સાંજને ઉંબરે જોવાયેલા સપનાં
મિત્રો સાથે માત્ર જલસા જ નથી થતાં, પરંતુ મિત્રો સાથે સપનાં પણ જોવાતા હોય છે. અને સપનાં પણ કેવા કેવા? કાશ પેલી છોકરી સાથે મારો મેળ પડી જાયથી લઈને ભવિષ્યમાં મારે આટલા પૈસા કમાવા છે, કે આટલી ઉંમરે મારે આટલી ઐયાસી તો કરવી જ છે, જેવા અનેક અંતરંગ સપનાં. સપનાં જોવાની જેટલી મજા દોસ્તો સાથે આવે છે એટલી મજા અન્ય કોઈ વ્યક્તિ સાથે ક્યારેય નથી આવતી.
હું અને કિસન અગિયારમાં ધોરણથી મિત્રો અને જ્યારથી અમે મિત્રો બન્યાં છીએ ત્યાર પછી અમને અન્ય કોઈની ક્યારેય જરૂર નથી વરતાઈ. જ્યાં જઈએ ત્યાં અમે સાથે જઈએ અને જે કરીએ એમાં પણ અમે સાથે જ હોઈએ. મૂળે અમે સાયન્સ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ, પરંતુ અમારી વક્રતા એવી કે, અમને સાયન્સ સિવાયના તમામ વિષયોમાં ખૂબ રસ. ફિલ્મો હોય કે, સાહિત્ય કે પછી નાટકો હોય કે, પ્રવાસો હોય. યુવાનીને ઉંબરે પગ મૂકવાની કાચી ઉંમરે અમે ભણતર સિવાયના આ બધા શોખમાં ખૂબ રચ્યાં પચ્યાં રહ્યા અને ભણતરને નામે અમે હંમેશાં પાછલા ક્રમે રહ્યા.
કિસનને તો કુદરતે કોઈ વિશિષ્ટ શક્તિ આપેલી એટલે એ તો પરીક્ષાના થોડાં દિવસો પહેલા કે આગલી રાત્રે પણ તૈયારી કરે તો એ પાસ થઈ જાય. અને એ પણ સારા માર્ક્સ સાથે! જ્યારે આપણે ન તો આખું વર્ષ મહેનત કરીએ કે ન આગલી રાત્રે વાંચીએ એમાંનુ કંઈ આપણને યાદ રહે.
એમને એમ અમે બારમું ધોરણ તો પાસ કર્યું પરંતુ કૉલેજમાં મારો દાવ થઈ ગયો અને હું ફર્સ્ટ યરમાં નાપાસ થયો. કિસનને અને મેં આખુ વર્ષ એક સરખી રખડપટ્ટી કરેલી અને એક સરખા અમે જલસા પણ કરેલા. પરંતુ આગળ કહ્યું એમ કિસનને એની વિશિષ્ટ શક્તિઓ કામ આવેલી અને ફર્સ્ટ યરમાં એ સેકન્ડ ક્લાસમાં પાસ થઈ ગયેલો અને આપણે ત્રણ વિષયમાં નાપાસ થઈને ઝળહળતી નિષ્ફળતા મેળવી.
ઘરેથી તો રાબેતા મુજબ સાંભળવા મળ્યું, પરંતુ નાપાસ થવાને કારણે મારા આત્મસન્માનને થોડો ધક્કો જરૂર પહોંચેલો અને એ વર્ષથી મેં નક્કી કરેલું કે, મારે ગમે એમ કરીને આ સાયન્સના દોજખમાંથી બહાર આવવું છે અને એમાંથી બહાર નીકળીને કશુંક નવું ભણવું છે, મારું ગમતું કરવું છે. જોકે આ માટે હું ગ્રેજ્યુએટ થઈ જાઉં એ અત્યંત જરૂરી હતું.
એ વર્ષે કિસન તો કોલેજ જતો એટલે આખો દિવસ અમારું મળવાનું નહીં થતું, પરંતુ સાંજે એ કોલેજેથી આવે પછી અમે શહેરથી થોડે દૂર અવાવરું બ્રિજ પર બેસીને રોજ સૂર્યાસ્ત જોતાં. એ ગાળામાં જ અમે સિગારેટ પણ શરૂ કરેલી એટલે બ્રિજ પર જવાનું કારણ બીજું કંઈ નહીં પરંતુ સિગારેટ રહેતી. કિસન પાસ ભલે થયેલો પરંતુ એણે પણ સાયન્સમાં નહીં ભણીને કંઈક નવું, રસપ્રદ કરવું હતું અને હું પણ એ ફિલ્ડ છોડવાનો જ હતો.
સિગારેટના કશ ખેંચતા ખેંચતા અમે જાતજાતના સપનાં જોતાં, જેમાં હું મુખ્યત્વે એવું સપનું જોતો કે, મારે નાટકો કે ફિલ્મોની દુનિયામાં જવું છે અને અભિનય અને દિગ્દર્શન કરવું છે. તો કિસન એડ્વર્ટાઈઝિંગના ક્ષેત્રમાં કશુંક કરવાનું વિચારતો હતો. અમારા આ સપનાંને લઈને અમે ભવિષ્યની જાતજાતની કલ્પનાઓ કરતા રહેતા અને એકબીજાને ધરપત આપતા રહેતા કે, આપણા સાંજે જોવાતા આ સપનાં એક દિવસ જરૂર સાકાર થશે અને આપણા જીવનમાં પણ ક્યારેક સુખની સવાર ઉગશે અને આપણે આપણું ગમતું કામ કરી શકીશું.
એમ ને એમ વર્ષો વીત્યાં અને અમે જેમતેમ કરીને ગ્રેજ્યુએટ થયાં. મારું વર્ષ બગડવાને કારણે કિસન મારા કરતા એક વર્ષ વહેલો ગ્રેજ્યુએટ થયેલો પરંતુ મારી રાહ જોવા માટે એણે એક વર્ષનો ડ્રોપ લીધો અને એ વર્ષમાં એણે એના ક્ષેત્રને લગતુ ખૂબ વાંચ્યું. હું ગ્રેજ્યુએટ થયો એટલે તરત જ અમે મુંબઈની વાટ પકડી અને ત્યાંની એક કૉલેજમાં માસ કોમ્યુનિકેશનમાં એડમિશન લીધું. એ કોર્સ એવો હતો, જેમાં અમને બંનેને અમારા ગમતા ક્ષેત્રનું ભણવા મળતું હતું અને એની સાથે અમને બીજા ક્ષેત્રનું જાણવા-ભણવા મળતું એ વધારાનું!
મુંબઈમાં તો અમને જાણે આકાશ મળ્યું અને કૉલેજના પહેલા સેમેસ્ટરથી જ અમે અમારી ગમતી ફિલ્ડમાં ઈન્ટર્નશીપ શરૂ કરી દીધેલી. હું વિવિધ પ્રોડક્શન હાઉસમાં ઈન્ટર્નશીપ કરતો તો કિસન વિવિધ એડ એજેન્સીમાં જતો. આમ ત્યારથી જ અમને અમારા ક્ષેત્રનું પ્રેક્ટિકલ નોલેજ મળવા માંડેલું અને અમને અમારા ક્ષેત્રમાં હથોટી આવવા માંડેલી.
હવે આજે તો અમે પોસ્ટગ્રેજ્યુએટ થઈ ગયા છીએ અને અમારા ઓળખીતાઓ અને અમારા ઘરવાળાઓના આશ્ચર્ય વચ્ચે અમે અમારા ક્ષેત્રમાં સારું કામ કરી રહ્યા છીએ અને ઉંચા પગારની નોકરી રહ્યા છીએ. કામની વ્યસ્તતાના કારણે હવે અમે રોજ મળી શકતા નથી. પરંતુ જ્યારે પણ મળીએ છીએ ત્યારે મરીનડ્રાઈવની પાળીએ બેસીને સૂર્યાસ્ત નિહાળીએ છીએ અને અમારા એ જૂના દિવસોને યાદ કરીને વાસ્તવિકતા અને વર્તમાન બની ગયેલા અમારા સપનાંને પંપાળી લઈએ છીએ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર