કાઠિયાણીની કટારી

02 Feb, 2018
08:01 AM

ઝવેરચંદ મેઘાણી

PC: khabarchhe.com

કારતક મહિનાને એક દિવસે બપોર નમતા હતા. પાંચાળના ડુંગરા વીંધીને એક વેલડું ચાલ્યું આવતું હતું. બેય પડખે બે ભાલાળા વોળાવિયા પોતાની ઘોડીઓને ખેલવતા આવતા હતા. આરસપહાણના પોઠિયા જેવા ધોળા ને ધીંગા બે વાગડિયા બળદો એવા વેગમાં પંથ કાપતા હતા કે જાણે ઘર ભણી જાતા હોય એવું કળાઈ આવે.

બળદની ધીંગી ધીંગી ડોકમાં ઘૂઘરમાળ રણઝણતી હતી. વચ્ચે વચ્ચે ગળે ઝૂલતી ટોકરીના રણકાર સાદ પુરાવતા હતા અને વેલડાનાં પૈડાંમાં પરોવેલી પાંદડીઓ પણ રૂમઝૂમ થાતી હતી. ડુંગરના ગાળામાંથી સામા પડછંદા ઊઠીને ત્રણે સૂરની જમાવટમાં ભળી જતા હતા. બળદના વેગમાં વધઘટ થાય તેમ તેમ એ રણઝણાટનાં ધીરાં-અધીરાં મેાજા વગડાના સૂસવતા પવનની લહેરો ઉપર હિલોળે ચડતાં હતાં. બળદને અંગે ઝૂલતી હીરભરી ઝુલ્યોમાંથી અને બળદનાં શીંગ ઉપર સજેલી ખોભળોમાંથી નાનકડાં આભલાં જાણે સૂરજનાં કિરણોની સામે સનકારા કરી રહ્યાં હતાં. એવું ભરતકામ તો સોરઠિયાણીના રળિયામણા હાથ વિના બીજુ કોણ કરી જાણે?

એવા રઢિયાળા હાથવાળી એક કાઠિયાણી આ વેલડીમાં બેસીને પોતાના મહિયરમાંથી સાસરે આણું વાળીને જાતી હતી. બળદ જરાક ઢીલા પડતા કે તરત માફામાંથી ડોકું કાઢીને કાઠિયાણી ગાડાખેડુને ટૌકા કરતી હતી કે, "ભાઈ! હાંક્યે રાખ્ય, મારા વીર! ઝટ વાળુ ટાણે પોગી જાયેં."

કાઠિયાણીને આજ રાતે પહોંચીને એના રંગભીના કંથની પથારી કરવાના કોડ હતા.

રણવગડામાં એકલી એકલી નાચ કરતી અપ્સરા જેવી એ રાતી ચોળ વેલડી પાંચાળના સીમાડા વળેાટીને જે વખતે ગોહિલવાડના મુલકમાં દાખલ થઈ, તે વખતે સંધ્યાકાળના હૈયામાં જાણે કોઈએ કટારી હુલાવી હોય તેમ રાતા લોહીની શેડ્યો વછૂટતી હતી. વટેમાર્ગુઓના લાંબા લાંબા પડછાયા માથાં વગરના ખવીસ જેવા વાંસે દોડતા હોય તેવા લાગતા હતા. લોહિયાળું મોઢું લઈને સૂરજ મહારાજ ડુંગરની પછવાડે કોઈ દરિયામાં નાહવા ઊતરતા હતા.

કેડાને કાંઠે એક ખેતર હતું. તેમાં એક આદમી ભેંસો ચારે છે. વેલડું જોતાં જ એ આદમીએ પોતાની ભેંસો રેઢી મૂકીને દોટ દીધી, પણ રીડ ન પાડી. હાંફતો હાંફતો એ વેલડાને આંબ્યો અને ધીરે સાદે અસવારોને પૂછવા મંડ્યો : "જુવાન્યો! કિયા ગામની વેલ્ય છે?"

"રાજપરાની." વાળાવિયે કહ્યું.

"કીસેંથી આવતા સો, બાપ?"

"પાંચાળમાં ભાડલેથી."

"વેલડામાં કમણ બીઠું સે?"

"આઈ સજુબાઈ : રાજપરા-હાથિયા ધાધલનાં ઘરવાળાં : દેવાત ખાચરનાં દીકરી."

"જુવાન્યો! ભૂંડો કામો કર્યો. આ મોતને મારગ તમુંહીં કુંણે દેખાડ્યો!"

"કાં?"

"આંસે નજર કરો. સામી દેખાય ઈ ભીમડાદ દરબારની મેડિયું. ગામને સીમાડેથી સારું બાઈમાણસ આબરૂ સોતું નસેં, મોળા બાપ! ગજબ કર્યો."

"પણ છે શું? "

"આ માઢમેડી જોઈ? ભીમડાદનો દરબાર ખોખરો શેખ મેડીએ બીઠો બીઠો આખી સીમમાં શકરાના જેવી નજરું ફેરવ્યા કરે છે. ચારે ફરતાં કાઠીએાનાં ગામડાં ઉપર ટાંપે ટાંપેને કાઠિયાણિયુંની ગારગોરમટી નરખે છે, કાઠિયાણિયુંની માંડછાંડનાં ઈને સપનાં આવતાં સેં. કાઠિયાણીનાં મોઢાંનો તો ઈ કાળમુખો જાપ જપતો સે, બાપ! એક રાત ઈની મે'માનગતિ ચાખ્યા વન્યા કોઈ રેઢું ઓંજણું જાવા પામતું નથી. જોવો બાપ, નદીને કાંઠે ઈની માઢમેડી ઝપેટા ખાતી સેં. નદીનાં પાણી ઈના મોલ હારે થપાટાં ખાતાં સેં. ભા! ગજબ કર્યો તમે!"

"બીજો કોઈ મારગ છે? "

"ના રે, મોળા બાપ! મારગ કે બારગ? કાંણુંય ન મળે. જીસેં જાઓ તીસે બબે માથેાડે નદીના ભેડા ઊભા છે. ગામ સોંસરવા થઈને આ એ જ મારગ એાલ્યે કાંઠે જીસેં."

"ત્યારે ગામ વચ્ચોવચ જ હાલવું પડશે?"

"બીજો ઉપા' નસેં બાપ!"

વેલડાનો પડદો એક બાજુ ખસેડીને આઈ સજુબાઈએ ડોકું કાઢ્યું : ચંદ્રમાએ જાણે વાદળના અંતરપટમાંથી મોઢું બતાવ્યું. જાણે કાંઈયે આકુળવ્યાકુળતા ન હોય, તેમ આઈએ ડાંગવાળા આદમીને પગથી માથા સુધી માપી લીધો: કાળા ભમ્મર કાતરા, માથે મોટો ચોટલો, ડોકમાં માળા, અને આંખમાં સતધર્મનાં તેજ જોઈ એ આદમીને પારખ્યો, પૂછ્યું:

"દેવીપુતર લાગો છો, બાપ!"

"હા, આઈ! ચારણ સાં. ગજબ..."

"કાંઈ ફકર નહિ, ભા! કાંઈ હથિયાર રાખો છો?"

ચારણની કેડે કટાર ખેાસેલી હતી. ભેટમાંથી કાઢીને ચારણે આઈ ભણી લાંબી કરી. આઈએ તે ઉપાડી લઈને કહ્યું :

"રંગ તુને! હવે મૂઠિયું વાળીને રાજપરાને રસ્તે વહેતો થા, અને કાઠીને વાવડ દે, બાકી તો જેવી સૂરજ ધણીની મરજી, મારા વીરા!"

ભેંસનું ખાડું રેઢું મેલીને ચારણે ડાંફો ભરવા માંડી.

વેલડું હાલ્યું. નદી વળોટી. ગામ વીંધ્યું. સામે કાંઠે ચડીને વહેતું થયું. ગામથી દોઢેક ખેતરવા પહોંચ્યું ત્યાં વાંસેથી ખેપટ ઊડતી ભાળી. જોતજોતામાં તો દસ દાઢીવાળા અસવારો લગોલગ આવી પહોંચ્યા. આઈ એ એના વોળાવિયાને ચેતવ્યા : "ખબરદાર! અધીરા થાશો નહિ!"

વોળાવિયાએાએ હાથમાં ઉગામેલાં ભાલાં પાછાં મૂકી દીધાં. તરવારોની મૂઠ પર પડેલા એમના પંજા પાછા ખેંચાઈ ગયા. આઈની આજ્ઞા સાંભળીને બેય કાઠીએાની ભ્રૂકુટિ સામસામી ખેંચાઈને ભેળી થઈ ગઈ અસવારોએ આવીને પડકાર કર્યો :

"વેલ્યુને પાછી વાળો, અટાણે નહિ હાલવા દેવાય; દરબારનો હુકમ છે. અહીં ચોર-લૂંટારાનો ભો છે."

વેલડાનો પડદો ફરી ખસ્યો. કાઠિયાણીએ મોં મલકાવ્યું. ગલગોટા જેવું મોં મલકતાં તો ભીમડાદના અસવારો પીગળી ગયા. પોથીના લાલ લાલ રંગમાં રંગેલા એના દાંતની કળીઓ દેખાણી. દાંત ઉપર જડેલી હેમની રેખા ઝબૂકી.

"અમને ક્યાં લઈ જાવાં છે?" આઈ એ મીઠે સાદે પૂછ્યું.

"અમારા શેખસાહેબનાં મે'માન થાવા." અસવારોએ હિંમત રાખીને નોતરું દીધું.

"એ... એ...મ? શેખસાહેબને તો અમેય જાણીએ છીએ, ભા! એમના મે'માન થવાની તો સહુને હોંશ હોય, પણ આમ સપાઈ-સપરાંની સાથે હાલ્યાં આવે ઈ તો કોક ગોલાં હોય! અમે એમ નો આવીએ. જઈને દરબારને કહો કે મે'માનગતિ કરવી હોય તો પંડે આવીને તેડી જાય; બાકી, તમથી તો વેલ્યુ નહિ પાછી વળે."

અસવારોએ એકબીજાની સામે નજર નેાંધી, આવી કોઈ રસીલી હુરમે આજ સુધી આવો રાજીપો નથી બતાવ્યો એમ લાગ્યું. એક અસવાર નોખો તરીને બાપુને બોલાવવા ચાલ્યો. બાકીના નવ જણા વેલડાને વીંટીને ઊભા રહ્યા.

ખોખરા શેખને ઘોડેસવારે જઈને ખબર દીધા. એમણે ઇશ્કનો લેબાસ સજ્યો. હીનાનું અત્તર એના કિનખાબના કબજામાં ફોરવા લાગ્યું. સોનાની મૂઠવાળી તલવાર એણે બગલમાં દાબી, અને હીરે જડેલો જમૈયો ભેટમાં ધરબ્યો. પંખી જેમ એની માદાને માથે જાય તેમ ખાખરો શેખ ઘોડે ચડીને વેલ્ય ભણી વહેતો થયો.

કાઠિયાણીએ ફરી વાર ડોકું કાઢ્યું, છાતી પણ બહાર બતાવી. એના કાંડાની ઘૂઘરીજડિત ચૂડીઓ રણઝણી ઊઠી. માથેથી આછું મલીર અંબોડા ઉપર ઢળી પડ્યું, હેમની દીવીમાં પાંચ વાટ્યો પ્રગટાવી હોય તેવી પાંચ આંગળીએાવાળા હાથમાં લાલ હિંગળો જેવો પડદો ઝાલી રાખ્યો. કાઠીયાણી જાણે આફરીન થઈને શેખસાહેબ ઉપર કામણગારું રૂપ ઢોળવા લાગી.

"આવો ને અંદર!" એટલાં જ વેણ એના પરવાળા જેવા હોઠમાંથી ટહુક્યાં, નેણ ઊછળ્યાં! વોળાવિયા કાઠીઓનાં માથાં જાણે ફાટી પડ્યા. ખોખરો ઘોડેથી ઊતરીને વેલ્યમાં ચડવા ગયો, કેડ સુધી અંદર દાખલ થયો. હાથ પહોળાવીને માશુકને છાતીએ ચાંપવાની જ વાર હતી: એક જ વેંતનું અંતર હતું : ત્યાં તો ભોંણમાંથી ફૂંફાડો મારીને કાળી નાગણી છૂટે તેમ સજુબાના હાથમાંથી કટારી છૂટી. ખોખરાની ઢાલ જેવડી છાતીમાં છેક કલેજા સુધી એ કટારી ઊતરી ગઈ. ઘડી પહેલાંની કામણગારી કાઠિયાણીએ ચંડીનું રૂપ ધર્યું. ગોઠણભર થઈને એ દૈત્યની છાતી ઉપર ચડી બેઠી. દાંત ભીસીભીસીને કટારી ઉપર જોર કરવા લાગી. ખોખરાની પહોળી ગરદનમાંથી એટલો જ અવાજ નીકળ્યો : "દગા! દગા! દગા!"

સિંહણ ત્રાડ દે તેમ સજુબાએ ચીસ પાડી : "તૂટી પડો! કટકેાય મેલશો મા! "

વેલ્યમાં ખોખરાનાં આંતરડાંનો રાતોચોળ ઢગલો થયો; બહાર ખોખરાના સિપાઈ અને કાઠીઓ વચ્ચે ધીંગાણું મચ્યું. કાઠી બચ્ચાઓએ તરવાર ખેંચીને સબોસબ ઝીંક બોલાવવા માંડી. તાશેરો કરનાર સિપાઈઓ મર્યા, બાકીના ઘાયલ થયા. કેટલાક ભાગ્યા. કાઠીએાના પણ કટકેકટકા ઊડી ગયા.

અંધારાં ઘેરાતાં હતાં. કાઠિયાણીની લોહિયાળી કટાર ચાંદરડાંને અજવાળે તબકતી હતી. ત્યાં તો ચારણ અને હાથિયા ધાધલની વહાર આવી પહોંચી. લોહીમાં રંગાયેલી કાઠિયાણીને જોઈને કાઠીની છાતી ઉપર પાસાબંધી કોડિયાની કસો તૂટવા લાગી. વેલડું રાજપરે પહોંચ્યું. મધરાતે ચંડિકા મટીને એણે જોબનના શણગાર સજ્યા. એની આંખમાં કંથડો કાંઈક જોઈ રહ્યો.

ચારણે જોયું કે ભીમડાદના માઢ ઉપર દીવા ઓલવાયેલા હતા. ગામમાં સમી સાંજે સોપો પડી ગયેા હોય એવી ધાક બેસી ગઈ હતી. ખોખરાની કાયા લોહીમાં રગદોળાતી સીમાડે પડી હતી.

રાતોરાત ચારણ ભડલી પહેાંચ્યો; ત્યાંના કાઠીએાને કહ્યું : "હાલો બાપ, આકડે મધ અને માખિયું વિનાનું છે. ભીમડાદના તાલુકા ઉપર તમારી નોબત્યું વગડાવીને નેજો ચડાવી દ્યો."

ભડલીવાળા આળસુ કાઠીએાએ કહ્યું : "હા બા, સવારે પરિયાણ કરશું." અને વધામણી લઈને આવનારા ચારણનો એમણે કાંઈ આદર ન કર્યો.

રાતોરાત ચારણ ભાગ્યો : કુંભારા ગામમાં જઈને મેરામ ખાચરને ખબર દીધા : "બાપ, જોગમાયા ભડલીવાળાના કરમમાંથી ભૂંસીને ભીમડાદ તને દે છે, લેવું છે?"

એ મેરામ ખાચર કોણ? એાળખાણ આપીએ : પાળિયાદના દરબાર માચા ખાચરના એ મોટેરા કુંવર. સાવકી મા હતી. નવાં આઈને પેટ પણ નાનેરા ભાઈ જન્મેલા હતા. એક વખત માચા ખાચરનું શરીર લથડ્યું. મોતની પથારી પથરી પથરાણી. દરબારની પાસે બેસીને કાઠિયાણી કલ્પાંત કરવા લાગી : "કાઠી! તમારું ગામતરું થયે મારા છોકરાનું શું થાશે? આ મેરામ મારા પેટને વીઘોય જમીન નહિ ખાવા દે, હો! ને હું રઝળી પડીશ."

આવું આવું સાંભળીને આપા માચાનો જીવ ટૂંપાતો હતો. એનું મોત બગડતું હતું.

મેરામ ખાચરને ખબર પડી. બાપુની પથારી પાસે આવીને એણે માળા ઉપાડી; બોલ્યા : "આઈ, શીદને ઠાલાં મારા બાપની છેલ્લી ઘડી બગાડો છો? આ લ્યો, સૂરજની સાખે માળા ઉપાડું છું કે પાળિયાદની તસુ જમીન પણ મારે ન ખપે. અને મારા ભાગ્યમાં હશે તો વિધાતાયે નહિ ભૂંસી શકે. જાઓ, આઈ! મેાજ કરો. અને બાપુ, તમારા જીવને સદ્દગતિ કરો."

માચા ખાચરનો દેહ છૂટી ગયેા. આઈ એ પસ્તાવો કર્યો. એણે ઘણા કાલાવાલા કરી જોયા : "બાપ મેરામ, તું તારા ભાગનો ગરાસ તો પૂરેપૂરો લે."

પણ મેરામ ખાચર લીધી પ્રતિજ્ઞા લોપે નહિ. એણે ફક્ત કુંભારું ગામ અને સરવાની ત્રીજી પાટી રાખી. પોતે પાળિયાદમાંથી રહેણાક કાઢી નાખ્યાં અને સરવે જઈ રહ્યા.

***

એવા મેરામ ખાચરને ચારણે ભીમડાદના વાવડ દીધા. જગદંબાએ જ જાણે કે મહેર કરી. રાતોરાત મેરામ ખાચરે ભીમડાદનો કબજો લીધો.

સવારે ભડલીવાળા ઝોકાં ખાતા ખાતા ભીમડાદ આવ્યા. ચારણે કહ્યું : "કાં બાપ! ઊંઘી લીધું? જાવ, તમને ગરાસ કમાતાં નો આવડે."

પણ મેરામ ખાચરને જાણ થઈ કે ગઢવો પ્રથમ ભડલી ગયેલો હતો એટલે એણે સખપર ગામ ભડલીને આપ્યું. સારંગપર ગામ ચારણને મળ્યું. ચારણોએ એની બિરદાવલી લલકારી :

મેરામણ મેલ્યે, મહીપત બીજ માગવા,

(ઈ તો ) કુંજર ઠેલે કરે, મેંઢે ચડવું માચાઉત!

એક મેરામ ખાચર મૂકીને બીજા કોઈ રાજાએાની પાસે યાચવા જવું એ તો હાથીને છોડી ઘેટા ઉપર ચઢવા જવા બરોબર કહેવાય. મેરામ ખાચર એટલો બધો ઉદાર છે.

ઉન્નડ ગઢડે અન્ન દીએ, જીવો હાડીકે જે,

જેરુ કોટ મછરાજરો, ત્રીજો ટોડો તે.

જેમ ગઢડામાં ઉન્નડ ખાચર ને હાડકામાં જીવો ખાચર ઉદારતાથી રોટલો આપે છે, તેમ ત્રીજો દાતા માચા ખાચરનો પુત્ર મેરામ ખાચર છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.