મારી દરેક સમસ્યાનું વન પોઇન્ટ સોલ્યુશન એટલે રોહિત: બીના શાહ

03 Aug, 2017
12:01 AM

જ્યોતિ ઉનડકટ

PC: khabarchhe.com

પતિના વિચારો સાથે સહમત ન હોય, એ વિચારોને કારણે સમાજમાં ઊહાપોહ થયો હોય, એ છપાયેલા વિચારોને કારણે વિરોધીઓ પણ ઘરે આવી જાય. એ પછી વિચારોમાં અસહમત એવી પત્ની પતિની પડખે ઊભી રહે આ સાયુજ્ય કંઈક અનોખી ભાત પાડે તેવું છે. આ યુગલ છે બીના-રોહિત શાહ. બીનાબેન શાહે અનેક અજાણી વાતો આપણી સાથે શેર કરી છે.

સીધી, સરળ અને સાદી ભાષામાં કોઈ વાત લોકો સુધી પહોંચાડવાની હોય તો એની અભિવ્યક્તિ પણ એવી જ હોવી જોઈએ. આ શબ્દોના આરાધક એટલે રોહિત શાહ. એમના જીવનસાથી બીનાબેન સાથે ફોન ઉપર સર્જકના સાથીદાર વિશે વાત થઈ. ફોન ઉપર વાત કરી અને તરત જ એમણે સમય આપી દીધો. બહુ ઓછાં સર્જકના સાથીદાર છે જેમને મેં ડાયરેક્ટ ફોન કર્યો હોય. બધાં સર્જકોને ફોન કરીને એમની અનુકૂળતા પૂછીને પછી એમને ત્યાં ગઈ છું. પણ બીનાબેનની વાત નિરાળી છે. એમની સાથે ફોન ઉપરની જ વાતચીતની આત્મીયતા ઘણાં સમયથી રહી છે. એટલી આત્મીયતા કે, બહુ દિવસે ફોન કરુંને તો પણ એ મારો અવાજ ઓળખી જાય અને મારા નામ સાથે વાત શરૂ કરે. 

આ વખતે પણ એમની વાતો બહુ મજાની રહી. ગુજરાત સમાચાર, અભિયાન સાપ્તાહિક, મિડ ડે, મુંબઈ સમાચાર, ફૂલછાબ જેવા માતબર દૈનિક અને સામયિકમાં રોહિતભાઈએ અલગ-અલગ વિષયો પર કટારલેખન કર્યું છે. 2004ની સાલથી તેઓ ગુર્જર પ્રકાશન સાથે એડિટર તરીકે જોડાયેલા છે. તેમના એક-બે નહીં પણ પૂરા 175 પુસ્તકો પ્રકાશિત થઈ ચૂક્યા છે. હાલ તેમની કૉલમ ગુજરાત ગાર્ડિયન અને જયહિન્દ દૈનિકની પૂર્તિઓમાં પ્રકાશિત થાય છે. 

સરળ લેખનશૈલી રોહિતભાઈની ઓળખ છે. જો કે, તેઓ બહુ જ શિસ્તના આગ્રહી અને લોકપ્રિય ટીચર રહી ચૂક્યા છે. રોહિતભાઈ ખોટીવાતનો ખુલ્લંખુલ્લા લખીને વિરોધ કરવામાં માનનારા લેખક છે. જે ખોટું છે તે છે એવું એ સફળતાપૂર્વક સમજાવી શકે અને ગળે પણ ઉતરાવી શકે. એકાદ વખત દીક્ષા નહીં લેવી જોઈએ એ વિશેના લેખ બાદ એમના ઘરે અનેક લોકો વિરોધ કરવા આવી ચડ્યાં હતાં. એ દિવસોમાં એમના ઘરનું જે વાતાવરણ હતું એની થોડીઘણી મને પણ ખબર છે. રોહિતભાઈ સાથે ત્યારે ફોન ઉપર વાત થયેલી. એકદમ કુલ માઇન્ડ સાથે તેમણે પોતાની વાત મને સમજાવી, કહી અને પોતે જરાપણ વ્યાધિમાં નથી એવું મને કહ્યું. ઘરે ટોળું આવ્યું હોય એને પોતાની વાત સમજાવી શકે એવી હિંમત પણ કાચાપોચાં માણસમાં નથી હોતી. 

બીનાબેન કહે છે, "હું ખૂબ જ ધાર્મિક અને એ તો ઈશ્વરમાં નહીં માનનારા વ્યક્તિ. હું રોજ દેરાસર જાઉં. એ મને દેરાસરની બહાર મૂકી જાય. પણ મારી સાથે કોઈ દિવસ ન આવે. હા મને કોઈ દિવસ અટકાવે પણ નહીં. એમની ધર્મની વિરોધની વાતો, ચર્ચા, તર્ક, દલીલો સાથે હું સંમત ન થાઉં. મને ગળે પણ ન ઉતરે. મારા સાસુ લીલાવતીબેન ઘરમાં રોજે ચોવિહાર કરે છે. બે ઍક્સ્ટ્રીમ પર મારા ઘરમાં જિંદગી જીવાઈ રહી છે. વળી, એમણે કંઈ લખ્યું હોય અને એનો વિરોધ થયો હોય તો હું એમના વિચારો સાથે ભલે અસહમત હોઉં પણ હું એમની લડાઈમાં એમને એકલું લાગે એવું ન ફીલ થવા દઉં. વિચારભેદ ખરો પણ એની સાથે એમની પત્ની તરીકે એમની લડાઈમાં મારો સાથ હોય જ. આ એક સમજાય એવી લાગણી છે, પણ જે છે એ જ હું કહું છું." 

બાવીસ વર્ષ સુધી શિક્ષક તરીકે નોકરી કરી અને લેખનની દુનિયામાં આવ્યા આ જરા ન સમજાય એવું કૉમ્બિનેશન છે. જરા રોહિતભાઈ વિશે વધુ જાણીએ. 

મહેસાણા જિલ્લાના મહુડીથી અઢાર કિલોમીટર દૂર ટીંટોદણ ગામના વતની એવા રોહિતભાઈના પિતા ચીનુભાઈ શાહ આ જ ગામના સતત એકવીસ વર્ષ સુધી સરપંચપદે રહ્યા છે. સરપંચના દીકરાને ગામમાંથી કોઈ ખાસ કંઈ ન કહે. ગામડામાં નાટક કંપનીઓ નાટક ભજવવા માટે આવતી. એક દિવસ સરપંચ અને એમનો પરિવાર નાટક જોવા જાય. એ પછી બીજી વખત તો ભાગ્યે જ જવાનું થાય. પણ રોહિત શાહને આખું ગામ સરપંચના દીકરા તરીકે ઓળખે. વળી, નાનપણમાં તો રોહિત શાહ પણ કહી દેતા કે, હું સરપંચનો દીકરો છું. મને નાટક જોવા બેસવા દ્યો. 

આમ નાટકની દુનિયા એ પહેલી ક્રિએટીવ દુનિયા એમણે જોઈ. દસમા ધોરણમાં ભણતા હતા ત્યારે તેમણે પહેલું નાટક લખ્યું. પુત્ર કસોટીઃ યાને ગોઝારી મા. 1969ની સાલમાં લખ્યું અને એને ગાંધીનગરમાં રજિસ્ટર પણ કરાવ્યું. આ નાટક લખતા પહેલાં ગામમાં ભજવાઈ રહેલાં નાટકના મુખ્ય માણસ પાસેથી એના નાટકની સ્ક્રિપ્ટ વાંચવા માટે માગી. એ જોઈ, વાંચી, બરોબર અભ્યાસ કર્યો અને પછી નાટક લખ્યું. શબ્દોની દુનિયા આ યુવકને ખેંચતી હતી. 

દસમું ધોરણ પાસ કરીને અમદાવાદ આવ્યા. એ દિવસોમાં ઓલ્ડ એસએસસી પાસ કરીને તેમણે નવ ગુજરાત કૉલેજમાં ગુજરાતી અને સાયકોલોજીના વિષય સાથે બીએ કર્યું. કૉલેજના પ્રોફેસર આઈ. જે. ભટ્ટે એક દિવસ રોહિતભાઈને બોલાવીને કહ્યું કે, આપણે ત્યાં છેલ્લાં ચાર વર્ષથી કોઈ ગુજરાતી વિષય સાથે ફર્સ્ટ ક્લાસ પાસ નથી થયું. તારા ઉપર અમને આશા છે. જો તું ફર્સ્ટ ક્લાસ લઈ આવીશ તો હું તને અહીં નોકરી અપાવીશ. 

રોહિતભાઈ કહે છે,"હું તો ફર્સ્ટ ક્લાસ લઈ આવ્યો. અને સાહેબે પણ પ્રૉમિસ આપેલું એમ ડાયરેક્ટર ચંદ્રકાંત મહેતાના માર્ગદર્શન હેઠળ મને કૉલેજમાં જર્નાલિઝમ, મહિલાઓની પર્સનાલિટી ડેવલપમેન્ટ તેમજ શૉર્ટ હેન્ડના લેક્ચર આપવા માટે કામ આપ્યું. જો કે, હું પ્રોફેસર થાઉ એ પહેલાં ભટ્ટ સાહેબે વિદાય લીધી આથી આગળની સફર બીજી તરફ ફંટાઈ ગઈ. 

આ દિવસોમાં જ શ્રી કર્મશીલા હાયર સેકન્ડરી સ્કૂલમાં ગુજરાતીના શિક્ષક જોઈએ છે તેની જાહેરાત આવી. મેં જરા જુદી રીતે અરજી કરી. એ અરજી જોઈને મને પ્રિન્સિપાલ લાલજીભાઈ નાયકે બોલાવ્યો. મને પૂછ્યું, તમે ટ્રાયલ આપશો? મેં હા ભણી. કાકાસાહેબ કાલેલકરનો જીવન પાથેય નામનો પાઠ ભણાવ્યો. વિદ્યાર્થીઓને મજા પડી ગઈ. મારી નોકરી લાગી ગઈ. એ પછીના વર્ષોમાં બીજી એક સંસ્થા સાથે જોડાયો. શિક્ષક તરીકે જ વીસ વર્ષ નોકરી કરી અને સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી."

સ્વૈચ્છિક નિવૃત્તિ પાછળ એક પરોપકારી અને સંવેદનશીલ વ્યક્તિત્વ એવા રોહિત શાહની કહાની કંઈક અલગ જ લાગે છે. જ્યારે શિક્ષક તરીકે તેમના નામની રાડ બોલાતી એ પાછી એક અલગ જ હકીકત છે. ક્લાસરૂમમાં રોહિતભાઈ જાય એટલે એકદમ શાંતિ થઈ જતી. કોઈના શર્ટનું ઉપલું બટન કોઈ દિવસ ખુલ્લું ન હોય. મોટામોટાં ઓફિસરના સંતાનો હોય કે પછી ક્રિમિનલના સંતાનો હોય રોહિતભાઈથી હંમેશાં બધાં પીચ કાતરતાં. એક-બે બાળકોએ પિતાના નામની ધાક પતાવી તો રોહિતભાઈએ એને પિતાની સામે જ કટ ટુ સાઇઝ કરી નાખ્યા.

એક કિસ્સો બહુ મજાનો છે. એક પોલીસ અધિકારીના દીકરાથી કંઈ ભૂલ થઈ હશે એટલે રોહિતભાઈએ એને ઠપકો આપ્યો. આ વિદ્યાર્થીએ રોહિતભાઈને કહ્યું, હું ફલાણા પોલીસ અધિકારીનો દીકરો છું. તમને આમ કરી નાખીશ અને તેમ કરી નાખીશ. આ સાંભળીને રોહિતભાઈએ કહ્યું, એમ? સારું તારા પિતાનો નંબર આપ આપણે એમને બોલાવીએ. એ વિદ્યાર્થીએ કહ્યું એમ કંઈ ન મળે. રોહિતભાઈએ એ વિદ્યાર્થીના પિતાનો નંબર શોધ્યો અને એમને ફોન કરીને કહ્યું કે, અમારી સ્કૂલમાં થોડી ગરબડ થાય એવું લાગે છે. તમે આવશો? 

એ પોલીસમૅન મારતી ગાડીએ સ્કૂલે આવ્યો. એને ખબર હતી કે એનો દીકરો પણ આ જ શાળામાં અભ્યાસ કરે છે. પ્રિન્સિપાલની ચેમ્બરમાં એ પોલીસમૅનને બેસાડીને પ્યૂનને મોકલ્યો એમના જ દીકરાને બોલાવવા માટે. પ્યૂન એ દીકરાને લઈને આવ્યો. પિતાને જોઈને એ તો કાપો તો લોહી ન નીકળે એવી હાલતમાં આવી ગયો.. એને કંઈ સમજાય એ પહેલાં રોહિતભાઈએ એ પોલીસ અધિકારીને પૂછ્યું, સાહેબ તમે એવી ખાતરી સાથે તમારા દીકરાને શાળાએ મોકલો છો કે, એ શાળામાં તમારા નામે કંઈ પણ કરી શકે અને તમે એને બચાવી લેશો. એ કોઈને ધમકી પણ આપી શકે? 

આ સાંભળીને પેલા પોલીસમૅન પિતાનો પિત્તો ઊકળી ઊઠ્યો. એણે સીધો હાથ ઉગામ્યો સામે સ્કૂલ ડ્રેસમાં ઊભેલા દીકરા સામે. એ હાથને રોહિત શાહે રોક્યો અને કહ્યું, સાહેબ આ મારી પ્રિમાઈસીસ છે. તમે અહીં આ તમારા જ દીકરાને મારી ન શકો. એમ કહીને એમણે સટ્ટાક કરતી એ વિદ્યાર્થીના ગાલ પર થપ્પડ મારી. એ વિદ્યાર્થીની નજર રોહિતભાઈ સાથે મળી અને વગર કહ્યે બધું જ સમજાઈ ગયું. 

એક બીજો કિસ્સો પણ મજાનો છે. એક વિદ્યાર્થી થોડો માથાભારે હતો. પરીક્ષા દરમિયાન એને ચોરી કરવી હતી. રોહિતભાઈનું સુપરવિઝન બીજા ક્લાસમાં હતું. પણ એ વિદ્યાર્થી ચોરી કરવાની ફિરાકમાં છે એ એમને ખબર પડી ગઈ. આથી એમણે સામે ચાલીને પોતાના સુપરવિઝનનો રૂમ બદલાવડાવ્યો. એ વિદ્યાર્થીએ તો બેધડક થઈને કોપી કરવા માંડી. રોહિતભાઈએ ના કહી. તો એણે કહ્યું સાહેબ, રહેવા દેજો... જોવા જેવી થશે. પણ રોહિતભાઈએ તો એ જેમાંથી કોપી કરતો હતો એ લઈ લીધું. હજુ પાછળ ફર્યાં ત્યાં તો એ વિદ્યાર્થીએ પગના મોજામાંથી છરો કાઢ્યો અને ઝનૂન સાથે લાકડાની બેન્ચ પર ખોડી દીધો. 

રોહિતભાઈ પાછાં વળ્યા અને એ વિદ્યાર્થીને કહ્યું, મને તારી ઉપર ગુસ્સો નથી આવતો પણ મને તારી ઉપર માન થાય છે કે, તેં કહેલું કરી બતાવ્યું. તેં ધમકી આપી હતી એ ઠાલી ન હતી. પછી એને કોપી કરવાની વસ્તુઓ પરત આપી અને કહ્યું કે, લખ તારે જે કોપી કરીને લખવું હોય એ. પછી પોતાની ખુરશી પર જઈને એ બેસી ગયા. એ વિદ્યાર્થી સામે નજર માંડીને બેઠાં રહ્યાં. એ વિદ્યાર્થી થોડો અકળાયો, શરમાયો અને છેલ્લે કંઈ જ લખ્યા વગર ક્લાસરૂમ છોડીને નીકળી ગયો. એ વિદ્યાર્થી આજે રોહિતભાઈને જરાસરખી તકલીફ પડે તો બાજુમાં આવીને ઊભો રહે છે. 

વિદ્યાર્થીઓમાં લોકપ્રિય પણ સાથે કામ કરતાં સહકર્મચારીઓમાં રોહિત શાહ થોડા અપ્રિય. કેમકે, શાળામાં એક્સ્ટ્રા ક્લાસીસ લેવાના હોય કે પછી વધારે ભણાવવાનું હોય તો એની હિમાયત રોહિતભાઈ કરે. ટ્યૂશન ક્લાસના વિરોધી એટલે સાથે કામ કરતાં લોકોને એ જરાપણ ન ગમે. ટ્રસ્ટીઓ એમની ફેવરમાં, વિદ્યાર્થીઓને પણ રોહિત સાહેબ બહુ પસંદ આથી વિરોધીઓનો ગજ બહુ વાગે નહીં. 

શિક્ષક તરીકે કડક છાપ ખરી પણ રોહિતભાઈને એમના વિદ્યાર્થીઓ એને કોઈ છોકરી સાથે પ્રેમ હોય તો પણ વાત કહી શકે એટલાં ફ્રેન્ક દિલના રહ્યાં. એક વખત એક વિદ્યાર્થી રીસેસના સમયમાં બહુ જ સરસ ગાયન ગાતો હતો. એ ગાયન પણ રેર હતું. મકરંદ દવેની કવિતા ગાતો હતો. એને કહ્યું કે, તું પ્રાર્થનામાં ગાજે. સ્પેશિયલ પરમિશન લઈને એણે વરસો સુધી સ્કૂલની પ્રાર્થનમાં હાર્મોનિયમ સાથે ગાયું. 

2004ની સાલમાં તેમણે જોબ મૂકી દીધી. થોડો જ સમય બાકી હતો રિટાયરમેન્ટને પણ વાત જ એવી હતી કે, રોહિતભાઈએ નોકરી મૂકી દીધી. વાત એમ હતી કે, સરપ્લસ સ્ટાફને કાઢવાનો સરકારનો હુકમ હતો. એમાં જુનિયર હોય એને જ જવું પડે. અહીં વાત એ હતી કે, રોહિતભાઈ તો બહુ સિનિયર એટલે એમને કાઢવાનો કોઈ સવાલ ન હતો. અંગ્રેજી ભણાવતા રાવલભાઈને જવું પડશે એ વાત ખબર પડી. એ રાવલભાઈ એક રાત્રે રોહિતભાઈના ઘરે આવ્યાં. એમણે રોહિતભાઈને કહ્યું કે, તમે તો લેખનની દુનિયામાં કે બીજે ક્યાંય પણ કંઈ કરી શકશો. મારા માટે તો મારા ઘરનું ગુજરાન મારી નોકરી પર ચાલે છે. જો આ નોકરી જશે તો હું ક્યાંયનો નહીં રહું.... એ ભાઈની આંખો વાંચીને રોહિતભાઈએ એક પળનો વિલંબ કર્યા વગર નિર્ણય લઈ લીધો કે, એક પરિવાર ધબકતું રહે એ માટે હું મારી નોકરીનું બલિદાન આપી દઈશ. વળી, હું મારા જોગું તો કંઈક કરી જ લઈશ એવો ભરોસો પણ તેમને પોતાની જાત ઉપર હતો. 

બીનાબેન કહે છે, "શાળામાં જેટલાં લોકપ્રિય હતાં એટલાં જ એમને સૈદ્ધાંતિક સવાલો અને સમસ્યાઓ પણ થતી. આથી રાજીનામું આપીને આવે. એ ઘરે આવે એ પહેલાં શાળાના ટ્રસ્ટી કે પ્રિન્સિપાલ ઘરે આવી જાય. લગ્નની શરૂઆતના સમયમાં મને ન સમજાયું પછી અને ખયાલ આવી ગયો કે, બાંધછોડ કરવાની આવે ત્યારે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કંઈ ખોટું થાય કે પછી એમની વિચારસરણીને અનુસંધાનને કંઈ વાંધો પડે ત્યારે એ મૅનેજમેન્ટથી નારાજ થઈ જાય છે. એ ઘરે આવે તે પહેલા જો શાળા સાથે સંકળાયેલી મોટી હસ્તી ઘરે પહોંચી જાય તો મને તરત જ ખબર પડી જાય કે, આજે કંઈક બબાલ થઈ છે...." આ વાત કરતા બીનાબેન ભૂતકાળમાં સરી પડ્યાં અને બહુ જ સહજ રીતે હસવા લાગ્યા. 

કોઈનું સારું, ભલું થતું હોય તો એ પહેલાં કરવાનું એ ફિલોસોફીમાં માનતા રોહિતભાઈ લેખનની દુનિયામાં એક અલગ જ છાપ ધરાવે છે. જેવા એ શિક્ષક તરીકે શિસ્તના આગ્રહી છે એવા જ એ લેખનમાં પણ શિસ્તતા જાળવે છે. એમની પાસેથી કોઈ દિવસ લેખની ઉઘરાણી ન કરવી પડે. લેખ એમને આપેલી શબ્દ મર્યાદામાં જ હોય. લેખ અને એના વિષયના બહારની એક વાત એક શબ્દ કે એક વાક્ય તમને એમના લેખમાં મળે નહીં. ખાસ વિષય આપ્યો હોય ત્યારે એ વાત દાખલા-દલીલ સાથે એ ડેડલાઇનની અંદર મોકલી જ આપે. મોટાભાગે એમના લેખ ઍડ્વાન્સ જ આવી ગયા હોય. નવી પેઢીને ગમે તેવી શૈલી અને અંગ્રેજી શબ્દો વાપરવાનો એવો કોઈ ખાસ છોછ એ નથી રાખતાં. વળી, ટૂંકા અને ચોટદાર વાક્યો એમના લેખનમાં જાન રેડી દે છે. 

લેખનની સફરની પ્રાથમિક શરૂઆત ક્યાંથી થઈ તેની આપણે વાત કરી. એ પછીની સફર વિશે જરા વાત કરીએ. ચાંદની, આરામ, રંગતરંગ, નવચેતન, સુઘોષા, સદવિચાર પરિવાર જેવા મેગેઝીન્સમાં તેમની વાર્તાઓ છપાવા લાગી. સદવિચાર પરિવારમાં મારો લેખ વાંચીને મને ગુજરાત સમાચારના શ્રેયાંસભાઈ શાહ તરફથી કહેણ આવ્યું. રોહિતભાઈ કહે છે, "અગિયારમાં બારમા ધોરણના વિદ્યાર્થીઓને ગુજરાતી વિષય ભણાવતો હતો તે ઉપરાંત મારી અંદર ક્રિએટીવીટી જીવી રહી હતી. એ ક્રિએટીવીટીને ધીમે ધીમે આકાર મળવા લાગ્યો. ગુજરાત સમાચારમાં સાત દિવસના અખબારમાં એ સમયે મારી પરોઢનું પુષ્પ, ચિંતનની ચાંદની, રિમોટ કંટ્રોલ, સોરી ફોર ઇન્ટરપ્શન, દ્રષ્ટાંત કથા, હસજો હળવે હળવે જેવી આઠેક કૉલમ આવતી. આઠેક વર્ષ આ કૉલમ ચાલી. એ દિવસોમાં હું ગુજરાત સમાચારનું શ્રી મેગેઝીન પણ સંભાળતો. ગામડાની પૂર્તિ હાલોને ભેરુ ગામડે શરૂ કરાવી. જેમાં મારું ગામ અને મારી વાતો વધુ ફોકસમાં રહેતી. 

