આઈ!
ભડલી ગામના ભાણ ખાચરે પાકી અવસ્થાએ નવું ઘર કર્યું . સોળ વરસનાં આઈ કમરીબાઈએ જ્યારે ભડલીના દરબારગઢમાં પોતાની કંકુવરણી પગલી મૂકી ત્યારે એનું જોબન લહેરે જતું હતું. એને શું ખબર કે આપો ભાણ સાઠ વરસના ખેાખરધજ હશે? માહ્યરે બેસતી વખતે કાંઈ બહુ નીરખીને મોં નહોતું દેખાણું, કેમ કે એક તો માથે રેશમી સીરખ એાઢેલું, ને એના ઉપર પાછી લાલ કીડિયા ભાતની પછેડી પહેરેલી.
સોળ વરસનાં કાઠિયાણી કોડભર્યા સાસરે આવ્યાં ત્યારે એની હેમવરણી કાયા ઉપર બાંધણીની કસૂંબલ ચૂંદડી મહેકી રહી હતી. કસૂંબલ રંગમાંથી તો કેવી મધુર મહેક છૂટે! ચાર કોરવાળી, લાલ ચણોઠી જેવી રૂપાળી જીમી એણે પહેરી હતી. કટાબ કોરેલું કાપડું અંગે ઝગમગતું હતું, અને તાંતમાં લટકતો મેાતીદાર મોટો ચાંદલો બરાબર કપાળ વચ્ચે હીંચકતો હતો.
પણ સાસરે આવ્યાં ત્યાં તો ચતુર કાઠિયાણીને જાણ પડી કે પોતે જુવાનીના રંગ માણવા નથી આવ્યાં, પણ આપા ભાણનું ખોરડું ઉજાળવા આવ્યાં છે! ગામની આધેડ બાઈઓ આવીને આ જોબનવતીને પગે પડી પડી કહેવા લાગી : “આઈ! અમે તો તમારાં છોરુ કહેવાઈએ, આશિષ દો." ગામને ઘેરઘેરથી જુવાન વહુઓ આવીને આઈને પગે પડવા લાગી. કોઈ પોતાનાં છોકરાં આઈને પગે લગાડવા લાગી. આપા ભાણના મોટા મોટા અમીરો પણ આવીને એને 'આઈ!' કહી પૂછપરછ કરવા લાગ્યા. કોઈ એને હસીને તો બોલાવે જ નહિ ને! સહુનાં મોઢાં 'આઈ' બેાલતાં જ ભારેખમ બની જાય. એને લાડ કોણ લડાવે? એને કોણ વહેલાં વહેલાં રાત્રિએ એારડે મોકલે? એને માથે મીંડલા લઈ, સેંથે હિંગળો પૂરી, પાટીએ સુગંધી સોંધો ચોપડી, કપાળે ટીલડી ચોડી, ગાલે સોંધાની નાનકડી ટપકી કરી અને નેણને સાંધે ભરી કમાન જેવાં કરી દઈને બથમાં લેનાર નણંદ, સાસુ કે તેવતેવડી સહિયર ત્યાં કોણ હોય? હોય તો ખરાં, પણ 'આઈ'ને એવું થાય? આઠે પહોર અને આઠે ઘડી એ બાપડાં તો આઈ આઈ ને બસ આઈ!
કમરીબાઈ પોતાની જોબન અવસ્થા ભૂલવા માંડ્યાં. કસૂંબલ, ભાતીગળ અને સુગંધી લૂગડાં ઉતારીને એણે ગૂઢાં વસ્ત્રો ધારણ કરી લીધાં. 'કપાળની તાંત, કાનની પાંદડી અને ડોકના હાર મને કાંઈ હવે અરઘે? હું તો આઈ કહેવાઉં!" – એમ બેાલીને એણે બધાય શણગાર અળગા કર્યા. ફક્ત સૌભાગ્યનાં જ એંધાણ રાખ્યાં.
કાઠિયાણીને હજી એક વાત હૈયામાં ખટકતી હતી. બોખાં બોખાં સ્ત્રીપુરુષો જ્યારે 'આઈ' કહીને એની સાથે વાતા કરતાં, ત્યારે કાળા મલીર વડે પોતાનું મોઢું ઢાંકીને આઈ જવાબ દેતાં. દાડમકળી જેવા બત્રીસ દાંતની એને ભોંઠપ આવતી. સમજણાં થયાં ત્યારથી જ દાંતને એણે પ્રેમથી સાચવેલા હતા. એમાંય પરણવું હતું એટલે તો દાંતને પોથી અને મજીઠને રંગે રંગ્યા હતા. મહેનત લઈને મોઢું રુડું બનાવ્યું હતું.
"બીજા શણગાર તેા ઉતાર્યા, પણ આ રોયા દાંતનું શું કરવું? લાજી મરું છું" – એ એમની રાતદિવસની ચિંતા હતી.
એક દિવસ સવારે આપો ભાણ અને બીજા ત્રણ-ચાર મહેમાનો ટાઢી છાશ પીવા બેઠા. તાંસળીમાં પળી પળી ઘી નાખીને પાંચે ભાણે પીરસી. પાસે ગોરસનાં દોણાં અને ફીણાળાં દૂધનાં બોઘરાં મૂક્યાં. ઘીમાં ગેારસ નાખીને પછી તેમાં સાકરના ધોબા ભરી ભરી ભેળવ્યા. અને સવા સવા ગજ પનાના કાંસાના થાળમાં બાજરાના રોટલા પીરસ્યા. થાળીને માથે કેમ જાણે વેલણથી વણાયા હોય તેવા, સરખી જાડાઈવાળા રોટલા આઈ એ બે નાનકડી હથેળી વચ્ચે ટીપીને કરેલા હતા. રોટલામાં ભાત પાડવા માટે તો આઈ એ એક આંગળીનો નખ લાંબો રાખિયેા હતો, અને આંગળીએામાં વેઢ પહેર્યા હતા એટલે ઘડતાં ઘડતાં રોટલાને માથે ખાજલી, લોરિયું અને સાંકળીની ભાત્ય ઊપડતી આવે એવી નકશીથી ભરેલા રોટલા તાવડીમાં પકવીને એણે ત્રાંબા જેવા બનાવેલા. એવા તે ઊંડા બનાવેલા કે અંદર પોણો પોણો શેર ઘી સમાઈ જાય!
આપા ભાણે રોટલો ભાંગીને બટકું મોઢામાં મૂક્યું, પણ ચાવે શી રીતે? દાંત ન મળે. પોચો રોટલો હોય તો ચોળી ચોળીને પેઢાં વડે ચાવી શકે ને! પણ આ તો કડાકાદાર રેાટલો!
આપાએ મહેમાનોને પૂછ્યું : “કાં બા! રોટલો તમને ફાવે છે કે?"
“એાહોહો! આપા ભાણ!" પરોણા વખાણ કરવા લાગ્યા : “આવા રોટલા તો અહીં જ ભાળ્યા, કેવી રૂડી ત્રણ ત્રણ ભાત્યું ઊપડી છે! એવો દેખાવડો રોટલો છે કે ભાંગવાનુંય મન નથી થાતું. આપા! અમારાં આઈ તો રાબ-છાશે ભારે ડાહ્યાં દેખાય છે."
“આપા ભાણનાં ભાગ્ય ચડિયાતાં છે." બીજાએ મૂછો ઊંચી રાખીને તાંસળીમાંથી દૂધ પીતાં પીતાં ઉમેરો કર્યો.
“હા બા! ભાગ્ય તો ખરાં!" આપા ભાણ મરકતા મરકતા બોલ્યા, “પણ આવા રૂડા રોટલાની મીઠાશ માણવાના દૂધિયા દાંત હવે ક્યાં લેવા જાય? નાનડિયાંને કાંઈ ખબર છે કે બોખાને આવા કડકડિયા રોટલા ખાતાં પેઢામાં કેવી બળતરા હાલતી હશે? રોટલાની રૂડપ જોઈને હવે આંખ્યું ધરવવી રહી, બા! પણ હોજરીની આગ એમ રોટલા જોયે કાંઈ ઓલાય છે? હશે, જેવી સૂરજની મરજી! બીજુ શું થાય?"
મર્મનાં વેણ કહેતાં તો કાઠીને એની જનેતાએ ગળથુથીમાં જ પાઈ દીધું છે. આપો ભાણ સમજ્યા કે જોબનવંતી આઈને આજ બરછી જેવાં મર્મબાણ મારીને વીધ્યાં છે એટલે હવે તે પૂરી કાળજીથી ભાણું સાચવશે.
રાત પડી. ડેલીએ ડાયરો વીખાણો. દરબાર ઊઠીને સૂવાને ઓરડે ગયા. આઈ બેઠાં હતાં. પણ ગઈ કાલના ભર્યા ગાલમાં આજ એને ખાડા દેખાયા. આપાએ પૂછ્યું:
"કાં? કેમ વહેલું વહેલું એક દિવસમાં ગઢપણ વરતાય છે?"
આઈએ મોં મલકાવ્યું. હોઠ પહોળા થયા, ત્યાં તો આપા બોલી ઊઠ્યા : “અરરર! કાઠિયાણી! આ શું? મોઢામાંથી બત્રીસે દાડમકળિયું ક્યાં ગઈ?"
“પાડી નાખી!" આઈ એ હસીને જવાબ દીધો, રાતા રાતા હોઠની વચ્ચે કાળું ઘોર અંધારું દેખાણું.
“પાડી નાખી? કાળો કોપ કર્યો! પણ શા સારુ?"
“બોખાંની પીડા સમજવા સારુ!" આપા ભાણની આંખો ભીની થઈ ગઈ. એણે કપાળ કૂટ્યું. સવારે બોલેલાં વેણ બદલ બહુ પસ્તાયા. પણ કાઠિયાણીએ મોઢા ઉપરથી હસવું ઉતાર્યું જ નહિ – જાણે મનમાં કાંઈ નથી!
કમરીબાઈ જીવ્યાં ત્યાં સુધી આપા ભાણનું ખોરડું દીપાવ્યું. મર્યા પછી જોગમાયા કહેવાયાં.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર