ઉત્સવ અમારા ચારનો

15 Dec, 2015
12:00 AM

mamta ashok

PC:

દોસ્તો અને દોસ્તીની વાત લખવી હોય તો એક લેખ નહીં પરંતુ આખી થિસિસ લખવી પડે. કારણ કોઈ નાનકડા લેખમાં તમે થોડા કિસ્સા કે એકબે ઘટનાઓ જરૂર આલેખી શકો. પરંતુ આખેઆખું જીવન આલેખવાનું હોય તો એક પુસ્તકમાં લખાય એટલા શબ્દો તો લખવા જ પડે! હા, દોસ્તી એ જીવન છે મારા માટે. જીવનમાં જો દોસ્ત નહીં હોય તો હું પણ નહીં હોઉં એમ કહું તો અતિશયોક્તિ લાગશે, પરંતુ વાસ્તવિકતા કંઈક આવી જ છે. એનું કારણ કદાચ એ હોઈ શકે કે, અન્ય લોકોના જીવનમાં લાઈફના જુદા જુદા તબક્કે મિત્રો બદલાતા રહ્યા છે, પરંતુ મારા દોસ્તો એવા છે, જેઓ જીવનના તમામ તબક્કે મારી સાથે રહ્યા છે અને અમે બધાએ મળીને ખૂબ જલસા કર્યા છે.

અમારી ટોળીમાં અમે ચાર દોસ્તો. હું, અમર, મિહિર અને ચિરાગ. અમે સૌ એક જ ગામના અને અમુક મહિનાના અંતરે જન્મેલા.  જન્મેલા એક જ વર્ષે એટલે સ્કૂલમાં એડમિશન પણ સાથે જ થયેલું અને નસિબજોગે ચારેય દોસ્તો એક જ ક્લાસમાં ભણવા પણ બેઠા. ગામ એક, સ્કૂલ એક અને ક્લાસ પણ એક. સાથે રમીએ, સાથે ધમાલ કરીએ અને કોઈ કોઈ વાર સાથે ભણીએ પણ ખરા. નાનપણથી અમારા ચારનો એવો શોખ કે, અમને રસ્તે ચાલતા કો’ક માણસને ચીડવવા જોઈએ. કોઈ બિચારું ભરતાપમાં પસીને રેબઝેબ ચાલતું જતું હોય અને અમે ચાર જો ત્યાંથી પસાર થતાં હોઈએ તો અમે એને ખૂબ ચીડવીએ અને અમારી પાછળ એને દોડાવીએય ખરા. જોકે આ બધી અમારી નાનપણની ધમાલ મસ્તી હતી. ત્યારે અમને આવી બધી વાતોની ગંભીરતા ખબર નહોતી પડતી. પણ અત્યારે જ્યારે અમે એ બધી મસ્તી યાદ કરીએ છીએ ત્યારે અમને થોડીઘણી શરમ તો આવે છે, પરંતુ સાથે જ અમારા ચહેરા પર હાસ્ય પણ આવી જાય છે. આફ્ટર ઑલ એ અમારું બાળપણ હતું.

આ ઉપરાંત અમે ચાર દોસ્તો સ્કૂલમાં પણ એટલી જ ધમાલ મસ્તી કરતા. સ્કૂલમાં કોઈ પિરિયડ બદલાય ત્યારે એક શિક્ષક જાય અને બીજા શિક્ષક આવવાના હોય ત્યારે વચ્ચેના ગાળામાં ક્લાસના બધા જ વિદ્યાર્થીઓ મસ્તી કરતા હોય. પરંતુ અમે ચાર ધમાલીઓ સંગીતના ભારે રસિયા એટલે અમને વચ્ચેના એ ગાળામાં મોટે મોટેથી ગાવા અને ઢોલ વગાડવા જોઈએ. અને ઢોલ એટલે શું? તો કે, અમારી બેન્ચની ઉપરની પાટલી, જેના પર અમે પાણીની ખાલી બોટલથી જોરજોરમાં ઢોલ વગાડીએ. અમારી આ હરકતને કારણે કોણ જાણે અમે શિક્ષકોનો કેટલીય વખત માર ખાધો છે. પરંતુ માર ખાઈને પણ અમારા લક્ષ્યને વળગી રહેવું એ અમારા બેન્ડની જીદ હતી.

વળી, અમે બધા ભણવાની બાબતે પણ બહુ વખાણવા લાયક નહીં. દસમાં અને બારમાં ધોરણમાં એકદમ બોર્ડર પર ટકા આવેલા એટલે ત્યારે તો બચી ગયેલા. પરંતુ કૉલેજમાં સેલ્ફ સ્ટડી આવ્યું અને સાથે અમને મળી વધારાની સ્વતંત્રતા એટલે અમે ચારેય જણે રખડી ખાધું અને અમારાથી થયાં એટલા જલસા કર્યા. જ્યારે ફર્સ્ટ યરની વાર્ષિક પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું ત્યારે અમે ચારેય જણ નાપાસ થયાં અને એક વર્ષ સુધી અમારે ઘરે બેસવાનો વારો આવ્યો.

અમારા નાપાસના રિઝલ્ટ અને અમારી ધમાલ મસ્તીઓને કારણે અમારા ઘરના લોકોને તો એમ જ કે, આ ચારેય ડફોળો જિંદગીમાં કશું નહીં કરી શકે. પરંતુ થયું એનાથી ઉંધું. નાપાસ થવાને કારણે વર્ષ ભલે બગડ્યું હોય પરંતુ એક વર્ષના ગાળામાં અમને જીવનના તમામ પાઠ ભણવા મળ્યાં.

જીવનની એ નિષ્ફળતા તો ઘણી નાની કહેવાય અને આજના સંદર્ભમાં જોઈએ તો એને નિષ્ફળતા જ નહીં કહી શકાય. પરંતુ ઘરવાળાનો કકળાટ હોય કે, ગામમાં બધા લોકોનો અમારા ચાર પ્રત્યેનો અભિગમ હોય એ બધું જ અમને ઘણું શીખવી ગયેલું. યાદ છે અમને એ દિવસો જ્યારે અમારા ગામનું કોઈક માણસ એમના બાળકોને અમારી સાથે બેસવા કે ક્રિકેટ રમવા નહીં દેતું. કોઈ વાર તો અમારી સામે જ તેઓ એમના બાળકોને કહેતા કે, ‘ઘરે ચાલો, નહીંતર આ લોકો સાથે ફરશો તો ફરતા જ રહી જશો.’

જોકે એમાં એમનો કોઈ વાંક ન હતો. આ દુનિયાએ ઘડેલા કેટલાક માપદંડો મુજબ અમે ચાર એક વર્ષ નાપાસ થયેલા એટલે અમે કાયદેસરના નિષ્ફળ લોકો હતા. એ જ વર્ષે અમે નક્કી કરેલું કે, અમારે ચારેય જણે મસ્તી તો કરવી જ છે, લાઈફ તો જીવવી જ છે પરંતુ સાથે અમારે પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીનું ભણતર મેળવી લેવું છે. અમે કર્યું પણ એવું જ. દિલથી ભણીને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. અને ભણતર પૂરું થતાં થોડાં જ મહિનાઓમાં અમે ચારેય જણાએ સાથે મળીને અમારો બિઝનેસ શરૂ કર્યો.

શરૂઆતમાં અમને બિઝનેસમાં તકલીફ પડી પરંતુ ધીમેધીમે અમે જામતા ગયા અને અમારા બિઝનેસને વિસ્તારતા ગયા. આજે અમને અમારા પર અભિમાન તો નથી પરંતુ અમે એટલી વાતે ગર્વ જરૂર કરી શકીએ છીએ કે, અમારી સાથે કે અમારી આગળ-પાછળ ભણતા, ક્યારેય ફેઈલ નહીં થયેલા અમારા અન્ય મિત્રો કરતા અમે આર્થિક રીતે સદ્ધર છીએ અને પારિવારિક રીતે પણ સુખી છીએ. ચારેય મિત્રો ભેગા મળીને વર્ષમાં એકાદ પ્રવાસ તો દર વીકએન્ડમાં પાર્ટી જરૂર કરી લઈએ છીએ.  આમ, આ રીતે અમારા કામ અને અમારી પાર્ટીઓને કારણે અમે અમારી મૈત્રીનો ઉત્સવ જરૂર ઉજવી લઈએ છીએ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.