આહીરની ઉદારતા

22 Aug, 2017
12:02 AM

ઝવેરચંદ મેઘાણી

PC: khabarchhe.com

"આમ તો જુવો, આયર!"

"કાં? શું છે?"

"આ જોડી તો જુવો! આ આપનો વીકમસી ને વહુ સોનબાઈ. અરે, એની એકબીજાની માયા તો નરખો! મૂવું, મને તો આંસુડાં આવી જાય છે."

"આયરાણી! અતિ હરખઘેલી કાં થઈ જા અટાણથી?"

"મને આપણું બાળપણ સાંભર્યું, આયર!"

ભાદરને કાંઠે નાનું ગામડું છે. માગશર મહિનાની શિયાળુ સવારની મીઠી તડકીમાં ડોસો ને ડોસી બેઠાં છે. ફળિયામાં બે છોકરાં એક વાછરડીની કૂણી ડોક પંપાળે છે. બેઉ જણ ઝાઝું બોલતા નથી, પણ બેઉની આંખો સામસામી હસી રહી છે. બુઢ્ઢા ધણી-ધણિયાણી આ બાળકોને જોઈ જોઈ હરખથી ગળગળાં થાય છે.

ડોસાનું નામ વજસી ડોસો, ને ડોસીનું નામ રાજીબાઈ. જાતનાં આહિર છે. ભાદરકાંઠે ખેડનો ધંધો કરે છે. પૈસેટકે ને વહેવારે સુખિયાં છે. આધેડ અવસ્થાએ એને એક દીકરો ને દીકરી અવતરેલ. બીજું કાંઈ સંતાન નહોતું; એટલે બહુ બચરવાળોના અંતમાં કદી ન હોય તેવો આનંદ વજસી અને રજીબાઈ ને થતો હતો.

આજે એ અધૂરું સુખ પૂરું થયું હતું, કેમ કે દીકરા વીકમસીની નાનકડી વહુ સોનબાઈ પોતાને માવતરથી સાસરે વાઢની શેરડી ખાવા આવી હતી. પાંચેક ગાઉ ઉપરના ઢૂકડા ગામડામાં એક આબરુદાર આહિરને ઘેર વીકમસીનું વેવિશાળ કરેલું હતું. 

સારે વારપરબે વજશી ડોસા સોનબાઈને તેડાવતા અને થોડા દિવસો રોકાઈને સોનબાઈ પાછી ચાલી જતી.

વીકમસી દસ વરસનો અને સોનબાઈ આઠ વરસની : કળજુગિયો વા વાયો નથી : ભોળાં વરવહુ આઘેથી એકબીજાને જોઈ લેતાં, સામસામાં મીટ માંડીને ઊભાં રહેતાં, નીરખતાં ધરવ થાતો નહોતો. માયા વધતી જતી હતી. ચાર જમણ રોકાઈને જ્યારે સોનબાઈ માવતર જાતી, ત્યારે વીકમસી એકલો ભાદરકાંઠે ભાગી જઈને છાનોમાનો રોયા કરતો; પાછો બીજા પરબની વાટ જોઈને કામે લાગતો. કામ મીઠું થઈ પડતું.

**

"રૂપી! બોન! તુંને મારે માથે ખરેખરું હેત છે?"

"હા, ખરેખરું!"

"તો માને અને બાપુને એક વાત કહી આવીશ?"

"શું?"

"...કે મારે પરણવું નથી. ઠાલા મારા વીવા કરશો નહિ."

રૂપીબહેન વીકમશીની સામે ટગર ટગર જોઈ રહી, હસી પડી : "લે, જા જા, ઢોંગીલા! એવું તો કહેવાતું હશે? અમથો તો સોનબાઈ જાય છે તયીં આંસુડાં પાડછ!"

"રૂપી! મારી બોન! ભલી થઈને હસ મા, ને મારું એટલું વેણ બાપુને કહી આવ. મારે નથી પરણવું."

"પણ કાંઈ કારણ?"

"કારણ કંઈ નહિ, બસ મારે નથી પરણવું," એટલું કહેતાં કહેતાં વીકમશીના ડોળા ઉપર ઝળઝળિયાં ફરી વળ્યાં. "રોઈ શીદ પડ્યો, વીરા? મારા સમ! બોનના સમ! ખમા તુંને, ભાઈ! તારા મનમાં શું થાય છે, બાપા? બોલ તો ખરો!"

એટલું કહીને રૂપી પોતાની ઓઢણીના પાલવથી ભાઈના આંસુ લૂછવા લાગી. ભાઈનું રોતું રૂપાળું મોઢું બે હાથમાં ઝાલી લીધું. ભાઈના ગાલ ઉપર પોતાનો ગાલ પંપાળીને પૂછવા લાગી : "મને મરતી દેખ, ભાઈ! બોલ શું છે? સોનબાઈ નથી ગમતી? એનું કાંઈ હીણું સાંભળ્યું છે?"

વીકમસીની આંખોમાં આંસુ વધ્યાં. બહેનનું હૈયું પણ કાંઈ સમજ્યા વગર ભરાઈ આવ્યું.

અઢાર વરસની ભરજોબન અવસ્થાએ પહોંચેલા દીકરાના વિવાહ માટે બુઢ્ઢો બાપ તૈયારી કરતો હતો. અને આ પહેલીછેલ્લી વારનો દીકરો પરણાવવા હરખ થકી ગાંડીઘેલી બની ગયેલી ઘરડી માએ તો આખા ખોરડા ફરતા ઓળીપા, ગાર-ગોરમટી, દળવાં-ભરડવાં ને ચાકળા-ચંદરવાની શોભા વગેરે આદરી દીધું હતું. રૂપીબહેન હરતાં ને ફરતાં ભાઈના ગીતો જ ગાયા કરતી. એમાં આ બીના બની. ભાઈનો સંદેશો લઈને બહેન બાપુ પાસે ગઈ, બોલી : "બાપુ! ભાઈ કહે છે નથી પરણવું."

"નથી પરણવું!" ડોસો હસી પડ્યો.

"સાચે જ, બાપુ, હસવા જેવું નથી. ભાઈ રોતો'તો!"

ડોસાએ વીકમશીને બોલાવ્યો. હોકાની ઘૂંટ લેતાં લેતાં પૂછ્યું : "પણ કારણ શું છે?" વીકમસીની પાંપણ ધરતી ખોતરતી હતી; એનાથી કાંઈ જવાબ દેવાયો નહિ. "તુંને ઠેકાણું ન ગમતું હોય તો બીજે વેશવાળ કરીએ."

"ના, બાપુ, ઈ કારણ નથી."

"ત્યારે શું કારણ છે? હવે તો હું માંડ માંડ એકાદ પછેડી ફાડીશ; અને તારી મા પણ ખર્યું પાન ગણાય. અમને અવતાર ધરીને આ પહેલોછેલ્લો એક લા'વો તો લેવા દે, બાપ! અમારાં મોત સુધરશે."

બાપનું દયામણું મોં દેખીને વીકમસી ઘડીભર પોતાનું દુ:ખ વીસર્યો. ચૂપ રહીને ચાલ્યો ગયો. બાપે માન્યું કે દીકરો માની ગયો. કોઈને બીજો કશોય વહેમ ન ગયો. કોઈને સાચી વાતનું ઓસાણ પણ ન ચડ્યું.

લગન થઈ ગયાં. સોળ વરસની સોનબાઈ સાસરે આવી. અંતર ફાટ ફાટ થતું હતું.

**

આજે મેળાપની પહેલી રાત હતી. મીઠી ટાઢ, મીઠી સગડી અને મીઠામાં મીઠી પ્રીતડી; એવી મહા મહિનાની ગળતી રાત હતી. ચોખ્ખા આભમાં ચાંદો ને ચાંદરડાં નીતરતાં હતાં. 

એવી મહા મહિનાની રાતને પહોરે બાપુના પગ દાબીને વીકમસી ઓરડે આવ્યો. પોતે જાણે ચોરી કરી હોય એમ લપાતો લપાતો આવ્યો. ઊભો થઈ રહ્યો. આશાભરી સોનબાઈએ ધણીનાં મોં પર લગનની પહેલી રાતનાં તેજ દીઠાં નહિ. નાનપણના ઊમળકા જાણે ક્યાં ઊડી ગયા છે! પૂછ્યું : "કાં આયર! શું થઈ ગયું?"

વીકમસી ગળગળો થઈ ગયો; થોડી વાર તો વાચા જ ઊઘડી નહિ, હોઠે આવીને વેણ પાછાં કોઠામાં ઊતરી ગયાં. સોનબાઈ ઢૂકડી આવી. કાંડું ઝાલ્યું.

"તું મને અડીશ મા! આયરાણી! હું નકમો છું." "કાં?"

"હું પુરુષાતણમાં નથી. માબાપને મેં ઘણી ના પાડી'તી, પણ કોઈએ મારું કહ્યું માન્યું નહિ. કોઈ મારા પેટની વાત સમજ્યું નહિ."

"તે પણ શું છે?"

"બીજું તો શું કરું? આણું આવે ત્યાં સુધી તો તારે રોકાવું જ પડશે! પછી માવતર જઈને બીજો વિવાહ ગોતી લેજે. મેં તને બહુ દખી કરી. ભાગ્યમાં માંડ્યું મિથ્યા ન થયું."

"અરે આયર! આમ શીદ બોલો છો? એથી શું થઈ ગયું? કાંઈ નહિ. આપણે બે જણાં ભેળાં રહીને હરિભજન કરશું." 

સાંભળીને વીકમસીનો ચહેરો ચમક્યો. વળી ઝાંખો પડીને બોલ્યો : "ના, ના, તારું જીવતર નહિ બગાડું."

"મારું જીવતર બગડશે નહિ, સુધરશે. તમ ભેળી સુખમાં રહીશ. બીજી વાતું મેલી દ્યો."

ખોળામાં માથું લઈને મોવાળાં પંપાળતાં પંપાળતાં સ્ત્રીએ પુરુષને સુવાડી દીધો. વિકાર સંકોડીને પોતે પણ નીંદરમાં ઢળી. કોડિયાના દીવાની જ્યોત બેય જણાંનાં નિર્દોષ મોઢાં ઉપર આખી રાત રમતી હતી.

એવી એવી નવ રાતો વીતી ગઈ. દસમે દિવસ માવતરને ઘેરેથી સોનબાઈનો ભાઈ ગાડું જોડીને બહેનને તેડવા આવ્યો અને એ દસમી રાતે વીકમસીએ સોનબાઈને રજા દીધી : "તું સુખેથી જા. હું રાજીખુશીથી રજા દઉં છું. હઠ કર મા. ઊગ્યો એને આથમતાં વાર લાગશે."

"આયર! ધક્કો દઈને શીદને કાઢો છો? મારે નથી જાવું. તમારી જોડે જ રહેવું છે. મારે બીજું-ત્રીજું કાંઈ નથી કરવું." ધણીના પગ ઝાલીને સોનબાઈ ચોધાર રોઈ પડી. એમ ને એમ આંખ મળી ગઈ.

સવારે ઊઠીને ગાડા સાથે પિયરના કુટુંબની જે કોઈ છોડી આવેલી તેની મારફત પોતાના ભાઈને કહેવરાવ્યું કે "મને તેડી જાશો તો મારું સારું નહિ થાય. મારે લાખ વાતે પણ આવવું નથી. તમે વેળાસર પાછા ચાલ્યા જાવ."

ભાઈને કારણ સમજાણું નહિ, પણ એને લાગ્યું કે આગ્રહ કરીને બહેનને તેડી જવાથી ઘરમાં કાંઈક ક્લેશ થવાનો હશે, એટલે એણે વેવાઈને કહ્યું : "વજસી પટેલ! મારથી ભૂલમાં તેડવા અવાઈ ગયું છે, પણ આ તો કમુરતા ચાલે છે એ વાતનું મને ઓસાણ નહોતું. હવે ફરી વાર તેડવા આવીશ." 

એટલું કહીને ભાઈએ ગાડું પાછું વાળ્યું.

વજસી ને રાજીબાઈ, ડોસા-ડોસી બેય હવે જગ જીત્યાં હોય એવા સુખના દિવસો વિતાવે છે. સામી ઓસરીએ બેઠાં બેઠાં બેય ડોસલાં પોતાની ડાહીડમરી દીકરા-વહુના ડિલનો વળાંક જોયા કરે છે; પરોઢિયે વહુની ઘંટી ફરે છે; સૂરજ ઊગ્યે વહુ વલોણું ઘુમાવે છે; ભેંસો દોવે છે, વાસીંદા વાળી ફળિયું ફૂલ જેવું - છીંક આવે તેવું - ચોખ્ખું બનાવે છે. મોતી ભરેલી ઈંઢોણીએ ત્રાંબાળુ હેલ્યનાં બેડાં લઈ આવે છે, ને પાછા દસ જણના રોટલા ટીપી નાખે છે. નાની વહુ વીજળી જેવી ઘરમાં ઝબકારા કરી રહી છે. શું એનું ગરવું મોઢું! સાસુ-સસરાને હેતનાં ઝળઝળિયાં આવી જાય છે. વાતો કરે છે:

"હવે તો. આયરાણી! એક વાત મનમાં રહી છે : આ રૂપીને કોઈ સારું ઠેકાણું મળી જાય."

"એની ફિકર આપણે શી પડી છે, આયર? એને ભાઈ જેવો ભાઈ છે. આફરડો રૂપીને ઠેકાણે પાડશે."

"પોતાના સુખમાં બે'નનું સુખ વીસરી તો નહિ જાય ને?"

"પણ મારી ચતુર વહુ ક્યાં વીસરવા દ્યે એવી છે?"

"આયરાણી! તોયે એક અબલખા રહી જાય છે, હો!"

"શી?"

"આ ખોળો ખાલી છે ઈ નથી ગમતું. કાલું કાલું બોલતું હોય, ખોળા ખૂંદતું હોય. મૂછ્યું ખેંચતું હોય -એવું ભગવાન આપે એટલે બસ. એવા થોડાક દી જોઈ ને જાયેં એટલે સદગતિ."

"આપશે, આયર! મારો વા'લો ઈ યે આપશે. આપણે માથે વા'લાજીની મહેર છે."

સતજુગિયાં વૃદ્ધ ધણી-ધણીયાણી આશાને તાંતણે જીવ ટીંગાડીને જીવતાં હતાં. એને માયલા ભેદની ખબર નહોતી. 

ભાદરકાંઠાની વાડીઓ ગહેકતી હતી. લીલી ઘટામાં પંખી માળા નાખતાં હતાં. આઘે આઘે ઊની લૂ વાતી હતી. અને તરસ્યાં હરણાં ઝાંઝવાંનાં જળને લોભે દોડ્યાં જતાં હતાં.

વીકમસી સાંતી હાંકતો હાંકતો ઊભો રહી જાય છે, સમજ્યા વગર બળદની રાશને ખેંચી રાખે છે, વિચારે ચડે છે : "આ અસ્ત્રીનાં રૂપ-ગુણને મેં રોળી નાખ્યાં. આવા સોજા શીળને માથે મેં કુવાડો માર્યો. આ બધું મેં શું કરી નાખ્યું?....

માણસોને મેં વાતો કરતા સાંભળ્યા છે કે પુરુષાતણ વગરના પુરુષે તો અસ્ત્રીનાં લૂગડાં પહેરી પાવૈયાના મઠમાં બેસવું જોવે. નહિ તો સાત જન્મારા એવા ને એવા આવે. હું ભાગી જાઉં? આ અસ્ત્રી પણ મારા ફાંસલામાંથી છૂટીને સુખી થશે, પણ મારાં ઓશિયાળાં માબાપનું ને મારી પંખણી બોનનું શું થાશે?" 

નિસાસો મૂકીને વીકમસી વળી પાછો સાંતીડે વળગતો પણ એને જંપ નહોતો.

ચારપાંચ મહિના આમ ચાલ્યું. તેવામાં વજસી ડોસો ગુજરી ગયો. રાજી ડોસી પણ એની પછવાડે ગયાં. હવે વીકમસીનો મારગ મોકળો થયો.

રાતે જ એણે વાત ઉચ્ચારી : "તને ઘણા મહિના થઈ ગયા. માવતર ગઈ નથી. તે દી' તારો ભાઈ બાપડો કોચવાઈને પાછો ગયેલો; તારાં માવતર પણ કોચવાતાં હશે. માટે રાજીખુશીથી એક આંટો જઈ આવ ને!"

"હં, તમે મને ફોસલાવો છો. મારે નથી જાવું."

"ના ના, તું વહેમા નહિ. લે, હુંય ભેળો આવું."

"હા, તો જઈ આવીએ."

ગાડું જોડીને બેય જણાં ચાલ્યાં. સોનબાઈનાં માવતરને આજ સોનાનો સૂરજ ઊગ્યા જેવું થયું. પનિયારીઓનાં ને ચોરે બેઠેલાં માણસોનાં મોંમાં પણ એક જ વાત હતી કે "કાંઈ જોડલી જામી છે! કાંઈ દીનોનાથ ત્રૂઠ્યો છે?"

વીકમસીએ પોતાના સસરાને એકાંતે લઈ જઈને ફોડ પાડ્યો : "મારે નગર જઈને પાવૈયાના મઠમાં બેસવું છે. હું રાજીખુશીથી છોડું છું. મેં મહાપાપ કર્યું છે. હવે સારું ઠેકાણું ગોતીને ઝટ આપી દેજો."

વાત સાંભળીને સોનબાઈનો બાપ સમસમી રહ્યો. એને પણ સલાહ દીધી કે : "સાચું, ભાઈ, નગર જઈને કરમ ધોવો. તે વિના ભૂંડા અવતારનો આરો નથી."

બાપ બિચારો સોનબાઈના મનની વાત નહોતો જાણતો. એણે માન્યું કે દીકરીના દુ:ખનો પણ ઉપાય થઈ શકશે. એણેય વાત પેટમાં રાખી લીધી.

બીજે દિવસે વાળુ કરીને સહુ સૂઈ ગયાં. પરોણા તરીકે વીકમસીની પથારી તો ફળીમાં જ હતી. ચોમાસાની રાત હતી. મે' વરસતો હતો. કોઈ સંચળ સાંભળીને જાગે તેવું નહોતું. એવે ટાણે ગાડું જોડીને વીકમસી છાનોમાનો નીકળી ગયો. ચોમાસાની રાતનાં તમરાં રસ્તાની બેય દૃશ્યે રોતાં હતાં. નદીનેરાં ખળખળીને દોડતાં જાણે કાંઈક ખોવાણું હોય એની ગોતણ કરતાં હતાં.

પ્રભાતે જમાઈની ગોતણ ચાલી ત્યારે સોનબાઈના બાપે સહુને બધી વાતનો ફોડ પાડ્યો. સાંભળીને ઘરનાં સહુ નાનાંમોટાંએ શ્વાસ હેઠા મેલ્યા. માએ માન્યું કે "મારી પદમણી જેવી દીકરી જીવતા રંડાપામાંથી ઊગરી ગઈ."

આખા ઘરમાં એક સોનબાઈનું જ કાળજું ઘવાણું. મનમાં બહુ પસ્તાવો ઊપડ્યો : "આંહીં હું શીદ આવી? અરે, મને ભોળવીને ભુલવાડી ગયો? મને છાની રીતે છેતરી? મારો શો અપરાધ હતો?" 

છાની છાની નદીકાંઠે ગઈ; છીપર ઉપર બેસીને ખૂબ રોઈ લીધું. હવે ક્યાં જઈને એને ઝાલું! ઘણા વિચાર કર્યા, પણ લાજની મારી એની જીભ માવતર આગળ ઊપડી નહિ.

થોડા દિવસે ખબર આવ્યા કે વીકમસી તો પોતાની ઘરસંપત કાકાને સોંપી, રૂપીને સારે ઠેકાણે પરણાવવાની અને સંપત એના કરિયાવરમાં આપવાની ભલામણ દઈ, બહેનને ખબર કર્યા વગર, ઘોડીએ ચડીને નગરના મઠમાં પાવૈયો થવા ચાલ્યો ગયો છે.

સોનબાઈની રહીસહી આશા પણ કરમાઈ ગઈ. રોઈ રોઈને એ છાની થઈ ગઈ, પણ એને સંસાર સમુદ્ર સમો ખારો થઈ પડ્યો. એની આંખ સામેથી એક ઘડી પણ આયરનું મોં અળગું થાતું નથી.

થોડે દિવસ ત્યાંથી દસ ગાઉ દૂરના એક ગામડાના ઘરભંગ થયેલા એક લખમસી નામના આબરૂદાર આહીરનું માગું આવ્યું. બાપે દીકરીના દુ:ખનો અંત આવ્યો સમજી માગું આવ્યું. બાપે દીકરીના દુ:ખનો અંત આવ્યો સમજી માગું કબૂલ કર્યું. માએ દીકરીને પહેરાવી-ઓઢાડી સાબદે કરી. મીઠડાં લઈને મા બોલી કે, "બાપ! મારા ફૂલ! હરિની મોટી મે'ર, તે તારો ભવ બગડતો રહી ગયો."

સોનબાઈનું અંતર વીંધાઈ જતું હતું, પણ એની છાતી ઉપર જાણે એવો ભાર પડી ગયો કે પોતે કાંઈ બોલી જ ન શકી. 

નવા ધણીની સાથે નવે ઘેર ચાલી.

**

શિયાળાના દિવસો છે : આભમાંથી કુંજડાંએ નીચે ઊતરીને જાણે પાતળી જીભે સંદેશો દીધો કે મે' ગયો છે, લહાણી પડી ગઈ છે, ગામડાં ખાલી થઈને સીમો વસી ગઈ છે, ધાનનાં ડૂંડાં વઢાઈ રહ્યાં છે. નીચાં નમીને મોલ વાઢતાં દાડિયાં વચ્ચે વચ્ચે પોરો ખાવા ઊભાં થાય છે અને દાતરડી ગળે વળગાડી દઈને મીઠી ચલમો પીએ છે. છોડીઓ એકબીજીને હસતી ગાય છે :

ઓલ્યા પાંદડાને ઉડાડી મેલો

હો પાંદડું પરદેશી!

ઓલી મોતડીને ઉડાડી મેલો

હો પાંદડું પરદેશી!

એનો સાસરો આણે આવ્યા

હો પાંદડું પરદેશી!

મારા સસરા ભેળી નૈં જાઉં

હો પાંદડું પરદેશી!

એનો પરણ્યો આણે આવ્યા

હો પાંદડું પરદેશી!

મારા પરણ્યા ભેળી ઝટ જાઉં

હો પાંદડું પરદેશી!

પંખી ઊડે છે. ટોયા હોકારે છે. ચોમાસામાં ધરાયેલી ટાઢી પોચી ભોં કઠણ બની જાય તે પહેલાં ખેડી નાખવા માટે ડાહ્યા ખેડૂતોએ સાંતીડાં જોડી દીધાં છે.

લખમસીએ પણ ખળામાં ડૂંડાં નાખી પોતાના ખેતરમાં હળ જોડ્યું છે. આધેડ ઉંમરનો લોંઠકો આદમી સાંતીડે રૂડો લાગે છે. એના ખેતરની પાસે થઈને જ એક ગાડા-મારગ જતો હતો. તે મારગે ગામમાંથી એક ભતવારી ચાલી આવે છે. એ ભતવારી સોનબાઈ છે. બપોરટાણે, સાંતી છૂટવાને સમયે, સોનબાઈ નવા ધણીને ખેતરે ભાત લઈ જાય છે. ધીરાં ધીરાં ડગલાં ભરે છે.

સામેથી પાવૈયાનું એક ટોળું તાળોટા વગાડતું ચાલ્યું આવે છે. એને દેખતાં જ સોનબાઈને વીતેલી વાત સાંભરી આવી. તરીને પોતે ટોળું વટાવી ગઈ. ત્યાં તો દીઠું કે ટોળાંની પાછળ આઘેરાક એક જુવાન ઘોડીએ ચડીને ધીમો ધીમો ચાલ્યો આવે છે. ધણીના ખેતરને શેઢે છીંડી પાસે સોનબાઈ ઊભી રહી. અસવાર નજીક આવતાં જ ઓળખણો.

એ વીકમસી હતો. પાવૈયાના મઠમાં બેસવા ગયેલો. સ્ત્રીનાં લૂગડાં પહેરવાની માગણી કરેલી, પણ મઠના નિયમ મુજબ છ મહિના સુધી તો પુરુષવેશે જ સાથે રહીને પોતાના પુરુષાતનની ખોટની ખાતરી કરાવવાની હતી. હજુ છ મહિના નહોતા વીત્યા. વીકમસી પાવૈયાના ટોળા સાથે માગણી માગવા નીકળ્યો છે. જોગ માંડ્યા હશે તે આ ગામે જ એને આવવું થયું છે.

બેય જણાં સામસામાં ઓળખ્યાં. વીકમસીએ પણ ઘોડી રોકી. બેય નીચી નજરે ઊભાં રહ્યાં. સોનબાઈની આંખોમાંથી આંસુ ચાલવા લાગ્યાં. અંતે એના હોઠ ઊઘડ્યા: "આમ કરવું'તું?"

"તું સુખી છો?" વીકમસીથી વધુ કાંઈ ન બોલાયું. "હું તો સુખી જ હતી. છતાં શું કામે મને રઝળાવી?"

"ત્યારે શું તારો ભવ બગાડું?"

"બગાડવામાં હવે શી બાકી રહી, આયર?"

આંસુભરી આંખે બેય જણાં ઊભાં છે. ખેતરને શેઢે લખમસી સાંતી હાંકતો હતો તે સાંતી ઊભું રાખીને આ બધું જોઈ રહ્યો છે. પોતાની સ્ત્રીને અજાણ્યા જણ સાથે ઊભેલી ભાળીને એની આંખો વહેમાતી હતી.

વીકમસીએ પૂછ્યું : "ભાત જા છો? તારું ખેતર ક્યાં છે?"

"આ જ મારું ખેતર."

"સાંતી હાંકે છે એ જ તારો ધણી?"

"હા, હવે તો એમ જ ને!"

"જો, તારો ધણી આંઈ જોઈ રહ્યો છે. ખિજાશે. તું હવે જા."

"જાઈશ તો ખરી જ ને! કહેવું તે ભલે કહે. પણ આયર...! આયર! તમે બહુ બગાડ્યું! સુખે સાથે રહી પ્રભુભજન કરત! પણ તમે મારો માળો વીંખ્યો. શું કહું?"

ચોધાર આંસુ ચાલી નીકળ્યાં છે. વેણે વેણે ગળું રૂંધાય છે. વીકમસીએ જવાબ વાળ્યો : "હવે થવાનું થઈ ગયું. વીસરવું."

"હા, સાચું વીસરવું! બીજું શું?"

આઘે આઘે પાવૈયાનું પેડું ઊભું રહીને વીકમસીની વાટ જુએ છે. ખેતરને શેઢેથી લખમસી જુએ છે.

"લે હવે, રામ રામ!"

સોનબાઈ અકળાઈ ગઈ. ઘોડીની લગામ ઝાલી લીધી. ઓશિયાળી બનીને બોલી : "મારું એક વેણ રાખો, એક ટંક મારા હાથનું જમીને જાવ. એટલેથી મને શાંતિ વળશે, વધુ નહિ રોકું."

"ગાંડી થઈ ગઈ? તારે ઘેર જમવા આવું, એ તારા વરને પોસાય? ને વળી આ પાવૈયા પણ ન રોકાય તો મારે હારે નીકળવું જ પડે. માટે મેલી દે."

"ના ના, ગમે તેમ થાય, મારું આટલું વેણ તો રાખો. ફરી મારે ક્યાં કહેવા આવવું છે?"

"ઠીક, પણ તારો ધણી કહેશે તો જ મારાથી રોકાવાશે."

એટલું કહીને એને ઘોડી હાંકી. નિસાસો નાખીને સોનબાઈ ખેતરમાં ચાલી. લખમસી સાંતી છોડીને રોટલા ખાવા બેઠો. કોચવાઈને એણે પૂછ્યું : "કોની સાથે વાત કરતી'તી? કેમ રોઈ છો?"

છ મહિનાથી રૂંધી રાખેલું અંતર આજ સોનબાઈએ ઉઘાડી નાખ્યું. કાંઈ બીક ન રાખી. વીકમસી પોતાનો આગલો ઘરવાળો છે, પોતાનું હેત હજુય એના ઉપર એવું ને એવું છે, પોતાને એનાથી જુદું પડવું જ નહોતું, પોતાને સૂતી મેલીને છાનોમાનો ચાલ્યો ગયો હતો; ઓચિંતો આજ આંહીં મળી ગયો; અને પોતે એને આજનો દિવસ પોતાને ઘેર રોકાવાના કાલાવાલા કરતી હતી; છ મહિનાથી પોતે નવા ધણી સાથે શરીરનો સંબંધ ન રાખવાનાં વ્રત લીધેલાં તે પણ એ જૂની માયાનાં માન સારુ જ છે. એ બધું જ બોલી નાખ્યું. બોલતી ગઈ તે વેણેવેણ એની મુખમુદ્રા પર આલેખાતું ગયું.

લખમસી આ સ્ત્રીની સામે તાકી રહ્યો, ઊંડા વિચારમાં પડી ગયો. સાંતી જોડવાનું બંધ રાખીને લખમસી સોનબાઈ સાથે ગામમાં આવ્યો. સામે ચોરામાં જ પાવૈયાનું ટોળું બપોરા કરવા ઊતરેલું હતું. વીકમસી પણ ત્યાં બેઠો હતો. એણે આ બેય જણાંને આવતાં જોયાં. એના મનમાં ફાળ પડી કે હમણાં લખમસી આવીને કજિયો આદરશે. ત્યાં તો ઊલટું જ લખમસીએ સુંવાળે અવાજે કહ્યું : "ફળીએ આવશો?"

વીકમસીને વહેમ પડ્યો. ઘેર લઈ જઈને ફજેત કરશે તો? પણ ના ન પડાઈ. એક વાર સોનબાઈને મલવાનું મન થયું. મુખીની રજા લઈને ભેળો ચાલ્યો. ઘોડીને લખમસીએ દોરી લીધી.

બીક હતી ને ટળી ગઈ. લખમસીનાં આદરમાન બીજે ક્યાંય નહોતાં દીઠાં. કોડે કોડે રાંધેલું મીંઠું ધાન લખમસીએ પરોણાને તાણખેંચ કરીને ખવરાવ્યું; ઢોલિયા ને ધડકી ઢાળીને મહેમાનને બપોરની નીંદર કરાવી; અને ધીરે ધીરે વીકમસીના મનની રજેરજ વાત એને જાણી લીધી. વાતોમાં સાંજ નમી ગઈ.

લખમસીમાં ખેડૂતનું હૈયું હતું. ઝાડવા ઉપર પંખીની અને વગડામાં હરણાંની હેતપ્રીત એણે દીઠી હતી. અને આંહીં એણે આ બે જણાંને ઝૂરી મરતાં જોયાં. એ ભીતરમાં ભીંજાય ગયો; પોતે સોનબાઈ વેરે પરણ્યો છે એ વાત જ ભૂલી ગયો. એનાથી આ વેદના દેખી જાતી નહોતી.

દિવસ આથમ્યો એટલે પોતે ઊઠ્યો, ફળીમાં માતાની દેરી હતી તે ઉઘાડીને ધૂપ કર્યો. માતાજીની માળા ફેરવવા બેઠો. પોતે માતાનો ભગત હતો. ભૂવો પણ હતો. રોજ રોજ સંધ્યાટાણે માતાને ઓરડે આવીને પોતે જાપ કરતો.

આજ માળા ફેરવીને એણે માતાજીની સ્તુતિ ઉપાડી. શબ્દ ગાજવા લાગ્યા તેમ તેમ એના શરીરમાં આવેશ આવવા મંડ્યો. ધૂપના ગોટેગોટ ધુમાડા ઊઠ્યા. લખમસીની હાક ગાજી ઊઠી. દેવી એના સરમાં આવ્યાં હતાં.

સોનબાઈ ઘરમાં રાંધે છે, ત્યાં એને હાક સાંભળી. સાંભળતાં જ એ બહાર દોડી આવી. આયરને ખરા આવેશમાં દીઠો. પોતાને ઓસાણ આવી ગયું. વીકમસીને ઢંઢોળીને કહ્યું : "દોડ આયર, દોડ! ઝટ પગમાં પડી જા!"

કાંઈ કારણ સમજ્યા વગર વીકમસી દોડ્યો. પગમાં માંથું નાખી દીધું. ધૂણતાં ધૂણતાં લખમસીએ પોતાના બેય હાથ એને માથે મૂકીને આશિષ આપી કે, "ખમ્મા! ખમ્મા તુંને બાપ!"

માથે હાથ અ...ડતાં તો કોણ જાણે શાથી વીકમસીના દેહમાં ઝણઝણાટ થઈ ગયો, ખાલી ખોળિયામાં દૈવતનો ધોધ વછૂટ્યો. 

લખમસીને શાંતિ વળી એટલે બેય જણા બહાર નીકળ્યા. લખમસીએ પૂછ્યું: "કાં ભાઈ! શું લાગ્યું? શું થાય છે?" તેજભર્યો વીકમસી શું બોલી શકે? રૂંવાડી ઊભી થઈ ગઈ હતી. અંગેઅંગમાં પ્રાણ પ્રગટી નીકળ્યા હતા. ચહેરા ઉપર શાંતિ છવાઈ ગઈ. માત્ર એટલું બોલાયું કે, "ભાઈ! મારા જીવનદાતા! માતાજીની મહેર થઈ ગઈ. મારો નવો અવતાર થયો!"

"બસ ત્યારે, મારોય મનખો સુધર્યો, હું તરી ગયો." એમ કહીને એણે સાદ કર્યો, "સોનબાઈ! બહાર આવ." સોનબાઈ આવીને ઊભી રહી. બધુંય સમજી ગઈ. શું હતું ને શું થઈ ગયું! આ સાચું છે કે સ્વપ્નું! કાંઈ ન સમજાયું. "મારા ગુના માફ કરજે! તું પગથી માથા લગી પવિત્ર છો. આ તારો સાચો ધણી. સુખેથી બેય જણાં પાછાં ઘેર જાવ. 

માતાજી તમને સુખી રાખે અને મીઠાં મોં કરાવે."

વીકમસી ઉપકાર નીચે દબાઈ ગયો. ગળગળો થઈ ગયો અને બોલ્યો : "લખમસીભાઈ! આ ચામડીના જોડા સિવડાવું તોય તમારા ઉપકારનો બદલો કોઈ રીતે વળે તેમ નથી. તમે મારે ઘેર મારા ભેળા આવો તો જ હું જાઉં!" 

લખમસીએ રાજીખુશીથી હા પાડી.

સવાર થતાં જ ગાડું જોડ્યું. સોનબાઈનો હરખ હૈયામાં સમાતો નથી. વીકમસી ગાડાની વાંસે, ઘોડી ઉપર બહુ જ આનંદમાં, મનમાં ને મનમાં લખમસીના ગુણ ગાતો ચાલ્યો આવે છે. 

વીકમસીને ઘેર પહોંચ્યા; એનું આખું કુટુંબ બહુ જ રાજી થયું. બીજે દિવસે લખમસીએ જવાની રજા માગી. પોતાના કાકાની સલાહ લઈને વીકમસીએ બહેન રૂપીને લખમસી વેરે આપવા પોતાનો વિચાર જણાવ્યો. લખમસીને આગ્રહ કરીને રોક્યો. લખમસીને ખુશીથી કબૂલ કર્યું. 

આસપાસથી નજીકનાં સગાંઓને તેડાવી, સારો દિવસ જોવરાવી વીકમસીએ રૂપીના લગ્ન કરી, સારી રીતે કરિયાવર આપી, બહેનને લખમસીના ભેળી સાસરે વળાવી.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.