ચારણની ખેાળાધરી

09 Jan, 2018
07:01 AM

ઝવેરચંદ મેઘાણી

PC: khabarchhe.com

વિક્રમ સંવત ૧૬૩૦ના વર્ષમાં, એક દિવસે, નવાનગરના જામ સતાજીના દરબારગઢમાં એક ચારણ રઘવાયો બનીને આમતેમ દોડતો હતો. દરબારગઢના દરેક માણસને, પશુને અને પથ્થરને જઈ પૂછતો હતે : "મારો રાણો કયાં ?"

"મારો રાણો કયાં, મારો રામદેવજી કયાં? રાણાને પાછો લાવો !" એવી એવી એ ચારણની કળકળતી બૂમોથી દરબારગઢના પથ્થરો ધણધણી ઊઠયા, ને આખો ગઢ કોઈ ઉજજડ ભૂતખાનાની માફક સામે પડઘા પાડીને પૂછવા લાગ્યો : "રાણો કયાં ?"

માણસો એકબીજાને પૂછવા લાગ્યા : "રાણો કયાં ?"

કોઈએ ચારણને કહ્યું : "રાણાની મામીઓ એને મળવા ઝંખતી હતી, તે રાણો ગઢમાં ગયા છે."

ફડકે શ્વાસ લેતો ચારણ થોડી વાર વાટ જોઈને બેઠો. પણ રાણો મામીએાના ખોળામાંથી પાછો વળ્યો જ નહિ. રાણીએાના માઢમાંથી નીકળનારા એકેએક માણસનું મોં કાળું શાહી જેવું થઈ ગયેલું દેખાતું હતું. ચારણ પૂછતો હતો : "રાણો કયાં ?" માણસો અબોલ બનીને ચાલ્યા જતા હતા. 

દરબારગઢના ઝરૂખા સામે ઊભા રહીને ચારણ ચીસ પાડી ઉઠયો : "રાણા ! બાપ રાણા ! નીચે ઊતર. તારી માને મેં ખોળાધરી આપી છે. મારા રાણાને લાવો! રાણાને પાછો લાવો !"

ચારણ બાવરો બન્યો. ઝરૂખાની ભીંત સાથે માથું પછાડવા લાગ્યો. પણ રાણાએ જવાબ દીધો નહિ.

"લે, આ તારો રાણો !" એવો એક અવાજ આવ્યો. અને તે સાથે જ ઝરૂખામાંથી ધબ દઈને એક ગાંસડી ધરતી ઉપર પડી. એ લોહીતરબોળ ગાંસડીને ચારણે છોડી. અંદર જુએ તે રાણા રામદેવજીના કટકા ! હાથ નોખા, પગ નોખા ધડ નોખું અને જાણે મામીઓનાં મીઠડાં લેવરાવવા હસીને હમણાં જ નમ્યું હોય તેવું તાજુ કાપેલું માથું પણ નોખું.

"બસ, મારા બાપ! કયાંય રેઢો નહોતો મેલતો ! અને આજ જંગલ ગયો તેટલી વાર રહી ન શકયો ? મામીનાં તેડાં બહુ મીઠાં લાગ્યાં ? એય મારી અણમોલી થાપણ ! પોરબંદરની રાણીને હવે હું શો જવાબ આપીશ ?"

ચારણ ખૂબ રોયો. દરબારગઢ આખો જાણે એની સાથે સાદ પુરાવવા લાગ્યો.

આ ચારણનું નામ કાંવીદાસ લાંગો. જામ સતાજીનો એ દસેાંદી. પોરબંદરના રાજા જેઠવાનો પુત્ર રામદેવજી, સતાજીનો સગો ભાણેજ હતો. સતાજીને નગરનું રાજ વિસ્તારવું હતું. નાના ભાણેજને એટલા ખાતર ટૂંકો કરવેા હતો. ઘણું ઘણી વાર તેડાવે પણ ભાણેજ આવે નહિ, કેમ કે બહેનને ભાઈની મતલબના પડઘા આવી ગયા હતા. આખરે કાંવીદાસને જામે કહ્યું : "આપણે આંગણે લગન છે. ભાણેજ ન આવે તો દુનિયા શું કહેશે ? ગઢવી, જાઓ, તમારી ખોળાધરી દઈને બહેનના ભાણિયાને તેડી આવો."

ચારણની ખોળાધરી એટલે વિધાતાનો લેખ : પોરબંદરની રાણીએ છોકરાને મીઠડાં લઈને ભાઈને ઘેર લગ્ન ઉપર વળાવ્યેા. મામાએ લગ્નમાં ભાણેજને લોહીથી નવડાવ્યો.

ચારણ ઘેર ગયો. એકનો એક દીકરો જમલદાસ હતો તેને કહ્યું:"બાપ ! આપણા ધણીને આજ ભાણેજનાં લોહીની તરસ લાગી છે. વિશ્વાસઘાતથી ધ્રુજી ઊઠેલી નગરની ધરતી ધા નાખી રહી છે. આપણા ઘરનાં નાનાંમોટાં અઢાર માણસો છે. આવો, આપણે જામને લેાહીથી ધરવી દઈએ."

કાંવીદાસ લાંગાના એક દીકરાએ છાતીમાં કટાર ખાધી. રુધિરને ધોરિયે છૂટયો, એમાંથી ખોબા ભરીને કાંવીદાસે નગરના દરબારગઢ ઉપર છાંટયા. ચારણ્યેાએ સ્વહસ્તે પોતાના થાનેલા કાપીકાપીને "લેજે રાણાજી!" કહી નગરના ગઢની ભીંતે પર ફેકયા. વળી દૂધિયા દાંતવાળાં બાળકોનાં નાનકડાં માથાં શ્રીફળ વધેરે તેમ દરબારગઢની ભીંતે વધેરી વધેરી શેષ મૂકી. પછી ગાડું જોડ્યું, એમાં કપાસિયા ભર્યા, ઉપર ઘી રેડયું, એની ઉપર તેલમાં તરબોળ કરેલાં લુગડાં પહેરી, પોતાનાં બાકીનાં પાંચ માણસો સાથે કાંવીદાસ બેઠો. હાથમાં માળા લઈને 'હર! હર!હર!'ની ધૂન સાધી. કોળીનો એક છોકરો ગાડું હાંકતો હતો, તેને ચારણે કહ્યું : "બાપ! ગાડાને આગ લગાડીને તું બા'રો નીકળી જા."

કોળી બાલ્યો , "બાપુ ! તમે માનો છો કે હું અગ્નિની ઝાળ દેખીને આખરને વખતે ભાગીશ ને તમારા ત્રાડાને ભોંઠામણ આપીશ ? એમ બીક હોય તો જુઓ, નજર કરો મારા પગ ઉપ૨."

ચારણ જુએ છે, તે કોળીએ લોઢાની નાગફણું ઠોકીને પોતાના પગ ગાડાની ઊંધ સાથે જડી લીધેલા!

ગાડું દરબારમાં ચાલ્યું, કપાસિયા સળગ્યા, ગાડાને આગ લાગી. ચારણ પરિવારનાં લૂગડાં સળગ્યાં, કાયા ચડ ચડ બળવા લાગી. દેવતા હાડકાંમાં દાખલ થયા ત્યાં તે ફડ ફડ ફટાકિયા ફુટવા લાગ્યા, છતાં એ પાંચ માણસાની જીવતી ચિતામાંથી કેવા સ્વર છે ? "હર ! હર ! હર !" પાંચેય માનવી જ્યાં બેઠાં હતાં ત્યાં થંભી ગયાં, અને છેવટે અગ્નિએ હાથ પાડી નાખ્યા ત્યારે જ હાથમાંથી માળા નીચે પડી. કોળીનો છોકરો ઊંધ ઉપર જ સળગી ગયેા. સતાજી જામના દરબારગઢે તે દિવસે અઢાર દેવી બાળકેાના ભક્ષ લીધા.

 

***

 

ભાણેજને પતાવીને સતાજીએ રાણાની ધરતી ધબડવા માંડી. અરબી સમુદ્ર ને બરડા પર્વત વચ્ચે આવેલો ભાણેજનો તમામ મુલક મામો ગળી ગયો ને બેાખીરાની ખાડીને તેણે પોતાની રાજ્ય સીમા બનાવી. મરનાર રાણાનો પુત્ર રાણો ભાણજી બરડો છોડીને પોતાની રાણી કલાંબાઈ અને નાનકડા કુંવરને લઈને ભાગવા મંડ્યો. જંગલોમાં સંતાયા, ને આખરે એનો દેહ છુટી ગયો.

નિરાધાર રાણી કલાંબાઈ ને અને કુંવર ખીમજીને ઊંચે આભ ને નીચે ધરતી વિના બીજું કોઈ શરણ દેનાર ન રહ્યું. ધરતીમાંથી પણ ડગલે ડગલે જાણે જામના પગના ધબકાર સંભળાતા હતા. ત્યાં તે મેરોમાં હાક બોલી : "હાં ! માટી થાઓ ! આપણી રાજમાતા રઝળી પડી; આપણા બાળરાજાની હત્યા થશે. ત્રણસો મેરોએ જામના સીંકારા ગામ પાસેથી રાજમાતાને અને બાળરાજાને હાથ કર્યા. ઓડદરમાં લાવીને એારડા કાઢી આપ્યા. મેરોએ કહ્યું : "મા, મન હેઠું મેલીને રે'જે. આંહી તારા દીકરાનો વાળ પણ કોઈ વાંકો નહિ કરે."

એક દિવસ ઓડદરને કાંઠે એક ભાંગેલું વહાણ ઘસડાઈ આવ્યું. વહાણમાં ઈંટો ભરી હતી. મેરોએ રાણીમાને એ ઈંટેાનું એક પાણિયારું કરાવી દીધું. એક દિવસ કલાંબાઈએ જોયું તો એક ઈંટને ખૂણો ટેચાયેલો દેખાણો અને એમાંથી પીળું પીળું સોના જેવું કંઈક ચકચક કરતું હતું. રાણીએ તપાસ્યું. તો ઉપરના પડની નીચે આખે આખી હેમની ઈMટ હતી. બધી ઈંટેામાં એ જ ભેદ જડ્યો. ધણીની ધરતી હાથ કરવા માટે સ્વપ્નમાંયે ઝંખતી રાણીને હૈયે હવે હિંમત આવી.

એક દિવસ રાણીએ પૂછયું : "આ રબારીઓ ભેંસોને રાતમાં કયાં લઈ જાય છે ?"

મેરોએ જવાબ દીધો : "માડી, પહર ચારવા."

"પહર એટલે?"

"એટલે અધરાતથી સવારોસવાર લગી ભેંસોને લીલાં ઘાસ ચારીને ધરવ કરાવે. સવારે ભેંસો દોણાં ભરીને દૂધ આપે."

"ત્યારે હું મેરોને અને રબારીઓને પહર ચારું તો?"

"તો તને તારું રાજ કરી દિયે !"

હેમની ઈંટો વેચી-વેચી કલાંબાઈએ મેરોને અને રબારીઓને મીઠાઈ ખવરાવવા માંડી. ખવરાવવા-પિવરાવવામાં કાંઈ ખામી ન રાખી. છ મહિના થયા ત્યાં તો મેરોએ અને રબારીએાએ હાથીનાં કુંભસ્થળ જેવાં કાંધ કાઢયાં, લોઢાની ભેાગળ જેવા બધાના હાથ બન્યા, શરીરનું જોર ફાટફાટ થવા લાગ્યું. ત્યાર પછી મેર-રબારીએાએ કહ્યું : "માડી, હવે હુકમ કર, હવે નથી રહેવાતું."

રાણીનો હુકમ થયો. મેરોની ફોજ ચડી. જામ સતાજીનો ભાઈ ખેંગારજી બાર ગામ લઈને નગરથી ઊતરેલો, તેના મુખ્ય ગામ રાવળ ઉપર તૂટી પડયા, કેમ કે રામદેવજીને મરાવી નાખનાર બંગારજી જ હતા. મેરોએ ગઢ ભેળી લીધે, પણ ખેંગારજી કોઠા ઉપરથી નીચે ઊતરતો નહોતો.

ત્યારે ચારણે કહ્યું : "આજ ખેંગારજી કોઠામાં ન હોય, કોઠો ખેંગારજીમાં હોય."

ખેંગારજી ઊતર્યો ને મરાયો. એનું માથું કાપીને મેરો ક્લાંબાઈ પાસે લાવ્યા. રાવળ ગામ લૂંટીને ખેંગારજીના નગારાં લઈ ગયા.આજ પણ રાણાને ઘેર 'ખેંગાર-નગારાં' પડયાં છે. 

ત્યાર પછી મેરોએ બરડામાંથી જામની ફોજ તગડવા માંડી. બોખીરામાં જામના દાણી રહેતો હતો તેને ઉઠાડ્યો. જામની સેના સામે લડતાં ૨૪૫૦ મેર મૂઆ. કસવાળિયા, મોઢવાડિયા, રાજસખા અને ઓડદરા, એમ ચાર વંશના મેરો સામેલ હતા. કેસવાળા મેરને માટે કહેવાય છે કે :

કે'દી કેસવાળા તણો, નર નરસો ન થાય,

પડકાર્યો પડમાંય, કુંદર ઢાળે કેસવો.

કેસવાળા કેસવ તણો, પોરસ અંગ પાતે,

દજડે ભલ દાખ્યે, કુંજર ઢાળે કેસવો -

આખો મુલક હાથ કરીને મેરોએ કલાંબાઈને કહ્યું : "લે મા, તારું રાજ સંભાળી લે."

રાણીએ કહ્યું : "મારા વીરાઓ ! જાઓ, આજ એક રાતમાં તમે જેટલાં ગામને તોરણ બાંધો તેટલાં ગામ તમારાં." રબારી તો એવા રાજી-રાજી થઈ ગયા કે રાત બધી સૂઈ રહ્યા ! અને મેરોએ ચાળીશ ગામનાં તોરણ બાંધ્યાં. રબારીઓ ભળકડે ઊઠયા, અને માત્ર કાળીખડું અને રાંધાવું, એ બે ગામને જ તેઆ પહેાંચી શકયા.

આ વાર્તાના સંબંધમાં લોકો ગાય છે કે :

ખીમજી શું ન ખાટિયે નાગર !

જેઠવો, જોરાબોળ,

બરડે બેઠા બિલનાથ બંકા દીએ 

નગારે ઠોર.

દીએ નગારે ઠોર ઠણેણે, ને સોળસેં બાંધી તેજણ હણેણે,

સાત સાયર ને સૂસવે સાગર, ખીમજી શું ન ખાટિયે નાગર !

 

***

 

વર વડાળું ને રાવળું, કન્યા, 

વિગતે વિવા થાય, 

પ્રથમ કંકોતરી કુતિયાણે મોકલી, 

જુનેગઢ ખબરું જાય.

જુનેગઢ ખબરું જાય તે જાશે, અમરજી દીવાન ભેળા થાશે, 

તમે આવ્યે આંહીં ભાગશે ભન્યા, વર વડાળું ને રાવળું કન્યા,

 

***

 

રૂડી રધ રાવળે મંડાણી, 

ચૂનેરી ગઢ ચણાય, 

જામ વિભોજી ગોખમાં બેઠા, 

જેઠવી ફોજું જાય.

જેઠવી ફોજું જાય તે જાણી, બોખીરે બેઠા જામના દાણી, પાણો કાંકરો લીધો તાણી રૂડી રધ રાવળે મંડાણી.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.