શૂરવીરની પહેલી મિલન-રાત

27 Oct, 2017
12:01 AM

ઝવેરચંદ મેઘાણી

PC: khabarchhe.com

(દુહા)

પે'લો પહોરો રેનરો, દીવડા ઝાકમઝોળ,

પિયુ કંટાળો કેવડો, ધણ કંકુની લોળ. (૧)

(મોલન-રાત્રિનો પહેલો પહોર છે. દીવા ઝળહળે છે. સ્વામી કાંટાળ કેવડા સરખો સુંદર અને સુગંધમય દીસે છે. સ્ત્રી જાણે કંકુમાંથી સર્જેલી પૂતળી લાગે છે.

 

દુજો પહોરો રેનરો, વધીઆ નેહસનેહ,

ધણ ત્યાં ધરતી હો રહી, પિયુ અષાઢો મેહ. (૨)

(રાત્રિનો બીજો પહોર બેઠો. એ અજાણ્યા યુગલ વચ્ચે પ્રીતડી વધી પડી. પત્ની તૃષાતુર ધરણી સમ બની ગઈ ને પિયુ અષાઢીલા મેઘ જેવો પ્રેમધારા વરસાવવા લાગ્યો.)

 

ત્રીજો પહોરો રેનરો, દીવડા શાખ ભરે,

ધણ જીતી પિયુ હારિયો, રાક્યો હાર કરે. (૩)

(ત્રીજા પહોરે દીવાની સાક્ષી રાખીને પ્રીતિના ખેલ ખેલાયા. પત્ની જીતી ને પતિ હારી ગયો. હારેલા પતિને સ્ત્રીએ કબજામાં લીધો. શી રીતે? હૈયાનો હાર કરી લઈને.)

 

ચોથો પહોરો રેનરો, બોલ્યા કૂકડ કાગ,

ધણ સાંભળે કંચવો, પિયુ સંભાળે પાગ! (૪)

(ચોથે પહોરે તો પ્રભાત પડ્યું, કૂકડાને કાગડા બોલ્યા. સ્ત્રીએ પોતાની કાંચળી સંભાળી લીધી ને પતિએ પાઘડી લીધી.)

 

પાંચમો પહોરો દિવસરો, ધણ ઊભી ઘરબાર,

રૂમઝૂમ રૂમઝૂમ હો રહી, ચૂડી કંકણ હાર. (૫)

(પાંચમે પહોરે, દિવસ વેળાએ, પત્ની ઘરને બારણે ઊભી રહી રહી. એના હાથની ચૂડીઓ, કંકણો અને ડોકના હાર રૂમઝૂમાટ કરી રહ્યા છે.)

 

છઠો પહોરો દિવસરો, કરિયા જિમ્મણવાર,

તન ચોખા મન લાપસી, નેણાં ઘીની ધાર. (૬)

(છઠ્ઠે પહોરે જમણ બનાવીને જમાડે છે. તનરૂપી ચોખા : મનરૂપી કંસાર; અને તેમાં આંખોનાં અમીરૂપી ઘીની ધાર પીરસાય છે.)

 

સાતમો પહોરો દિવસરો, પિયુજી વાડીએ જાય,

પિયુજી લાવે અંબફળ, ધણ ઘોળે પિયુ ખાય. (૭)

(દિવસને સાતમે પહોરે પતિ વાડીમાં જાય છે. ત્યાંથી કેરીઓ લાવે છે. સ્ત્રી કેરીઓ ઘોળતી જાય છે ને પતિ ચૂસતો જાય છે.)

 

આઠમો પહોરો દિવસરો, ચડી દીવડલે વાટ,

ધણ મરકે પિયુ હસે, ફેર બિછાવે ખાટ. (૮)

(આઠમો પહોર બેઠો. દીવા પેટાયા. પત્ની મરક મરક મલકી રહી છે. પતિ હસે છે. ફરી વાર સેજ પથરાય છે.)

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.