આ સફર પછી પાંચેક વર્ષ મેં કંઈ જ ન લખ્યું. એ પછી મુંબઈ સમાચાર દૈનિકમાં પરિચયના પારિજાત કૉલમ લખી, ફૂલછાબમાં યૌવનના તેજતિમિર લખી, મિડ ડે દૈનિકમાં સોશિયલ સાયન્સ, મંડે મંથન, બલિહારી, નો પ્રૉબ્લેમ કૉલમ લખી. મિડ-ડેમાં પણ સાતેક વર્ષ લખ્યું. અભિયાન મેગેઝીનમાં વિચારોની વેબસાઇટ નામની કૉલમ 2010થી 2017ના મધ્ય સુધી લખી."

તેમની પાંચેક નવલકથાઓ આવી ચૂકી છે. આ વાત બીનાબેન યાદ અપાવે છે. સૌથી મહત્ત્વની વાત અહીં એ બની કે, તમામે તમામ દૈનિક કે મેગેઝીનમાં આવતી કૉલમના નામ બીનાબેનને મોઢે હતાં. એ તમામ કૉલમના નામો એમણે જ લખાવ્યાં. 

રોહિતભાઈના મમ્મી લીલાવતીબેન અમારી વાતચીત દરમિયાન અમારી સાથે જ હતાં. એમને પૂછ્યું કે, તમે બધું જ વાંચો છો દીકરાનું? એમણે બહુ સ્નેહ સાથે કહ્યું, "રોહિતનો લખેલો એકેએક શબ્દ હું વાંચું. મને રોજ એક બુક વાંચવા જોઈએ. હું જો મોટા દીકરા જગદીશના ઘરે હોઉં તો રોહિત મને ત્યાં બુક મોકલાવે. સાંજ પડે ત્યાં તો મારી બુક પૂરી થઈ જાય. એનો એકેય શબ્દ હજુ સુધી મેં નથી વાંચ્યો એવું નથી બન્યું. "

રોહિતભાઈ લખે અને હોબાળો થાય તો તમને એમની ચિંતા થાય? 

સાડીનો છેડો સહેજ સરખો કરીને. એકાદ સેકન્ડ માટે એમની આંખો વિચારતી દેખાઈ. પછી બોલ્યા, કઈ માને એના દીકરાની ચિંતા ન થાય? મને પણ થાય એ સ્વભાવિક વાત છે. 

તો તમે એમને અટકાવતાં નથી? 

રોહિતભાઈ કહે છે, "બા ધાર્મિક ખરી. પણ મારી અનેક વાતો અને તર્ક સાથે એ સહમત પણ ખરી. એણે કોઈ દિવસ મને એવું નથી કહ્યું કે, તે આમ કેમ લખ્યું."

લીલાવતી બા, આટલી વાત કરીને વહુને કહે છે, હવે સાંજ પડવા આવી... મારો ચોવિહારનો સમય થઈ ગયો છે બીના...

બા સામે નજર કરીને રોહિતભાઈ કહે છે, "મારા બાપુજી જીવતાં ત્યારે અમારે ખાસી એવી ચર્ચાઓ થતી. થોડા વર્ષો પહેલાં બા-બાપુજીની લગ્નની તિથિ આવતી હતી. એ અમે સ્વજનમેળો કાર્યક્રમ યોજીને ઊજવી હતી. જેમાં ફિલ્મી ગીતો, કૉમેડી અને બા-બાપુજીનું જીવન ચાલ્યું એ પ્રમાણે ગીતોની પસંદગી કરીને અમે સેલિબ્રેશન કર્યું. જેમાં મારું કે મારા ભાઈનું કોઈ સ્વજન નહીં. બધાં બા-બાપુજીને અંગત રીતે ઓળખતાં હોય એવા સ્વજનોને જ અમે નોતરેલાં. એ કાર્યક્રમમાં સફેદી જેમના માથા પર આવી ગયેલી એ તમામ વડીલોએ બહુ મનોરંજન માણ્યું."

ગુજરાત ગાર્ડિયનમાં ઓફબીટ, જયહિન્દમાં ઝરુખડે દીવા બળે અને નો પ્રોબ્લેમ તથા ગુજરાત ટાઇમ્સમાં અનુભૂતિ નામની કૉલમ રોહિતભાઈ લખે છે. તેમને સોશિયલ, રીલેશનશીપ, આધ્યાત્મિક, ક્રાંતિકારી વિચારો વ્યક્ત કરવા વધુ ગમે છે. રોહિતભાઈ કહે છે, "મારી કૉલમ હું એક જ બેઠકે લખું. જગ્યા કે માહોલ મને બહુ ખાસ ન જોઈએ. ખોળામાં પાટિયું રાખીને એના પર કાગળ મૂકીને પણ લખી શકું, નોકરી કરતો હતો ત્યારે શાળામાં મારી સામે મારી જ વિરુદ્ધ બધું ચાલી રહ્યું હોય એની મને ખબર હોય અને હું ત્યાં બેઠા-બેઠા લખી શકતો. મારે મારી કૉલમ ભાગ્યે જ રી-રાઇટ કરવી પડે. હવે, કમ્પ્યૂટર પર લખું છું. અગાઉના સમયમાં, લગ્ન પહેલાં મોટાભાઈ જગદીશભાઈ મારી કૉલમના પહેલા વાચક. એ દિવસોમાં ઝેરોક્સના ખર્ચ ન પોસાતાં એટલે મારી કોપી હું જગદીશભાઈના પત્ની અને મારા ભાભી રમીલાભાભી આગળ હાથેથી રી-રાઇટ કરાવતો. લગ્ન પછી મોટાભાગે મારી પહેલી વાચક બીના રહી છે."

બીનાબેન કહે છે, "રોહિત ખૂબ જ ડીસીપ્લીન રાઇટર છે. એ લખીને ગયા હોય એ ટેબલ પર વ્યવસ્થિત પડ્યું હોય. એ હું સવારે ઊઠીને વાંચી જ લઉં. જ્યાં એમની કૉલમ લખે એ પ્રકાશનગૃહનો માણસ ફિક્સ સમયે આવીને એ કોપી લઈ જતો. આ શેડ્યુલમાં જરાપણ આમતેમ કોઈ દિવસ નથી થયું. હવે, એ કમ્પ્યુટર પર સીધું લખે છે એટલે મારા હાથમાં છપાઈ જાય પછી જ આવે છે. અમારા ત્રણેય સંતાનો પ્રતીતિ, દ્રષ્ટી અને દીકરો પ્રસંગ પણ એમની શિસ્ત અને કેળવણી પ્રમાણે ઉછર્યાં છે. 

લગ્નની શરૂઆતના ગાળામાં મને એમનો સ્વભાવ થોડો આકરો લાગતો. પછી ધીમે ધીમે એમને સમજતી થઈ એમ એ એકદમ સરળ વ્યક્તિત્વ લાગ્યા છે. અમારા ઘરમાં કોઈ દિવસ કોઈએ કોઈનાથી કંઈ છુપાવવું પડે એવું વાતાવરણ નથી થયું. 

વિચારોની આક્રમકતાને કારણે લગ્નની શરૂઆતમાં એક વખત જબરો કિસ્સો થયેલો. ભૂત-પ્રેતને અજમાવવા માટે એ કોઈ પણ ચેલેન્જ લઈ લે. કોઈની સાથે ભૂત થાય છે એવી વાયકાવાળી જગ્યાએ ગયા અને એ પછી એમણે જે કર્યું એ આજે પણ મને યાદ આવે છે તો મારા રુંવાડા ઊભા થઈ જાય છે. પહેલી પ્રેગનેન્સી રહી ત્યારની વાત કરું. પ્રતીતિ પેટમાં હતી અને અમે વોકિંગ કરવા નીકળીએ. કોઈએ નજર ઉતારીને ચાર રસ્તા પર કંઈ મૂક્યું હોય. એ કુંડાળું જોઉં તો એમને કહું કે જરા આ બાજુથી ચાલો. તો એ કુંડાળાની વચ્ચે જઈને ઉભા રહે. ત્યાં કંઈ વધેર્યું હોય એ ઘરે લઈ આવે અને પોતે ખાય. અમે અમારો ફ્લૅટ પણ કમૂરતામાં ખરીદ્યો. એમાં કાળ ચોઘડિયે પ્રવેશ કર્યો. રોહિતના આવા અનેક વિચારોને મેં વર્તનમાં પરાવર્તિત થતાં જોયા છે. શરૂઆતના સમયમાં ગળે ન ઉતરતું પણ ધીમે ધીમે સમજાઈ ગયું કે એ આવા જ છે...."

રોહિતભાઈ પોતાની જીવનશૈલીમાં વિશે કહે છે, મારી પાસે સોળ રૂપિયા છેને ત્યાં સુધી મને કોઈ પ્રોબ્લેમ નથી. પછી એ વાતનું જ સંધાન કરીને કહે છે, "સંયુક્ત પરિવારમાં કોઈ વાતે મતભેદ થયો અને હું પહેરેલાં કપડે ઘરમાંથી નીકળી ગયો. ત્યારે મારા ખિસ્સામાં સોળ રૂપિયા હતાં. આ સોળ રૂપિયામાંથી નવ રૂપિયાનો દાઢીનો સામાન આવ્યો અને બાકીના રૂપિયામાંથી બીજો ખર્ચ કર્યો. બીના પ્રેગનેન્ટ હતી એ પિયર ગઈ અને અહીં મારી નવી સફર શરૂ થઈ. લેખન અને નોકરીમાંથી પાઈ-પાઈ ભેગી કરીને ઘર વસાવ્યું. દર વખતે કોઈ કામ કરું અને થોડા રૂપિયા આવે એટલે એમાંથી એક ચોરસ ટીનનો ડબ્બો લઉં. એમાં ખાંડ, ઘઉંનો લોટ, ચોખા, દાળ એવા સ્ટીકર મારું. એ હોય ખાલી પણ મનમાં એવું વિચારતો કે, એક દિવસ બીના અમારા બાળક સાથે અહીં આવશેને ત્યારે આ બધાં જ ડબ્બા અને મારી જિંદગી બંને ભર્યા-ભર્યાં થઈ જશે...."

એ દિવસોની યાદ આવતાં જ આ યુગલ થોડું પોતાની એ પળોમાં ખોવાઈ ગયું. કોઈની શેહશરમ રાખવાની નહીં. સત્યને વળગી રહેવાનું અને સરળતાથી જિંદગી જીવવાની. દેખાડો નામે ન જોવા મળે એવા આ યુગલત્વની અનેક નિરાળી વાતો એમણે મોકળા મને કહી. 

કોઈની પાસેથી કોઈ દિવસ ઉધાર નહીં લેવાનું, શેરબજાર સામે નજર પણ નહીં નાખવાની, પિયરમાંથી કોઈ દિવસ જમવાનું નહીં લઈ આવવાનું આ અને આવા અનેક નિયમો આ યુગલ સમજે છે અને પાળે પણ છે. પતિની આદતો, સ્વભાવ, લેખન, દલીલ વગેરે પાસાંને નિખાલસ મન સાથે આપણી સમક્ષ મૂકનારા બીનાબેન કહે છે, "હું એમને ઘણીવાર કહું કે, આ તમે આવું વિવાદ થાય એવું કે લોકોને સલાહ આપો છો તમારું વાંચીને કોઈ સુધરી જવાનું છે? એ મને તરત જ કહે કે, કોઈક દિવસ તો અસર થશે એવું હું માનું છું એટલે જ લખું છું. એમનું લખેલું મને ન ગમે એટલે તરત જ કહી દઉં કે તમે આવું ન લખતાં હોંવ તો. એમની સાથે અસંમત હોઉં ત્યારે અમારે દલીલો પણ થાય. પણ એ મને વાત ગળે ઉતરાવવાની કોશિશ કરે. હું બહુ ધાર્મિક વિચારોવાળી એટલે મને એટલું જલદી કંઈ ગળે ન ઉતરે. 

જો કે એક વાત કહીશ કે, મારું કાઉન્સેલિંગ સેન્ટર એટલે રોહિત. મને કંઈ પણ સમસ્યા હોય. ઘરમાં કંઈ થયું હોય, હું મજામાં ન હોઉં, કોઈ વાતે અપસેટ હોઉં એટલે મારું વન પોઇન્ટ સોલ્યુશન, રોહિત. એની સાથે વાત કરું. વ્યક્ત થાઉં. અને પછી રોહિત મને જે થોડી મિનિટ માટે કાઉન્સેલ કરે.... (એ પળમાં ખોવાઈ જઈને) મારી તમામ સમસ્યાઓનું સમાધાન થઈ જાય. ફક્ત પાંચ મિનિટની વાત હોય તો પણ જાણે મારું અસ્તિત્વ એકદમ હળવું થઈ ગયું હોય એવું મને લાગે…. પોતાના વિચારોની સ્પષ્ટતામાં જીવતાં આ યુગલનો સંઘર્ષ અને સહજીવન એક દ્રષ્ટાંતથી કંઈ કમ નથી.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.