સિંહનું દાન
મૂળીની પાટ ઉપર સાતમી પેઢીએ ચાંચોજી થઈ ગયા. એક વખત હળવદના રાજરાણા કેસરજી, ધ્રોળના રાજા અને ચાંચોજી એકસાથે ગોમતીજીમાં નાહવા ગયા હતા. ગેામતીજીમાં સ્નાન કરતી વખતે ધ્રાંગધ્રાના તથા ધ્રોળના દરબારે કાંઈક વ્રતો લીધાં, પણ ચાંચેાજીએ તો એવું વ્રત લીધું કે 'મારી પાસે જે કાંઈ હશે તે હું મારા જાચનારને આપીશ.'
ત્રણે જાત્રાળુઓ ઘરે આવ્યા. બે મોટા દરબારોનાં વ્રત થોડે વખતે છૂટી ગયાં, પણ ચાંચોજીની પ્રતિજ્ઞા તો જીવસટોસટની હતી.
હળવદ દરબારે પોતાના દસોંદી ચારણને ઉશ્કેર્યા. વચન આપ્યું કે પરમારનું નીમ છોડાવ તો તું જે માગે તે તને આપું.
ચારણ કહે: "પરમારનો પુત્ર હું માથું માગીશ તો માથુંયે વધેરી દેશે."
દરબાર કહે : "એવું કંઈક માગ કે પરમારને ના પાડવી પડે."
ચારણ મૂળી આવ્યો. ભરકચેરીમાં દેવીપુત્ર અને અગ્નિપુત્ર ભેટીને મળ્યા. ચાંચોજી કહે: "કવિરાજ, આશા કરેા."
"બાપ ! તમથી નહિ બને."
"શા માટે નહિ ? માંડવરાજ જેવા મારે માથે ધણી છે. આ રાજપાટ ઉપર તો એની ધજા ફરકે છે, મારી નહિ. કોઈ દિવસ આ રાજપાટના ગુમાન કર્યા નથી; માંડવરો ધણી એની લાજ રાખવા જરૂર આવશે."
"અન્નદાતા, મારે તારી રિદ્ધિસિદ્ધિની એક પાઈયે નથી જોતી. તારા લાખપશાવ પણ ન ખપે. તારા માથાનો પણ હું ભૂખ્યો નથી."
"જે માગવું હોય તે માગો."
ચારણે ગોઠણભર થઈને દુહો કહ્યો કે :
અશ આપે કે અધપતિ, દે ગજ કે દાતાર,
સાવઝ દે મું સાવભલ, રે પારકરા પરમાર !
કોઈ રાજા ઘોડાનાં દાન કરે, તો કોઈ હાથી આપે, પણ હે સહુથી ભલા રાજા, તું મને જીવતો સાવજ આપ.
"સાવજ!" સભાનો અવાજ ફાટી ગયો.
"હા, હા, જીવતો સાવજ !" ચારણે લલકાર કર્યો :
જમીં દાન કે દે જબર, લીલવળું લીલાર,
સાવઝ દે મુ સાવભલ, પારકરા પરમાર !
કોઈ જબરા રાજાએ જમીનનાં દાન આપે, કેાઈ પોતાનાં લાલાં માથાં ઉતારી આપે, પણ હે પરમાર, તારી પાસે તો હું સાવજ માગું છું.
હાહાકાર કરીને આખી કચેરી તાડૂકી ઊઠી : "ગઢવા, આવું માગીને પરમારની આબરૂ પાડવામાં વડાઈ માને છે કે ?"
ચારણે તો બિરદાવળ ચાલુ જ રાખી :
ક્રોડપસાં દે કવ્યંદને, લાખપસાં લખવાર,
સાવઝ દે મું સાવભલ, પારકરા પરમાર !
તું બીજા કવિઓને ભલે ક્રોડપસાવ અને લખપસાવનાં દાન દેજે, પણ મને તે, હે પારકર પરમાર, સાવજ જ ખપે.
"ગોઝારો ગઢવો !" સભામાં સ્વર ઊઠયો. ગઢવીએ ચેાથો દુહો ગાયો:
દોઢા રંગ તુંને દઉં, સોઢા, બુદ્ધિ સાર,
મેાઢે ઊજળે દે મને, પારકરા પરમાર !
હે સારી બુદ્ધિવાળા સોઢા પરમાર, હસતું મોં રાખીને મને સાવજ દેજે, એટલે હું રાજાઓની કચેરીમાં તારાં દોઢાં વખાણ કરતો કરતો જ કસુંબો લઈશ.
ચાંચોજીના મુખની એકેય રેખા બદલી નહિ. મોં મલકાવીને એણે કહ્યું : " કવિરાજ, આવતી કાલે પ્રભાતે તમને સાવજનાં દાન દેશું."
***
મધરાતે માંડવરાજના થાનકમાં જઈને ચાંચોજીએ અરજ ગુજારી : "એ સૂરજદેવ ! જીવતો સાવજ શી રીતે દઉં ? તારી ધજા લાજે નહિ એવું કરજે, દેવ !"
દેવળના ઘુમ્મટમાંથી ધણધણાટી દેતો અવાજ આવ્યો : "હે ક્ષત્રી ! એમાં મારી પાસે શું આવ્યો ? મારા ડુંગરમાં આટલા આટલા સાવજ ડણક દઈ રહ્યા છે; તું ક્ષત્રી છે. તે એમાંથી એકાદને ઝાલી લે !"
બીજો દિવસ થયો. પ્રભાતે આખી કચેરીને લઈને ચાંચોજી ચોટીલાના ડુંગરમાં ગયા. ચારણને કહ્યું : " ચાલો, કવિરાજ, સાવજ આપું."
પરમારના ચારણોએ બિરદાવળ ઉપાડી :
પાંચાળી ચીર પૂરિયાં, વીઠલ, તેં વણપાર,
શરમ રાખ્યા ચાંચાતણી, જગદીશણ ગજતાર !
ત્યાં તો ત્રાડ દેતો એક સિંહ નીકળ્યો, દોટ કાઢીને ચાંચોજીએ એના કાન ઝાલ્યા. બકરી જેવો બનીને સિંહ ઊભો રહ્યો. પરમારે બૂમ પાડી : "લ્યો કવિરાજ, આ સાવજનાં દાન."
ચારણ પાછે પગે ભાગવા લાગ્યો ત્યારે ચાંચોજીએ સાદ કર્યો : "ગઢવા ! નવ લાખ લોબડિયાળીઓ લાજે છે. અરે ! તું કેાઈકનો શીખવ્યો મારી લાજ લેવા આવ્યો, ને હવે ભાગ્યો ?"
સાવઝ ભાળી સામહો, ભડક્યા, કેમહી ભાગ,
પાંથું, પાછા પાગ, ભરવા ન ઘટે ભડ જને !
સિંહને સામો ઊભેલો જોઈને ભડકીને કેમ ભાગો છો ? એા ચારણ ! મર્દને પાછાં પગલાં માંડવાં ન શોભે.
દાન માગતી વખતે ગઢવી એ વાત ભૂલી ગયેલો કે દેવા કરતાં લેવું ભારે પડશે. અને એક વાર માગેલું દાન સ્વીકાર્યા વિના તો બીજો ઉપાય નહોતો, ચારણનો વંશ લાજે. શું કરવું ? ચારણે ચતુરાઈ કરીને આઘે ઊભાં ઊભાં કહ્યું કે:
ચાંચે સિંહ સમપ્પિયો કેસર ઝાલિયો કાન,
(હવે) રમતો મેલ્યે રાણા, પોત્યો પરમાર ધણી !
ઓ બાપ ચાંચા, તેં કેસરી સિંહનો કાન ઝાલીને મને સમર્પણ કર્યો, એ હું કબૂલી લઉં છું. મને દાન પહોંચી ગયું. હવે તું તારે એને રમતો મૂકી દે, હે રાણા !
સાવજને માથે હાથ ફેરવીને રાજા બોલ્યો : " જાઓ, વનરાજ ! મારી લાજ આજે તમે રાખી છે." સાવજ ચાલ્યો ગયો. લેાકેા કહે છે કે એ માંડવરાજ પોતે જ હતા.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર