અમે અને અમારું વેકેશન
સ્કૂલમાં વેકેશનની શરૂઆત થાય એ વિશેના સમાચાર ક્યાંક વાંચવા મળે તો પારાવાર પીડા થઈ આવે છે. અને અચાનક જ વર્તમાનમાંથી ઉઠીને દિલ ભૂતકાળના તળાવમાં એક ડૂબકી મારી આવે છે. એસીની ચેમ્બરમાં બેઠા હોઈએ તોય કપાળ અને હોઠો પર થોડો પસીનો બાઝી જાય છે, વર્ષોથી ઘરમાં પણ સ્લીપર્સ વિના ચાલતા ટેવાઈ ગયેલા પગ ભરબપોરે કોઇ ધૂળિયા રસ્તા પર ચાલવા માંડે છે. એ રસ્તા પર ક્યાંક ગાય-ભેંસોના છાણના પોદળા પડ્યાં હોય છે તો ક્યાંક બાવળના કાંટા હોય, ક્યાંક એકાદ લોખંડની કટાયેલી ખીલી પણ તમારા માર્ગમાં હોય અને ધોમધખતા તાપમાં રસ્તો તપી ગયો હોય એ વધારાનો! પણ એ રસ્તા પર આખા દિવસમાં પચાસ આંટા મારતા કે દોડાદોડી કરતા સાત-આઠ છોકરાઓને આમાંનું કશું જ નથી નડતું. એમને તો એ રસ્તો ફૂલોની બિછાત જેવો લાગે છે અને એટલે જ આખા દિવસમાં તેઓ એ રસ્તા પર કેટલા આંટા મારે એની એમને ખબર સુદ્ધાં નહોતી પડતી!
આમ તો એ સાતેય એક જ ગામના. પણ સાતમાંના ચાર ગામની બાજુના નાના શહેરમાં રહેતા. ઉછેર એક સાથે થયેલો એટલે સાતેયને એકબીજા પ્રત્યે ખૂબ લાગણી. નાનકડા આ મિત્રોની મંડળી માત્ર સાત જણ પૂરતી જ મર્યાદિત નહીં. એમાં આઠમો-નવમો-દસમો પણ હોય. આખરે ગામના મિત્રોની ટોળી હતી આ! ઉનાળુ પરીક્ષાનું છેલ્લું પેપર હોય એ દિવસે જ બાજુના શહેરમાં વસતા પેલા ચાર ગામ ભેગા થઈ જાય અને મધ્ય એપ્રિલની એ બપોરથી શરૂ થતી ટીંગાટોળી છેક જૂન મહિનાની દસમી તારીખ સુધી લંબાય.
દોઢેક મહિનાના ગાળામાં આ ટોળી જાતજાતના પરાક્રમો કરે અને રોજ કંઈક ને કંઈક નવું કરીને પોતાનું બાળપણ અત્યંત યાદગાર બનાવે. દિવસના સામાન્ય ક્રાર્યક્રમમાં સવારે નવેક વાગ્યે ઉઠ્યાં પછી દસેક વાગ્યા સુધીમાં એ બધા ગામના ચોતરે ભેગા થાય અને એક દિવાલ પર કોલસા વડે ત્રણ સ્ટમ્પ પાડી પોતાની લાકડાની બેટ અને રબ્બરના લાલ દડાથી ક્રિકેટ મેચ રમે. બંને ટીમમાં ચાર-ચાર દોસ્તો વહેંચાય જાય, એકાદ ટીમમાં પાંચ પણ હોય અને પછી છ-છ ઓવરની મેચ રમાય. જેમાં એકાદુ ચિટિંગ કરે અથવા એકાદુ જાણીજોઈને ફાસ્ટ બોલિંગ કરે અને આવા કોઇને કોઇ કારણસર એ દોસ્તો એકબીજા સાથે ઝગડી પડે. કોઇક વાર ઝગડો એવો વ્યાપક હોય કે, એ દોસ્તોના અલાયદા લોર્ડ્સ ગ્રાઉન્ડ પર રમાતી એ મેચ રદ કરવી પડે અને દોસ્તો એકબીજાને ગાળો ભાંડતા ભાંડતા પોતપોતાના ઘરે પહોંચે.
સાડા અગિયારેકના એ સમયે ઘરે એમના દાદા-દાદી બાળકોની રાહ જોઈને જ બેઠાં હોય છે, જેઓ બાળકો આવતાં જ બપોરનું ભાણું કાઢે અને બધા સાથે મળીને જમી લે. જમતી વખતે બાળકોના દાદા-દાદી એમના વહાલસોયાઓને શીખામણ આપે છે કે, હવે જમીને તાપમાં બહાર રમવા નથી જવાનું. ઘરે જ બેસીને ટીવી જુઓ અથવા ઘોટી જાઓ. પણ તાપમાં લોહીના પાણી કરવા જવાનું નથી! જોકે બાળકોને પણ તાપમાં રખડવાનો થોડો કંટાળો જ આવતો એટલે તેઓ કોઇ બંધ ઘરના ઓટલા પર અથવા એ મિત્રોમાંના જ કોઇના ઘરના ઓટલે ગોટી પાના રમવા બેસે. આ રમત રમાય એમાં દાદા-દાદીની પેલી તાપમાં નહીં રમવાવાળી જીદ તો સંતોષાય પણ એમાં દાદા-દાદી માટે બકરું કાઢતામાં ઉંટ પેસવા જેવી સ્થિતિ થઈ જાય. એનું કારણ એ કે, જો છોકરાઓ પોતાને જ ઓટલે ગોટી-પાના રમવા બેસે તો છોકરાઓ દરેક બાજીએ ભયંકર કોલાહલ મચાવે અને સાથે જ્યારે તેઓ બાજી દરમિયાન ગોટી આવતા હોય ત્યારે સ્ટીલના વાટકામાં જોરજોરથી ખન્ન ખન્ન ખન્ન કરીને ગોટીઓ ફેંકે એ અવાજ વધારાનો!
આ અવાજને કારણે છોકરાઓએ દાદા-દાદીની થોડી ગાળો પણ ખાવી પડે અને છોકરાઓ પણ અંદર અંદર બાઝી પડે. પણ આ રમતમાં છોકરાનો ત્રણ વાગી જાય એટલે એમની બપોર નીકળી જાય. બપોરના ત્રણથી ચારનો સમય એટલે બાળકોનો ચ્હા-નાસ્તાનો ટાઈમ એટલે બધા પોતપોતાની ઘરે જાય અને મસ્તી કરતા, ટીવી જોતાં, લડતા-ઝગડતા ચ્હા-નાસ્તો કરતા ચારેક વગાડી નાંખે.
એમના ગામમાં વળી એક નદી બહુ મજાની. બાળકોના ઘરેથી એ નદીમાં નહીં નહાવા જવાનો મનાઈ હુકમ. પણ છોકરાઓ એમના વડીલોની વાત માને તો એમનું બાળપણ લાજે! એટલે ઘરે તેઓ એમ કહીને નીકળે કે, પાદરે રમવા જઈએ છીએ, અથવા વાડીમાં કેરી ખાવા જઈએ છીએ. પણ મંડળી આખી નદીએ પહોંચે.
નદીએ નહાતા હોય એટલે સ્વાભાવિક જ એક બીજી અન્ડરવેર કે લૂંછવા માટે ટુવાલ જોઈએ. છોકરાઓએ આના માટે ઈન્તેજામ એ કરેલો કે, એમણે એમના ઘરેથી એક જૂની અન્ડરવેર તફડાવી લીધેલી અને એને નદી કિનારે જ એક જગ્યાએ સંતાડતા અને ટુવાલ માટે તેમણે સોલજરી કરેલી અને સસ્તામાંના બે ટુવાલ લઈ આવેલા. એટલે જ્યારે પણ નદીમાં નહાવા પડે ત્યારે પેલી જૂની ચડ્ડી પહેરી લે અને કલાક- દોઢ કલાક નદીમાં ધૂબાકા લગાવીને આખી નદીને ફેંદી મારે. આમ ને આમ બાળકો તરતા પણ શીખી ગયા અને રોજના આ ક્રમને કારણે એમનું શરીર કસાયું એની વાત તો એમને છેક મોટા થયાં પછી સમજાઈ.
નદીએ જતાં પહેલા ક્યારેક તેઓ નાસ્તાની પણ વ્યવસ્થા કરતા અને નહાવા પહેલા કોઇક લારી પરથી વડાંપાવ કે સમોસા લેતા જતાં. નાહીને નીકળે એટલે છોકરાઓને ભયંકર ભૂખ લાગી હોય એટલે સીધા વડાંપાવ પર ત્રાટકે અને જે કંઈ લાવ્યા હોય એ સફાચટ કરી જાય. આવું કરતામાં સાડા છ જેટલા વાગી ગયા હોય અને એ બાળકોના ઘરની ગાયો પણ નદીની આસપાસના કિનારે જ ચરતી હોય એટલે બધા પોતપોતાની ગાયોને હંકારતા પોતપોતાના ઘરે પહોંચે. પછી થોડો સમય બાળકો એમના ઘરના ઓટલે બેસે અને પોતાની ગાયોના દૂધનું દોહન ચાલતું હોય એ જોયાં કરે. દૂધ કઢાય એટલે વીસેક મિનિટમાં સાંજનું વાળું તૈયાર થઈ ગયું હોય એટલે ઘરના ભેગા મળીને વાળું કરે અને પછી છોકરાઓ ટીવીની સામે ખોડાઈ જાય. જોકે એ દોસ્તોની મંડળી રાત્રે પણ એક મિટિંગ ભરે અને ગામને ચોતરે બેસીને રાત્રે અગિયાર સાડા અગિયાર સુધી વાતો કરે.
કંઈક આમ એ છોકરાઓ દિવસ પૂરો થતો અને કંઈક આમ જ એ છોકરાઓનું બાળપણ પૂરું થતું. જોતજોતામાં તેઓ ક્યારે મોટાં થયાં એની તો એ છોકરાઓને પણ ખબર નહીં પડી. મોટાં થયાં પછી સૌ પોતપોતાને રસ્તે પડ્યાં અને બધાની મંજીલો એટલી જુદી હતી કે, કોઇક મુંબઈની દિશામાં વળ્યું તો કોઇક અમદાવાદ ગયું. કોઇને બેંગ્લુરુ ફાવી ગયું તો કોઇને અમેરિકા ગળી ગયું. જોકે ગામ હજુ ત્યાંનું ત્યાં જ છે અને નદી પણ હજુ એમ જ વહે છે જેમ પહેલા વહેતી હતી. ફરક માત્ર એટલો પડ્યો છે કે, નદીમાં અનેક વહેણ વહી ગયા છે અને પેલા બાળકો એ વહેણમાં ક્યાંક વહી ગયા છે. અને હવે જ્યારે તેઓ વેકેશન વિશેના સમાચાર વાંચે છે ત્યારે એમના અંતરમાં ચચરાટ થઈ આવે છે. અને અખબારના પાનામાં તેઓ શોધ આદરે છે કે, એમનું બાળપણ ક્યાં ગયું?
(આશિષ પટેલ, બેંગ્લુરુ)
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર