ભેંસોનાં દૂધ!
ડુંગરા અને વનરાઈ વચ્ચે જ્યાં જુગોજુગથી વિવાહ વર્તે છે એવી સોરઠ દેશની સોહામણી ગીરનાં તો સોણાંય મીઠાં લાગે. ઘણી ગીર કપાઈ ગઈ છે, કપાતી જાય છે, પણ જે ભાગ હજુ રહ્યા છે તે ભાગની રૂડપ ખરે જ અદ્ભુત છે.
ઉનાળાના સૂકા દિવસોમાં પાન ખરીને ઝાડ ઠૂંઠા થઈ ગયા હોય, ખડ સુકાઈને ઊડી ગયાં હોય, અને ઝરણાં સૂકાં પડ્યાં હોય ત્યારે તે ભાગમાં જનારને ખરી ખૂબી જણાતી નથી. પણ એક -બે સારા વરસાદ થઈ ગયા પછી વનરાઈ લીલવણી ઓઢણે ઝકૂંબતી હોય, લીલાછમ ખડ છાતીપૂર ઊભાં હોય, દરેક નદીઝરણું આનંદમાં ખળખળાટ કરી રહ્યું હોય, તે સમયની ગીર જોઈ હોય તેનાથી એ જીવતાં સુધી ભુલાય તેમ નથી.
એક સારો વરસાદ થયાના ખબર મળતાં તો દૂર દૂરથી ચબારી, ચારણ, આહીર, કાઠી અને દરેક મોટા માલધારી પોતાનાં ઢોર લઈ ગીરમાં ચારવા જાય છે. ઠેકઠેકાણે ઝૂંપડાં અને ઢોરની ઝોકો બંધાય છે. પરોઢિયે વલોણાંના ઘમઘમાટ, ઘંટીના નાદ સાથે ગવાતાં પ્રભાતિયાં, રાત્રે ક્યાંક ભજનની ધૂન, તો ક્યાંક દુહા, ક્યાંક વાતો, તો ક્યાંક રબારી-ચારણના પાવાના મધુર નાદ, ક્યારેક ડુંગરા ગજવી મૂકતી સિંહની હૂક, તો ક્યારેક પશુ (એ નામના હરણ)ની છીંકારીઓ, ક્યારેક સાબરનાં ભાડુક, મસ્ત ખૂંટડાની ત્રાડ, મોરલાના ટૌકા : આ બધું જેણે અનુભવ્યું હોય તેને જ તેની ખરી ખૂબી સમજાય.
બરાબર મધ્યવીરમાં ડુંગરે વીંટ્યું એક તીર્થધામ છે; ત્યાં રુક્મિણીનો ડુંગર છે, તાતા પાણીનો કુંડ છે, ભગવાનની શ્યામ મૂર્તિવાળું મંદિર છે. એનું નામ તુળશીશ્યામ છે. કેટલાંક વરસો પહેલાં તુળશીશ્યામની આસપાસ કેટલાક ચારણોના નેસ પડ્યા હતા. દેશમાં દુકાળને લઈ ઉનાળામાં પણ કેટલાંક ઝૂંપડાં બાંધી ત્યાં જ પડ્યાં હતાં. તેવામાં ઢોરમાં એકદમ શીળીનો રોગ ફાટી નીકળ્યો. ઘણા માલધારી માલવિહોણા બનીને માત્ર લાકડી લઈ દેશમાં પાછા ફર્યા. બહુ જ થોડાં ચારણ કુટુંબ ત્યાં રહ્યાં.
એક ચારણને માત્ર બે નાનાં ખડાયાં રહ્યાં, બાકીનાં ઢોર તો મરી ગયાં; પણ ચારણિયાણી પોતાના પિયરથી બે પાડીઓ લઈ આવી. આ પ્રમાણે એ ચારણને ચાર નાનાં ખડાયાં થયાં. તેના ઉપર જ તેનો નિભાવ હતો. 'આગાળ જતાં સારી ભેંસો થશે, એનાં દૂધ-ઘીમાંથી ગુજરાન ચાલશે' એ આશાથી બહુ ચાકરી રાખવા માંડી. ચારેય ખડાયાં મોટાં થયાં; અસલ ગીરની વખણાય છે તેવી ચારેય ભેંસો થઈ. મોટાં માથાં : કોડિયામાં દીવા કરી મૂકી શકાય તેવાં વળેલાં બબ્બે ત્રણ-ત્રણ આંટા લઈ ગયેલાં શીંગ; દેવલના થંભ જેવા પગ; ટૂંકી ગુંદી; ફાંટમાં આવે એવાં આઉં; પથારી કરી સૂઈ રહેવાય તેવા વાંસાનાં પાટિયાં : આમ બધી રીતે વખણાય તેવી ચારે ભેંસોને જોઈ ચારણ વર-વહુ આનંદ કરે છે.
દિવસે ચરીને સાંજરે રૂંઝ્યું રડ્યે જ્યારે ભેંસો ઘેર આવે, ત્યારે ચારણિયાણી ઝોકના ઝાંપા પાસે જ ઊભી હોય અને જોતાંવેંત જ 'મોળી ધાખી ઈડી! બાપ ! ગોદડ ઈડી ! ખમાં મોળી શેલર ! આઈનાં રખેપાં મોળી મા !' કરી ભેંસોને આવકારે, પોતાના પછેડા વતી એનાં અંગ લૂછે; પછી ખાણ ખવરાવવું હોય તે ખવરાવે.
ચારેય ભેંસોને વિયાવાને હજુ ત્રણેક માસ બાકી છે. 'ચારેય વિયાશે; અધમણ દૂધ કરશે; રોજ સાત-આઠ શેર ઘીની છાશ થશે; ગુજરાન બહુ સારું ચાલશે.' એ વિચારોને વાતો બન્ને ચારણ જણ કર્યા કરે છે અને આશામાં દોહ્યલા દિવસો વિતાવે છે.
ભાદરવો આવ્યો; ભરપૂર વરસ્યો, હેલી મચાવી. આઠેક દિવસની હેલી થઈ. વરસાદ અનરાધાર પડે છે તેથી ઘણા માલધારી ચારવા જવાને બદલે ભેંસોને છોડી મૂકે છે એટલે ભેંસો પોતપોતાના ચરવાને નેખમે (ઠેકાણે) ચાલી જાય છે અને સાંજરે ધરાઈને પાછી પોતાની જાતે નેસ ચાલી આવે છે. ઘણા દિવસથી રોજ રોજ આમ ચાલે છે.
એક સમે બરાબર મેઘલી અંધારી રાત છે. વાદળાં ઘટાટોપ જામ્યાં છે. ક્યારેક ક્યારેક વીજળીના સળાવા થાય છે. વરસાદ ઝીણો ઝીણો વરસવો શરૂ થયો છે. તે ટાણામાં કોઈ આહીરના બે જુવાન ગીરમાં નીકળેલા છે. દિવસે આ ચારે ભેંસોને તેમણે જોયેલી, નજરમાં આવી ગયેલી. આઉભર થયેલી અસલ ભેંસો લઈ જવાય તો મોંમાગ્યો પૈસો મળે એવી આશાએ આહીરોની મતિ બગડી ગઈ. અડધીક રાત ભાંગી ત્યારે બેય ચોર ઝોકે આવ્યા. ચારણ-ચારણિયાણી નેસનું ધ્રાગડિયું કમાડ દઈને મીઠી નીંદરમાં જામી ગયાં છે. ઝોકનો ઝાંપો ઉહાડી આહીરોએ ચારેય ભેંસોને હાંકી એકદમ દોડાવવા જ માંડી. જબ્બર આઉભેર થયેલી ભેંસો કેટલીક દોડે ! તોપણ લાકડીના માર જેટલી ઉગાવળે હાંકી શકાય તેટલી હાંકી. સવાર થયું ત્યાં ગીર બહાર નીકળી ગયા.
સવારે ચારણ જાગ્યો. જોયું તો ઝોક ખાલી પડી છે, ઘડીક તો ધાર્યું કે ઝામ્પો ઉઘાડો રહી ગયો હશે, તેથી ભેંસો ચરવા ચાલી ગઈ હશે, રોટાલો તૈયાર થયો કે છાશ પીને રોજ ભેંસો જતી હતી તે નેખમે ગયો. પણ ત્યાં ભેંસો જોવામાં આવી નહીં. વરસાદ બહુ વરસતો હતો. તેથી બીજી નેખમે ચડી ગઈ હશે, સાંજરે પાછી નેસે આવશે એમ ધારી પાછો ઝૂંપડે આવ્યો. સાંજરે ધણી-ધણિયાણી વાટ જોતાં ઊભાં, પણ ભેંસો તો આવી નહિ. ત્યાર પછી ખરેખરી ચિંતા થઈ. ફરીને આસપાસ બધા સ્થળો જોઈ આવ્યો, ગીરના ગાળે ગાળે રખડ્યો, પણભેંસોનો પત્તો મળ્યો નહિ. પછી તો ચોરાઈ ગયાનો વહેમ આવ્યો.
ભેંસો ઘણી હોય તો તો તે ટોળામાંથી એક બે ત્રણ ચારને નોખી તારવવી સહેલ નથી. કાચાપોચાથી તો નોખી પડે જ નહિ. કદાચ મારે પણ ખરી. કોઈ બહુ હિંમતવાળા બે-ત્રણ ચોર હોય ને એવા મોટા ટોળામાંથી ભેંસોને જુદી પાડી લઈ જાય તો એની મોટા માલધારી બહુ દરકાર પણ ન કરે. ગોત કરવા જવાની મહેનતથી કંટાળીને જતી કરે. પણ આ તો ચારેય ભેંસો સાથે જ ગઈ - બધી ગઈ! જેના ઉપર કેટલીયે આશા બંધેલી તે બધી ગઈ. વળી ભેંસો પણ જેવીતેવી નહોતી.
ચારણ-ચારણિયાણીએ પોતપોતાનાં સાગાંઓમાં જઈને વાત કરી. પણ ભોળપ અને નિર્દોષ ભાવનાં ભરપૂર આ પરજિયાં ચારણો : એક તો મનમાં મસ્ત હોય. તેમાં વળી ભેંસોનાં ઘાંટા દૂધ પીવાથી અને દૂધની સાથે વગડાઉ સાંબો કે રાજગરા જેવાં ખડનાં ધાન મિલાવી ખીર કરી ખાવાથી આળસુડા થઈ ગયેલા : નીકળીએ છીએ! હા, નીકળીએ છીએ! એમ કરતાં કરતાં પંદર દિવસનાં પરિણાણ પછી છ જણા શોધ કરવા નીકળ્યાં.
ગીરમાંથી નીકળ્યા પછી તો ભેંસોને દોડાવવાની જરૂર જ નહોતી. તેથી આહીરો એને થાક દેતા દેતા ધીમે ધીમે લઈ વળાંકમાં આવ્યા. પોતાનાં સગાં-ઓળખીતાંને ઘેર રોકાતાં રોકાતાં જેતપુર આવી પહોંચ્યાં.
સવારનો પહોર છે. ભાદરના કાંઠા ઉપરના એક ઝરૂખામાં એક દરબાર ખાનગીમાં પોતાની હેડીના થોડાક માણસનો ડાયરો ભરીને બેઠા છે. કસુંબા લેવાઈ ગયા છે. શિરામણી કરવા ઊઠવાની તૈયારી છે. એમાં બરાબર ભાદરના કાંઠા ઉપર ચારેય ભેંસો ભેળા બન્ને આહીર નીકળ્યા. ઝરૂખા ઉપરથી દરબારે ભેંસો જોઈ. છેટેથી પણ એ ભેંસોની જાત છાની રહે તેમ નહોતી. ડાયરો બધો ભેંસો સામે તાકી રહ્યો. વેચાઉ હોય તો મોંમાગી કિંમત આપીને પણ એ ભેંસો રાખી લેવા જેવી સૌને લાગી. ત્યાં જઈ, તપાસ કરી, વેચાઉ હોય તો તે પોતાની પાસે લઈ આવવા દરબારે બે માણાસોને કહ્યું. ભાદર તરફની ગઢની ખડકીમાંથી બન્ને જણ નીકળ્યા. આહીરોએ આ આદમીઓને આવતા જોયા. કઠોડામાં બેઠેલ ડાયરાને પણ જોયો. 'ચોરનું હૈયું કાચું' એ ન્યાયે કોણ જાણે શા કારણથી પણ એકદમ બંને આહિર બીના, ભેંસો મૂકીને ભાગ્યા. એ પ્રમાણે આહીરોને ભાગતા જોઈ, ભેંસો ચોરાઉ હશે એમ માની દરબારે તે ભેંસો હાંકી લાવવા બીજા એક આદમીને દોડાવ્યો. ભેંસો ગઢની ખડકીએથી ગઢમાં આવી. સૌએ ભેંસો જોઈ. 'ગમે તે રીતે પણ ભેંસો રાખવા જેવી છે' એમ અંદર અંદર વાતો ચાલવા લાગી. દરબારનું મન પલટાણું. પાસે બેઠેલાઓએ કંઈક મજબૂત કર્યું. છેવટે ભેંસોને તબેલામાં આઘેરે ખૂણે બાંધી સંતાડી દેવાનું ઠર્યું.
ગોતતા ગોતતા ચારણો જેતપુર આવી પહોંચ્યા. ગામને ટીંબે પૂછપરછ કરતાં વાવડ મળ્યા કે "હા ભાઈ, ચાર જબ્બર ભેંસો અમારા... દરબારને ભાદર કાંઠેથી રેઢિયું મળી હતી અને દરબારે ગઢની માંયલી કોર બાંધી છે."
"તયીં હવે ફીકર નહિ." ચારણો હરખઘેલા બનીને બોલ્યા : "આપણી ભેંસુ કાઠીને ઘેર એટલે તો ભગવાનને ખોળે બેઠેલી ગણાય."
એવા વિશ્વાસુ ચારણો ડાંગ ઉલાળતા દરબારની ડેલીએ આવીને ઊભા રહ્યા, અને દરબારની વાટ જોતા બેઠા. એક પહોર, બીજો પહોર, ત્રીજો પહોર : પણ દરબાર ડોકાણા નહિ. દરબારને જાણ થઈ હતી કે ભેંસોના મુછાળા માલિકો આવી પહોંચ્યા છે. એક તો પેટ મેલું હતું જ, તેમાં પણ પડખિયાઓએ ધણીને વહાલા થવાને સારુ પાપની શિખામણ દીધી કે, "ના બાપુ! એમ ભેંસો દેવાય? શી ખાતરી કે ભેંસું એનીયું છે?"
બીજે ટૌકો પૂર્યો : "વળી આપણે ખવરાવ્યું છે! ટંકે પોણો-પોણો મણ દૂધ કરે છે, દસ-બાર શેર ઘીની છાશ થાય છે, એને આજ સુધી ખવરાવીને એમ આપી દેવાય કાંઈ?"
"હા, તો આબરૂ જ જાય ને!"
આવી રીતના ભંભેર્યા દરબાર ભાન ભૂલી ગયા. કહેવરાવી દીધું કે, "આંહીં તમારી ભેંસુ નથી, ભાઈ!" સાંભળીને ચારણો શ્વાસ લઈ ગયા. ડુંગર જેવડા નિસાસા નાખ્યા. ભેંસો આંહીં જ પુરાઈ હોવાની ખાતરી થઈ ચૂકી હતી. વળી, દરબાર મોંયે દેખાડતા નથી. નરણે મોઢે ઉપવાસી ઊભેલા ચારણોએ કહેવરાવ્યું : "મામાહીં ભણો, સૂરજનો પુત્રો મું કીં સંતાડને બેઠો છે?" (મામાને કહો, સૂર્યપુત્ર મોં કેમ સંતાડીને બેઠો છે?")
અસલ ચારણ-કાઠી વચ્ચે આવો સંબંધ હતો : ચારણ ભાણેજ કહેવાય, ને કાઠી મામો કહેવાય. ઘરડો ચારણ હોય તોપણ નાનાથી માંડી મોટા તમામ કાઠીને મામા કહી બોલાવે.
ડેલીએ ચારણ આવે તેનાથી સૂર્યપુત્ર કાઠી મોઢું સંતાડે નહિ, આ આશાએ બિચારા ચારણોએ જતા-આવતા ઘણાની સાથે સંદેશા કહેવરાવ્યા, પણ દરબાર તો મળ્યા જ નહિ; એમ ચારણ પણ ભૂખ્યા-તરસ્યા ડેલીએ સાંજ સુધી બેઠા રહ્યા.
છેવટે ચારણોએ ધા નાખીને ત્રાગાં કરવાની જ્યારે તૈયારી કરવા માંડી, ત્યારે દરબારથી તાપ જિરવાયો નહિ. હવે ભેંસો આપવામાં આવે તો તે વળી વધારે ખોટું દેખાય : ચોરાઉ માલ સંઘર્યાનું તહોમત પણ આવે; વાત બહાર તો પડી ચૂકી છે, હવે શું કરવું ? ચારણ ત્રાગાં કરશે, ફરિયાદી કરશે, તપાસ થશે, ભેંસો તબેલામાંથી હાથ આવશે, માથે તહોમત આવશે. માટે કાંઈ ઉપાય?
હજૂરિયા બોલ્યા : "હા બાપુ ! એમાં બીઓ છો શું? ચારણ ત્રાગાં કરશે, તેમાં આપણી શું તપાસ થાય? અને તહોમત તો ભેંસો હાથ પડે ત્યારે આવે કે એમ જ? ભેંસોને મારી નાખી તબેલામાં જ દાટી દ્યો એટલે થયું. અને ચારનોને મારો ધક્કા, ડેલીએથી ઊઠાડી મૂકો."
દરબારને પણ એ વાત ગમી. ભેંસોને મારી નાખી દાટી દેવાનો હુકમ થયો. તરત હુકમનો અમલ થયો. ચારણોને ધક્કા મારી ડેલીએથી ખેસવ્યા. બહાર ઊભીને ચારણોએ ધા નાખી :
"એ મામાહીં ભાણો, આ તોળાં ગભરુડાં ત્રાગાં કરતાં સૈ. સૂરજના પુત્રનો ભીંહું ગળે વળવતી સૈ. પણ બાપ ઔ ભીંહુંનાં દૂધ તોળે ગળે કેવાં ઊતરહેં?" ("મામાને કહો. તારાં ગભરુ બાળકો ત્રાગાં કરે છે. અરે સૂરજના પુત્ર ! તને ભેંસો ગળે વળગે છે, પણ ભેંસોનાં દૂધ તારે ગળે શી રીતે ઊતરશે બાપ?")
કોઈએ હાથ કાપ્યો; કોઈએ પગમાં છરો માર્યો : એમ છયે ચારણોએ ત્રાગાં કર્યાં. ડેલી ઉપર પોતાનું લોહી છાંટીને ચાલતાં થયા. તે દિવસે તો રાત્રે દરબારમાં કોઈએ ખાધું નહિ. સૌને પછી તો બહુ વિચાર થવા લાગ્યો. પણ પછી પસ્તાવો શા કામનો?
સવાર થયું. વાત ચર્ચાઈ. કેટલાક રૂપિયા ઊડ્યા. તેટલેથી બસ ન રહ્યું. દરબાર ત્રાંસળીમાં દૂધ લઈને જમવા બેઠા કે ત્રાંસળી આખી જીવડાંથી ભરેલી દેખાણી. એ દૂધ નાખી દઈ ફરી વાર લીધું તોપણ એમ જ થયું. ત્રાંસળીમાં જીવડાં જ દેખાય. એક જ દેગડીમાંથી બધાને દૂધ પીરસાય. છતાં દરબારને ત્રાંસળીમાં જીવડાં દેખાય. ચોખાનું પણ તેમ જ થયું. દૂધ, ચોખા અને ઘી - ત્રણેય વસ્તુ તે જ દિવસથી બંધ થઈ. આંખે પાટા બાંધી દૂધ પીવાનું કરે તો નાક પાસે આવતાં જ દુર્ગંધ આવે. એમ કેટલાંક વર્ષો સુધી ચાલ્યું, ધીમે ધીમે વધ્યું. છેવટે એકીસાથે આઠ દિવસ સુધી કાંઈ પણ ખવાયું નહિ.
આઠમે દિવસે ચલાળાના પ્રસિદ્ધ ભક્ત શ્રી દાના ભગતના ગધૈ જાતના ચેલા શ્રી ગગા ભગત ફરતા ફરતા, દરબારે જેતપુરથી બીજે ગામ રહેવા ગયા હતા ત્યાં જઈ ચડ્યા. દરબારે આપા ગીગા ભગતની બહુ જ સારી સેવા કરી. પછી કરેલાં પાપની બધી હકીકત કહી. દૂધ, ચોખા ને ઘી પોતે ખાઈ શકતા નહોતા, તેમ જ આથ દિવસની લાંઘણો થઈ હતી એ બધું કહ્યું : બહુ જ કરગરીને કહ્યું. કંઈક દયા કરવા આપા ગીગાને પગમાં પડી વીનવ્યા.
આપા ગીગાને દયા આવી. તે દિવસે દરબારને પોતાની સાથે જમવાનું કહ્યુ. આપા ગીગા જાતે ગધૈ હતા. છતાં દરબારે તેમની સાથે બેસી તેમનું એંઠું અન્ન લીધું. તે જ દિવસથી જીવડાં દેખાતાં બંધ થયાં. બાર-તેર વરસ સુધી એ પ્રમાણે ચાલ્યું. આઠ-દસ દિવસે માણસ મોકલી આપા ગીગા ભગતની જગ્યાએથી ધૂપ મગાવી લેવાનું નીમ રાખ્યું. તેવામાં આપો ગીગો દેવ થયા. દરબારને પણ કંઈક વાત વિસારે પડી. પસ્તાવો પણ કંઈક ઓછો થયો; એટલે વળી દૂધ અને ચોખા ઉપર અરુચિ થવા લાગી. જીવડાં તો ન દેખાય પણ એ વસ્તુ સાંભરી આવે કે તરત અણગમો થઈ આવે કે થાળી પાછી મોકલે. પછી આપા ગીગાની ધજા દરબારગઢમાં એક ઓરડામાં રાખી, ધૂપ વગેરે બરાબર નિયમિત જગ્યાએથી મગાવી કરવા માંડ્યો. એટલે એ વસ્તુઓ થોડી થોડી ખવાવી શરૂ થઈ; પણ ચાર-પાંચ દિવસે વળી અરુચિ થઈ આવે.
ત્રણ ટંક બધાને જમાડતાં, બહુ સારી રીતે નોકરચાકરની બરદાસ રાખતા, કોઈ પણ ડેલીએ આવે તેને ગમે તેટલા દિવસ રોકાય તોયે, પોતાની સાથે જ પંગત કરી ખૂબ છૂટથી દૂધ-ઘી જમાડતા. પણ પોતે જિંદગી રહી ત્યાં સુધી છૂટથી એ વસ્તુઓ જમી શક્યા નહિ. થોડું થોડું જમી શકતા. તેવા દિવસોમાં પણ થાળી આવે કે ઘણી વાર સુધી એક નજરે જોઈ રહે. આંખમાં ક્યારેક ક્યારેક ઝળઝળિયાં આવી જાય અને 'ગીગેવ! ગીગેવ!' કરી, આપા ગીગાનું સ્મરણ કરી ધીમે ધીમે થોડુંઘણું જમે.
સાત દીકરા થયા. બધા નાની વયમાં જ ગયા. કોઈ બબ્બે ત્રણ-ત્રણ તો કોઈ પાંચ વરસના થઈ મર્યા. છેવટે સિત્તેર વરસની આવરદા ભોગવી દરબાર નિર્વંશ ગયા.
લોકો કહે છે કે "એને ધા લાગી ગઈ!"
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર