન્સમાં હકીભાભી જોઈએ યા તો દીકરો સમ્રાટ જોઈએ. અશોકભાઈ કહે છે, ‘હકી મારી સર્જન પ્રક્રિયામાં કદીય ક્યાંય મને નડી નથી. એનો સાથ મારા માટે સૌથી ઉપર છે. મારા માટે માહોલ રચવાથી માંડીને તમામ અનુકૂળતાઓ એ એટલી સહજતાથી કરી જાણે છે કે મને જાણે કંઈ તકલીફ નથી પડતી.’ ફિલ્મી દુનિયા અને બુધવારની બપોરની સફર એન્કાઉન્ટર સાથે સહજતાથી વહી રહી છે. દુનિયા આખીને ખડખડાટ હસાવતી આ કૉલમના સર્જકના સાથીદારનો સાથ કાબિલે તારીફ તો ખરો જ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર