વિનોદનું સર્જન નલિનીની નજરે

05 Jan, 2017
12:00 AM

જ્યોતિ ઉનડકટ

PC: khabarchhe.com

વિનોદની નજરે, વ્યંગ રંગ, પહેલું સુખ તે મૂગી નાર, પહેલું સુખ તે માંદા પડ્યા, એવાં રે અમે એવાં’… આ અને આવા અનેક પુસ્તકો જેમના નામે બોલાય છે એ વિનોદ ભટ્ટના પત્ની નલિનીબહેનની નજરે વિનોદ ભટ્ટની સર્જન પ્રક્રિયાની વાત માંડવી છે આજે.

જિંદગીના સાત દાયકા પસાર કરી ચૂકેલાં નલિનીબહેનને આજે કાને ઓછું સંભળાય છે. પણ એમની મુલાકાત દરમિયાન દિલનો અવાજ એકદમ સ્પષ્ટ તરી આવતો હતો. દોઢ-બે કલાકના સંવાદોમાં એવું એક નહીં, અનેકવાર બન્યું કે, જે વાક્ય વિનોદ ભટ્ટ બહાર બેસીને બોલ્યા હોય કંઈક એવી જ વાત નલિનીબહેને કરી હોય! 14મી જાન્યુઆરીએ જેઓ જિંદગીના આઠ દાયકા પૂરા કરશે એવા વિનોદ ભટ્ટની એમના પત્ની નલિનીબહેન સાથે કેમેસ્ટ્રી જોઈને દિલ આફરીન પોકારી ઉઠે.

એમએ, એમએડ અને હિસ્ટ્રી ભણેલાં નલિની ભટ્ટ એમના જીવનસાથીની શબ્દોની સફરમાં હરહંમેશ સાથે રહ્યાં છે. અત્યાર સુધીની કલમયાત્રામાં એક પણ લેખ એવો નથી કે જે નલિનીબહેને વાંચ્યો ન હોય! હા, વિનોદ ભટ્ટને લખતી વખતે સાનુકૂળ વાતાવરણ સર્જી આપવાનું તેઓ આપોઆપ કરી દે છે. આ ઉપરાંત કેટલાક વણલખેલા નિયમો પણ તેઓ બખૂબી જાળવે છે.

વિનોદભાઈને આજે પણ રોજ લગભગ બસોથી ત્રણસો પાનાંનું વાચન કરવા જોઈએ જ. નલિનીબહેન કહે છે, જે દિવસે વાચનમાં ખલેલ પહોંચી હોય એ દિવસે એમનો ચહેરો ચાડી ખાય જાય કે, આજે કંઈક અનઈઝી લાગે છે. દરેક લેખ માટેની વિચાર પ્રક્રિયા તો લગભગ રોજ અને સતત ચાલતી રહે. પોતાના કાગળમાં એ ટપકાવતા રહે. એ કાગળ કોઈએ ભૂલેચૂકેય અડવાનો નહીં. સવારમાં ત્રણ કપ ચાના તૈયાર કરીને અમે ફળિયામાં વાચવાનું લઈને બેસી જઈએ. લેખ લખવાનો હોય એ દિવસે એ કોડલેસ ફોન લઈને એમનાં ટેબલ-ખુરશીને વળગીને શબ્દોને આકાર આપવા માંડે. કોઈ વખત લેખ એક બેઠકે લખાઈ જાય તો કોઈ વખત બે-ત્રણ બેઠક પણ થાય. એક અઠવાડિયે પણ એક લેખ લખાઈ જાય. તો કોઈ વખત લખવા બેસે પણ લખી જ ન શકે.

વાત આગળ વધે એ પહેલાં વિનોદભાઈ નલિનીબહેનની મંજૂરી લઈને ટમકું મૂકે છે કે, જે દિવસે ન લખાયું હોય એ દિવસે મને નલિની હૈયાધારણા આપે, કે કશો વાંધો નહીં કાલે તો લખાઈ જ જશે. એનાં શબ્દો મારા માટે બહુ મહત્ત્વના બની રહે છે.

આખો લેખ વાંચો કે એક એક પાનું લખાતું જાય અને વાંચો? એના જવાબમાં નલિનીબહેન કહે છે, આખો લેખ જ વાંચું. અક્ષરો કોઈ વખત ન ઉકલે તો સામે સવાલ કરું કે, આ શું લખ્યું છે? આખો લેખ વાંચીને લેખમાં લખાયેલા શબ્દો વિશે થોડીવાર વિચાર કરું. કેટલીકવાર એમના  જ લેખોની સરખામણી કરું કે, અગાઉના ફલાણાં લેખ કરતાં આ લેખ થોડો ઉતરતો છે. કોઈ વખત સૂચનો પણ કરું.

કોઈ એવો કિસ્સો કહો કે, વિનોદભાઈ લખવા બેઠાં હોય અને એમને ડિસ્ટર્બ ન કરવાનું ફરમાન હોય ને કંઈ બન્યું હોય. સવાલ પૂરો થયો કે, નલિનીબહેને કહ્યું, હા એક કિસ્સો છે. મારી બહેનના પતિ બહુ નાની ઉંમરે અવસાન પામ્યા. ટેલિફોન પર સમાચાર આવી ગયા હતા. પણ એ લખવા બેઠા હતા અને મારાં ડિસ્ટર્બ હોવાને મારે ઘણી વાર સુધી એ સમાચાર રોકી રાખવાડ્યાતા. એ એક એક પળ મારા માટે બહુ અઘરી હતી. એ લેખ અધૂરો હતો અને એમણે બ્રેક લીધો. ત્યારે મેં સમાચાર આપ્યાં.

વિનોદભાઈ નલિનીબહેનની સંમતિ સાથે ફરી વચ્ચે આવે છે અને કહે છે, એ દિવસે મારે લેખ પૂરો કરીને અખબારની ઓફિસે પહોંચાડવાનો હતો. અંતિમવિધી પૂરી કરીને એક ડેડલાઈનમાંથી બીજી ડેડલાઈન પર જવાનું હતું. લખતી વખતે હંમેશાં એવું થાય છે કે, અંદરથી કંઈક જોશ આવે છે. અને લખાઈ જાય છે. મૂડ- પ્રેરણા જેવું કંઈ નથી હોતું. પ્રેરણા છાપાની દાસી છે. જો એના આવવાની રાહ જોઈએને તો કંઈ ન લખાય. લખવા માટે કાગળ-પેન અને વિચારોમાં કંઈક સૂઝવું જ જરૂરી છે.

લખવા વિશેની વાત કરતા વિનોદ ભટ્ટ પોતાના અસલી મિજાજમાં આવી ગયાં. એ કહે છે, અક્ષરોની ફરિયાદ નલિની કરે છેને! પણ હવે તો મારા અક્ષરો સારા થાય છે. હવે હું અવળા હાથે લખું છું!

વાત એમ બની કે, 2008ની સાલમાં અમે બંને અમેરિકાની ટૂર પર ગયા. અરે! એની સાથે તો એક બહુ મજાનો કિસ્સો પણ જોડાયેલો છે. અમેરિકા જવાનો બધો સામાન બાંધી રાખ્યો પણ, અમેરિકાની ધરતી પર પહોંચ્યા ત્યારે ખબર પડી કે, પ્રવચન માટે જે નોંધ ટપકાવેલી એ તો અમદાવાદના ઘરે જ રહી ગઈ. આ યાદ આવ્યું કે અમેરિકાની કડકડતી ઠંડીમાં કપાળે પરસેવાના બુંદ બાઝી ગયા. અને પછી તો માઈક હાથમાં ન આવ્યું ત્યાં સુધી હાથ ધ્રૂજતા હતાં. એવો વિચાર આવતો હતો કે, બોલી શકાશે કે નહીં? પણ સરસ બોલી શકાયું. ઘણાં લોકો કમેન્ટ પણ કરે છે કે, તમે સારું લખતાં જ નથી સારું બોલો પણ છો. તો વળી કોઈક એવી સલાહ આપી જાય કે, ફક્ત બોલોને યાર!’

આ વાતમાં વચ્ચે એમના ઘરે 7 ધર્મયુગ કોલોનીમાં પેસ્ટ કંટ્રોલ કરવાવાળા અવલોકનકારને એટેન્ડ કરીને વિનોદભાઈ ફરી વાતમાં જોડાયા. હા, તો અમેરિકાનો એ કિસ્સો તમને કહું. ડાબા હાથે કેમ લખું છું તેની વાતને આગળ વધારતાં તેઓ કહે છે, અમેરિકામાં હું બીમાર પડ્યો. જમણો હાથ કેમેય કામ ન કરે. લખવાનું બંધ થઈ જાય એ તો પોસાય એમ ન હતું. નલિની મારી મદદે આવી. હું બોલું અને એ લખે. આવું અમે થોડાં મહિનાઓ ચલાવ્યું. પણ લેખ જોઈને ન મને મજા આવે કે ન નલિનીને પસંદ પડે. આથી મેં ડાબા હાથે લખવાનું શરુ કર્યું. જમણા હાથે અક્ષરો પડતાં હતાં તેના કરતાં ડાબા હાથે સારા અક્ષરો લખાવા માંડ્યા. એકાદ વર્ષમાં હું ડાબા હાથે લખતો થઈ ગયો. હજુ પણ લખવાની બાબતે જમણો હાથ કામમાં નથી લાગતો. સાથોસાથ પોતાના સ્વભાવની લાક્ષણિકતા સાથે તેમણે મમરો મૂક્યો કે, ગાંધીજી પણ બંને હાથે લખી શકતાં. અને બંને હાથે ખરાબ જ અક્ષરો કાઢી શકતાં! જ્યારે હું તો ડાબા હાથ વધુ સુંદર અને ઉકલી શકે એવા અક્ષરો કાઢું છું.

કૈલાસ બહેન તમારો લેખ ક્યારે વાંચતા? વિનોદ ભટ્ટના પહેલાં પત્નીનું નામ કૈલાસ બહેન હતું. બહુ જ યુનિક અને પ્રણયના આ ત્રિકોણનો કિસ્સો એવો છે કે, આ લેખક તેમના બંને બત્ની સાથે એક જ ઘરમાં વસીને અને સદૈવ હસીને જીવ્યાં છે. આ ત્રિકોણના ત્રણેય ખૂણા એકમેકથી જરાપણ અલગ નથી. ત્રણેયને તમે એક જ ગણી શકો એટલી સહજ જિંદગી આ યુગલ જીવ્યું છે.

આ સવાલનો જવાબ આપતાં પહેલાં સહેજ અટકીને વિનોદ ભટ્ટ કહે છે, એ સાક્ષાત દેવી હતી. મારું નામ અને મારો લેખ છપાયને તો એને સૌથી વધુ આનંદ થતો. નલિની લેખ છપાયા પહેલા વાંચે અને કૈલાસ છપાયા પછી વાંચે. કોઈવાર વાંચી પણ ન શકે. પણ મારાં લખાણોનું એને ગૌરવ રહ્યું છે સદાયે. જો કે, મારાં પિતા જશવંતલાલને ને મારું લેખનની દુનિયામાં જવું જરાપણ ગમતું નહીં. એમની ઈચ્છા એવી હતી કે, હું એમની સાથે ઓફિસમાં જોડાઈ જાઉં. પણ આ બંદાને ક્યાં બંધાવું હતું. કોઈ બહારથી મારા લેખના વખાણ કરે તો ઘરે આવીને પૂછે, વિનુ ફલાણાભાઈ તારા લેખના વખાણ કરતા હતા તે શું લખ્યું છે? હું પણ ઓછો ન હતો, કહી દેતો જવા દોને... મને પણ યાદ નથી. જો કે મારી મા જયાબેન મારો એકએક લેખ વાંચે અને વખાણ કરતી.

અગાઉ એ ફક્ત સવારે જ લખતાં પણ હવે કોઈ વખત સાડા બારે જમીને દોઢ વાગે વામકુક્ષી કરીને પણ લખવા બેસે. એમને બધું જોઈએ સમયસર. સાડા ત્રણે ચા આપી જ દેવી પડે. એનાથી થોડું પણ મોડું થાય તો એ ચા ન પીવે. દિનચર્યાથી માંડીને લેખન પણ સમયસર પૂરું થાય એવો આગ્રહ રહે ખરો. વિનોદભાઈ કહે છે, આમ તો કોઈપણ સંજોગોમાં લખી શકું છું. એક ટ્રેનમાં નથી લખી શકતો એમ કહીને હસવા માંડે છે.

સૌથી વધુ ક્યો લેખ કે બુક ગમી છે તમને? નલિનીબહેન કહે છે, ચંદ્ર ઉપર બેંકના કર્મચારી’- આ લેખ આજે પણ મને વારંવાર વાંચવો ગમે છે. પુસ્તકો માટે લેખોનું સિલેક્શન અને લેખોની સાચવણી કોના ભાગે? વિનોદભાઈ કહે છે, એ બધું હું કરું.

ઓ કે, તો પછી પુરસ્કાર?

બંને એકબીજાં સામે જોઈને હસી પડે છે. કહે છે, એ બધું નલિનીનું....

વિનોદભાઈ કહે છે, કોઈપણ સર્જક માટે એના પરિવારનો સપોર્ટ બહુ મહત્ત્વનો રહે છે. લખવા તરફ ડિવોશન પણ ત્યારે જ આવી શકે! ક્રિએટીવિટીને ધક્કો વાગે અને લખાઈ જાય. કર્કશા પત્ની હોય કે બાપ ફટકારતો હોય ત્યાં લેખક પાંગરી ન શકે. પરિવારનો સાથ-સહકાર બહુ જ જરૂરી છે. મારા માટે તો  Every human being is food for my writing જેવું છે. દરેક વ્યક્તિ એક જીવતી જાગતી નવલકથા જેવો હોય છે. લખાયેલું દરેક સાહિત્ય સમાજનું દર્પણ છે. સમાજ ન હોય તો કદી કોઈ વ્યક્તિ લેખક બની જ ન શકે.

નલિનીબહેન કહે છે, એમની જિંદગીમાં મિત્રો શિરમોર રહ્યા છે. ગુણવંત શાહ, રતિલાલ બોરીસાગર અને ભાગ્યેશ જ્હા. આ ત્રણેય સાથે વાતો ન કરે તો એમને ચેન ન પડે. આ મિત્રોની એમને ચિંતા પણ બહુ સતાવે.  મિત્રો આવે કે એમનો ફોન આવી જાય તો એ બધું જ ભૂલી જાય. એ જે કંઈ છે એમાં એમના મિત્રોનો ફાળો સવિશેષ છે. મજાની વાત એ છે કે, એ લખતા હોય અને આ મિત્રોનો ફોન આવે તો એ કદીય ન કહે કે, હું લખવા બેઠો છું! પણ તમામ નિયમો અને બંધનો અમારે અચૂક પાળવાના!

જો કે, એ બહુ ડિસીપ્લીન્ડ રાઈટર છે. કદીય ડેડલાઈન નથી ચૂક્યા. કદીય મૂડ નથી કે મજા નથી આવતી એવી ફરિયાદ એમણે નથી કરી.સા સાંભળીને તરત જ બીજો સવાલ મનમાં ઠી આવ્યો કે, વિનોદભાઈ કોઈ દિવસ રાઈટર્સ બ્લોક થયો છે? માથું ધૂણાવીને એમણે ના કહી અને કહ્યું કે,  છ મહિના ન લખું તો પણ વાંધો ન આવે. બ્લોક બહુ જ ઓછી વાર આવ્યાં છે. જો કે, એ બ્લોક વિશે હું અને મારી જાત જ જાણીએ છીએ. ઘરના લોકોને તો તેનો અંદાજ પણ ન આવે.

જિંદગીના સાત દાયકા વટાવી ચૂકેલું આ યુગલ આજે પણ એકબીજાના ભારોભાર વખાણ કરે અને એમની બોડી લેંગ્વેજમાં એમનો સ્નેહ-આદર  તરી પણ આવે. નિખાલસતા, નિર્દોષતા અને કરચલીવાળા ચહેરાં પર તરોતાજા સ્માઈલ કંઈક અલગ મિજાજ દર્શાવે છે. 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.